જીવો ને જીવવા દો
એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે પરિસ્થિતિ ભયજનક સપાટી વટાવી રહી છે , જો અને તો ની પરિસ્થિતિમાં ન્યુક્લિયર વોરના ભણકારા ત્રીજા વિશ્વયુદ્ધ દોરી જશે તેવી ચિંતામાં ફરી એકવાર આવ્યો છે વિશ્વ પર્યાવરણ દિન.
જયારે માણસ ન્યુક્લિયર વોરથી આખી પૃથ્વીને જ રસાતાળ કરવા માંગતો હોય , માનવજીવન જ ન બચ્યું હોય તો આ દિવસની અહેમિયત કોઈને શું સમજાવાની છે?
દર વર્ષે 5 જૂનના રોજ ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસે, આપણને કુદરત પ્રત્યેની જવાબદારી યાદ અપાવાય છે. પણ, પથ્થર પર પાણી . એ દિવસ ઢળતાં વાત પૂરી , નવા દિવસથી ફિર વોહી રફ્તાર.
2025ની થીમ છે: આપણી જમીન. આપણું ભવિષ્ય. જે સૂચવે છે કે હવે સમય છે પૃથ્વીને બચાવવાનો, પ્રદૂષણ ઘટાડવાનો અને જીવનશૈલી વિષે ફરી વિચારવાનો.
આ બદલાવમાં સૌથી મોટો વિરોધાભાસી શત્રુ છે: પ્લાસ્ટિક, ખાસ કરીને પ્લાસ્ટિકની કેરીબેગ.આપણને થાય શું વાહિયાત વાત છે ? મારા એક પ્લાસ્ટિકના ઝબલાના વપરાશથી શું આભ તૂટી પાડવાનું છે?
આ લખતી હતી ત્યારે જૂની વાત યાદ આવી .
થોડાં વર્ષ પૂર્વે ઓસ્ટ્રિયા જવાનું થયું હતું. નાનો શાંત સુંદર એવો એક યુરોપિયન દેશ. એકોમોડેશન માટે અમે air b&b બુક કરી હતી. સ્ટે પણ વધુ હતો. એકવાર બહાર જમવા જવાની ઈચ્છા નહોતી અને વિદેશમાં દેશી ખાણીપીણી વિશેષ યાદ આવે. થયું કે ત્યારે બાજુમાં હતી તે સુપર માર્કેટમાંથી ગ્રોસરી ખરીદી કરી જાતે જ કશુંક બનાવી નાખવું. સુપરમાર્કેટમાં ખરીદી કરીને પછી જ્યારે કાઉન્ટર પર પહોંચ્યા, ત્યારે ત્યાં રહેલી મહિલાએ અમારી પાસે બેગ માંગી. અમે તો ઈન્ડિયામાં જેમ જઈએ છીએ તેમ હાથ હલાવતાં ગયા હતા. અમને નવાઈ લાગી. આટલો બધો સામાન ખરીદ્યો ને કોઈ કેરી બેગ ન આપે? હજી તો બીજો આંચકો બાકી હતો. કાઉન્ટર પર હતી તે લેડી એ પુછ્યું કે
તમે બેગ લેશો?
અમારી પાસે વિકલ્પ ક્યાં હતો?
'બેગ 2 યુરો'
એ સાંભળતાં જ જીવ કપાઈ ગયો !
એક સાવ સામાન્ય કેરી બેગ માટે 2 યુરો?! એ તો મફત મળવી જોઈએ ને . આપણે ઇન્ડિયામાં એ વાત તો જન્મસિદ્ધ હક્ક માનીયે છીએ. વીસ રૂપિયાની કોથમીરની ઝૂડી લઈને સાથે મફતની ઝભલાં થેલીમાં નંખાવતા ન તો શરમ આવે છે ન તો બીજો વિચાર આવે છે.
પછી જોયું કે ત્યાં આવનાર દરેક વ્યક્તિ પોતાની સાથે થેલો, બેગ, બાસ્કેટ લઈને આવી હતી.સ્ટાઇલીશ મજબૂત અને ઘણી તો બ્રાન્ડેડ પણ. અહીં ખબર પડી કે તેમને માત્ર પ્લાસ્ટિકનો નફો નથી જોઈતો.
એમને પર્યાવરણ બચાવવું છે. તેથી મોંઘી કિંમત વસૂલીને ગ્રાહકને કેરીબેગ માંગવા માટે હતોત્સાહ કરે છે.
આ ઘટના જોઈને લાગ્યું હતું કે આપણે પણ બદલાવ લાવવો પડશે. આજે તો આપણે ત્યાં પણ સ્થિતિ બદલાતી જાય છે. ઘણાં લોકો સાથે થેલા,થેલી લઈને ખરીદી કરવા જાય છે. યાદ છે આજથી પચાસ વર્ષ પૂર્વે ઘરના સભ્ય જયારે શાક લેવા જતા ત્યારે સાથે થેલી લઈને જતા હતા. હવે ફેબ ઇન્ડિયા હોય કે બ્લિન્કઈટ ,પ્લાસ્ટિકની બદલે હવે પેપર બેગ્સ આપે છે. સમસ્યા ત્યાં નથી એવું નથી. પેપરના ઉત્પાદન માટે વૃક્ષ કપાઈ જાય છે. દિવસ રાત એકરના એકર જંગલ અલોપ થઇ જાયછે.
એ સમસ્યા તો છે જ . પણ પ્લાસ્ટિક ? એ તો મૂંગા જીવોને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારે છે. સૌથી આશ્ચર્યભરી વાત એ લાગી કે 10 મિનિટ ડિલિવરી આપતી ઘણી કંપનીઓ ફૂટી નીકળી છે. જેમાં રિલાયન્સ જેવી મહારથીએ પણ ઝંપલાવ્યું છે. 10 મિનિટ ડિલિવરી માટે જીઓ માર્ટમાંથી જે માલ આવ્યો તેનું પેકીંગ જોઈને હું અવાક થઇ ગઈ. સારા ગેજના પ્લાસ્ટિકમાં વ્યવસ્થિત પેક થયેલી વસ્તુ. પહેલી નજરે તો બહુ સારું લાગે પણ થોડા સો ,બસો પાંચસો રૂપિયાની ડિલિવરી માટે આટલો બધો પ્લાસ્ટિકનો ઉપયોગ ?
જીઓ જેવી કંપની પર્યાવરણ પરત્વે આટલી સભાનતા ન રાખી શકે તો માર્કેટમાં બેસીને શાક વેચનાર અલ્પશિક્ષિત માણસ પાસે શું અપેક્ષા રાખવાની ?
આપણી આસપાસ એવા નંગ પણ હશે જે શાક લેવા પણ હાથ હલાવતાં જતાં હોય ને જુદી જુદી ઝભલા બેગમાં બધું શાક ભરીને લાવતા હોય. એટલું જ નહીં એ વળી પાછાં ઝભલા બેગ સાથે જ ફ્રિજમાં મૂકી દેતાં હોય. ને જો કદાચ બગડી જાય તો એમ ને એમ જ કચરાટોપલીને હવાલે કરીને નચિંત થઇ જાય, આ કચરો જેને મા માનીએ તે ગાય કે ખાય ને જો કદી જોયું હોય તો ખબર પડે કે આ જીવોના કેવા હાલહવાલ થાય છે.
![]() |
હવે ગૌરક્ષાના મુદ્દે લડવા ઉતરી પડનાર લોકોને આ મુદ્દે શું કહેવું છે ? |
![]() |
આ પ્રકારના બનાવ રોજના છે. ફક્ત નોંધ નથી લેવાતી. |
એક બાજુએ તહેવારોના પવિત્ર દિવસમાં ગાયને ઘાસ, લાડવા ખવડાવવાનું પુણ્ય લેતી આ પ્રજા ગાયના પેટમાંથી મળતાં પ્લાસ્ટિકના ગઠ્ઠાં વિષે અજાણ છે. કે પછી આંખ આડા કાન કરે. જેને કારણે મૂંગા પ્રાણીઓ વેદનાથી પીડાઈ પીડાઈને મરે છે. આ પાપનું મૂળ છે ઝભલા બેગ. તેની પર પ્રતિબંધ હોવા છતાં, ચલણમાં તો છે જ. પ્લાસ્ટિક બેગનું અવિષ્કાર થયો હતો 1965માં, જ્યારે સ્ટેન ગુસ્તાફ થુલિન નામના એક સ્વીડિશ એન્જિનિયરે સેલોપ્લાસ્ટ નામની કંપની માટે તેનો ડિઝાઇન કરી હતી. તે પાછળ આશય તો બેશક સારો હતો. તે ટકાઉ હતી , ફરી ફરી વપરાશ કરી શકાય તેવી હતી. જે કારણે પેપરબેગનું ચલણ ઘટે અને વૃક્ષોની કાપણી ઘટાડવાનો આશય હતો. પરંતુ થયું વિપરીત , 1980ના દાયકામાં, પ્લાસ્ટિક બેગ સુપરમાર્કેટથી લઇ બજારોમાં અને ઘરઘરમાં પ્રવેશી ગઈ. તેમાં આવ્યો કિંમત ઘટાડવાનો જુગાડ. જે એકદમ કાગળ જેવી ,વન ટાઈમ યુઝ એન્ડ થ્રો માટે માઈક્રો મિલીગ્રામ પ્લાસ્ટિકની બનવા લાગી. આજના સમયમાં, આ ઝભલાં કે પ્લાસ્ટિક થેલીનું આયુષ્ય લાબું હોતું નથી. પ્રત્યેક બેગ માત્ર થોડી મિનિટો માટે વપરાય છે , પણ શાપ એ છે કે તે પ્રકૃતિમાં સદીઓ રહી શકે છે .એ બાયો ડિગ્રેડેબલ ન હોવાથી તેને નષ્ટ થવામાં સેંકડો વર્ષ લાગે છે. જે એક ય અન્યરીતે પ્રાણીઓના ખોરાકમાં પહોંચે છે. કચરો તો દરિયામાં પધરાવવાની આદત છે. તેથી તે પ્લાસ્ટિક જળચરના પેટમાં પહોંચાડે છે. અને છેવટે એ જાય છે આપણા જ પેટમાં. એ પછી દૂધ હોય કે માંસ મચ્છી હોય.
આજે વિશ્વમાં દર વર્ષે 400 મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિક બનાવવામાં આવે છે અને તેમાંનું અડધું તો માત્ર એક વખત વાપરવામાં આવે છે. દર વર્ષે આશરે 5 ટ્રિલિયન પ્લાસ્ટિક બેગ વપરાય છે. જે નદીઓ, દરિયો, અને જમીનને દૂષિત કરે છે, અને મરીન જીવોના જીવન માટે ઘાતક સાબિત થાય છે.
વિજ્ઞાનીઓએ અહીં સુધી કહ્યું છે કે આમ માણસ દર અઠવાડિયે માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં એક ક્રેડિટ કાર્ડ જેટલી પ્લાસ્ટિકની માત્રા ખાઈ લે છે.
હવે શું?
દૂષણ અટકાવવા માટે હવે ઘણાં રાષ્ટ્રોએ પગલાં લીધાં છે:
રવાંડા અને બાંગ્લાદેશ જેવા સાવ નાનાં અલ્પવિકસિત દેશોએ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂક્યો છે. જૈવિક (ઓર્ગેનિક) બેગ સ્ટાર્ચ, કેળના પાન , દરિયાઈ ઘાસમાંથી બનેલી હોય તે વિકલ્પરૂપે ઉપલબ્ધ છે પણ એ પર્યાય થોડા મોંઘા છે.
અલબત્ત , કપડામાંથી બનેલા થેલા કે થેલી લઇ જવા એ સૌથી અસરકારક અને સસ્તો પર્યાય છે.
એક સમયે સ્કૂલમાં નિબંધ લખવાનો આવતો : વિજ્ઞાન : આશીર્વાદ કે અભિશાપ ?
એવું જ કંઈક પ્લાસ્ટિક સાથે થયું છે, એક સમયે સારી શોધ હશે પણ તેનો દુરુપયોગ આજે સમગ્ર પૃથ્વી માટે સંકટ બની ગયો છે.
હવે ઝભલાંથી વધુ મોટા દૈત્યને જાણવો જોઈએ.
એક સમય હતો જ્યારે બોટલવાળું પાણી શુદ્ધતા અને આરામનું પ્રતીક માનવામાં આવતું. આજે, એ જ પાણી વિશ્વભરમાં સૌથી મોટું પ્રદૂષણ ઉભું કરનાર તત્વ બની ગયું છે. પારદર્શક અને આકર્ષક લાગે તેવી પ્લાસ્ટિક બોટલ પાછળ એક એવી વાર્તા છુપાયેલી છે જેમાં કુદરતી સંસાધનોનો શોષણ, માનવ આરોગ્ય પર જોખમ અને ખોટી માર્કેટિંગ વ્યૂહરચનાઓ છૂપાયેલી છે.
બોટલવાળું પાણી 1970ના દાયકામાં લોકપ્રિય થવાનું શરૂ થયું. એને "ટૅપ વોટર" કરતાં વધુ શુદ્ધ અને સુરક્ષિત વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું. ભારતમાં આ વાયરો શરુ થયો 70ના અંતમાં . આજે દુનિયાભરમાં દર વર્ષે 600 અબજથી વધુ પાણીની બોટલો વેચાય છે. તેમમાંથી મોટાભાગની બનાવટ PET (પોલીએથિલિન ટેરેફ્થાલેટ) પ્લાસ્ટિકથી થાય છે , જે બાયોડિગ્રેડેબલ નથી.
હવે સમજી જવું રહ્યું કે આ નિર્દોષ લાગતી પાણીની બોટલ કેવી રાક્ષસી છે. તો જાણી લો કે દરેક લિટર પાણીની બોટલ બનાવા માટે લગભગ 3 લિટર પાણી અને ખનીજ ઈંધણ વપરાય છે.એટલે જે પાણી તમે એકવાર પીને બોટલ ફેંકી દીધી તે ચાર લીટર પાણીની પડી. એક લીટર ખરા અર્થમાં વપરાયું બાકી ત્રણ લીટર પૃથ્વીનો ભાર વધારવા કારણ બન્યું. પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે.
80% જેટલી પ્લાસ્ટિક બોટલો રિસાયકલ થતી નથી. એ નદીઓ, દરિયાઓ અને જમીનમાં પડી રહે છે.દર વર્ષે 80 લાખ ટનથી વધુ પ્લાસ્ટિક દરિયાઓમાં જાય છે, જે દરિયાઈ જીવોના મૃત્યુનું મોટું કારણ બને છે.
એટલે માત્ર ધરતી સમુદ્ર તો પ્રદુષિત કરે , હવા સુધ્ધાં બાકી નહીં.
જો આપણે એમ સમજીએ કે કુદરતનું જે થવું હોય તે થાય મારે કેટલા ટકા ?
માઇક્રોપ્લાસ્ટિક્સનું સંકટ માત્ર કુદરતને, વાતાવરણને ,પશુપંખી,કીટક ,જીવજંતુને જ નહીં માણસજાતને પણ નુકસાન કરે છે જ.
બોટલમાંથી પાણી પીતી વખતે તમારા શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક્સ જાય છે, જેની પર હજુ વધુ રિસર્ચ ચાલી રહી છે પણ તેનાથી પણ હોર્મોન હ્રદયરોગ અને પાચનતંત્રની સમસ્યાઓ થઈ શકે છે. રિપોર્ટ તો એવા પણ છે કે સૂર્યપ્રકાશમાં દિવસો સુધી પડી રહેલી પ્લાસ્ટિક બોટલના પાણી કેન્સર જેવી વ્યાધિ માટે જવાબદાર છે.અલબત્ત, આ વિષે હજી વધુ સંશોધન ચાલુ છે.
![]() |
આ પરિસ્થિતિ માટે હું તમે આપણે સૌ જવાબદાર છીએ |
બોટલવાળું પાણી સામાન્ય પાણી કરતાં 500 ગણી વધુ કિંમતવાળું હોય છે. આપણે ત્યાં હજી આ પરિસ્થિતિ આવી નથી પણ ઘણાં દેશોમાં પાણીનું ખાનગીકરણ થતાં ગરીબો માટે પીવાનું પાણી દુર્લભ બને છે. જોકે આપણે ત્યાં હવે વોટર માફિયા આવી જ ગયા છે. દિલ્હી એનો ઉત્કૃષ્ટ દાખલો છે.
મોટાં કોર્પોરેટ હાઉસ કુદરતી પાણી સ્ત્રોતોનો કબજો લઈ લે છે અને એને ઊંચા ભાવે વેચે છે ,જે સામાજિક ન્યાય વિરુદ્ધ છે.
તો પછી કરવું શું ?
સીધો ને સટ વિકલ્પ છે ઘરેથી સરસ મજાની ઝોળી ને રીયુઝેબલ પાણીની બોટલ ભરીને લઇ જવાનો. જોકે મોટાભાગના યુવાનોને એવું કરતા જોયા છે. પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું પાણી માત્ર આરામદાયક વિકલ્પ નથી , એ આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. જ્યારે આપણે ઊંચા ભાવે પાણીની બોટલ ખરીદીએ છીએ, ત્યારે તેના પાછળ છૂપાયેલા ઢગલાબંધ ખતરાઓને પણ ખરીદી રહ્યા છીએ. ખરેખર તો વિશ્વભરની સરકારે આ વિષયે તાકીદના પગલાં ભરવા જોઈએ.
ફરી આ જો અને તો વાત છે. પ્રશ્ન એ છે કે એક અદના વૉરિયર તરીકે આપણે શું કરી શકીએ ?
જવાબ વિચારવા જેવો પણ નથી. ફક્ત આંખો બંધ કરીને આપણાં માતાપિતા શું કરતાં તે જ વિચારી લો. યાદ છે બહારગામ જતી વખતે કદી ન ભુલાતો એવો પાણીનો ચંબુ કે કુંજો ? હવે એવી ઝંઝટ કરવાની જરૂર નથી. સરસ ફ્લાસ્ક પણ ભારતીય કંપનીઓ બનાવે છે.
પ્લાસ્ટિક બેગને બદલે રિયુઝેબલ થેલો હંમેશ સાથે રાખવો. એક સજેશન ,હવે એટલા ફેન્સી અને મોહક થેલા થેલીઓ મળે છે જે સાથે લઈને ચાલો તો ફેશન સ્ટેટમેન્ટ બની જાય. તો ભૂલ્યા વિના ખરીદી લેજો.
ઘરમાંથી બહાર નીકળતી વખતે જેમ મોબાઈલ નથી ભુલાતો તો આ બે ચીજ પણ તે જ કક્ષામાં મૂકી દેવી જોઈએ.
પ્લાસ્ટિકમુક્ત વાતાવરણ માટે જવાબદારી માત્ર સરકાર , જાયન્ટ કંપનીઓ કે અન્ય કોઈની નહીં આપણી સૌની પણ છે.
માત્ર લેવાનો છે એક નિર્ણય: જીવો ને જીવવા દો .
Comments
Post a Comment