....ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર લો ..



હિમાચ્છાદિત શિખર, નિર્મળ પાણી , બર્ફીલા પવન અને મહેકતી વનરાજી મંત્રમુગ્ધ કરી દે તેવી ગુરેઝ વેલી 

અમારું છેલ્લું ડેસ્ટિનેશન હતું ગુરેઝ વેલી. 
આ એવી જગ્યા છે જે કાશ્મીર જતાં મોટાભાગના ટુરિસ્ટની નજર બહાર છે. 
વર્ષોથી આ જગ્યા વિષે ઘણું બધું સાંભળ્યું હતું ત્યાં ખરેખર જવાનું છે તે વાત જ પહેલા તો માનવામાં ન આવી. તેના કારણ હતા. આ ગુરેઝ વિષે ઘણી રોચક કહાણીઓ 96ની વિઝીટ વખતે સાંભળી હતી. ત્યારે બકેટ લિસ્ટ જેવો અભિગમ અસ્તિત્વમાં નહોતો છતાં ત્યારથી મનના  કોઈ ખૂણે આ નામ ધરબાઈ રહ્યું હતું. ગુરેઝ વેલી પ્રદેશ એટલે આધુનિક દુનિયાની અંધાધૂંધીથી અલાયદું, અસ્પૃશ્ય એવું મંત્રમુગ્ધ કરી નાખે તેવું સ્વર્ગ, જે  હિમાલયના હિમાચ્છાદિત શિખરોથી ઘેરાઈને કિશનગંગા નદીના બર્ફીલા પાણીથી જીવંત, અદ્ભૂત લેન્ડસ્કેપ્સ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. ખીણના લીલાછમ ઘાસના મેદાનો, પ્રાચીન કિલ્લાઓ અને મોહક ગામડાઓ જુઓ તો તમને લાગે કે તમે ટાઈમ ટ્રાવેલ કરીને એવા યુગમાં પહોંચી ગયા છો જયારે પૃથ્વી અને સ્વર્ગ એકસમાન હતા. આવું વર્ણન જયારે સાંભળ્યું હતું ત્યારે અહીં જવા માટે કોઈ સ્કોપ નહોતો કારણકે નિયંત્રણ રેખાની ખૂબ  નજીક આવેલું આ સ્થાન ભારત સરકારે ટુરિસ્ટ માટે ખોલ્યું નહોતું  ને અહીં ત્રાસવાદ એવો હતો નહીં કે રિપોર્ટિંગ કરવા કોઈ પત્રકારને મંજૂરી મળે. છેક 2007માં ટુરિસ્ટ માટે ઓપન કરાયું. હજી આજે પણ ત્યાં જવા માટે આર્મીની પરમિશન અગાઉથી લેવી પડે છે. જે મગજમારીનું કામ હોવાથી ટ્રાવેલ એજન્ટ આ વિકલ્પ ઓફર કરતાં પણ નથી. બીજી વાત એ પણ મહત્વની કે કોઈ કુદરતપ્રેમીને જ આ જગ્યા ગમે બાકી તફરી કરવા જનાર કે શોપિંગ કરવા જનારને સહેજે રસ ન પડે તેમ પણ બને. 

અમારે રેશવારી છોડીને હવે ત્યાં જવાનું હતું.  કુપવાડાના નૌતુસા ગામથી જવાનું હતું ગુરેઝ.અંતર હતું 131 કિલોમીટર. ગૂગલ મેપ તો બતાવતું હતું  સાડા ત્રણ કલાક પણ આપણે પહેલા જાણી લીધું તેમ કાશ્મીરમાં અંતરને સમય સાથે ઝાઝી નિસ્બત નથી. અમે શરુ તો થયા એક નિરાંત સાથે કે હવે ત્રણ દિવસ ગુરેઝમાં જ છીએ. મારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે છ થી સાત દિવસમાં હોમસિક થઇ જનાર હું હજી તેરમા દિવસે પણ હોમસિક થઇ નહોતી. તેના કારણ મનોમન તપાસ્યા, એક તો બકેટ લિસ્ટમાં જાળવી રાખેલા સ્થાન પર જવાનો રોમાંચ, બીજું ઘર જેવી લાગણી કરાવે તેવા હળીમળી ગયેલા મિત્રો અને સૌથી મોટું એક કારણ જે અવગણી ન શકાય તે ઘર જેવું જમણ. 
કિશનગંગા સાથે સાથે ચાલી રહી હતી કે અમે તેની સાથે દોરાઈ રહ્યા હતા? 

અત્યાર સુધી વિદેશમાં રસપુરી ને પાતરાં શોધનારની મશ્કરી કરતાં હતા, વિદેશમાં રોટલી ને ખીચડીકઢી માટે ગુજરાતી રેસ્ટોરન્ટ શોધનાર પર દયા આવતી હતી પણ ઉંમર ઉંમરનું કામ કરે જ. હવે પોતાને એ કક્ષામાં આવી ગયા હોવાનું પહેલીવાર પ્રતીત થયું. જો સત્તર દિવસ હોટેલમાં લંચ ડિનર બ્રેકફાસ્ટ કરવા પડે તો ઘર તો યાદ આવ્યા વિના રહે નહીં. 

ગુરેઝમાં ગણીને બે ચાર સારી હોટેલ છે બાકી હોમ સ્ટેથી કામ ચલાવવું પડે. એડવેન્ચરના રસિયાઓ હોમ સ્ટે જ પસંદ કરે. પણ, વેજીટેરીઅન ખાણીપીણી એ માટે થોડું અડચણભર્યું ખરું. અમારો ઉતારો તો ગુરેઝની સૌથી સારી હોટેલ  હતો એ મેં ટ્રીપ એડવાઈઝર પર જોઈ લીધું હતું.

સાંજે અમે હોટેલ પહોંચ્યા તો અમારું સ્વાગત કરવામાં આવ્યું ગરમાગરમ તાજી બ્રેડ ગિર્દ અને કાવાથી. સૌથી ઉત્તમ હતું હવામાન. પાનખરનો પવન શરુ થઇ ગયો હોય તેવી સરસરાહટ અનુભવાઈ રહી હતી. હોટેલના નાનકડાં આંગણમાં જ્યાં સુધી સહુ કોઈ સેટલ ન થાય ત્યાં સુધી બેસીને ગિર્દ અને કાવાની લિજ્જત માણવાની હતી. ગિર્દ એક જાતની કાશ્મીરી બ્રેડ છે જે મેંદામાંથી બનાવાય છે. ગરમ ગરમ હળવી નમકીન કરકરી બ્રેડ ને સાથે કાવા...
ગિર્દ એક એવી કરકરી બ્રેડ કે ન ચાહવા છતાં બીજી ખાધે જ છૂટકો સાથે કાશ્મીરના પ્રખ્યાત કાવા 


અમારી હોટેલ જે જગ્યા એ સ્થિત હતી ત્યાંથી પાછળ દેખાઈ રહી હબ્બા ખાતુન પીક, હિલનું નામ જ છે હબ્બા ખાતુન.  તેની એક તરફ છે હિમાલયન પર્વતમાળા ને બીજી બાજુ ઝંસ્કાર રેન્જ. એટલે કે ટ્રાન્સ હિમાલયનનો ભાગ. હબ્બા ખાતુન શિખર, જેને સ્થાનિક રીતે 'હપુતના' તરીકે પણ ઓળખવામાં આવે છે,  તેનું નામ પડ્યું છે  પ્રખ્યાત કાશ્મીરી કવયિત્રી હબ્બા ખાતુનના નામ પરથી. 

દર્દ રાજવી યુસુફશાહ ચક અને હબ્બા ખાતુન 

મોટાભાગના લોકો હબ્બા ખાતુનના નામથી પરિચિત તો હશે જ. તેની જીવનકથા કોઈક ફિલ્મી સ્ટોરીથી ઉણી ઉતરે તેવી નથી. 
હબ્બા ખાતુન 16મી સદીની એક લોકપ્રિય કશ્મીરી કવિયત્રી હતી, સાથે ગાયિકા અને ચિત્રકાર. જન્મી તો હતી એક સાધારણ ઘરમાં, પમ્પોરના ચંદાર ગામમાં, નામ હતું ઝૂન. ઝૂન એટલે ચંદ્ર. ઝૂન તેની સુંદરતા, બુદ્ધિમત્તા માટે જાણીતી હતી. પ્રારંભિક જીવન પડકારોથી ભરેલું હતું,  લગ્ન પણ થયા એના જેવા જ ઘરમાં, પતિ સામાન્ય ચરવાહ હતો. ઝુનના જીવનમાં આ સૌથી મોટો વળાંક હતો. કારણ એ કે પિતાને ત્યાં હતી ત્યારે બાજુમાં રહેતા કોઈ મૌલવીએ લખતાં વાંચતાં શીખવ્યું હતું  ને લગ્ન થયા એક ગરીબ અભણ સાથે. કથાઓ આ બધી વાત ઉજાગર નથી કરતી કે ઝૂન પહાડોમાં ગીતો ગાતી  રહેતી ત્યારે દર્દ રાજવી યુસુફશાહ ચકની આંખોમાં આ પરિણીત સ્ત્રી વસી ગઈ. પરિણામે પહેલા પતિ સાથેના લગ્ન ફોક અને રાજાને ગમી તે રાણીના ન્યાયે ઝૂન બની ગઈ રાણી.

યુસુફશાહ ચક ઝુનનો દીવાનો હતો. બંને ગળાડૂબ પ્રેમમાં હતા,  હવે રાણી બનેલી ઝૂન હતી હબ્બા ખાતુન. જેનો અર્થ થાય પ્રિય સ્ત્રી,  પહાડ, ફૂલ, નદી, પ્રાકૃતિક સૌંદર્યની દીવાની હતી, તે સમયે ગૌરીમાર્ગ હતું ફૂલોથી ભરચક મેદાન, હબ્બા ખાતુનનું પ્રિય સ્થળો પૈકી એક. યુસુફશાહે તેનું નામ કરી નાખ્યું ગુલમર્ગ. હબ્બા ખાતુન સૌંદર્યતાની દીવાની હતી તેમાં ભળ્યો  પ્રેમરસ એટલે કવિતા ખીલી. તે વાનવન નામની અનોખી શૈલીમાં લખતી હતી  જે પરંપરાગત કાશ્મીરી લોકશૈલી છે, જેમાં પ્રેમ, વિરહ અને પ્રકૃતિના વૈભવની ઝલક જોવા મળે છે. 
અલબત્ત, ખુશી અલ્પજીવી હતી.  કાશ્મીર કબ્જે કરવા યુસુફ શાહ પર અકબરે ચઢાઈ કરી. એકવાર તો અકબરને શિકસ્ત આપી પણ પછી એ હાર્યો. અકબરે કાશ્મીર પર કબ્જો કર્યો અને યુસુફશાહને બંદી બનાવી  દેશનિકાલ કરવામાં આવ્યો. આ પછી હબ્બા ખાતુન વિરહમાં પાગલ જેવી થઇ ગઈ. એ પહાડોમાં ઘૂમતી  રહેતી, વિરહ કાવ્યો રચતી અને ગાતી રહેતી. યુસુફશાહ ચકનું  મોત પુરી (હાલ ઓરિસ્સા)માં થયું, આપણી નાયિકા પતિના વિરહમાં ઝુરાપો વેઠીને અમર થઇ ગઈ. 
 હબ્બા ખાતુનની કવિતા કાશ્મીરી સાહિત્ય અને લોકકથાનો પાયાનો પથ્થર બની ગઈ. 
હબ્બા ખાતુનની કવિતા, જેને ઘણીવાર લોક અને શાસ્ત્રીય સ્વરૂપો વચ્ચેના સેતુ તરીકે જોવામાં આવે છે, તે કાશ્મીરી સંગીતમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જ્યાં તેની રચના રબાબ અને સંતૂર જેવા પરંપરાગત વાદ્યો સાથે ગવાય છે. જો કે કાશ્મીરમાં હવે સંતૂર વાદન, વાદક કે વાદ્ય જોવા પણ મળતાં નથી. એવી વિરહણી કવિયત્રીની યાદમાં પર્વતને, શિખરને નામ મળ્યું છે હબ્બા ખાતૂન. જે કાશ્મીરની ભૂગોળ અને સાંસ્કૃતિક સ્મૃતિ બંનેમાં તેમના વારસાને રોચક બનાવે છે.

 એ પર્વત જુઓ તો તમને લાગે તમે ઇજિપ્તમાં ઉભા છો. ખુફુ પિરામિડની સામે. શિખર બેહદ સીધું છે. લપસણું પણ ચોક્કસ હોવું જોઈએ . પિરામિડ જેવું માળખું છે. એડવેન્ચર સ્પોર્ટના રસિયાઓ ટ્રેક માટે અહીં આવે છે. શિખર લગભગ 13680 ફૂટ ઊંચું છે. પર્વત ટ્રાન્સ હિમાલયન રેન્જનો ભાગ હોવાથી પથરાળ વધુ છે. એટલે ટ્રેકિંગ માટે હાર્ડકોર ટ્રેકરોને કામની વાત છે. 
સાથ હો તુમ ઔર રાત જવાં .....

આ ટ્રેકિંગ અમારા કોઈના વશની વાત નહોતી. અમે તો હબ્બા ખાતુન પર્વત પાસે  વહી જતી કિશનગંગાના કિનારે બેસવાનો આનંદ લીધો. વહેતી નદીના નિર્મળ પાણી, તેનો રવ, પર્વતનું સાનિધ્ય કોઈને પણ ધ્યાનમગ્ન કરી દેવા પૂરતું છે. 
કિશનગંગાના કાંઠે નિરુદ્દેશે બેસી રહેવું પણ એક લ્હાવો છે

પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર વહેંચાયેલું છે. એક આઝાદ કાશ્મીર કહે છે તે ભાગ. બીજો ભાગ તે બાલટિસ્તાન ગિલગિટ અને કાશ્મીરનો  ઉત્તર ભાગ છે અક્સાઈ , જે એક જમાનામાં આપણો હતો તે અક્સાઈ  ભાગ જે 1954માં ચીન જમી ગયું છે. (જેને માટે ભારતના નકશામાં ફેરફાર કરવા માટેનો લેખિત ઓર્ડર  તે વખતના પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ 1 જુલાઈ 1954ના રોજ આપ્યો હતો.) POKમાં પડતાં ગિલગિટ બાલટિસ્તાનના મૂળ રહેવાસીઓ હતા દર્દ શીના લોકો. મૂળ સેન્ટ્રલ એશિયાના, જેનો ઉલ્લેખ ગ્રીક સાહિત્યમાં પણ છે, 200 BCથી અહીં આવીને વસ્યા છે. અલબત્ત ગુરેઝમાં પ્રમાણ ઓછું છે મૂળ તો એ લોકોનો વસવાટ છે દર્દીસ્તાન જે ગિલગિટ પ્રદેશમાં છે. જોવાની ખૂબી એ છે કે સદીઓથી અહીં છે છતાં પોતાની જાતને કાશ્મીરી નહીં દર્દ લોકો તરીકે લેખે છે. બોલે છે  શીના ભાષા અને પાકિસ્તાન પ્રશાસિત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં તેમના સગાંઓ જેવા જ પહેરવેશ અને સંસ્કૃતિ ધરાવે છે. આ ખીણ દર્દ આદિજાતિનું ઘર છે, જે એક અનન્ય સાંસ્કૃતિક વારસો ધરાવતો વંશીય જૂથ છે. દર્દ લોકો પ્રાચીન ઈન્ડો-આર્યન વંશજ હોવાનું માનવામાં આવે છે અને સદીઓથી તેઓએ તેમની અલગ ભાષા, પહેરવેશ અને રિવાજો જાળવી રાખ્યા છે એમ કહેવાય છે.
પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર વહેંચાયેલું છે. એક આઝાદ કાશ્મીર કહે છે તે ભાગ. બીજો ભાગ તે બાલટિસ્તાન ગિલગિટ અને કાશ્મીરનો  ઉત્તર ભાગ છે અક્સાઈ , જે એક જમાનામાં આપણો હતો તે અક્સાઈ  ભાગ જે 1954માં ચીન જમી ગયું છે.

દ્વાર કે દવાર એ આખા વિસ્તારનું કેન્દ્રીય ટાઉનશીપ છે.  ગુરેઝ વિસ્તાર પંદર ગામમાં વિસ્તર્યો છે. વસ્તી લગભગ 30,000. અમારી હોટેલ આ ગામમાં હતી અને ફરી અમે નીકળ્યા તફરી કરવા. 
આખી વેલીના દર્શન આ ખંડિયાલ ટોપ પરથી થાય છે.         ફોટો : મહેશભાઈ શાહ 

ખંડિયાલ ટોપ જ્યાં બેસીને આખી વેલીના દર્શન થાય છે. 


પહોંચ્યા ખંડિયાલ ટોપ પર. બાંદીપોરા જિલ્લામાં સ્થિત ગુરેઝ ખીણમાં એક મનોહર જગ્યા છે. બરફથી ઘેરાયેલા પહાડોથી ઘેરાયેલી લીલીછમ ખીણોમાંથી પસાર થતી જાજરમાન કિશનગંગા નદીના  સાક્ષી બનવા  એક અદભુત લોકેશન છે.  ખંડિયાલ ટોપ પરથી દૂર સુધી ફેલાયેલા  ઘાસના મેદાનો, પરંપરાગત ગામો અને ગાઢ જંગલો નજરે ચઢે છે.  મુલાકાતીઓ ઘણીવાર શાંતિ અને અદ્ભૂત લેન્ડસ્કેપ્સથી મોહિત થાય છે, જે તેને પ્રકૃતિ પ્રેમીઓ, ફોટોગ્રાફરો અને કાશ્મીરની  સુંદરતાનો અનુભવ કરવા માંગતા લોકો માટે એક આદર્શ સ્થળ બનાવે છે.

રાત્રે અમે દર્દશીના લોકોને અમારી હોટેલ પર નિમંત્રિત કર્યા હતા, તેમના લોકસંગીત અને સંસ્કૃતિનો પરિચય મળી શકે તેવા આશયથી. એ લોકો હજી પોતાની સદીઓ જૂની સંસ્કૃતિ,ભાષા ભૂલ્યા નથી તેવું સાંભળ્યું હતું. પરંતુ , એ માટે અમને નિરાશા સાંપડી. એ લોકો હવે પારંપરિક સાંસ્કૃતિક મૂલ્યો છોડીને એન્ટરટેઈનર બની ગયા છે. 
બીજે દિવસે અમારા થોડા મિત્રો ગુરેઝ વેલીના છેલ્લા ગામની મુલાકાતે ગયા ને અમે લટાર મારવા નીકળ્યા. હોટેલથી મુખ્ય બજાર વધુ દૂર નહોતું.
માત્ર આંગળીના વેઢે ગણાય તેટલી હોટેલ અને હોમ સ્ટે, ગામના બજારનો વ્યાપ છે એક કિલોમીટરથી પણ ઓછો .
સમગ્ર કાશ્મીર વેલીમાં આ સીઝન છે સફરજન અને અખરોટની. જ્યાં જુઓ ત્યાં આ દ્રશ્ય જોવા મળે. 

અમે દ્વાર ગામમાંથી પસાર થયા ત્યાં ઘણી દુકાનો ખુલ્લી જોઈ પણ ચહલપહલ હળવી. ટુરિસ્ટ રસ્તે મળી જાય પણ સ્થાનિક રહેવાસીઓ નહીં. લાકડાના બંધ મકાનો, માંડ એકાદ બારી એક કે નાની હવાબારી જેવી રચના. પહેલી નજરે લાગે કે આ ઘરમાં લોકો શ્વાસ કઈ રીતે લેતા હશે ? પણ, હોટેલના સ્થાનિક કર્મચારી પાસે જાણવા મળ્યું કે આખા આ પ્રદેશમાં વસંત જેવી ઋતુ માંડ ચાર મહિના રહે છે. જયારે ટેમ્પરેચર હોય 15 કે 17 ડિગ્રી . મે મહિનાથી સપ્ટેમ્બર સુધી જ આ ખીણ ખુલ્લી હોય છે. જેવો ઓક્ટોબર મહિનો બેસે શિયાળો શરુ થઇ ગયો સમજો.  ભારે હિમવર્ષા થાય  અને તાપમાન -20 ° સે સુધી જઈ શકે છે. જેને કારણે  લગભગ 7 ફૂટ જેટલો હિમ જામી જાય . તેથી જો કોઈ પ્રવાસી ફસાયો તો સમજો ગયો. આખો શિયાળો ત્યાં જ કાઢવો પડે. શિયાળામાં હિમવર્ષાને કારણે રાઝદાન પાસ બંધ થઇ જાય. ખીણ વર્ષના છ મહિના મુખ્ય પ્રદેશ સાથે સમૂળગી કપાયેલી રહે છે. જેને કારણે વન્યજીવન પણ એટલું જ સમૃદ્ધ છે. સ્નો લેપર્ડ, હિમાલયન બ્રાઉન બેર અને સ્થાનિકોના કહેવા પ્રમાણે તો મસ્ક ડિયર એટલે કે આપણે જેને લુપ્ત થઇ ગયેલા માનીએ છીએ તે કસ્તુરી મૃગ પણ ક્યારેક જોવા મળી જાય. બજાર કોઈ ખાસ મોટી નથી પણ નાનકડી એવી બજારમાં સાચું મધ, જડીબુટ્ટીઓ , ખાસ પ્રકારની ફંગી અને મશરૂમ મળે છે. શ્રીનગરમાં મળે તેવા પેપરમાશેની વસ્તુઓ, જેવા કે જ્વેલરી બોક્સ. અખરોટની લાકડામાંથી બનેલી વસ્તુઓ, માટીકામના  વિવિધ પ્રકારના હાથથી બનાવેલા સાધનો પ્રવાસીઓ હોંશે હોંશે ખરીદે છે. અમારી હોટેલના એક સ્ટાફરે મને પૂછ્યું કે મને શાહતુશ શાલ ખરીદવામાં રસ છે ? હકીકતે સમગ્ર કાશ્મીરમાં આ પ્રકારની છેતરપિંડી ચાલે રાખે છે. મોટાભાગના પ્રવાસીઓને પશ્મિના અને શાહતુશ વચ્ચેનો ભેદ પણ ખબર હોતી નથી. પશ્મીના શાલ પણ મોંઘી હોય છે શાહતુશ મળે એ શક્યતા એટલે નથી કે ભારતમાં આ શાલ વેચવા ખરીદવા પર પ્રતિબંધ 1990થી લગાવાયેલો છે. વિદેશી માર્કેટમાં જેની રૂપિયામાં કિંમત હોય છે દસથી પંદર લાખ. ભારતમાં એના ખરીદ વેચાણ કરતું કોઈ પકડાય તો 10 વર્ષની જેલની સજા છે. 
 શાહતુશ એક પ્રકારની જંગલી બકરી હોય છે જેના ઊનમાંથી આ શાલ બનાવવામાં આવે છે. જે વજનમાં અતિશય હળવી, અતિશય ગરમ હોય છે. શ્રીનગરમાં અને તમામ ટુરિસ્ટ સ્પોટ પર આ ચોરીચપાટી એટલી હદે ચાલે છે કે લુધિયાણા પંજાબમાં મશીન પર બનેલી શાલ કાશ્મીરમાં પશ્મીનાને નામે રૂપિયા 500થી 1000માં વેચાય છે. પ્રવાસીઓ ભાવતાલ કરીને એ કહેવાતી પશ્મીના રૂપિયા 300 થી 500 ચૂકવીને ખરીદે ને જંગ જીત્યા જેવી લાગણી અનુભવે છે. 

આવા વિષમ પરિસ્થિતિમાં લોકોએ વસવાટ માટે આ સ્થાન પસંદ કેમ કર્યું હશે એવો પ્રશ્ન સહેજે થાય. 
પણ, તવારીખનાં પાનાં જાજરમાન શહેર હોવાના નિર્દેશ આપે છે. એને ઐતિહાસિક ક્રોસરોડ્સ લેખી શકાય. ગુરેઝ વેલી એ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ વેપાર માર્ગ હતો. જે ભારતીય ઉપખંડને મધ્ય એશિયા અને તેનાથી આગળ જોડતો હતો.  આ વ્યૂહાત્મક સ્થાને ખીણની ઓળખ પર કાયમી અસર છોડીને, બે પ્રદેશો વચ્ચે માલસામાન, વિચારો અને સંસ્કૃતિઓના આદાનપ્રદાનને સરળ રીતે ચાલતા હતા. પ્રાચીન સિલ્ક રૂટનો એક ભાગ હોવાને નાતે ગુરેઝ પ્રદેશ  કાશ્મીર ખીણને ગિલગિટ અને કાશગર (ચીન) સાથે જોડતો હશે, તે સ્થિતિ એટલે કે આજથી 2000 વર્ષ પૂર્વે જયારે અહીંથી માલસામાન ભરેલા કાફલા પસાર થતા હશે ત્યારે આ પ્રદેશની રોનક શું હશે એની એક કલ્પના તો કરી જુઓ. 

ગુરેઝ વેલીની મુલાકાત માટે ભારતીયોએ તો આગોતરી પરમિશન લેવી પડે છે પણ વિદેશી માટે એ ખાસ્સી મુશ્કેલ છે.  વિદેશીઓએ બાંદીપોરામાં ડીસી ઓફિસમાંથી વિશેષ પરવાનગી મેળવવાની જરૂર પડે છે. અલબત્ત, આ પરમિટની ખાતરી આપવામાં આવતી નથી. 

 હબ્બા ખાતુન પીક પર જવાનો શ્રેષ્ઠ સમય ઉનાળાના મહિનાઓ દરમિયાન છે, મેના અંતથી સપ્ટેમ્બરના પ્રારંભમાં.  આ સમયગાળા દરમિયાન, હવામાન પ્રમાણમાં હળવું હોય છે. 
હબ્બા ખાતુન પીક માત્ર ભૌગોલિક સીમાચિહ્ન તરીકે જ નહીં પરંતુ કાશ્મીર ખીણમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેના આંતરિક જોડાણના પ્રતીક તરીકે ઊભું છે.  સાહસની શોધમાં ટ્રેકિંગના ઉત્સાહીઓ માટે કે પછી એક સુપ્રસિદ્ધ કવયિત્રીને પ્રેરણા આપનાર કાવ્યાત્મક લેન્ડસ્કેપ્સમાં ડૂબી જવા માંગતા લોકો માટે, હબ્બા ખાતુન પીકની યાત્રા કાશ્મીરની ભવ્યતાના હૃદયમાં એક અવિસ્મરણીય અનુભવનું ભાથું આપે છે.
કિશનગંગા પ્રોજેક્ટથી  વેલીમાં જીવનધોરણ સુધરશે તેવો આશાવાદ છે.  ફોટો  : ગૂગલ .

 તાજેતરમાં કિશનગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને કારણે ગુરેઝ આંતરરાષ્ટ્રીય સમાચારમાં છવાયેલું રહ્યું હતું.  એ જમ્મુ અને કાશ્મીર, ભારતમાં રન-ઓફ-ધ-રિવર હાઇડ્રોઇલેક્ટ્રિક યોજના છે.  કિશનગંગા પર બંધાયેલો  ડેમ કિશનગંગા નદીમાંથી પાણીને જેલમ નદીના બેસિનમાં પાવર પ્લાન્ટ તરફ વાળે છે.  તે કાશ્મીર ખીણમાં બાંદીપોરની ઉત્તરે 5 કિમી દૂર, ધર્મહામા ગામ પાસે સ્થિત છે અને તેની સ્થાપિત ક્ષમતા 330 મેગાવોટ છે. આ પ્રોજેક્ટ પર બાંધકામ 2007 માં શરૂ થયું હતું અને 2016 માં પૂર્ણ થવાની અપેક્ષા હતી. સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાન સાથેના વિવાદને કારણે તેને 2011 માં કામ અટકી ગયું. જે આર્બિટ્રેશન કોર્ટમાં ગયું હતું.  પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં કિશનગંગા નદીના પ્રવાહ પર પ્રોજેક્ટની અસરનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો. 
 30 માર્ચ 2018 સુધીમાં દરેક 110 મેગાવોટના ત્રણેય એકમો કાર્યરત કરવામાં આવ્યા હતા અને વીજળી ગ્રીડ સાથે સિંક્રનાઇઝ કરવામાં આવ્યા હતા.19 મે 2018 ના રોજ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 
આજે પણ આખી વેલીમાં વીજળીના ધાંધિયા છે તેવા સંજોગોમાં 330 મેગાવોટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન, 20 લાખ ઘરોની વીજ માંગને પૂરી પડે તેમ છે. વાર્ષિક ₹2,500 કરોડની આવક અને રોજગારીની વધુ તક ઉભી કરે તે અસહ્ય છે.  ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડે છે, આ પ્રોજેક્ટ ભારતની ઉર્જા સુરક્ષા અને પ્રાદેશિક વિકાસમાં યોગદાન આપીને વીજ પુરવઠો, પાણીનો સંગ્રહ અને પ્રવાસન ક્ષમતામાં પણ વધારો કરે છે. 

ગુરેઝ વેલી એટલે ચેરી ઓન ધ કેક , કાશ્મીર જાવ ને ગુરેઝ ન જાવ તો ટ્રીપ અધૂરી છે. 


ગુરેઝ વેલી જાણે અમારા પ્રવાસનું ડિઝર્ટ હતું. 
અમારા પ્રવાસનું લાસ્ટ ડેસ્ટિનેશન. હવે અમારે જવાનું શ્રીનગર અને ત્યાં રાહ જોઈ રહ્યો હતો લાલ ચોક. દલ લેકની સામે પણ ઘણી બધી દુકાનો , કશ્મીર એમ્પોરિયમ છે તેને પણ ન્યાય આપવાનો બાકી હતો. ગ્રુપની મોટાભાગની બહેનો પોતપોતાના લિસ્ટ તપાસી લીધા. થોડું ઘણું શોપિંગ તો ગુલમર્ગ, તંગમર્ગમાં થઇ ગયું હતું પણ તેથી વધુ શોપિંગ બાકી હતું. 

કાશ્મીરી કાની વર્કની સાડીઓ, 60ના જમાનામાં સાધના ને આશા પારેખ પહેરતા હતા તેવા કાશ્મીરીભરતના સલવાર સુટ્સ , ભેટ આપવા શાલ, સ્ટોલ્સ , કેસર, અખરોટ ..... યાદી બહુ લાંબી હતી. એક સમયે જ્યાં ચકલું ન ફરકી શકે તે લાલ ચોકમાં તો ગુજરી ભરાઈ હતી. એમાં કોઈ રસ પડે તેવી વાત લાગી નહીં. 
નવી સિઝનની રાહમાં ...

દલ લેક પર અજબ ગમગીની પ્રસરી હોય તેવું લાગ્યું. સામાન્યરીતે આ રસ્તા પર હંમેશ ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ જોઈ છે પણ કદાચ રવિવાર હોય તે કારણે કે પછી ઑફ સીઝન શરુ થઇ ચૂકી હોવાને કારણે ચહલપહલ ઓછી હતી. શિકારા પણ જંપી ગયા હતા. અમારા મનની હાલત અસમંજસ હતી.  ઘર યાદ આવી ગયું હતું અને સાથે સ્વપ્નલોકની વિદાય... 17 દિવસમાં કુટુંબી જેવા બની ગયેલા સહયાત્રીઓથી પણ હવે છૂટાં પડવાનું હતું. 
પ્રવાસના સહયાત્રીઓ : કાશ્મીરને છેલ્લા જુહાર 


કાશ્મીરની  ત્રણે ઋતુ માણવાલાયક છે. શિયાળો, વસંત તો ખરી જ પણ પાનખર પણ. કશુંક ચુંબકીય તત્વ છે આ ઋતુમાં.

.... શિયાળાની રાહ જોઈ રહ્યું હોય તેમ વિન્ટર ફેસ્ટિવલ માટે કાશ્મીર ફરી એકવાર પોતાના પરી જેવા પરિધાન કરીને તૈયાર થઇ જશે પોતાના પ્રવાસીઓને આકર્ષવા પણ અત્યારે તેનો કેસરિયો અસબાબ ઓછો મોહક નથી .


સત્તર દિવસ કુદરતના પરમ સાનિધ્યમાં ક્યાં પસાર થઇ ગયા તેનો ખ્યાલ જ ન આવ્યો. શ્રીનગર એરપોર્ટ શેખ ઉલ આલમ પર સ્વાભાવિકપણે લશ્કરી ચેકીંગ જબરદસ્ત હોય છે. એ બધું પાર પાડીને અમે ફાઈનલી મુંબઈ માટે ફ્લાઇટ પકડી ત્યારે શ્રીનગર અંધકારની આગોશમાં લપેટાઈ ચૂક્યું હતું અને નીચે ચમકી રહી હતી હીરાકણી... 

વિન્ડો સીટમાંથી આંખોથી ઓઝલ થતાં શ્રીનગરથી વિદાય લેવાનું મન નહોતું થતું પણ કહે છે ને જુદાઈ જરૂરી છે મિલન માટે. 

જાણે કોઈ કાનમાં કહી રહ્યું હતું ..
ફિર મિલોગે કભી ઇસ બાત કા વાદા કર લો ...હમ સે એક ઔર મુલાકાત કા વાદા કર લો ....

સમાપ્ત 

Comments

Popular posts from this blog

ફણસપ્રેમીઓ સાવધાન,આ તમારા માટે નથી

ફાઇનલ ટેક ઓફ : ૐ શાંતિ

ગોવાનો એક ગોપિત ચહેરો