ધીમી બળે, વધુ લિજ્જત આપે તેવી #theStoryteller
હમણાં ઘણાં સમયથી OTT પ્લેટફોર્મ પર સમય ફાળવી શકાયો નથી. એવામાં મિત્રે મેસેજ મોકલ્યો કે #storyteller જોઈ કે નહીં? એ પછી સાથે હિન્દી પોસ્ટ પણ મોકલી હતી. એ વાંચીને થયું કે આ ફિલ્મ વિશે થોડાં સમય પહેલાં કયાંક કશુંક વાંચ્યું છે પણ યાદ આવ્યું નહીં. સમય મળતાં જ ફિલ્મ જોઈ ત્યારે પણ લાગતું રહ્યું કે આ વિશે વાંચ્યું છે જ. એ યાદ રહી જવાનું કારણ અનિદ્રાની વ્યાધિ સમજો ને. ત્યારે એવી શક્યતા લાગી કે કદાચ કહાની સત્યજીત રેની છે તો કદાચ એ ક્યારેક વાંચવામાં આવી હોય ને ફિલ્મ વિશે વાંચ્યું એમ યાદ રહી ગયું હોય.
ફિલ્મ જોયા પછી ચેન ન પડ્યું એટલે googling કર્યા વિના ઊંઘ આવવાની નહોતી. ત્યારે જાણવા મળ્યું કે એ વિશે વાંચ્યું હોય એવો વહેમ નહોતો, પૂરેપૂરી શક્યતા હતી. કારણકે પ્રીમિયર busan ફિલ્મ ફેસ્ટિવલમાં પછી બીજા બે માતબર વિદેશી ફેસ્ટીવલમાં screening થયું ત્યારે મીડિયામાં થોડું કવરેજ થયું હતું, પણ ફિલ્મ જોઈને લાગ્યું કે આ કવરેજ થવું જોઈએ તેવું નહોતું. જો OTT પ્લેટફોર્મ પર ન આવત તો મોટો વર્ગ માણવાથી વંચિત રહી જાત. આ ફિલ્મ દરેક માટે નથી, પરંતુ એ લોકો માટે છે જેમનામાં સંવેદના હોય, તેમના હૃદયને નક્કી સ્પર્શી જશે.
સત્યજીત રેની ટૂંકી વાર્તા "ગોલ્પો બોલીયે તારિણી ખુરો" પર આધારિત ફિલ્મમાં કોલકાતાના તારિણી બંદોપાધ્યાય એટલે કે પરેશ રાવલ નિવૃત્ત છે. જીંદગીમાં છ મહિનાથી વધુ ક્યાંય કોઈ નોકરીમાં ટકયો નથી. પાકો ખાખો બંગાળી બાબુ, મચ્છી ને વાર્તાનો જીવ છે. તેને અમદાવાદ જવા માટે નોકરીની ઓફર મળે છે. તેનું કામ ફક્ત વાર્તા કહેવાનું છે. એક શ્રીમંત ઉદ્યોગપતિ, રતન ગોરાડિયા (આદિલ હુસૈન) છે, જે અનિદ્રાથી પીડાય છે. તેને આશા છે કે કોઈ તેને સારી વાર્તાઓ કહેશે તો કદાચ અનિદ્રા ટળે. વાર્તાઓ શરૂ થાય છે અને જીવનના બે અલગ અલગ વ્યક્તિ, વ્યક્તિત્વ, સંસ્કૃતિ ઉજાગર થાય છે.
ફિલ્મ જોયા પછી લાગે છે કે હવે આ Original વાર્તા તો જરૂર વાંચવી પડશે. ફિલ્મ જોતાં એક પ્રશ્ન થયા કરે છે, બંગાળી પ્રજા ગુજરાતી લોકો માટે ખરેખર આ અભિપ્રાય ધરાવતી હશે? આખી ફિલ્મ સતત એક ગતિથી વહે છે.
હા, કદાચ slow burner કેટેગરીમાં મૂકી શકાય.. વર્ષો પૂર્વે કોઈ સિગારેટની જાહેરખબરની કેચ લાઇન યાદ છે?
ધીમે બળે છે, વધુ લિજ્જત આપે છે. #Storyteller #DisneyHotstar
Comments
Post a Comment