ગુલમર્ગ : ફિરદૌસ રુહે ઝમીં .....
અમારી પહેલગામ મુલાકાત પૂરી થતી હતી. અમારે હવે જવાનું હતું ગુલમર્ગ. એ ગુલમર્ગ જેની પર લોકો સમરકંદ બુખારા ઓવારી જાય છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી એ હકીકત છે. પહેલગામથી ગુલમર્ગ જવા માટે વળી શ્રીનગર પસાર કરવું પડે. ગુલમર્ગ ને પહેલગામ બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે પહેલગામથી ગુલમર્ગનું અંતર છે લગભગ 140 કિલોમીટર. અમારા ડ્રાઈવર માટે આ અંતર અધધ હતું. એટલે એને ગાઈ વગાડીને કહ્યું હતું કે ગુલમર્ગ પહોંચતા પૂરાં પાંચ કલાક લાગી જશે એટલે બધા નવ વાગ્યે તૈયાર રહેજો. સહુ તૈયાર પણ હતા ને જેમ થાય તેમ જ આઇએસટી ,ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પર અમે સ્ટાર્ટ થયા. પહેલગામ છોડ્યું કે ગરમી વર્તાવા લાગી. કાશ્મીરમાં હોઈએ તો 25 ડિગ્રી પણ વધુ લાગે. રસ્તા પર અવરજવર હતી પણ ટ્રાફિક કહેવાય તેવી નહીં. અંતર વધુ હતું પણ બહારનો નઝારો, વનરાજી અને ચાલતી રસપ્રદ વાતો વચ્ચે ક્યારે શ્રીનગર આવી ગયું ખબર ન પડી. શ્રીનગરથી તો ગુલમર્ગ માંડ 50 કિલોમીટર દૂર છે. બારામુલ્લા ડિસ્ટ્રિક્ટમાં પડતાં ગુલમર્ગથી કોઈ હિન્દુસ્તાની અજાણ હોય...