પારો : પહાડ, પાણી ને પવિત્રતાનો સંગમ, ભૂતાન ડાયરી 2
![]() |
| દુનિયાભરમાં મશહૂર એવી આ ટાઇગર મોનેસ્ટ્રી સુધી પહોંચવા માત્ર શ્રદ્ધા નહીં શક્તિ પણ જોઈએ. |
વહેલી સવારે અમારે ફુટશેલિન્ગથી પારો જવાનું હતું. પહેલેથી તાકીદ કરવામાં આવી હતી કે સમયસર નીકળવું જરૂરી છે. અમારી ગાઈડ સોનમ આખી ટ્રીપ દરમિયાન અમારી સાથે રહેવાની હતી. તરવરાટભરેલી યુવાન સોનમ ખુશખુશાલ ચહેરે અમને તેના ખાસ પ્રકારની હિન્દીમાં વાતો કરતી રહી. તેના આ પ્રકારના હિન્દી સાંભળીને અચરજ તો થયું પણ એ વાતનો રહ્સ્યોસ્ફોટ તેણે પોતે જ કરી દીધો. ભૂતાનમાં આપણી હિન્દી સિરિયલોના પ્રતાપે ત્યાંની પેઢી હિન્દી બોલી શકે છે. માત્ર સોનમ જ નહીં ડ્રાઈવર ને અન્ય લોકો પણ ફાંકડું હિન્દી બોલી રહ્યા હતા.
ભારતીય સરહદને અડીને આવેલા ગેટ-વે સમાન કૂટશેલિન્ગથી શરૂ કરીને સાંસ્કૃતિક નગરી પારો સુધીનો પ્રવાસ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવાનો પ્રયાસ નથી . તેમની સંસ્કૃતિ , જીવનશૈલી અને ખાસ તો તેમની માનસિકતાને નજીકથી અનુભવવાની એક સફર છે. આશરે ૧૪૦ થી ૧૬૦ કિલોમીટરની સફર એક આલ્હાદક ડ્રાઈવ છે. તે દરમિયાન આવતા પહાડો, નદીઓ, અનોખી સંસ્કૃતિ અને સ્થાનિક ભોજનનો સ્વાદ પ્રવાસીના હૃદયમાં કાયમ માટે વસી જાય છે.
અલબત્ત તે માટે અમારે ફૂંટશેલિન્ગની એક ઓફિસમાં જઈને પરમીટ અને દસ્તાવેજી કામકાજ પતાવવાનું હતું. એકદમ શાંત , વ્યવસ્થિત ઓફિસ અને તેવા જ શાંત અને કામઢા કર્મચારી. ન કોઈ શોરબકોર ન હાયવોય. કામ શાંતિથી થઇ રહ્યું હતું અને ત્યાં એક ભારતીય ગ્રુપ આવી ગયું. એની પાછળ બીજું ,ત્રીજું. તરત જ ખબર પડી કે ભારતીય તો ખરાં પણ ગરવા ગુજરાતીઓ છે.શાંતિમય વાતાવરણ શોરબકોરમાં ઘેરાઈ ગયું. અમે તો અમારું કામ પતાવીને એ ઓફિસ છોડી દીધી પણ મનમાં એ ખ્યાલ પજવતો રહ્યો કે બહાર લોકો આપણાં માટે શું ધારતાં હશે.
ફુન્ટશલિંગ એ ભારત અને ભૂટાન વચ્ચેનું મુખ્ય વેપારી અને પ્રવેશદ્વાર છે. અહીંની આછી ભીની હવા અને બૌદ્ધ સંસ્કૃતિની ઝાંખી કરાવતા ગેટને પાર કરીને વેન જેવી પહાડી રસ્તાઓ પર ચઢવાનું શરૂ કરે છે, તરત જ વાતાવરણ બદલાવા લાગે છે. શરૂઆતના રસ્તાઓ સાંકડા અને વળાંકવાળા છે, પરંતુ બંને બાજુ આવેલા ઊંચા-ઊંચા લીલાછમ પહાડો અને ખીણો જોઈને આંખોને ઠંડક મળે છે. જેમ-જેમ આગળ વધીએ તેમ હરિયાળી ઘટ્ટ થતી જાય છે. સૌથી સુંદર જો કંઈ નજરે ચઢે તો તે છે આકાશનો રંગ. સરેરાશ ભારતીયએ પ્રદુષણ વિનાનું આકાશ જોયું જ નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. જયારે પ્રદુષણવિહીન આકાશ હોય તો તેમાં ફેલાતાં સૂર્યના કિરણોનો રંગ પણ અવર્ણનીય હોય છે. ભૂતાનમાં પ્રદૂષણ નામનું કોઈ દૂષણ નથી તેનું કારણ એ જ કે ત્યાં કોઈ પ્રકારના ઉદ્યોગો જ નથી.
![]() |
| હરિયાલી ઔર રસ્તા.. |
આ પ્રવાસ દરમિયાન જો કોઈ સૌથી મોટી વિશેષતા ધ્યાન ખેંચતી હોય, તો તે છે ત્યાંના લોકોનો સ્વભાવ. ભૂતાનના લોકો અત્યંત નમ્ર, મિલનસાર, શાંત અને ઈમાનદાર હોય છે. રસ્તામાં કોઈ સ્થાનિક વ્યક્તિ સામે મળે તો તેઓ સ્મિત સાથે આવકારે છે. તેઓ ક્યારેય મોટેથી અવાજ કરીને બોલતા નથી અને ટ્રાફિકમાં પણ અહીં શિસ્તનું અદ્ભુત ઉદાહરણ જોવા મળે છે, કોઈ ડ્રાઇવર વગર કારણે હોર્ન વગાડતો નથી. તેમની આ સાદગી અને સ્વાભાવિક આતિથ્યભાવના પ્રવાસીઓનું મન જીતી લે છે.રસ્તામાં આવતી શાળાઓ, સરકારી ઓફિસો કે નાના બજારો જોતી વખતે એક ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી બાબત જોવા મળે છે તે છે ત્યાંના લોકોનો પહેરવેશ.ભૂતાનમાં દરેક નાગરિક માટે, તે પછી સ્કૂલમાં જતું બાળક હોય કે વૃદ્ધ નાગરિક સહુ કોઈ માટે ત્યાંનો પરંપરાગત પોશાક પહેરવો ફરજિયાત છે.
![]() |
| નાનાં મોટાં ,સ્ત્રી કે પુરુષ સહુને માટે આ નેશનલ ડ્રેસ પહેરવો અનિવાર્ય છે. |
ખાસ કરીને સવારના 9 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી. એટલે કે ફરજના કલાકો દરમિયાન કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈપણ પહેરવેશ પહેરી શકતી નથી તેવો ભૂતાનનરેશનો આદેશ છે. પુરુષો ઘૂંટણ સુધીની લંબાઈનો એક ગાઉન જેવો પહેરવેશ પહેરે છે, જેને 'ઘો' કહેવામાં આવે છે. સ્ત્રીઓ લાંબો સ્કર્ટ જેવો ડ્રેસ પહેરે છે, જેને 'કીરા' કહેવામાં આવે છે. સરકારી નિયમ મુજબ અને સાંસ્કૃતિક મૂલ્યો જાળવી રાખવા માટે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી (કામકાજના કલાકો દરમિયાન) સ્કૂલના નાના બાળકોથી માંડીને તમામ નાગરિકોએ ફરજિયાતપણે આ જ પરંપરાગત પોશાક પહેરવો પડે છે. ત્યાંના રાજા અને સરકારનું સ્પષ્ટ માનવું છે કે, "જો આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ઓળખને જીવંત રાખવી હશે, તો આપણો પારંપરિક પોશાક અને રીતિ-રિવાજો જાળવી રાખવા ખૂબ જરૂરી છે' આ જ કારણ છે કે આધુનિકીકરણના આ યુગમાં પણ ભૂતાની પ્રજાએ પોતાની સંસ્કૃતિને ગર્વભેર સાચવી રાખી છે. નાના-નાના ભૂલકાઓ જ્યારે સ્કૂલના ગણવેશ કે પરંપરાગત વસ્ત્રોમાં પીઠ પર બેગ લટકાવીને ચાલે છે, ત્યારે દશ્ય ખૂબ જ મનોહર લાગે છે. એક તરફ જ્યાં ભૂતાને પોતાની પરંપરાગત સંસ્કૃતિને અકબંધ રાખી છે, તો બીજી તરફ સમય સાથે ત્યાં આધુનિક વિકાસ અને શિક્ષણના પાયા પણ મજબૂત થઈ રહ્યા છે. ફુન્ટશુલિંગથી પારો તરફની આ સફર દરમિયાન રસ્તામાં અમે એક સુંદર મેનેજમેન્ટ કોલેજ અને કેટલીક આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ પણ જોઈ. આ દર્શાવે છે કે માત્ર પ્રાચીન પરંપરાઓમાં જીવતો દેશ નથી, પરંતુ તે આજના યુગની જરૂરિયાતો મુજબ યુવા પેઢીને આધુનિક શિક્ષણ અને પ્રોફેશનલ સ્કિલ્સ પણ પૂરી પાડી રહ્યો છે, જે ખરેખર પ્રશંસનીય છે.
લાંબી પહાડી મુસાફરી દરમિયાન ભૂખ લાગવી સ્વાભાવિક છે. અમારી ઈચ્છા ટિપિકલ ભૂતાનીઝ ખાણીપીણી માટે હતી. અહીંથી જે અભ્યાસ કર્યો હતો તે પ્રમાણે વેજીટેરીઅન ભોજનની સમસ્યા થાય તેવું લાગતું નહોતું. આમ પણ ભારતીય ટુરિસ્ટ ઘણાં હોવાથી ભારતીય ફૂડ તો બધે જ ઉપલબ્ધ હોય છે. રસ્તામાં એક ખૂબ જ સરસ જગ્યાએ અમે લંચ હોલ્ટ કર્યો. કેફે નાની હતી.જ્યાં ભારતીય ચણા ભટૂરા મળતાં હતા સાથે સ્થાનિક ભૂતાનીx ભોજન પીરસવામાં આવતું હતું. તે જગ્યાનું વાતાવરણ એટલું સુંદર હતું કે ખાવાનો આનંદ બમણો થઈ ગયો.
| ભુતાનનું રાષ્ટ્રીય ભોજન. એમા દાત્સી અને રેડ રાઈસ |
ત્યાં પરંપરાગત ભોજનની વાત જ અનોખી છે. ગુજરાતીઓની જેમ ભુતાનીઝ લોકો પણ બધે ચીઝનો ઉપયોગ કરે છે. પણ આપણા જેવું પ્રોસેસ્ડ ચીઝ નહીં ત્યાં સ્થાનિક રીતે બનાવતું ગોટ ચીઝ કે પછી યાક ચીઝ એટલે કે બકરી કે યાકના દૂધમાંથી બનતું ચીઝ, જેનો સ્વાદ થોડો જુદો હોય છે.
ભૂટાનનું રાષ્ટ્રીય ભોજન એટલે કે ચીઝ અને મરચાની ગ્રેવીથી બનતી વાનગીઓ , એક છે એમા દાત્સી , ભૂટાનની આ સૌથી પ્રખ્યાત વાનગી છે, જેમાં મોટા તીખા કે મોળા મરચાંને ભરપૂર સ્થાનિક ચીઝની ઘટ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવે છે. તેનો ટેસ્ટ ખૂબ જ ક્રીમી અને અલગ જ હોય છે . અલબત્ત એ ખાવું સહુના વશની વાત નથી. પણ એના જેવી બીજી એક વાનગી છે કેવા દાત્સી ,કેવા એટલે બટાટા.આ વાનગી બટાટા અને ચીઝથી બને છે. બટાટાની સોડમ અને ચીઝની સ્નિગ્ધતા આ ડિશને અત્યંત સ્વાદિષ્ટ બનાવે છે. ગરમાગરમ ભાત સાથે આ કેવા દાતસી ખાવાની મજા જ કઈક અલગ છે. આ ભાત સામાન્ય ભાત કરતા જુદા હોય છે. એ રેડ રાઈસ કહેવાય છે. હલકા લાલ રંગના ચોખા સ્વાદમાં અને ટેક્ષ્ચરમાં પણ જુદા પડે છે. આ ગરમાગરમ અને તીખું તમતમતું ભૂતાની ભોજન ઠંડા વાતાવરણમાં શરીરને અદ્ભુત ઊર્જા અને હૂંફ આપે છે. સ્થાનિક શૈલીમાં બનેલું આ ભોજન માત્ર પેટ જ નહીં કરે, જલસો પાડી દેવા પૂરતું છે.
આ પ્રવાસનો સૌથી મોહક અને હૃદયસ્પર્શી હિસ્સો છે પારોછુ નદી, પહાડોની વચ્ચેથી સર્પાકાર વહેતી આ નદીનો રવ અને તેનું સ્ફટિક જેવું સ્વચ્છ, નીલરંગી પાણી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અમે માત્ર ફોટોસેશન કરવા માટે અડધો કલાકનો હોલ્ટ લીધો. ચારેબાજુ હરિયાળી, કાચ જેવું નિર્મળ પાણી, નીચે દેખાતા રંગીન પથ્થરોની અજાયબ સૃષ્ટિ. મન ભરી દે તેવું વાતાવરણ. મન તો થાય કે અહીં જ રાત્રે કેમ્પિંગ કરી નાખીએ. પણ હજી તો આગળ જવાનું છે. મંઝિલ છે પારો.
જ્યારે વેન પારોછુ નદીના કિનારે-કિનારે આગળ વધે છે, ત્યારે પાણીના વહેવાનો ખળખળ અવાજ સંગીત જેવો લાગે છે. સૂર્યના કિરણો જ્યારે નદીના પાણી પર પડે છે ત્યારે તે હીરાની જેમ ચમકે છે. નદીની આસપાસના પથ્થરો અને તેના પર જામેલી લીલી હરિયાળી આ દશ્યને વધુ મનોહર બનાવે છે. નદીના કેટલાક વળાંકો પર ગાડી થોભાવીને ત્યાં ફોટા પાડવાનો અને શાંત વાતાવરણમાં શ્વાસ લેવાનો લહાવો જ કંઈક અલગ છે. પારોછુ નદીનો આ સાથ છેક પારો સુધી આપણી સાથે રહે છે અને આખી મુસાફરીને યાદગાર બનાવી દે છે.
બપોરના સ્વાદિષ્ટ ભોજન અને જલવિહાર પછી, પ્રવાસનો અંતિમ તબક્કો શરૂ થાય છે. હવે આપણે પારો ઘાટીની વધુ નજીક પહોંચી ગયા છીએ. રસ્તામાં ઐતિહાસિક સ્મારકો, નાના બૌદ્ધ સ્તૂપો (Chortens) અને રંગબેરંગી પ્રાર્થના ધ્વજાઓ (Prayer Flags) પવનમાં લહેરાતી નજરે પડે છે. આ ધ્વજાઓ પર લખેલા મંત્રો હવામાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે તેવું સ્થાનિક લોકો માને છે. પારો નજીક આવતા જ ખીણ વધુ વિશાળ અને હરિયાળીથી સભર દેખાવા લાગે છે. આસપાસના ખેતરો અને સુંદર સફરજનના બગીચાઓ નજરે પડે છે. દૂરથી પારો ઝોંગ (Rinpung Dzong) ની ભવ્ય દીવાલો ઝાંખી થવા લાગે છે, જે ભૂટાનીઝ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે.
અમે એક પુલ પાસે આવીને ઉભા છીએ. ઉપર પારોનો કિલ્લો અને નેશનલ મ્યુઝિયમ દેખાય છે. ખરેખર તો પારોમાં સૌથી મોટું આકર્ષણ છે જ્યાં અમારે જવાનું છે.
ખરેખર તો પારોમાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે ટાઈગર્સ નેસ્ટ મોનેસ્ટ્રી. મૂળ નામ છે તાકત્સાન્ગ મોનેસ્ટ્રી છે જેનો અર્થ થાય છે વાઘનો નિવાસ. એમ મનાય છે કે 8મી સદીમાં ગુરુ પદ્દમસંભવ વાઘણ પર બેસીને આ જગ્યાએ આવ્યા હતા. ત્યાં જ ગુફામાં સાધના કરી , તેથી આ નામ પ્રચલિત થયું. આજે ત્યાં ભવ્ય મોનેસ્ટ્રી છે. તમે કોઈપણ ભૂતાનની એડ જુઓ તેમાં આ જ મોનેસ્ટ્રી દેખા દે છે પણ હકીકતમાં ત્યાં સુધી પહોંચવું અતિશય મુશ્કેલ કામ છે. આ મોનેસ્ટ્રી પર પહોંચવા માટે તમારે લગભગ ત્રણથી સાડા ત્રણ કલાકનું ટ્રેક કરવું પડે અને પછી એટલું જ અંતર પાછા ફરવાનું રહે છે. એટલે કે બેઝથી શરુ કરીને મોનેસ્ટ્રી સુધી પહોંચવા લગભગ પાંચ કિલોમીટર ટ્રેક છે. અને પાછા ફરતી વખતે ગણીને લગભગ દસથી અગિયાર કિલોમીટર થાય છે.
આ પવિત્ર મઠ સુધી પહોંચવા માટેનો ચઢાણનો પહાડી માર્ગ એક તરફનો આશરે સાડા ચારથી પાંચ કિલોમીટર લાંબો છે. એટલે કે બેઝ પોઈન્ટથી શરૂ કરીને મઠના દર્શન કર્યા બાદ નીચે ઉતરવા સુધીનો કુલ વોક આશરે નવથી દસ કિલોમીટર જેટલો થાય છે. સામાન્ય રીતે પ્રવાસીની શારીરિક ક્ષમતા અને ચાલવાની ઝડપ અનુસાર મઠ સુધી ઉપર ચઢવામાં અઢીથી સાડા ત્રણ કલાકનો સમય લાગે છે, જ્યારે નીચે ઉતરતી વખતે આશરે દોઢથી બે કલાક થાય છે. દર્શન, આરામ અને ફોટોગ્રાફી સાથે આ આખી પહાડી યાત્રા પૂર્ણ કરવા માટે દિવસના પાંચથી સાત કલાકનો સમય ફાળવવો યોગ્ય રહે છે. આ ચઢાણ પારો ખીણના બેઝ પોઈન્ટ, જે આશરે 2600 મીટરની ઊંચાઈએ છે, ત્યાંથી શરૂ થાય છે. સમગ્ર રસ્તો પાઈનની સુગંધીદાર વનરાજી, બૌદ્ધ ધાર્મિક પતાકાઓ અને પહાડી પવનોથી ઘેરાયેલો રહે છે. ટ્રેકના અડધા રસ્તે પહોંચતા જ એક સુંદર કેફે આવે છે, જ્યાંથી સામેની ટેકરી પર અદ્ભુત રીતે સ્થિર દેખાતા મઠનો પ્રથમ મનોહર નજારો જોવા મળે છે. ચાલવામાં અસમર્થ હોય તેવા પ્રવાસીઓ માટે બેઝ પોઈન્ટથી આ કેફે સુધી પહોંચવા ઘોડા કે ખચ્ચરની સુવિધા પણ મળે છે.
કેફેથી આગળનો માર્ગ વધુ ચઢાણવાળો બને છે અને મઠના મુખ્ય પ્રવેશદ્વાર નજીક પહોંચતા જ આશરે સાતસોથી આઠસો પગથિયાં આવે છે. પ્રવાસીઓએ પહેલા ઊંડી ખાઈ તરફ નીચે ઉતરીને એક મનોહર ઝરણાં પાસે બનેલો પુલ પાર કરવાનો હોય છે અને ત્યારબાદ ફરી સામેની ખડકાળ ટેકરીના પગથિયાં ચડીને મઠની અંદર પ્રવેશવાનો હોય છે. ઊંચાઈ પર પહોંચતા પાતળી થતી હવા અને સતત ચઢાણ શારીરિક રીતે થોડું પડકારજનક બની શકે છે, પરંતુ માર્ગમાં મળતી પ્રાકૃતિક શાંતિ અને મઠમાં પ્રવેશતા જ અનુભવાતી અલૌકિક ઊર્જા થાકને ક્ષણભરમાં દૂર કરી દે છે. અલબત્ત, આ વર્ણન અમારા જે મિત્રો ત્યાં ગયા તેમને કર્યું છે. અમારામાં એટલો ટ્રેક કરવાની ન તો શારીરિક ક્ષમતા હતી ન માનસિક એટલે અમે વિચાર્યું કે અમે પારો સિટીમાં રહીને જે થાય તે સાઈટસીઇંગ કરીશું. તે માટે અમે બે ત્રણ જગ્યા નક્કી કરી લીધી હતી , જે પૈકી હતા એક તો પારોનો ફોર્ટ બીજું હતું નેશનલ મ્યુઝિયમ ,પારોની માર્કેટ તો ખરી જ અને છેલ્લે સ્ટોન બાથ જે ભૂતાનની એક સ્પેશિયલ ટ્રીટ કહેવાય છે. પારો સુધીની આ આખી સફર માત્ર ભૌગોલિક અંતર કાપવા પૂરતી સીમિત નથી, પણ તે ભૂતાની સંસ્કૃતિ, ત્યાંના લોકોના દિલદાર સ્વભાવ, રાજા પ્રત્યેની તેમની શ્રદ્ધા અને આધુનિકતા વચ્ચે પણ પોતાની પરંપરાને જીવંત રાખવાની તેમની અજોડ નિષ્ઠાને નજીકથી અનુભવવાની તક છે. પારોછુ નદીનો સથવાર, પહાડોની ઠંડી હવાદાર સફર, રસ્તામાં દેખાતી કોલેજો, અને ગરમાગરમ 'એમા દાત્સી' અને 'કેવા દાત્સી' જેવું અદ્ભુત ભોજન આ બધું મળીને આ પ્રવાસને એક અવિસ્મરણીય સંસ્મરણ બનાવી દે છે.
ક્રમશ:

.jpg)

Comments
Post a Comment