સ્પેશિયલ ઓપ્સ ગમી હોય તો રીયલ ટાઈમ સ્પેશ્યલ ઓપ્સ ન ચૂકતાં ...
તાજેતરમાં થયેલા ઓપેરશન સિંદૂરનો મૂડ બરકરાર હોય કે પછી વારંવાર આવી પહોંચતા વર્ષારાણી ઘરમાં ભજીયા સાથે સમથિંગ સ્પેશિયલ ડિમાન્ડ કરતા હોય તો અમેઝોન પ્રાઈમ પર The Ministry of Ungentlemanly Warfare ફિલ્મ જોઈ નાખો.
ચર્ચિલ વિષે ઝાઝો અભ્યાસ નથી . બાળપણમાં ચર્ચિલ વિષે ઘણી વાતો સાંભળી હતી તેમાં યાદ રહી ગયેલી એક વાત કે ભારતીયોને આઝાદી આપવી એટલે વાંદરાના હાથમાં જામ પકડાવવો. એટલું જ નહીં એવું પણ કહ્યું હતું કે Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre & men of straw. They will have sweet tongues and silly hearts. They will fight amongst themselves for power and India will be lost in political squabbles.
આ સાથે સ્કૂલમાં ઇતિહાસના શિક્ષક ઘણું બધું કહેતા.જે થોડું ઘણું સાંભળ્યું જાણ્યું હતું ત્યારથી મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગયેલી કે એમને ભારત અને ભારતીય માટે ભારે પૂર્વગ્રહ હતા. તો આપણે શું કામ એમની પ્રત્યે આદરભાવ રાખવો ? આપણે એમની સાથે પૂર્વગ્રહથી પીડાઈ કદી તેમના વિષે કશું વાંચ્યું વિચાર્યું નહોતું પણ છેલ્લા થોડા સમયથી એ વિષે ફરીથી વિના કોઈ પૂર્વગ્રહ સાથે વાંચવાનું જાણવાનું નક્કી કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે માણસ નેશનલીસ્ટ તો ખરો.
2016માં નેશનલ આર્કાઇવ્ઝ દ્વારા ચર્ચિલના ગુપ્ત દસ્તાવેજો ડીક્લાસિફાઇડ થયા , જેમાં MI5ના દસ્તાવેજો પણ શામેલ હતા, પત્ર વ્યવહાર, વર્લ્ડ વૉર 2 વિષેના મિશન , વિન્સ્ટન ચર્ચિલની યુદ્ધકાલીન ગુપ્તચર કામગીરીમાં ભૂમિકા અને એડવર્ડ VIIIના અપહરણ માટેના નાઝી ષડયંત્ર છુપાવવા માટેના તેમના પ્રયાસો, તેમની અંગત ડાયરી ડીક્લાસિફાઈડ કરવામાં આવ્યા હતા. નેશનલ આર્કાઇવ્સ દ્વારા પ્રકાશિત થયેલાં આ દસ્તાવેજોમાં કોમ્યુનિસ્ટ પાર્ટી તથા તેના સમર્થકોની તપાસ બાબત પણ MI5ની વિગતો મળી હતી. આ સાથે, ચર્ચિલ દ્વારા WWII દરમિયાન ગુપ્તચરોની પ્રવૃત્તિઓ પર કરવામાં આવતી અઠવાડિક અહેવાલોની વિગતો પણ બહાર આવી હતી.
મૃત્યુના 50 વર્ષ પછી કોઈ ગોપિત વાતો બહાર આવે તો શું ? ન આવે તો પણ શું ? પણ, અહીં તો ચર્ચિલની ખાનગી વાતોએ ચર્ચિલને જુદી જ લાઇટમાં મૂક્યા. પોતાના દેશના હિતમાં જે પણ સારું હોય તે માટે કોઈ પણ હદ સુધી જઈ શકે એવો, અને સૌથી મોટો પ્લસ પોઇન્ટ વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા સાથે ભારાડી માણસ. રીયલ ટાઈમ હીરો જેને પોતે પ્રાઈમ મિનિસ્ટર બની રહે કે ખુરશી જાય તેની પણ પરવા નહોતી. એ જાહેર થાય છે તેમના આ દસ્તાવેજો અને પત્રો પરથી.
![]() |
એવું મનાય છે કે ઓપેરશન પોસ્ટમાસ્ટર ચર્ચિલના જીવનનો એક મોટો જુગાર હતું. |
વિન્સ્ટન ચર્ચિલ વિનાના ઇંગ્લેન્ડની કલ્પના કરી શકો ? એ વિષે વધુ ન વાંચ્યું કે વિચાર્યું હોય તો સત્યઘટના પર આધારિત બે ચાર ફિલ્મો જોઈ લેવી . એ પછી ન્યુરૉન્સ એ દિશામાં આપોઆપ ગતિ કરવા લાગશે.
આ પહેલા ઓપેરશન મીન્સમીટ વિષે તો વાત લખી ગઈ છું , હવે વાત વધુ એક ફિલ્મની ધ મિનિસ્ટ્રી ઓફ અનજેન્ટલમેનલી વૉરફેરની . એ આખી સત્યઘટના છે. અલબત્ત પોએટિક લિબર્ટીને નામે થોડી છૂટછાટ લેવાઈ છે. મૂળ આ ઓપરેશનનું નામ હતું ઓપરેશન પોસ્ટમાસ્ટર. પણ ફિલ્મ જુદા નામે બની કારણકે તે પુસ્તક પર આધારિત છે અને તે ટાઇટલ લેખકે સમજીવિચારીને આપ્યું છે. કારણ એટલું કે આ ચર્ચિલની પોતાની નાની એવી ફોજ હતી જેઓએ પોતાના જાનના જોખમે આ ઓપેરશન પર પાડ્યા હતા.
વાત છે વર્લ્ડ વૉર સેકન્ડની. સત્યઘટના પર આધારિત ફિલ્મ બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને તેમની સિક્રેટ ડિફેન્સ ટીમને કેન્દ્રમાં રાખીને છે.
વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી સેના સામે પરંપરાગત લશ્કરી રીતો અસરકારક સાબિત થઈ રહી ન હતી. ત્યારે ચર્ચિલે એક ખાસ ગુપ્ત ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો. એવી ટુકડી કે જે દંડિત આરોપીઓ, જુગારી,ભારાડીઓની હોય જેઓ અસામાન્ય કૌશલ્ય ધરાવતા લોકોથી બનેલી હતી. એટલે કે અસામાન્ય ફાઇટિંગ સ્કીલ . સલમાન ખાનની જેમ એકબાર બોલ દિયા તો મૈં અપને આપ કી ભી નહીં સુનતાવાળી ...
આ ટુકડીનું મુખ્ય હતું કામ નાઝી સેના ના નેટવર્કવાળા વિસ્તારમાં જઈને તેમની સપ્લાઈ નષ્ટ કરવાનું હતું. મિશન આફ્રિકા પાસે એક મહત્વપૂર્ણ જર્મન વહાણને ધ્વસ્ત કરવાનું હતું, જે યુ-બોટ્સ (નાઝી સબમરીનો) માટે પુરવઠો પહોંચાડતું હતું.
આ ટુકડી પરंपરાગત સૈનિકોથી અલગ હતી. એમને નિયમો તોડવા, અકળ રીતે કામ કરવા અને દુશ્મનને ચિંતામાં મૂકી દેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ કાયદાઓથી મુક્ત હતા અને જોવાની ખૂબી એ હતી કે બ્રિટિશ સરકાર તેમને ક્યારેય માન્યતા આપશે નહીં એવી તાકીદ સાથે મોકલાયા હતા. એમ કહી શકાય કે ચર્ચિલની સિક્રેટ આર્મી.
એકવાર ચર્ચિલની ફાઈલો ડીક્લાસિફાઇડ થઇ તે ઉપર ડેમિયન લુઈસ નામના લેખકે પુસ્તક લખ્યું હતું , Churchill’s Secret Warriors ફિલ્મ તેના પર પ્રેરિત છે અને એ સૈનિકો વિશે છે જેમણે આજની સ્પેશિયલ ફોર્સિસ જેવી ઘટનાઓને જન્મ આપ્યો હતો.
વિશ્વયુદ્ધ દરમિયાન વિન્સ્ટન ચર્ચિલએ કહ્યું હતું:Set Europe ablaze.
આ માટે તેમણે 1940માં એક ગુપ્ત સંગઠન બનાવ્યું: Special Operations Executives (SOE). તેનો હેતુ પરંપરાગત યુદ્ધની જગ્યાએ ગેરપરંપરાગત રીતોથી નાઝી સેનાની પીઠ પાછળ હુમલાઓ કરવાનું હતું.
આ ફિલ્મને અંતે જે હીરો લોકોએ આ ઓપેરશન સફળ બનાવ્યું તેમના ઓરિજિનલ નામ અને ઓળખ આપવામાં આવી છે.
1. Gus March-Phillipps
હેન્રી કાવિલ દ્વારાઅભિનીત વાસ્તવમાં Small Scale Raiding Force (SSRF) ના સ્થાપક હતા. એમણે ઘણીવાર નેવીના ઓપરેશનોને લીડ કર્યા હતા , જ્યાં તેઓ દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને હુમલા કરતા હતા.
2. Anders Lassen
ડેનિશ કમાન્ડો, જે અંગ્રેજોને જોડાયા હતા. તેઓ તેમના અસાધારણ સાહસ અને બહાદુરી માટે Victoria Cross (બ્રિટનની સૌથી મોટી સૈન્ય સન્માન) મેળવનાર સૌથી યુવાન નોન-બ્રિટિશ યોધ્ધા હતા.
3. Freddie Spencer Chapman
મલેશિયાના જંગલોમાં ગેરીલા યુદ્ધ ચલાવનાર વીરલો , જેનાં વર્ષો સુધી નાઝી અને જાપાની સૈન્યને છક્કા છોડાવ્યા હતા.
4. Colin Gubbins
SOE ( special operation executive)ના વડા હતા. તેમની દ્રષ્ટિ અને નેતૃત્વથી જ સમગ્ર ગુપ્ત ઓપરેશન સફળ બન્યું. તેઓ પરંપરાગત સેના અભિગમને પડકાર આપતા અને નવી યુદ્ધ નીતિની વકીલાત કરતા.
આ ગેંગની યુક્તિઓ શું હતી?
રેલવે ટ્રેક્સ અને બ્રિજ ઉડાડવા , દુશ્મનના પુરવઠા રૂટમાં તોડી પાડવા, ગોરીલા હુમલા , સ્થાનિકો સાથે મળીને નાઝી સામે હુમલા. પુસ્તકો, વાંચન સામગ્રી, અવનવા વેશ,ઓળખ લઈને કામ કરવું .
આ બહાદુરોની કામગીરીથી જ આગળ જઈને SAS (Special Air Service) અને MI6 જેવી સંસ્થાઓનો ઉદ્ભવ થયો. આજના સ્પેશિયલ ફોર્સીસની ઘણી સ્ટ્રેટેજી એ સમયે રચાઈ હતી.
તો જોજો ,જોવાનું ન ચૂકતાં.
Comments
Post a Comment