પારોની પરિક્રમા : ભૂતાન ડાયરી 3
પારોમાં અમારી હોટેલ શહેરથી દૂર એક શાંત જગ્યા પર હતી. અમારા ગાઈડના કહેવા પ્રમાણે દૂર , જે આપણા માટે લગભગ એક કિલોમીટર અંતર પણ ન કહેવાય. અમે હોટેલ પર જઈને જોયું તો એ હતી ડાંગરના ખેતરો વચ્ચે. જ્યાં જુઓ ત્યાં નજરે ચઢે લહેરાતો ડાંગરનો પાક અને ગિરિમાળા. સાથે નીલરંગી આકાશ અને સોનેરી સૂર્યપ્રકાશ, જાણે પિક્ચર પરફેક્ટ. તે સાથે જ સ્વાગત થયું મિલ્ક ચા સાથે. જે આપણી ચા હોય તેવી જ પરંતુ યાકના દૂધમાં બનેલી હતી અને તેમાં ઉપરથી મેળવાયો હતો તજનો ભૂકો. એટલી રિફ્રેશિંગ ચા હતી કે જે બનાવવાનો પ્રયત્ન ઘરે આવીને કર્યો તો ધારી સફળતા ન મળી. કદાચ મૂળ તત્વ હશે થાક. આખા દિવસની મુસાફરીના થાકને કારણે તે આટલી તાજગીસભર લાગી હશે એવું માની લઉં છું. બીજી સવારે અમારા અન્ય સાથીઓ ખૂબ વહેલી સવારમાં વિશ્વપ્રસિદ્ધ ટાઇગર નેસ્ટની રોમાંચક અને કપરા ચઢાણવાળા ટ્રેક પર નીકળી જવાના હતા તે તો નક્કી હતું. ને અમારો પ્લાન પણ સેટ હતો. થકવી નાખનાર ટ્રેક કરવા કરતાં નક્કી કર્યું હતું કે પારોભ્રમણ કરવું. પ્લાન પારો શહેરની સ્થાનિક ધરોહર , ઇતિહાસ અને ત્યાંના આકર્ષણોને ખૂબ જ શાંતિથી અને નજીકથી માણવાનો...