ઝીલ કે ઉસ પાર..
પંખીઓના કલરવથી સવાર પડે એ પહેલાં અમે સેટ કરેલા એલાર્મથી આંખો ખૂલી ગઈ. પહેલો દિવસ હતો ને વહેલાં ઊઠવાની ટેવ ન હોય તે લોકો માટે એ શું સ્થિતિ હોય અર્લી રાઈઝર વિચારી ન શકે.
સૌથી સારી અને મહત્વની વાત એ હતી કે 25 ના ગ્રુપમાં એકપણ વ્યક્તિ લેટ લતીફ નહીં.
સવારે 8 નો સમય આપ્યો હોય તો સૌ કોઈ પાંચ મિનિટ પહેલાં ડાઇનિંગ રૂમમાં પહોંચ્યા જ હોય.
પ્રવાસ શરૂ થયો. આગલે દિવસે શ્રીનગરથી શરૂ થતાં પહેલાં પ્રાર્થના ગાઈને કરી હતી. એ જ ક્રમ પૂરાં 17 દિવસ જળવાઈ રહ્યો.
માત્ર સવારની નહીં, સાંજની પણ પ્રાર્થના ખરી..
विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये ।अरण्ये शरण्ये सदा मां प्रपाहि
गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि
વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે ।
અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં
ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ.
ભાવાર્થ :હે શરણે આવેલાનું રક્ષણ કરનારી ! વિવાદ, વિષાદ, પ્રમાદ, પ્રવાસ, જળ, અગ્નિ, પર્વત, શત્રુ, વન સર્વની વચ્ચે સદાય મારું રક્ષણ કરજો. હે માઁ ભવાની ! તમે જ એકમાત્ર મારી ગતિ છો.
સાચું કહું તો હું દેવીભક્તિ કરતી હોવા છતાં ભવાની અષ્ટકના આ શ્લોકથી અજાણ હતી. રાત્રે ગૂગલ કરીને ભાવાર્થ વાંચ્યો ત્યારે તેનો મહિમા સમજાયો.
વેધર ચેનલ પર જોયું હતું તે અનુસાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. દકસમથી માર્ગન ટોપ અંતર છે માત્ર 40 કિલોમીટર પણ પહાડી વિસ્તારમાં હેર પીન વળાંકો અને સાવચેતી સ્પીડ ન કરવા દે.
રસ્તામાં એક નાનકડાં ધોધ પાસે ઊભા રહ્યા. પ્રવાસમાં ખાણીપીણી, સાઈટ સીઇંગ ઉપરાંત જો સૌથી મહત્વની વાત હોય તો તે છે ફોટો શૂટ.
ને કેમ ન હોય?
જોયું, જાણ્યું માણ્યું તેનું મહત્વ જેવું તેવું નથી પણ એ આનંદની એ ક્ષણોને ગાંઠે સદાકાળ બાંધી રાખવી હોય તો એનું કામ કેમેરા ને હવે મોબાઈલ ફોન કરે છે.
ફોટો સેશન પતાવીને ફરી સફર શરૂ થઈ. 14,000 ફીટ પર આવેલા માર્ગન ટોપ પર પહોંચવામાં ચિનાર, દેવદાર, કાશ્મીરી વિલો, ભોજપત્ર (birch), મેપલ, શાહબલૂત (oak tree) અખરોટ, બદામ, જરદાળુ, બ્લૂ પાઈનનો હરિયાળો વૈભવ મનને તરબતર કરી દે. વાતાવરણમાં એક હળવો પમરાટ.
જેમ જેમ ઊંચાઈ પર પહોંચીએ વૃક્ષોનો વસવાટ પાંખો થતો જાય.
7000 ફૂટ પર સામાન્યપણે સ્પ્રૂસ, બ્લૂ પાઈન જેવી પાઈનની જાતિના વૃક્ષો સિવાય કોઈની હાજરી ન વર્તાય.
એક સમયે એવો આવે કે વૃક્ષો બિલકુલ ગાયબ, નજરે ચઢે દૂર પહાડી પર રહેલો હિમ અને ઝરણ.
જે અમારી મંજિલ હતી તે આવું માર્ગન ટોપ.
જેનો અર્થ જ થાય છે મૃતકોની ખીણ.
આવું કેવું નામ એવો પ્રશ્ન સહેજે થાય પણ ઉત્તર જાણ્યા પછી વાત સમજાય.14,000 ફીટ ઊંચાઈએ આવેલો આ રસ્તો માર્ગન ટોપ જેને માર્ગન પાસ પણ કહે છે તે એક પર્વતીય માર્ગ છે, જે વરવાન ખીણને કિશ્તવર થઈને કાશ્મીર ખીણ સાથે જોડે છે. આ રસ્તા માત્ર દસ વર્ષમાં વિકસિત કરાયા છે. અન્યથા આ વરવાન વેલી તદ્દન કટ ઓફ વિસ્તાર હતી. આજે પણ શિયાળામાં એ જ હાલત હોય છે પણ બાકીના મહિના ત્યાંથી વાહનવ્યવહાર સંભવિત છે. વળી ત્યાં હવામાન વિશે કોઈ અનુમાન કરી શકાય એવું નથી. અમે પહોંચ્યા ત્યારે વરસાદ તો નહોતો પણ પવન એવો ઠંડો કે સરખા જેકેટ ન હોય તો છાતી સોંસરવો ઉતરી જાય.
આમ તો આ ટુરિસ્ટ પ્લેસ નથી. આ તો છે નિસર્ગ પ્રેમીઓ માટેનું સ્વર્ગ. કારણ એટલું કે માર્ગન ટોપ પર ચાર તળાવ છે, જે ચોહરનાગ તરીકે જાણીતા છે. ચોહર એટલે ચાર રસ્તા ને નાગ એટલે સરોવર. મુખ્ય માર્ગથી 3 કિ.મી.ના અંતરે આવેલા, આ ઊંચાઈવાળા તળાવો પર્વતની ટોચ પરપર પહોંચવા યુવાન પોતપોતાના ટ્રેકિંગ ગિયર્સ સાથે આવે છે. ચાહો તો ટ્રેક કરીને વધુ આગળ જાવ કે પછી ઉપર ગગન વિશાલ ને માણતાં કેમ્પિંગ કરો.
ખાસ કરીને ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ સમય છે જુલાઈ થી સપ્ટેમ્બર. આસપાસના ઘાસના મેદાનો ઉનાળા દરમિયાન જ્યારે જંગલી ફૂલોથી ઉભરાઈ જાય ત્યારે કોઈ આલીશાન રંગબેરંગી કાર્પેટ માઈલો ના માઈલો સુધી બિછાવી હોય તેવો આભાસ ઊભો થાય છે. લાંબો અને ઘાસવાળો વિસ્તાર હજારો ઘેટાં અને બકરાંનું ઘર છે જેઓને ગુર્જરો અને બકરવાલ આદિવાસીઓ અહીં કેટલાક મહિનાઓ માટે ચરવા માટે લાવે છે.
અમે આ બકરવાલ અને ગુર્જર લોકોને માલસામાન ઘરવખરીને ઘોડા, ખચ્ચર પર લાદીને કબીલા સાથે નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરતાં જોયા. ઓક્ટોબર મહિનો બેસવાની તૈયારી હતી. એટલે શિયાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી હતી. આ વિસ્તારમાં તાપમાન શૂન્યથી નીચે જાય એટલે મનુષ્ય શું પશુ પંખી કે અન્ય જીવો પણ સ્થળાંતર કરવા લાગે છે.
આ ચરવાહ કોમ ભારતીય લશ્કર માટે બહુ કામની હોય છે.
અમે માર્ગન ટોપ પર ટી હોલ્ટ કર્યો. એક ચાની ટપરી સિવાય કોઈ વસ્તી નહીં. ત્યાં થોડાં યુવાનોની ટોળી કેમ્પિંગના સરસામાન સાથે ઊંચાઈવાળા સરોવર પર પહોંચવા સજ્જ હતી.
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.
અમે ચા પીને થોડી ગપ્પાંગોષ્ઠિ કરી રહ્યાં હતા એટલી વારમાં તો આ જુવાનિયા ક્યાંના ક્યાં ચઢી ગયા હતા. જાણ્યું કે આ લોકો રાત્રે ઉપર કેમ્પિંગ કરશે પછી નીચે ઉતરશે. યુવાનીનો મોટો હિસ્સો કામ કરવામાં વિતાવી દીધો ત્યારે આપણે આવું કેમ ન કર્યું ? એવો પ્રશ્ન ઘડીક આવીને જતો રહ્યો.
ગ્રુપની બહેનોએ ફોટા વિડિયો સાથે એક ગરબો પણ લઈ લીધો કાશ્મીર કી કલી હું મૈં ગાઈને.
જિંદગીના છઠ્ઠે દાયકે પગ મૂક્યા પછી દિલ કો બહલાને કે લિયે ખ્યાલ ઠીક હૈ...
ફરી એક ફોટો સેશન ને અમારી સવારી આગળ વધી.
હવે જવાનું હતું વરવાન વેલી.
14000 ફૂટથી નીચે આવતી વખતે જે રમણીય દ્રશ્યો નજરે પડી રહ્યા હતા તેને ફોટોગ્રાફ પણ ન્યાય ન અપાવી શકે.
પીર પંજાલ રેન્જ પરથી ઉતરી રહેલી અમારી વાનના તમામ મિત્રો આ જોઈને નિ:શબ્દ હતા. વહી જતી વારવાન નદી કોઈ કુશળ નૃત્યાંગના હોય તેમ અંગમરોડ ધારણ કરતી વહી રહી હતી. આજુબાજુ હરિયાળી સામ્રાજ્ય નિરવ શાંતિ અને તેમાં બિલાડીના ટોપ જેવા દેખાતાં છૂટાછવાયા ઘર.
વરવાન નદીનો પટ મોટો નથી પણ નદી અંતર સુધી સાથે ચાલે છે. એ બની છે બે ઉપનદીના સંગમથી. બટકોટ અને ગુંબરનું મિલન વરવાન નદી બનાવે ને એ જ નદી વધુ દૂર જઈને મારુસુદર બની જાય છે અને પછી મળે ચિનાબને.
વારવાન નદીના નિર્મળ જળ અને ચારે બાજુ ફેલાયેલા હરિયાળા મેદાન... કોઈ પિકચર પોસ્ટકાર્ડ જોઈ રહ્યા હોય એમ લાગે.
મહેશભાઇ એ સૌને નિયત સમયમાં એક ચોક્કસ સ્થળે મળવાનો આદેશ આપ્યો. અમારે અહીં લંચ કરીને પાછા ફરવાનું હતું.
અચાનક વીસ પચ્ચીસ કારનો કાફલો ધસી આવ્યો. લાઉડ સ્પીકરમાંથી સૂત્રો ઉચ્ચારણો થઈ રહ્યા હતા. તે સમય ચૂંટણી આવી રહી હતી. રાજકીય પક્ષો પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા હતા.
કદાચ તેથી સહેલાણીઓ ઓછા હતા. કેમ્પિંગ માટે ખોડેલા ટેન્ટ ખાલી પડ્યાં હતાં. અહીં આવનાર લોકો રાત્રે નદીકાંઠે કેમ્પિંગ કરે છે તે માટે પૂરતી વ્યવસ્થા છે. આગળથી ટ્રેકિંગ, કેમ્પિંગ બૂકિંગ કરાવી શકાય છે. ઘણાં ગામલોકો પોતાના ઘરે મહેમાનોને રાખે છે. ખાસ કરીને વિદેશીઓ આ હોમ સ્ટે અનુભવ લે છે. એટલું નહીં પણ ગામમાં ગેસ્ટ હાઉસ પણ છે. પરંતુ પ્રમાણમાં નાના અને અમારું ગ્રુપ મોટું હતું.
નદીના પટમાં નાનાં કહી શકાય તેવા ઘણાં ગામ છે જે પહાડ ઉતરતા નજરે ચઢે છે.
વેલીના પ્રવેશ સમયે જ પોલીસ ચોકી પર નોંધણી થાય છે. અમે પહોંચ્યા ત્યારે એ સરળતાથી થઈ ગઈ, ખાસ સમય બગાડવો ન પડ્યો. ત્યાં ત્રણ આતંકવાદીના ઇનામની જાહેરાત સાથેના પોસ્ટર પહેલીવાર જોવા મળ્યા.
ત્યાં મુલાકાત થઈ એક સ્થાનિક પત્રકાર સાથે.
જે યુટ્યુબ પત્રકારત્વ કરવા ઉપરાંત ખાસ તો એટલા મુખ્ય અખબારી ચેનલો, પત્રકારો ને માટે કામ કરતા હતા.
તેમની પાસે એક નવી વાત જાણવા મળી. એમના મતે અમે જ્યાં હતા તે કેમ્પિંગ સાઈટ થી સીધે સીધા જઈએ તો ઘૂમરી, સુખનાઈ, માર્ગી, બસમીના, અફ્તી જેવા ગામ વટાવીને સીધા અમરનાથ ધામ પહોંચી શકાય પણ એ માટે રસ્તો કઠિન છે અને યાત્રીઓ સરળતાથી પહોચી શકે તેવો રસ્તો કાઢવાનું ઠાલું વચન દરેક સરકાર આપે રાખે છે. રસ્તો કાઢવો કોઈ મુશ્કેલ કામ નથી પણ એ કરવા કોઈ તૈયાર નથી કારણકે પહેલગામમાં જે હોટલ ઉદ્યોગ વિકસ્યો છે તેનું શું? આ તમામ હોટલો મોટે ભાગે રાજકીય વગ ધરાવતાં લોકોની છે.
એ પત્રકાર સાથે વાતોનો ખજાનો હતો પણ એ દિવસે ગણેશ ચતુર્થી હતી અને તે નિમિત્તે એક સ્તુતિ સૌએ સમૂહગાન રૂપે ગાઈને રેકોર્ડ કરવાની હતી.
એટલું નહીં નદીના પથરાયેલ પટ પર ફોટોગ્રાફ લેવાના હતા અને જમીને મોસમ બગડે તે પૂર્વે સહીસલામત હોટલ પહોંચવાનું હતું.
જગદીશભાઈના માણસો ઝડપભેર કામે વળગ્યા ને કલાકમાં ગરમાગરમ જમણ તૈયાર.
નદીકિનારે ગરમાગરમ જમણવાર એ એક અનોખો અનુભવ હતો.
કોઈએ વરવાન નદીના કિનારે બનાવેલી તાજી ગુજરાતી રસોઈ ગરમાગરમ પરાઠા સાથે ડબકાં કઢી ખાધી હશે?
ક્રમશઃ
વાહ કાશ્મીર ની ભૂગોળ નો અને પ્રવાસ વર્ણન નો સરસ સુમેળ. પિન્કી બહેન ધન્યવાદ 👌🌺
ReplyDeleteThank You
Deletethank you sir
Deleteવાંચી ને ખરેખર ઘટ માં ઘોડા થનગની રહ્યાં. સાચે જ યુવાની ના દિવસો માં કામકાજ માં રોકાયેલાં રહ્યાં નો અફસોસ થાય જ. તો પણ તમે છઠ્ઠા દાયકામાં દાયકામાં
ReplyDeletethank you sir
Delete