ચલ જહાં મન કરે....

 એક જૂની કહેવત છે કે દીકરી મોટી થાય તે પહેલા પહેરી ઓઢી લેવું અને વહુ આવે તે પહેલા ખાઈ પી લેવું . એ કહેવત આમ તો કોઈ સાતત્ય ધરાવતી રહી નથી. પણ, એ પાછળનું હાર્દ હવે સમજાય તો રહ્યું છે. મૂળમાં કહેવાનો ઉદ્દેશ એટલો જ કે હેલ્થના કોઈ ઈશ્યુ ન હોય ત્યારે ખાઈ પી લેવું અને જાત ચાલે પગમાં અને હૈયામાં હામ હોય ત્યારે હરીફરી લેવું. ન જાણે ક્યાં ક્યારે અટકી પડાય ? ખાસ કરીને વિદેશ પ્રવાસ માટે કોઈ તકલીફ નથી. પણ આપણાં દુર્ગમ પ્રદેશો અને ત્યાં જવા માટે તો તન અને મન બંને મક્કમ અને જોશીલા હોવા જોઈએ. એવું એક ડેસ્ટિનેશન છે નાગાલેન્ડ . ગુજરાતી ટુરિસ્ટ વિદેશમાં ફરે , હિમાચલથી કાશ્મીર ગમે અને હવે તો સેવન સિસ્ટર્સ પૈકી અસાં મેઘાલય અને અરુણાચલ પ્રદેશ પણ લિસ્ટ પર છે પણ  નાગાલેન્ડ કે  મિઝોરમ ત્રિપુરા જેવા પ્રદેશ હજી જરા આભડછેટમાં છે. કારણ એટલું જ કે ત્યાં પર્યટનનો વિકાસ જેવો થવો જોઈએ તેવો નથી. શક્ય છે આવનાર પાંચ વર્ષમાં ત્યાં પણ આસામ જેવો વિકાસ થઇ પણ જાય. 

બે વર્ષ પહેલા આસામ મેઘાલય ને અરુણાચલ પ્રદેશની સફર કરી ત્યારે પણ નાગાલેન્ડ મારા બકેટ લિસ્ટમાં  નહોતું. કારણ કોઈ ચોક્કસ નહીં પણ ત્યાં વિશે પૂરતી માહિતીના અભાવ કરતા તે વિશે સાંભળેલી વાતો થોડી વિચલિત કરી ગઈ હતી. પોતાની યુનિક કહી શકાય તેવી  ટેકરીઓ અને તેના તહેવારો વિષે ખબર હતી પણ , પરંતુ મારી જિજ્ઞાસા ખરેખર એક વધુ પ્રાચીન વસ્તુથી જાગી: એક આકર્ષક કડી જે આ દૂરના પ્રદેશો મહાભારતના પ્રાચીન મહાકાવ્ય સાથે જોડે છે. આપણે અવારનવાર પાંડવોની વાર્તા સાંભળીએ છીએ, પરંતુ તેના વનવાસ અહીં પૂર્વોત્તરમાં જ થયો હતો ,ત્યાં બળીયા ભીમે ત્યાંની કુંવરી એવી હિડિમ્બા નામની રાક્ષસી સાથે લગ્ન કર્યા ને જે પુત્ર અવતર્યો ઘટોત્કચ .

મોટાભાગના લોકોએ મનાલીમાં આવેલું હિડિમ્બા મંદિર તો જોયું જ હશે. એટલે હિડિમ્બાના રાજનો વિસ્તાર કલ્પી શકાય.  હિડિમ્બા અને ભીમ સાથેનું સ્થાનિક જોડાણ હતું. આ પ્રદેશના દીમાસા કચારી લોકો આજે પણ પોતાને ઘટોત્કચના વંશજ માને છે. . નાગાલેન્ડનું  પ્રવેશદ્વાર એટલે દીમાપુર, એવી વાયકા છે કે  કે દીમાપુર  શહેરનું નામ હિડિમ્બાપુર પરથી વિકસ્યું છે, જે હિડિમ્બાની ભૂમિ હતી. આ જોડાણ એટલું મજબૂત છે કે આજે પણ, આસામ અને નાગાલેન્ડમાં દીમાસા પરિવારો હિડિમ્બાના મનાલીમાં આવેલા મંદિર સુધી યાત્રા કરે છે, તેમને માત્ર દેવી તરીકે જ નહીં, પણ પૂર્વજ તરીકે પણ સન્માન આપે છે. ઘટોત્કચ વિશે એવું માનવામાં આવે છે કે તેણે આ પ્રદેશના મોટા ભાગ પર શાસન કર્યું હતું, આ જાણવાથી મેં લેન્ડસ્કેપને જોવાની રીત બદલી નાખી. તે માત્ર પ્રકૃતિ નહોતી; તે ઇતિહાસ હતો.

હોર્નબિલ ફેસ્ટિવલ: 
જો તમે નાગાલેન્ડ જવા ચાહતા હો અને હોર્નબિલ ફેસ્ટિવલ ચોક્કસ,વિષે વાત ન થાય તો કોઈ અર્થ નથી.  તમે હોર્નબિલ ફેસ્ટિવલ નો ઉલ્લેખ કર્યા વિના નાગાલેન્ડ વિશે વાત કરી શકતા નથી. છેલ્લા ૨૫ વર્ષથી, આ ઇવેન્ટે રાજ્યને પ્રકાશમાં લાવ્યું છે, જે ૧૭ મુખ્ય આદિવાસીઓ માટે એક વિશાળ મેળો તો ખરો જ પણ આપણાં જેવા દેશી અને વિદેશીઓ માટે જબરું આકર્ષણ ઉભું કરે છે.

અમે તહેવારની આસપાસ અમારી સફરનું આયોજન કર્યું હતું. એ સમજવું રસપ્રદ છે કે જ્યારે આ આદિવાસીઓ એક ભૂમિ પર રહે છે.  છતાં 
 તે લોકો  અકલ્પનીય રીતે એકમેકથી અલગ છે. દરેક આદિજાતિને  પોતાની ભાષા, રિવાજો અને સામાજિક રચના છે - એટલું બધું કે ઘણીવાર, તેઓ એકબીજાની  ભાષા સમજી શકતા નથી. માત્ર તેમની વેશભૂષા ન નહીં તેમની જીવનશૈલી, ધર્મ અને તેઓ કેવી રીતે સહઅસ્તિત્વ ધરાવે છે તે જાણવું પણ એટલું જ રસપ્રદ રહેવાનું હતું. 

ભારત માટે એક  શબ્દ હંમેશ પ્રયોજાતો રહ્યો છે. વિવિધતામાં એકતા. સ્કૂલમાં હતા ત્યારથી કાને પડતા આ શબ્દને ખરેખર પુરવાર થતાં જોવો હોય તો આપણે નોર્થ ઇસ્ટના આ વણખેડાયેલા પ્રદેશોની સફર કરવી રહી. સાત રાજ્યો જે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાય છે તેમાં ત્રણ રાજ્ય આસામ , મેઘાલય ને અરુણાચલ કાઢી નાખો કારણ કે ત્યાં તમને ભારત બહાર હોવાની પ્રતીતિ ન થાય પણ નાગાલેન્ડ ? લગભગ 3000 કી મી થી દૂર એકદમ  પૂર્વોત્તર કહી શકાય તેવું રાજ્ય ને તેની સાથે અન્ય ત્રણ મણિપુર ,મિઝોરમ , ત્રિપુરા માટે એવું લાગે કે આપણે તે વિશે કશું જાણતા નથી, ખરેખર તો આપણી ઉદાસીનતાને કારણે આ સાત રાજ્યોએ જે સહેવું પડ્યું છે તે જ કારણે એમને પોતે ભારતનો એક ભાગ હોવાની પ્રતીતિ થતી નથી. અમે મુંબઈથી ગૌહાટી  અને પછી દીમાપુર માટે કનેક્ટિંગ ફ્લાઇટ લીધી હતી. જે અંતર લગભગ ૩,૦૦૦ કિલોમીટર છે ,  જે મુંબઈથી થાઈલેન્ડ, મલેશિયા અથવા તો ઓમાન સુધી થાય તેવી સફર છે. છતાં આ ભારતનો એક ભાગ છે. પ્લેનમાંથી બહાર નીકળતા, તમે આ  વિરોધાભાસી વાતાવરણ  સમજો છો. આપણે એક રાષ્ટ્ર, એક લોકો છીએ, સમાન સમય ઝોન વહેંચીએ છીએ. છતાં, નાગાલેન્ડમાં ઊભા રહીને, સંસ્કૃતિ, ચહેરા અને ભૂપ્રદેશ પશ્ચિમ ભારતમાં હું જે ભારતને જાણું છું તેનાથી નોંધપાત્ર રીતે અલગ લાગે છે. તે એક અલગ દુનિયા જેવું લાગે છે, છતાં તે આપણી છે. અહીં એક વાત સતત અનુભવાતી રહી કે આઝાદી પછી આજ સુધી થઇ રહેલી આ પ્રદેશોની ઉપેક્ષા કેવી હશે કે આ પૂર્વીય રાજ્યોને માટે અલાયદો ટાઈમ ઝોન આપવાનો વિચાર સુધ્ધાં કોઈ સરકારને આવ્યો નથી. ભરબપોરે ત્રણ વાગે સૂર્યાસ્ત થવાની શરૂઆત થઇ જાય અને પાંચ વાગ્યા સુધીમાં રાત પડી જાય. સ્વાભાવિક છે કે તેમને અલાયદો ટાઈમ ઝોન આપવામાં આવે તો આર્થિક ગતિવિધિઓ પણ વધી શકે. 
અમે જયારે બપોરે દોઢ વાગે દીમાપુર ઉતર્યા , ત્યાંથી અમારે જવાનું હતું એક રળિયામણા ગામ ઝુલેકે , દીમાપુરથી ખાસ દૂર નથી પણ સાંજે ચાર વાગે રાત પડી જાય તે ગણતરી રાખવી પડે. 
પ્રથમ સ્ટોપ: દ્ઝુલેકે (Dzuleke) ચલ જહાં મન કરે....
અમારી શોધખોળ ખરા અર્થમાં શરૂ થઈ જ્યારે અમે દીમાપુરથી દ્ઝુલેકે માટે નીકળ્યા. 


આ પ્રદેશની સૌથી જૂની વસાહતોમાંની એક, સૌથી સુંદર, ૬૦૦ વર્ષથી વધુના ઇતિહાસ સાથે જાણીતી છે. પરંતુ તે પછીની પોસ્ટ માટેની વાત છે.

બાય ધ વે.. શું તમે ક્યારેય આપણાં  દેશમાં એવી જગ્યાની મુસાફરી કરી છે જે તમને સંપૂર્ણપણે અલગ દુનિયા જેવી લાગી હોય?

Comments

  1. મજા પડી ગઈ આંખો લેખ વાંચવાની. આગળના અનુભવવાનું વાત જાણવાની પ્રતીક્ષા

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Tracing Myths & Mountains

Dzuleke: Into the Mist and Beyond

Hornbill, Hills and Hard Truths from Nagaland