ગુલમર્ગ : ફિરદૌસ રુહે ઝમીં .....





અમારી પહેલગામ  મુલાકાત પૂરી થતી હતી.  અમારે હવે જવાનું હતું ગુલમર્ગ. એ ગુલમર્ગ જેની પર લોકો સમરકંદ બુખારા ઓવારી જાય છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી એ હકીકત છે. 

પહેલગામથી ગુલમર્ગ જવા માટે વળી શ્રીનગર પસાર કરવું પડે. ગુલમર્ગ ને પહેલગામ બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે પહેલગામથી ગુલમર્ગનું અંતર છે લગભગ 140 કિલોમીટર. અમારા ડ્રાઈવર માટે આ અંતર અધધ  હતું. એટલે એને ગાઈ વગાડીને કહ્યું હતું  કે ગુલમર્ગ પહોંચતા પૂરાં પાંચ કલાક લાગી જશે એટલે બધા નવ વાગ્યે તૈયાર રહેજો. સહુ તૈયાર પણ હતા ને જેમ થાય તેમ જ આઇએસટી ,ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પર અમે સ્ટાર્ટ થયા. 

પહેલગામ છોડ્યું કે ગરમી વર્તાવા લાગી. કાશ્મીરમાં હોઈએ તો 25 ડિગ્રી પણ વધુ લાગે. રસ્તા પર અવરજવર હતી પણ ટ્રાફિક કહેવાય તેવી નહીં. અંતર વધુ હતું પણ બહારનો નઝારો, વનરાજી અને ચાલતી રસપ્રદ વાતો વચ્ચે ક્યારે શ્રીનગર આવી ગયું ખબર ન પડી. શ્રીનગરથી તો ગુલમર્ગ માંડ 50 કિલોમીટર દૂર છે. 


 બારામુલ્લા ડિસ્ટ્રિક્ટમાં પડતાં ગુલમર્ગથી કોઈ હિન્દુસ્તાની અજાણ હોય શકે ? મિલિટન્સીએ જોર પકડ્યું એટલે હિન્દી ફિલ્મોમાંથી કાશ્મીર વિસરાયું અને આપણે આલ્પ્સની બ્યુટી જોતાં થઇ ગયા. આલ્પ્સનો પોતાનો ચાર્મ ખરો પણ હિમાલયન સુંદરતાનો કરિશ્મા અલગ છે એ તો સૌ કોઈ માનશે. વેસ્ટર્ન હિમાલયની પીરપંજાલ રેન્જમાં બેઠું છે ગુલમર્ગ.

હિન્દી ફિલ્મોની અસર કેટલી જબરદસ્ત હોય છે કોણ નથી જાણતું ? અમે પહેલગામમાં હતા ત્યારે બોબી બંગલા યાદ આવી ગયો. બોબી ફિલ્મમાં હમ તુમ એક કમરે મેં બંધ હો  ગીતથી અમર થઇ ગયેલું આ કોટેજ આજે પણ બોબી બંગલાને નામે ઓળખાય છે. અમારા ગાઈડનો  અનુરોધ હતો કે અમે બોબી બંગલાની મુલાકાત લઈએ પણ અમને એમાં ખાસ રસ નહોતો પણ ગુલમર્ગના નામ સાથે મને રફુચક્કર ફિલ્મનું ગીત યાદ આવતું હતું. તુમ કો મેરે દિલ ને પુકારા હૈ બડે નાઝ સે ....એક સમયે મારા મોસ્ટ ફેવરિટ સ્ટાર કપલની  આ બકવાસ (હવે લાગે) એવી ફિલ્મ જો ભૂલ ન થતી હોય તો બે કે ત્રણવાર જોઈ હતી. એમાં ગુલમર્ગની બ્યુટી એટલી આબાદ રીતે ઝડપી છે કે આજે પણ તાજી છે.

 ગુલમર્ગની મેડોઝ ઓફ ફ્લાવર્સ એમ જ નથી કહેતા. કાશ્મીર ઘાટી વસંતમાં ફૂલોથી છવાઈ જાય છે ને  આ તો ગુલમર્ગ. ફૂલોની વાદી . 

એક  સમયે આ ગુલમર્ગનું નામ હતું ગૌરી માર્ગ , ચક ડાયનેસ્ટીના રાજવી યુસુફ શાહે એનું નામ કર્યું ગુલમર્ગ , એમની માનીતી  રાણી હબ્બા ખાતુનને નામે. એક થિયરી એવી પણ છે કે ચક ડાયનેસ્ટીના રાજવીઓ મુસ્લિમ નહોતા.  એમણે પાછળથી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. હબ્બા ખાતૂન નામ થોડું પરિચિત લાગે ને ? 

એ હતી કવિયત્રી . રાણી હતી એ . ઈ.સ 1579 થી 1586 સુધી આ યુસુફ શાહે કાશ્મીર પર રાજ કર્યું ને કહેવાય છે અકબર ને બે વાર કરારી  શિકસ્ત આપનાર આ રાજવી હતો. જો એના દરબારીઓએ દગાફટકાથી અકબર સાથે હાથ ન મેળવ્યા હોત તો કદાચ અકબર કાશ્મીર પર ફતેહ કરવામાં ક્યારેય સફળ ન રહેતે. તો પુત્ર જહાંગીર , એની પ્યારી નૂરજહાં માટે આટલાં બગીચાઓ કઈ રીતે નિર્માણ કરતે?

આ તો થઇ એક આડવાત પણ રસ પડે એવી હતી એટલે ઉલ્લેખવી જરૂરી લાગી. 
યુસુફ શાહના સમયમાં ગુલમર્ગ આનંદપ્રમોદની રાજધાની હતી. 8690 ફિટની ઊંચાઈ પર રમતના મેદાનો હતા.  અકબરે કાશ્મીર જીતી લીધા પછી એ વિસ્તારોમાં  ખાસ રસ દાખવ્યો નહોતો. એને આગ્રા સિવાય ક્યાંય ગોઠતું નહીં ને જહાંગીરને આગ્રામાં ગોઠતું  નહીં. તુઝકે જહાંગીરીમાં એ ઉલ્લેખ પણ છે. જહાંગીરથી આગ્રાની ગરમી સહન થતી  નહોતી.એનું માનવું હતું આગ્રા તો  ગાય ભેંસ રાખવા માટેની જગ્યા છે. એટલે એ કાશ્મીરમાં જ રહેવું પસંદ કરતો હતો. એ વિષે વધુ વાત પછી ક્યારેક. પણ, શ્રીનગરમાં જહાંગીરે જે બગીચાઓ નિર્માણ કરાવ્યા તેમાં રોપવા પ્લાન્ટ્સ ગુલમર્ગથી લઇ જવામાં આવ્યા હતા.


અમે ગુલમર્ગ પહોંચ્યા ત્યારે સાંજ થઇ ગઈ હતી. હવા એકદમ ઠંડી ને ક્રિસ્પ ,  ગુલમર્ગમાં પ્રવેશતાં સામે જ નજર આવે  ગોલ્ફ કોર્સ. દુનિયાનું સૌથી મોટું ગોલ્ફ કોર્સ હોવાનો ખિતાબ એને નામે બોલે છે. જે શિયાળામાં ભારેખમ હિમવર્ષામાં સ્કી રેન્જમાં તબદીલ થઇ જાય છે. એટલે કે 8690 ફિટ પર ગોલ્ફ કોર્સ ને સ્કીઈંગ ફિલ્ડ પણ. એની લંબાઈ કેટલી ? લગભગ50 કિલોમીટર , એટલે શ્રીનગરની પશ્ચિમ સરહદ સુધી સ્કી કરીને પહોંચી શકાય. એવું થતું નથી ,માત્ર સખામણી કરી છે. એશિયાના નામી ગણાતાં ગોલ્ફ કોર્સમાં એની ગણના થાય છે. અમારા એક સાથી સ્મિતા પટેલ ગોલ્ફ પ્લેયર રહ્યા છે. એ તો આ ગોલ્ફ કોર્સ જોઈને માર્મિક સ્મિત કરી રહ્યા. 




આ શિયાળા દરમિયાન સ્કીઈંગ સ્લોપ બની જાય.  લંબાઈ માપવા જઈએ તો વિશ્વનું સૌથી વધુ લંબાઈ વાળું સ્કીંઇંગ સ્લોપ . એની બ્યુટી છે કે પાઉડર જેવો સ્નો ફોલ થાય એટલે સ્કીઈંગ કરનાર માટે પ્રિય. બ્રિટિશર્સ હતા તે સમયે ત્યાં સ્કીઈંગ કલબની ક્લબની સ્થાપના થઇ હતી ત્યારથી આજ દિન સુધી દર વર્ષે સ્કીઈંગ કોમ્પિટિશન આયોજિત થાય છે.  અવ્વલ દર્જાનું હોવા છતાં વિશ્વમાં એનો નંબર સાતમો આવે કારણકે કોઈ બેઝિક સુવિધાઓ આજ સુધી કોઈ સરકાર વિકસાવી શકી નથી.


                                                           
આઝાદી પછી ભારતીય સેના એ 1948માં  હાઈ ઓલ્ટીટ્યુડ વોરફેર ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી છે. અહીં  એક આડવાત જરૂરી , જો કારગિલ પ્રકરણ યાદ હોય તો. પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ  પરવેઝ મુશર્રફ હાઈ ઓલ્ટીટ્યુડ વોરફેરમાં માસ્ટર હતા. તે વખતે એ લશ્કરી વડા હતા. તે વખતના વડાપ્રધાન અટલબિહારી બાજપાયી અને નવાઝ શરીફ સાથેની (લાહોર યાત્રા) મંત્રણામાં ઉપસ્થિત ન રહીને એમને સિગ્નલ આપી દીધું હતું પણ ન્યુ દિલ્હીને સમજાયું નહોતું. પછી જે થયું તે                                                                           કારગિલ પ્રકરણ. 

આપણી આ ઇન્સ્ટિટ્યૂટ સેનાના જવાનોને તૈયાર કરે છે પણ, જો ફક્ત માઉન્ટનિયરિંગમાં રસ હોય અને શીખવા જવું હોય તો તેને માટે અલાયદી એક ઇન્સ્ટિટ્યૂટ છે. જ્યાં  ત્રણ મહિનાના કોર્સ  ચાલે છે. એમાં કોઈ પણ (શારીરિકરીતે ફિટ ) વ્યક્તિ તાલીમ લઈ શકે છે. 

શ્રીનગરમાં 27 ડિગ્રી ટેમ્પરેચર હતું અને ગુલમર્ગમાં સાંજ સાથે જ વાતાવરણમાં ઠંડક જામવા  માંડી. યાહૂ વેધર તો 8 ડિગ્રી બતાવતું હતું પણ ગુલાબી ઠંડી લાગતી હતી. 

ગુલમર્ગમાં સાઈટસીઇંગના પોઇન્ટ ઓફ વ્યુથી જુઓ તો કંઈ જ નથી. એક છે ગોન્ડોલા  રાઈડ.બીજો એક વિકલ્પ છે ખિલનમર્ગ  જવાનો. ખિલનમર્ગ મોટાભાગના ટુરિસ્ટ જાય છે ગાઈડના કહેવાથી. આ જગ્યા ખરેખર તો સ્કીઈંગ પેરેડાઇઝ છે.  એમાં પણ વિન્ટરમાં જયારે સ્નો જામ્યો હોય તો એને જોવાની મજા અલગ છે. 

 અમને આ  વિકલ્પમાં રસ નહોતો. વળી જોયું પણ છે એવા કોઈક ઉદ્દેશથી જવાનું મન નહોતું. એવું જ ગોન્ડોલા  રાઈડ માટે હતું. વધુ વિકલ્પમાં એક હતો સમર પેલેસ ,જે હવે મ્યુઝિયમમાં ફેરવાયો છે અને એક શિવાલય જેને   મહારાણી મંદિર કહે છે. 

જ્યાં ટુરીસ્ટના ટોળાં વળ્યાં હોય એવા excursion છોડીને કોઈક એવી જગ્યા જોવી હતી જે ખરેખર અનોખી હોય. અમારો ડ્રાઈવર કમ ગાઈડ ખાસ ઉપયોગી નહોતો. હોટેલના રિસેપ્શન પર આડીઅવળી વાત કરતાં  અચાનક જ અમને કોઈએ સૂચવ્યું : આપ બુટાપાથરી  જાઈએ .

આ બૂટાપાથરી છે શું ? એનું તો અમે નામ પણ નહોતું સાંભળ્યું. રિસેપ્શન પરથી જાણવા મળ્યું તે પ્રમાણે 25 કિલોમીટર દૂર આવેલું આ ગામ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર , લાઈન ઓફ કંટ્રોલ પર આવેલું છેલ્લું ગામ છે. એમાં રહીશ છે માત્ર ને માત્ર ગુર્જર અથવા ગુજ્જર જાતિ. જે કાશ્મીરની નોમેડિક , એટલે કે વિચરતી જાતિ છે. અહીં જવા માટે પોલીસ અને આર્મીની બંનેની પરમિશન જરૂરી છે. અત્યાર સુધી આ વિસ્તાર ટુરિસ્ટ માટે ખુલ્લો મુકાયો નહોતો. છેલ્લા બે વર્ષથી અહીં ટુરિસ્ટની એન્ટ્રી માન્ય છે પણ સવારના નવથી સાંજના પાંચ સુધી જ. 

આ વાત  રોમાંચક લાગી. અમે રિસેપ્શનિસ્ટ દ્વારા હાયર કરેલી ટેક્સીમાં જવું એમ નક્કી કર્યું. 
અહીં અમારા 8 જણના ગ્રુપના બે ભાગ પડી ગયા. એક ગ્રુપને ગોન્ડોલા રાઈડ કરવી હતી અને અમને આ ગામ જોવામાં રસ હતો. 

સવારે બે ગ્રુપ પોતપોતાની રીતે નક્કી કરેલા પ્રોગ્રામ મુજબ જશે એમ નક્કી થયું અને સહુ ડિનર માટે ગયા. 
રોજ સવારે પંજાબી રોટી સબ્જી દાલ ખાઈને મારું  ગુજરાતી પેટ રડી રહ્યું હતું. મારા જેવી જ હાલત મારા ગુજરાતી સાથી એવા રચના ને મધુની હતી. અમને તો પાસ્તા ખાવા હતા, ડોસા ખાવા હતા પણ એનું કોઈ ઠેકાણું પડે એવું લાગતું નહોતું. મને શું સૂઝ્યું  તે ડિનરમાં જમવાને બદલે મિનસ્ટ્રોન સૂપથી કામ ચલાવવું એમ નક્કી કર્યું.  ડિઝર્ટમાં સ્વીટ ખાવાને બદલે અમે નિર્દોષ હુક્કાને ન્યાય આપ્યો. મ્યુઝિક સાથે હુક્કાપાણી કરી અમે મોડી રાત્રે રૂમ  ભેગાં થયા. 


સવારે એલાર્મ વાગ્યું ને ઊંઘ તો ઉડી પણ આંખ ખુલે નહીં. થોડી ક્ષણ પછી ડાબી આંખ તો ખુલી પણ જમણી તો લગીરે ન ઉઘડે. ઉઠીને મિરરમાં જોયું તો આંખનું પોપચું સૂજીને દડા જેવું થઇ ગયેલું. એટલું જ નહીં ચહેરાની સ્કિન પણ જાણે કોઈએ નહોર માર્યા હોય તેમ ઉતરડી ગયેલી. હળવી ચીસ નીકળી ગઈ મોઢામાંથી.  એ ક્ષણે મારા મગજમાં કેટલાં રોગના નામ આવી ગયા એ લખવા જેવું નથી. મિત્ર બની ગયેલી રચનાએ મને ધરપત આપી. શક્ય છે સૂપમાં કશુંક તને એલર્જી કરી ગયું હોય. ઈટ વિલ બી ઓકે , ડોન્ટ બોધર.  
લો બોલો , એમ કંઈ ચિંતા મટી જાય ?

અમારી ટેક્સી આવી ગઈ હતી. બ્રેકફાસ્ટ કરીને જલ્દી ભાગવાનું હતું. વળી , પોલીસ ને આર્મીની પરમિશન પણ લેવાની બાકી હતી. 

અમે ટેક્સીમાં બેસીને હાશકારો લીધો . ટેક્સી ડ્રાઈવર હસમુખ નાનકડો યુવાન હતો. એ જ તમામ પરમિશનનો બંદોબસ્ત કરવાનો હતો. અમારે ફક્ત પૈસા ચૂકવવાના હતા. એક કાર કે ટેક્સી પર રૂ 700 ચૂકવીને પરમિશન મળે છે.  ગુલમર્ગથી આ ગામ 25 કિલોમીટર નથી માત્ર 9 કિલો મીટર દૂર છે. ખોટી માહિતી આપવાવાળા એક વ્યક્તિના 700 માંગે છે. 

અમે એ પરમિશન લઈને પછી પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થયા. પ્રતિબંધિત એ સંદર્ભમાં કે અહીં ટુરીસ્ટને હમણાં જ પ્રવેશ મળવો શરુ થયો છે. જે શક્ય છે તાલિબાનને જોરે નાચતી પાક સરકાર છમકલાં કરે  ને LOC પર જોખમ લાગે તો આર્મી ગમે ત્યારે આ વિસ્તાર સહેલાણી માટે ફરી બંધ પણ કરી દે. આ વિસ્તારમાં આર્મી પેર્સોનલને પણ રાત્રે રહેવા પર મનાઈ છે. ફોરેસ્ટ ઓફિસર પણ રાત્રે વિઝીટ કરી શકે નહીં. ત્યાં વસે છે માત્ર ને માત્ર ગુજ્જર કે ગુર્જર અને બકરેવાલ  જાતિ. 

પરમિશન અને બાકીની ફોર્માલિટી પૂરી કરીને અમે અંદર પ્રવેશ્યા. ખરેખર સ્વર્ગ આવું જ હશે એવી પ્રતીતિ થઇ રહી હતી. ચારે તરફ નિસર્ગના નાદ સિવાય કશું જ નહીં. અમે નીકળ્યા ત્યારે હળવાં ઝાપટાં થઇ ગયેલા. વનરાજી તો મહેક મહેક થાય.હરિયાળીને પણ પચાસ શેડ્ઝ હોય એ પહેલીવાર જોયું ને ઉપર પડતો  સોનેરી ઝાંયવાળો  તડકો. 

અમારા ડ્રાઈવરે એક જગ્યાએ કાર ઉભી રાખી. સતિશય સુંદર ઝરણું વહી રહ્યું હતું. અમારા જેવા બે ચાર રડ્યાખડ્યા ટુરિસ્ટ હતા. અમે આવ્યા ને એમને વિદાય લીધી. 

એક નાની ટપરી પણ હતી. માટીના ગારામાંથી બનેલા ચૂલામાં લાકડાં જલી રહ્યા હતા. ઉપર પાણીની દેગ હતી. ટુરિસ્ટ આવે તો ચા કે મેગી મળી રહી હતી. 

અમે જઈને ઝરણાંને કાંઠે રહેલા પથ્થરો પર બેઠા. ખળખળ વહેતાં ઝરણાંમાં  વેગ  જબરદસ્ત હતો. પાણીમાં પગ મૂક્યોને કરંટ અનુભવ્યો. પહેલગામની બેતાબ વેલીમાં પણ આમ કર્યું હતું પણ અહીં તો પાણી સરખામણીમાં ખૂબ  વધારે ઠંડુ હતું , જાણે હિમકણી ચટકી  રહી હતી. 
કેમેરા તો અટક્યો ન અટકે, શું કેદ કરવું ને શું જવા દેવું ?

વીસ મિનિટ સુધી સતત ક્લિક  કર્યા પછી જોયું તો ફોટા તો આ નઝારાને 1/10 પણ ન્યાય નહોતા કરી રહ્યા.ફોટા લેવાનું કામ બાજુએ મૂક્યું ને થયું કે ચાલો મનમાં જ ઝીલી લઈએ આ ક્ષણ , ફરી મળે ન મળે...

થોડીવાર બેઠાં ત્યાં એક નાનો છોકરો આવ્યો, ટપરીવાળો જ વળી. : મેડમ , મેગી ખા લો. યે પાની મેં મેગી કે સ્વાદ અલગ હોતા હૈ. 

અમને ભૂખ તરસ ન હોવા છતાં મેગી ને કાહવા ઓર્ડર કર્યા . મેગીનો સ્વાદ પાણીને લીધે નહીં એમાં નાખેલા લીલાં મરચાંને કારણે જુદો હતો. હું તો ભારે તીખું ખાવાની શોખીન,  છતાં મને આટલી ઠંડકમાં પરસેવો છૂટી ગયો. કાહવામાં મધને બદલે સાકર ધપકાવી હતી. એક પેપરકપ કાહવામાં પાંચ ચમચી સાકર નાખી હશે , એટલે એ પણ નકામી ગઈ. 

પણ રચના ને શું સૂઝ્યું તે કહે : 
'આ પાણીમાં મેડિસિનલ પ્રોપર્ટી હોવી જ જોઈએ. તું આ આ કપને આઈ કપની જેમ વાપર.'


આમ પણ આંખો દડા જેવી હતી. સાથે કોઈ આઈ ડ્રોપ્સ તો લઈ નહોતી ગઈ. બજારમાં જઈને મેડિકલ સ્ટોર શોધું એ પહેલા થયું  કે લેટ્સ ટ્રાય .ગુમાવવાનું કશું હતું નહીં. 
કાહવાને પાણીમાં વહાવીને એ જ કપમાં પાણી ભરી લીધું.
જોયું તો કોઈ અશુદ્ધિ  નરી આંખે તો જણાતી નહોતી. બરફ જેવા પાણીમાં વારાફરતી આંખ ડુબાડી રાખી .  સોજો સાવ જતો રહ્યો એમ તો ન કહી શકાય પણ આંખ પર ભાર લાગતો હતો તે ઓછો થઇ ગયો. શક્ય છે આ ફેઈથ હીલિંગ હોય , પણ જે હોય તે આ અનુભવ શેર કરવા જેવો લાગ્યો. 

બહાર આવ્યા ને મેગી ને ચાના પૈસા ચૂકવવા ગયા . તો ટપરીવાળાએ કહ્યું મેગીના 100 ને કાહવાના 50. 
આ એક માત્ર આજીવિકાનું સાધન હશે એમ લાગ્યું.

આ તો થયું પણ હવે ?

બસ, એ હતું લાસ્ટ પોઇન્ટ , એથી આગળ કાર ન જઈ શકે. જો જવું જ હોય તો ઘોડા પર જવું પડે. ચાલીને પણ ન જવાય. એ પ્રતિબંધિત છે. સિક્યોરિટી રિસ્ક ને કારણે હોય શકે. ઘોડા પર સવારી કરીને હિલ પર વધુ ઊંચાઈએ જઈ શકાય જ્યાંથી  LOC નજરે ચઢે છે. અમે ઢોળાવ પર હતા. બોર્ડર જોવા ચઢવું અનિવાર્ય હતું.

ઘોડા પર તો બેસવું નહોતું ને ચઢવાની તૈયારી નહોતી. અમારો મૂળ રસ તો હતો બુટાપાથરી ગામ જોવાનો અને ત્યાંના લોકોને  મળવાનો.

એ લોકો ટુરિસ્ટ સાથે ખાસ વાત નથી કરતા ને ઘરમાં તો નહીં જ આવવા દે. અમારા ડ્રાઈવરે કહ્યું. 

અમને એના જવાબની પડી નહોતી. 

અમે કહ્યું , ચલ તો સહી , આગે દેખા જાયેગા....

ક્રમશ:




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen