યે વાદીયાં બુલા રહી હૈ હમેં
गर फिरदौस बर रुए ज़मीं अस्त, हमीं अस्तो, हमीं अस्तो, हमीं अस्त... પૃથ્વી પર અગર જો કોઈ સ્વર્ગ હોય તો તે કશ્મીર, કશ્મીર અને કશ્મીર. મુઘલ બાદશાહ જહાંગીર પોતાના ન્યાય માટે પંકાયો એના કરતાં વધુ બદનામ થયો ઈશ્કે મિજાજી માટે. ના, માત્ર નૂરજહાં તરફની આસક્તિ નહીં, શરાબ અને કશ્મીરના સૌંદર્યનો નશો એટલો ભારે હતો કે એ રાજકાજ સંભાળવા ને બદલે કાશ્મીરમાં જ પડ્યો પાથર્યો રહેતો હતો. એટલે હિન્દુસ્તાન પર બાદશાહ જહાંગીર ની નહીં, નૂરજહાં હકૂમત ચાલતી હતી. કાશ્મીર એવો પ્રદેશ જે પોતાના સૌંદર્ય ને કારણે હમેશા ચર્ચામાં રહ્યો એટલે જ તો સદીઓથી ભારતનો સરતાજ કહેવાય છે. એવા સ્વર્ગની સૌથી પહેલી મુલાકાત 1975 માં. નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એક જિજ્ઞાસુ વિદ્યાર્થીનીનું અવલોકન શું હોય શકે? ત્યારે સૌથી વધુ મનભાવન લાગ્યા હતા ફૂલના સામ્રાજ્ય. તે સમયે કાશ્મીર સળગ્યું નહોતું. શાંતિમય વાતાવરણ, બોબી ફિલ્મમાં આવેલો એક બંગલો જોવામાં રસ વધુ હતો. બીજું હતું આકર્ષણ શિકારામાં સેર કરવાનું. બસ, નાનાં મનની નાની નાની ઈચ્છાઓ. એ પૂરી થઈ ગઈ અને થોડાં જ વર્ષોમાં જન્નત કાશ્મીર જહન્નમ બની ગયું....