ચૂપકે સે સુન.. ઈસ પલ કી ધૂન...
![]() |
જેને પણ કાશ્મીરને સ્વર્ગ કહ્યું છે તેને એ વાત અહીંથી કહી હશે. |
ગુલમર્ગથી અમારી જર્ની શરુ થઇ રેશવારી માટે.
અંતર છે 65 કિલોમીટર પણ આપણે પહેલા વાત કરી તેમ આ પ્રદેશમાં રસ્તા અને પહાડી ઇલાકાને કારણે સ્પીડ થઇ ન શકે. રેશવારી, કુપવાડા જવા માટે અમારે જે રસ્તો લેવાનો હતો તે સોપોર થઈને જતો હતો. રસ્તાની બંને બાજુ બગીચામાં રહેલા વૃક્ષો પર સફરજનના ઝૂમખાં ઝૂલી રહ્યા હતા.
મોટેભાગે લાલ કશ્મીરી સફરજન પણ ક્યાંક ક્યાંક ગ્રીન અને ગોલ્ડન ફળ પણ દેખાયા. સૌને બગીચાની મુલાકાત લેવી હતી. મોટું આકર્ષણ તેને જિંદગીભરની યાદગગીરીરૂપે ક્લીક કરી લેવાનું હતું. બગીચા ખાનગી માલિકીના હતા. જેમાં માલિકનું નિવાસસ્થાન પણ હોય. બગીચાના કદ અને તેમાં શોભતી વિલા કે મકાન પરથી આપણે અંદાજ લગાવી લેવાનો કે આ માલિકની હેસિયત શું હશે. મોટાભાગે ખાતાંપીતાં સુખી કુટુંબો હશે તેવું લાગ્યું. છતાં, કોઈક જગ્યાએ જૂનાં બિસ્માર મકાનો, મજૂરી કરનાર વર્ગ પણ જણાયો. સફરજનની સાથે સાથે ઘઉંનો પાક પણ તૈયાર લાગતો હોય તેમ જણાયું. ઘઉંને તડકો ખવડાવવાનો રિવાજ હોય તેમ આંગણામાં, રસ્તા પર, રસ્તાની હારોહાર લાગીને કપડાં પર પાથરેલા જોવા મળ્યા. કાશ્મીરી પ્રજાએ ઉનાળામાં કેટલાંય કામ નિપટાવવાના હોય છે. જ્યાં જુઓ ત્યાં પરંપરાગત પિંજારાઓ તેમના સાધન સાથે પીંજવામાં, ગાદલાં ભરવાના કામે લાગ્યા હતા. અને આ બધા કામ ખુલ્લા રસ્તા પર થઈ રહ્યા હતા એ પણ એક આગવી સંસ્કૃતિ તો ખરીને.
![]() |
ટામેટાં, મૂળા ,ગાજર, વેંગણ, દૂધી,સફરજન,ડંડેલીયન નામના મૂળિયાં,માછલી,કાકડી ,મેથી,પત્તાવાળી ભાજીઓ, ફુદીનો , નાદુર (કમળની દાંડી) જેવી કંઈકેટલી ચીજોને સૂકવીને શિયાળા માટે સ્ટોર કરી લેવામાં આવે છે. |
જેમ આપણી ગૃહિણીઓ ઉનાળામાં મસાલા પાપડ વડી કરે તેમ કાશ્મીરી બેનો પણ ઘરને આંગણે શાકભાજીની સુકવણી કરતી લાગી. ખાસ કરીને ટામેટાં , મકાઈ , ઘઉં ને શાકભાજી તડકે મૂકવામાં આવેલા જોયા. જેથી શિયાળામાં જયારે તાપમાન શૂન્યથી પણ નીચું ઉતરે તો પણ ઘરમાં સંઘરી રાખેલા સામાનને કારણે કોઈ પરેશાની ન થાય. ઘરનો પુરુષવર્ગ ખેતી અને ઘેટાંબકરાં સંભાળે. આજકાલ નવા ટ્રેન્ડ પ્રમાણે સમગ્ર કાશ્મીરમાં ખેતીવાડીમાં, બગીચાઓમાં કામ કરનાર લોકો કાશ્મીરી કરતાં વધુ સંખ્યા બિહારીની હોય છે. મુંબઈ, દિલ્હી , પંજાબ પછી હવે કાશ્મીર પણ બિહારી મજૂરોથી ઉભરાય છે.
કદાચ એ પણ એક રોષનું કારણ છે. 370 કલમના નિર્મૂલન પછી પણ રોજગારની તક જોઈએ તે પ્રમાણમાં ઉભી થઇ નથી. નવી બની રહેલી હોટેલો માટે કે પછી આવનાર રોકાણકારો કશ્મીરી પ્રજા કરતાં બિહારી વર્કફોર્સ વધુ પસંદ કરે છે . કારણ સાફ છે સસ્તી મજૂરી. એ જ લોજીક ખુદ કાશ્મીરી પ્રજાને પણ લાગુ પડે છે. ખેતરોમાં બગીચામાં કામ કરનારા બિહારી લોકો હોય છે.
સૌથી મોટું ટુરિસ્ટ અટ્રેક્શન એટલે એપલ ઓર્ચર્ડ . સહેલાણીઓ માટે જ ત્યાં હવે નાસ્તાપાણી અને ફ્રેશ જ્યુસની સુવિધા માલિકો જ આપે છે. |
પ્રવાસ શરુ થયો ત્યારથી સૌની ઈચ્છા સફરજનના બગીચામાં જઈને ફ્રેશ એપલ જ્યુસ પીવાની હતી અને ફોટોસેશન તો હોય જ ને. વચ્ચે આવતા એક બગીચા પર અમે થોભ્યા. બગીચાના માલિકો પોતે જ પોતાના બગીચામાં સહેલાણીઓને બેસવાની, ફોટોસેશનની સુવિધા કરી રાખે છે. લગભગ તમામ સહેલાણીઓ પોતાની મરજી પ્રમાણે રોકાય ,જ્યુસ પીએ , ફોટો સેશન કરે અને આગળ વધે.
સોપોર છે નાનું પણ કાશ્મીરી અર્થતંત્રમાં તેની ભૂમિકા બહુ મોટી છે. આમ તો સમગ્ર બારામુલ્લા જિલ્લો સફરજનના ઉત્પાદન માટે જાણીતો છે. પણ માત્ર જિલ્લામાં જ નહીં આખા કાશ્મીરમાં ઉગતા સફરજન વેચવા માટે તો સોપોરની મંડીમાં જ આવવું પડે.
સોપોર ફ્રૂટ મંડી એશિયાની બીજા નંબરે આવતી ફળની બજાર છે. જે હવે એ ઈ બિઝનેસ પણ કરે છે.વર્ષે લગભગ રૂ 3000 કરોડનો ધંધો કરે છે. |
સોપોરમાં એશિયાની બીજા ક્રમની સૌથી મોટી ફળોની મંડી છે, જે મુખ્ય શહેરથી લગભગ 2 કિમી દૂર નૌપોરા કલાનમાં છે. જેનું વાર્ષિક ટર્નઓવર છે ₹3000 કરોડથી વધુ. આ મંડી કાશ્મીર ખીણમાં લગભગ 40 ટકા સફરજનના ઉત્પાદન અને વેચાણની સુવિધા આપે છે, જેના કારણે સોપોરને 'કાશ્મીરના એપલ ટાઉન' તરીકે ઓળખવામાં આવે છે. બાકી હોય તેમ ઈકોનોમિકલ હબ બનવાનું બીજું કારણ છે વુલર લેક. એશિયાના સૌથી મોટા પાણીના સરોવરો પૈકીનું એક. સોપોર અને બાંદીપોર જિલ્લાની વચ્ચે આવેલું છે. વુલર તળાવ કાશ્મીર ખીણ માટે માછલીનો મુખ્ય સ્ત્રોત છે અને બીજા છે શિંગોડા (વોટર ચેસ્ટનટ), તેના ઉત્પાદન માટે પણ જાણીતું છે. જે પ્રદેશના આર્થિક અને પર્યાવરણીય મહત્વને વધારે છે.
![]() |
વુલર લેક. જ્યાં સૌથી વધુ મોટો વ્યવસાય માચ્છીમારી અને શિંગોડા પકાવવાનો છે. પક્ષીપ્રેમીઓમાં જાણીતું છે. |
જૂનું સોપોર જેલમ નદીના બંને કિનારે વસ્યું હતું, એક મનોહર અને ઐતિહાસિક રીતે નોંધનીય નગર પણ ખરું. ઐતિહાસિક વિસ્તાર તેના 30-35 મોહલ્લાઓના ગીચ નેટવર્ક માટે જાણીતો છે. 20મી સદીના મધ્યમાં નવા સોપોરે આકાર લેવાનું શરૂ કર્યું, આ દરેક પડોશને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે ડિઝાઈન કરવામાં આવી હતી, જે પ્રદેશની વૃદ્ધિ અને શહેરી જીવન ધોરણમાં વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.
અમારે સોપોરમાં રોકાવાનું કોઈ કારણ નહોતું પણ મને મારા પત્રકારત્વના દિવસોમાં 96ના સમયગાળામાં કરેલી ટ્રીપ યાદ આવી રહી હતી. જયારે આ બગીચામાં ત્રાસવાદને કારણે અજબ સન્નાટો હતો. ત્યારે લશ્કરે તૈયબાએ છ વિદેશી નાગરિકોનું અપહરણ કર્યું હતું. રસ્તાઓ પર જ્યાં ત્યાં સુરંગો બિછાવી દેવાતી હતી જેથી વાહન લશ્કરનું હોય કે પત્રકારોનું, તેના ફુરચેફુરચા ઉડી જાય અને તેમાં રહેલાં લોકોનું એક હાડકું સુધ્ધાં હાથમાં ન આવે..અમે પ્રવાસ તો ઇંડિયન આર્મી સાથે કરી રહ્યા હતા પણ ડર નહોતો લાગ્યો એવું તો હરગિજ ન કહી શકાય.
અમે જ્યાં થોભ્યા તે બગીચો ખાસ મોટો નહોતો. છતાં તેમાં રહેલા મકાન પરથી અંદાજ આવી શકતો હતો કે તેનો માલિક ખાધેપીધે ઘણો સુખી હશે. જ્યુસ પછી થોડો સમય ફોટોસેશનમાં ગયો અને ફરી સવારી ઉપડી રેશવારી માટે.
અમારું ગેસ્ટહાઉસ રેશવારી , જગ્યા અતિશય રળિયામણી છે, થોડીઘણી તકલીફ વેઠવાની તૈયારી હોય તો સુંદર જગ્યા છે. |
નૌતુસા ગામમાં આવેલું સરકારી ગેસ્ટહાઉસ અમારી પ્રથમ પસંદગી હરગીઝ નહોતું .ને વળી અમારું ડેસ્ટિનેશન કુપવાડા લોલાબ વેલી હતું , જ્યાંથી અમારે જવાનું હતું ઘણી જગ્યાઓએ , પણ ત્યાં અકોમોડેશન શક્ય નહોતું. લોલાબ વેલીમાં જે થોડીઘણી હોટેલો હતી તે ચૂંટણીને કારણે રાજકીય પક્ષોએ બુક કરી લીધી હતી. વળી, અમારું ગ્રુપ પણ મોટું હતું. તેવા સંજોગોમાં આ રેશવારી ગેસ્ટ હાઉસ એક માત્ર વિકલ્પ હતું.
અલબત્ત, મહેશભાઈએ ટ્રીપ શરુ કરતા પહેલા જ સૌને જાણ કરી હતી કે આ ચાર દિવસના સ્ટેમાં થોડી અગવડ તો પડશે જ અને એ ભોગવ્યા વિના કોઈ વિકલ્પ નથી. સૌ કોઈએ પોતપોતાની કલ્પના પ્રમાણે શું થઇ શકે તે વિચારી લીધું હતું. યુટ્યુબ પર એક કોઈ સ્થાનિક ચેનલની ખાસ ખબર આ ગેસ્ટ હાઉસ પર જ હતી કે ન તો વીજળી છે ન પાણી છે, બાથરૂમ કંગાળ હાલતમાં છે. એટલે ઘરેથી સૌ પોતપોતાની ચાદર ટુવાલ અને શાલ તો લઈને જ આવ્યા હતા. પછી તો જે થાય તે સાચું.
અમે સાંજે જયારે ગેસ્ટ હાઉસ પર પહોંચ્યા ત્યારે નઝારો જોઈને ઠરી ગયા. જે લોકેશન પર આ ગેસ્ટ હાઉસ છે તેનું કોઈ વર્ણન ન કરી શકાય. બે ત્રણ છૂટા કોટેજ, વચ્ચે સરસ ખુલ્લી જગ્યા ને એમાં ઉગેલી વનરાજી, સૌથી મોટું આકર્ષણ હતું પાછળ નદીની જેમ વહેતુ ઝરણ નાળા મેવર. ત્યાં રહેલો ગઝીબો.
ગેસ્ટહાઉસમાંથી નજરે પડતો વ્યુ , એને અડીને ઝરણ વહે છે અને ત્યાં આ ગઝીબો . સ્થાનિક લોકો પણ પિકનિક માટે આવે છે. |
અમે તો માનસિક તૈયારી સાથે ગયા હતા કે જે મળશે તે પણ ત્યાં તો આ સુખદ આશ્ચર્ય મળ્યું. હા, સહુ માટે અલાયદી રૂમ નહોતી. ચાર, છના ગ્રુપમાં સૌએ સમજીને ચાર દિવસ કાઢવાના હતા. મહેશભાઈ એક પછી એક તમામ કોટેજ અને રૂમ ફરી વળ્યાં. મહિલા પુરુષોના અલગ જૂથ બનાવ્યા અને પછી ચાર કોટેજમાં રહેલી છ રૂમમાં અમે સૌ સેટલ થયા. અંદર જઈને જોયું તો રૂમ આરામદાયક હતો. બાથરૂમ પણ ઓકે હતો, કદાચ પેલી ન્યુઝ ચેનલની અસર હોય ને પ્રસાશને સુવિધા કરી હોય એમ પણ બને. પણ, સાવ એવું નહોતું. થોડા રૂમમાં તો નવા નકોર બિછાનાં હતા. ક્યાંક તો પલંગ પણ નવા લાગ્યા. પછી, અમને ખબર પડી કે અમને સૌને તો આરામદાયક રૂમ મળ્યા હતા પણ અમારા વડીલમિત્ર મહેશભાઈ જેને આ બધું આયોજન કર્યું હતું તેમણે પોતે પોતાના યુનિટ માટે રૂમ ફાળવ્યા એટલે કે જેમાં તેમના અર્ધાંગિની જયશ્રીબેન અને નિક્ટતમ મિત્ર પ્રદ્યુમ્નભાઈ, દિનેશભાઇનો સમાવેશ થતો હતો તે રૂમમાં ન તો ઇલેક્ટ્રિકનું કામ પૂર્ણ થયું હતું, નહોતું બારણું બંધ થતું, સુથારીકામ ચાલુ હતું , બાથરૂમમાં ન તો ગીઝર હતું. ન તો પાણીંના ઠેકાણા હતા અને એ વિષે કોઈ વાત પણ નહીં. એટલે મેં જે રિપોર્ટ યૂટ્યૂબ પર જોયો હતો તે હકીકત હતી. સુધારણાના પ્રયાસો ચાલુ હતા.
ખરેખર આ વાતે મને ચકિત કરી દીધી. મને ખ્યાલ હતો તેમના સ્વભાવનો , બેકગ્રાઉન્ડનો, પણ કોઈ વ્યક્તિ આટલી હદે સાલસ હોય શકે ? તેમાં પણ જયારે વ્યવસ્થાનો દોર પોતાના હાથમાં હોય ત્યારે? એ ધારે તો પોતે સારામાં સારો રૂમ લઇ લે , તેને બદલે આટલી હદે બીજાનો ખ્યાલ રાખી શકે એવો અનુભવ પહેલીવાર થયો. સાથે સાથે સ્વાધ્યાય જીવનમાં ઉતારી ચુકેલ જયશ્રીબેન ને પ્રધ્યુમન ભાઈ, દિનેશbભાઈ... ન કોઈ ફરિયાદ, સદા ફરકતું સ્મિત યથાવત.
મને એ પણ ખબર છે મારું આ લખવું એમને જરાય રાશ નહીં આવે છતાં મારી ધન્યતાની લાગણી વ્યક્ત કરવા મારે લખવું જ રહ્યું.
બીજે દિવસે અમારે જવાનું હતું બંગુસ વેલી. આમ તો સામાન્ય સંજોગોમાં 40 કિલોમીટર અંતર કાપવાને બદલે ત્યાં નજીકમાં રહેવાનો વિકલ્પ વિદેશીઓ લે છે. આમ પણ વિદેશીઓ એડવેન્ચર ટુરિઝમમાં માને અને તેમને ખાવાપીવામાં ઝાઝી તકલીફ હોતી નથી. અમારે રેશવારીથી બાંગુસ વેલી જવાનું હતું પણ તેમાં સમસ્યા એ હતી કે પહેલગામની જેમ જ અહીં તમારે સ્થાનિક ઓપરેટરના વાહનો લેવા પડે. અમે તે માટે ટાટા સુમો બુક તો કરી હતી પણ તેને આવવામાં ઘણો સમય લગાડ્યો. કારણ પણ હતું, તેમને દૂરથી હાંડવારાથી આવવાનું હતું. અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ પણ નહોતો એટલે રાહ જોઈને બેઠા. વાહનો આવ્યા એટલે સહુ ગ્રુપ પ્રમાણે ગોઠવાયા. અડધે રસ્તે હાંડવારા પાસે ક્યાંક પહોંચ્યા ત્યાં તો અમને થોભાવવામાં આવ્યા , કારણ હતું ઉપરથી આવી રહેલી લશ્કરી ટ્રકનો કાફલો. લગભગ પચાસથી વધુ ટ્રક જવાનો માટે જીવન જરૂરિયાતના માલસામાનનું વાહન કરે ત્યારે ટ્રાફિક અટકાવી દેવામાં આવે છે. બંગુસ વેલીમાં રસ્તાનું કામ પણ ચાલી રહ્યું છે, જે જવાનો જ બનાવી રહ્યા છે. અત્યારે રસ્તો તદ્દન કાચો અને ડરામણો છે. અમે તો સપ્ટેમ્બરમાં હતા તેથી થોડો ઠીક હતો પણ માર્ચથી મે મહિનામાં જયારે બંગુસ વેલી પૂરબહારમાં ખીલી હોય છે ત્યારે મોટાભાગના ટુરિસ્ટને ખાલી હાથે જ પાછા ફરવું પડે છે કારણકે રસ્તો પીગળતા હિમને કારણે કાદવકીચડને કારણે એટલો તો લપસણો હોય છે કે લશ્કરી જવાનો સિવાય ઉપર જવાની કોઈ હિંમત ન કરે. હા , કેમ્પિંગ ટ્રેકિંગ માટે આવનારા સાહસિકો લશ્કરી જવાનોની જેમ જ 20થી 25 કિલો વજન ઊંચકીને જાય છે.
વચ્ચે એક વાહન ખોટકાયું પણ ખરું પણ, સંઘ તો આખરે પહોંચ્યો બંગુસ વેલી પર.
શ્રીનગરના બગીચા, દલ લેક કે ગુલમર્ગ પહેલગામ નહીં કાશ્મીરને સ્વર્ગ કહેનારને બે સલામ આ સ્થળને જોઈને તો મારવી જ પડે. વર્જિન ડેસ્ટિનેશન જેવી કાશ્મીરી સુંદરીઓમાંની એક છે આ બંગુસ વેલી. દુનિયાભરમાં જોયેલાં અવિસ્મરણીય સ્થળની યાદી બનાવો તો બંગુસ વેલી મેદાન મારી જાય.
તેના અદભૂત દ્રશ્યો, વન્યજીવનની વિવિધતા અને લીલાછમ ગોચર માટે પ્રખ્યાત, કુદરતી આનંદ અને રોમાંચક સાહસનું એક આદર્શ મિશ્રણ છે.
વાહનો એક તરફ ઉભા રહ્યા એટલે ફરી સહુ પોતાની ટ્રેકિંગ સ્ટીકને લઈને નીકળી પડ્યા. પિક્ચર પોસ્ટકાર્ડ 360 ડિગ્રીએ પ્રિન્ટ થયું હોય એવું દ્રશ્ય.
એ એક પર્યાવરણીય અજાયબી છે જેમાં નીચી ઊંચાઈ પરના ઘાસના મેદાનો અને સ્વેમ્પી વનનો સમાવેશ થાય છે. આશરે 10,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત બાંગુસ કુપવાડા જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે. મુખ્ય ખીણ, બોધ બંગસ (બિગ બંગસ), ને નાનું બાંગુસ જે લોકુટ બંગુસ. બાઉલના આકારમાં લગભગ 300 ચોરસ કિમી (20x15 કિમી)માં ફેલાવો છે. એટલે કે આપણી અડધી મહાનગરી. જ્યાં જુઓ ત્યાં હરિયાળી , પાણીના વહેણ અને આખી વેલી પાણીથી તરબોળ, જેને કારણે બહુધા ભાગ કીચડવાળો હોય છે પણ ઉપર ઘાસ ઉગી નીકળે તે ગાલીચા જેવી ઇફેક્ટ જન્માવે, કાશ્મીરી ભાષામાં ગાલીચાને કહે બંગુસ એટલે વેલીનું નામ જ પડ્યું બંગુસ, જેને વિદેશીઓ બાંગુસ કહે છે. આ નરમ ઘાસ પર ચાલવું એ ખરેખર કુદરતી જાજમ પર પગ મૂકવા જેવું લાગે છે. માઈલોના માઈલો સુધી પથરાયેલી હરિયાળી, ઉપર નીલું આકાશ , સફેદ વાદળો અને સોનેરી સૂર્ય કિરણોથી ઘેરાયેલું દ્રશ્ય જાદુઈ લાગે છે. આ ખીણ હજારો ઘેટાંનું ઘર પણ છે, જે શાંતિથી ચરતાં હોય છે, તેના આકર્ષણમાં વધારો કરે છે.
કાશ્મીરી સ્ત્રીઓ બુરખાનશીં હોય છે, અજાણી વ્યક્તિ સાથે ફોટો પડાવવાથી ગભરાય છે તેવી વાતોમાં દમ નથી. આ છે સાબિતી, આત્મવિશ્વાસથી ઉભરાતી આ બાનુ હાંડવારાથી ફેમિલી સાથે ફરવા આવી હતી. એક નોંધનીય વાત એ જોઈ કે કાશ્મીરમાં ક્યાંય બુરખાધારી સ્ત્રીઓ જોવામાં ન આવી. એના કરતાં વધુ તો આપણી લોકલ ટ્રેનમાં હોય છે. |
તેની અડોઅડ છે એક નાની ખીણ, લોકુત બંગસ (નાની બંગસ), મુખ્ય ખીણની ઉત્તરપૂર્વમાં આવેલી છે. બંને ખીણો ગાઢ જંગલોવાળા નીચાણવાળા પર્વતોથી ઘેરાયેલા લીલાછમ ઘાસના મેદાનો અને તેમાંથી વહેતો પ્રવાહ ધરાવે છે.
બાંગુસ વેલી પ્રવાસીઓને રહસ્યમય #mountainscape લાગે છે. ઘાસના મેદાનો, સ્ફટિક જેવા પાણીના ઝરણ અને ફેલાયેલા ઘાસની કાર્પેટ અદભૂત દૃશ્યો પ્રદાન કરે છે. એક સમયે આ વિસ્તાર સંઘર્ષગ્રસ્ત હતો, તે હવે તેની હરિયાળી અને કુદરતી સૌંદર્ય માટે ઓળખાય છે. પર્યટનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે, બંગુસ ધીમે ધીમે કાશ્મીરના પ્રવાસન નકશા પર આગળ વધી રહ્યું છે. તેના નયનરમ્ય ઘાસના મેદાનો, વહેતા પ્રવાહ તેમાં રહેલું સ્ફટિક જેવું પાણી અને શાંત વાતાવરણ સાથે, તે પોસ્ટકાર્ડ ડેસ્ટિનેશન જેવું લાગે છે, જેમને ભીડભાડવાળા કે શોપિંગ ટુરિઝમમાં રસ ન હોય, આકર્ષક, અબોટ સ્થાનની શોધમાં હોય તેવા લોકો માટે યોગ્ય છે.
બિગ બંગુસ પછી અમે લોકુટ બંગુસ ગયા. રસ્તો પહેલા કરતાં વધુ ખરાબ હતો. પણ, હિંમત કરી અને ગયા. પાછા ફરતાં અંધારું થવા માંડ્યું હતું. ડ્રાઈવરો આમ તો કુશળ હતા.
નીચે મેદાનમાં ફક્ત એક કેમ્પ નજરે ચઢ્યો. અહીં કેમ્પિંગ કરવા ઘણાં સાહસિકો આવે છે પણ સ્થાનિક એજન્સીની મદદ વિના એકલા સાહસ કરવા જેવું નથી. કારણ કે આટલા વિશાળ લગભગ 300 ચો કિ. મી વિસ્તારમાં ક્યાં કળણ છે ક્યાં સખત જમીન, તે આ લોકોને ખબર હોય છે. ક્યાં રાતવાસો કરવો, ક્યાં ટ્રેકિંગ માટે સલામતી છે એ પણ એ જ લોકો ગાઈડ કરે છે.
અમારે તો રાત અહીં વિતાવવાની નહોતી પણ રાત વિતાવવાની કલ્પના તો ચોક્કસપણે કરી લીધી. હિમાલયની ગોદમાં, સ્વચ્છ ભૂરાં આકાશની નીચે, હીરાની જેમ ઝળકી રહેલાં તારાની રજાઈ ઓઢી હોય, ઠંડી આલ્પાઇન પવનની લહેર, કેમ્પફાયર સાથે ગરમ ગરમ કોફીની ચૂસકી અને સાથે ચાલી રહેલો ભૂતકથાઓનો દોર કરોડરજ્જુને થથરાવી નાખતો હોય... અને નિ:શબ્દ વાતાવરણમાં હોય એક માત્ર રવ હોય.. તમારા કેમ્પિંગ ટેન્ટના ફરફરાટનો .
અલબત્ત, હવે આ સ્પોટ સહેલાણીઓમાં પ્રિય થતું જાય છે. રસ્તાનિર્માણનું કામ પૂર જોશમાં ચાલુ છે. આમ તો સારી વાત છે પણ એ જ વાત થોડો રંજ પણ કરાવી ગઈ.
મને યાદ આવી મારી 2009ની લદ્દાખ ટ્રીપ. ત્યારે ચંદીગઢ થી મનાલી અને ત્યાંથી સ્પિતિ થઈને લેહ જતો રસ્તો નિર્માણ થઇ રહ્યો હતો. અને હા, સૌથી મહત્વની વાત થ્રી ઈડિયટ્સ મુવી આવ્યું નહોતું.
એ સમયનું પેંગોંગ લેક, લદ્દાખ અને આજની પરિસ્થિતિ ....
શકય છે બાંગુસ પણ ટૂંક સમયમાં ગુલમર્ગ કે પહેલગામ જેવું બની જશે.
કોને ખબર પાંચ જ વર્ષમાં બંગુસ વેલી પર પર બાઈક રાઈડ થતી હશે કે પછી મેગી નુડલ્સ ને કાવા પણ વેચાતા થઇ ગયા હશે.
..... ત્યારે ઝિલાયેલું આ પ્રતિબિંબ અકબંધ રહે તે માટે થઈને મનભરીને સ્મૃતિમાં ભરી લેવું રહ્યું ને..
ક્રમશ:
👌👍🌺 કાશ્મીર ની ભૌગોલિક, ઐતહાસિક અને આર્થિક માહિતી સાથે સુંદર પ્રવાસ વર્ણન અભિનંદન 🌺
ReplyDeleteપિન્કી બહેન! કલમ દ્વારા કાશ્મીરનો સૌંદર્ય યુક્ત પ્રવાસ કરાવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ક્રમશઃ હોવાથી હજુ પણ આપનો બ્લોગ નિયમિત જોતા રહેવાની અપેક્ષા છે. આશા છે કે આપ ફળીભૂત કરશો. આભાર.
ReplyDeleteઆપનો આખો સૌંદર્ય સભર અને સવિસ્તર બ્લોગ વાંચીને પ્રસન્નતા અનુભવી. સૌ પ્રથમ આભાર. આપનું પ્રવાસ વર્ણન તો ખરેખર વર્ણન તો ખરેખર દિલચસ્પ પર રહ્યું જ.પણ આપની નિરીક્ષણ શક્તિને અને કલમને પણ દાદ દેવી પડે.આપે ક્રમશઃ લખ્યું છે તેથી આગળ પણ વર્ણન વાંચવાની અપેક્ષા નકારી ન શકાય. આશા છે આપ ફળીભૂત કરશો.
ReplyDeleteવિશેષમાં કહેવાનું કે મહેશભાઈ દિનેશ અને પ્રદ્યુમન આ ત્રણે ભાઈઓ સાથે અમે સ્વજન સ્નેહીજન તરીકે સહપ્રવાસી ઘણા બધા વખત સુધી રહ્યા છીએ એટલે તેમન શાલસ સ્વભાવથી અમે સુપેરે પરિચિત છીએ.
બાકી તમે જે રીતે વર્ણન કર્યું કાશ્મીરનું અને ફોટોગ્રાફી પણ કરી ઘેર બેઠા અમને ફરી કાશ્મીર દર્શન કરાવ્યું જે કદાચ વયાનુસાર હવે શક્ય નહીં બને પરંતુ આશા છે કે આપના માધ્યમથી ફરી ભારતના સ્વર્ગની અનુભૂતિ તમારી કલમ દ્વારા માણી શકીશ. નમસ્કાર.