કેરનની મુલાકાત પછી અમારે જવાનું હતું શારદા પીઠ. જે કુપવાડા જિલ્લાના ટીટવાલ ગામમાં છે. થોડા વર્ષો પૂર્વે બનેલ નવી બનેલી શક્તિપીઠની પ્રતિકૃતિ, જે નિયંત્રણ રેખા પાસે છે.
 |
દૈદીપ્યમાન મા સરસ્વતી શારદા ...નમસ્તે શારદે દેવી કાશ્મીરીપુર વાસિની
|
મૂળ ઐતિહાસિક શારદા પીઠ તો આઝાદ કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદથી આશરે 150 કિલોમીટર અને કાશ્મીરની રાજધાની શ્રીનગરથી 130 કિલોમીટર દૂર છે . નિયંત્રણ રેખા જે પાકિસ્તાન- અને ભારતીય-નિયંત્રિત વિસ્તારોને વિભાજિત કરે છે ત્યાં દરિયાઈ સપાટીથી 6,499 ફૂટ ઊંચાઈએ આ શારદાપીઠ છે. જેને કાશ્મીરી પંડિતો શારદા ગામમાં નીલમ નદીના કાંઠે, હરમુખ પર્વતની ખીણમાં આવેલું શિવનું નિવાસસ્થાન માને છે. સ્થાનિક લોકો દાવો કરે છે કે આ પીઠમાં દેવી શારદાની ત્રણ અલગ-અલગ શક્તિઓનો સમન્વય છે. પ્રથમ શારદા (શિક્ષણની દેવી), બીજી સરસ્વતી (જ્ઞાનની દેવી) અને ત્રીજી વાગ્દેવી (વાણીની દેવી) છે.
એક હિન્દુ માટે કે પછી કાશ્મીરી પંડિત માટે નવી શારદા પીઠનું મહત્વ જેવું તેવું નથી તો વિચારવાનું એ રહે કે મૂળ શારદાપીઠ કેવી હશે? તે ટીટવાલ ગામની બરાબર સામે નીલમ ખીણમાં સ્થિત છે. શારદા પીઠને હિંદુ દેવી સરસ્વતીનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને તે અઢાર મહા શક્તિપીઠોમાંથી એક છે. ટીટવાલ ગામમાં આવેલા નવનિર્માણ થયેલા શારદા મંદિરમાં ભાવિકો જઈ શકે છે. જેનું ઉદ્ઘાટન માર્ચ 2023માં હોમ મિનિસ્ટર અમિત શાહે કર્યું હતું.
 |
POK માં આવેલી મૂળ શારદાપીઠ ,અત્યારે પણ આ જ હાલતમાં છે. |
 |
માર્ચ 23માં ખુલ્લી મુકાયેલી શારદાપીઠ |
આ શક્તિપીઠ જવા માટે પણ લશ્કરી પરમિશન જરૂરી છે. એ ઉપરાંત સ્થાનિક પોલીસતંત્ર પાસે પણ પરમિશન લેવી પડે. અમારી પાસે તમામ પરમિશન હોવા છતાં અમારે તંગધાર પોલીસ સ્ટેશન પર ખાસ્સો સમય પર મગજમારી કરવી પડી હતી. આખરે અમે પહોંચ્યા એ મંદિરે જ્યાં જવાની ઉત્કંઠા જ્યારથી ન્યૂઝ વાંચ્યા ત્યારથી હતી. ભારતીય નાગરિકો મૂળ મંદિરની મુલાકાત લઇ શકતા નથી, પરંતુ તે માટે નિરાશ થવાની જરૂર નથી. જેમ પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ માટે પેસેજ અપાયો છે તે રીતે શારદા પીઠ માટેના પ્રયત્નો ચાલુ હોવાનું મંદિર માટે અગ્રણી ભૂમિકા નિભાવતા રવીન્દ્ર પંડિતાએ અમને જણાવ્યું હતું.
એક ઐતિહાસિક ઉલ્લેખ ટાંકીને કહેવાય છે તે પ્રમાણે શારદા પીઠની સ્થાપના 237 BC માં થઈ હતી. સમ્રાટ અશોકના શાસન દરમિયાન (જો કે આ થિયરી મનઘડંત એટલે લાગે છે કારણકે આપણે જાણીએ છીએ તેમ અશોક તો બૌદ્ધમાર્ગી થઇ ગયા હતા અને તેમની પાછળની પેઢી તેને અનુસરી હતી, તે કોઈ હિન્દૂ મંદિર નિર્માણ કરે હાસ્યાસ્પદ વાત લાગે છે.)
અન્ય એક થિયરી પ્રમાણે કહે છે કે રાજા લલિતાદિત્યએ બૌદ્ધ ધર્મના રાજકીય અને ધાર્મિક પ્રભાવને મર્યાદિત કરવા માટે મંદિરનું નિર્માણ /જીર્ણોદ્ધાર કર્યો હતો. શારદાપીઠ એ દેવી શ્રી સરસ્વતીનું પ્રાચીન મંદિર છે. 2,400 વર્ષથી વધુ જૂનું મનાય છે, તો એ ન્યાયે લલિતાદિત્ય પૂર્વે પણ અસ્તિત્વમાં હોવું રહ્યું. શક્તિની આરાધના કરતા શક્તિ સંપ્રદાયનું તે પ્રથમ તીર્થસ્થાન છે. આ મંદિરથી જ દેવીની પૂજા શરૂ થઈ હતી તેવો મત છે. આ પછી શ્રી વૈષ્ણોદેવી અને ખીર ભવાની મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું.
શારદા પીઠ એક સમયે વૈદિક કાર્યો, શાસ્ત્રો અને ભાષ્યો માટે ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. તેને નાલંદા અને તક્ષશિલાની સમકક્ષ માનવામાં આવતું હતું, જે અન્ય પ્રાચીન શિક્ષણકેન્દ્રો રહ્યા હતા.
એક થિયરી એવી પણ છે કે શારદા પીઠ એ ભારતીય ઉપખંડમાં વૈદિક યુગથી 8મી સદી સુધી શિક્ષણ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર રહ્યું હતું. તે 5,000 થી વધુ વિદ્વાનોનું ઘર હતું અને તેના સમયનું સૌથી મોટું પુસ્તકાલય હતું. હિંદુ અને બૌદ્ધ સ્થળોને નિશાન બનાવનાર સિકંદર શાહ મીરી જેને માર્તન્ડ મંદિર તોડ્યું તેને શારદાપીઠ પણ ધ્વંસ કરી હતી. એટલા માટે એને ઇતિહાસ તેને બૂતશિકન
(મૂર્તિભંજક) નામે ઓળખે છે. મંદિર હુમલા પછી પણ નામશેષ થયું નહોતું .1947માં ભારતના ભાગલા પછી કબાલીઓ અને પાકિસ્તાની સૈનિકોના આક્રમણ અને હિંસા દરમિયાન શારદા યાત્રા મંદિરને સંપૂર્ણપણે બાળી નાખવામાં આવ્યું હતું. અલબત્ત, તે સમયે ત્યાં શારદાની મૂર્તિ હતી જ નહીં. મૂળ શારદાની કાષ્ઠ પ્રતિમા શંકરાચાર્યજી પોતાની કાશ્મીર યાત્રા દરમિયાન શૃંગેરી લેતા ગયા હોવાનું મનાય છે. મંદિર ત્યજી દેવાયું અને તીર્થસ્થાન ખોવાઈ ગયું. બાકીનું કામ કુદરતે કર્યું. 2005ના કાશ્મીર ભૂકંપે મંદિરને વધુ નષ્ટ કર્યું હતું. મહાશક્તિ પીઠમાંના એક સ્થાન તરીકે તરીકે, હિન્દુઓ માને છે કે તે દેવી સતીનો જમણો હાથ ત્યાં પડ્યો હતો તે મંદિર ખંડેર થઈ ગયું.શારદા પીઠ માર્તંડ સૂર્ય મંદિર અને અમરનાથ મંદિરની સાથે કાશ્મીરી પંડિતો માટે ત્રણ પવિત્ર યાત્રાધામોમાંનું એક છે.
 |
સંક્ષિપ્ત ઇતિહાસ મંદિરમાં મુકાયો છે |
વિશ્વપ્રવાસી અલ-બિરુનીએ શારદાની કાષ્ટ પ્રતિમા ધરાવતા પ્રભાવી મંદિર તરીકે આ સ્થળને પ્રથમ વખત નોંધ્યું હતું - જો કે, બિરુનીએ ક્યારેય કાશ્મીરમાં પ્રવેશ કર્યો ન હતો તેવું ઇતિહાસની નોંધ પૂરવાર કરે છે એટલે આ મંદિર વિષે તેને લખેલા વર્ણનો અવલોકન નહીં બલ્કે સાંભળેલી વાતો પર આધારિત હશે તેમ મનાય છે. શિક્ષણના કેન્દ્ર તરીકે શારદાપીઠનો ઉલ્લેખ વિવિધ ઈતિહાસકારો દ્વારા કરવામાં આવે છે, જેમાં પ્રાચીન ભારતમાં તેની પૌરાણિક સ્થિતિ અને મહત્વની વિગતો આપવામાં આવી છે. તેનો ઐતિહાસિક વિકાસ વિવિધ ઐતિહાસિક સ્ત્રોતો દ્વારા તેના સંદર્ભો દ્વારા શોધી શકાય છે. એક ઉલ્લેખ એવો પણ મળે છે કે શારદા લિપિ કાશ્મીરમાં ઉદ્ભવી ન હતી, છતાં શારદા પીઠમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી હતી. આનાથી લોકપ્રિય માન્યતા પોષાઈ છે કે લિપિ કાશ્મીરમાં વિકસાવવામાં આવી હતી.
કેટલાક ડાબેરી ઈતિહાસકારોની મત એવો રહ્યો છે કે શારદા પીઠ ક્યારેય શિક્ષણનું કેન્દ્ર નહોતી, આ દલીલનો છેદ ઉડાડતી દલીલ એ પણ છે કે એક જમાનામાં શિક્ષણના એક વિશિષ્ટ કેન્દ્ર તરીકે શારદા પીઠ પ્રખ્યાત હતી. તેની પ્રતિષ્ઠાએ એવી હતી કે આજના ગ્રીસ, મેસોપોટેમિયા, મધ્ય એશિયા, તિબેટ અને ચીન સહિત વિશ્વભરના વિદ્યાર્થીઓ આકર્ષાઈને ભણવા આવતા હતા. અલબત્ત, આજના સમયમાં, કથિત શૈક્ષણિક સ્થળના કોઈ મોટા અવશેષો નથી. તેના પ્રત્યુત્તરમાં દલીલ એવી થાય છે કે આ આખી ભૂમિ એટલે કે જ્યાં શારદા પીઠ હતી તે ધરતીકંપની સંભાવના ધરાવતી હતી અને ત્યાં વારંવાર ધરતીકંપ આવ્યા હોવા જોઈએ . જેથી મંદિર જીર્ણશીર્ણ અવસ્થામાં આવી ગયું અને ભાંગી પડેલી, ત્યજી દેવાયેલી યુનિવર્સિટીના કાટમાળનો ઉપયોગ નજીક વસ્તી અભણ વિધર્મી પ્રજા દ્વારા અન્ય બાંધકામ માટે કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.
મંદિર તરીકે 8મી સદી સુધીમાં, મંદિર એક તીર્થસ્થાન બની ગયું હતું, જે બંગાળ (આજના) સુધીના ભક્તોને આકર્ષતું હતું. 11મી સદી સુધીમાં, તે ભારતીય ઉપખંડમાં સૌથી વધુ આદરણીય સ્થાનો પૈકીનું એક હતું, જેનું વર્ણન અલ-બિરુનીના ભારતના ઇતિહાસમાં કરવામાં આવ્યું છે. નોંધપાત્ર રીતે, તે તેમના કાશ્મીરના વર્ણનમાં દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ ભારતીય ઉપખંડના સૌથી પ્રસિદ્ધ હિંદુ મંદિરોની યાદીમાં, મુલતાન (માર્તન્ડ )સૂર્ય મંદિર (કાશ્મીર), સ્થાનેશ્વર મહાદેવ મંદિર (કુરુક્ષેત્ર, હરિયાણા) અને સોમનાથ મંદિર (ગુજરાત)ની સાથે તુલના કરવામાં આવી છે. 16મી સદીમાં, મુગલ બાદશાહ અકબરના નવરત્ન પૈકી એક એવા અક્બરનામાના લેખક અબુલ-ફઝલે શારદા પીઠને 'પથ્થરનું મંદિર..અતિ પૂજનીય' તરીકે વર્ણવ્યું છે. મંદિરમાં ચમત્કારો અંગેની લોકપ્રિય માન્યતાનું પણ વર્ણન કર્યું છે.
આ ઉપરાંત ઘણી બધી દંતકથાઓ પણ મંદિર સાથે જોડાયેલી છે જેમ કે આ મંદિરનું અસ્તિત્વ વેદિક કાળથી હતું. શાંડિલ્યએ દેવી શારદાને ખૂબ જ ભક્તિભાવ સાથે પ્રાર્થના કરી હતી, અને જ્યારે દેવીએ તેમને દર્શન તેમને પોતાનું દૈવી સ્વરૂપ બતાવવાનું વચન આપ્યું ને જ્યારે તે નીલમ નદી પર પહોંચીંને સ્નાન કર્યું અને જોયું કે તેનું અડધું શરીર સોનાનું થઈ ગયું હતું. આખરે, દેવીએ પોતાની જાતને શારદા, સરસ્વતી અને વાગ્દેવીના ત્રિવિધ સ્વરૂપમાં તેમની સમક્ષ પ્રગટ કરી અને તેમને પોતાના ધામમાં આમંત્રણ આપ્યું. જ્યારે તે ધાર્મિક વિધિની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમણે મહાસિંધુ પાસેથી પાણી ખેંચ્યું. જેમાનું અડધું પાણી મધમાં રૂપાંતરિત થયું અને એક પ્રવાહ બની ગયું, જે હવે મધુમતી પ્રવાહ તરીકે ઓળખાય છે.
સમય સાથે આ સ્થાન ઘણી રસપ્રદ કથાઓ અને દંતકથાઓનો વિષય બની ગયું છે. થોડી ભારે વિચિત્ર છે તેથી તે નિરાધાર અથવા સંપૂર્ણપણે અવિશ્વસનીય લાગે છે. તેમ છતાં, મુલાકાત લેનારાઓને મોહિત તો કરે જ છે. અહીં શારદા પીઠના રહસ્યમાં વણાયેલી કેટલીક મનમોહક વાર્તાઓ છે.
એક માન્યતા અનુસાર, શારદા પીઠની નજીક આવેલી નદી (કિશનગંગા) શ્રાપિત છે અને જે કોઈ તેને પાર કરવાનો પ્રયાસ કરશે તેને ભયંકર પરિણામોનો સામનો કરવો પડશે. કેટલાક લોકો માને છે કે નદીમાં દુષ્ટ આત્માઓ વસે છે જે શંકાસ્પદ પ્રવાસીઓને પાણીની અંદર ખેંચી જશે. એક લોકપ્રિય દંતકથા છે કે મંદિરની નજીકનો એક મોટો ખડક દિવસના ચોક્કસ સમયે હવામાં તરતો રહે છે. ભક્તો માને છે કે શિલાને સ્પર્શ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે.
બીજી દંતકથા એવી છે કે પાંડવો તેમના વનવાસ દરમિયાન મંદિરની મુલાકાતે આવ્યા હતા અને મંદિરના પૂજારીઓએ તેમને પ્રવેશ નકાર્યો હતો. ગુસ્સામાં, પાંડવોએ મંદિરને શ્રાપ આપ્યો, જેના કારણે તેનું પતન થયું. એવું પણ કહેવાય છે કે સરસ્વતીની મૂર્તિ એક ચોર દ્વારા મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી, જેણે પાછળથી તેને તેના સપનામાં દેવીએ પરચો આપ્યા પછી પરત કરી હતી.એ જ રીતે, કેટલાક માને છે કે પ્રહલાદ નામના રાજાએ તેમની પૂજા અર્ચનાનો ઇનકાર કર્યા પછી દેવી સરસ્વતીએ મંદિરને શ્રાપ આપ્યો હતો. શ્રાપના પરિણામે, મંદિર ત્યજી દેવામાં આવ્યું હતું અને ખંડેરમાં પરિણમ્યું હતું.
આ બધી દંતકથાઓ છે. હકીકત એ છે કે આ મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર જામવાલ રાજાએ કરાવ્યો હતો.
મૂળ શક્તિપીઠના દર્શન તો જયારે મળે ત્યારે પણ અત્યારે ભારતીય સીમામાં જે શારદા મંદિર બન્યું છે નાનું છે પણ દર્શનીય છે. અમારું ગ્રુપ ત્યાં પહોંચ્યું ત્યારે અમને ત્યાં મળી ગયા રવીન્દ્ર પંડિતા નામના કાશ્મીરી પંડિત જેમને સેવ શારદા કમિટી કાશ્મીરનું ગઠન કર્યું છે. તેઓ સ્થાપક અને સંચાલક છે. નામાંકિત લેખક રાહુલ પંડિતાના કુટુંબી. હવે ચંડીગઢમાં સ્થાયી થયા છે પણ હિજરતનો સમય ભૂલ્યા નથી. તેમની પાસે શારદા પીઠની ઇતિહાસ છે. પહેલા તો તેમને પ્રયાસ કર્યા કે ભારતીય નાગરિકોને પાકિસ્તાનમાં રહેલ શારદાપીઠની મુલાકાત જવા વિઝા મળે.
 |
જાવું જરૂર છે, મંઝિલ છો દૂર છે.... |
અમે જયારે શારદા પીઠ પહોંચ્યા ત્યારે ભરબપોર હતી. તડકો દઝાડી નાખે તેવો હતો. રસ્તાનું કામ ચાલી રહ્યું હોવાથી અમારે વાહન 2 કિલોમીટર દૂર છોડી દેવા પડ્યા. મંદિર પહોંચતાં તો પરસેવે રેબઝેબ થઇ ગયા પણ મંદિર જોઈને મનમાં અનુપમ શીતળતા વ્યાપી રહી.
ત્યાં ખાસ કોઈ યાત્રાળુઓ હોતા નથી. અમે પહોંચ્યા તેના બે દિવસ પૂર્વે કોઈ ઉત્સવ ઉજવાઈ ગયો હતો તેથી પણ મંદિરમાં શાંતિપૂર્ણ વાતાવરણ હતું. સેવ શારદા સંસ્થાનના રવીન્દ્ર પંડિતાએ અમને આવકાર્યા હતા.
હવે તો મંદિર પાસે જ લક્ઝુરિયસ કહેવાય તેવા નાનાં દસેક કોટેજીસ બની ગયા છે. જેથી ત્યાં બેત્રણ દિવસનો સ્ટે કરવો હોય તે રહી શકે છે.
અમે તો શાંતિથી ભાવપૂર્વક દર્શન કર્યા, બાજુમાં આવેલી નાની પરસાળમાં બેસીને ભવાની અષ્ટકમનો પાઠ કર્યો.
પંડિતાજીએ ઠંડા પીણાં પાઈને અમારી સારી આગતાસ્વાગતા કરી. તેમની પાસે તો વાત તો ખજાનો હતો પણ અમારી પાસે સમય ઓછો હતો. અમારે ફરી પાછા રેશવારી જવાનું હતું.
પરંતુ તેમની સાથેની વાતચીતમાં એટલું તો સમજાયું કે મૂળ શારદા પીઠની યાત્રા ખુલી શકે છે તે માટે પ્રયત્નો હજી ચાલુ જ છે. પણ એ પ્રયાસો રાજકીય પક્ષોની સાઠમારીમાં નિશાન ચૂકી જાય છે. તે ઉપરાંત સમસ્યા ઘણી છે.
દાખલા તરીકે, આ પ્રદેશમાં કેટલાક લોકો શારદા પીઠ કોરિડોરના ઉદ્ઘાટનને સમર્થન આપે છે, તેને સંભવિત વિશ્વાસ નિર્માણ, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપર્ક અને ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો માર્ગ ગણાવે છે. અન્ય લોકો માને છે કે શારદા પીઠ મંદિર કાશ્મીરી હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે અને તેને ફરીથી ખોલવાથી આ પ્રદેશનો સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો જળવાઈ રહેશે.
તે સાથે કેટલાક લોકો ક્ષેત્રની વિવાદિત પ્રકૃતિ અને પડોશી દુશ્મન ફોર્સ દ્વારા સંભવિત ઘૂસણખોરીને ધ્યાનમાં રાખીને કોરિડોર ખોલવાના સુરક્ષા અસરો અંગે ચિંતા વ્યક્ત કરે છે. એવી પણ આશંકા છે કે શારદા પીઠ કોરિડોરનો પ્રસ્તાવિત માર્ગ વન્યજીવ અભયારણ્યો સહિત પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થાય છે અને આસપાસના પર્યાવરણ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.
કેટલાક ટીકાકારોને ડર એ પણ છે કે જો આ કોરિડોર બને તો ભાજપ ફરી એકવાર કપ જીતી જાય.
શારદા પીઠ કોરિડોર ઉપરાંત, કાશ્મીરી મુસ્લિમો માટે હઝરતબલ, ચરાર-એ-શરીફ, ખાનકાહ-એ-મૌલા અને ભારત-અધિકૃત કાશ્મીરમાં અન્ય આદરણીય સ્થળોની મુલાકાત લેવા માટે પારસ્પરિક વિઝા-મુક્ત મુસાફરી માટે બોલાવવામાં આવે છે. પ્રદેશની બંને બાજુના લોકોના લાભ માટે ક્રોસ-એલઓસી વેપાર અને વાણિજ્યમાં સુધારો કરવાની માંગ પણ છે.
ચર્ચા વિચારણા દલીલબાજી અને રાજકીય માઈલેજ વિષે ગરમાટો આપણે ત્યાં જ છે એવું નથી. પાકિસ્તાનની મૂંઝવણ પણ ઓછી નથી.
શારદા પીઠ કોરિડોર ખોલવાની દરખાસ્તે ત્યાં પણ ભારે ચર્ચા જગાવી હતી. વિવાદ પણ ઉભો કર્યો હતો. શારદા પીઠ મંદિરમાં હિંદુ તીર્થયાત્રાની સુવિધા આપવા પાકિસ્તાનની વારંવારની ઈચ્છા હોવા છતાં, કોરિડોર ખોલવાની વ્યવહારિકતા અને સુરક્ષા અંગેની ચિંતાઓને કારણે વાત આગળ વધતી નથી.
નોંધનીય છે કે પાકિસ્તાન પહેલાથી જ શીખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કોરિડોર જેવા ધાર્મિક પર્યટન માટે કોરિડોર ખોલી ચૂક્યું છે. જો કે, કાશ્મીરની સ્થિતિ પંજાબ કરતા સ્પષ્ટપણે અલગ છે, અને શારદા પીઠ કોરિડોરના ઉદઘાટનની આસપાસના સંજોગોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવા જોઈએ.
અત્યારે તો આ મુદ્દે કોઈ લીલી ઝંડી મળે તેવી શક્યતા દેખાતી તો નથી.
જલ્દીથી POK માં આવેલી શારદાપીઠના દર્શનનો લાભ મળે તેવી કામના કરીને અમે વેનમાં ગોઠવાયા.
ગરમી , મુસાફરી અને ચાલવાને કારણે થાકથી આંખો ઘેરાઈ રહી હતી. આજની રાત રેશાવારીમાં છેલ્લી રાત હતી.
હવે જવાનું હતું ગુરેઝ...
બકેટ લિસ્ટમાં સૌથી ઉપર હતું તે ગુરેઝ.
ક્રમશ:
👌👍🌺
ReplyDelete