ગોવાનો એક ગોપિત ચહેરો

આ ગોવાને કોણ જાણે છે ?


હમણાં એક ગોવાની મિત્રને  મળવાનો પ્રોગ્રામ થયો. આમ પણ જૂનાં મિત્રો મળે ત્યારે સામાન્યરીતે ધર્મ અને રાજકારણ વિષે ચર્ચા કરવાનું ટાળી દીધું છે. આ બે વિષયમાં સમાન રસવાળા મિત્રો પણ ક્યારે તલવાર તાણીને સામસામે આવી જાય કહેવાય નહીં. થોડાં જૂનાં સંસ્મરણો વાગોળી લીધા પછી એ જ રસ રુચિની ચર્ચા હતી. સંસ્કૃતિ, સંગીત, સાહિત્યની વાતો વચ્ચે  બોબીના ગે ગે રે સાહિબા ગીતની વાત નીકળી. મૂળ તો એ છે ગોઅન ફોક સોંગ. લોકગીતનું એક આગવું વિશ્વ છે.  દરેક ભાષામાં મળતાં લોકગીત તેમના સમય,સંસ્કૃતિ, સમયકાળ અને સંજોગો વિષે ન જાણે કેટલું બધું કહી જાય છે. પણ, આપણે તો આ ગીત બોબીમાં જોયું. વળી સંગીતમર્મી રાજ કપૂરે એનાથી વાતાવરણ જ કેવું સર્જ્યું હતું કે આપણને લાગે કે નાયિકા પોતાના પ્રિયતમ ને મળવા જવા નદીને પાર ઉતારવા નાવિક ને વિનંતી કરતી હશે. અત્યાર સુધી મારા મનમાં આ જ છાપ હતી. પણ,  આ વાત અર્ધસત્ય છે તેની જાણ નહોતી. આ ગીત પાછળની સ્ટોરીથી તદ્દન અજાણ મને જે જાણવા મળ્યું , કદાચ ઘણાં આ વાતથી જ્ઞાત હોય તો ખ્યાલ નથી પણ મેં આ પહેલીવાર જાણ્યું એટલે લખ્યા વિના ન રહી શકી. 
આ ગીત પાછળની કરુણ કથની ખબર છે ?

સૌને ખબર છે કે ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું અને ભારતની આઝાદી પછી પણ દીવ દમણ અને ગોવા ભારત સાથે આઝાદ નહોતા થયા. અંગ્રેજો છોડીને ગયા હતા પણ દીવ દમણ અને ગોવા પર પોર્ટુગીઝ શાસન કરતા હતા.  ભારતે આ વિસ્તારોને મુક્ત કરવા માટે ૧૮ ડિસેમ્બર, ૧૯૬૧ ના રોજ 'ઓપરેશન વિજય' શરુ કર્યું અને તે  અભિયાન  અને ટૂંકા સંઘર્ષ પછી, પોર્ટુગીઝ ગવર્નર-જનરલે ૧૯ ડિસેમ્બર, ૧૯૬૧ ના રોજ શરણાગતિના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા, અને ગોવા, દમણ અને દીવનો ભારતીય સંઘમાં ઔપચારિક રીતે સમાવેશ થયો.
પોર્ટુગીઝ  દીવ, દમણ ને ગોવા છોડીને ૧૯ ડિસેમ્બર, ૧૯૬૧ ના રોજ ગયા. આ સાથે આ પ્રદેશોમાં ૪૫૧ વર્ષના પોર્ટુગીઝ સંસ્થાનવાદી શાસનનો અંત આવ્યો.

પ્રસિદ્ધ મારુતિ મંદિર અને શાંતાદુર્ગા મંદિર જે મોટાભાગના GSBના કુળદેવી છે. 

આ ઓપેરેશન વિજય હેઠળ જે થયું તે ઇતિહાસ આપણે ભણી ગયા છીએ. 

 વાત છે જે વિષે ભાગ્યે જ કોઈ વાત થાય છે. 
મિત્ર મારી મૂળ ગોવાની , ગૌડસારસ્વત બ્રાહ્મણ, જેમને પોતાના  કુળનું ,પોતાની સરનેમનું ભારે ગૌરવ. નામ બોલતી વખતે વધુ ભાર આપે અટક પર. જેમકે સલગાંવકર ,બાંદોડકર, ભંડારકર, કેલકર આવી તો સંખ્યાબંધ અટક જોવા મળે. જે તેમની રહેવાસની જગ્યા, કુળ, ગોત્ર દર્શાવે. એ વાત તો સર્વવિદિત છે પણ એ પાછળ લેવાતા અભિમાન માટેની વાત પાછળનું કારણ ખબર નહોતી. 



મારી GSB મિત્રે જયારે બોબીના ગીત પરથી ઇતિહાસની કેડીની સફર કરાવી ત્યારે જાણ થઇ. 
ઇસ 1498માં વાસ્કો ડી ગામા કલીકટ બંદરે ઉતર્યો. આવ્યો હતો વેપાર કરવા માટે પણ પછી શું ખેલ થયો તે ઈતિહાસ છે. 
વાસ્કો દ ગામા આવ્યો વેપારને નામે અને પછી ખેલ કરી ગયો. 

 વાસ્કો-દ-ગામાનું પ્રાથમિક લક્ષ્ય વેપાર માટે હતું , ખાસ કરીને મસાલા માટે, આરબ અને વેનિસના એકાધિકારને બાયપાસ કરીને સીધો દરિયાઈ માર્ગ સ્થાપિત કરવાનું હતું. પણ, અહીં પોતાના સામ્રાજ્યનો વિકાસ કરી શકવાની તક જણાઈ તેથી  ગોવામાં પોર્ટુગીઝના ઉદ્દેશ્યો  અને રાજકીય લક્ષ્યો તરફ વિસ્તાર્યા.

અલફાન્સો અલ્બુકર્ક ,જેને 1510માં કબ્જો કર્યો 

જ્યારે વાસ્કો-દ-ગામા ૧૪૯૮માં આવ્યો, ને જે સંદેશ મોકલ્યા તેનાથી અલફાન્સો  દ અલ્બુકર્ક  લાવલશ્કર સાથે આવી ચઢ્યો. ત્યારે ગોવા પર રાજ હતું બીજાપુરના આદિલશાહનું. જેનું ધ્યાન આંતરિક કલહમાં વધુ હતું. કોઈ દરિયામાર્ગે આવીને હુમલો કરી શકે એવી કલ્પના નહિ હોય, એથી વધુ કોઈ વેપાર કરવા આવ્યા હોય તે પરોણા આવી લુંટમાર કરે તેવું સ્વપ્ને નહીં વિચાર્યું હોય. પણ અલફાન્સો અલ્બુકર્ક આવ્યો ,  ૧૫૧૦માં ગોવા પર વિજય મેળવ્યો. ગોવા એક વ્યૂહાત્મક બંદર શહેર હતું, અને તેના પર કબજો કરવાથી પોર્ટુગીઝને કાયમી મથક અને તેમના એસ્ટાડો દ ઇન્ડિયા (પોર્ટુગીઝ ભારત રાજ્ય)ની રાજધાની સ્થાપિત કરવાની તક મળી.
સેન્ટ ફ્રાંસિસી ,ગોવામાં વટાળ પ્રવૃત્તિનો આગેવાન 


 પોર્ટુગીઝો ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરવા માટે  પ્રતિબદ્ધ હતા. આ "પેડ્રાડો રિયલ" (શાહી આશ્રય) નો ભાગ હતો, એક એવી વ્યવસ્થા જેમાં પોપે ધર્મ વિસ્તરણ કે ધર્માંતરણ માટે  તાજને નવા શોધાયેલા પ્રદેશોમાં  બાબતો  વ્યાપક સત્તા આપી હતી
વાસ્કો-દ-ગામાના આ ટ્રેડ ક્રુસેડ ઉદ્દેશ્યમાં ખ્રિસ્તીઓ અને મસાલા શોધવાનો સમાવેશ થતો હતો.મસાલા તો મળે પણ ખ્રિસ્તીઓ ક્યાંથી મળે ? એટલે જે પ્રજા હોય તેને ખ્રિસ્તી બનાવો તો જ કામ થાય. 
ને શરૂઆત થઇ મિશનરી ઓર્ડરના આગમનની. 
૧૫૧૦માં સૌપ્રથમ પહોંચ્યા જેસ્યુઇટ્સ (સૌથી નોંધપાત્ર રીતે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ૧૫૪૨માં), અને ડોમિનિકન્સ જેવા વિવિધ કેથોલિક ધાર્મિક ઓર્ડર સ્થાનિક વસ્તીને ધર્મ પરિવર્તન કરાવવાના સ્પષ્ટ હેતુ સાથે ગોવા આવ્યા.
તેમણે અસંખ્ય ચર્ચો, કેથેડ્રલ અને ધાર્મિક સંસ્થાઓનું નિર્માણ કર્યું, જેનાથી ગોવાના ભૂપ્રદેશમાં પરિવર્તન આવ્યું.

ગોવાના ખ્રિસ્તીકરણને વિવિધ પદ્ધતિઓ દ્વારા હાંસલ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીક સ્વૈચ્છિક હતી અને કેટલીક બળજબરીપૂર્વક:
શરૂઆતમાં, કેટલાક ધર્મ પરિવર્તનો સામાજિક અથવા આર્થિક લાભો પ્રદાન કરીને કરવામાં આવ્યા હતા, જેમ કે ધર્મ પરિવર્તન કરનારાઓ માટે વહીવટ અથવા વેપારમાં વિશેષ સારવાર. પોર્ટુગીઝ પુરુષો અને સ્થાનિક મહિલાઓ વચ્ચેના લગ્નો પણ ધર્મ પરિવર્તન તરફ દોરી ગયા.
આ પ્રકારના ટોર્ચરના ચિત્રો અને દસ્તાવેજ તેમની ભાષામાં જ છે.ગૂગલ કરીને વધુ માહિતી મેળવી લેશો.

બીજું હતું , "રિગોર દ મિસેરીકોર્ડિયા" (દયાસહિત કઠોરતા): આ પોર્ટુગીઝ દ્વારા અપનાવવામાં આવેલી એક સત્તાવાર નીતિ હતી જેમાં સમજાવટ અને, વધુને વધુ, બળનો ઉપયોગ થતો હતો.
ત્રીજું હતું  મંદિરો અને મસ્જિદોનો વિનાશ: આશરે ૧૫૪૦ના દાયકાથી, હિન્દુ મંદિરો અને મુસ્લિમ મસ્જિદોનું વ્યવસ્થિત રીતે તોડી પાડવાનું કામ શરુ થયું.ઘણીવાર જપ્ત કરીને ચર્ચ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા.

ચોથું ,ગોવા ઇન્ક્વિઝિશન (સ્થાપના ૧૫૬૦). આ એક ખાસ કરીને ક્રૂર સમયગાળો હતો. ઇન્ક્વિઝિશને માત્ર બિન-ખ્રિસ્તીઓને જ નહીં, પરંતુ ગુપ્ત રીતે તેમના જૂના ધર્મોનું પાલન કરતા હોવાના શંકાસ્પદ નવા ખ્રિસ્તીઓને પણ નિશાન બનાવ્યા.બિન-ખ્રિસ્તીઓને જાહેર પદ ધારણ કરવા, નવા મંદિરો બનાવવા અથવા જૂના મંદિરોનું સમારકામ કરવાની મનાઈ હતી.જે હિન્દુ બાળકોના પિતા મૃત્યુ પામ્યા હતા તેમને કેટલીકવાર ધર્મ પરિવર્તન માટે બળજબરીપૂર્વક જેસ્યુઇટ્સને સોંપવામાં આવતા હતા.
 આ પ્રવૃત્તિ દરમિયાન  બળજબરીપૂર્વકના ધર્મ પરિવર્તનના કિસ્સાઓ હતા, જ્યાં લોકોના હોઠ પર માંસ લગાવવામાં આવતું હતું, જેના કારણે તેઓ તેમની જ્ઞાતિ ગુમાવતા હતા અને તેમને ધર્મ પરિવર્તન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો ન હતો.
પાંચમું ,પરંપરાગત રીતરિવાજો, ભાષા (કોંકણી પર ૧૬૮૪માં  પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પોશાક, વિધિ વિધાનો) પ્રતિબંધિત હતા. સ્થાનિક ભાષાઓમાં હોય તેવા ધાર્મિક ગ્રંથોને જાહેરમાં બાળી નાખવામાં આવતા હતા.

અને ત્યાં આવે છે આપણું ગે ગે રે સાહિબા.... 

આ અત્યાચારો ચાલી રહ્યા હતા ત્યારે ઈ.સ ૧૬૨૦માં, વાઇસરોયે એક ફરમાન બહાર પાડ્યું કે પોર્ટુગીઝ પ્રદેશોમાં કોઈ પણ હિન્દુ લગ્ન કરી શકશે નહીં. હિન્દુઓને નદી પાર કરીને આદિલ શાહના પ્રદેશોમાં મુખ્ય ટાપુ પર લગ્ન કરવા જવાની ફરજ પાડવામાં આવી હતી. હિંદુઓ  તેમના મૃતકોનો અગ્નિસંસ્કાર પણ કરી શકતા ન હતા. તેમને નદીની મધ્યમાં હોડીઓમાં તેમના મૃતકોનો અગ્નિસંસ્કાર કરવો પડતો હતો, કારણ કે તેઓ ટાપુ પર તેમનો અગ્નિસંસ્કાર કરી શકતા ન હતા, ફક્ત એટલા માટે કે તે એક હિન્દુ વિધિ હતી જે તેમને વિધર્મી હોવાનું સાબિત કરતુ હતું. 

હવે લગ્ન અને મરણ જેવા સંસ્કાર હિન્દૂ વિધિ તરીકે ન થાય તો ? ઘણાં હિન્દૂ કુટુંબો એવા હતા કે આ તમામ અત્યાચાર સામે અડીખમ ઉભા રહીને ટક્કર લઇ રહ્યા હતા. આ જે ગીત છે તે લગ્ન કરનાર હિન્દુ યુવતીનું ગીત છે. 

 તે દિવસોમાં હિન્દુઓની પીડા કોંકણી લોકગીતમાં પ્રતિબિંબિત થાય છે.  મૂળ ગીતના બોલ છે હૌ સાહિબા પોલ્ટોડી વોઇટા દામુ ના લગની કોઈતા..." , આઓ સાહેબા પોલ્ટોડી વોઇટા, પોલ્ટોડી વોઇટા"..
જેનો અર્થ થાય છે 'હું નદી પાર કરવા માંગુ છું'. હું નદી પાર કરવા માંગુ છું... શબ્દનો ગોવામાં ખૂબ જ દુઃખદ અર્થ છે, કારણ કે તેનો અર્થ એ છે કે હું પોર્ટુગીઝ પ્રદેશમાંથી છટકી જવા માંગુ છું, 'હું નદી પાર કરવા માંગુ છું અને હું સુરક્ષિત જગ્યાએ જવા માંગુ છું'. અને તેથી જ તે વ્યક્તિ કહે છે "હૌ સાહિબા, પોલ્ટોડી વોઇટા દામુ લા લગની કોઈતા". દામુ એક હિન્દુ માટે રૂપક છે. તેથી હું દામુના લગ્નમાં હાજરી આપવા માંગુ છું તેથી જ હું નદી પાર કરવા માંગુ છું. હું એક સુરક્ષિત જગ્યાએ જવા માંગુ છું, "મકા સૈબા વાત કાલના". 'મને પાર જતાં અટકાવવામાં આવે  છે. તો  નાવિક કૃપા કરીને મને ત્યાં લઈ જા '. અને તેના જવાબમાં નાવિક કહે છે "ગે, ગે ગે,  "ગે રે સાહિબા"   'હું નહીં કરું'.. કારણ કે તે પોર્ટુગીઝથી ડરે છે.  આખું ગીત તે સ્ત્રી વિશે છે જે નાવિકને લાલચ આપતાં કહે છે કે હું તને મારી બંગડીઓ આપીશ, હું તને મારી નાકની નથ આપીશ, હું તને મારા પાયલ આપીશ, હું તને મારી પાસેનું બધું સોનું આપીશ, પણ કૃપા કરીને મને પોલ્ટાડી લઈ જાઓ. હું મારા ધર્મનું રક્ષણ કરવા માંગુ છું. આ ગીતનો અર્થ એ છે. 
હવે તે એક ખુશહાલ લોકગીત બની ગયું છે. પરંતુ તેમાં ઘણી બધી કરુણતા છે.

કરુણતાની વાત કરીએ તો અહીંથી વાત પૂરી થતી નથી. જેને ગોવા તળથી જોયું હોય તેમને ખબર હશે, માત્ર ચાર દિવસ બીચ પર વિતાવીને આવી ગયા હોય તે લોકોએ નહીં જાણી હોય તેવી વાત છે ગોવાના હાથકટરો પીલરની. 
હાથકટરા સ્તંભ , 63 વર્ષે પણ સરકારોને આ વિષે નોંધ લેવી જરૂરી નથી લાગતી.

જે ગોવાના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા તેને રાષ્ટ્રીય સ્મારક  (National Monument ) જાહેર કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, કારણ કે તે પોર્ટુગીઝ શાસન દરમિયાન થયેલા અત્યાચારો અને શહીદોની યાદ અપાવે છે.
આ સ્થંભ હજુ પણ ઓલ્ડ ગોવામાં સ્થિત છે, અને તેને સત્તાવાર રીતે સંરક્ષિત સ્મારક જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે બફર ઝોન સંબંધિત પડકારોનો સામનો કરી રહી છે. તેને ગોવાના ઇતિહાસના એક મહત્વપૂર્ણ અને દુઃખદ પ્રકરણના પ્રતીક તરીકે જોવામાં આવે છે. એનું મહત્વ એટલે છે કે એ ઇતિહાસનો સાક્ષી છે. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો ઇન્કાર કરનારને આ થાંભલા સાથે બાંધીને હાથ કાપી નાખવામાં આવતા હતા. 

ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી દ્વારા સંરક્ષિત સ્મારક  જાહેર કરવા માટે સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જે ઠેઠ અત્યારે એટલે કે 1961 પછી એટલે કે 63 વર્ષ પછી નવેમ્બર ૨૦૨૪ના એક અહેવાલ મુજબ, રાજ્ય સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, અને તેને સત્તાવાર રીતે સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવા માટેનું નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.

આ થાંભલાને સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં મુખ્ય અવરોધ  છે ૧૦૦ મીટરનો બફર ઝોન.  જ્યારે કોઈ સ્થળને સંરક્ષિત જાહેર કરવામાં આવે છે, ત્યારે તેની આસપાસ ૧૦૦ મીટરનો વિસ્તાર બફર ઝોન તરીકે સૂચિત કરવો પડે છે. અગાઉની સરકારો એ આ વાતને ધ્યાનમાં ન રાખી એટલે આ સ્થંભ ઉપરથી ફ્લાયઓવર જાય છે અને તેની આસપાસ હાલમાં અસ્તિત્વમાં રહેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિસ્તાર ને કારણે આ બફર ઝોન બનાવવામાં સમસ્યાઓ આવી રહી છે.
હાલમાં, સમયના માર અને ઉપેક્ષાને કારણે તેની સ્થિતિ ખરાબ થઈ છે. ભૂતકાળમાં પણ આ થાંભલાને ખસેડવાનો પ્રસ્તાવ આવ્યો હતો, પરંતુ સ્થાનિક લોકો અને ઇતિહાસકારોના વિરોધને કારણે તે શક્ય બન્યું નહોતું.

હાથકટરો  સ્થંભ ગોવાના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા તેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, કારણ કે તે પોર્ટુગીઝ શાસન દરમિયાન થયેલા અત્યાચારો અને શહીદોની યાદ અપાવે છે.

મારી મિત્ર આખી વાત પૂરી કરીને પૂછે છે , હવે કોઈ પ્રશ્ન છે કે અમને GSB હોવાનું અભિમાન કેમ છે ? 

મારી પાસે તો ઉત્તર નથી.. તમારી પાસે છે? 



Comments

Popular posts from this blog

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...