કલ્પનાથી વિજ્ઞાન, વિજ્ઞાાનથી વાસ્તવિકતા : જુલ વનૅની દુનિયામાં એક લટાર..
અમારી કિતાબકથામાં સામાન્યરીતે તો વિશ્વભરની ભાષામાં લખાયેલી કૃતિઓ વાંચવાનો પ્રયાસ હોય છે. પણ, એક મિટિંગમાં નક્કી થયું કે સૌએ પોતપોતાની મનપસંદ કૃતિઓ વાંચીને આવવાનું રહેશે. એ પછી કોઈપણ ભાષામાં હોય, કોઈપણ રસની હોય, ફક્ત પોતાને ગમી હોય તેવી, મનપસંદ.
પહેલી નજરે તો સારું લાગે પણ પસંદગી કરવાની હોય તો ? આ તો એવી વાત થઇ જલેબી રબડી ખાવી કે ચીઝ કેક ? મારા માટે ફેવરિટ તો બે હોય શકે , એક તો હરિપ્રસાદ વ્યાસની બકોર પટેલ સિરીઝ અને બીજી જુલ વર્નની સાહસકથાઓ. ફેવરિટ એટલે બાળપણથી અત્યાર સુધી મનપસંદ. જ્યારે મન પડે ત્યારે વાંચીને હળવા થઈ જવા માટેનું અકસીર સ્ટ્રેસ બસ્ટર.
તેથી વિચાર્યું કે જુલ વર્નની મારી ફેવરિટ એવી પાંચ છ વાર્તામાંથી જ એક સિલેક્ટ કરવી. તેમાંથી પણ દ્વિધા. બે મોસ્ટ ફેવરિટ એક જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ અને અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન 80 ડેઝ .
આ સ્ટોરી કેમ મારી ફેવરિટ છે તે પાછળ પણ સ્ટોરી છે.
સ્કૂલમાં ભણતાં હતા ત્યારે ઘરમાં આવતાં ફૂલવાડી , રમકડું ,ચાંદામામા નામના મેગેઝીન. બાલ સાહિત્ય સાથે એટલો જ પરિચય. ત્યારે અમારા એક પાડોશી ભાઈએ જે કર્યું , એ માટે એમનો આભાર કઈ રીતે માનવો સમજાતું નથી.
અમારા ઘરની સામે રહેનાર અરવિંદભાઈ શાહે સહુ પ્રથમવાર સુરતની એન્ડ્રુઝ લાઈબ્રેરીની મુલાકાત કરાવી. એટલું જ નહીં ત્યાં સભ્યપદ પણ ભેટ આપ્યું. હાલ એ ક્યાં હશે નથી ખબર પણ આ ભેટ માટે જિંદગીભર ઋણી હોવાની લાગણી અનુભવું છું.
એ લાઈબ્રેરી , ત્યાંના પારસી લાઇબ્રેરીયન અને મારું પહેલું પુસ્તક , એ તો જોકે બે હતા, એક પાતાળ પ્રવેશ અને બીજું 80 દિવસમાં પૃથ્વીની પરિક્રમા . અનુવાદક હતા મૂળશંકર મો ભટ્ટ. તે દિવસ અને આજની ઘડી,વાંચનનું વ્યસન છૂટ્યું નથી.
જેમની કૃતિએ જિંદગીને નવી દ્રષ્ટિ આપી હોય અને દસ વર્ષે ગમી ગયેલી કૃતિ પચાસ વર્ષ પછી પણ એટલી જ પ્રિય હોય તો એ લેખકની કલમમાં કેવું કૌવત હશે એ વિચારી લેવાનું.
અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઝ જ્યુલ વર્ન દ્વારા લખાયેલ સાહસકથા છે જેને સાહસકથા કરતાં પ્રવાસકથા કહી શકાય પણ એને સાહસકથાની શ્રેણીમાં મુકવી પડે, કારણકે આજથી 125વર્ષે પ્રવાસ લક્ઝરી નહોતો. એ સાહસ કે પછી ભીરુ લોકોની દ્રષ્ટિમાં આંધળુકિયા કહેવાતું.
આપણો નાયક છે ફિલિપસ ફૉગ, એક શિસ્તબદ્ધ, સમૃદ્ધ અને અનોખા અંગ્રેજ ભાઈસાહેબ. ઉંમર 40ની આસપાસ , ને બેચલર છે (કદાચ મોસ્ટ એલિજિબલ બેચલર, પણ એવું લખ્યું નથી) .
લંડનની રિફોર્મ ક્લબના સભ્ય , જ્યાં મિત્રો સાથે ચર્ચામાં થાય છે કે દુનિયા એટલી બધી એડવાન્સ થઇ ગઈ છે કે 80 દિવસમાં તો વર્લ્ડ ફરી લેવાય. તે પાછળ કારણ એ છે કે નામાંકિત બેંકમાં લૂંટ થઇ છે. અને એકદમ સજ્જન દેખાતો માણસ કેશિયરની નજરચૂક કરીને 20,000 પાઉન્ડ લઈને ફરાર થઇ ગયો છે. મિત્રોની ચર્ચા છે કે એ પકડાશે કે નહીં ? આ વાત પરથી ફોગ મિત્રો સાથે શરત લગાવી બેસે છે કે પોતે 80 દિવસમાં પૃથ્વીની પરિક્રમા કરીને બતાડી આપશે. આ વાત છે 1870ની એટલે વીસહજાર પાઉન્ડની કિંમત અત્યારે કેટલી હોય ગણતરી માંડી લેવી.
શરત શું લાગી કે ફૉગસાહેબ સીધા ઘરે આવે છે અને નવો એક નોકર જીન રાખ્યો છે જેને હજી કોઈ ગતાગમ નથી તેને પેકિગ કરવાનો આદેશ આપે છે. પોતે , પોતાનો સહાયક જીન પાસપાર્ટુ અને ઘરમાં હતી તે લગભગ 20,000 પાઉન્ડ જેવી અઢળક લઈને પ્રવાસ માટે નીકળી પડે છે. કેશ સાથે રાખીને પ્રવાસ. ક્રેડિટ કાર્ડ ને gpay ના જમાનામાં આ જ વાત સાહસ ન કહેવાય? ફોગ તેના પ્લાનિંગમાં કોઈ કચાશ રાખે તેમ નથી. તેમના મનમાં મેપ તૈયાર છે. પ્રવાસ લંડનથી શરૂ થાય છે અને તેમણે નીચેના શહેરો પરથી પસાર થવાનું આયોજન કરે છે: લંડનથી શરૂ થાય છે અને નીચેના શહેરો તેમનાં માર્ગમાં આવે છે:
સુએઝ (ઇજિપ્ત) → બૉમ્બે (મુંબઈ) → કલકત્તા → હૉંગકૉંગ → યોકોહામા (જાપાન) → સાન ફ્રાન્સિસ્કો (યુએસ) → ન્યૂ યોર્ક → અને આખરે પાછું લંડન.
![]() |
મિસ્ટર ફોગની પરિક્રમાનો રૂટ , અત્યારની તમામ સુવિધા સાથે પણ આપણને ચેલેન્જ લાગે છે. |
ત્યાં તેમનો ભેટો થાય છે એક મિસ્ટર ફિક્સ સાથે. આ છે એક જાસૂસ , એ સમજે છે આ પેલો ચોર લાગે છે. નહીં તો આવી ભાગાભાગ યાત્રા કેમ કરે ??
ફૉગ અને પાસપાર્ટૂ ભારતમાં પહેલાં ટ્રેન મુસાફરી કરે છે. મુંબઈ પહોંચે છે ત્યાં જીન મલબાર હિલના એક હિન્દૂ મંદિરમાં ચપ્પલ સાથે ઘૂસી જાય છે અને ત્યાં રકાસ સર્જાય છે. ત્યાંથી દોડાદોડ કરીને ટ્રેન પકડે છે. હવે જવાનું છે કોલકોત્તા, અખબારમાં ભારતમાં નવી નખાયેલી રેલવે લાઈન વિષે ઘણાં સમાચાર છપાયા છે પણ તેમને ખબર પડે છે કે છપાયેલ સમાચાર સાચા હોય તે જરૂરી નથી. આપણે ત્યાં WhatsApp પર ચાલે તેવી લોલમલોલ ત્યારે પણ ચાલતી એનો પુરાવો. હજી તો રેલવેનું ઘણું કામ બાકી છે. અલ્હાબાદ પાસે નદી પાસે કામ બાકી હોવાથી સહુએ ટ્રેનમાંથી ઉતરીને બીજી બાજુએ જઈને ફરી ટ્રેન પકડવાની છે. જવા માટે જો કોઈ વિકલ્પ છે તો તે છે બળદગાડાં , એ વિષે વિચાર કરવામાં વિલંબ થતાં અન્ય યાત્રીઓ જે મળે તે બળદગાડાં લઈને ચાલતી પકડે છે. હવે બાકી કોઈ વિકલ્પ બચ્યો તેમાં એક હાથી છે. જેને ભાડે આપવા માટે મહાવત તૈયાર નથી. હાથી ખરીદી લેવો પડે છે, મહાવતને સાથે લઈને આગળ વધે છે ત્યાં રસ્તામાં સરઘસ જુએ છે. લોકો એક નવયુવાન સ્ત્રીને સતી બનવા લઇ જતા હોય છે. ફોગ જિન અને મહાવત ભીડને કોઈક રીતે ચકમો આપીને પેલી સ્ત્રીને છોડાવે છે, હવે તે આ લોકોની સાથે થઇ જાય છે. નામ છે ઔડા. ઔડા એના જીવ બચાવનારા પ્રત્યે ઋણપૂર્વક જોડાય છે, અને ત્યારબાદ સતત પ્રવાસમાં સાથી રહે છે.
હવે વાર્તા પવનપાવડી પહેરી હોય તેમ દોડે છે. ટ્રેન લેટ થવી , હવામાન બગડવું, કેપ્ટનના વિલંબ વગેરે કારણે ફૉગ વારંવાર પોતાના શિડ્યુલથી પાછળ પડે છે. છતાં, તે પોતાની શિસ્ત, બુદ્ધિ અને ધીરજથી દરેક સમસ્યાનું હલ કરે છે –ક્યારેક નવું જહાજ ભાડે લઈને, ક્યારેક ટ્રેન બદલવી પડે છે.
જ્યારે ફૉગ આખરે લંડન પાછો આવે છે, ત્યારે તેને લાગે છે કે 80 દિવસ પૂરાં થઈ ગયા છે અને હવે શરત હારી જશે?
વાર્તામાં ટ્વીસ્ટ અહીં જ છે, રસક્ષતિ ન થાય એટલે અહીં વિરામ જરૂરી છે.
નવાઈ એ લાગે કે મિસ્ટર ફોગ પાસે તો પાસપોર્ટ હશે પણ જીન પાસે, રસ્તે મળી ગઈ તે ઔડા પાસે પાસપોર્ટ ક્યાંથી આવી ગયો ? વાસ્તવિકતા એ છે કે પાસપોર્ટ અમલી બન્યા સેકન્ડ વર્લ્ડ વોર પછી, અનિવાર્ય બન્યા . ત્યાં સુધી એનું કોઈ મહત્વ નહોતું.
આ પુસ્તક માત્ર એક સાહસિક યાત્રાનું વર્ણન નથી – તે વ્યક્તિગત શિસ્ત, ચોકસાઈ, ભવિષ્યનિર્માણમાં વિશ્વાસ, વિશ્વસંસ્કૃતિ અને પ્રેમના સૂક્ષ્મ સ્તર સાથે એક દાર્શનિક રસપ્રદ કેનવાસ ધરાવે છે.
જ્યુલ વર્ને વિજ્ઞાન, ભૌગોલિક જાણકારી અને કલ્પનાશક્તિના તાણાંવાણા એવા વણ્યા છે કે તે આજની તારીખે પણ વાર્તા રસપ્રદ લાગે છે.
આટલા વર્ષો સુધી જે લેખકના ચાહક રહ્યા હોઈએ તે લેખક વિષે જ વાત ન કરાય તો અધૂરપ લાગે.
કિશોરાવસ્થામાં સૌએ જુલ વર્ન ને વાંચ્યા હશે. આજની મોબાઈલ પેઢીને બાદ કરતા,
![]() |
ન ભૂતો ન ભવિષ્યતિ : જુલ વર્ન |
જુલ વર્ન (Jules Verne) ફ્રાન્સના વૈજ્ઞાનિક કલ્પનાસાહિત્યના વિખ્યાત લેખક તરીકે ઓળખાય છે. 19મી સદીમાં જ્યારે વિશ્વમાં વિજ્ઞાન હજુ પાંખ પસારી રહ્યું હતું, ત્યારે જુલ વર્ને આવી કેટલીય કલ્પનકથાઓ લખી હતી કે જે આજે વાસ્તવિકતા બની ચૂકી છે. તેઓ એવા લેખક હતા જેમણે સાહિત્ય દ્વારા લોકોને વિશ્વયાત્રા કરાવી, પૃથ્વીના ભીતરના રહસ્યો અને સમુદ્રની ઊંડાઈ સુધી લઇ ગયા.
ફ્રાન્સમાં વકીલ પિતાને ત્યાં જન્મેલા જુલની માતાનો પરિવાર વહાણવટા વ્યવસાય સાથે જોડાયેલો હતો. એવી વાત પ્રસિદ્ધ છે કે અગિયાર વર્ષની ઉંમરે એક વહાણ પર જુલે છુપાઈ જઇ ભારત જવા પ્રયાસ કર્યો હતો ! આવી જ આતુરતા પછીની તેમની સાહિત્યયાત્રામાં પણ જોવા મળે છે. જો કે સફળતા ન મળી અને યુવાન ઉમરે પેરિસ અભ્યાસ કરવા જવું પડ્યું. તેમના પિતાની ઈચ્છા હતી કે તેઓ વકીલ બને. ત્યાં ભણવાનું બાકી રહ્યું ને જુલ કોઈ સિનિયર સહાધ્યાયીના પ્રેમમાં પડ્યા. જેને કારણે કવિ પણ બન્યા. પ્રેમકથાનો રકાસ થઇ ગયો. પેલી છોકરીના માબાપ પોતાની દીકરી કોઈ નાના છોકરા સાથે પરણે તે પણ કારકિર્દીના ઠેકાણા ન હોય કેમ ચલાવે? એને ધનાઢય પણ મોટી ઉંમરની વ્યક્તિ સાથે પરણાવી દેવામાં આવી. જેનો ખટકો જુલની ઘણી વાર્તાઓમાં પ્રતીત થાય છે. જેમ કે આ વાર્તામાં ઔડા જે નાની ઉંમરમાં મોટી વયના રાજવીની વિધવા છે.
જુલે લગ્ન પણ કોઈ વિધવા સ્ત્રી સાથે કર્યા હતા.
જુલ વર્નનું પ્રથમ મહત્વપૂર્ણ પુસ્તક હતું "Five Weeks in a Balloon" (1863). આ પછી તેમની રચનાઓ એક પછી એક પ્રસિદ્ધ થતી ગઈ. કેટલાક મુખ્ય અને લોકપ્રિય પુસ્તકો છે.
Journey to the Center of the Earth (પાતાળપ્રવેશ)
Twenty Thousand Leagues Under the Sea : (સાગરસમ્રાટ )
Around the World in Eighty Days (80 દિવસમાં પૃથ્વીની પરિક્રમા)
From the Earth to the Moon (ચંદ્રલોકમાં)
તેમના પુસ્તકો માત્ર સાહસકથા નથી બલ્કે વિજ્ઞાન આધારિત કલ્પનાઓ, ભવિષ્યની ટેકનોલોજી અને મનુષ્યની જિજ્ઞાસાનું ચિત્રણ છે. તે સમયે લોકો પૃથ્વી ભીતર કે ચંદ્ર પર યાત્રા કરવાનું કેવળ સ્વપ્ન સમજતાં હતા. આજે આપણને ચંદ્રયાત્રાની નવાઈ નથી લાગતી છતાં પૃથ્વીની ભીતરની સૃષ્ટિથી તો અજાણ તો ખરાં ને.
જુલ વર્નને જીવનના અંતિમ વર્ષોમાં ડાયાબિટીસ જેવી ગંભીર બિમારી થઈ. ગંભીર એટલા માટે કારણકે તે સમયમાં ડાયાબિટીસ વિષે કોઈ જાગૃતિ નહોતી. ઇન્સ્યુલિનની શોધ થઈ નહોતી. ઉપરાંત 1886માં તેમના ભત્રીજાએ ગોળી મારી દીધી હતી – જેને લીધે તેમને પગમાં ગંભીર ઈજા થઈ, આંશિક રીતે દિવ્યાંગ હતા, છતાં પણ તેમણે લેખન છોડ્યું નહીં અને તેમના છેલ્લાં દાયકાઓ સુધી લખતા રહ્યા. શરીર દુર્બળ થતું ગયું, પણ કલ્પનાની શક્તિ અને મનોબળ અડગ રહ્યું.
જુલ વર્નનું અવસાન 24 માર્ચ, 1905ના રોજ એમિએન્સ (Amiens), ફ્રાંસમાં થયું. તેમના અવસાન પછી પણ તેમની કૃતિઓ લાખો લોકોના હ્રદયમાં જીવતી રહી. મૃત્યુ પછી તેમની કબર પર એક વિશિષ્ટ શિલ્પ સ્થાપવામાં આવ્યું હતું, એક પુરુષ ધરતીમાંથી બહાર નીકળી આકાશ તરફ હાથ લંબાવતો દેખાય છે. આ શિલ્પનું નામ છે Vers l’immortalité et l’éternelle jeunesse (અમરત્વ અને શાશ્વત યુવાની તરફ).
તેમની કલ્પનાઓ આજે યુવાનોને વિજ્ઞાન તરફ ખેંચે છે.Science Fiction જનક લેખાય છે. તેમનું કાર્ય આજના સમયના ઘણી ટેક્નોલોજી જેવી કે સબમરિન, સ્પેસ યાત્રા અને ટેરાફોર્મિંગ વિષે છે.
જુલ વર્ન એ સાહિત્યના એવા યાત્રી હતા જેમણે કલ્પનાને વિજ્ઞાન સાથે જોડીને દુનિયાને નવા દ્રષ્ટિકોણ આપ્યા.
જીવન દુઃખદ અવસ્થાઓથી ભરેલું હતું જેમ કે નિષ્ફળ પ્રેમ, ડાયાબિટીસ, હુમલો છતાં પણ તેઓ જીવનભર પોતાની કલમથી વિશ્વને અજોડ વારસો આપી ગયા.
![]() |
ગતિ અમરત્વ તરફ |
જીવન દુઃખદ અવસ્થાઓથી ભરેલું હતું જેમ કે નિષ્ફળ પ્રેમ, ડાયાબિટીસ, હુમલો છતાં પણ તેઓ જીવનભર પોતાની કલમથી વિશ્વને અજોડ વારસો આપી ગયા.
તેમની કૃતિઓ આજે પણ બાળકો, યુવાનો અને વૈજ્ઞાનિકોના મનમાં આશ્ચર્ય અને ઉત્સુકતાનું બીજ રોપે છે. જુલ વર્ન માત્ર એક લેખક નહીં, પણ વિજ્ઞાન અને કલ્પનાનો સંગમ છે. તેમની મોટાભાગની વાર્તાઓ ડિજિટલ ફોર્મમાં ઉપલબ્ધ છે. વેકેશનનો સમય છે , બાળકોને વાંચન તરફ વાળવા હોય તો આ સારો વિકલ્પ છે. અને જો તમે જુલ વર્ન ને હજી વાંચ્યા ન હોય તો સાથે તમે પણ વાંચી લેજો.
1907ની જાન્યુઆરીમાં ઘોષણા કરવામાં આવી હતી કે શિલ્પકાર અલ્બર્ટ રોઝે જ્યુલ વર્નની સમાધિ પર આ સ્મારક સ્થાપશે. આજે એ
શિલ્પ જે તેમની કબરની ઉપર છે, જે પ્રખ્યાત પ્રવાસન સ્થળ બની ગયું છે. આજે પણ ત્યાં દરરોજ વર્નના ચાહકો આવે છે. કોઈ લેખક 125 વર્ષે આટલી ચાહના પામે એ જ એક ચમત્કાર જેવી વાત નથી?
શિલ્પ જે તેમની કબરની ઉપર છે, જે પ્રખ્યાત પ્રવાસન સ્થળ બની ગયું છે. આજે પણ ત્યાં દરરોજ વર્નના ચાહકો આવે છે. કોઈ લેખક 125 વર્ષે આટલી ચાહના પામે એ જ એક ચમત્કાર જેવી વાત નથી?
Comments
Post a Comment