પારોની પરિક્રમા : ભૂતાન ડાયરી 3
પારોમાં અમારી હોટેલ શહેરથી દૂર એક શાંત જગ્યા પર હતી. અમારા ગાઈડના કહેવા પ્રમાણે દૂર, જે આપણા માટે લગભગ એક કિલોમીટર અંતર પણ ન કહેવાય. અમે હોટેલ પર જઈને જોયું તો એ હતી ડાંગરના ખેતરો વચ્ચે. જ્યાં જુઓ ત્યાં નજરે ચઢે લહેરાતો ડાંગરનો પાક અને ગિરિમાળા. સાથે નીલરંગી આકાશ અને સોનેરી સૂર્યપ્રકાશ, જાણે પિક્ચર પરફેક્ટ. તે સાથે જ સ્વાગત થયું મિલ્ક ચા સાથે. જે આપણી ચા હોય તેવી જ પરંતુ યાકના દૂધમાં બનેલી હતી અને તેમાં ઉપરથી મેળવાયો હતો તજનો ભૂકો. એટલી રિફ્રેશિંગ ચા હતી કે જે બનાવવાનો પ્રયત્ન ઘરે આવીને કર્યો તો ધારી સફળતા ન મળી. કદાચ મૂળ તત્વ હશે થાક. આખા દિવસની મુસાફરીના થાકને કારણે તે આટલી તાજગીસભર લાગી હશે એવું માની લઉં છું.
બીજી સવારે અમારા અન્ય સાથીઓ ખૂબ વહેલી સવારમાં વિશ્વપ્રસિદ્ધ ટાઇગર નેસ્ટની રોમાંચક અને કપરા ચઢાણવાળા ટ્રેક પર નીકળી જવાના હતા તે તો નક્કી હતું. ને અમારો પ્લાન પણ સેટ હતો. થકવી નાખનાર ટ્રેક કરવા કરતાં નક્કી કર્યું હતું કે પારોભ્રમણ કરવું. પ્લાન પારો શહેરની સ્થાનિક ધરોહર, ઇતિહાસ અને ત્યાંના આકર્ષણોને ખૂબ જ શાંતિથી અને નજીકથી માણવાનો હતો. પારોમાં એક દિવસ વિતાવવા માટે સવારથી સાંજ સુધીની આ એક અદ્ભુત યાત્રા હતી. તે માટે અમે કાર હાયર કરી લીધી હતી.
| પારોની સુંદરતા છે તેના વાતાવરણમાં. છૂટાંછવાયાં ઘર અને તેની બાંધણી ,ઉપરથી હેન્ડપેઇન્ટેડ દીવાલો છજ્જા સ્તંભ.એવું લાગે કે આ પ્રજા સ્લો લિવિંગને જીવી જાણે છે. |
પારો એ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ ત્યાંની અદ્ભુત ભૌગોલિક સ્થિતિ, સમૃદ્ધ સંસ્કૃતિ અને જીવનશૈલી આખા પ્રદેશને ખૂબ જ ખાસ બનાવે છે. સમુદ્ર સપાટીથી લગભગ સાત હજાર ચારસોથી સાત હજાર નવસો ફૂટની ઊંચાઈએ આવેલું છે અને તેનું કુલ ક્ષેત્રફળ આશરે 1293 ચો.કિલોમીટર જેટલું છે. એટલે કે મુંબઈ કરતાં લગભગ બમણું ત્રગણું , આ પ્રદેશ ચારેય બાજુથી ઊંચા-ઊંચા પર્વતો અને શિખરોથી ઘેરાયેલો છે જ્યાંથી પારો નદી વહે છે અને જેના કિનારે ફળદ્રુપ ખેતરો તથા સુંદર ગામ આવેલા છે જ્યાંનું હવામાન મોટે ભાગે સમશીતોષ્ણ રહે છે , શિયાળામાં ભારે ઠંડી તથા ઉનાળામાં આહલાદક વાતાવરણ અનુભવાય છે. સૌથી રસપ્રદ વાત છે આટલા વિશાળ વિસ્તારમાં એટલે કે પારો જિલ્લાની કુલ વસ્તી છે આશરે પચાસ હજારની, જે આસપાસ દસ અલગ અલગ ગામમાં અને પારો નગરમાં વસે છે. એટલે રસ્તા પર ન ભીડ નજરે ચઢે ન ટ્રાફિક. હોર્ન મારવા પર પ્રતિબંધ છે. આટલી ઓછી વસ્તી એટલે ઘર મોટાં, આજુબાજુ ખુલ્લી જગ્યામાં ઊગેલાં રંગબેરંગી ફૂલ ને વનરાજી. ઘર ચોક્ક્સ રંગના. મોટે ભાગે નૈસર્ગિક રંગ. સુંદર લાકડાના મકાનો, ટિપિકલ ભૂતાની સ્ટાઇલના. તેની ઉપર હાથેથી ચીતરેલા ધાર્મિક ચિન્હો અને સુરક્ષા કવચ. આખા વાતાવરણને ખાસ આયામ આપે છે. એક પણ મકાન પાસે પાસે નથી. ભૂતાનના કડક નિયમો તથા કારણે મોટાભાગના નાગરિકો દેશમાં રહે છે. જ્યારે ઉચ્ચ શિક્ષણ કે તાલીમ માટે અમુક નાગરિકો ભારત અથવા પશ્ચિમી દેશોમાં જાય છે પરંતુ મોટા પ્રમાણમાં વિદેશમાં કાયમી વસવાટ કરવાનું પ્રમાણ અહીં નહિવત જેવું છે કારણ કે સરકાર પોતાની જનસંખ્યા અને સંસ્કૃતિને સાચવવા માટે કડક નીતિઓ ધરાવે છે. આંખે ઉડીને વળગે તેવી સ્વચ્છતા પછી બીજી મનને ગમે તેવી વાત છે ત્યાંની પ્રજાનો વ્યવહાર. મિતભાષી પ્રજા ન તો લોભી કે લાલચુ છે ન તો અપ્રમાણિક. એક ઘડી એવો પણ વિચાર આવે કે અહીં પોલીસ તંત્ર હશે ખરું ? તેવી રળિયામણી સવારે અમારી આનંદી ગાઈડ સોનમ સાથે અમે પારો ફરવા નીકળી પડ્યા.
શરૂઆત પારોના પ્રસિદ્ધ નેશનલ મ્યુઝિયમથી થઈ, જે પારો ખીણની ઉપર એક ટેકરી પર આવેલું છે. ત્યાં માર્યાદિત થાન્ગકા પેઈન્ટિંગ્સ અને હસ્તકલાના નમૂના થતાં માસ્ક પ્રદર્શિત થયા છે. આ વોચ ટાવર ભૂતાની વાસ્તુશાળાનો એક ઉત્તમ નમૂનો છે જેમાં કોઈ પણ પ્રકારની લોખંડની ખીલીઓ વગર લાકડા અને પથ્થરથી અદ્ભુત રચના કરવામાં આવી છે. વિશાળ દીવાલો જોવાલાયક છે.
| એક સમયે હતું વૉચ ટાવર અત્યારે નેશનલ મ્યુઝિયમ બનીને દમામદાર મોભાથી ટુરિસ્ટને આકર્ષે છે. |
આ મ્યુઝિયમ હવે બન્યું પરંતુ તેનો આવિષ્કાર જુદા હેતુથી કરવામાં આવ્યો હતો. ઈ.સ ૧૬૪૯ માં તા ઝૉન્ગ એટલે કે વોચ ટાવર તરીકે આવ્યું હતું, જેનો હેતુ પારોના મુખ્ય કિલ્લાની સુરક્ષા કરવાનો અને દુશ્મનો પર નજર રાખવાનો હતો. તેની અતિશય પહોળી મજબૂત પથ્થરની દીવાલો તે સમયની મજબૂત રક્ષા પ્રણાલીની સાક્ષી પૂરે છે. ખરેખર સાત માળનો કિલ્લો બહારથી એક જ સરખો લાગે છે. જોનાર કલ્પી ન શકે કે તેમાં કેટલા માળ છે. 2.5 મીટર પહોળાઈ વળી મજબૂત દીવાલો વિના કોઈ કોન્ક્રીટ સિમેન્ટ વિના બની છે. બહારથી અખંડ લગતા આ વોચ ટાવરમાં 1500 વર્ષનો ઇતિહાસ શ્વસે છે. ૧૯૬૮ માં તેને રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ (જે મૂળ વોચ ટાવર હતો) ની ઇમારતનો આકાર એક કુદરતી શંખ (Conch Shell) જેવો ગોળાકાર છે. સૌથી આશ્ચર્યજનક અને રહસ્યમય વાત એ છે કે આટલી મજબૂત ઇમારત કોણે અને ક્યારે ડિઝાઇન કરી હતી તેનો કોઈ સત્તાવાર ઐતિહાસિક રેકોર્ડ આજદિન સુધી ઉપલબ્ધ નથી! તે માત્ર લાકડા અને પથ્થરથી એવી રીતે બનાવવામાં આવી છે કે લોખંડની એક પણ ખીલી વગર તેણે સદીઓનાં મોટાં ભૂકંપોનો સામનો કર્યો છે. સર્વવિદિત નથી પણ ત્યાંના ઘણાં લોકો માને છે કે આ ટાવરની અંદર એક ગુપ્ત ભૂગર્ભ સુરંગ આવેલી છે.જે દૂર જઈને પારો નદીને મળે છે . એવી થિયરી છે કે પ્રાચીન સમયમાં જ્યારે દુશ્મનો દ્વારા કિલ્લાને ઘેરી લેવામાં આવતો, ત્યારે આ સુરંગ સીધી નીચે પારો નદી સુધી પહોંચતી હતી, જેથી યુદ્ધ કે સંકટના સમયમાં ટાવરની અંદર બેઠેલા સૈનિકો માટે પાણીની આપ-લે સુરક્ષિત રીતે થઈ શકે. મ્યુઝિયમની અંદર એક ખૂબ જ દુર્લભ વસ્તુ સચવાયેલી છે , એક ઘોડાની નાળ જેમાં પવિત્ર અશ્વ કે પ્રાચીન માન્યતા મુજબ ચમત્કારિક ઘોડાના ધરી જેવી છાપ અંકિત હોવાનું મનાય છે. આ વસ્તુને સ્થાનિક લોકો અત્યંત પવિત્ર અને ચમત્કારિક માને છે.
મ્યુઝિયમમાં થાન્ગકા ચિત્રોનું સ્થાન હોય તે તો સ્વાભાવિક છે ,પરંતુ હજારો વર્ષ જૂની કાંસાની અદ્ભુત મૂર્તિઓ છે જે ભૂતાની અને તિબેટીયન ધાતુ કળાની સર્વોચ્ચ કારીગરી દર્શાવે છે. આ મૂર્તિઓમાં બૌદ્ધ ધર્મના અલગ-અલગ મુદ્રાવાળા યોગીઓ અને ગુરુઓની એવી પ્રતિકૃતિઓ છે જે ભાગ્યે જ બીજા કોઈ સંગ્રહાલયમાં જોવા મળે છે.
| રેવન ક્રાઉન. એવી જગ્યાએ છુપાયેલો છે કે એ વિષે જાણતાં ન હો તો ઢૂંઢતે હી રહ જાયેંગે |
| ગ્રીન તારા : કરૂણા અને ત્વરિત સહાયની દેવી છે. 'કરુણાની મૂર્તિ' અને 'મુક્તિની માતા' માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય કે ભયમાં હોય, ત્યારે તેઓ અત્યંત ઝડપથી સહાય માટે આવે છે. |
આ મ્યુઝિયમનું સૌથી મોટું આકર્ષણ ત્યાંના થાન્ગકા પેઇન્ટિંગ્સ છે. જે તિબેટીયન બૌદ્ધ ધર્મનું એક પરંપરાગત પવિત્ર સ્ક્રોલ પેઇન્ટિંગ છે, જે કપાસ કે રેશમી કાપડ પર બનાવવામાં આવે છે. ઇતિહાસની વાત કરીએ તો તેનો ઉદભવ સાતમીથી અગિયારમી સદી દરમિયાન હિમાલયી ક્ષેત્રોમાં થયો હતો. મુદ્રણ યુગ પહેલા આ રોલ-પેઇન્ટિંગ્સ ઇતિહાસ અને ધર્મના પ્રસારનું મુખ્ય માધ્યમ બન્યાં હતાં. તે એક બૌદ્ધ ધર્મી માટે બ્રહ્માંડનું આધ્યાત્મિક પ્રતીક છે અને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પ્રાર્થના તથા સાધનાનું જ એક સ્વરૂપ છે. બૌદ્ધ સાધુઓ થાન્ગકા તૈયાર કરવા આધ્યાત્મિક સાધના કરે છે અને મંત્ર જાપ કરતા કરતા કુદરતી રંગોથી તેને બનાવે છે જેથી પુણ્ય અર્જન થાય અને જ્ઞાન પેઢી દર પેઢી જાળવી શકાય. વર્તમાન સમયમાં ભૂતાન, નેપાળ અને ભારતના કેટલાક ક્ષેત્રોમાં આ પ્રાચીન કળાને શીખવતી સંસ્થાઓ પણ કાર્યરત છે.અહીં ભૂતાનના ઇતિહાસ, કલા અને ધર્મ સાથે જોડાયેલી અંદાજે ત્રણ હજારથી વધુ કલાકૃતિઓ સચવાયેલી છે, જેમાં પ્રાચીન હથિયારો, બખ્તરો, પરંપરાગત પોશાકો અને દુર્લભ સિક્કાઓ તથા ટપાલ ટિકિટો જોવા મળે છે.મ્યુઝિયમમાં તિબેટીઅન ચહેરા ધરાવતાં દેવી દેવતાને જુઓ તો નવાઈ ન લાગે પરંતુ નીચે લખેલા નામ અને સાથે ઉલ્લેખાયેલા હિન્દૂ નામ વાંચો તો અચરજ તો થાય જ.
બૌદ્ધ ધર્મનો ઉદભવ ભારતમાં જ થયો હોવાથી, સમય જતાં ભારતીય વૈદિક/હિન્દુ સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિ વચ્ચે વિચારો, ફિલસૂફી અને દેવતાઓની બાબતમાં મોટો સમન્વય જોવા મળ્યો છે. જ્યારે બૌદ્ધ ધર્મ હિમાલય, તિબેટ અને અન્ય એશિયન દેશોમાં ફેલાયો, ત્યારે સ્થાનિક તેમજ ભારતીય દેવી-દેવતાઓએ બૌદ્ધ પંથમાં પણ મહત્ત્વનું સ્થાન મેળવ્યું. હિન્દુ ધર્મમાં જેમ કુબેરને ધન, સંપત્તિ અને ઉત્તર દિશાના રક્ષક માનવામાં આવે છે, તેમ બૌદ્ધ ધર્મમાં તેમને (Jambhala) તરીકે પૂજવામાં આવે છે.ભૂતાનમાં બૌદ્ધ ધર્મના મહાયાન પંથ છે તેથી આ મહાકાય મૂર્તિઓની અર્ચના થાય છે. મૂર્તિઓમાં ના હાથમાં પણ ન્યોછાવર કરતી કે સંપત્તિ આપતી મૂળે મણકા કે નેપાળી શૈલીની થેલી જોવા મળે છે, જે હિન્દુ કુબેર સાથે અદ્ભુત સામ્યતા ધરાવે છે. જાંભલાની મૂર્તિ હિન્દૂ કુબેરને મળતી આવે છે. તેમનું સ્વરૂપ મોટા પેટ સાથે દર્શાવાય છે ,જેમ કુબેરની મૂર્તિમાં જોવા મળે. પરંતુ ચહેરો તિબેટીઅન હોય છે. બંને પરંપરામાં એટલે કે હિન્દૂ અને બૌદ્ધ માં તેમને ઉત્તર દિશાના લોકપાલ તરીકે લેખવામાં આવે છે પરંતુ અહીં એક ફર્ક એ છે કે હિન્દૂ ધર્મમાં કુબેરને ખજાનચી માનવામાં આવે છે તેમ જામ્ભલાને માત્ર ધનના દેવતા નહીં પણ અવલોકિતેશ્વરના અવતાર મનાય છે , તેમનો ઉદ્દેશ માણસની ગરીબી અને આર્થિક ચિંતાઓ હરી આધ્યાત્મિક સાધના તરફ વળી શકે તે માટે મદદ કરવાનો હોય છે. એવું જ મહત્વ દેવી તારાનું હોય છે. જે કરુણા અને રક્ષાની દેવી લેખાય છે. તિબેટીયન અને મહાયાન બૌદ્ધ ધર્મમાં દેવી તારા લોકપ્રિય અને પૂજનીય દેવી છે હિન્દુ ધર્મની મહાદેવી અથવા માતા પાર્વતી/દુર્ગાના સ્વરૂપો સાથે તેમની ભારે સામ્યતા છે. તારા દેવીના અલગ-અલગ રંગો છે જેમ કે શ્વેત તારા અને હરિત તારા, જે ભક્તોના સંકટો હરીને તેમને સુરક્ષા પ્રદાન કરે છે. હિન્દુ ધર્મના દેવતા બ્રહ્મા અને ઇન્દ્ર પણ રક્ષક દેવતાઓ તરીકે, ધર્મપાળ જોવા મળે છે, જે બુદ્ધની રક્ષા કરતા દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગણેશજીનું સ્વરૂપ પણ 'વિનાયક' કે બૌદ્ધ 'મહા રક્ત ગણપતિ'તરીકે કેટલાક સ્થળોએ આદર પામેલું છે.લોકબોલીમાં તેમને છોગદાગ એટલે કે ગણોના નાથ તરીકે લેખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જેમ માતા લક્ષ્મીજીને ધન, સંપત્તિ, વૈભવ અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજવામાં આવે છે તેવી જ રીતે ભૂતાન અને તિબેટીયન બૌદ્ધ પરંપરામાં તેમના સમકક્ષ દેવીને વસુધરા અથવા નોરગ્યુન્મા તરીકે ઓળખવામાં આવે છે જેમને સંપત્તિ પ્રચૂરતા ઉદારતા અને ભૌતિક તથા આધ્યાત્મિક સમૃદ્ધિના પ્રતીક તરીકે માનવામાં આવે છે જ્યાં સંસ્કૃતમાં વસુધરા શબ્દનો શાબ્દિક અર્થ રત્નો કે ધનની ધારા વહેવડાવનાર થાય છે અને થાન્કા પેઇન્ટિંગ્સ કે મૂર્તિઓમાં તેમનું શરીર સોનેરી રંગનું દર્શાવવામાં આવે છે જે ધરતીની ફળદ્રુપતા અને સમૃદ્ધિનું પ્રતીક છે અને તેમના હાથમાં અનાજ અને રત્નોથી ભરેલો કળશ અથવા દાન મુદ્રા જોવા મળે છે જે ભક્તોને સુખ સમૃદ્ધિ અને અન્ન ધન પ્રદાન કરે છે. બૌદ્ધ ધર્મનો ઉદભવ ભારતમાં થયો હોવાથી હિન્દુ ધર્મના કેટલાક મુખ્ય દેવતાઓને બૌદ્ધ પંથમાં વિશેષ સ્થાન મળ્યું છે. સરસ્વતી બૌદ્ધ ધર્મમાં મહા સરસ્વતી તરીકે ઓળખાય છે, , અને હિન્દુ ભૈરવ કે શિવજીનું ઉગ્ર સ્વરૂપ બૌદ્ધ ધર્મમાં શક્તિશાળી રક્ષક દેવતા મહાકાલ તરીકે પૂજાય છે. બ્રહ્મા અને ઇન્દ્ર પણ બુદ્ધના રક્ષક તરીકે સ્થાન પામ્યા છે.
આમ, ભારતીય અને બૌદ્ધ દેવતાઓ વચ્ચેના આ આંતરસંબંધો બંને સંસ્કૃતિઓની સનાતન ધરોહર અને આધ્યાત્મિક આદાન-પ્રદાનની સુંદર કહાની કહે છે.
મંડલા એ પારોની સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મનો જ એક અન્ય અભિન્ન ભાગ છે. મંડલા એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ વર્તુળ થાય છે. તે બ્રહ્માંડનું ભૌમિતિક અને આધ્યાત્મિક પ્રતીક છે જેનો ઉપયોગ મનને કેન્દ્રિત કરવા માટે થાય છે. બૌદ્ધ ભિક્ષુઓ રેતીમાંથી અત્યંત ઝીણવટપૂર્વક સુંદર મંડલા તૈયાર કરે છે જેમાં કલાકો ,દિવસો ,મહિના લાગે છે અને એકવાર નિર્માણ થયા પછી નહિવત સમયમાં તેને નષ્ટ કરી દે છે. તેનો અર્થ શું ? તેનો અર્થ જીવનની નશ્વરતા દર્શાવવા માટે છે. કોઈપણ કૃતિ અંતે તેનું વિસર્જન પામેવાની છે તો તેનો મોહ શા માટે ?
કલા અને ધાર્મિક સ્વરૂપોમાં ભારતીય અને બૌદ્ધ દેવતાઓ વચ્ચે અદ્ભૂત સામ્યતા જોઈને અમારે હવે જવાનું હતું પ્રખ્યાત કિલ્લા પારો ઝૉન્ગ જોવા માટે. સાચું અને સત્તાવાર નામ રીપુંગ ડ્ઝોંગ (Rinpung Dzong, ડ લખાય પણ ઉચ્ચારમાં ન આવે) છે, જેને સામાન્ય રીતે પારો ઝૉન્ગ જ કહેવાય છે.
| રિપુંગ ઝૉન્ગ (કર્ટસી :ગૂગલ) |
થોડાં પગથિયાં અને એક અજાયબ દુનિયામાં પ્રવેશ.
| અસામાન્ય વૉલ ટુ વૉલ પેઈન્ટિંગ્સ. આથી વધુ કળા આંતરિક ભાગમાં છે પરંતુ ફોટોગ્રાફી પ્રતિબંધિત છે. |
| જેને શિરે ભૂતાનને એકજૂટ કરવાની નામના લખાયેલી છે તે નવાંગ નાગ્યેલ (Zhabdrung Ngawang Namgyel) |
રીપુંગ ઝૉન્ગનો અર્થ છે રત્નોના ઢગ પર કિલ્લો . આ કિલ્લાનો ઇતિહાસ અને વાસ્તુશાળા અત્યંત રોમાંચક છે. વર્તમાન માળખું ઈ.સ ૧૬૪૬ માં ભૂતાનના એકીકરણકર્તા ઝાબડ્રુંગ નવાંગ નાગ્યેલ (Zhabdrung Ngawang Namgyel) ના માર્ગદર્શન નિર્માણ કરાયું હતું. તે પહેલાં આ જગ્યા પર એક નાનો કિલ્લો હતો, જે ૧૭મી સદીમાં ઝાબડ્રુંગને સોંપવામાં આવ્યો હતો. તિબેટીયન આક્રમણકારો સામે રક્ષણ મેળવવા અને આ ક્ષેત્રમાં ધાર્મિક તથા વહીવટી સત્તા સ્થાપવા માટે આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રીપુંગ ઝૉન્ગ એ ભૂતાની વાસ્તુકળાનો સર્વોત્તમ નમૂનો માનવામાં આવે છે. આ કિલ્લાની દીવાલો વિશાળ પથ્થરો અને માટીથી બનેલી છે, અને તેની અંદરની લાકડાની કોતરણી તથા કમાનો અતિશય આકર્ષક છે. સૌથી મોટી વિશેષતા એ છે કે આટલા મોટા કિલ્લાના નિર્માણમાં લોખંડની એક પણ ખીલી કે સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, છતાં તે સદીઓથી અકબંધ ઊભો છે. કિલ્લા સુધી પહોંચવા માટે પારો નદી ઉપર એક પરંપરાગત લાકડાનો પુલ પાર કરવો પડે છે, જેને 'ન્યામાઈ ઝામ' કહે છે. આ પુલ પરથી કિલ્લાનો નજારો અને પાણીમાં પડતું તેનું પ્રતિબિંબ જોવાલાયક હોય છે, તેનું નિર્માણ માત્ર ને માત્ર માત્ર રક્ષા માટે નથી, પરંતુ તે પારો જિલ્લાનું ધાર્મિક અને સરકારી વહીવટી કેન્દ્ર પણ છે. અહીં સેંકડો બૌદ્ધ ભિક્ષુઓ રહે છે અને અભ્યાસ કરે છે. દર વર્ષે વસંતઋતુમાં અહીં પ્રખ્યાત 'પારો સેચુ' તહેવાર ઉજવાય છે, જેમાં સાંસ્કૃતિક નૃત્યો થાય છે.રિપુંગ ઝૉન્ગ વિશેની સામાન્ય માહિતી અને ઇતિહાસ તો પુસ્તકોમાં મળી જાય છે, પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક એવી રોમાંચક, રહસ્યમય અને અજાણી વાતો છે જેનો બહુ પ્રચાર થયો નથી અને સામાન્ય પ્રવાસીઓની નજરથી તે અક્ષરસઃ છુપાયેલી રહે છે, તે તમને ત્યાંના લોકો કે ગાઈડ કહી શકે. સ્થાનિક માન્યતા મુજબ, આ કિલ્લાનો પાયો સામાન્ય જમીન પર નહીં પરંતુ પારો નદીની નીચે રહેલા એક વિશાળ ડ્રેગન કે રત્નોના ભંડાર પર નિર્માણ પામ્યો છે. એવું મનાય છે કે આ કિલ્લો નદીના પ્રવાહની વચ્ચે કુદરતી રીતે સંતુલન જાળવી રાખે છે, જેથી ગમે તેવા મોટા પૂર કે ભૂકંપ આવે તો પણ તેની રચનાને આંચ નથી આવતી. નેશનલ મ્યુઝિયમની જેમ જ રીપુંગ ડ્ઝોંગમાંથી પણ એક ગુપ્ત ભૂગર્ભ સુરંગ નીકળે છે. યુદ્ધ કે કટોકટીના સમયમાં કિલ્લાના મુખ્ય લામાઓ અથવા શાહી અધિકારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી શકે અને પર્વતોમાં સંતાઈ શકે તે માટે આ સુરંગ પારો નદીની બીજી બાજુના જંગલો સુધી જતી હતી તેમ મનાય છે, પરંતુ સુરક્ષા અને સલામતીના કારણોસર આ સુરંગના દરવાજા હવે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ કિલ્લામાં સાંજના સમયે મુખ્ય દરવાજા બંધ કરવાની એક અત્યંત પ્રાચીન અને સચોટ વિધિ છે. સૂર્યાસ્ત થતાં જ કિલ્લાના રક્ષકો અને ભિક્ષુઓ દ્વારા એક ખાસ શંખનાદ અને પ્રાર્થના થાય છે અને તે સાથે વિશાળ લાકડાના દરવાજા બંધ કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને આજની આધુનિક દુનિયામાં પણ તેમાં એક સેકન્ડનો પણ ફેરફાર કરવામાં આવતો નથી. કિલ્લાના અંદરના ખંડ અને મંદિરોમાં જે ભીંતચિત્રો (Murals) દોરેલા છે, તે સામાન્ય પેઇન્ટિંગ્સ નથી. પ્રાચીન સમયમાં આ ચિત્રોને કાયમી ટકાવી રાખવા માટે સોનાના વરખ સિવાય ખાસ જડીબુટ્ટીઓ, ખનિજો અને યાક કે અન્ય પવિત્ર પશુઓના પ્રાકૃતિક તત્વોના મિશ્રણથી રંગો તૈયાર કરવામાં આવ્યા હતા. સેંકડો વર્ષો વીતી જવા છતાં આ રંગોની ચમક આજે પણ વૈજ્ઞાનિકો માટે અચંબો પમાડે તેવી છે. મુખ્ય પ્રાર્થના હોલની છતની રચના એવી રીતે કરવામાં આવી છે કે જ્યારે ભિક્ષુઓ એક સાથે બેસીને ગહન મંત્રાચાર કરે , ત્યારે અવાજ પડઘાઈને આખા કિલ્લામાં એક દિવ્ય અને શાંતિપૂર્ણ ગુંજ પેદા કરે છે. આ વાસ્તુશાસ્ત્રીય અદભુતતા સાઉન્ડ એન્જિનિયરિંગના સિદ્ધાંતો વગર સદીઓ પહેલાં કેવી રીતે તૈયાર કરવામાં આવી હતી તે આજદિન સુધી એક રહસ્ય છે.
આ બે આકર્ષણ જોતા બપોર થઇ ગઈ હતી. પારો એક સુંદર શાંત શહેર છે. લાઈનબંધ આવેલી હેન્ડીક્રાફ્ટ અને સુવિનિયર્સની દુકાનો , ફેન્સી કેફે સુંદર વાતાવરણ ઉભું કરે છે. ત્યાં થોડો સમય વિતાવીને અમારે જવાનું હતું એક નાવીન્યસભર પ્રવૃત્તિ માટે. એ છે સ્ટોન બાથ.
| પારો સ્પેશિયલ હોટ સ્ટોન બાથ અને તે પછી ત્યાંની ખાસ જ્યાફત |
ભૂતાન વિષે વાત થતી હોય અને ત્યાંના પ્રખ્યાત 'હોટ સ્ટોન બાથ' વિષે વાત ન થાય તો અધૂરપ લાગે. સ્થાનિક ભાષામાં તેને 'ડોત્શો' કહેવાય છે, પારોમાં આ એક અત્યંત લોકપ્રિય અને પરંપરાગત ઉપચાર પદ્ધતિ છે, જેનો આનંદ ખાસ કરીને ટાઇગર નેસ્ટ જેવા લાંબા અને થકવી નાખનારા ચઢાણ પછી શરીરને રાહત આપવા માટે લેવામાં આવે છે. અમે અમારું બુકીંગ એડવાન્સમાં કરાવ્યું હતું. જેને કારણે અમારે રાહ ન જોવી પડી. એક નાનકડાં ફાર્મ હાઉસ જેવી જગ્યામાં આ વ્યવસ્થા હતી. ભૂતાનની આ પ્રાચીન સ્નાન પરંપરામાં પાણી અને ઔષધિઓ ભરેલા લાકડાના મોટા ટબમાં આગમાં તપાવેલા ગરમ નદીના પથ્થરો નાખવામાં આવે છે. આ પથ્થરોના પ્રચંડ તાપથી પાણી ગરમ થાય છે અને પાણીમાં ખીણની ખાસ ઔષધીય વનસ્પતિઓ (જેમ કે આર્ટિમેસિયા કે વોર્મવુડના પાંદડા, જેને સ્થાનિક ભાષામાં 'ખેમ્પા' કહે છે) નાખવામાં આવે છે. તે માટે પથ્થરોની વિશેષ પસંદગી અને પ્રક્રિયા હોય છે. આમાં સામાન્ય પથ્થરો ચાલતા નથી, પરંતુ ખાસ કરીને નદીમાંથી એવા પથ્થરો પસંદ કરવામાં આવે છે જે લાંબો સમય સુધી ગરમી જાળવી શકે. આ પથ્થરોને લાંબા સમય સુધી ખુલ્લા અગ્નિમાં ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે જ્યાં સુધી તે એકદમ લાલચોળ ગરમ ન થઈ જાય. ત્યારબાદ લાકડાના લાંબા ચીપીયા કે ડંડાની મદદથી આ ગરમ પથ્થરોને લાકડાના ટબના બાજુના ખાનામાં અથવા પાણીમાં મૂકવામાં આવે છે. જેવો પથ્થર પાણીમાં જાય છે કે તરત જ જોરદાર અવાજ સાથે વરાળ છૂટે છે અને પાણી ઉકળવા લાગે છે. નદીના આ ગરમ પથ્થરો પાણીમાં સંસર્ગમાં આવાથી તેમાંથી કેલ્શિયમ મેગ્નેશિયમ અને આર્યન જેવા મિનરલ્સ છૂટા પડે છે. સાથે ઔષધીય અર્ક ધરાવતી વનસ્પતિના પણ સાંધાના દુખાવા, સ્નાયુ જકડાઈ જવા કે સંધિવા અને થાકમાં રાહત આપે છે. આ વિષે કેટલી વાત માનવી કે ન માનવી પોતાના પર નિર્ભર છે, પરંતુ તાત્કાલિક ફાયદો હોય તો તે છે રિલેક્સેશન ,આ સ્નાનથી માનસિક તણાવ દૂર થાય છે અને ઊંડી શાંતિનો અનુભવ થાય છે. પરંપરાગત રીતે ભૂતાનના ગ્રામીણ વિસ્તારોમાં પરિવારો શિયાળાની ઋતુમાં કે ખેતીના ભારે કામ પછી થાક ઉતારવા માટે અઠવાડિયામાં એક કે બે વાર આ સ્નાન કરતા. આજની તારીખમાં પારોની સ્થાનિક ફાર્મહાઉસ હોમસ્ટેથી લઈને લક્ઝુરિયસ રિસોર્ટ્સ સુધી આ અનુભવ પ્રવાસીઓમાં સૌથી મનપસંદ રોમાંચ બની ગયો છે. અમે આ રિફ્રેશિંગ સ્નાન કર્યું પછી અમને રાઈસ વાઈન અને ત્યાં બનાવેલાં મમરા, કાકડી અને લીલા મરચાં ઓફર થયા. ઝરમર વરસતો વરસાદ ,એવું સ્નાન અને ઉપરથી પરોણાગત. એક સુંદર અનુભવ રહ્યો.
| ભુતાનનું વિશ્વ પ્રસિદ્ધ એર પોર્ટ. જે વિષે જાણ્યા પછી બાગડોગરાથી બાર કલાકનો બાય રોડ પ્રવાસ પર પસંદગી ઉતરે. Pic :Google |
દિવસના અંત ભાગમાં,અમે હોટેલ પહોંચવા માટે જે રસ્તો લીધો તે જે પારો ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસેથી પસાર થતો હતો. એટલું નાનું એરપોર્ટ કે મન અચંબો તો પામે અને અંદરથી કોઈ અવાજ કહે કે સારું થયું કે આપણે બાગડોગરાથી આટલું ટ્રાવેલ કરીને અહીં આવ્યા. આ એરપોર્ટની એર સ્ટ્રીપ જોઈને ગભરાટ થઇ જાય. કારણ કે આ એરપોર્ટની ગણના દુનિયાના સૌથી ખતરનાક અને પડકારજનક કોમર્શિયલ એરપોર્ટ્સમાં થાય છે .જે લગભગ સાત હજાર ફૂટની ઊંચાઈએ ઊંડી ખીણો અને હિમાલયના ઊંચા પર્વતોની વચ્ચે ઘાયેલું છે. અહીં કોઈ રડાર સિસ્ટમ ન હોવાથી પાઇલટ્સે ફક્ત નજરે જોઈને જ પર્વતો વચ્ચે દાવપેચ કરીને પ્લેનને લેન્ડ કરવું પડે છે. એરપોર્ટની સામે આવેલા વ્યુ પોઈન્ટ પર બેસીને અમે પ્લેનને પર્વતોની વચ્ચેથી પસાર થઈને રનવે પર ઉતરતા નજરે નિહાળ્યા. આ નજારો એટલો રોમેન્ટિક અને રોમાંચક હતો કે દિવસભરનો થાક આ દ્રશ્ય જોઈને ગાયબ થઈ ગયો. આમ, અમારા સાથીઓ જ્યારે ટાઇગર નેસ્ટના ઊંચા ચઢાણમાં વ્યસ્ત હતા, ત્યારે અમારો આખો દિવસ પારોના ઇતિહાસ, કલા, ભવ્ય કિલ્લાઓ અને દુનિયાના સૌથી રોમાંચક એરપોર્ટના અદ્ભુત નજારાઓ સાથે યાદગાર બની રહ્યો.
પારોની અર્થવ્યવસ્થા અને મુખ્ય રોજગારની વાત કરીએ તો પર્યટન એ અહીંનો સૌથી મોટો આર્થિક આધાર છે કારણ કે પ્રખ્યાત ટાઇગર નેસ્ટ મોનાસ્ટ્રી અને દુનિયાનું સૌથી પડકારજનક પારો એરપોર્ટ દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે જેના કારણે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, ટૂર ગાઇડ અને સ્થાનિક હસ્તકલાનો ધંધો મોટા પાયે ચાલે છે અને આ સિવાય પારો ખીણ ખૂબ જ ફળદ્રુપ હોવાથી અહીંના લોકો મોટા પાયે ખેતી કરે છે જેમાં લાલ ચોખા, બટાટા, સફરજન અને વિવિધ શાકભાજીની ખેતી મુખ્ય છે તેમજ પરંપરાગત વસ્ત્ર વણાટ, વુડ-કાર્વિંગ અને થાન્ગકા પેઇન્ટિંગ્સ બનાવીને વેચવાનો વ્યવસાય પણ સ્થાનિક લોકોના રોજગારનું મુખ્ય સાધન છે. પારોમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ જ વ્યવસ્થિત અને મજબૂત છે જ્યાં સરકાર દ્વારા બાળકોને પ્રાથમિકથી લઈને માધ્યમિક સ્તરમાં નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે અને અંગ્રેજી માધ્યમમાં પાયાનું શિક્ષણ આપીને આધુનિક જ્ઞાન સાથે તેમની પરંપરાગત મૂલ્યો અને સંસ્કૃતિના પાઠ ભણાવવામાં આવે છે જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ દેશની રાજધાની થિમ્પુ સ્થિત રોયલ યુનિવર્સિટી ઓફ ભૂતાન કે તેની સાથે જોડાયેલી કોલેજોમાં જાય છે અથવા વિદેશની સારી યુનિવર્સિટીઓમાં સ્કોલરશીપ મેળવીને અભ્યાસ અર્થે જાય છે. હેલ્થકેર એટલે કે આરોગ્ય સેવાઓની દૃષ્ટિએ પણ પારોમાં નાગરિકોને ઉત્તમ સુવિધાઓ મળે છે કારણ કે સરકાર દ્વારા તમામ નાગરિકો માટે પાયાની તબીબી સારવાર તદ્દન મફત પૂરી પાડવામાં આવે છે જ્યાં પારોમાં સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ગામડાઓ સુધી ઉપલબ્ધ છે જે કટોકટીની સ્થિતિમાં કે સામાન્ય બિમારીઓમાં લોકોને ઉત્તમ સારવાર આપે છે અને વધુ ગંભીર બીમારીઓ માટે દર્દીઓને થિમ્પુની સેન્ટ્રલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. કે પછી વિદેશ એટલે કે ભારત મોકલવામાં આવે તો ખર્ચ ત્યાંની સરકાર ઉઠાવે છે, પારોની સ્થાનિક પ્રથાઓ અને રીતિ-રિવાજોની વાત કરીએ તો ત્યાંના તમામ નાગરિકો સરકારી ઓફિસ, સ્કૂલ કે સાર્વજનિક સ્થળો પર હંમેશાં પોતાનો પારંપરિક પોશાક પહેરે છે જેમાં પુરુષો માટે ઘો અને સ્ત્રીઓ માટે કીરા પહેરવાની સદીઓ જૂની પ્રથા આજે પણ સંપૂર્ણપણે જીવંત છે અને લોકોના દૈનિક જીવનમાં બૌદ્ધ ધર્મ ઊંડે સુધી વણાયેલો હોવાથી દરેક ઘરમાં પ્રાર્થના ખંડ હોય છે અને સવાર-સાંજ પ્રાર્થના ચક્ર ફેરવવા તથા મંત્ર જાપ કરવા એ તેમની દિનચર્યાનો અવિભાજ્ય ભાગ છે જ્યાં દર વર્ષે વસંતઋતુમાં પારો ત્શેચુ નામનો ભવ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર ઉજવાય છે જેમાં રંગબેરંગી માસ્ક પહેરીને ડાન્સ પર્ફોર્મન્સ કરાય છે. તીરંદાજી એ પારો સહિત સમગ્ર ભૂતાનની સૌથી લોકપ્રિય રાષ્ટ્રીય રમત છે જે કોઈપણ ખુશીના પ્રસંગે કે તહેવારમાં રમાય છે જ્યાં અતિથિઓને ભગવાન સમાન માનવાની તેમની સંસ્કૃતિ છે અને પ્રકૃતિ તથા વૃક્ષો પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ તેમને આધુનિકીકરણ વચ્ચે પણ પોતાની હરિયાળી અને પ્રાકૃતિક સુંદરતાને અકબંધ રાખવા માટે પ્રેરિત કરે છે. હવે પારો પછી અમારું ડેસ્ટિનેશન છે થિમ્પુ. અને ત્યાં યોજાનારો થિમ્પુ ફેસ્ટિવલ. જેને માટે અમે આ ટ્રીપ પ્લાન કરી હતી.
ક્રમશ:
Comments
Post a Comment