નયી ઉમ્ર કી નયી ફસલ..


સોશિયલ મીડિયા પર જે ધમધમ ધૂરંધર માટે ચાલતી હતી ત્યારે ધૂરંધર જોઈ નહોતી એટલે ત્યારે  લખવું ઉચિત નહોતું લાગ્યું .જોયા પછી ખ્યાલ આવ્યો કે દર્શક શું જોઈને ટંકશાળ પાડે છે. જો કે એકતરફ ટંકશાળ અને બીજી તરફ માછલાં ધોનાર બંને પાર્ટીની ખોટ નથી. સોશિયલ મીડિયા અને કેટલાક વર્તુળોમાં ‘ધૂરંધર’ ફિલ્મને ‘પ્રોપેગેન્ડા’ કહેવામાં આવી તે સામે, રામગોપાલ વર્માએ કડક પ્રતિક્રિયા આપી. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ‘પ્રોપેગેન્ડા’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે તે લોકો કરે છે, જેઓ કોઈ ખાસ દૃષ્ટિકોણને સ્વીકારી શકતા નથી.
“જો કોઈને લાગે છે કે આ ફિલ્મ પ્રોપેગેન્ડા છે, તો તેમને શાંતિથી બેસવાના બદલે પોતાની ફિલ્મ બનાવીને તેનો જવાબ આપવો જોઈએ. સિનેમા પોતાનો મત વ્યક્ત કરવાનો એક માધ્યમ છે, અને દરેક નિર્દેશકને પોતાનું પક્ષ રજૂ કરવાનો સંપૂર્ણ હક છે.” રામ ગોપાલ વર્માએ એ પણ કહ્યું કે બોલીવૂડ માટે ‘હોરર’ એટલા માટે છે કે  આ ફિલ્મ તે મેકર્સ માટે ડરામણી છે, જેઓ માનતા હતા કે દર્શકો પોતાનું ‘દિમાગ ઘરે મૂકી’ ફિલ્મ જોવા આવે છે. ‘ધૂરંધર 2’ એ તે ‘ઉડતા હીરો’નો યુગ ખતમ કરી દીધો છે, જે હીરો ક્યારેય ઘાયલ થતા નહોતા. રણવીર સિંહનું પાત્ર (જસકીરત) ઇજા પણ ભોગવે છે અને તેને દુ:ખ પણ થાય છે, જે તેને વધુ વાસ્તવિક બનાવે છે. આ તો થયો એક ફિલ્મ મેકરનો મત. પણ સામાન્ય માણસ જુદું વિચારે છે. એને થાય કે ભાઈ, હિન્દી ફિલ્મોએ દાયકાઓ સુધી પંડિત ને ધૂર્ત પાખંડી બતાવ્યો , વાણિયા ને કાળાબજાર કરતો બતાવ્યો ને સાથે સાથે એક ચોક્કસ કોમને ગરીબ , નેક પરસ્ત,બંદો બતાવ્યા કર્યો ત્યારે ક્યાં કોઈ વિરુદ્ધ પ્રતિભાવ આપ્યો હતો , પણ કોઈ વાત પર ઓવારી જવાનું મન થાય તો એ ન કરવાનું? જોવાની ખૂબી એ છે કે .મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં આરડીએક્સ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર તથા ગુજરાત અને ખાસ કરીને આખા  અમદાવાદને  છાશવારે બાનમાં લેનાર અબ્દુલ લતીફને ગ્લોરીફાય જસ્ટીફાય કરતી શાહરૂખ  "રઈસ"  બનાવે તો ચાલે  કે પછી દાઉદ ઈબ્રાહિમની બહેનને ગ્લોરીફાય કરી જસ્ટીફાય કરતી મુવી હસીના પારકર હોય....    એ કોનો પ્રોપેગેન્ડા ?ત્યારે એવું ન લાગ્યું ?  એવી સેક્યુલર-તટસ્થ  જમાતને   ધૂરંધર અંગે બળાપો કાઢતા જોઈને ગુસ્સો ન આવે બલકે આનંદ મળે.
વાંધો તો , આ લોકો ને અજીત ડોભાલને પ્રતિબિંબિત કરતાં કેરેક્ટર  સામે પણ છે. અલા ભાઈ, વાંધો વિરોધ શા માટે હોવો જોઈએ ? 
સ્પાય માસ્ટર આર એન કાઉ , રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના સર્જક 


ખરેખર તો વાંધો એ હોવો જોઈએ કે એમના પણ ગુરુ કહી શકાય તેવા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના જનક આર એન કાવ પર એક પણ ફિલ્મમેકરને જીવનમાં એક પણ ફિલ્મ બનાવવાનું ન સૂઝ્યું.  અરે, કેટલા જાસૂસોની યશસ્વી કામગીરી રહી છે એના બલિદાનને ઉજાગર કરવાને બદલે ,ભારતના લોકો સામે દર્શાવવા ને બદલે રવીન્દ્ર કૌશિકને  રોમાન્સ કરતો બતાડી એના બલિદાનનો કચરો કરી નાખ્યો. ટાઇગરને સાવ ફિલ્મી કરી નાખ્યો છતાં લોકો ઓવારી ગયા હતા. 
આપણે સાચા ટાઇગરને વિસરી ગયા 



એક સરબજીત હતો, એક કુલભૂષણ યાદવ છે , જે હજી પાકિસ્તાન ની જેલમાં સબડે છે એને પણ એના હાલ પર છોડી દેવાયેલો ..

કુલદીપ જાદવ હજી પાકિસ્તાનની જેલમાં સબડે છે. 


35 વર્ષ સુધી પાકિસ્તાનમાં ટોર્ચર થયા પછી પણ આ ભડનો બચ્ચો કહે છે કહે છે કોઈ દેશ માટે કંઈપણ કરી શકું ચુ. 


એક હતા કશ્મીર સિંહ. પંજાબના વતની . એના વિશે જાણવું હોય તો ગૂગલ કરી લેજો.એ નસીબદાર બંદાને વતન પરત આવવાનો મોકો મળ્યો. 2008 માં પાકિસ્તાનથી યાતના ભોગવીને આ કશ્મીર સિંઘ વતન પંજાબ આવી શક્યા ત્યારે તેનું જબરદસ્ત સ્વાગત થયેલું પણ બસ આગળ કશું નહીં. જો કોઈ ફિલ્મ મેકર ચાહતે તો ધાંસુ ફિલ્મ બનાવી શક્યા હોત. મોટાભાગના જાસૂસો ગુમનામીની ગરીબીની ગર્તામાં ગુમાઇ જાય છે તેવું કશ્મીર સિંહ સાથે પણ થયું. તો ત્યારે એ  વિષય પર ફિલ્મ બનાવવાનું કોઈ ને ન સૂઝ્યું ?

આ તો માત્ર બે ચાર દાખલા છે . આ લોકો ગોપનીય જ રહે છે ક્યારેય જાહેરમાં ન આવી શકે. જ્યારે શહાદત વહોરે ત્યારે જ આપણને જાણ થાય.
પ્રશ્ન એ છે કે કોઈ ધૂરંધર જેવી ફિલ્મ બનાવે, માનો કે એ પ્રોપેગંડા હોય તો એ હિટ થઈ જાય ? તો પછી મોદીની બાયોપિક કેમ પિટાઈ ગઈ ?

ભક્ત ભક્ત કરીને ચીસો પડનારા ભૂલી જાય છે કે ભક્તો જ્યારે ત્યારે વિરોધમાં પણ બોલે છે પણ વિરોધીઑને તો ઊંઘતા વેચાઈ જવાય તેવી પરિસ્થિતિ પોતાના પક્ષ માટે સર્જનાર પણ મસીહા જેવા લાગે ..તો હકીકતમાં ભક્ત કોણ ?

ભારતીય એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના જનક આર એન કાઉ શું વિભૂતિ હતા એ ગૂગલ પર અને તેમના ઉપર પ્રકાશિત પુસ્તક વાંચીને પણ નક્કી કરવું અઘરું છે કારણકે અત્યંત ઓછું બોલનાર આ ધૂરંધર ક્યારેય કોઈ પત્રકારને કે પછી લોકોને મળતા નહીં. અનાયસે મળવું પડે તો ભાગ્યે જ બોલતા . જે લોકોને એમને મળવાનો મોકો મળ્યો હશે તેમને આ વાત ખબર હશે. એમના વિશે કોઈ ફિલ્મ બની ?
રો બનાવવામાં ઇન્દિરા ગાંધીનું યોગદાન હતું . એ બળકટ સંસ્થાને મોરારજી દેસાઈએ શું નુકશાન પહોંચાડ્યું હતું એ પણ સહુ જાણે જ છે.
નહીં જાણનાર માટે ઉલ્લેખ કરવો પડે કે રોના જાસૂસોએ પોતાના પ્રાણ પર દાવ કરીને કાહુતા માં પાકિસ્તાન ન્યૂક્લિયર બોમ્બ બનાવે છે તેવી માહિતી મેળવી હતી.
મોરારજીભાઈએ શું કર્યું ?
જમીને પાન ચાવતાં ચાવતાં ડોસાઓ કુથલી કરે તેમ દિલ્હીથી  ફોન ઠોકી દીધો ઇસ્લામાબાદ. તે વખતે સામે  ઝિયા ઉલ હક્ક હતો. કેમ ભાઈ ? આપણી વાત તો મિત્રાચારીની થઈ છે પછી આવું કરાય તમારાથી ? અમને ખબર છે કે તમે શું ન્યૂક્લિયર પ્રવૃતિ કરો છો.ખલાસ, વટાણાં વેરી દીધા . 
એક વડાપ્રધાન લેવલની વ્યક્તિ આવી બાલિશ? બેજવાબદાર? ખરેખર તો શબ્દ વાપરવો છે ભોટ.. બેવકૂફ. ..ને  પરિણામ ? જનરલ ઝિયાએ તો  તરત જ કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું. વીણી વીણીને ભારતના કાબેલ જાસૂસો ને મારી નાખ્યા હતા.
એક માણસની બેવકૂફી કારણે આપણા યુવાન બહાદૂર લોકો હણાઈ ગયા. કેમ એ વિષય પર ફિલ્મ બનાવવાનું કોઈને ન સૂઝ્યું ? ના પણ ત્યારે ડર એ હતો કે આવી ફિલ્મ બને ને આપણી ચોક્કસ વોટબેંક નારાજ થઈ જાય તો?
ત્યારે કોણ રોકતું હતું ભાઈ ?
કાશ્મીરમાં મુફ્તી મહોમ્મદ સઈદ ની દીકરીનું અપહરણ થયું ને પછી જેને માટે પાંચ JKLF ના ત્રાસવાદીઑને છોડી દેવામાં આવ્યા એ વિષય પર પણ ફિલ્મ બની શકતી હતી. કેમ ન બની ? ત્યારે તો વી પી સિંહ પીએમ હતા. આ વાતને એક સાઝિશ લેખાય છે. એક થિયરી એવી પણ છે કે દીકરીના અપહરણમાં સઈદ પોતે પણ શામેલ હતા. પોતે DCM હતા પણ કેન્દ્ર સરકાર પર પ્રેશર ટેક્ટિકસ કરવા એ plan થયેલું. તો એના પર કેમ ફિલ્મ ન બની ? એ લોકોએ કાશ્મીરમાં શું આતંક ફેલાવેલો એ વિશે ઘણી માહિતી open sorce પર છે.

આ પ્રકારના વિષય પર કેમ કોઈ ફિલ્મો બનતી નહોતી ? રોકનાર બીજું કોઈ નહીં પોતાનો સ્વાર્થ હતો. 
પણ હવે એ ફિલ્મો બને ત્યારે રોકકળ કરવાથી શું વળે?

જો કે આ લોકોની રોકકળ સમજી શકાય એવી છે . મનોહર પરિકર જ્યારે ડિફેન્સ મિનિસ્ટર બન્યા ત્યારે તેમણે એક જાહેર સભામાં  કહ્યું હતું કે ભારતના બે વડાપ્રધાનોએ બહુ વરવી ભૂમિકા ભજવી છે.  સામે તરત એક પક્ષે વિરોધ શરૂ કરી દીધો. એમને થયું કે પરિકરનો ઈશારો મહાન કુટુંબ સામે હતો. પછી સમજાયું કે તેમનો મહાન કુટુંબ સામે નહીં પણ ઈશારો તો હતો મોરારજી દેસાઈ અને આઇ કે કે ગુજરાલ સામે હતો... પછી થયું હત્તેરીની, આ તો કાચું કપાઈ ગયું. ગોકીરો ગણગણાટમાં ફેરવાય ગયો ને પછી શાંતિ...

અલબત , 
થોડા લોકો ભલે આવી ફિલ્મોને  વખોડે.. એમનો મત છે. પણ હકીકતે પબ્લિકને હંમેશા એવું જાણવામાં રસ હોય જે છાપામાં છપાયા પછી પણ ગોપિત રહેતું હોય.
મેજર ઈકબાલને ઇલિયાસ કાશ્મીરી જેવો બતાવવાથી એ જ હોય જરૂરી નથી. એ ઘણાં બધા લોકોમાંથી ઉદભવેલુ  એક પાત્ર છે. તે જ રીતે જસકીરત રાંગીનું કેરેક્ટર કેટલા બધા પાત્રોનું મિશ્રણ છે.  જમીલ જલાલીનું કેરેક્ટર પાકિસ્તાનના એક સમયના શિપિંગ મિનિસ્ટર  નબીલ ગબોલ પર આધારિત છે. એ રિયલ લાઇફમાં એવા કોમેડિયન નથી. એમાં પણ સિનેમેટિક લિબર્ટી લીધી જ છે.

નવલકથાઓમાં , ફિલ્મોમાં historical fiction થી લઈને થ્રીલર હોય છે. જેમાં પોએટિક લિબર્ટી લેવાતી જ હોય છે. જેમ કે આપણે લતીફને  મસીહા ન સ્વરૂપે જોયો ?
ફિલ્મનું સૌથી સબળ પાસું છે ચાર કલાક પ્રેક્ષકને ખુરશીમાંથી ખસવા ન દેવો. 
જેને જે માનવું હોય તે માને પણ ફિલ્મને એક ફિલ્મ તરીકે ન્યૂ એજ સિનેમા તરીકે પણ જોવા જેવી તો ખરી. 
શક્ય છે આપણે ત્યાં પણ હોલીવુડ મૂવીમાં એક સમય હતો USA vs USSR નો તેવો સ્પાય કમ ઇન્ડિયા પાક થ્રિલરનો યુગ આવી જાય..નવી જોનર છે , આવકાર્ય છે. ભલેને ફિક્શન હોય કે પછી ઇતિહાસના પાનેથી ઘટનાઓ લઈને થ્રીલર બનાવી હોય. 

 રામગોપાલ વર્મા એ એક વાત તો સાચી કહી કે  નિર્દેશકોએ પોતાની આગામી ફિલ્મ શરૂ કરતા પહેલા ‘ધૂરંધર 2’ને ઘણી વાર જોવી જોઈએ, જેથી તેઓ સમજી શકે કે હવે દર્શકોની પસંદગી બદલાઈ ગઈ છે. 

..ને આપણે તો જોયું છે ને કે ઘણીવાર વિરોધ વિવાદ સર્જીને વધુ કમાણી કરી આપે છે.



Comments

Popular posts from this blog

Tracing Myths & Mountains

Dzuleke: Into the Mist and Beyond

Hornbill, Hills and Hard Truths from Nagaland