ભૂખરાં પહાડનું મણિ

દીમાપુર એરપોર્ટ પર અમે અમારા ગ્રુપને મળ્યા , કોઈ મેંગ્લોરથી હતું તો કોઈ બેંગ્લોરથી , થોડા અમારી જેમ મુંબઈથી અને અમદાવાદથી પણ. સહુ કોઈ યંગ ટર્ક.  સહપ્રવાસીઓ તેમની ત્રીસીમાં હતા. તમામ પાસે એક કોમન શોખ હતો અલગારી રખડપટ્ટી. અમારી યાત્રા શરુ થઇ.પહેલીવાર એવું બન્યું કે ગ્રુપમાં અમે સૌથી મોટા હતા.  જવાનું હતું ઝુલેકે નામના એક ગામે. દીમાપુરથી માત્ર 80 કિલોમીટર દૂર હતું, અમારી ફ્લાઇટ તો સમયસર હતી પણ થોડા લોકો મોડા પડ્યા તેથી વેન ઉપડી લગભગ દોઢના સુમારે. મનમાં હતું 80 કિલોમીટર એટલે બેથી સાવ બે કલાક તેથી વધુ શું ? પણ, ના એ ગણતરી પહાડોમાં ન મૂકી શકાય.  વાહન ગમે તે હોય રસ્તાને , વાતાવરણને અને જો ટ્રાફિક હોય તો તેને ગણતરીમાં લીધા વિના છૂટકો નહીં. 
તો દીમાપુરથી અમારી યાત્રા ઝુલેકે તરફ શરૂ થઈ.જેમ સાંભળ્યું હતું તે પ્રમાણે  અમે કલ્પના કરી હતી બિસ્માર રસ્તાની, પહાડી વિસ્તાર એટલે હેરપીન બેન્ડથી લઈને મનમાં આસામના ટ્રાફિકનું ચિત્રણ પણ તાજું હતું ,  કલ્પના કરી હતી તેવું કશું ન બન્યું. રસ્તા સારા હતા, વાતાવરણ પણ સારું હતું. ઠંડક ખરી પણ ઠંડી નહીં , શિયાળો બેસી રહ્યો હોય તે છાપ પસાર થઇ રહેલા વૃક્ષના પાન ગવાહી આપતા હતા. ટેકરીઓ પર રહેલી વનરાજીનો રંગ હજી લીલો હતો ,વચ્ચે વચ્ચે ઉગી ગયેલા ખડ અને ઊંચા ઘાસ પર શિયાળાની અસર વર્તાતી હોય તેમ પીળાં પડવા મંડ્યા હતા. વૃક્ષ પર પીળચટ્ટાં પાન ઉપરાંત વિદેશમાં પાનખરમાં હોય તેવો કથ્થાઈ, ભૂખરો પીળો રંગ ડોકિયાં કરતો હતો.  પણ, સૌથી આકર્ષક જો કઈ હોય તો તે હતા વૃક્ષની જેમ તોતિંગ ઉગી ગયેલા પોઇનસેટિયા , પોઈન્સેટિયા હવે બાગબાનીના રસિકો માટે કોઈ અજાણ્યો શબ્દ નથી. મૂળ મેક્સિકો કે પછી લેટિન અમેરિકાના આ છોડને કોણે આટલો પ્રચલિત કર્યો ખબર નથી પણ હવે આ છોડ જ્યાં ત્યાં જોવા મળી જાય છે. પણ, જો ડિસેમ્બર જાન્યુઆરી સિવાય તમે એને જુઓ તો ઓળખો પણ નહીં.. એનું નામ તો સિન્ડ્રેલા હોવું જોઈએ. વર્ષમાં માત્ર બે મહિના એ પોતાના લાલ કે પિન્ક કે શ્વેત આભૂષણોથી સજ્જ હોય તેમ લાગે. ક્રિસમસ પ્લાન્ટ પણ કહેવાય છે ને ભારતભરમાં લગભગ તમામ શહેરોની નર્સરીમાં મળે છે, જે હિન્દીમાં લાલ પત્તા તરીકે લેખાય છે. હવે તો મુંબઈની નર્સરીમાં પણ દર ક્રિસમસ પર તેની હાજરી જોવા મળે છે. લીલા પણ ને તેની પર ફૂલને બદલે લાલ પાન આવે તે આ પૉન્સેટિયા , વિદેશમાં ક્રિસમસ દરમિયાન ખૂબ મોંઘા ભાવે વેચાય છે. ને એ સામાન્યપણે નાના છોડ તરીકે જ જોવા મળે. અહીં તો શું અચરજ !! પોનસેટિયા છોડ નહીં રીતસરના વિશાળ વૃક્ષ  રસ્તાની બે બાજુ લહેરાતા ઉભા  હોય.  આસપાસ રહેલી  લીલાછમ ટેકરીઓની ગોદમાં કે પછી  રસ્તાની બાજુની જરા અવકાશ શું મળે ઉગી નીકળેલો આ છોડ વિશાળ વૃક્ષ બનીને જાણે  આવકાર આપવા ઉભા હોય તેમ લાગતું હતું. જ્યાં નજર નાખો ત્યાં રંગોની ઉજવણી ..રસ્તાની બાજુએ બ્રાઇટ રેડ  પોઇન્સેટિયા, ઢાળ પર ઝળહળતા, અને સાથે સાથે આ લાલ બાબુની પાછળથી હળવેકથી ડોકિયું કાઢીને જોનારા નાજુક ચેરી બ્લોસમ્સ. એ જ ચેરી બ્લોસમ જે સમગ્ર  ટેકરીઓને ગુલાબી ધુમ્મસથી ઢાંકી દેતા ઉભા હતા. લાલ ગુલાબી વૈભવ ઓછો હોય તેમ સોનેરી પીળા રંગના ફૂલ તો જાણે આખી ધરતી પર વિજય મેળવવો હોય તેમ જ્યાં જુઓ ત્યાં , ટેકરી પર, ઘરની ભીંતો પર. પગથિયાની ધારે ધારે, આ ફૂલ ઓળખાયા નહીં , પાંદડી ને રંગ સૂરજમુખીને મળતા  આવે પણ સૂરજમુખી તો નક્કી નહીં. ગૂગલ લેન્સ કરીને જોયું તો ખબર પડી કે આ છે મેરીગોલ્ડ એટલે કે ગલગોટા પણ દેશી નહીં ,જાપનીઝ મેરીગોલ્ડ. નિરભ્ર આકાશ, ખૂલતો આસમાની રંગ , એમાં વળી ક્યારેક સોનેરી પટ્ટા પડે, અને ચારે બાજુ લાલ ગુલાબી પીળા લીલા રંગનું સામ્રાજ્ય. અનુભૂતિ કોઈ પરીકથામાં વિહરી રહ્યા હોવાની.  

ઠંડા ભૂખરાં પહાડો અમને આવકારે તે  પહેલાં રસ્તાએ એક અવિસ્મરણીય ભેટ આપી. નાગાલેન્ડ જતા પૂર્વે થોડા દિવસો પહેલા જ The Family Man 3 પૂરી કરી હતી. જેમાં શ્રીકાંત  તિવારીનો રાઈટ હેન્ડ એવો JK નાગાલેન્ડમાં મિશન દરમિયાન પાઇનેપલની ભૂરી ભૂરી  પ્રશંસા કરતો દૃશ્ય યાદ આવ્યું. ક્યારેય વિચાર્યું નહોતું કે હું એ ફળનો સ્વાદ માણીશ. અમારા ગ્રુપ લીડર વિખોએ “પાઇનએપલ બ્રેક” જાહેર કર્યો. 
રસ્તાની બંને તરફ ઉભા કરાયેલા કામચલાઉ સ્ટોલ્સ જેવા પાઈનેપલના સ્ટોલ્સ સતત આવ્યા કરે. જ્યાં સ્થાનિક મહિલાઓ  આ પાઈનેપલને કાપી , ચીરીકાઢી તેમાં લાકડી ખોંસીને કેન્ડીની જેમ વેચે. આપણે ત્યાં પાઈનેપલના ચકતાં કપાય તે અહીં કેન્ડીના શેપમાં ,જે ખરેખર વધુ પ્રેક્ટિકલ રીત લાગી. અદભૂત મીઠાશ, રસદાર, અને કોમળતા. સામાન્યરીતે પાઈનેપલ ખાવાથી જે મોઢામાં વવળે . તેનું કારણ હોય બ્રોમેલીન નામનું એન્ઝાઇમ, તેનું કામ જીભમાં રહેલા પ્રોટીનને પણ તોડવાનું હોય જેથી પાઈનેપલ ખાઈએ ત્યારે કશુંક ચુભે, પણ નાગાલેન્ડના આ ક્વીન વરાઇટીના પાઈનેપલમાં એ એન્ઝાઇમન ગાયબ હશે કે શું ? કોઈ ચુભન નહીં, કોઈ આમ્લતા નહીં. માત્ર એક આલ્હાદક મીઠી ભેટ. કિંમત સાંભળીને તો ચકિત થઇ જવાય. ₹50 પ્રતિ કિલો. 

પાઈનેપલ ને ન્યાય આપીને સવારી આગળ ચાલી. બપોરના ત્રણ થવા આવ્યા હતા. લંચ કરવા એક હોલ્ટ જરૂરી હતો .એક ફૂડ મોલ પાસે હોલ્ટ લીધો , બહાર જોયું તો અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો, સૌંદર્યપાન કરવામાં એવું મન ગુમાયેલું કે ટેમ્પરેચર શું હશે તેવો વિચાર જ આવ્યો નહોતો.ફૂડ મોલ પ્રમાણમાં સારો હતો. ત્યાં પીઝાથી માંડીને મદ્રાસી ઈડલી ડોસા મળતા હતા. એ જોઈને કેટલી ભૂખ લાગી છે તેનું ભાન થયું. આલ્હાદક  ઠંડકમાં  એક મસાલા ડોસા અને સાથે ગરમાગરમ સ્ટ્રોંગ કોફી , ઔર જીને કો ક્યા ચાહિયે. અમને થયું વાહ શું જલસા પડવાના છે. સામાન્યરીતે એવું થતું રહે છે કે નિસર્ગના કેફમાં પેટમાં પડતો નાદ ભારે ત્રાસ કરાવે. એવો અનુભવ તો લગભગ સહુને થયો હશે કે ગમે તેટલી સુંદર લોકેશન હોય પણ પેટમાં ભૂખ હોય તો જીવ ચોંટે નહીં. અમને હતું કે નાગાલેન્ડમાં જ્યાં ત્યાં પીઝા પાસ્તા મોમોઝ તો મળી જ રહેશે પણ સાઉથ ઇન્ડિયન ખાણીપીણી પણ મળવાની હોય તો મોજ જ મોજ. પણ ત્યારે અમને ખબર નહોતી કે અમારી ટ્રીપનું આ સૌથી પહેલું અને છેલ્લું ટેસ્ટી લંચ હતું. 

નાગાલેન્ડમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે  ઝુકો વેલી. જ્યાં જવા માટે તમે 30 વર્ષના યુવાન હોવા જરૂરી છે. જો પચાસીએ પહોંચ્યા હો તો, ઘૂંટણમાં તકલીફ હોય કે વારે વારે શ્વાસ ભરાઈ આવતો હોય તો એવા  થકેલા લોકોએ આ વેલીમાં ટ્રેક કરવાનો વિચાર સુધ્ધાં કરવાનો નથી. પણ ઝુલેકે ગામ આ વેલીના પરિસરમાં છે. એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી મન માનવી લેવાનું. આખરે અમે અમે ઉતારે પહોંચ્યા ત્યારે ઘડિયાળ 4:30 PM બતાવતી હતી, પરંતુ બહાર તો જાણે  મધરાત થઇ હતી. ઠંડી પણ એટલી જ અને અંધકારના તો ચોસલા પડે એવો ગાઢ. નોર્થ ઈસ્ટમાં  કલકત્તા હોય કે ગુવાહાટી કે તવાંગ સૂર્યનારાયણ  વહેલો વિદાય લે છે .ઘણીવાર 3 વાગ્યે જ. બપોરના બે શું વાગે 2 સોનલવર્ણી બપોર મેલી થઇ ગઈ હોય તેમ ધૂંધળી થવા માંડે અને સાથે સુસવાટાભર્યો પવન, શરુ થાય જેને કારણે ટેમ્પરેચર હોય 8 કે 9 ડિગ્રી પણ ફીલ લાઈક 4 બતાડે. આખરે  અમે એક એવી દુનિયામાં પ્રવેશી ચુક્યા હતા  જ્યાં શાંતિ અને પહાડી ઠંડક સમયને ધીરો પાડી નાખે છે.  

ઝુલેકે એ ગામ નથી જે પર્યટક અચાનક શોધી લે. એ તો જાણે પહાડોમાં સચવાયેલું એક  મણિ છે. જ્યાં આપણી સોસાયટીમાં એક બિલ્ડિગમાં 50 ફ્લેટ્સહોય અને સરેરાશ 4 વ્યક્તિ લેખે 200 લોકો રહેતા હોય તેની સામે અહીં છે માત્ર 40 ઘરો અને 60 સ્થાયી રહેવાસીઓ, પહેલી માહિતી જ પચાવતાં થોડો સમય લાગે. ખરેખર તો એને ગામ કહેવું કે નહીં એ પણ એક પ્રશ્ન છે. કારણકે ગામમાં પણ આટલી ટાંચી વસ્તી ન હોય, અંગ્રેજીમાં જેને Hamlet કહે છે તેવું કશુંક ,વસાહત, કે મરાઠીમાં જેને પાડા કહેવાય છે તે, ગુજરાતી શબ્દ મળ્યો નહીં.
 ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં આ ગામ મહત્વનું છે , એક શ્રેષ્ઠ નાગાલેન્ડનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે, સમુદાય-આધારિત ઇકો-ટુરિઝમના મોડેલ તરીકે. યુવા ગામવાસીઓ બહાર અભ્યાસ કે કામ કરે છે, મોટાભાગના લોકો 40 કિલોમીટર દૂર આવેલા રાજ્યના પાટનગર અને મોટા કહેવાતા શહેરમાં ભણે કે કામ કરે છે. તહેવારની રજાઓમાં ગામ પાછા આવે છે, અને ત્યારે વસ્તી 100થી થોડી વધુ  થઇ જાય છે.  છે. અંગામી જાતિના આ ગામને ઝીરો-વેસ્ટ વિલેજ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં કડક નિયમો જંગલ, wildlife અને કુદરતી સંતુલનનું રક્ષણ કરે છે. અહીં કોઈ હોટેલ નથી. અમારો ઉતારો હતો એક  હોમસ્ટેમાં, કેવી નામની અંગામી મહિલા ચલાવતી હતી. હસમુખી સરળ  મધ્યમ ઉંમરની કેવી ને એની ત્રણ બિલાડી એક પોમેરિયન અને હોમ સ્ટેમાંથી નિભાવ. આ કેવીની દુનિયા. એને મહેમાનો માટે કોટેજ અલગ રાખ્યું હતું. મહેમાનો ન હોય તો પણ કેવી તો પોતાના જ ઘરમાં રહે, 
મહેમાનો માટેનું કોટેજ નાનું પણ એકદમ આરામદાયક. એકદમ નેનો બેડરૂમ , એથી પણ નાનો હોલ ,એમાં એક  આરામદાયક સોફા કમ બેડ (જો કોઈવાર ગેસ્ટ વધી જાય તે આશયથી ), નાનું પણ સિસ્ટમેટિક ફાયર પ્લેસ જેમાં જંગલથી લાવેલા લાકડાંનો ઉપયોગ કરીને રૂમને ગરમ રાખવામાં આવે અને સૌથી સુંદર તો આ ફાયર પ્લેસની ઉપર ત્યાંની પરંપરાગત બાસ્કેટ અને તેમાં ડ્રાય જંગલી ફૂલોની સુંદર સજાવટ. દરેક ખૂણામાં સાદગીભરી જીવનશૈલીનું  પ્રતિબિંબ. લોકો કેટલા ટાંચા સાધનો સાથે જીવી શકે એનો  ઉત્કૃષ્ટ દાખલો.સાંજના છ પણ નહીં વાગ્યા હોય પણ મધરાત થઇ ગઈ હોવાની પ્રતીતિ થઇ રહી હતી. અમારું ગ્રુપ હતું દસ વ્યક્તિનું ,જે એક હોમસ્ટેમાં સમાય શકે. અમારું ગ્રુપ ત્રણ જુદા જુદા હોમ સ્ટેમાં વિભાજીત થઇ ગયું હતું, એ પૈકીના એક હોમ સ્ટેમાં જમવાની વ્યવસ્થા હતી.

નાગા સંસ્કૃતિમાં , ઘરમાં સૌથી મહત્વની જગ્યા છે કિચન. આપણે હોલ અને બેડરૂમ ને સૌથી વધુ પ્રાથમિકતા આપીએ ,આ લોકો માટે કિચન એટલે હોલ , ઘરનો સૌથી મોટો રૂમ કિચન જ હોય. જ્યાં એક તરફ હોય ચૂલો , એક તરફ હોય વાસણો અને સિંક , એક તરફ હોય સીટિંગ રૂમની જેમ બેઠક વ્યવસ્થા. ઓરડાની વચ્ચે હોય આગ , તે પણ નાની નહીં , લગભગ ચાર બાય ચાર ફૂટમાં સતત જંગલમાંથી એકઠા કરેલા લાકડાંથી અગ્નિ પ્રજ્વળતો રહે , એની પર મોટી દેગમાં પાણી ઉકલ્યા કરતુ હોય. નાહવા માટે આ જ પાણી ,પીવા માટે આ પાણી ,ઘરકામ માટે આ પાણી . ઠંડી એટલી કે બહાર વાસણમાં ભરેલું પાણી પી જ ન શકાય. આઈસ વોટર પીતાં હોય તેવી ફીલિંગ આવે. 

સૌથી રસપ્રદ વાત તો એ હતી કે અમે જયારે ડિનર માટે બીજા હોમ સ્ટે પણ પહોંચ્યા ત્યારે ડાઇનિંગ ટેબલ પણ કિચનમાં જ હતું. રસોઈ તો તૈયાર થઇ ગયેલી પણ ચૂલો જલતો હતો. પાણી પણ ઉકલી રહ્યું હતું અને ત્યાં તેની આજુબાજુ જગ્યા કરીને ઘરની બિલાડીઓ ઊંઘી રહી હતી. ભડભડ અગ્નિની બિલકુલ બાજુમાં ઘોડા વેચીને ઊંઘતી બિલ્લીઓ મેં મારી જિંદગીમાં પહેલીવાર જોઈ. તેમાં દસ નવા લોકોની હાજરીનો એને કોઈ ફરક પડતો નહોતો. 
નાગાલેન્ડ ફરવા જવું હોય અને તમે જો પાક્કા શાકાહારી ,વીગન કે જૈન હો તો સૂપના પેકેટથી માંડી રેડી ટુ ઈટના પેકેટ્સ, રેડી ટૂ ઈટ ઉપમા, ખાખરા ,શાશ્વતાં થેપલા , ગોળપાપડીનું ભાથું ભરીને જવું. ત્યાં વેજીટેરીઅન કૂકીંગ જેવો કન્સેપટ જ નથી. અલબત્ત , અમારા માટે સાતે સાત દિવસ વેજીટેરીઅન ખાણું બનાવેલું, જેમાં સવારના નાશ્તામાં બ્રેડ બટર, એક એલચી કેળું , કોઈક જગ્યાએ સિરિયલ્સ (ક્યારેક) બોઇલ્ડ કોર્ન , મકાઈ દાણાં હોય . ચા માટે પણ આપણે આપણી વાઘબકરી કે ગિરનારની જાય બોલાવવી. ત્યાં ફ્રેશ દૂધનો કન્સેપટ નથી.બલ્કે ત્યાં કોઈ દૂધાળાં પ્રાણી જોવા સુધ્ધાં ન મળ્યા. પાવડર વાળા દૂધની ફિક્કી ચા, એને ચા કહેવી કે નહીં એ વિષે મને મૂંઝવણ છે. જો સવારના બ્રેકફાસ્ટની આ હાલત હોય તો લંચ અને ડિનર શું હોય તે વિચારી લેવાનું. 

લંચમાં હોય સ્ટીકી રાઈસ , ના રિસોટો નહીં , આ કોઈક જુદી પ્રકારના ગુંદર જેવા ભાત હોય અને સાથે હોય પાણીવાળી પીળી દાળ , એ તુવેરની હતી કે મસૂરની કે મગની ક્યારેય ન સમજાયું, ન એમાં મીઠું હોય ,મસાલા તો ભૂલી જ જવા. કોથમીર મળે પણ તજ લવિંગ રાઈ જીરું હિંગ એવું બધું ન મળે. હા, સૌથી મોટું આશ્વાસન કેરળમાં મળે તેવા રાઈસ પાપડ તે પણ પાછાં ફ્રાઈડ. જ્યાં પણ જાવ ત્યાં શાક એક ને માત્ર એક ફ્લાવર બટાટા ,રોટલી બહુ વ્યવસ્થિત હોમ સ્ટે હોય તો મળી પણ જાય. અમને બે ત્રણ જગ્યાએ રોટલીનો જોગ થયેલો. પાંચ રોટલીની સાઈઝની એક રોટલી. સાથે ત્યાં વિપુલ પ્રમાણમાં ઉગતા કંદમૂળનું કોઈ શાક. પણ જો ઇન્ટરેસ્ટિંગ હોય તો તે છે ભૂત ઝોલોકીયા મરચાને લસણની ચટણી. ભૂત ઝોલોકીયા કિંગ ચીલી તરીકે પણ જાણીતા છે. આસામ જાવ કે કે મેઘાલય ત્યાં પણ આ દેખાશે. લાલ મરચાંને લસણની કળી સાથે આખું મીઠું નાખીને અધકચરું પીસવાથી ચટણી તૈયાર. એટલે પાણીવાળી ફિક્કી દાળ અને રબર જેવા ભાતમાં આ ચટણી ભેળવી પાપડ સાથે ખાઈ લો તો પેટ તો ભરાઈ જશે.  પાર્ટ એ છે કે વજન ઓછું કરવું હોય તો એક મહિનો રહેવું. રોજની ચડઉતર, આઠ નવ હજાર સ્ટેપ્સ, નો સ્વીટ્સ  અને ચોખ્ખાં  હવા પાણી માત્ર વજન નહીં ઉતારે ,સુગર પણ ઓછી કરી નાખશે. 

સાંજે સાત વાગ્યે ડિનર કરીને આઠ વાગે પથારીભેગા થવું પહેલા ભારે આકરું લાગ્યું. એમાં પણ નો નેટવર્ક ,  ફોન ન ચાલે તો ઈન્ટરનેટ તો પ્રશ્ન જ નથી, પણ રાત્રે થોડું ગમગીન થઇ ગયેલું મન સવાર જોઈને પ્રફુલ્લિત થઇ ગયું. 

સવારે  ઝુલેકેનો સાચો આત્મા દેખાયો. ગામ ઘન જંગલથી ઘેરાયેલું છે, જ્યાં શિકાર સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. અમારે કરવાની હતી ગામની ટુર. કોઈ ઘર હોય તો દેખાયને. સૌથી મોટી ઇમારત કહી શકાય તેવું એક હતું ચર્ચ અને બીજી રજીસ્ટ્રેશન ઓફિસ, આ ગામમાં ઘણા લોકો કેમ્પિંગ કરવા આવે છે. મુંબઈવાળા લોનાવાલા ખંડાલા ભાગી જાય તેમ. સ્થાનિકો એટલે કે ફક્ત 40 કિલોમીટર દૂર કોહિમામાં રહેનાર નાગા વ્યકતિએ કેમ્પીંગ કરવું હોય તો અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.

  અમે ગામની લટાર મારીને જંગલમાં પહોંચ્યા પણ જંગલ ને ગામ વચ્ચે ફરક જ ન જણાયો. ઊંચા  જંગલમાં ચાલતા સમયે લાગે છે કે આપણે કુદરતના ઘરનાં આદરણીય મહેમાન છીએ. આ જંગલોમાં Blyth’s Tragopan (નાગાલેન્ડનું રાજ્ય પક્ષી), બાર્કિંગ ડિયર લાલ મોઢાવાળા લંગૂર ક્યારેક નજરે ચઢી જાય. જંગલી બેરીઝ અને નાનાં મોટા ફૂલનું તો સામ્રાજ્ય છે, અહીં કુદરત માત્ર દૃશ્યમાન નથી; એ હાજર છે. એ શ્વાસ લે છે, રક્ષણ આપે છે, અને લોકોને આવકાર આપે છે.

 નોંધ: નાગાલેન્ડમાં ભારતીય પર્યટકો માટે Inner Line Permit (ILP) ફરજિયાત છે. દિમાપુર પહોંચતા પહેલાં ઑનલાઇન અરજી કરી ને તેની ફોટોકોપી સાથે રાખવી જરૂરી છે

ઝુલેકેની  નાઇટ લાઇફ એટલે સ્ટારી નાઈટ. પ્રદૂષણ વિનાનું આકાશ ને ટમકતાં તારા એક લહાવો છે. મોટાભાગે એ અવકાશ ઠંડી વાદળોને કારણે ઓછો થઈ જાય.
કોઈ જાણે પરીકથાનું ગામ જ્યાં આખા ગામ વચ્ચે 25 વર્ષ જૂનો મોબાઈલ બાહરી દુનિયાનો સેતુ છે. 

જંગલ જીવંત હોય તેમ શ્વસે છે,તેની પર તોળાતું ધુમ્મસ  અને પવનનો  હળવો સરસરાટ. આ નાનકડા ઝીરો-વેસ્ટ ગામમાં,  60 રહેવાસીઓ સાથે, દુર્લભ શાંતિનું સરનામું  છે, જે મોર્ડન જીવનમાં દુર્લભ છે . શાંત છે, નાનું એવું ગામ યાત્રા પૂરી થયા પછી એક સ્મરણ તરીકે એ જીવતું રહેશે.


Comments

Popular posts from this blog

Tracing Myths & Mountains

Dzuleke: Into the Mist and Beyond

Hornbill, Hills and Hard Truths from Nagaland