ખોનોમા : યોદ્ધા જયારે રક્ષક બને

 

ખોનોમા :  યોદ્ધા જયારે રક્ષક બને ..

ખોનોમા,  700 વર્ષનો ઈતિહાસ ધરાવતું એક ગામ.
એવું કહેવાય છે કે ભૂમિ પોતાની પર કોઈ એક કુટુંબ કે પેઢીની હકૂમત સહે નહીં. એટલે ઘર બદલનાર સમજે કે તેઓ ઘર ,ભૂમિ બદલે છે પણ એવું નથી હોતું. ઘર કે પછી ભૂમિ પોતાની મરજીથી નક્કી કરે કે કોને રાખવા ને કોને કાઢવા ...જો કે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે ખબર નથી પણ કોઈ પણ સંસ્કૃતિમાં વત્તેઓછે અંશે એ માન્યતા છે .
ને આ 700 વર્ષ જુનું ગામ ? 
તેમાં પણ પેઢી દર પેઢીથી ઘરમાં રહેનાર એ પ્રજા ને તેમના ગામ વિશે શું કહેવું ?

ધુમ્મસભરી સાંજે આ ગામ કોઈ મોટા આડંબર સાથે સ્વાગત નથી કરતું. તે બસ હળવેકથી નજર સામે આવે છે. જેમ જેમ નજીક  પહોંચી રહ્યા હતા ત્યારે  બ્લોસમના ફૂલથી લદાયેલી ટેકરીઓ સ્વાગત કરતી હતી.  એક પછી એક  ખેતરો દેખાવા લાગે છે, જેને આપણે ટેરેસ ફિલ્ડ તરીકે જાણીએ છીએ . એ ખેતરો જે આપણે બહુધા ટીવી કે laptop ના સ્ક્રીન સેવર તરીકે જોયા છે. ઢોળાવ પર ટેરેસની જેમ ચોસલાં જેવા ખેતર કોઈ પિક્ચર પોસ્ટકાર્ડ જેવા લાગે. 
કોહિમાથી લગભગ વીસ કિલોમીટર દૂર, નાગાલેન્ડનું આ અંગામી નાગા ગામ ‘એશિયાના ફર્સ્ટ ગ્રીન વિલેજ’ તરીકે ઓળખાય છે, પરંતુ જ્યારે તમે ત્યાં હોવ ત્યારે તે લેબલ પણ  બિનજરૂરી લાગે છે. ખોનોમા તે શું છે તેની જાહેરાત કરવાની જરૂર નથી લાગતી. 
સંદર્ભ કહે છે કે તે એક ઐતિહાસિક ગામ છે,   લગભગ ૭૦૦ વર્ષ જૂનું , જેની સ્થાપના અંગામી લોકો દ્વારા કરવામાં આવી હતી.
"યોદ્ધાઓનું ગામ (Warrior Village)"  બ્રિટિશ વસાહતી દળો સામેના બહાદુર પ્રતિકાર માટે જાણીતું, આ ગામ યુદ્ધ કૌશલ્યનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે.
ગામનો થોડો વિસ્તાર થયો છે ટેકરી પર  અને આંશિક વસવાટ છે ઢોળાવ તરફ . અમે  એક ટેકરી પર ચઢાણ આદર્યું. જે સરળ હતું અને રમણીય વાતાવરણ ને કારણે ગમે એવું. રમણીય હોવાનું મુખ્ય કારણ હતું જાપનીઝ મેરીગોલ્ડ , સમગ્ર રસ્તે એનું જ સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળ્યું. એક મોટા ચર્ચ પાસે અમારી વેન પાર્ક કરીને જવાનું હતું આ ટેકરી પર વસેલા ગામની મુલાકાતે. મનમાં સંશય ઉદભવે એ પહેલા જોયું કે  ટેકરી જ્યાંથી ચઢાણ શરૂ થાય ત્યાં લાકડી પણ મૂકવામાં આવી હતી. જો કોઈને જરૂર હોય તો ઉપયોગમાં લઇ શકે . આ તો એક સામાન્ય વાત થઈ પણ ત્યાં મૂકી હતી એક પેટી જેના પર લખ્યું હતું કે તમે ચાહો તો આ લાકડીની ઉપયોગીતા સમજીને ચાહો તો ભાડા સ્વરૂપે કિંમત ચૂકવી શકો છો . આવી પ્રમાણિકતાના દર્શન તો ઠેકઠેકાણે થયા . ગામલોકોની સહિયારી હાટમાં જેને પોતાનો સામાન વેચવા મૂકવો હોય તે મૂકી શકે. ઉપર કિંમત લખેલી હોય.ખરીદનાર એ કિંમત ડબ્બામાં નાખીને ખરીદી શકે. આખો વ્યવહાર વિશ્વાસ પર.


પ્રમાણિકતામાં અગ્રેસર એમ સમગ્ર પ્રદેશ ચોખ્ખાઈ રાખવામાં પણ એટલો જ જાગૃત. કદાચ ખ્રિસ્તી મિશનરીઓએ રોગ સામે પ્રતિકાર માટે સ્વચ્છતાના પાઠ એવા ભણાવ્યા હશે કે તમને ક્યાંય ઉકરડો તો ઠીક સામાન્ય કચરો પણ જોવા ન મળે. તે માટે ઠેકઠેકાણે કચરાપેટી મૂકી હોય છે. ગામના યુવાનોનું કામ ગામની સ્વચ્છતાની જાળવણી કરવાનું. એટલું જ નહીં જેના ઘર પાસે આ કચરાટોપલી કે  પેટી હોય તે કોઈ ફરિયાદ વિના સાફ કરી નાખે. આપણે ત્યાં પહેલો રાયજંગ એ મંડાય મેરે ઘર કે સામને કચરાપેટી કિસને લગાયા ?
ટોચ પરથી, તળેટીમાં વસેલું ખોનોમા સુંદર રીતે ફેલાયેલું દેખાતું હતું. જંગલોમાં ભળી જતા  ખેતરો , કિલ્લાના જૂના અવશેષો  ધાર પર તપસ્વીની  જેમ ઉભા હતા, જે તે સમયની યાદ અપાવતા હતા જ્યારે આ ગામ બ્રિટિશ શાસન સામેના ભીષણ પ્રતિકારનું કેન્દ્ર હતું.
અમારા ગાઈડ ને એ યુદ્ધ વર્ણવું પ્રિય વિષય હોય તેમ લાગ્યું. યુદ્ધ થયું હતું તે પૂર્વે છમકલાં સતત ચાલતા રહેતા. પણ ખરેખર યુદ્ધ કહેવાય તેવું યુદ્ધ  માત્ર એક વર્ષ થયું હતું. પરંતુ ગાઈડ એ જે વર્ણન કરે જતો હતો  તે પ્રમાણે તો મને એવું લાગ્યું કે આ યુદ્ધ નહીં નહીં તો એક કે અડધી સદી તો ચાલ્યું હશે. અલબત્ત,  અહીં એક વાત માનવી પડે કે હથિયારબદ્ધ બ્રિટિશ આર્મી ને  પણ ધૂળ ચાટતી કરવાનું કામ જો કોઈ પ્રજાએ કર્યું હોય તો આ અંગામી લોકોએ. નાગાલેન્ડની અંગામી જનજાતિ પરંપરાગત રીતે લડાકુ, શિકારી હશે તેની ખાતરી શિકારની ટ્રોફીનો ઉપયોગ બહાદુરી, મોભો અને સંપત્તિના પ્રતીકો તરીકે કરે છે તે જોઈને થાય,  મુખ્યત્વે તહેવારો દરમિયાન ઘરની સજાવટ અને વ્યક્તિગત શણગાર માટે વપરાય છે. કોન્યક જનજાતિ (જે ઐતિહાસિક રીતે માનવ મસ્તકને ટ્રોફી તરીકે પ્રદર્શિત કરવા માટે જાણીતી હતી) કરતા વિપરીત, અંગામીઓનું ધ્યાન પ્રાણીઓના અવશેષો પર હોય છે.

મોટી મિજબાનીઓ માટે મોટા ચમચાઓની જરૂર પડે છે. આ ટકાઉ, હાથથી બનાવેલી જરૂરી ચીજવસ્તુઓ સાથે નાગા સામુદાયિક રસોઈકળાની ઉજવણી.

નાગા સંસ્કૃતિમાં,મધમાખીના મધપૂડા મળવા નવાઈ નથી પણ એક ચોક્કસ પ્રકારની મધમાખી (હોર્નેટ મધમાખી જે સામાન્ય મધમાખી કરતાં ઘણી મોટી પણ હોય અને તેનું મુખ્ય કામ કીટકોનો નાશ કરવાનું હોય છે  , ખેતરમાં ઉગતા પાકના રક્ષણ માટે તેનું સંવર્ધન થાય છે )  તે મધપૂડો મળવો એ માત્ર નસીબ નથી , તે સોનું મળવા જેવું છે. "શ્રીમંત માણસનું ભોજન" તરીકે ઓળખાતા, મધમાખી અને તેના લાર્વા  એક મોંઘી મોસમી વાનગી છે. અગ્નિ પર   શેકીને કેરામેલાઇઝ્ડ કરવામાં આવે કે પછી કિંગ ચીલી  સાથે સાંતળવામાં આવે, આ વાનગી સ્થાનિક બજારોમાં ડેલિકસી કહેવાય. જે સહેલાઈથી મળે પણ નહીં. અમે જે યુઝડ પૂડો જોયો તે દર્શાવતા અમારા ગાઈડ વિખોએ અમને કહ્યું તેમ, તેની કિંમત ૩૫,૦૦૦ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
એક એવી લાઈબ્રેરી જ્યાં કોઈ તાળા નથી, કોઈ ફી નથી અને કોઈ અવરોધો નથી - બસ વાંચવાની સ્વતંત્રતા.

૧૭૫ વર્ષોથી, મિશનરીઓએ અહીં શિક્ષણની ભાવનાને પોષી છે, પેઢીઓને વાંચવા, લખવા અને અંગ્રેજીમાં દુનિયા સાથે આત્મવિશ્વાસપૂર્વક જોડાવા માટે સશક્ત બનાવી છે. જ્ઞાન સાચા અર્થમાં દરેકનું છે. તે ક્ષણને ખાસ બનાવનારી બાબત ત્યાં બની રહેલી ઘટના હતી. જૂની પથ્થરની દિવાલો અને થોડા પરંપરાગત ઘરોની વચ્ચે, છોકરાઓ વોલીબોલ રમી રહ્યા હતા. તેમનું હાસ્ય ટેકરી પર ગુંજી રહ્યું હતું. એક જગ્યા જે ક્યારેક સુરક્ષા માટે બનાવવામાં આવી હતી તે હવે રમતનું મેદાન બની ગઈ હતી. તે વિરોધાભાસ કોઈપણ ઇતિહાસના પાઠ કરતાં ઘણું વધારે કહી જતો હતો. રમતથી થોડે દૂર, એક વૃદ્ધ મહિલા તેના ઘરની બહાર બેઠી હતી, તડકામાં બાજરી સૂકવી રહી હતી. વણાયેલી ચટાઈઓ અને સપાટ પથ્થરો પર અનાજ ફેલાયેલું હતું. થોડી થોડી વારે, તે ધીમેથી તેના હાથ વડે અનાજને ફેરવતી હતી. કોઈ ઉતાવળ નહીં.  બસ લય અને નિત્યક્રમ. તે એક દ્રશ્ય - રમતા બાળકો, સુકાતું અનાજ, શાંતિથી જોતા કિલ્લાઓ એક જ ફ્રેમમાં આખું ખોનોમા હોય તેવું લાગ્યું. અલબત્ત, જેને આ પ્રજા ફોર્ટ કે કિલ્લા કહે છે એ ખરેખર કોઈ ફોર્ટ નથી , એ પથ્થરોથી બનાવેલા નાનકડા કોટેજ જેવા હોય છે. જેનો ઉપયોગ એક જમાનામાં થતો હશે પણ હવે તે  મોરુંગ (Morung) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. મારંગ એટલે  પરંપરાગત યુવા નિવાસસ્થાન અને સામુદાયિક કેન્દ્ર . અહીં યુવાન છોકરાઓ અને છોકરીઓ માટે અલગ મોરુંગ હોય છે જ્યાં તેમને વડીલો પાસેથી જાતિની પરંપરાઓ, જીવનકૌશલ્ય, યુદ્ધકલા અને સામાજિક મૂલ્યો શીખવા મળે છે. જો કે હવે આ માત્ર પ્રતીકરૂપે ઉભા છે.  આધુનિક શિક્ષણ પ્રણાલી આવતી પહેલાં મોરુંગ એક સાથે શાળા, સૈનિક તાલીમ કેન્દ્ર અને સામાજિક મંચ તરીકે કાર્ય કરતા.  આજે મોટાભાગે તે વારસાની નિશાની રૂપે કે આધુનિક સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવાય છે.

 પ્રાથમિક શાળામાં મોટેભાગે વોકેશનલ કહી શકાય તેવી પ્રવૃત્તિ શીખવાડતી હતી.  લાકડાની કોતરણી, વણાટ, ઇતિહાસ તથા લોકવાર્તાઓ કથાઓ અને ગીતો દ્વારા શીખવવામાં આવતા, ગ્રામસભા, જાહેર જાહેરાતો (લાકડાના મોટા ઢોલ/ ડ્રમ દ્વારા થતી), ભાઈચારો અને સામાજિક શિસ્ત વિકસાવવા માટેનું મહત્વનું સ્થળ હતું. વાંસ, લાકડું અને પામનાં પાંદડાં જેવી કુદરતી સામગ્રીથી . અનેક મોરુંગમાં પ્રાણીઓની ખોપરીઓ અને કોતરણી જોવા મળે છે.
વિવિધ નાગા જાતિઓમાં મોરુંગને અલગ નામોથી ઓળખવામાં આવે છે, આઓમાં અર્જુ, કોન્યાકમાં બાન, લોથામાં ચુમ્પો, અને રેંગ્મામાં રેન્સિકા.પણ હવે તેનું મહત્વ રહ્યું નથી. મિશનરીઓ અંગ્રેજી માધ્યમની શાળાઓ ચલાવે છે. જેથી આ લોકોને મુખ્ય પ્રવાહમાં ભળવામાં કોઈ સમસ્યા ન આવે. માત્ર પ્રવાસીઓને ખ્યાલ આપવા આ મોરંગ હજી ઉભા છે. :
કિસામા જેવા હેરિટેજ ગામોમાં નાગાલેન્ડની દરેક જાતિ માટેના મોરુંગ રજૂ કરવામાં આવે છે, જે પ્રવાસીઓને આકર્ષે છે.
ગામમાં ફરતી વખતે નજરે ચઢે છે  પરંપરાગત અંગામી ઘરો. એક શીલા પથ્થરો (Stone monoliths). કોતરેલા ખારુ દરવાજા જે એક સમયે ગામની રક્ષા કરતા હતા, હવે ઓળખના પ્રતીકો તરીકે ઉભા છે. એક સમયની લડાકુ કોમ એ જ શક્તિને પર્યાવરણ સંરક્ષણમાં વળી રહી છે . અહીં શિકાર પર પ્રતિબંધ છે. જંગલો સુરક્ષિત છે. ખેતી કોઈ ટ્રેન્ડ મુજબ નહીં પણ સહજ વૃત્તિથી ઓર્ગેનિક રહે છે.
અમારો મુકામ હોમસ્ટેમાં હતો, અને ગામનો અનુભવ કરવાની આ ખરેખર શ્રેષ્ઠ રીત છે. ઘર પહાડી ઘરની જેમ નાનું કે સાંકડું ન હતું. તે બે માળનું યોગ્ય ઘર હતું, આરામદાયક, જીવંત અને હૂંફાળું.
સાંજનો પણ પોતાનું  એક અલગ જ વશીકરણ લઈને આવે.  જેમ જેમ આકાશ સંધ્યાના રંગે રંગાયું અને તાપમાન ઘટ્યું, તેમ બોનફાયર  પ્રગટાવવામાં આવ્યું. તેની આસપાસ, અમને રાઈસ બિયર પીરસાયો. જે સ્થાનિક લોકોના મનપસંદ પીણાંમાંનું એક છે, ચોખાને આથો લાવીને બનાવવામાં આવે છે. સ્વાદ, અલબત્ત, વ્યક્તિગત પસંદગી છે. સ્થાનિકોને તે ગમે છે. મારા જેવા કોઈ વ્યક્તિ માટે કે જેને કાજુ ફેની પણ  પસંદ ન પડે હોય, તેને આ ચીજ ન ગમે સ્વાભાવિક હતું.  તેમ છતાં, અગ્નિની પાસે બેસીને લીધેલી  ચુસ્કી એક સંભારણું બની રહેશે. 

સવારે બધું બદલાઈ ગયું.
દિવસના પ્રકાશ સાથે, હોમસ્ટે જીવંત બની ગયું.
જે ઓર્કિડ મેં આગલી રાત્રે જોયા ન હતા, તે હવે પોતાનો અસબાબ બતાડી રહ્યા હતા. 
નાગાલેન્ડ ઓર્કિડની સમૃદ્ધ વિવિધતા ધરાવે છે, જેની ગણતરી અભ્યાસ મુજબ થોડી બદલાય છે, પરંતુ સામાન્ય રીતે ૩૬૦ થી વધુ પ્રજાતિઓથી લઈને તાજેતરના અંદાજો મુજબ ૪૨૩ પ્રજાતિઓ સુધીની શ્રેણી છે.
 દરેક જગ્યાએ ઓર્કિડ. વિવિધ જાતો, ગર્વથી ખીલેલી. પોઈન્સેટિયા એ ઘરની ચારે બાજુ લાલ રંગના ચમકારા ઉમેર્યા હતા. ઘણી બધી જાતો, બધી ખીલેલી. એવું લાગતું હતું કે જાણે કોઈ નાના ઓર્કિડ બગીચાની અંદર જાગ્યા હોઈએ. જ્યારે ઘરના પરિસરમાં સવારનો સોનેરી તડકો ખાતાં ખાતાં ત્યારે મેં દિવાલ પર એક મોટી તકતી (plaque) જોઈ. તેમાં કૃતજ્ઞતાનો સંદેશ હતો. પોતાના વડીલોના નામ સાથે, તેના કારણે આજે પોતે સ્વસ્થ સુખી  સભર જીવન જીવી રહ્યા છે. 
અંગામી જનજાતિ નોંધપાત્ર ઘટનાઓ અને વંશવેલાને યાદ રાખવા માટે મોટા પથ્થરના  સ્તંભ ઉભા કરે છે, 
અહીં, લોકો તેમના માતાપિતા, દાદા-દાદી અને પૂર્વજોને ખુલ્લેઆમ સ્વીકારે છે અને સન્માન આપે છે. તેમના અવસાન પછી, જો પરિવારને પોસાય તો પથ્થર અથવા આરસની તકતીથી, અથવા જો ન પોસાય તો સાદા લાકડાના પાટિયાથી તેમને યાદ કરવામાં આવે છે. મહત્વ માર્બલ કે લાકડાની તક્તીનું નથી, પણ લાગણીનું છે. એક જાહેર આભાર. એક શાંત સ્મરણ. રોજે રોજ. જાણે કે વડીલ તેમનાથી  દૈહિક રીતે ભલે દૂર થયા છે,પણ સાથે જ છે. 
આ રિવાજ માત્ર ખોનોમા પૂરતો  સીમિત નથી. તમે ઘણા નાગા ગામોમાં આ જોશો. અને ત્યાં ઊભા રહીને, તે તકતીઓ વાંચતા, હું વિચાર્યા વગર રહી ન શકી  કે આપણે ઘણીવાર આદિવાસી સમુદાયોને અલ્પશિક્ષિત તરીકે લેબલ કરીએ છીએ. પણ આ લોકોની સરખામણીમાં આપણે તો તદ્દન નિસ્પૃહ છીએ. તમાશા ને ઘોંઘાટ વગર નમ્રતા, કૃતજ્ઞતા વ્યક્ત કરવાની કેવી શાલીન પ્રથા.

ખોનોમા  અહેસાસ કરાવે છે  કે શક્તિનો અર્થ હંમેશા લડવું નથી હોતો. ક્યારેક,  જે મહત્વનું છે તેનું રક્ષણ કરવાનું પસંદ કરવું તેવો પણ હોય શકે. હવે આ પ્રજા પોતાના પર્યાવરણ માટે ઝઝૂમે છે. 

ખોનોમાથી, અમે અમારા આગલા મુકામ કિસામા તરફ પ્રયાણ કર્યું, જે વર્લ્ડ ફેમસ હોર્નબિલ ફેસ્ટિવલનું સ્થળ છે. તેના વિશે ઘણું સાંભળ્યા અને વાંચ્યા પછી, આખરે ત્યાં હવે અમે ખરેખર ત્યાં પહોંચવાના હતા. 

Comments

Popular posts from this blog

Tracing Myths & Mountains

Dzuleke: Into the Mist and Beyond

ચલ જહાં મન કરે....