नष्टो मोहः
વાત તો એકદમ સહજ હતી. સોશિયલ મીડિયા શું આવ્યું બાળપણની ગુમાઈ ગયેલી સખીઓ ફરી જીવંત થઇ ઉઠી. છેલ્લે મળવાનું થયેલું શેફાલીના લગ્નમાં. એ સૌથી છેલ્લે પરણેલી. ત્યાં સુધીમાં અલકા ,અમીતા , ઝંખના , તારિણી ,રૂબી , મમતા , પૂર્વી સહુ કોઈ પરણીને પોતાના સંસારમાં વ્યસ્ત થઇ ગયા હતા. શેફાલીના લગ્નમાં સહુએ આવવાનું મન હતું પણ , પણ કોઈને ત્યાં દિયરના લગ્ન હતા કોઈને ત્યાં નણંદ ડિલિવરી માટે આવી હતી એટલે મળવાનો આનંદ અધૂરો રહી ગયો હતો પણ હવે જઈને કોઈ યોગ બન્યો હતો. શેફાલી તો લગ્ન કરીને યુએસ ગઈ હતી. સહુ કોઈ લગ્નગાળામાં ક્યારેય મળી પણ જાય પણ શેફાલી ? એ ઇન્ડિયા આવતી જ નહોતી એવો પણ પ્રશ્ન થાય. ફેસબુકમાં સહુને શોધ્યા પછી અમૃતાએ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવી દીધું . જે રોજ કલબલાટથી ભરાઈ જતું. એ દિવસો યાદ આવતા જયારે ક્લાસમાં આવો શોર મચાવ્યો હોય ત્યારે મિસ મેકવાન સહુને ઠપકો આપીને ચૂપ કરતા. પણ. આ કલબલાટ ઝાઝો ના ટક્યો. તે વખતે આ બધી મુગ્ધા હતી . હવે એ પ્રગલ્ભ પ્રૌઢાઓ. જેને માથે હતી કુટુંબની જવાબદારી , સ્વાસ્થ્યની સમસ્યા ને બાકી હોય તેમ પોત...