ફણસપ્રેમીઓ સાવધાન,આ તમારા માટે નથી
થોડાં વર્ષો પૂર્વે એક દિલ્હીમાં આઇએએસ અધિકારીમિત્રના ઘરે મહેમાન બનવાનો પ્રસંગ નિર્માણ થયો હતો. મારા માટે રાત્રે ડિનરમાં અધિકારીના પત્નીએ સ્પેશિયલ કોફતાં બનાવ્યા હતા. જે રીતે સર્વ કર્યા હતા તે જોવાલાયક હતું. પહેલા કોળિયો ભર્યો ને મારા ગળે અટકી ગયો.
મેં યજમાન દંપતિ સામે જોઈને કહ્યું, તમને તો ખબર છે કે હું વેજિટેરિયન છું..
અફકોર્સ, બેઝિઝક ખાવ આ તો કટહલ કોફતાં છે. મેં તો આ નામ સાંભળેલું નહોતું ( ત્યારે પેલી સિરીઝ નહોતી આવી).
મારા ચહેરો જોઈને તેમને ખ્યાલ આવ્યો હોય કે કેમ તે પેલા મિત્રપત્ની એ આ પાછળ કેટલી મહેનત કરી તે વિગતવાર સમજાવ્યું. ફણસને ઝાડ પરથી ઉતારવા , તેને કરામતથી કાપવા ને પછી આ શાક બનાવવા સુધીની જહેમત. એમની મહેનતની કથા સાંભળીને પણ મારું દિલ ન પીગળ્યું જે તેમને અપમાન જેવું લાગ્યું તે સમજી શકાય તેમ હતું પણ સોડમમાં,સ્વાદમાં અજબ લાગતી ચીજ ન ખાય શકાય તેમાં વાંક કોનો?
બાળપણમાં ફણસ તો નહીં પણ તેના ચાંપા ઘરે આવતા હતા તેવું થોડું યાદ છે ત્યારે પણ ભાવ્યું હોય તેમ યાદ નથી. હા ભાવે તેની ગોટલીનું શાક.
ગુજરાતમાં કદાચ તેનું મહત્વ નથી પણ સમગ્ર સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં ખાસ કરીને ટ્રોપિકલ ક્લાઈમેટ ધરાવતાં પ્રદેશોમાં તેની બોલબાલા છે. મહારાષ્ટ્રમાં અને કોંકણ પટ્ટામાં ખાસ. મારા મરાઠી અને કોંકણી મિત્રો એમના ફાર્મમાં ઊગેલા ફણસ મોકલે અને હું હાથ જોડી અસ્વીકાર કરું તે તેમને માટે નવાઈ નહીં, ઝટકા જેવું હોય છે. પણ, તેની વાસ મારા એટલી બધી અસહનીય છે કે કેમ સમજાવવું?
ફણસનો ભાઈ છે દુરિયન. મલેશિયા ગયેલા મિત્રોને ખબર હશે ,ખાસ કરીને મલેશિયાના બોર્નિયો જંગલ વિસ્તારમાં ઉગે. તેની દુર્ગંધ (સોરી સોડમ ) એટલી તીવ્ર કે માઈલો સુધી પ્રસરે. મલેશિયાના બોર્નિયો વાંદરાઓનું મોસ્ટ ફેવરિટ ફળ. પણ, માત્ર વાંદરાઓને નહીં ઘણાં લોકોને પણ બહુ ભાવે , ખાસ કરીને મહારાષ્ટ્રીયન , બિહારી , રંગૂન તરફના લોકો જ્યાં દુરિયનની બીજી કોઈક જાત ઉગે છે તે લોકોએ બાળપણથી ટેસ્ટ ડેવલપ કર્યો હોય તેમને ભાવે. આપણે તેની વાસથી બેહોશ થઇ જઈએ .
એ વાસ કેટલી તીવ્ર હશે તેનો અંદાજ લગાવી જુઓ.
મલેશિયામાં કોઈપણ ફાઈવ સ્ટાર કે પછી સારી હોટેલમાં દુરિયન અંદર લઇ જવા પર પ્રતિબંધ છે. જો તમે ચોરી છુપી લઇ જાવ ને પકડાયા તો 500 ડોલરનો દંડ ભરવા તૈયાર રહેવું પડે. એ માટે બધે સાઈન બોર્ડ મુકાયેલા હોય છે.
સરકારી બંગલાઓ સાથે ફણસનો સીધો સંબંધ છે. ફણસ હશે તો સરકારી બંગલો હશે અને સરકારી બંગલો હશે તો ફણસ હશે. જેટલો મોટો સરકારી બંગલો હશે, તેટલા વધુ ફણસના વૃક્ષો હશે. અને જેટલો મોટો અધિકારી હશે, તેના બંગલા પર લાગેલા ફણસ તેટલા જ વધુ સ્વાદિષ્ટ હશે. એવું અમારા મિત્રે કહેલું જે ફણસના એટલા રસિયા હતા કે રોજ શાક બનતું હતું.
ફણસની હાજરી સૂચવે છે કે આસપાસ કોઈ સરકારી માણસ છે. ફણસ કાં તો ખેડૂત ઉગાડે છે અથવા અધિકારી. ફણસની માલિકી ફક્ત આ બંને પાસે હોય છે. તફાવત માત્ર એટલો છે કે ફણસ ઉગાડવા માટે ખેડૂત પરસેવો પાડે છે, ફળ આવવાની રાહ જુએ છે, અને અધિકારીને તૈયાર ફણસના વૃક્ષો મળે છે અને જ્યારે મન થાય ત્યારે ફણસ ખાય છે.
અમારે ત્યાં વર્ષો પૂર્વે એક ઘરકામ કરનાર ભાઈ હતા. આજથી 40 વર્ષ પૂર્વે બિહારી લોકોએ મુંબઈ જોયું નહોતું. મુંબઈમાં ઘરકામ માટે ઘાટના રહેવાસી આવતા. જેને ઘાટી લેખાતા. આ લોકો પાસે ગામમાં ખેતીલાયક જમીન હોય, ઘરનું ઘર પણ હોય છતાં, વધુ ઉપરની કમાણી કરવા શહેરમાં આવે. અમારા પાંડુ ભાઈ હોળી આવે કે ગામ જવાની તૈયારીમાં લાગે. હોળી પર જવાનું અને પહેલો વરસાદ થાય પછી આવવાનું. વરસાદ પૂર્વે ગામમાં ખેતર ખેડીને તૈયાર કરવું પડે, એટલે જવું પડે જ. પણ, પાછા આવે ત્યારે બે મસમોટાં ફણસ લઈને આવે. એક અમારા ઘર માટે અને બીજું બિલ્ડિંગમાં તેના અન્ય દોસ્તો માટે.
આ બધા લોકો ફણસની કાગડોળે રાહ જુએ. ફણસ કાપવામાં એક્સપર્ટી જોઈએ. સામાન્ય માણસ ન કાપી શકે. કોઈ સર્જન ઓપેરશન કરતો હોય તેવી મગ્નતાથી પાંડુ હાથ પર તેલ લગાવે, એની સ્પેશિયલ છરી હોય તેનાથી કાપે.
જયારે 80ની સાલમાં મુંબઈ આવી ત્યારે આ ફણસ ફિયેસ્ટા મારા માટે જોણું હતો.
મને ત્યારે પણ એ વાતની ભયંકર અરુચિ હતી અને આજે પણ છે તેથી એ જોવા ન તો હું ઉભી રહેતી ,ખાવાનો તો સવાલ જ નહોતો.
ફણસપ્રેમીઓને થાય કેટલી ગાંડી છે. હા, પણ ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ?
ત્યારે મને સમજાતું નહોતું કે લોકો આ ફળ પાછળ દિવાના કેમ છે ?
મારા મિત્રની વાત સમજી શકાય એવી હતી. ચાણક્યપુરીમાં તેમને મળેલા બંગલામાં કેટલાય ફણસના વૃક્ષ હતા. અને તેની પર એક કે બે ફળ ન આવે. આવે તો ડઝનબંધ , જાણે કુદરત કહેતી હોય , ખાઓ ,ખાઓ ..બચ્ચાઓ તમારે માટે જ છે.
ફણસનો ઉપયોગ સંબંધો સુધારવા માટે થાય છે. ઓફિસરો સામાન્ય રીતે તેના મિત્રોને જ આ મોકલે છે. ક્યારેક કોઈ નજીકના જુનિયરને પણ આ મળી જાય છે અને પછી તે પોતાના સાથીઓ સાથે અઠવાડિયા સુધી તેના સ્વાદ, ગુણ અને દિવ્યતાની ચર્ચા થતી રહે છે. જયારે પાંડુ જેવા લોકો પોતે જ્યાં કામ કરતા હોય ત્યાં , શહેરી મિત્રો અને ગામમાં ન ઘર હોય કે ખેતર એવા ગરીબ દોસ્તો માટે ફણસ ભેટ આપે છે.
અમારા મિત્રને ફણસ શું કામ આટલું ભાવે છે તેનો તાળો પણ વાતચીત દરમિયાન મળી ગયો. સાહેબ હતા પંજાબી. પણ કોઈક સદગુરુના સંપર્કમાં આવીને માંસાહાર ત્યાગી દીધો. જે લોકો શાકાહારી બન્યા હોય તે લોકોની પસંદ આ કારણે પણ હોય છે. અલબત્ત, અહીં કહેવાનો આશય એ હરગીઝ નથી કે જન્મે શાકાહારી લોકો જેમને માંસાહાર શું છે એ જાણ સુધ્ધાં નથી તેમને ફણસ આ માટે ભાવે છે. પણ , આ એક સામાન્ય લોજીક છે. તેમને માટે ફણસના કબાબ, કોફ્તા, ફણસની બિરયાની અને પુલાવ જેવી વસ્તુઓ શોધી કાઢવામાં આવી છે.
ફણસ બહારથી અક્કડ અને રૂક્ષ અને અંદરથી રેષાદાર હોય છે. તેને હાથ લગાવવો જરા ઝંઝટવાળું કામ છે. કાપવા પર, જે સફેદ ચીકણો ફેવિકોલ જેવો રસ બહાર નીકળે છે. નિષ્ણાત લોકો હથેળીમાં તેલ લગાવીને જ તેને કાપી શકે છે અને જે આવું કરી શકે છે તે કંઈ પણ કરી શકે છે. અને કોઈની પાસેથી કંઈ પણ કરાવી શકે છે.
ફણસ ક્યારે તોડવું, કયા મરચા-મસાલા નાખીને કેટલી વાર રાંધવું એ કલા છે.
અલબત્ત, ફણસ ભાવવું એ મોટો પ્રશ્ન છે, પણ ભાવે તેને આપણી સલામ.
અહીં કોઈ ફણસપ્રેમીને ઉતારી પાડવાનો કે દુઃખ લગાડવાનો આશય નથી.
આ તો લાગ્યું તે લખ્યું છે. આ બ્લોગ છે જ મનમાં આવે તે લખવાનો.
વાંચીને માઠું લાગ્યું હોય તો બોલ્યું ચાલ્યું માફ ગણીને બે ચાંપા વધુ ખાજો ...
Comments
Post a Comment