પારો : પહાડ, પાણી ને પવિત્રતાનો સંગમ, ભૂતાન ડાયરી 2
દુનિયાભરમાં મશહૂર એવી આ ટાઇગર મોનેસ્ટ્રી સુધી પહોંચવા માત્ર શ્રદ્ધા નહીં શક્તિ પણ જોઈએ. વહેલી સવારે અમારે ફુટશેલિન્ગથી પારો જવાનું હતું . પહેલેથી તાકીદ કરવામાં આવી હતી કે સમયસર નીકળવું જરૂરી છે . અમારી ગાઈડ સોનમ આખી ટ્રીપ દરમિયાન અમારી સાથે રહેવાની હતી . તરવરાટભરેલી યુવાન સોનમ ખુશખુશાલ ચહેરે અમને તેના ખાસ પ્રકારની હિન્દીમાં વાતો કરતી રહી . તેના આ પ્રકારના હિન્દી સાંભળીને અચરજ તો થયું પણ એ વાતનો રહ્સ્યોસ્ફોટ તેણે પોતે જ કરી દીધો . ભૂતાનમાં આપણી હિન્દી સિરિયલોના પ્રતાપે ત્યાંની પેઢી હિન્દી બોલી શકે છે . માત્ર સોનમ જ નહીં ડ્રાઈવર ને અન્ય લોકો પણ ફાંકડું હિન્દી બોલી રહ્યા હતા . ભારતીય સરહદને અડીને આવેલા ગેટ - વે સમાન કૂટશેલિન્ગથી શરૂ કરીને સાંસ્કૃતિક નગરી પારો સુધીનો પ્રવાસ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવાનો પ્રયાસ નથી . તેમની સંસ્કૃતિ , જીવનશૈલી અને ખાસ તો તેમની માનસિકતાને નજીકથી અનુભવવાની એક સફર છે . આશરે ૧૪૦ થી ૧૬૦ કિલોમીટરની સફર એક આલ્...