પંછી નદિયા પવન કે ઝોંકે ...કોઈ સરહદ ના ઇન્હેં રોકે...
નદી છે એક જ. ભારતીય નામ કિશનગંગા જે પાકિસ્તાન માટે નીલમ છે. આપણે ત્યાં ને સામે પાર વસેલા બંને ગામનું નામ કેરન છે. |
કુપવાડા નૌતુસા ગામના રેશવારી ગેસ્ટ હાઉસમાં અમારે ચાર દિવસ રહેવાનું હતું. કારણ કે ત્યાંથી અમારે લાઈન ઓફ કંટ્રોલ પર આવેલા ગામની મુલાકાત લેવાની હતી. તેમાં એક હતું કેરન વેલીનું છેલ્લું ગામ કેરન. ભારત પાકિસ્તાન સીમા પર આવતું ભારતની છેલ્લી વસાહત. જે વસ્યું છે કિશનગંગા નદી પર. એ ઓળંગી ને સામે પાર જાવ તો પહોંચો કેરન ગામ જ, પણ પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર (POK) કેરનમાં. એ વસ્યું છે નીલમ નદીના કાંઠે.
એવું મનાય છે કે 10મી સદીમાં રાજા કરણે આ નગર વસાવ્યું હતું. ખાસ ઐતિહાસિક માહિતી મળતી નથી પણ સિલ્કરુટમાં અત્યંત મહત્વનું નગર હતું તેવો ઉલ્લેખ મળે છે. એટલે સ્વાભાવિક છે કે નગર સમૃદ્ધ જ હોવાનું. આ વિસ્તારમાં ઘણી વિદ્યાપીઠનો ઉલ્લેખ મળે છે. શારદાનગરી હોવાથી શિક્ષણ અને વેપાર વાણિજ્ય બંને વિકસિત થયા હોય તો તે સમૃદ્ધ જ હોય ને.
પણ, અત્યારે સુષુપ્તાવસ્થામાં છે.
તેનું કારણ છે એક સમયે થયેલું સીમાપારથી બેસુમાર બોમ્બિંગ, ઘૂસપેઠ ,ત્રાસવાદી તત્વોની કનડગત. સમય એવો આવ્યો કે આ ગામનું અસ્તિત્વ જ ન રહ્યું. 1990માં ભારતીય સેનાએ ફરીવાર થોડા કુટુંબોને સ્થાયી થવા મદદ કરી પછી માંડ બેઠું થયું ત્યારે 1992માં જે પૂર આવ્યું તેમાં તારાજ થઇ ગયું. ફરીવાર સેનાની મદદથી જ બેઠું થઇ શક્યું છે .પણ, પેલો જૂનો વૈભવ તો કાળની ગર્તામાં વિસરાઈ ચુક્યો છે. આજે માંડ 50 જેટલા કુટુંબો અહીં વસે છે. ગામની વસ્તી કહેવાય છે ચાર હજારની પણ જણાતી નથી.
આ ગામ જોવાની તાલાવેલી તો સ્વાભાવિકપણે હોય.
શ્રીનગરથી ત્યાં પહોંચવું થોડું કઠિન છે. વચ્ચે મુકામ કરવો જ પડે. આમ તો અંતર માત્ર 130 કિલોમીટર છે. છતાં, દોઢ દિવસનું ટ્રાવેલિંગ કરવું પડે. અમે જ્યાં ઉતારો રાખ્યો હતો ત્યાંથી તો 65 કિલોમીટર જેટલા અંતરે હતું પણ વહેલી સવારે નીકળવાનો કાર્યક્રમ હતો.
માત્ર સાંકડા પહાડી રસ્તા જ એક માત્ર અવરોધ નથી. કેરન ગામ સીમા પર આવેલું હોવાથી ત્યાંથી થતી ત્રાસવાદી ઘૂસપેઠ માટે પંકાયેલું છે. સામાન્ય સંજોગોમાં સહેલાણીઓને પ્રવેશ નથી. છતાં પણ જો જવું હોય તો આર્મી અને સ્થાનિક પોલીસ તંત્ર પાસેથી ખાસ પરમીશન લેવી જરૂરી છે. જે ઓન લાઈન, ઑફ લાઈન બંને રીતે લઇ શકાય છે.
આ તમામ પરમીશન પછી પણ લગભગ સાત કે આઠ ચેકપોસ્ટ વટાવવાની રહે છે. દરેક પોસ્ટ પર ફરી ચેકિંગ કરાય, આધાર કાર્ડ ચેક કરવામાં આવે ને જો તમારી સાથે વિદેશી મિત્ર હોય તો પરમિશન માટે વધુ વાર, ચેકીંગ માટે વધુ સમય લાગશે. અમે તો બધા ભારતીય હતા, આધાર કાર્ડ બતાવવાથી એ સમસ્યા નહોતી.
રસ્તા સારા નથી પણ તેનું કારણ છે. દરેક શિયાળા પછી રસ્તા બિસમાર થઇ જાય છે. પહાડો પરથી પીગળતાં હિમને કારણે વહીને આવતાં પાણી સાથે દગડ, માટી રસ્તાની હાલત બગાડી નાખે છે. જેવો શિયાળો પૂરો થાય BRO કામે લાગે. BRO (બોર્ડર રોડ્ઝ ઓર્ગેનાઇઝેશન) એ સેનાની જેમ જ સુરક્ષા મંત્રાલય હેઠળ આવતો વિભાગ છે. જેનું કામ છે સીમાવર્તી માર્ગની દેખરેખ રાખવાનું.
અમે જયારે કેરન જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે થોડાં પેચીઝને બાદ કરતાં એકંદરે રસ્તા સારા હતા.
તે છતાં અમને પહોંચતા ઘણો સમય લાગ્યો કારણ હતું વચ્ચે આવતી ચેકપોસ્ટ્સ .જેમાં કોઈ વાંધો કે વિરોધ હોય જ ન શકે. સેનાએ જે રીતે ચોંપ રાખે છે તે તેમની ફરજનો એક ભાગ છે તેમાં દરેક નાગરિકે સહયોગ તો કરવો જ રહ્યો.
ફાઈનલી અમે પહોંચ્યા તો ખરા. અમારે વાહન છેલ્લા ચેકપોઇન્ટ પર પાર્ક કરી, ચાલીને ગામમાં પહોંચવાનું હતું.
અમે પહોંચ્યા ત્યારે બપોર થવા આવી હતી. ગરમી પણ હતી છતાં એ કાશ્મીરની ગરમી ,કિશનગંગાના ધસમસતાં પ્રવાહને નિહાળતા નિહાળતા ચાલીને ગામમાં પહોંચવાનું હતું.
રસ્તે અમને મળ્યા અન્ય પ્રવાસીઓ . રખે એવું માનો કે ક્યાંના હતા? એ લોકો આજુ બાજુના ગામના રહેવાસીઓ હતા. કારણ એટલું જ આમ તો કેરન વેલીમાં ઘણાં નાનાં ગામ છે. પણ, ત્યાંના મોટાભાગના લોકો સ્થળાંતર કરી ગયા છે. બીજું કે એ કેરન ગામ જેટલા , તેની તળેટી જેવા ખૂબસૂરત નથી.સૌથી મોટી વાત તો એ હતી કે એક ગ્રુપ તો કાશ્મીરી મહિલાઓનું મળ્યું. તે પણ બુરખાવિહીન, એમાં બુઝુર્ગ મહિલા પણ હતી અને યુવાન પણ, સહુ કોઈ આનંદપ્રમોદ માટે ફરવા નીકળી હોવાનું જણાવ્યું. થોડા ગામવાસી પણ મળ્યા. મિલનસાર, આનંદી લાગ્યા.
![]() |
આ મહિલાવૃંદ પણ પ્રવાસી હતું ,બાજુના ગામના રહેવાસી લોકો મોજ માટે અહીં આવે છે. |
![]() |
ગામના રહીશ લોકો , એમને આનંદ છે કે ગામ હવે પર્યટનના ઉભરતું જાય છે. |
વચ્ચે વચ્ચે નાની મોટી વીશી, રેસ્ટોરન્ટ જોઈ જે રાત માટે રૂમ ભાડે આપતી હોય.અહીં મોટાભાગે વિદેશી પ્રવાસીઓ વધુ રહે છે, ભારતીય લોકો એક દિવસમાં ફરીને નીકળી જાય.
અમારી સાથે સાથે ચાલી રહી હતી નદી કિશનગંગા. અને સામે ગામ હતું કેરન.
ખરેખર નદી એક છે પણ ભારતીય કહે કિશનગંગા ને pok માં ઓળખાય તે નીલમ નામથી. ગામ બે છે. બંને કરેન ,એક ભારતનું સામે પાકિસ્તાન દ્વારા નિયંત્રિત કાશ્મીરનું. જેને માટે મોટેભાગે આઝાદ કાશ્મીર શબ્દ પ્રયોજાય છે. હકીકતમાં એ આઝાદ એટલે નથી કારણકે ત્યાં રાજધાની મુઝફરાબાદમાં પાકિસ્તાની લશ્કર અને મૌલવીઓની હકુમત ચાલે છે. મોટાભાગના ત્રાસવાદી તાલીમ કેન્દ્ર અહીં ચાલે છે.
જોવાની ખૂબી તો એ છે કે બંને ગામ ના નામ કેરન છે, બંનેમાં એક જ ધર્મના લોકો રહે છે. એટલી હદ સુધી કે ઘણા કુટુંબો વિભાજીત થઈને વહેંચાઈ ગયા છે. છતાં એક હિન્દુસ્તાની છે એક પાકિસ્તાની છે.
અમને એક એવા વૃદ્ધ સજ્જન મળ્યા. એક જમાનામાં શિક્ષક હતા, ત્રાસવાદ ચરમસીમા પર હતો ત્યારે આખા કુટુંબે પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીરમાં વસી જવાનો નિર્ણય કર્યો. આ સજ્જનને ભારત છોડવું નહોતું એટલે કુટુંબે ઘરના મોભીને જ છોડી દીધા. દીકરા દીકરી પુત્રવધુ જમાઈઓ ,પૌત્ર પૌત્રી તો બધા ગયા પણ પત્ની સુધ્ધાં સાથે ઉભી ન રહી.
એમની સાથે વાતચીતમાં આગળ જાણ્યું કે પહેલા બંને દેશો વચ્ચે પરિસ્થિતિ થોડી થાળે પડી ત્યારે કુટુંબીજનોને વર્ષમાં મર્યાદિત સમય માટે મળવાની પરવાનગી મળતી હતી. પણ હવે એ મેળવી તો મુશ્કેલ છે જ પણ મુદ્દાની વાત તો એ છે કે હવે કુટુંબીઓને જ મળવામાં રસ નથી. નિવૃત્ત થયા પછી હવે નોકરી રોજગાર નથી, નથી કોઈ પ્રવૃત્તિ . આ વૃદ્ધ દિવસો કઈ રીતે કાપતા હશે એ પ્રશ્ન મને થથરાવી ગયો.
સૌથી મોટું જોણું લાગી ભારતીય પોસ્ટ ઓફિસ જેની પર લખ્યું છે કે આ ભારતની છેલ્લી પોસ્ટ ઓફિસ છે.
હવે અમે એવી જગ્યા એ પહોંચ્યા જ્યાં અમે ઉભા હતા ત્યાં ભારતીય સેનાની અને કાશ્મીર પોલિસનું થાણું હતું. તેની બરોબર સામે નદીને પાર પાકિસ્તાન અને આઝાદ કાશ્મીરનો એમ બે ધ્વજ ફરકી રહ્યા હતા.
અમે એક રળિયામણી જગ્યા પર આવી પહોંચ્યા. જ્યાં સરસ મેદાન હતું ને પાસે જ કિશનગંગા વહી રહી હતી.
ત્યાં સિવિલિયન પરિધાનમાં ઉપસ્થિત પોલીસના જવાનોએ સમજાવ્યું કે આ નદીમાં વચ્ચે બેટ જેવું કશુંક દેખાય છે?
આ છે કિશનગંગા / નીલમ નદીમાં થયેલી સીમારેખા , આ રેખા ને સ્પર્શ કરવાથી બંને બાજુથી અંધાધૂંધ ફાયરિંગ શરુ થઇ જાય. |
અમે ધ્યાનથી જોયું તો એ વાત સાચી હતી પણ એ કોઈ કુદરતી બેટ નહોતો. એ તો કપચી, બોલ્ડરથી બનાવેલો બેટ હતો. ત્યારે તેની મહત્તા સમજાઈ.
આ બેટ બે દેશો વચ્ચેની ડિમાર્કેશન લાઈન છે. જે રીતે એમને સમજાવ્યું તે પ્રમાણે કિશનગંગાના પાણીમાં કોઈ પગ બોળે ત્યાં સુધી વાત ઠીક છે પણ જો કોઈ આ લાઈન સુધી તરીને પહોંચે ને તેને સ્પર્શ કરે તો સામેથી ફાયરિંગ શરુ થઇ જાય. તેના જવાબમાં આપણી બાજુથી જવાબ આપવાનું શરુ થાય. માટે ક્રોસ ફાયરિંગની ઘટના ટાળવા માટે પાણીમાં કોઈ સાહસ કરવાની મનાઈ છે. સામેની બાજુ પાર નોંધનીય વાત જણાઈ તે હતી હોટેલોની હારમાળા. ભારત બાજુ એ સરખામણી કોઈ ખાસ હોટેલ દેખાઈ નહીં.
અમારું ફોટોસેશન ચાલુ હતું એટલીવારમાં તો અમારું લંચ તૈયાર થઇ ગયું હતું. કિશનગંગાના તીરે પાઈન અને દેવદારના વૃક્ષોની નીચે લંચ એક યાદગાર અનુભવ બનીને સ્મૃતિમાં રહી ગયું છે.
જમીને સહુ આડે પડખે થયા. એટલે કે કોઈ સ્લીપિંગ બેગમાં નહીં. એક ઢોળાવ એવો હતો જે રેકલાઈનર બેડની ગરજ સારતો હતો. તેની પર ઉગેલું નવું મુલાયમ કુણું ઘાસ. બધાએ થોડો સમય વામકુક્ષી કરી ને પછી ઉપર જવાનું વિચાર્યું. મૂળ ગામ ઉપર વસ્યું છે. અમે જ્યાં હતા તે માત્ર તળેટીનો ભાગ હતો.
મીઠાઈ ને ફરસાણ જમ્યા પછી શ્રેષ્ઠ યોગાસન : વામકુક્ષી |
જમવામાં મીઠાઈને ફરસાણને ન્યાય આપ્યો હતો એટલે ટ્રેક કરીને જવાનો મૂડ લગીરે નહોતો.
તો પણ ઘણા ઉત્સાહી મિત્રોએ તો ચાલવા જ માંડ્યું હતું. અમે કોઈક સ્થાનિક વ્યક્તિ સાથે મારુતિ વેનની સગવડ કરી લીધી અને પહોંચ્યા ઉપર.
અહીંથી જે નઝારો હતો એ જોવાલાયક ખરો. સામેના ગામની હોટેલો , રસ્તાઓ, અવરજવર એકદમ ક્લીઅર જોઈ શકાય. અમને જણાવાયું કે આપણું એક લશ્કરી થાણું અહીં દિનરાત નજર રાખે છે. એવું જ સામે પાર પણ ખરું.
અહીં નાની જગ્યાઓ હોમસ્ટેનો વિકલ્પ આપે છે. મોટાભાગના સાહસિક ટ્રેકર્સ ટેન્ટ્સમાં રહેવું વધુ પસંદ કરે છે. જેનું ભાડું 1000 થી 1500થી વધુ હોતું નથી. આધાર સીઝન, સહેલાણીઓની સંખ્યા પર છે. વધુ ધસારો હોય તો ભાડું વધારી પણ દે. કારણ કે આ સિવાય રોજગારની તક ઝાઝી નથી.
થોડા સમયથી ભારતીય સેનાએ અહીંના નવયુવાનોને રોજગાર આપીને એક પંથ દો કાજ કરવાની નીતિ અપનાવી છે. મહિને 20 હજાર આપીને તેમને સેવારત કરવામાં આવે છે. એમાં બે ફાયદા છે. એક તો રોજગાર મળવાથી ત્રાસવાદનો વિકલ્પ લેવા ખંચકાય અને બીજી તરફ તેમના બાળકોને મફત શિક્ષણ આપીને કેચ ધેમ યંગ ને નાતે કુમળા માનસને નાગરિકધર્મ શીખવી સાચાં અર્થમાં ભારતીય નાગરિક બનાવવા.
એક સમય એવો પણ હતો કે ત્રાસવાદી પ્રવૃત્તિ માટે અહીંથી સૌથી વધુ ઘૂસપેઠ થતી એટલે આ સ્થળ પર સહેલાણીઓની એન્ટ્રી પ્રતિબંધિત હતી.
2021માં ભારત પાકિસ્તાનની શાંતિમંત્રણા પછી તેને ટુરિઝમ માટે ખુલ્લું મુકાયું છે. છતાં અહીં પ્રવેશ માટે ઘણી બધી પરમિશન લેવી પડે છે.
ગામમાં પહોંચવા પૂર્વે વેલી પસાર કરવી પડે, કેરન વેલીમાં પ્રવેશવા માટે પાસ જરૂરી છે; તે વિના, કુપવાડાથી કેરન જઈ શકાય નહીં. કુપવાડા સુધી પાસની જરૂર નથી. પરંતુ ત્યાં 7 ચેકપોઇન્ટ છે જ્યાં તમારે કેરન ખીણની યાત્રા કરવા માટે પાસની કોપી લેવાની રહે છે.
કેરન માટે પાસ કેવી રીતે મેળવવો:
ઓનલાઈન પદ્ધતિ (મોટાભાગના ટુરિસ્ટ આ જ પસંદ કરે છે)
કેરન વેલી માટે તમારો ઓનલાઈન ઈ-પાસ મેળવવા માટે તમારે તમારી મુલાકાતના લગભગ 7 દિવસ પહેલા તેને પ્રીબુક કરવું પડશે. કેરન વેલી માટે તમને ઑનલાઇન પાસ મેળવવા માટેના પગલાં અહીં છે:
ઓન લાઈન પાસ મેળવવો હોય તો :
1: http://epass.kupwara.co.in/apply પર જાઓ
2. નાગરિક અથવા સરકારી કર્મચારી તરીકે અરજી કરવાનું પસંદ કરો
3: આગલું બટન ક્લિક કરો અને તમને એક ફોર્મ દેખાશે જેમાં નામ, આધાર કાર્ડ અને કાર નોંધણી નંબર જેવી માહિતી પૂછવામાં આવશે.
4: ફોર્મ ભરો અને તમને આધાર કાર્ડ પીડીએફ અપલોડ કરો અને 'અરજી સબમિટ કરો' બટન પર ક્લિક કરો
5: હવે તમને એપ્લિકેશન ટ્રેકિંગ નંબર સાથેનો ઇમેઇલ મળશે
6: તમારી અરજીની સ્થિતિ અહીં તપાસતા રહો અને મંજૂરીની રાહ જુઓ.
7: સાત દિવસની અંદર તમને તમારા ઈમેલ પર ઈ-પાસ મળી જશે.ચેક પોઈન્ટની નજીક બતાવવા અને સબમિટ કરવા માટે તેની 10 હાર્ડ કોપી બનાવો.
ઑફલાઇન પદ્ધતિ
કેરન ખીણ માટે તમારો ઑફલાઇન પાસ મેળવવા માટે, તમારે પહેલા ક્રાલપોરા પોલીસ સ્ટેશન નામની પોલીસ સુધી પહોંચવું પડશે. અહીં જરૂરી પગલાંઓ છે:
1: ક્રાલપોરા પોલીસ સ્ટેશનની નજીક તમને ફોટોસ્ટેટ વિક્રેતાઓ મળશે જે કાગળ જેવું ફોર્મ આપશે. જે મૂળભૂત રીતે ભરવાના ઑનલાઇન ફોર્મનું ઑફલાઇન વર્ઝન છે.
2: ફોર્મ ભરો અને કેરનની મુલાકાત લેતા તમામ વ્યક્તિઓના આધાર કાર્ડ સાથે પોલીસ સ્ટેશન જાઓ અને પોલીસ સ્ટેશનના SHO દ્વારા તેના પર સ્ટેમ્પ લગાવો.
3: સ્ટેમ્પવાળી પરવાનગી પરમિટની 10 નકલો બનાવો કારણ કે તમારે તેને કેરન ખીણ તરફના ચેકપોઇન્ટ પર સબમિટ કરવાની રહેશે.
માન્યું કે આ આખી વાત ઘણી જ જટિલ અને સમય માંગી લે છે. પરંતુ, જેને ટુરિસ્ટ નહીં પણ ટ્રાવેલર બનીને પ્રવાસ ખેડવા હોય તે લોકો આ બધું કરે જ છે.
સુરજ ઢાળવા આવ્યો હતો. અમારે તો ઠે ...ઠ રેશાવરી પહોંચવાનું હતું. ચાલવાનો નહીં પણ ગરમી અને દિવસબહારની રખડપટ્ટીથી થોડો થાક લાગ્યો પણ હતો. અચાનક જ ઠંડીનું જોર વધી ગયું હતું.
હવે બસ એક જ વાત મનમાં ઘૂમતી હતી., જઈને જમીને સીધા નિદ્રાદેવીના શરણે જવાની....
કારણ ?
કારણ કે બીજે દિવસે તો આથી વધુ કઠિન દિન હતો. અમારે જવાનું હતું ટીટવાલમાં આવેલી શારદા પીઠની મુલાકાતે....હા, જે મૂળ તો છે POK માં પણ અહીં તેની પ્રતિકૃતિ છે જેને 2023, માર્ચ 22ના રોજ વિધિવત શ્રદ્ધાળુઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે.
ક્રમશ:
Comments
Post a Comment