શું ચઢે? : પ્રેમ કે સ્વતંત્રતા?




મોબાઈલ ફોન્સ, લેપટોપ, OTT પ્લેટફોર્મ નહોતા ત્યારે માણસો જીવતાં કઈ રીતે હતા એ પ્રશ્ન મને વારંવાર થાય છે. જો કે દરેક ચીજના અતિરેક્ના જે ગંભીર ખતરા હોય તેમ આ ડિજિટલ ટોક્સિન પણ જેવું તેવું નથી . છતાં, પ્રમાણસર ડોઝ મનદુરસ્તી માટે એટલું જ મહત્વનો છે. OTT પ્લેટફૉર્મે તો વર્લ્ડ સિનેમાને આપણું ઘર બતાવી દીધું છે. અંગ્રેજી તો ઠીક પણ કોરિયન, સ્પેનિશ ,જાપનીઝ જે ફિલ્મો બને છે અને તે પણ આઉટ ઓફ બોક્સ વિષય સાથે તો પછી ઘર જલસાઘર બની જ જાય ને. 

 ટાઈમ ટ્રાવેલ વિષય પસંદ હોય તો હળવાશ સાથે  ગંભીર સમસ્યાને રજુ કરતી  રોમેન્ટિક ફિલ્મ જોવી રહી,  અવર ટાઈમ્સ  (મૂળ સ્પેનિશ શીર્ષક: Nuestros tiempos) ભૂલ્યા વિના જોઈ નાખજો. એ એક મેક્સિકન  સાઇ-ફાઇ રોમેન્ટિક મુવી  છે જે ૧૧ જૂન, ૨૦૨૫ ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. 

પ્લોટ પહેલા તો ચીલાચાલુ લાગે છે. સમય છે ૧૯૬૬ નો . ડો નોરા ક્લાસમાં ભણાવી રહી છે. તે ભૌતિકશાસ્ત્રી છે , સંશોધક પણ ખરી.  ક્લાસ પત્યા પછી એક વિદ્યાર્થીની નોરાને  વિનંતી કરે છે કે મને તમારી આસિસ્ટન્ટ બનાવો. નોરા ચાહે છે કે આ હોનહાર છોકરીને તે પોતાની સહાયક બનાવે પણ તે એના હાથમાં નથી. બીજી તરફ ડો નોરાના પતિ હેક્ટર પણ ભૌતિકશાસ્ત્રી છે. ફિઝિસીસ્ટ દંપતી બંને ભેગા થઈને એક પ્રોજેક્ટ પર કામ કરે છે. પ્રોજેક્ટ છે ટાઈમ મશીન બનાવવાનો. ઘણાં સમયથી આ પ્રોજેક્ટ ચાલતો હતો પણ હવે યુનિવર્સીટી તેમાં કોઈ પ્રગતિ ન જણાતાં  બંધ કરવાનું કહે છે. તે માટે પતિપત્ની બંને પરેશાન છે પણ નોરાને એક તુક્કો સૂઝે છે.  મધરાતે પોતાની વર્કશોપ પર પહોંચીને નવી થિયરી અજમાવવા માંગે છે. 

જે માટે ટાઈમ મશીનમાં માત્ર 15 મિનિટ ભવિષ્યમાં જવા માટે સેટ કરે છે. તેમના અચરજ વચ્ચે મશીન ચાલુ થઇ જાય છે ,જયારે અટકે છે ત્યારે જુએ છે કે 15 મિનિટ નહીં તેઓ સીધા 2025માં પહોંચી ગયા છે. જુએ છે મશીન વર્કશોપમાં હતું તેને બદલે ખુલ્લી જગ્યામાં રેલ્વેટ્રેક પાસે છે. ૧૫ મિનિટ માટેનું  પ્રથમ પરીક્ષણ  તેમને ૫૯ વર્ષ આગળ ધકેલી દે છે, અને તેઓ ૨૦૨૫ ના મેક્સિકો સિટીમાં પહોંચી જાય છે. પોતાની યુનિવર્સિટીથી થોડાં અંતરે, પણ આ યાત્રામાં  મશીનનો એક પાર્ટ લગભગ બળી ગયો છે જે રિપ્લેસ ન થાય તો પાછા ફરવું શક્ય જ નથી. એ પાર્ટ મેળવવા યુનિવર્સિટી જઈને કોઈ મદદ માંગવી રહી. હવે તેમને ગમે તે રીતે યુનિવર્સિટી સુધી પહોંચવું છે. તેમની પાસે આઈડી કાર્ડ સિવાય કોઈ ચીજ નથી. યુનિવર્સિટીમાં પ્રવેશ કરતાંવેંત ગાર્ડ પકડે છે અને યુનિવર્સિટીના ડીન પાસે લઇ જાય છે. 

નોરા અને હેકટરને સમસ્યા એ છે કે કોઈ કઈ રીતે માની શકે કે તે લોકો 1966ના સમયમાં જીવે છે, ત્યાંથી ,આજે સીધા 2025માં આવી પહોંચ્યા છે!! 

વૃદ્ધ ડીન આવે છે અને કહે છે કે મને ખાતરી હતી કે ડો. નોરા એક દિવસ તમે જરૂર આવશો. 
નોરાને નવાઈ લાગે છે કે પોતાને જાણે તેવી કોઈ વ્યક્તિ અહીં  કેવી રીતે હોય શકે ?
ખબર પડે છે આ એ છોકરી છે જેને ડો નોરાના આસિસ્ટન્ટ બનવું હતું. જે હવે વૃદ્ધ થઈ ચૂકી છે એટલું જ નહીં ડીન છે. 
 
અને હવે આવે છે પલટો, 2025ની દુનિયા  તેમને માટે અમ્યુઝમેન્ટ પાર્ક  છે. ડિજિટલ યુગ છે જે હેરત પમાડી દે છે. મોબાઈલ ફોનથી પ્રભાવિત થાય છે. ડીન તેમને રહેવાની સગવડ કરી આપે છે. પાર્ટ મળે ત્યારે પાછા જવાનું છે એ બરાબર પણ ત્યાં સુધી વર્તમાન દુનિયા, તેના આવિષ્કાર, ગેજેટ્સ અને સૌથી મોટી નવાઈ પમાડે તેવું તત્વ છે વિમેન લિબરેશન. 

આધુનિક જીવન સાથે  નોરા ઝડપથી અનુકૂલન સાધે છે - સ્માર્ટફોન, ફ્લેવર્ડ કોન્ડોમ, પબ્લિક ટ્રાન્સપોર્ટ  અને સામાજિક પ્રગતિની શક્તિ શોધે છે. તેમાં સૌથી હેરત પમાડે તેવો દિવસ છે 8 માર્ચ , વિમેન્સ ડે  - હવે સમસ્યા થાય છે. નોરા આ બદલાયેલાં પરિવેશને માણવા લાગે છે અને જ્યારે હેક્ટર એવા યુગમાં ખોવાયેલો અનુભવે છે જે તેના પિતૃસત્તાક વિશ્વ દૃષ્ટિકોણને અનુકૂળ નથી.
એવું હરગીજ નથી કે પતિ પત્નીમાં પ્રેમ નથી. હેક્ટર પ્રેમાળ પતિ છે એને કદી નોરાની સ્વતંત્રતા ઝૂંટવી લીધી હોય તેમ પણ નથી. અલબત્ત, ટાઈમ મશીનની થિયરી તો તેનો છે જેમાં નોરાએ યોગદાન આપ્યું છે. પણ સ્ત્રી સ્વતંત્રતાની ડિમડિમને એ જાણવામાં પણ રસ નથી. સ્ત્રી એટલે સ્ત્રી, એ જ મુખ્ય હોવી જોઈએ એ માનસિકતા સામે તેને વાંધો છે. 

નોરા માટે આ દુનિયા નવી પણ છે, રોમાંચક પણ ખરી. વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે ખીલે છે જે  વાતાવરણ બુદ્ધિને વ્યક્તિત્વને આગવી ઓળખને મહત્વ આપે છે. એનો હેક્ટર પ્રત્યે પ્રેમ ઓછો નથી પણ પરંપરાગત પુરૂષપ્રધાન યુગ નું અવમૂલ્યનથી હેક્ટર નારાજ છે તેનાથી વ્યથિત છે. સાચી સમાનતાને ટેકો આપવા અને જૂની પરંપરાને વળગી રહેવા બંને વચ્ચે વિવાદ સર્જાય છે, જે તેમને નવા સામાજિક ધોરણો હેઠળ તેમના લગ્નનું પુન:મૂલ્યાંકન કરવા દબાણ કરે છે. 

આખરે હેકટર કહે છે કે આ અબ લૌટ ચલે...

હવે નોરા શું કરે ? 
એક બાજુ છે પ્રેમ અને બીજી બાજુ છે સ્વતંત્રતા. 

ટાઈમ પોર્ટલ બંધ થવાને ઘડીઓ ગણાય છે, જો અત્યારે નિર્ણય ન લીધો તો આ સમયમાં એટલે કે 2025 માં અટકી પડશે તે નિશ્ચિત છે. જ્યારે વર્ષો પછી વર્મ હોલ ખુલે ત્યારે પરત ફરવાનો મેળ બેસે. અહીં રહેવું કે પરત ફરવું એ નિર્ણય તત્કાળ લેવાનો છે 

અને હવે નોરા શું નિર્ણય લેશે તે જોવા પણ ફિલ્મ જોવી પડે.


 ફિલ્મ નારીહૃદયમાં એક સ્થાને રહેલા પ્રેમ અને સ્વતંત્રતા વચ્ચેના તણાવની તુલના  કરે છે, નોરા સ્ત્રીજાગૃતિની ઉજવણી કરે છે. નારીવાદ, સશક્તિકરણ અને  ભવિષ્ય જેવા વિષયો માણે છે - જે આજની વાસ્તવિક-વિશ્વને પ્રતિબિંબિત કરે છે.


સાઈ-ફાઇ દ્વારા સામાજિક ચેતના વિશેની વાત છે , પરંતુ તે અને સ્ત્રી અને પુરુષ માનતાના મુદ્દા ને  સંબોધે છે. ૨૦૨૫ માં હેક્ટરની અસ્વસ્થતા બદલાતા સમયમાં પુરૂષના કચડાતાં અધિકાર કશ્મકશ ઉજાગર કરે છે. જેમ કે 
8મી માર્ચે આવતા મહિલા દિન વિશે સાંભળીને એ પૂછે છે કે પુરુષ દિન પણ આવતો હશે ને.. 

અવર ટાઈમ્સ એ સમય-યાત્રાના ટ્વિસ્ટ સાથેની એક ફીલ-ગુડ મેક્સિકન રોમ-સાઈ ફાઈ છે, વિચારશીલ, રમૂજથી ભરેલી,  હૃદયસ્પર્શી મુખ્ય ભૂમિકા દ્વારા આધારભૂત. તે આપણને યાદ અપાવે છે કે સમાજ કેટલો દૂર આવ્યો છે (અને  હજુ કેટલી દૂર જવાનું છે), આ બધું એક નોસ્ટાલ્જિક સાય-ફાઇ સાહસમાં વીંટળાયેલું છે. માત્ર ૯૦ મિનિટમાં, તે એક સંક્ષિપ્ત છતાં અર્થસભર વાત  રજૂ કરે છે - વિચારશીલ સ્ટ્રીમિંગ બ્રેક માટે યોગ્ય.

જો તમને એવી વાર્તાઓ ગમતી હોય જે  હ્રદય સુધી પહોંચતી હોય સાથે મનોરંજક હોય અને છેલ્લે સુધી જકડી રાખે તેવી પણ તો આ એક આનંદદાયક ડ્રાઈવ  છે.


Comments

Popular posts from this blog

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...