ચલ કહીં દૂર નિકલ જાયેં...
યુઝમર્ગ જેવા સ્વર્ગમાંથી નીકળીને અમારે જવાનું હતું દૂધપથરી, એકથી બીજા સ્વર્ગમાં. શ્રીનગરથી ખાસ દૂર નથી, સવારે જઈને સાંજે પાછા ફરી શકાય એવા અંતરે. 40 કિલોમીટર દૂર. મોટાભાગે લોકો એ જ વિકલ્પ લે છે. આમ તો શ્રીનગરની આસપાસ જે નાનાં સુંદર ડેસ્ટિનેશન છે તે ભૂલ્યા ન ભુલાય પણ કુદરત ના વૈભવ ને મઢવાની વાત છોડી selfie કે રીલભૂખ્યાં ટુરિસ્ટ ને ત્યાં જલસો પડી જાય . દૂધપથરીના પણ રંગરૂપ અનેક. ગયા માર્ચ મહિનામાં જયારે મુલાકાત લીધી હતી ત્યારે ફર કોટ પહેરીને મહાલતી કોઈ લલના જેવું રૂપ હતું. ગ્રીષ્મની શરૂઆત અને હિમ પીગળવાની શરૂઆત થઇ ચૂકી હતી તેથી ઠેકઠેકાણે કીચડ પણ હતો. ફિલ્મોમાં સ્નોમાં રોમેન્ટિક સીન્સ એક વાત છે ને હિમમાં એક કલાકથી વધુ ટકી શકવું બીજી વાત છે. એક ચોક્કસ પોઇન્ટથી નદી સુધી જતાં ઘૂંટણભેર સ્નોમાં પગ ખૂંપી જવાથી મજા સજા જેવી લાગી હતી. ને એ જ વેલી સપ્ટેમ્બર મહિનામાં ગ્રીન કાર્પેટ પાથરીને અછોવાનાં કરતી હોય તેમ સાદ દેતી હતી. કોઈ કહી ગયું છે ને બદલતે લોગ બદલતે રિશ્તે ઔર બદલાતા મૌસમ ચાહે દિખાઈ ન દે પર મહસૂસ તો હોતે હૈ .. અહીં તો ખેલ જુદો હતો. આ કુદરત હતી મ...