એક અર્બન લવ સ્ટોરી

અહો આશ્ચર્યમ ..

સુરત શહેરની એક બળબળતી બપોર. સ્થળ નાગેશ્વર તીર્થ મગદલ્લા . ટેમ્પરેચર 45 ડિગ્રી અને ફીલ લાઈક 48 બતાવે. 16 ડિગ્રીની ઠંડકવાળા રૂમની બારીમાંથી દૂર એક દ્રશ્ય જોયું ,  થોડાં પંખીઓ મુકત મને ચણી રહ્યા છે. મોટું મરઘી કદનું પંખી. કદાચ ગીધ કે ગરુડથી થોડું નાનું. મને દૂરથી વિચિત્ર દ્રશ્ય લાગ્યું. આવું મોટું પંખી કબૂતર ચકલીની જેમ બેસીને ચણી રહ્યું હોય તેવું દૃશ્ય મેં જિંદગીમાં જોયું નહોતું. ફોનના લેન્સને ઝૂમ કરીને જોયું તો ખરેખર આશ્ચર્ય થયું. એ દેખાવે તો કબૂતર જેવું જ હતું.  ફોનમાં એ ક્ષણ મઢી તો લીધી , નવાઈ એ વાતની હતી કે આવું મોટું કબૂતર હોય શકે ? ગૂગલ લેન્સમાં જોયું તો એ હતું તો કબૂતર પણ સામાન્ય નહીં .

ગૂગલ લેન્સ વિદિત કર્યું તે પ્રમાણે આ Rock Pigeon (Columba livia) છે, જેને સામાન્ય રીતે ફેરલ પિજન અથવા રોક ડવ તરીકે પણ ઓળખાય છે.  સામાન્ય રીતે વાદળી-ભૂખરા રંગનું માથું, હળવો ભૂખરો પીઠનો ભાગ, દરેક પાંખ પર બે ગાઢ પટ્ટા અને પૂંછડીના છેડે કાળો રંગ. ગરદન પાસેના પાંખોમાં જાંબલી અને લીલા રંગની ચમક જોવા મળે છે, જે સૂર્યપ્રકાશમાં ઝળહળે છે. એટલે કે સામાન્ય કબૂતર જેમ હોય છે તેમ જ અને વિશ્વભરના શહેરોમાં મોટા જૂથોમાં સામાન્ય રીતે જોવા મળે છે તે જ. પણ આ સર્વાહારી પક્ષી સામાન્ય રીતે બીજ, અનાજ અને માણસો દ્વારા મળતા ખોરાકના ટુકડાઓ ખાય છે.
રોક પિજન એટલે રોજ ઘરની ગેલેરી ગંદી કરતા , એસી કે કોઈપણ ખૂણો ખાંચરે જોયો કે ઘૂસી જતા આપણાં કબૂતર. આ કબૂતર જ્યારે કોઈ વાઇલ્ડ જાતિ સાથે સહવાસ કરે ત્યારે આ પ્રકારના વાઈલ્ડ કે વર્ણસંકર કહી શકાય તે કદના મોટાં પક્ષી અવતરે. જેને ફેરલ પિજન લેખાય છે.
મૂળતઃ યુરોપ, ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયા જેવા પ્રદેશોમાંથી આવે છે પણ આજે આ પક્ષી વિશ્વભરમાં ફેલાઈ ગયું છે,  ખાસ કરીને શહેરોમાં કારણ કે માનવ વસાહતો સાથે તે ખૂબ સરળતાથી એડજસ્ટ થઈ જાય છે. તેથી તમને શહેર ગામમાં મહાનગરો સહિત લગભગ સર્વત્ર જોવા મળે છે, પણ મેં હજી મુંબઈમાં એવા મસમોટાં કબૂતર જોયા નથી.

ગૂગલ કરવાથી વધુ માહિતી મળી તે કહે છે કે આ પક્ષી સામાન્ય રીતે 30 થી 40 સેમી લાંબું હોય છે અને તેના પાંખો ફેલાવાની પહોળાઈ (wingspan) લગભગ 60 થી 70 સેમી જેટલી હોય છે. વજન અંદાજે 250 થી 380 ગ્રામ સુધી રહે છે. જંગલમાં સામાન્ય રીતે 3 થી 5 વર્ષ જેટલું જીવતા હોય છે. પરંતુ શહેરોમાં, જ્યાં ખોરાક સરળતાથી મળે છે, ત્યાં 10 થી 15 વર્ષ સુધી પણ જીવી શકે છે.

“Rock Pigeon” માં “Rock” શબ્દ તેમના મૂળ નિવાસસ્થાનમાંથી આવ્યો છે . યુરોપ, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ એશિયાના ખડકો અને પથ્થરિયાં કિનારાઓમાંથી. જ્યારે મનુષ્યોએ તેમને 1600ના દાયકામાં અહીં લાવ્યા, ત્યારે તેમણે ફક્ત ખડકોને બદલે સ્કાઈસ્ક્રેપર અને પુલોને અપનાવી લીધા.

Rock pigeons સ્થાનિક પક્ષીઓ સાથે ખોરાક અને ગૂંથણી માટે સ્પર્ધા કરે છે. એટલું જ નહીં ઇમારતો, મૂર્તિઓ અને રસ્તાઓને હગારથી ઢાંકી દે છે. તેઓ “પાંખવાળા ઉંદર” તરીકે જાણીતા બન્યા છે અને તિરસ્કૃત ગણાય છે. ઐતિહાસિક રીતે, તેમની સાથે ખૂબ જ ક્રૂર વર્તન કરવામાં આવ્યું  1800ના અંતમાં જીવતા પિજનને મારવાની રમત (live pigeon shoots) લોકપ્રિય હતી. પક્ષીઓને પાંજરામાંથી છોડવામાં આવતા અને લોકો તેમને ગોળી મારીને મારતા. આ ક્રૂરતાની જગ્યા ડિસ્ક આવી ગઈ છે.

તેમનું કુટુંબજીવન પ્રશંસનીય છે.કબૂતર યુગલ જીવનભર સાથે રહે છે અને બંને માતાપિતા કામ વહેંચે છે. તેઓ ઇંડાઓને પાળીપાળી સેવે છે , પિતા દિવસ દરમિયાન (લગભગ 10 થી 4), અને માતા સાંજ, રાત અને વહેલી સવારે. બચ્ચાં બહાર આવે પછી, બંને માતાપિતા તેમના cropમાંથી બનતું “pigeon milk” બનાવીને બાળકોને ખવડાવે છે.  આ ક્રોપ એટલે કબૂતરના ગળા નીચે આવેલી એક ગ્રંથિ જ્યાં એ લોકો ખોરાક સંગ્રહ કરે. કોઈક વાર દિવસો સુધી ખાવાનો જોગ ન થાય તો આ બેંક છે. આ પક્ષીજગતમાં માતાપિતાની ભાગીદારીનું અદભૂત ઉદાહરણ છે.

કબૂતર ભલે શાંતિદૂત કહેવાય પણ કેટલું જાલિમ પક્ષી છે એનો અનુભવ અસ્થમાના દર્દીને પૂછી જોજો.
સીધી રીતે ખરાબ નથી, પરંતુ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. તેમની હગાર (droppings) માંથી કેટલીક બિમારીઓ ફેલાય શકે છે, જેમ કે Histoplasmosis, Psittacosis, અને Cryptococcosis.
જો બહુ મોટા પ્રમાણમાં હોય તો ગંદકી અને એલર્જીનું કારણ બની શકે. જે બેક્ટેરિયા કે ફૂગથી થાય છે. આ ફૂગ સામાન્ય રીતે માટી, ખાસ કરીને પક્ષીઓ કે ચામાચીડિયાના મળથી દૂષિત માટીમાં જોવા મળે છે.
આ વાત તાજી થવાનું કારણ મુંબઈમાં કબૂતરખાના માટે થયેલો વિવાદ અને જીવદયા માટે થયેલો પ્રયાસ યાદ આવ્યો. 
જીવદયા ઉત્તમ સેવા છે પણ સાથે અન્ય જીવની ખેવના રાખવી એ પણ સેવાનો એક ભાગ જ છે 

Comments

Popular posts from this blog

Tracing Myths & Mountains

Dzuleke: Into the Mist and Beyond

ચલ જહાં મન કરે....