વાત બે તાજ વચ્ચે કુરબાન થયેલી એક પ્રિન્સેસની
![]() |
આજનું મુંબઈ,400 વર્ષ પહેલા કોઈને ખબર નહોતી કે એ એક મહાનગર હશે. |
દર વર્ષે જૂન મહિનો આવે તે પહેલા માત્ર BMC જ નહીં તમામ મુંબઈકર પણ સજ્જ થઇ જાય. ખાસ કરીને રોજ નોકરીધંધા માટે પરામાંથી મુંબઈ આવતા કે કામકાજ માટે સબર્બ માં જનાર મુંબઇકરે વરુણદેવનો ઉગ્ર મિજાજથી ખોફ ખાતા હોય છે. પ્રશ્ન એ થાય છે કે આજે આટલા વર્ષે પણ મુંબઈ કેમ દોહ્યલું છે?
આટલા વર્ષ એટલે ? આજે મુંબઈને મુંબઈ બનવાની 361મી વર્ષગાંઠ છે. 21 મે 1662 , આ દિવસ જયારે પોર્ટુગલની રાજકુમારી કેથરીન ઓફ બ્રિગેન્ઝાને બ્રિટનના રાજા ચાર્લ્સ દ્વિતીય સાથે લગ્નમાં મુંબઈના ટાપુ કરિયાવરમાં આપવામાં આવ્યા.
મુંબઈ મુંબઈ તો પછી બન્યું પહેલા તો હતો એક ટાપુનો સમૂહ. 23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા .
એ તો સહુને ખબર છે કે મુંબઈને મુંબઈ બનાવનાર હતા અંગ્રેજ. પણ એવું નહોતું કે આ પ્રદેશનું અસ્તિત્વ નહોતું.
અંગ્રેજો પહેલા જો કોઈ પશ્ચિમી પ્રજા આવી હોય તો તે હતા પોર્ટુગીઝ , એ વાત તો સહુ જાણે છે. ઈ.સ 1499માં વાસ્કો ડી ગામા ઇન્ડિયા આવી પહોંચ્યો હતો પણ ખરેખર જો ધાડાં ઉતરી આવ્યા હોય તો તે વર્ષ હતું ઈ.સ 1508. એ વખતે મુગલ હુમાયુએ ગુજરાતના રાજવી બહાદુર શાહ પર આક્રમણ કર્યું હતું. ખીલજી હોય કે શિવાજી, સુરતની વ્યૂહાત્મક ભૌગોલિક પોઝિશન સહુને મોઢામાં લાળ લાવી દેતી હતી. એમાં પણ સુરત , બંદર તરીકે પંકાતું હતું. હજ કરવા જવાનો દરિયાઈ માર્ગ સુરતથી હતો. બહાદુરશાહ ને હુમાયુ વચ્ચે જે ઘર્ષણ થયું એમાં બહાદુરશાહે ગભરાઈને મદદ માંગી પોર્ટુગીઝની. ત્યાં સુધી પોર્ટુગીઝ માત્રને માત્ર વેપાર સુધી પોતાનું કામ સીમિત રાખતા હતા. અલબત્ત, આ વેપાર હતો મરી મસાલાનો જેમાં વધતી જતી સ્પર્ધામાં ફ્રેન્ચ ઉતરી ચૂક્યા હતા.એટલે પોતાનો પગપેસારો મજબૂત કરવા પોર્ટુગીઝ વાઇસરોય દા કુન્હા કોઈ તજવીજમાં હતા ને સામેથી પતાસું આવ્યું. બહાદુરશાહ મદદ માંગવા આવ્યો.
મદદ તો કરવાની જ હતીપણ સામે કિંમત વસૂલીને. વાઇસરોય નુનો દા કુન્હાએ મદદની કિંમત દમ મારીને લીધી.એ પ્રમાણે એક સંધિ થઇ.
23 ડિસેમ્બર ઈ.સ. 1534 ના રોજ થયેલી સંધિ મુજબ મુંબઈ સહિતનો વસઈ પ્રદેશ સાષ્ટિ પ્રદેશ (અત્યારનું ઉત્તર મુંબઈ NOBO ) અને ગુજરાતનું દીવ પોર્ટુગીઝને સોંપવામાં આવ્યા .બહાદુરશાહે કેટલા અરમાનથી વસઈનો કિલ્લો બાંધ્યો હતો એ પોર્ટુગીઝને સોંપી દેવો પડ્યો.એક જ વર્ષમાં પોર્ટુગલથી ઝનૂની પાદરીઓના ટોળાં ઉતરી આવ્યા ને મોટે પાયે ધર્માંતરણ શરુ થઇ ગયું. એક અંદાજ પ્રમાણે લગભગ 10,000 લોકોનું ધર્માંતરણ કરી ખ્રિસ્તી બનાવાયા જે આજે એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખાય છે. પણ એથી મહત્વની વાત હતી કે પોર્તુગીઝને સુરત કરતાં વધુ વિકાસની તક આ વેરાન પડેલા સાત ટાપુમાં દેખાઈ ગઈ. જેની કિંમત કોઈને ક્યારેય નહોતી સમજાઈ. .
વસઈનો કિલ્લો કબ્જે કર્યા પછી એમને બાંદ્રા, માહિમ, વર્સોવાના ખાડી વિસ્તારોની આસપાસ ગોદામ બાંધવા માંડ્યા. મુંબઈ પર પરોક્ષરીતે રાજ કરવા મુકાદમ રાખ્યા જેઓ વઝદર તરીકે ઓળખાતા, વઝદર /ગઝદર .
સાથે સાથે સ્થાનિક લોકો સાથે રોટી બેટી વ્યવહાર શરુ કર્યો એટલે કે એન્ગ્લો ઇન્ડિયન પ્રજાનો વધારો. વસઈ પાટનગર હતું ને જેસ્યુટ પાદરીઓ આપણાં બાબાઓની જેમ ડેરા ખોલીને બેસી ગયા. દાદર, શીવરી ,સાયન, પરેલ, અંધેરી ને બાંદ્રા. બધે ડેરા હતા જો એની કોઈ બચી ગયેલી નિશાની જોવી હોય તો આજે પણ બાંદ્રામાં અડીખમ ઉભેલું સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ.
બોમ બિયાનો જન્મ :
આજનું મુંબઈ , કાલનું બોમ્બે અને ભૂલાયેલું બોમ બિયા. સુવર્ણકાળ ચાલી રહ્યો હતો પોર્ટુગીઝનો ,જે મુગલો હિંદુઓ પાસે જજિયાવેરો વસૂલતા તેમને પણ કોઈ માથાનું મળ્યું , મુગલ રાજવી અને મુસ્લિમ પ્રજાને હજ જવા માટેનો કર પોર્ટુગીઝને ચૂકવવો પડતો હતો. સાત ટાપુઓ બરાબર ફુલ્યાફાલ્યા હતા એટલે એનું નામકરણ થયું બૉમ બિયા , એટલે કે સારો ઉપસાગર. 138 વર્ષ સુધી પોર્ટુગીઝ રાજ કરતા રહ્યા વિના કોઈ રુકાવટ પણ હવે એની તકદીર બીજે જોડાવાની હતી. બૉમ બિયાથી હજારો માઈલ દૂર આવેલા પોર્ટુગલનો મોટો ફાળો છે આ તવારીખમાં મોડ લાવવા માટે .
સત્તરમી સદીમાં સ્પેને પોર્ટુગલને પાયમાલ કરી દીધું. યુદ્ધ ફ્રાન્સ સાથે પણ ચાલતું હતું. પોર્ટુગલે લાચારીથી ઇંગ્લેન્ડના કિંગ ચાર્લ્સ (દ્વિતીય)ની મદદ માંગવી પડી. મદદનો અર્થ થાય છે સોદો, બહાદુરશાહને મદદ કરવા સામે પોર્ટુગીઝે બોમ્બીયા વસાવી લીધું હતું ને ઇંગ્લેન્ડના કિંગ ચાર્લ્સને બદલામાં મળી પોર્ટુગલના રાજવી અલફાન્સો બ્રગેન્ઝાની દીકરી કેથરીન ને સાથે જબરદસ્ત કરિયાવર. રાજવી કુટુંબોમાં થતા લગ્ન એક પ્રકારની રાજનીતિ જ હોય છે એ તો સર્વસિદ્ધ વાત છે. આજે પણ ઇતિહાસકારો કૅથરિનને બાર્ટર્ડ બ્રાઈડ તરીકે ઉલ્લેખે છે.
![]() |
21 મે, 1664 પોર્ટુગીઝ પ્રિન્સેસ કેથરીન બ્રગેન્ઝાના લગ્ન કિંગ ચાર્લ્સ 2 સાથે, કરિયાવરમાં મળ્યાં સાત ટાપુ જે છે આજનું મુંબઈ. |
લગ્નના કરાર થયા 23 જૂન ,ઈ.સ.1661, હા બરાબર વાંચ્યું કરાર , ને લગ્ન થયા 31 મે ,ઈ.સ 1662માં. થયેલા કરાર પૈકી રાજકુમારી કેથરીન જે કરિયાવર લાવી તેમાં અપાયા હતા આ સાત ટાપુઓ પણ. પોર્ટુગીઝ પ્રિન્સેસ અને ઇંગ્લેન્ડના રાજવીના લગ્ન બે દેશો વચ્ચે એક રાજનીતિક સંધિ હતા જેમાં કેથરીન અને આ સાત ટાપુઓ વત્તા,આફ્રિકાનો એક પ્રદેશ મળ્યો.
પોર્ટુગલને મળી ઇંગ્લેન્ડની મદદ ,ઇંગ્લેન્ડને મળી જમીન ,ધન અને પ્રિન્સેસ.
આજે એ વાતો તો સહુ જાણે છે કે કરિયાવરમાં મળેલા આ ટાપુઓને ઈ.સ 1668માં કિંગ ચાર્લ્સએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને લીઝ પર આપી દીધા, વાર્ષિક લીઝ 10 પાઉન્ડ. એ વખતે અંગ્રેજોનું આગમન ઇન્ડિયામાં થઇ ચૂક્યું હતું પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હેડ ક્વાર્ટર હતું સુરત, જ્યાં મુગલ ને પોર્ટુગીઝ સાથે સતત સંઘર્ષ ચાલતો રહેતો. હવે તો પોર્ટુગીઝની કોઈ સમસ્યા નહોતી પણ સુરત બંદરનું બારું બુરાતું જતું હતું, તોતિંગ જહાજ લંગરી શકાય એવી શક્યતા રહી નહોતી .એ અંગ્રેજોને મુંબઈમાં દેખાઈ. એ પછીની કહાનીઓ પણ સર્વવિદિત છે કે જ્યાં પોર્ટુગીઝ થાણાં હતા એના કરતાં બહેતર વિકલ્પ દક્ષિણ મુંબઈમાં છે. ઊંડા બારાથી લઈને ઉંચી જમીન. નોર્થ મુંબઈ ખરેખર વસવાટને લાયક જ નહોતું લાગ્યું..
બોમ્બેને એક નવી ઓળખ મળી વિક્ટોરિયન ગોથિક મેન્શનથી લઇ પીવાના પાણીના કુવા, તળાવ , દમામદાર ઓફિસ બિલ્ડીંગ ને નવા ડોકયાર્ડ મળ્યા પણ આજે વાત થોડી જુદી છે.
બધાને જે જોઈતું હતું તે મળ્યું. પણ આ પ્રિન્સેસને શું મળ્યું.?
![]() |
એવું જરૂરી નથી કે દહેજભૂખ્યા લોકો ભારતીય જ હોય. આ બ્રિટિશ કિંગ દહેજ માટે પરણ્યો હતો. |
વિશ્વની સૌથી મહાન અને પ્રસિદ્ધ રાજકુમારીઓમાં ગણના પામતી કેથરિન ઓફ બ્રાગાન્ઝાની ઉપર બહુ થોડી માહિતી ઉપલબ્ધ છે. પ્રશ્ન એ છે કે ઇતિહાસે ચાર્લ્સ બીજાની રાણીની ઉપેક્ષા કેમ કરી ?
ઇતિહાસકાર લિન્ડા પોર્ટર માને છે કે કેથરિન ઓફ બ્રગન્ઝા સૌથી વધુ અવગણનાસ્પદ રાણીઓમાંની એક છે, જેને માત્ર તેના વ્યભિચારી પતિ દ્વારા જ નહીં, પરંતુ ઇતિહાસકારો દ્વારા પણ અવગણવામાં આવી છે. તેને ભાગે આવી એકલતા, ઉપેક્ષા અને નીરસતા. ન એને દરબારમાં સ્થાન મળ્યું ન ઇતિહાસમાં સ્થાન મળ્યું. સિવાય કે ક્યારેક સહનશીલ અને ઉદાસ રાણી તરીકેની ટિપ્પણીઓ, જેણે તેના કેથોલિક ધર્મમાં આશ્રય મેળવ્યો.
પરંતુ જો કેથરિનને નજીકથી જોવામાં આવે, તો એક ખૂબ જ અલગ સ્ત્રી બહાર આવે છે, જેણે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ બનાવવાનું નક્કી કર્યું અને ચાર્લ્સ બીજાની પ્રેમિકાઓ સામે સાંસ્કૃતિક પ્રતિસ્પર્ધી તરીકે પોતાને સ્થાપિત કરી.
તાજેતરમાં એક પુસ્તક નજરે ચઢ્યું , મિસ્ટ્રેસીઝ: સેક્સ એન્ડ સ્કેન્ડલ એટ ધ કોર્ટ ઓફ ચાર્લ્સ II , કેથરીન તો પોતે રાણી હતી , તે પણ ભારે દાયજો લઈને આવેલી, પણ એની નિયતિ એ જ હતી જે પતિના મનમાં સ્થાન ન બનાવી શકે અને ખાસ તો તે સમયમાં જયારે સંતાન ન ભેટ આપી શકનાર સ્ત્રી જાણે કોઈ હયાતીમાં જ ન હોય.
જો કે લગ્ન પૂર્વે પણ કિંગ ચાર્લ્સ પાસે તો પ્રેમિકાઓની ખોટ નહોતી. આ વાતો પણ ચર્ચિત હતી છતાં ચાર્લ્સે તેની સાથે લગ્ન કરવાનું શા માટે નક્કી કર્યું? જવાબ ખૂબ જ સરળ છે: પૈસા.
![]() |
કિંગ ચાર્લ્સ 2નું હેરમ |
ઇ.સ 1640માં, પોર્ટુગીઝ ઉમરાવોની નોંધપાત્ર સંખ્યાએ બળવો કર્યો અને જ્હોન, ડ્યુક ઓફ બ્રાગાન્ઝાને સ્વતંત્ર પોર્ટુગલના રાજા તરીકે જ્હોન IV તરીકે સિંહાસન પર બેસાડ્યો. આ કોણ ? કેથરિનના પિતા.
અતિશય અંધાધૂંધીવાળા દેશમાંથી આવનાર કૅથરિનના પિતાને લાગ્યું હશે કે આ લગ્ન થાય તો એક કાંકરે બે કાજ થાય. એક તો દીકરી મોટા ઘરે જાય. પણ સૌથી વધુ મહત્વનું પરિબળ કે બળિયો જમાઈ દ્વારા પોર્ટુગલને સુરક્ષા.
કેથરીન એક એવા દેશમાંથી આવી હતી જેણે, ઇંગ્લેન્ડની જેમ, ઘણી ઉથલપાથલ અને અનિશ્ચિતતાનો સામનો કર્યો હતો. પોર્ટુગલને સ્પેન અને ફ્રાન્સથી રક્ષણની જરૂર હતી, જે હવે લુઈ XIV અને મારિયા ટેરેસા ઓફ સ્પેનના લગ્નથી અસ્વસ્થ સાથીઓ બન્યા હતા, અને બ્રિટનને પોર્ટુગલની હજુ પણ નોંધપાત્ર સંપત્તિની જરૂર હતી.કેથરીન સૌથી મોટું દહેજ લઈને આવી. એક જ ઝાટકે, ચાર્લ્સ IIએ બોમ્બે અને આફ્રિકામાં ટેન્જિયર મેળવ્યું, તેમજ બ્રાઝિલ અને ઇસ્ટ ઇન્ડિઝમાં પ્રદેશ. તે લગ્નમાં ઉતાવળ કરવી નહોતી . લગ્ન વ્યક્તિગત સ્તરે સફળ થશે કે નહીં તે નાની બાબત હતી. બંને પક્ષો એકબીજા વિશે બહુ ઓછું જાણતા હતા અને કેથરિનના મંતવ્યો, કોઈ પણ રીતે, અપ્રસ્તુત હોત. વર્ષો પછી તેણે કહ્યું, એક ટિપ્પણીમાં જે ઘણી બાકી રહેલી કડવાશ દર્શાવે છે, કે તેને ઇંગ્લેન્ડને વેચી દેવામાં આવી હતી.
![]() |
બાર્ટર્ડ બ્રાઈડ :પ્રિન્સેસ કેથરીન બ્રગેન્ઝા ,જે પોતે માનતી હતી કે મને વેચી દેવાઈ. |
તે વખતની રાજકીય પરિસ્થિતિ જોતા એ સાચો નિર્ણય હતો પોર્ટુગીઝ માટે પણ. કેથરિનનું શું ?.સેન્ડવિચના અર્લ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવેલી, કેથરિનની ફ્લોટિલા લિસ્બનથી આતશબાજીના ઝળહળાટ સાથે રવાના થઈ. ઇંગ્લેન્ડની તોફાની સફર ઘણી જરાય આનંદદાયક હતી અને તેના નવા દેશમાં કેથરિનનું સ્વાગત દૂર હતું.
કૅથરિનને પણ નવોઢાની જેમ ઘણાં અરમાન હશે પણ ચાર્લ્સ II તેને મળવા દોડી ગયો નહીં અને તેના ભાઈ, જેમ્સ, ડ્યુક ઓફ યોર્ક,ને તેનું ઔપચારિક સ્વાગત કરવા માટે છોડી દેવામાં આવ્યું. કિંગ ચાર્લ્સે મોડા આવવાનું કારણ આપ્યું રાજકાજમાં વ્યસ્તતા. બહાનું હતું. મુખ્ય કારણ તેની ગર્ભવતી પ્રેમિકા, બાર્બરા પાલ્મર, કાઉન્ટેસ ઓફ કેસ્ટલમેન.
જે સામે હતી કેથરીન , પ્રિન્સેસ ખરી પણ નર્વસ યુવતી, જે શરદીમાંથી સાજી થઈ રહી હતી, સાથે તેની દામ્પત્ય ફરજો નિભાવવી પડે તે પહેલાં. તે એટલી મોડી રાત્રે પહોંચ્યો કે તેણે લાગ્યું કે તે રાત્રે મધુર મિલન ટાળવું શ્રેષ્ઠ રહેશે.
કિંગ ચાર્લ્સ દ્વિતીયની પહેલી પ્રતિક્રિયા એવી હતી કે આંખો સારી છે પણ તેના ચહેરામાં એવું કંઈ નથી જે કોઈને આકર્ષે . આને ખરેખર પ્રશંસા કહી શકાય ? પરંતુ તેણે સ્પષ્ટ કર્યું કે તે કોઈ સુંદરી તો કોઈ એન્ગલથી લાગતી નથી અને દેખીતી રીતે તેની પોર્ટુગીઝ હેરસ્ટાઇલને કારણે એ ચામાચીડિયા જેવી લાગે છે. આ રાજકુમારી, ભલે તે કેટલી સારી સ્વભાવની અને સરળતાથી ખુશ થતી હોય, બાર્બરા પાલ્મરની ભરાવદાર, રાતા રંગના વાળવાળી, ભાવનાત્મક જ્વાળામુખી સાથે કેવી રીતે સરખામણી કરી શકે? રાજવી પતિને પોતાનો કરી શકવાની તક ક્યારેય કૅથરિનને મળી નહીં.
શરૂઆતથી જ તેની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી દીધી હતી. આ એક ઠંડુ , ગણતરીપૂર્વકનું અપમાન હતું. કેથરિનને આ ખૂબ ઊંડે લાગ્યું. તે એટલી ભોળી નહોતી કે તેને બાર્બરા પાલ્મર વિશે ખબર ન હોય, ભલે તેને તરત જ નામ સમજાયું ન હોય જ્યારે ‘ધ લેડી’, જેમ બાર્બરા કોર્ટ વર્તુળોમાં જાણીતી હતી, તેને હેમ્પટન કોર્ટમાં તેની સમક્ષ રજૂ કરવામાં આવી. થોડી ક્ષણો પછી, જેમ જેમ ઓળખ થઈ, તે લાલ થઈ ગઈ, તેને નાકમાંથી લોહી નીકળ્યું અને તે બેહોશ થઈ ગઈ.ચાર્લ્સ IIની પ્રતિક્રિયા ગુસ્સાની હતી. તેણે કેથરિનની તકલીફને વ્યક્તિગત અપમાન તરીકે લીધી અને રાણીની સામે બાર્બરાને નિયમિત રીતે પરેડ કરવાનું શરૂ કર્યું. પત્નીના ગૌરવ ને સ્વાભિમાન કઈ રીતે ચૂર ચૂર કરી નાખવું એ ચાર્લ્સને બરાબર ખબર હતી.
સમય વીતતો રહ્યો અને રાજાની પ્રેમિકા બદલાતી ગઈ પણ કેથરીન ક્યારેય સન્માનજનક સ્થાન પામી ન શકી.
જ્યારે ફેબ્રુઆરી, 1685માં ચાર્લ્સ બીજાનું મૃત્યુ થયું, ત્યારે શિષ્ટાચાર મુજબ રાણી કેથરિન એકમાત્ર સ્ત્રી હતી જેને તેની હાજરીમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.
અંતિમ ક્ષણોમાં, એવું કહેવાય છે કે કિંગ ચાર્લ્સે પૂરી જિંદગી કેથરિનની ઉપેક્ષા કરવા બદલ આસપાસના લોકો સમક્ષ દુઃખ વ્યક્ત કર્યું હતું પણ કેથરીન નિઃશંકપણે ખુશ હતી કે તે કેથોલિક તરીકે મૃત્યુ પામ્યો, તેણે તેના પુખ્ત જીવન દરમિયાન સંભવતઃ વ્યક્તિગત રીતે પસંદ કરેલા ધર્મમાં મૃત્યુશય્યા પર ધર્માંતરણ કર્યું હતું.
કિંગ ચાર્લ્સનના મૃત્યુ પછી કેથરિન ઓફ બ્રગાન્ઝા વિધવા રાણી બની, જે ક્યારેય સરળ ભૂમિકા નથી હોતી . ત્યારે તેની ઉંમર હતી 47 વર્ષની અને યોગ્ય શોકના સમય પછી, પોર્ટુગલ પાછા જવાની આશા રાખતી હતી. સાત વર્ષ પછી પરવાનગી મળી. 30 વર્ષથી ન જોયેલા પોતાના પિયર દેશમાં પાછા ફરવાની અંતિમ પરવાનગી મળી, ત્યારે કેથરિને ફ્રાન્સ થઈને સ્થળ માર્ગે પ્રવાસ કર્યો. તેને ફ્રેન્ચ લોકોને નાપસંદ કરવાનું દરેક કારણ હતું, જો ફ્રાંસે પોર્ટુગલને ધમરોળ્યું ન હોતે તો કૅથરિનને કિંગ ચાર્લ્સ સાથે ન લગ્ન કરવા પડ્યા હોત. પરંતુ લુઈ XIVના ઉદાર વર્તનથી તે પ્રસન્ન થઈ અને જ્યારે તે જાન્યુઆરી, 1693માં લિસ્બન પહોંચી ત્યારે નાગરિકોના ઉષ્માભર્યા પ્રતિસાદથી આનંદિત થઈ.
રાણીએ પોર્ટુગલમાં 12 વર્ષ સુધી સંતોષપૂર્વક જીવન જીવ્યું, જ્યાં સુધી 1705માં, તેનો ભાઈ અશક્ત થઈ ગયો અને તેનો પુત્ર એકલા શાસન કરવા માટે ખૂબ નાનો હતો, ત્યારે કેથરિન રીજન્ટ બની. તેણે ભાગ્યે જ એક વર્ષ સુધી સક્ષમતાથી શાસન કર્યું, જ્યાં સુધી 1705ના અંતિમ દિવસે, મોડી સાંજે, તે બેમપોસ્ટામાં તેણે બનાવેલા મહેલમાં મૃત્યુ પામી.
આ ભૂલાઈ ગયેલી રાણી પર હવે વધુ વિદ્વતાપૂર્ણ સંશોધન ચાલી રહ્યું છે, જે ખૂબ આવકારદાયક છે. આનાથી કેથરિન ઓફ બ્રાગાન્ઝા અને રિસ્ટોરેશન ઇંગ્લેન્ડમાં તેની ભૂમિકા વિશેની આપણી જાણકારીમાં નોંધપાત્ર ઉમેરો થશે.
સૌથી વધુ હેરત પમાડે તેવી વાત એ છે કે ચા નું ક્લચર બ્રિટનમાં કૅથરિનને કારણે આવ્યું, વિકસ્યું અને બીજી વાત કે કટલરીમાં ફૉર્કને સ્થાન મળ્યું તેનું બિરુદ આ પોર્ટુગીઝ રાણીને જાય છે.
હવે વાત જો અને તો ની ....
જો ફ્રાંસે પોર્ટુગલને ધમરોળ્યું ન હોતે તો પોર્ટુગલની આ પ્રિન્સેસ કિંગ ચાર્લ્સને પરણી ન હોત . સ્વાભાવિક છે આપણાં મુંબઈનું ભાવિ પણ અલગ હોતે.
Comments
Post a Comment