ભૂખરાં પહાડનું મણિ
દીમાપુર એરપોર્ટ પર અમે અમારા ગ્રુપને મળ્યા , કોઈ મેંગ્લોરથી હતું તો કોઈ બેંગ્લોરથી , થોડા અમારી જેમ મુંબઈથી અને અમદાવાદથી પણ. સહુ કોઈ યંગ ટર્ક. સહપ્રવાસીઓ તેમની ત્રીસીમાં હતા. તમામ પાસે એક કોમન શોખ હતો અલગારી રખડપટ્ટી. અમારી યાત્રા શરુ થઇ.પહેલીવાર એવું બન્યું કે ગ્રુપમાં અમે સૌથી મોટા હતા. જવાનું હતું ઝુલેકે નામના એક ગામે. દીમાપુરથી માત્ર 80 કિલોમીટર દૂર હતું, અમારી ફ્લાઇટ તો સમયસર હતી પણ થોડા લોકો મોડા પડ્યા તેથી વેન ઉપડી લગભગ દોઢના સુમારે. મનમાં હતું 80 કિલોમીટર એટલે બેથી સાવ બે કલાક તેથી વધુ શું ? પણ, ના એ ગણતરી પહાડોમાં ન મૂકી શકાય. વાહન ગમે તે હોય રસ્તાને , વાતાવરણને અને જો ટ્રાફિક હોય તો તેને ગણતરીમાં લીધા વિના છૂટકો નહીં. તો દીમાપુરથી અમારી યાત્રા ઝુલેકે તરફ શરૂ થઈ.જેમ સાંભળ્યું હતું તે પ્રમાણે અમે કલ્પના કરી હતી બિસ્માર રસ્તાની, પહાડી વિસ્તાર એટલે હેરપીન બેન્ડથી લઈને મનમાં આસામના ટ્રાફિકનું ચિત્રણ પણ તાજું હતું , કલ્પના કરી હતી તેવું કશું ન બન્યું. રસ્તા સારા હતા, વાતાવરણ પણ સારું હતું. ઠંડક ખરી પણ ઠંડી નહીં , શિયાળો બેસી રહ્યો હોય...