શાંતિ,સંતોષ ને સંસ્કૃતિની રાજધાની : થિમ્પુ ભૂતાન 4

 

પારો પછી  અમારું ડેસ્ટિનેશન હતું થિમ્પુ . ભૂતાનની રાજધાની. પરંતુ તે પૂર્વે પુનાખાની મુલાકાતે જવાનું હતું. તેથી   જ્યારે અમે પારોથી થિમ્પુ થઈને પુનાખા તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે અમારા પ્રવાસની ઉત્સુકતા શિખરે હતી. પ્લાન ખૂબ જ આયોજનબદ્ધ હતો  રસ્તામાં સૌથી પહેલાં હિમાલયના પ્રખ્યાત પાસ પર રોકાવું, ત્યારબાદ પ્રખ્યાત ફર્ટિલિટી ટેમ્પલની મુલાકાત લેવી અને અંતે ભુતાનના સૌથી ભવ્ય અને ઐતિહાસિક પુનાખા ઝોંગ (કિલ્લા) સુધી પહોંચવું. અમારા ગાઈડે અગાઉથી જ ચેતવણી આપી હતી કે રસ્તામાં આવતી પહેલું ડેસ્ટિનેશન એટલે કે ડોઝોંગ વેલી (Dochula Pass) પર ખૂબ જ ઠંડી હશે, કારણ કે તે સમુદ્ર સપાટીથી ઊંચાઈ ૧૦ હજાર ફીટની પર આવેલી છે. અગાઉ સ્પીતિની ઠંડીનો અનુભવ એવો હતો કે અમે પૂર્ણ રીતે સજ્જ થઈને નીકળ્યા હતા. થિમ્પુથી પુનાખા તરફના રસ્તા પર આગળ વધ્યા, ત્યારે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનો વચ્ચે ઊંચેથી પડતાં ધોધ અને  વનરાજીનું સામ્રાજ્ય માણતાં  અમે ડોઝોંગ પાસ પર ક્યારે પહોંચી ગયા તે પણ ખ્યાલ ન રહ્યો.  અમારા ગાઈડની વાત આંશિકપણે  સાચી સાબિત થઈ; આ પાસ ચોક્કસપણે સમુદ્ર સપાટીથી આશરે ૩,૧૦૦ મીટર એટલે કે લગભગ ૧૦,૨૦૦ ફીટ (૧૦,૨૦૦ ft) ની ઊંચાઈ પર આવેલો છે! અહીં ઠંડી હતી પણ એવી નહીં કે હાથ ખુલ્લો ન રખાય.ખરેખર તો ગુલાબી ઠંડીનો  અહેસાસ રોમાંચક બની ગયો હતો.


આ જગ્યાનું મુખ્ય આકર્ષણ અહીં બનેલા ૧૦૮ સ્તૂપો (Chortens) છે, જેને સ્થાનિક ભાષામાં 'ડ્રુક વાંગ્યાલ ચોર્ટન્સ' (Druk Wangyal Chortens) કહેવામાં આવે છે. ટુરીસ્ટને પ્રશ્ન સહેજે થાય તેના ઉદ્ભવ વિષે . આ સ્તૂપ જૂનાં નથી. વર્ષ ૨૦૦૩માં ભૂતાનની  સુરક્ષા અને શાંતિ માટે થયેલી એક સૈન્ય કાર્યવાહી દરમિયાન શહીદ થયેલા ભુતાની સૈનિકોની યાદમાં આ સ્મારક સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્તૂપો ભૂતાનના ચતુર્થ રાણી  આશીએ દોરજી વાંગ્મો વાંગચુક દ્વારા નિર્માણ કરાવાયા છે. રસ્તાની વચ્ચે એક રમણીય ઊંચાઈ ધરાવતી જગ્યા પર છે, વાતાવરણ અને ચારે બાજુ બરફથી છવાયેલી હિમાલયની ગિરિમાળાઓનો નજારો એક અલૌકિક પરિમાણ રચે છે. 


સૌથી મહત્વની વાત છે આવા સ્થળે ટુરિસ્ટની આડોડાઈ અને જંગલીયત. દુનિયાભરમાંથી ટુરિસ્ટ આવતાં હશે પરંતુ ખાસ કરીને ભારતથી આવતાં સહેલાણીઓ અને કહેવાતાં ઇન્ફ્લ્યુન્સર્સ જે ત્રાસ કરે છે તેનાથી ત્યાંના નાગરિકો બોલશે કઈ નહીં પરંતુ તેમની બોડી લેન્ગવેજ ઘણું કહી જાય છે. અમે ખાસ તાકીદ કરવામાં આવી હતી કે આ સ્તૂપ પર ચઢીને કે બેસીને ફોટા પાડવા પર નિષેધ છે. કારણ એટલું જ કે આ મર્હુમ સૈનિકોના માનમાં નિર્માણ પામ્યા છે તે માટે એટલું તો ઘટે છે. સૌથી પહેલી વાત તો એ હતી કે આવી સૂચના આપવામાં કેમ આવી ? પૂછતાં જાણ્યું કે ભારતીય લોકો ફોટા પડાવવા કે રીલ બનાવવા માટે કોઈપણ હદ સુધી જાય જે કારણે તે લોકો આ સ્તૂપ પર ચઢી જાય તેવા દાખલ પણ બન્યા છે , માત્ર અહીં નહીં ધાર્મિક સ્થાનોમાં પણ આવા વાંદરાવેડા કરતા હોવાથી ઘણા સ્થાનો હવે ટુરિસ્ટ માટે એન્ટ્રી આપતા નથી. મર્યાદિત અંતરથી તે જોઈ શકાય છે. સ્તૂપનું મહત્વ સ્થાનિક લોકો માટે ઘણું પણ ટુરિસ્ટ માટે ફોટોગ્રાફી માટે છે. ત્યાં લગભગ કલાક વિતાવીને અમે આગળ પ્રસ્થાન કર્યું. 

અમારે જવાનું હતું ચીમી લાખાંગ. એટલે કે ફેર્ટીલીટી ટેમ્પલ જોવા માટે. જે આ સ્તૂપથી ઘણું દૂર છે. 

ડોઝોંગ પાસની ઠંડી અલોપ થવા લાગી હતી. એટલે લાગ્યું કે અમે હવે ઢોળાવ ઉતરીને પહાડની ખીણ વિસ્તારમાં આગળ જઈ રહ્યા છીએ. ચારે બાજુ ડાંગરના ખેતર દેખાવા માંડ્યા.  આખરે અમેસોપસોખા ગામ આવી પહોંચ્યા. પણ હજી મંદિર દૂર હતું.  લીલાછમ ડાંગરના ખેતરો અને સુંદર ગ્રામીણ વાતાવરણ વચ્ચે હળવા ચઢાણ લગભગ વિસ પચીસ  મિનિટ ચાલીને અમે પહોંચ્યા ચિમી લાખાંગ જેને વિશ્વભરમાં 'ફર્ટિલિટી ટેમ્પલ' તરીકે ઓળખવામાં આવે છે..


અમારી ગાઈડ સોનમે તે વિષે સવિસ્તાર કથા કહી પણ જે સમજાયું તે પ્રમાણે આ મંદિર ૧૪૯૯માં ચોગ્વેલ દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેનો ઇતિહાસ ભૂતાનના સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ સંત દ્રુકપા કુનલે સાથે જોડાયેલો છે, જેને પ્રેમથી લોકો 'ડિવાઈન મેડમેન'  કહેવામાં આવે છે. ૧૫મી સદીના આ સંતે પરંપરાગત રૂઢિચુસ્તતા સામે વિદ્રોહ કરીને, વ્યંગ, કવિતા અને અનોખી રીતોથી લોકોને ધર્મ અને જીવનનો સાર સમજાવ્યો હતો. એવી માન્યતા છે કે તેમણે આ પ્રદેશના રાક્ષસોનો નાશ કર્યો હતો. આ મંદિર વિશે એવી અતૂટ શ્રદ્ધા છે કે જે દંપતીઓને સંતાન સુખ ન મળતું હોય, તેઓ અહીં આવે તો તેમની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરની મુલાકાત દરમિયાન, લામા  દ્વારા મુલાકાતીઓના માથા પર પવિત્ર લાકડા અને હાથીદાંતમાંથી બનાવેલા પ્રતીક જેને ત્યાં ફૂલૂસ કહે છે તે પુરુષના પ્રજનન અંગ  તથા સંતના ધનુષ-બાણ દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓ પોતાના નવજાત શિશુના નામકરણ માટે પણ પાછા આવે છે. જોવાની ખૂબી એ છે કે જેમ આપણે ત્યાં લિંગની પૂજા થાય છે તે જ રીતે ત્યાં ફૂલૂસ પૂજાય છે. એટલું જ નહીં ત્યાંની પ્રજા મને છે કે તેના ચિત્રણ ઘરની બાહ્ય દીવાલો પાર હોવાથી ન ઘર પર વીજળી પડે છે કે ન કોઈ આફત આવે છે. ઘરની દીવાલો પર દોરેલા અસંખ્ય રંગબેરંગી પ્રતીકો અહીંની સંસ્કૃતિ અને આસ્થાનું અનોખું દર્શન કરાવે છે. ગામમાં સુવિનિયર વેચતી ઘણી દુકાનો છે. તમામ દુકાનોમાં બે જ ચીજ જોવા મળે એક તો થાન્ગકા પેઈન્ટિંગ્સ અને બીજા આ ફૂલૂસ. શ્રદ્ધાનો વિષય છે. ખરીદનાર ખરીદીને ઘરમાં રાખે છે. 


બપોર થઇ ગઈ હતી અને ગરમી પણ સારી એવી વધી ગઈ હતી. હવે બાકી હતો મુખ્ય ફોર્ટ પુનાખા ઝૉન્ગ. જેને ભૂતાનનો સૌથી સુંદર અને ઐતિહાસિક કિલ્લો માનવામાં આવે છે. આ કિલ્લો સમુદ્ર સપાટીથી આશરે ૧,૨૦૦ મીટરની ઓછી ઊંચાઈ પર આવેલો છે, જેના કારણે અહીંનું વાતાવરણ હૂંફાળું રહે છે. આ ઝોંગ બે પ્રખ્યાત નદીઓ ફો ચુ (પિતા નદી) અને મો ચુ (માતા નદી) ના સંગમ પર એકદમ વ્યૂહાત્મક રીતે બનેલો છે. કિલ્લામાં પ્રવેશવા માટે એક સુંદર લાકડાનો પુલ  ઓળંગવો પડે છે, જે ભૂતાની સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે.


આ ઝોંગની સ્થાપના ઈ.સ  ૧૬૩૭-૩૮માં ભૂતાનના એકીકરણકર્તા શાબદ્રુંગ  નાગ્યાલ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ ૧૯૫૫ સુધી પુનાખા જ  ભૂતાનની રાજધાની હતી. ભૂતાનના પ્રથમ રાજા યુગેન વાન્ગચૂકનો રાજ્યાભિષેક પણ ૧૯૦૭માં આ જ જગ્યાએ થયો હતો. આ ઉપરાંત, વર્તમાન પાંચમા રાજાના શાહી લગ્ન પણ આ જ ઐતિહાસિક કિલ્લામાં સંપન્ન થયા હતા. કિલ્લાની અંદર વિશાળ પ્રાર્થના હોલ, સેંકડો સાધુઓના રહેઠાણો અને અત્યંત સુંદર ભીંતચિત્રો જોવા મળે છે. વસંતઋતુમાં (ખાસ કરીને એપ્રિલ-મે મહિનામાં) જ્યારે કિલ્લાની આસપાસ નીલમહોર ((Jacaranda)ના  જાંબલી ફૂલો ખીલે છે, ત્યારે આ સફેદ દીવાલોવાળો કિલ્લો કોઈ સ્વર્ગીય મહેલ જેવો દેખાય છે. આ ત્રણેય સ્થળોની મુલાકાતે અમારી આ યાત્રાને માત્ર એક સામાન્ય પ્રવાસ ન રહેવા દેતા, પરંતુ ભૂતાનના આધ્યાત્મિક, પ્રાકૃતિક અને ઐતિહાસિક વારસા સાથે એક ગાઢ જોડાણ અનુભવ કરાવ્યો.


આખા દિવસના ભ્રમણ પછી અમે થિમ્પુમાં પ્રવેશ કર્યો. થિમ્પુ કેપિટલ સિટી હોવાથી શહેરી સ્પર્શ દેખીતો દેખાયો. સૌથી પ્રભાવશાળી છે બુદ્ધ ડૉર્ડનમા. એટલે કે  થિમ્પુની ઉપરની તરફ પહાડી પર આવેલી આ ૧૬૯ ફીટ ઊંચી વિશાળ સોનેરી બુદ્ધ પ્રતિમા આખા શહેરની ખીણ પર નજર રાખતી હોય તેવી પ્રતીતિ કરાવે છે. શહેરના કોઈ પણ સ્થળેથી આ પ્રતિમાના દર્શન થાય તેવી રચના છે, આ પ્રતિમાની અંદર હજારો નાની બુદ્ધ પ્રતિમાઓ સ્થાપિત છે. જ્યાં આ મૂર્તિ રખાયેલી છે તે સ્થળેથી  આખા થિમ્પુ શહેરનો અદભુત પેનોરેમિક નજારો જોવા મળે છે. જો કે અમે જયારે મુલાકાત લીધી ત્યારે તે મૂર્તિ અને આજુબાજુના એરિયામાં કામ ચાલી રહ્યું હતું. એ ઉપરાંત    શહેરની વચ્ચે આવેલો એક  સફેદ સ્તૂપ ભૂતાનના ત્રીજા રાજાની યાદમાં બનાવવામાં આવ્યો છે. અહીં સ્થાનિક લોકો સવારે અને સાંજે (Kora)  પ્રદક્ષિણા કરવા અને પ્રાર્થના કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. આ જગ્યા ભૂતાનીઓની ઊંડી આસ્થાનું કેન્દ્ર છે.

ભૂતાનમાં એક મહત્વની જગ્યા છે  લિવિંગ મ્યુઝિયમ અને હેરિટેજ વિલેજ , જ્યાં તમને ભૂતાનની પરંપરાગત જીવનશૈલી, લોકનૃત્યો, પરંપરાગત ડ્રેસ (Gho અને Kira) પહેરીને ફોટા પડાવવા, તીરંદાજી (Archery) શીખવા અને સ્થાનિક વાનગીઓ માણવાની તક મળે છે. સિમ્પલી ભૂતાન નામના આ મ્યુઝિયમમાં પરંપરાગત ડાન્સ અને સાથે ત્યાંના રાઈસ વાઇન કે બીયર ટેસ્ટ કરી શકાય છે.  સિમ્પલી ભૂતાન મ્યુઝિયમ ભૂતાનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો એક જીવંત અનુભવ પૂરો પાડે છે. આ સંગ્રહાલય ભૂતાનની પરંપરાગત જીવનશૈલી, આર્કિટેક્ચર, વસ્ત્રકળા અને હસ્તકળાને દર્શાવતી સુંદર પ્રદર્શનો ધરાવે છે, જ્યાં મુલાકાતીઓને થાંગકા પેઇન્ટિંગ્સ લાઈવ કેવી રીતે બને છે તે પણ પ્રત્યક્ષ જોવાનો અદ્ભુત લહાવો મળે છે. મુલાકાતીઓ માટે ત્યાં ભૂતાનની રાષ્ટ્રીય રમત તીરંદાજીનો રોમાંચક અનુભવ લેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

અમારી ટ્રીપ પૂર્ણ થવા આરે છે , અને તે માટે  સૌથી મોટું આકર્ષણ એ જ દિવસે છે, સવારમાં અમારે રોયલ તાકીન પ્રિઝર્વ નામની સેન્ચ્યુરી જોવા જવાનું હતું. થિમ્પુથી થોડે દૂર આવેલું આ   અભયારણ્ય ભૂતાનના રાષ્ટ્રીય પ્રાણી 'તાકીન' ( જે બકરા અને ભેંસ જેવું દેખાય છે)  માટે પ્રખ્યાત છે. પૌરાણિક માન્યતા પ્રમાણે 15મી સદીમાં ત્યાંના સંતે ગાય અને બકરાના માથાને જોડીને આ ચમત્કારિક પ્રાણીનું સર્જન કર્યું હતું. જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈક વર્ણસંકર ઘેટાંબકરાં કૂળનું પ્રાણી લેખી શકાય.જેનું અસ્તિત્વ  હવે જોખમમાં છે તેથી અભયારણ્યમાં રાખવામાં આવે છે. આખા પાર્કનો એરિયા હતો 8.4 એકર , એટલે આપણાં જેવા મુંબઈગરા જેને 25000 એકરમાં ફેલાયેલો સંજય ગાંધી નેશનલ પાર્ક જોયો હોય તે શું કરે ?

છતાં લટાર મારીને મન મનાવ્યું કારણ કે મુખ્ય આકર્ષણ તો હતું થિમ્પુનો માસ્ક ડાન્સ ફેસ્ટિવલ. આ ફેસ્ટિવલ સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં હોય છે. જેને સેચુ કહેવાય છે. અલબત્ત, આ ફેસ્ટિવલ જુદા જુદા સ્થળે ,જુદા જુદા સમયે ઉજવાતો હોય છે. જેની તારીખ ભુતાનીઝ કેલેન્ડર પરથી નક્કી થાય છે. થિમ્પુના પ્રખ્યાત અને વિશાળ કિલ્લા તાશિચો ઝોંગ જ્યાં રાજકીય કચેરી અને પાર્લામેન્ટ છે ત્યાં  વિશાળ ખુલ્લા ચોગાનમાં ઉજવવામાં આવે છે. આ કિલ્લો વાંગ ચુ નદીના કિનારે આવેલો છે અને અહીં જ આખો માહોલ ઉત્સવમય બની જાય છે.  સામાન્ય રીતે સવારથી જ આ વિસ્તાર  ધમધમવા લાગે છે અને સાંજ સુધી ચાલે છે. ભૂતાની કેલેન્ડર મુજબ સવારની  ધાર્મિક વિધિઓ સાથે તેની શરૂઆત થાય છે. આ ભૂતાનનો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર હોવાથી તેમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે. થિમ્પુ આજુબાજુના ગામો અને પહાડી વિસ્તારોમાંથી લોકો પોતાના પારંપરીક શ્રેષ્ઠ પોશાક (ઘો અને કિરા) પહેરીને આવે છે. આ ઉપરાંત દુનિયાભરમાંથી પ્રવાસીઓ પણ આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. અહીં લામાઓ અને પ્રશિક્ષિત કલાકારો દ્વારા પૌરાણિક કથાઓ પર આધારિત 'ચામ નૃત્ય' ( મહોરાં પહેરીને  કરવામાં આવતું પવિત્ર નૃત્ય) કરવામાં આવે છે.

આ માસ્ક કોઈ બૌદ્ધ ધર્મના પૌરાણિક દેવી-દેવતાઓ, રક્ષક આત્માઓ, ગુરુઓ અને પશુ-પક્ષીઓના પ્રતીક હોય  છે. જેમ કે ગુરુ રિનપોચે (ગુરુ પદ્મસંભવ) અને તેમના સ્વરૂપ,  ભૂતાનમાં બૌદ્ધ ધર્મ લાવનાર ગુરુ પદ્મસંભવ અને તેમના અલગ-અલગ ક્રોધિત તથા શાંત સ્વરૂપો દર્શાવતા ભવ્ય માસ્ક પહેરવામાં આવે છે.  ધર્મ અને સત્યનું રક્ષણ કરનારા ક્રોધિત દેવતાઓ મહાકાલ. અને ધર્મપાલના ડરામણાં  અને ભયાનક દેખાતા માસ્ક હોય છે, એવું મનાય છે જે નકારાત્મક શક્તિઓને ડરાવવા માટે હોય છે. સિંહ, વાઘ, ગરુડ, હરણ અને યમરાજના દરબારના પશુઓના માસ્ક પણ પહેરવામાં આવે છે, જે પ્રકૃતિ અને માનવ મનના વિવિધ સ્વભાવ દર્શાવે છે. આ બધા માસ્ક લાકડા, કાગળના માવા (પેપર માશે) અને ઓર્ગેનિક કહેવાય તેવા  મટીરિયલમાંથી કુશળ કારીગરો દ્વારા હાથથી બનાવવામાં આવે છે અને તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.


ખરેખર આ ચામ ડાન્સ  નૃત્યો માત્ર મનોરંજન માટે નથી, પણ તે એક પ્રકારની પવિત્ર ધ્યાન સાધના  છે.  મોટાભાગના નૃત્યો એ દર્શાવે છે કે કેવી રીતે દૈવી શક્તિઓ અને સારા વિચારો અંતે અસુર કે અસત્ય જેવી નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે આ પવિત્ર નૃત્યો જોવા માત્રથી માનવ મનના અંદર રહેલા ક્રોધ, લોભ, અહંકાર અને અજ્ઞાન જેવા દોષો નાશ પામે છે અને આત્મા પવિત્ર બને છે. આ નૃત્યો દર્શાવે છે કે આ સંસાર અસ્થિર છે અને મૃત્યુ પછી આત્મા કઈ અવસ્થામાંથી પસાર થાય છે. ક્રોધિત માસ્ક જોઈને ડરવાને બદલે એ સમજવાનું હોય છે કે તે આપણા જ ભય અને ખરાબ કર્મના પડછાયા છે, જેની પર આપણે જીત મેળવવાની છે.


અમે આ થિમ્પુ સેચુ જોવા માટે આખી ટ્રીપ પ્લાન કરી હતી, જયારે એ દિવસ આવ્યો ત્યારે અમે પણ કિરા જેવા પરિધાનમાં આ ઉત્સવમાં ભાગીદાર થવા પહોંચી ગયા હતા. એવું લાગ્યું કે આખું ભૂતાન આ નૃત્ય જોવા ઉમટી આવ્યું હતું. જોવાની ખૂબી હતી ત્યાંના નિખાલસ,ભોળા અને આનંદી લોકો. કાર્યક્રમ શરુ થઇ ગયો હતો અને અમે વચ્ચે વચ્ચે નડતરરૂપ થઇ રહ્યા હતા છતાં ન તો તેમના ચહેરા બગડ્યા ન તેમને ગુસ્સો આવ્યો. નવાઈની વાત એ રહી કે ત્યારે જ હળવો વરસાદ શરુ થઇ ગયો. અને અમારા જેવા વિદેશીઓને પોતાની છત્રીમાં લઇ લીધા. આવા નિખાલસ , નિસ્વાર્થ લોકો મળવા એ પણ એક અનુભવ રહ્યો. બાકી રહ્યો વરસાદ તો જાણવા મળ્યું કે તે આ તહેવારનું એક અનોખું અને દૈવી પાસું છે. તહેવાર દરમિયાન જો થોડો વરસાદ પડે, તો તેને ખૂબ જ પવિત્ર અને શુભ શુકન માનવામાં આવે છે.  સ્થાનિક લોકો અને ભૂતાની સંસ્કૃતિમાં એવી ગાઢ આસ્થા છે કે આ પવિત્ર ચામ નૃત્ય અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા માટે આકાશમાંથી દેવતાઓ અને રક્ષક આત્માઓ સ્વયં ઉપસ્થિત રહે છે. આ પવિત્ર પ્રસંગે પડતો વરસાદ એ વાતનું પ્રતીક છે કે વાતાવરણ અને ધરતી શુદ્ધ થઈ રહી છે, તમામ પ્રકારની નકારાત્મક ઊર્જા ધોવાઈ જાય છે અને લોકોના પાપ નાશ પામીને આગામી વર્ષ માટે સમૃદ્ધિ તથા સારા નસીબના આશીર્વાદ મળે છે.

એવા આશીર્વાદ સાથે અમે અમારી ટ્રીપ તો સાર્થક થઇ પણ ભૂતાનની ટ્રીપ ઘણાં અર્થમાં લાભદાયી રહી. કદાચ આપણે જિંદગીમાં એવા લોકોને મળ્યા છીએ જે ખરેખર ખુશ હોય ? પોતાની જાતથી ખુશ ,પોતાની ભૂમિથી ખુશ, પોતાની સંસ્કૃતિથી ખુશ, પોતાના રાજવીથી ખુશ. આ પ્રજા કોઈક જુદી માટીની બનેલી છે. ભૂતાનની કુલ વસ્તી છે સાડા સાત લાખ લોકોની. એટલે કે આપણા એક વોર્ડ કે એરિયાથી પણ ઓછી. અને તેમાંથી અઢી લાખ લોકો ઉચ્ચ અભ્યાસ માટે કે પછી નોકરી અર્થે વિદેશમાં છે. સદા ખુશ રહેતાં લોકોનો જીવન મંત્ર છે સંતોષ, એ સર્વવિદિત છે  કે આખી દુનિયામાં હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ભૂતાન મોખરે છે પણ શા માટે? કારણ છે સંતોષ. તમામ નાગરિક માટે શિક્ષણ અને હેલ્થકેર મફત છે. જો વિદેશમાં ઈલાજની જરૂર પડે તો સરકારના ખર્ચે તેમને ઇન્ડિયાની હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. સરેરાશ પ્રજા પોતાના રાજાથી ખુશ છે. ઇન્ડિયાને આ લોકો બિગ બ્રધર માને છે. કેમ ન માને ? ભારતે ઘણી મદદ કરી છે અને કરવી જ રહી કારણકે આ બફર નેશન છે. તેમની એક એક જીવન જરૂરિયાતની ચીજ ભારતથી આવે છે. ભૂતાનની આર્થિક આબાદી માત્ર ને માત્ર કૃષિ અને હાયડ્રો એનર્જી પર અવલંબે છે. ભૂતાનમાં સમ ખાવા પૂરતાં ઉદ્યોગ નથી. કોઈ કાર્બન પ્રદુષણ નહીં. હવે પર્યટન ત્રીજા સ્તંભ તરીકે ઉભરી રહ્યું છે. પરંતુ વધુ પડતાં ટુરીસ્ટના ધાડાં તેમના સુંદર દેશને બગાડી ન મૂકે તેની ચિંતા પણ સતાવતી હશે , એટલે જ SDFના નામે ટુરિસ્ટ પાસે વસૂલી થાય છે. 

એક અઠવાડિયાના પ્રવાસ દરમિયાન એક પણ પોલીસ કર્મચારી જોવા ન મળ્યો. હા , ટ્રાફિક પોલીસ જોયો પણ વિચાર આવ્યો કે અહીં ક્રાઇમ જેવો શબ્દ અસ્તિત્વમાં હશે ? નહીં જ હોય કારણ કે આખા ભૂતાનમાં એક માત્ર દૈનિક અખબાર છે તે પણ ઓનલાઇન. બાકી જે થોડાં સામાયિક છે ક્યાં વિકલી છે કે મંથલી. એ પણ વાત સાચી છે ને કે ન કોઈ ગુનાખોરી હોય ન ધરણાં  પ્રદર્શન થતાં હોય ન તો અખબાર કે ટીવી ચેનલ ચાલે ક્યાંથી ?

તમને પણ એ પ્રશ્ન થયોને કે તો...ટીવી પર શું ચાલતું હશે ? 

ટીવી પર ચાલે સાસ ભી કભી જેવી સિરીઝ , ક્રાઇમ પેટ્રોલ ... અને જોવાની ખૂબી એ છે કે સરેરાશ ભુતાની નાગરિક હિન્દી બોલે સમજે છે. થૅન્ક્સ ટુ ઇન્ડિયન સોપ્સ. 


હવે સમય છે થિમ્પુની વિદાય લેવાનો. અમે અમારી ગાઈડ સોનમને પૂછ્યું ક્યારે ઇન્ડિયા આવી છે? તેનો જવાબ હતો ના, એટલે પૂછ્યું આટલી સિરિયલ જોઈને આવવાનું મન થાય ? એક ઘડી વિચારીને કહે છે .ના ,ડર લાગે. ઇન્ડિયા તો ક્રાઇમ પેટ્રોલમાં જોયું છે ને... તેનો ડર સાચો નથી પણ વાત ખોટી નથી. 

ભૂતાન, સરેરાશ ભારતીય માટે દૂર ગગનનો પ્રદેશ છે. જ્યાં એક અઠવાડિયાની સેર તમારા તન મન અને આત્માને તરબતર કરવા પૂરતી છે.

સમાપ્ત


Comments

Popular posts from this blog

Tracing Myths & Mountains

Dzuleke: Into the Mist and Beyond

Why Dhurandhar Hits Hard And Why It's Bothers Many