દિલ ચાહતા હૈ ...


 અમારી કાશ્મીરની યાત્રા શરૂ થઈ તે પૂર્વે એક સ્નેહમિલન મહેશભાઈ શાહની અક્સા બીચ ખાતે આવેલી આનંદ વાટિકામાં ગોઠવાયું. 

આમ તો તૈયારીઓ થઈ ગઈ હતી.મહેશભાઇ કાશ્મીરના મેપ અને જરૂરી સૂચના સાથે સજ્જ હતા.
એમની વાત પરથી એટલું તો સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે પ્રવાસ કોઈ તફરી નથી. કોઈ ટુરિસ્ટ જુદી જુદી જગ્યાએ જઈને થપ્પો લગાવી આવી જાય એવું પણ નહીં.
ખરાં અર્થમાં ટ્રાવેલર બનવાનું હતું. એવું નહોતું કે માર્કો પોલો કે ઈબ્ન બટુટાની જેમ તકલીફભરી યાત્રા કરવાની હતી પણ 17 દિવસ દરમિયાન રોજના કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે થઈ સાંજે પૂર્ણ થતી હતી. એમણે આગ્રહ રાખ્યો હતો કે સાથે ટ્રેકિંગ સ્ટિક અત્યંત જરૂરી છે એ વાત કેટલી ઉપયોગી સાબિત થઇ એ વાત તો પછી આવશે. 
અમારી સાથે સપોર્ટ સિસ્ટમ તો હતી જ. 
જે દુર્ગમ વિસ્તારમાં જ્યાં લોકો વેજિટેરિયન ખાણીપીણી વિશે સમજે જ નહીં ત્યાં એમ જ જઈ ચઢીને ભૂખમરો વેઠવો પડે. 
ગ્રુપ પણ નાનું નહોતું. પૂરા 25 વ્યક્તિઓ એટલે  મહેશભાઇ એ ગોઠવણ કરી લીધી ગિરિરાજ કેટરર્સવાળા જગદીશ ભાઈ સાથે. 
સ્નેહમિલનમાં જગદીશ ભાઈ સેમ્પલ લાવ્યા હતા એવા નાસ્તા ચાખ્યા બાદ ઘડીક ડર લાગ્યો કે ક્યાંક વજન ન વધી જાય. 
પણ, આ બધું વિચારવું અસ્થાને હતું ને અમારો પ્રયાણ દિવસ આવી ગયો. 

મુંબઈ શ્રીનગર indigo ફલાઈટ ઓન ટાઇમ હતી. સવારે 9.15 શ્રીનગરના દર્શન થયા. નીચે જોયું તો સોનેરી સૂર્યપ્રકાશમાં શ્રીનગરનું ચોખ્ખું ભૂરું આકાશ આવકાર આપી રહ્યું હતું. 

ઘરેથી એરપોર્ટ જતાં પૂર્વે ચાર દિવસના વેધર રિપોર્ટ જોયા હતા. લાઇટ ટુ હેવી રેઈન એવું ચોખ્ખું લખ્યું હતું એટલે હેન્ડબેગમાં જેકેટ ને પોંચો બંને હાથવગા રાખ્યા હતા. રખેને જરૂર પડે. 
કાશ્મીરમાં હવામાન નારીના મૂડ જેવું રહે છે. ઘડીકમાં અતિશય રમણીય પણ ક્યારે બગડી જાય કહેવાય નહીં. ખાસ કરીને વરસાદની આગાહી પણ હોય ત્યાં સૂર્ય નારાયણ હસીને દર્શન આપે ને ક્યારેક sunny day લખ્યું હોય પણ અચાનક પવન ફૂંકાવો શરૂ થાય ને ક્યાંકથી વાદળને તાણી લાવે અને પાંચ મિનિટ વરસી એ વાતાવરણ ને ઠંડુગાર કરી જાય. 

કાશ્મીરમાં સૌથી સારી વાત છે રમણીયતા અને તાપમાન. 
શ્રીનગર પર બ્રેકફાસ્ટ પતાવીને 80 કિલોમિટર દૂર આવેલા દક્સમ જવાનું હતું. બે દિવસ ત્યાં રહેવાનું હતું.
સફર શરૂ થઈ. આગાહી વરસાદની હતી પણ તડકો મુંબઈથી સાથે આવ્યો હોય એમ ગરમી હતી. થોડાં જ સમયમાં હવામાન બદલાવા લાગ્યું. અનંતનાગ જિલ્લામાં પણ વનરાજી અને રંગબેરંગી ફૂલનું સામ્રાજ્ય છે. રસ્તાની બે બાજુ નજરે ચઢી રહ્યા હતા એપલ Orchard શરૂ થયા. ઓગસ્ટ સપ્ટેમ્બર સફરજનની સિઝન હોય છે. દરેક ઝાડ પર સફરજનના ઝુમખાં ઝુમખાં લટકી રહ્યા હતા. અલબત્ત, આ પ્રદેશ સફરજનની ખેતી માટે હવે વિકસિત થઈ રહ્યો છે બાકી સામ્રાજ્ય તો પ્રવર્તે conifers વનનું. સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે જેને શંકુદ્રુમ ઓળખતાં એવા ચીડ (pine) ,
દેવદાર , ચિનાર, શાહબલૂત ( oak), શેતૂર (mulberry) અખરોટ, બદામ વૃક્ષ ના જંગલો જોવા એક લહાવો છે.
એ જંગલમાં એક ચોક્ક્સ પ્રકારની  મહેક આવ્યા કરે. કદાચ પાઇન ટ્રી ની?
વનની સુગંધવાળો પ્રદેશ પૂરો થાય એ પહેલાં અમારો પહેલો મુકામ આવી ગયો.
દકસમ. 
ચારે બાજુ રળિયામણું વાતાવરણ, ન કોઈ મકાન કે વસ્તી, રસ્તાની અડોઅડ નાની પણ સુંદર આરામદાયક હોટલ હતી અમારી. 
હોટલ પહોંચ્યા ત્યાં તો વાદળ ઘેરાયેલા જોયા. બપોર હતી,  કલાક ખાઈપીને આરામ કર્યા પછી કોકરનાગ બોટોનિકલ ગાર્ડન જોવા જવાનો પ્રોગ્રામ ગોઠવાયો. 
વરસાદ હશે તો? તો બાગમાં કેમ કરીને જવાનું? એવા સવાલના જવાબમાં મહેશભાઇનો ઉત્તર હતો કે પ્લાનિંગ ચોક્ક્સ કરવાનું પણ થોડું 'એની ઉપર'  છોડી દેવાનું. જીવનની આ એક મોટી શીખ. 


જિંદગીમાં કદાચ પ્રથમવાર પ્રવાસમાં પ્રશ્ન પૂછવાનું બંધ કર્યું હશે. 
કલાક થયો ને જ્યારે ગાર્ડન જવા નિકળ્યા ત્યારે વાદળ વિખેરાઈ ચૂક્યા હતા અને વાતાવરણ વનરાજી પવન તમામ નાહી ને ફ્રેશ થઈ ગયા હોય એમ મંદ મંદ હસતા હતા. 
પહોંચ્યા કોકરનાગ બોટોનિકલ ગાર્ડન. એક સમયે ગુલશન એ કોકરનાગ તરીકે ઓળખાતો હતો. 1.5 એકરમાં ફેલાયેલ ઉપવન કેટલીય જાતિ પ્રજાતિ એ વનસ્પતિ હોય કે પશુ પંખીની, કે પછી કીટક કે પતંગિયા નમસ્તે પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જાણીતું છે. 
આ પાર્ક આમ તો 1964 માં બન્યો પણ તેની નોંધ આઈને અકબરીમાં જુદી રીતે મળે છે. 
આ પાર્કમાં geo thermal ઝરણાં હોવાનો ઉલ્લેખ મળે છે. અલબત્ત, અનંતનાગ જિલ્લો એમાં આ પ્રદેશ તો ઝરણાંનો પ્રદેશ કહેવાય છે. કોકરનાગ ગાર્ડન માં કાશ્મીર માં જ ઊગે તેવા કાશ્મીરી Begonia, and cocks comb જેને દેશી ભાષામાં લાલમા કે પછી મખમલ કહેવાય છે તે ઊગે. ગુલાબનું તો સામ્રાજ્ય વિશાળ છે. માત્ર લાલ, ગુલાબી, સફેદ, પીળા નહીં કેસરિયા, કાળાશ પડતાં મરૂન જાંબલી ગુલાબના ઝુમખાં. જે દવારૂપે ઉપયોગમાં લેવાય તે  પોશ ડોડા (હિમાલયન પોપી) ઊગે છે તે પણ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ એના અમને દર્શન ન થયા. શકય છે એને હવે નાર્કોટિક્સ શ્રેણી આ ગણીને નષ્ટ કરી દેવાતા હોય એમ પણ બને. 
જો કોઈ રસપ્રદ વાત હોય તો તે છે બાગમાં વહેતા ઝરણ. 
એવું મનાય છે કે આઈને અકબરી માં ઉલ્લેખ થયો છે તે પ્રમાણે અહીં વહેતા ઝરણનું પાણી એટલું અકસીર હતું કે પેટની વ્યાધિ મટી જતી. 


ત્યાં ઝરણાં માં એક અલગ પ્રકારની માછલી જોઈ. ત્યાં તો ન સમજાયું પણ બહાર ખાણીપીણીના સ્ટોલ પર ભેદ ખુલ્યો. 

બે કલાક મનભરીને વિહાર કર્યા પછી બહાર નિકળ્યા પછી નજર ગઈ ખાણીપીણીના ખૂમચા પર. 
ત્યાં ખ્યાલ આવ્યો કે પેલી માછલી શું હતી એ હતી trout નામની જાતિની માછલી જે સંવર્ધન કોઈક વિદેશી એ અહીંની પ્રજાને શિખવાડ્યું. હવે એ વિદેશી સહેલાણીઓ માટે એક આકર્ષણ બની ગયું છે. 
આપણે એવું માની લઈએ કે કાશ્મીર માત્ર પર્યટન ઉદ્યોગ પર અવલંબિત છે તો એ વાત સાચી નથી. પર્યટન ઉદ્યોગ તેની GDP ના માત્ર 8 ટકા છે. 
આ માહિતી મળી ત્યારે સાચે નહોતી લાગી તેથી ગૂગલ પરથી લીધી. 

ખાણીપીણીમાં તો અમને કોઈ રસ નહોતો. આપણાં ભટૂરાં કરતાં ત્રણગણી મોટી પૂરી, કૃત્રિમ રંગ નાખેલા મીઠાઈ ફરસાણ અને સાથે traut એ વિદેશી અજમાયશ કરી શકે. આપણા માટે તો જગદીશભાઈ સાથે આવેલા રસોઇયા ભાઈઓએ શુધ્ધ સાત્વિક ભોજન તૈયાર રાખ્યું હતું. 

બીજે દિવસે જવાનું હતું માર્ગનટોપ અને વારવાન વેલી. 
ઉપર હવા તેજ હશે એટલે જેકેટ જરૂરી હતું અને વરસાદની ઝરમર માટે જરૂરી પોંચો. 
બસ હવે વહેલી પડે સવાર... 

ક્રમશઃ 







Comments

  1. દિલ માંગે મોર ખુબ સરસ લેખ બદલ ધન્યાવાદ 👌

    ReplyDelete
  2. મસ્ત વર્ણન. પ્રત્યક્ષ દર્શનનો અનુભવ!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...