મુકામ પોસ્ટ : પ્રકૃતિ, ભૂતાન ડાયરી 1



હિમાલય. જો તમે એને કોઈ સામાન્ય પર્વતમાળા સમજતાં હો તો માનજો કે એ તમારી ટૂંકી દ્રષ્ટિ કે અલ્પ વાંચન હોય શકે.  મનાય છે કે હિમાલયમાં એવું ચુંબકત્વ છે કે જે તેની સમીપ જનારને સદા માટે મોહપાશમાં બાંધી લે છે. આ અનુભવ સહુ કોઈને વત્તે ઓછે અંશે થયો જ હશે. હિમાલય એ માત્ર પથ્થરો અને હિમ પર્વતમાળા નથી, પણ એક અદ્ભૂત  આત્મિક ખેંચાણ અને રહસ્યમય જીવંત ચેતના છે. જે વ્યક્તિ એકવાર પણ એના ખોળામાં પગ મૂકે છે, તેનો આત્મા સદા માટે હિમાલયનો જ થઈને રહી જાય છે. ગયા જૂનમાં સ્પીતિની એ અવાક કરી દેતી ભવ્યતા અને નિર્જન શાંતિ વચ્ચે જે સંબંધ બંધાયો, એ માત્ર એક મુસાફરી નહોતી પણ 'કોલ ઓફ હિમલાયઝ'નો અનાહત નાદ હતો. એ જ ખેંચાણ અને સાદ  પૂર્વ હિમાલયના ખોળામાં વસેલા પવિત્ર ભૂતાન સુધી લઈ આવ્યું .હિમાલયની ખાસિયત જ એ છે કે તમે એને એકવાર જોઈને તૃપ્ત નથી થઈ શકતા; એનું એક રૂપ તમને બીજા રૂપ તરફ દોરે છે. સ્પીતિના ઠંડા રણથી લઈને ભૂતાનની લીલીછમ પવિત્ર ખીણો સુધી. હિમાલયના વિવિધ સ્વરૂપ અવાક કરી દેવા માટે જાણીતાં છે.  તમને વારંવાર બોલાવે છે કારણ કે ત્યાં જઈને જ માણસ બહારના ઘોંઘાટમાંથી મુક્ત થઈને પોતાની જાત સાથે સાચો સંવાદ સાધી શકે છે. પહાડોની એ રહસ્યમય શાંતિ અને નિરાકાર વિશાળતા મનને એવા તો મોહપાશમાં બાંધે છે કે જિંદગીભર આ શિખરો તરફ પાછા ફરવાની એક તીવ્ર, અવિરામ અને મીઠી તડપ કાયમ હૃદયમાં રહે છે.


 તેમાં પણ નેપાલ ભૂતાન જેવા નાનકડાં હિમાલયન રાષ્ટ્ર તો ખરેખર જુદી જ એક સૃષ્ટિ છે. ત્યાંની રમણીયતા જ નહીં ત્યાંની ધાર્મિક માન્યતાઓ તેમની સંસ્કૃતિ અને ઉત્સવ માણવાલાયક હોય છે. તેવા જ ઉદ્દેશથી અમે અમારી ટ્રીપ પ્લાન કરી હતી. ભૂતાનનો અતિ પ્રતિષ્ઠિત માનતો થિમ્પુ ફેસ્ટિવલ અમારે ચૂકવો નહોતો. જે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિમા પડે છે. ૧૭મી સપ્ટેમ્બરની  સવારે  અમે મુંબઈથી બાગડોગરા જતી  ઈન્ડિગો ફ્લાઈટ લીધી. મનમાં ભૂતાન પ્રવાસનો અનોખો ઉત્સાહ હતો અને ફ્લાઈટ પણ ઓન ટાઈમ  બાગડોગરા એરપોર્ટ પર લેન્ડ થઈ ગઈ. એરપોર્ટ પર કોઈક લોકનૃત્ય ચાલી રહી હતું. પણ એરપોર્ટ પ્રમાણમાં નાનું છે. કલાક રહીને અમે અમારી જર્ની શરુ કરી, અમારે હવે જવાનું હતું બાય કાર, બાગડોગરા સિટીની બહાર નીકળતાં જ ઉત્તર બંગાળની પહાડી હવાનો એક મીઠો સ્પર્શ અનુભવાયો. હવે ભારત ભૂતાનની સરહદ તરફની અમારી રોડ ટ્રિપ શરૂ કરવાની હતી. જરૂરી સામાન ગાડીમાં ગોઠવીને બપોરે બરાબર બે વાગ્યે અમે બાગડોગરાથી ફુટશોલિંગ જવા માટે નીકળ્યા. બાગડોગરાથી ફુટશોલિંગનું અંતર લગભગ ૧૫૫ થી ૧૬૦ કિલોમીટર જેટલું છે અને આ સફર કાપવામાં સામાન્ય રીતે ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. જેવા અમે નેશનલ હાઈવે ૨૭ (NH 27) પર આગળ વધીને આગળ જતાં NH 317 પર વળ્યા કે રસ્તાની બંને બાજુના દ્રશ્યો મન મોહી લેવા  આવી પહોંચ્યા. ઉત્તર બંગાળનો આ ડૂઅર્સ વિસ્તાર, અસમિયા ઉચ્ચારણ છે, જેનો અર્થ દરવાજો થાય છે. આ પ્રદેશમાં આવા કુલ અઢાર પ્રવેશ માર્ગ છે.  આ આખો પ્રદેશ અદ્ભુત અને ગાઢ હરિયાળી માટે આખા દેશમાં જાણીતો છે. રસ્તામાં સેવોક, માલબજાર, નાગરાકાટા, બિરપાડા અને હાસીમારા જેવા નાના-મોટા રળિયામણા ગામો અને કસબાઓ એક પછી એક પાછળ છૂટતા જતા હતા. અનંત સુધી પથરાયેલા ચાના લીલાછમ બગીચા, ગાઢ જંગલો અને દૂર દૂર દેખાતી નીલગિરી જેવી પહાડીઓની વનરાઈ અને વચ્ચે વચ્ચે આવી રહેલા ચાના બગીચા દેખા દેતા હતા. ​અમે શરુ થયાના થોડા જ સમયમાં ખ્યાલ આવ્યો કે અમે બહુચર્ચિત એવા ચિકન નેક પેસેજ એટલે કે સિલિગુડી પેસેજમાં સફર કરી રહ્યા છીએ. પશ્ચિમ બંગાળના પશ્ચિમ ભાગમાં આવેલા બાગડોગરા અને સિલીગુડીથી શરૂ થઈને અસમના ધુભરી અને કોકરાઝારની સીમા સુધી વિસ્તરેલો આશરે ૬૦ કિલોમીટર લાંબો પટ્ટો એટલે સિલીગુડી કોરિડોર, જેને સમગ્ર વિશ્વ 'ચિકન નેક' તરીકે ઓળખે છે. નકશા પર મરઘીની ડોક જેવો સાંકડો દેખાતો આ ભૌગોલિક માર્ગ તેના સૌથી સાંકડા ભાગમાં ઉત્તરે નેપાળ અને દક્ષિણે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સરહદો વચ્ચે માત્ર ૨૦ થી ૨૨ કિલોમીટર જેટલી જ પહોળાઈ ધરાવે છે. આટલી નાનકડી ભૂમિપટ્ટી સમગ્ર દેશને ઉત્તર-પૂર્વના આઠ રાજ્યો આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમ સાથે જમીન માર્ગે જોડે છે. ભૌગોલિક અને રાજકીય દ્રષ્ટિએ આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે, કારણ કે આ કોરિડોરની ઉત્તરે નેપાળ અને ભૂતાન, દક્ષિણે બાંગ્લાદેશ તથા નજીકમાં ચીનની ચુંબી ઘાટી આવેલી છે. ચીનની સરહદ અહીંથી માત્ર ૧૩૦ થી ૧૪૦ કિલોમીટર જ દૂર હોવાને કારણે ભૂરાજકીય દ્રષ્ટિએ આ પટ્ટી ભારત માટે 'લાઈફલાઈન' સમાન છે, જ્યાંથી દેશની તમામ મુખ્ય રેલ્વે લાઈનો, રાષ્ટ્રીય રાજમાર્ગો, પાવર ગ્રીડ્સ અને તેલની પાઈપલાઈનો પસાર થાય છે.​કોઈપણ લશ્કરી કે આંતરરાષ્ટ્રીય કટોકટીના સમયે જો આ સંપર્ક કપાઈ જાય, તો ભારતનો ઉત્તર-પૂર્વના રાજ્યો સાથેનો સીધો જમીની સંબંધ અટકી શકે છે. આ જ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અહીં સેનાની 'ત્રિશક્તિ કોર્પ્સ'નું મુખ્યાલય સુકના ખાતે સ્થાપ્યું છે, જ્યારે BSF, સશસ્ત્ર સીમા બલ (SSB) અને આસામ રાઈફલ્સ સરહદો પર સતત ખડેપગે પહેરો આપે છે. આ કોરિડોર પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતે મ્યાનમારના સિત્તવે બંદર દ્વારા કલાદાન પ્રોજેક્ટ અને બાંગ્લાદેશ સાથેના ચટગાંવ બંદર તથા રેલ લિંક્સ જેવા વૈકલ્પિક માર્ગો પણ વિકસાવ્યા છે. હિમાલયની તળેટીમાં જલપાઇગુડી, માલબજાર, બિરપારા અને હસીમારા થઈને જયગાવ તરફ જતાં ચાના બગીચાઓ અને તિસ્તા નદીના મનોહર પ્રકૃતિ વચ્ચેથી પસાર થતો આ રસ્તો પ્રાકૃતિક સુંદરતાની સાથે સાથે ભારતની સરહદી સુરક્ષાનું એક અતૂટ અને અમર પ્રતીક છે.બાગડોગરાથી જલપાઈગુડી થી સિલિગુડી થઈને તમે ઈસ્ટ-વેસ્ટ કોરિડોરના ભાગરૂપે NH 27 પર આગળ વધો છો. આગળ જતાં ચલસા અને હાસીમારા પાસે પહોંચીને આ હાઈવે ભૂતાન સરહદ (જયગાવ) તરફ વળતા NH 317 સાથે જોડાય છે, જે તમને સીધા જ ભૂતાન ગેટ સુધી પહોંચાડે છે. અઢાર દ્વાર ભલે હોય પણ ભારતીય ટુરિસ્ટ માટે પ્રવેશ અહીંથી જ અપાય છે. જો હાથ પર સમય હોય અને બજેટ કે દિવસની કોઈ મર્યાદા ન હોય તો આ જ વિસ્તારમાં ઘણાં અભ્યારણ્ય આવેલા છે. જેમાં એક બે તો રસ્તામાં જ આવશે . જેમ  કે મહાનંદા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી ,જે સિલિગુડી છોડો કે હાઈવેને લગોલગ છે. પરંતુ તેમાં નેચર વોક સિવાય અન્ય કોઈ પર્યાય નથી. જયારે જલદપરા નેશનલ પાર્ક જે એક શિંગડાવાળા રહાઈનો માટે જાણીતું છે તે મદારીહાટ વટાવતાં આવે છે. તે હાઇવેથી એકદમ નજીક હોવાથી એક દોઢ કલાક માટે પણ મુલાકાત લઇ શકાય. તેની થોડી જ દૂર ખાચરબારી રેસ્ક્યુ સેન્ટર છે જેમાં બચાવવામાં આવેલા વાઘ,દીપડા જોવા મળી શકે. અમે આ જ વિસ્તારમાંથી પસાર થયા પરંતુ શિડ્યુલ ટાઈટ હતું તેમાં કોઈ ફેરફારને ગુંજાઈશ નહોતી માટે આ આકર્ષણનો મોહ ટાળવો પડ્યો.. પરંતુ ત્યાંથી જો પસાર થવાનું હોય તો એ વાત રોમાંચક લાગે.

 

                  

પ.બંગાળના બાગડોગરાથી ભૂતાન જતો હાઇવે સિલિગુડી પેસેજ એટલે કે ચિકન નેકનો આંશિક ભાગ છે.


 
આ મુસાફરી દરમિયાન એક તરફ લીલાછમ ચાના બગીચાઓની ચાદર પથરાયેલી જોવા મળે છે, તો બીજી તરફ વહેતી ઘેઘૂર તિસ્તા નદી અને તેના પર આવેલો સુંદર કોરોનેશન બ્રિજ તમારી સફરને વધારે મનોહર બનાવે છે.આ રસ્તેથી પસાર થતાં હો ને સજાગ ન રહો તો ચિકન નેક ક્યારે શરુ થાય અને પૂરો થાય ખ્યાલ પણ ન આવે. કારણ કે અહીં કોઈ લશ્કરી જમાવટ નથી. એક સામાન્ય હાઇવે જે રીતે પસાર થાય તે રીતે છે. સેવક, ઓદલાબારી, માલબજાર, બિરપારા અને હસીમારા જેવા ચાના બગીચાઓ અને ડુંગરાળ પટ્ટી વચ્ચે વસેલા શાંત ગામડાંઓ તથા બજારોમાંથી પસાર થતી આ ૧૫૦-૧૬૦ કિલોમીટરની રસાત્મક સફર માત્ર એક મુસાફરી નથી, પરંતુ હિમાલયની તળેટીમાં વસેલા પશ્ચિમ બંગાળના ડુઆર્સ પ્રદેશની પ્રાકૃતિક સુંદરતા અને ભારતની વ્યુહાત્મક મહત્તાનો એક અદ્ભુત સાક્ષાત્કાર છે.બપોરનો સમય થયો હતો કકડીને ભૂખ લાગી હતી. અમે પશ્ચિમ બંગાળના જ રસ્તા પર આવેલા એક નાનકડા દેશી રોડસાઇડ ઢાબા પર ગાડી રોકી. અમે હજી બંગાળમાં જ હતા પણ લાગી રહ્યું હતું કે આસામમાં છીએ. માત્ર ઘર અને વિસ્તાર નહીં ,આખો માહોલ મેઘાલયમાં હોઈએ તેવી પ્રતીતિ કરાવતો રહ્યો. જ્યાં એક તરફ સૂર્યપ્રકાશ હતો તે જ સ્થળે અડધો કલાકમાં એવો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો કે લાગ્યું આ વરસાદ ત્રણ દિવસનો પરોણો થઈને આવ્યો લાગે છે. એક જગ્યાએ લંચ હોલ્ટ લીધો. જમવામાં એકદમ સાદું અને બેઝિક ભાણું હતું દાળ, ભાત, રોટી ને દેશી શાક. કોઈ ભવ્ય વાનગીઓ નહીં, પણ ભૂખ એટલી તીવ્ર હતી  એ સાદું ભોજન પણ  સારું લાગ્યું.  અમે ભારતની સરહદના એકદમ છેવાડાના ગામ જયગાંવ પહોંચ્યા ત્યારે સાંજ પડી ચૂકી હતી.  

 

જયગાંવ એ ભારતની સીમા પરનું છેલ્લું શહેર છે. ભારત અને ભૂતાનની સંસ્કૃતિ તથા આર્થિક સંબંધોનું એક જીવંત મિલનસ્થળ છે, જ્યાં દરરોજ હજારો ભૂતાની નાગરિકો ભારતીય બજારોમાંથી ખરીદી કરવા અને વેપાર અર્થે મુલાકાત લે છે, જેના કારણે સ્થાનિક બજારો હંમેશા ધમધમતા રહે છે. વળી નેશનલ પાર્કમાં આવતાં સહેલાણીઓ અહીં જ રોકાય છે.પશ્ચિમ બંગાળના ડુઆર્સ ક્ષેત્રના વિશાળ ચાના બગીચાઓ, વનસ્પતિ અને પહાડી નદીઓથી ઘેરાયેલું આ નાનું શહેર માત્ર એક સરહદી ચેકપોઇન્ટ નથી પરંતુ ઉત્તર-પૂર્વ ભારત અને હિમાલયન વારસાને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. અહીંથી પસાર થતાં પ્રવાસીઓને એક જ સ્થળેથી બંગાળી સંસ્કૃતિ અને બૌદ્ધ વારસાની અનોખી ઝાંખી જોવા મળે છે, તેમજ ભૂતાન ગેટની આસપાસ સ્થાનિક વાનગીઓ, પહાડી મસાલાઓ અને વિશિષ્ટ હસ્તકલાની વસ્તુઓની ખરીદી કરવાનો અનેરો અનુભવ મળે છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે આખી બજાર ઝળહળ થઇ રહી હતી. ગણપતિ ઉત્સવ મહારાષ્ટ્રમાં જ હોય તેમ નહોતું અહીં પણ ઉત્સવનો એક અલગ જ માહોલ જોવા મળ્યો.  ઠેર-ઠેર ગણપતિદાદાના સુંદર મંડપ, રંગબેરંગી ચાઈનીઝ લાઇટ્સનું ડેકોરેશન અને રોશનીનો ઝગમગાટ હતો, તો બીજી તરફ એ જ દિવસે વિશ્વકર્મા જયંતિ પણ હોવાથી આસપાસની ફેક્ટરીઓ અને ગેરેજમાં પૂજા-અર્ચના, ઝાલર-લાઈટો અને ધમાધમ ચાલતી હતી. આખું જયગાવ સંગીત, લાઈટ અને લોકોની રોનકથી ધમધમી રહ્યું હતું.

 


ભારત ભૂતાન સીમા જ્યાં સરહદ મૈત્રીપૂર્ણ છે.

                     
એક તરફ છે મેરા ભારત મહાન અને બીજી તરફ ઓછાબોલું ભૂતાન. બીજું કશું નહીં પણ સ્વછતાના પાઠ પણ ભણી શકાય તો ઘણું.

                  
હવે અમારે અહીં ઉતરીને ભૂતાનની માં પ્રવેશવાનું હતું.  જયગાંવ  પહોંચીને અમે જ્યારે અમારી ગાડીમાંથી સામાન ઉતાર્યો ત્યારે ચારેય બાજુનો નજારો જોઈને મન થોડું અચકાઈ ગયું. બપોરે થયેલો ભારે વરસાદ કદાચ થોડીવાર માટે રોકાયો હતો, એટલે આખા રસ્તાઓ ભીના હતા. જીવનમાં ક્યારેય ન જોઈ હોય તેવી પારાવાર   ગંદકી અને કાદવ ચારેકોર ફેલાયેલા હતા. એવા જ ભીના અને ગંદકીભર્યા રસ્તાઓ પરથી અમારે લગેજ સાથે ચાલીને સામે ભૂતાનની પોસ્ટ સુધી પહોંચવાનું હતું. અંતર તો નહિ જેવું હતું પરંતુ ગંદકીએ પરેશાન કરી દીધા. પરંતુ સારી વાત એ હતી કે સમાન ઉઠાવવા માટે ત્યાં  ભારતીય મજૂરો ઉપલબ્ધ હોય છે, જેમને ભૂતાનમાં જવા માટે ખાસ સ્પેશિયલ પરમિટ મળેલી હોય છે. સામાન્ય રીતે રોજેરોજ ભારતના કેટલાય લોકો નોકરી કે રોજીરોટી માટે ભૂતાન જાય અને સાંજે પાછા આવી જાય એવી  સિસ્ટમ ત્યાં છે. બિહારથી મજૂરીના કામે જ આવેલા આ મજૂરોએ અમારો સામાન ઉપાડ્યો અને ભૂતાનના પ્રવેશદ્વાર તરફ દોરી ગયા. ભારત ભૂતાન સરહદ એક ફ્રેન્ડલી સરહદ છે. એવું લાગે કે કે તમે એક ગેટમાંથી નીકળીને બીજા ગેટમાં પ્રવેશ કરી રહ્યા છો. બંને વચ્ચે કોઈ અંતર જ નથી. વચ્ચે એક પાતળી દીવાલ છે.પરંતુ ભૂતાન ઇમિગ્રેશન/એમ્બેસી ઓફિસ સુધી પહોંચાડતો એ આખોય પેસેજ અત્યંત ખરાબ સ્થિતિમાં હતો. રસ્તાની બંને બાજુ નાના-મોટા સ્ટોલ્સ લાગેલા હતા, જ્યાં હેડફોન, ગોગલ્સ, સસ્તા કપડાં અને અન્ય ચીપ સામાન વેચાઈ રહ્યો હતો. એ બધો ઘોંઘાટ, ગંદકી અને હાટ-બજાર વટાવીને આખરે અમે ભારતીય સીમા પર પહોંચ્યા, જ્યાં માત્ર બે આર્મી ઓફિસરો ઊભા હતા. એમણે શાંતિથી અમારા પાસપોર્ટ તપાસ્યા અને અમને ભૂતાન તરફ આગળ જવા દીધા. ભૂતાન માટે પાસપોર્ટની જરૂર નથી. ઇન્ડિયન નાગરિક માટે માત્ર વેલીડ વોટર કાર્ડ હોય તો ચાલે. આધાર કાર્ડ કે અન્ય કોઈ ઓળખ નહીં ચાલે. ત્યાં પ્રવેશવા માટે વિઝા પણ બીજે દિવસે લઇ શકાય છે. પરંતુ છ મહિના વેલીડ એવો પાસપોર્ટ જરૂરી છે. તે ઉપરાંત રૂ 1200 SDF (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી) પ્રતિદિન  ભારતીય નાગરિકે ભરવાના રહેછે. આ ચાર્જ પહેલા નહોતો પરંતુ હવે કોવિડ પછી લાગુ કરાયો છે. ભારતને બિગ બ્રધરનું સ્ટેટ્સ મળ્યું છે માટે આપણી પાસે આ ચાર્જ છે અન્યથા વિદેશી નાગરિકોએ પ્રતિદિન 100 US  ડોલર્સ ચૂકવવાના હોય છે. એ ચેકીંગ પતાવીને અમે ફુટશોલિંગમાં પગ મુક્યો. ભેદ હતો માત્ર એક દીવાલનો. અને આખો માહોલ જુદો, જેવા અમે ભૂતાનના પ્રવેશદ્વારમાં દાખલ થયા કે હવા જ બદલાઈ ગઈ.  મનમાં તો એવી જ છાપ હતી કે ભૂતાન એક નાનો અને આર્થિક રીતે નબળો દેશ છે, પણ સામેનો નજારો કંઈક અલગ જ વાસ્તવિકતા બતાવી રહ્યો હતો. ગેટ ઓળંગતા જ ક્ષણભરમાં ભારતીય બાજુનો કાદવ, ગંદકી અને કોલાહલ ગાયબ થઈ ગયા. આંખો પહોળી થઈ જાય એટલું બધું સ્વચ્છ, સુઘડ, શિસ્તબદ્ધ અને સુસંસ્કૃત વાતાવરણ સામે હતું.


ભારત અને ભૂતાન વચ્ચે રોજગારનો સંબંધ છે. સ્પેશિયલ પરમિટ હેઠળ નીચે રોજ લોકો ભૂતાનમાં કામ કરવા જાય છે સાંજે આવે છે.એ જ રીતે ભૂતાનીઝ ખરીદી કરવા રોજ ભારત આવી શકે છે. 



                     ભૂતાનની સ્વચ્છ ગલીઓ ,નો હોર્ન પોલિસી અને સ્પીડ લિમિટ 50 પ્રતિ કલાક. કોઈ પશ્ચિમી દેશની યાદ આપાવે. 


 ઈમિગ્રેશનની બધી પ્રોસિજર પતાવીને જેવા અમે ફુટશોલિંગના રસ્તા પર બહાર આવ્યા કે એવું  લાગ્યું કે જાણે કોઈ યુરોપિયન ટાઉનમાં આવી પહોંચ્યા છીએ! સુંદર પહાડી વાસ્તુકળાવાળા મકાનો, હોર્ન વગાડ્યા વગર શાંતિથી ચાલતા વાહનો, અને અદ્ભુત સ્વચ્છતા. ભૂતાનનો આ પહેલો જ અનુભવ અમારા માટે એક અદ્ભુત જોણું બની ગયો,  પ્રફુલ્લિત મને અમે અમારી હોટેલ તરફ આગળ વધી રહ્યા હતા.હોટેલ ધાર્યું હતું એના કરતાં ઘણી સારી હતી. સૌથી મહત્વની વાત હતી આંખે ઉડીને વળગે તેવી સ્વચ્છતા. રસ્તા પર પણ કોઈ પણ પ્રકારના કચરાનું નામોનિશાન નહીં. ન કોઈ ટ્રાફિક, ન શોર. સ્પીડ લિમિટ 50 કિલોમીટરની. જ્યાં જુઓ ત્યાં ઝેબ્રા ક્રોસિંગ અને જો કોઈ એ ક્રોસિંગ પર ઉભું હોય તો કાર ડ્રાઈવર પોતે શાંતિથી થોભી જઈને પેડેસ્ટ્રીઅનને જવા દે. આવું ભારતમાં સપનું પણ ન આવે. ફુટશોલિંગ ગામ છે કે શહેર એ સમજાયું નહીં .ફૂટશલિંગ ભૂતાનનું "આર્થિક હૃદય" (Economic Capital) ગણાય છે, જ્યાંથી દેશનો મોટાભાગનો વિદેશી વેપાર અને આયાત-નિકાસ સંચાલિત થાય છે. અને હા, થિમ્પુ પછી સૌથી મોટું એવું આ શહેર ,વસ્તી છે ત્રીસ હજારની. હા તમે બરાબર વાંચ્યું, ત્રીસ હજારની વસ્તી નાને તેનું સ્ટેટ્સ મુંબઈ જેવું છે.  આ શહેરની સૌથી મોટી વિશિષ્ટતા તેની મુક્ત અને જીવંત સરહદ સંસ્કૃતિ છે, જ્યાં ભૂતાન ગેટ ઓળંગતાં જ ભારતીય બાજુના કોલાહલથી વિપરીત એકદમ શાંતિ, સ્વચ્છતા, શિસ્તબદ્ધ વાહનવ્યવહાર અને પરંપરાગત ડિઝાઈન ધરાવતી ભૂતાની સ્થાપત્યશૈલીનો અદ્ભુત અનુભવ થાય છે. દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફાળો આપતા ચુખા જળવિદ્યુત મથકની વહીવટી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોવાની સાથે આ શહેર નેપાળી, બંગાળી, આસામી અને પંજાબી સમુદાયોના વસવાટને કારણે વૈવિધ્યસભર ખાનપાન તથા સંસ્કૃતિ ધરાવે છે. આ ઉપરાંત, કરમુક્ત દારૂ, સ્થાનિક વાઇન અને વિશિષ્ટ હસ્તકલાના સામાનની ઉપલબ્ધતા આ શહેરને હિમાલયન ક્ષેત્રના અન્ય શહેરો કરતાં સાવ અલગ અને આકર્ષક ઓળખ આપે છે.

અમે અમારી હોટેલના રૂમમાં પહોંચ્યા. આજુબાજુ નાના નાના મકાનો વચ્ચે અમારી બહુમાળી હોટેલ. બહુમાળી એટલે છ ફ્લોરની. કર્ટન્સ ખોલતાની સાથે મન ખુશ થઇ ગયું. દૂર દેખાતી પર્વતમાળા જે કદાચ શિવાલિક હશે તેવું અનુમાન કરી શકાય. પૂરી વનરાજીથી છવાયેલી. દૂર ચમકતી લાઇટ્સ , જે માનવવસ્તીની સાબિતી આપતી હતી. ઉપરથી દેખાઈ રહેલા ચોખ્ખાચણાંક રસ્તાઓ અને ઝરમર વરસતો વરસાદ. પૂરાં થોડાં  દસેક કલાકના ટ્રાવેલિંગ પછી થાક્યા તો હતા પરંતુ એક લટાર મારવા નીચે ઉતર્યા. મુખ્ય બજાર હતું પણ ગણીને થોડી દુકાનો હતી. જેમાં મોટાભાગે ઇન્ડિયન સમાન જ વેચાતો દેખાયો. સાથે ચાઈનીઝ માલ પણ એટલો જ હતો. એક ક્ષણ માટે લાગ્યું કે આપણે ચર્ચગેટના સબ વેમાં છીએ. પણ ,શોપિંગનો કોઈ ઈરાદો નહોતો. માત્ર લટાર મારવી હતી તે મારી અને હોટેલ પર આવ્યા. સવારે વહેલા સ્ટાર્ટ થવાનું હતું , તે માટે પણ આરામ જરૂરી હતો. બીજે દિવસે વહેલી સવારે અમે નીકળ્યા પારો માટે. 

  "હિમાલય એ માત્ર પથ્થરો અને હિમ પર્વતમાળા નથી, પણ એક અદ્ભૂત આત્મિક ખેંચાણ અને રહસ્યમય જીવંત ચેતના છે."  

ક્રમશ: 


Comments

Popular posts from this blog

Tracing Myths & Mountains

Dzuleke: Into the Mist and Beyond

Why Dhurandhar Hits Hard And Why It's Bothers Many