યે હંસી વાદીયાં... યે ખુલા આસામાં
સુખી, સંપન્ન ,લગ્નની ગોલ્ડન જ્યુબિલી ઉજવી ચૂકેલા કોઈપણ ભારતીય કપલને પૂછી જોજો કે હનીમૂન પર ક્યાં ગયા હતા? સોમાંથી નેવું કપલનો જવાબ હશે : અમે તો કાશ્મીર ગયેલા.
કાશ્મીર જ ગયા હશે એ વાત તો સાફ છે. તે વખતે વિકલ્પ ઝાઝા હતા નહીં ને વળી હિન્દી ફિલ્મોનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે કાશ્મીર.
તે સમયની હિન્દી ફિલ્મો, પછી શમ્મી કપૂરની જંગલી હોય, કાશ્મીર કી કલી, કે પછી જબ જબ ફૂલ ખીલે, તીસરી મંઝિલ, આંધી , કભીકભી, સિલસિલા, રફુચક્કર ....60ના દાયકાથી લઈને 80ના સમય સુધી કોઈપણ તમારું મનપસંદ ગીત યાદ કરો, મોટેભાગે એ કાશ્મીરમાં અને તે પણ ગુલમર્ગમાં જ શૂટ થયું હશે એ વાત તો નક્કી.
હનીમૂન માટે થઈને કશ્મીર જવા મળે એટલે જ લગ્ન જલ્દી લીધેલાં એવું કહેનાર છોકરીઓ જે હવે નાની દાદી બની ચૂકી હશે, હવે તમને બિંદાસપણે કહેશે પણ ખરી.
આજથી સાત દાયકા પૂર્વે ગુલમર્ગ જેટલું ખૂબસૂરત હતું એટલું જ સુંદર છે એમ કહી શકાય પણ વર્ષો સાથે એને પણ વિકાસનો નાદ તો લાગે જ ને. એટલી બધી હોટેલો થઇ ચુકી છે કે હવે એ કસ્બા કરતાં શહેર વધુ લાગે છે. આજે પણ તંગ ગલીઓમાંથી પસાર થાવ ત્યારે ક્યાંક ક્યાંક ગુજરાતીમાં લખેલા પાટિયા નજરે ચઢી જાય. ખાસ કરીને મેઈન સ્ટ્રીટ પર. જ્યાં કશ્મીરી પંડિતોના છૂટી ગયેલા બુલંદ મકાનો બિચારા થઇ ને તેમના માલિકોની વાટ જોતાં ઉભા હોય તેમ લાગે.
ગુલમર્ગ આમ તો મૂળે હિન્દુઓનું શહેર , શૈવમાર્ગી પંડિતોનું નગર. દંતકથા પ્રમાણે એક સમયે મૂળ નામ હતું ગૌરીમાર્ગ, શિવની પત્ની દેવી પાર્વતીના નામ પરથી રાખવામાં આવ્યું હતું, પાર્વતીનું બીજું નામ ગૌરી, પરંતુ 16મી સદીમાં ત્યાં ગાદીએ આવ્યો શાસક સુલતાન યુસુફ શાહ ચક (હબ્બા ખાતુનથી લોકો વધુ જાણે છે તેની વાત પછી) તેને ગૌરીમાર્ગનું નામ બદલી નાખીને કર્યું ગુલમર્ગ , જેનો અર્થ થાય છે ફૂલોનું મેદાન. તેણે શાસન કર્યું 1579 થી 1586 સુધી, પોતાની રાણી હબ્બા ખાતુન સાથે અવારનવાર આ સ્થળ પર જતા રહેતા હતા, કારણ કે હબ્બા ખાતુન સૌંદર્યપ્રેમી હતી વળી નાજુક દિલની સામ્રાજ્ઞિ , કવિયત્રી , ચિત્રકાર એટલે ફૂલોની વાદીમાં ફરી ફરીને કવિતાઓ રાચતી, ગાતી રહેતી , યુસુફ શાહ ચકે નામ માત્ર ગુલમર્ગ ન કર્યું પણ આખી વાદીને ફૂલોની વાડીમાં તબદીલ કરી દીધી.
એ વાત જુદી છે કે એ ડ્રીમ સિક્વન્સ લાંબી ન ચાલી અને અકબરને હાથે પ્રેમી પંખીડાનો માળો પીંખાયો. એ પછી ત્યાં રાજ આવ્યું મુગલનું. અકબર તો માત્ર ત્રણવાર જ કાશ્મીર ગયો હોવાનો ઐતિહાસિક રેકોર્ડ છે પણ જહાંગીરે તો કાશ્મીરને જ પોતાનું વતન બનાવી દીધું હતું.
જહાંગીર દ્વારા ગુલમર્ગમાં તેના બગીચાઓ માટે હિમાલયન પોપીથી લઈને કેસરના ફૂલની ખેતી કરવાનું શરુ થયું હતું. અફીણ, કેસર, ગુચી,અખરોટ, ઉપરાંત 21 વિવિધ જાતોના જંગલી ફૂલો એકત્રિત કરવામાં આવ્યા હતા. એટલે કે જેના કાશ્મીરી નામ આપણને હેરતમાં નાખી દે.
જેમ કે સોનચંપાનું નામ ચીની ગુલાબ ,ગલગોટા એટલે ઝરદી , તગરના ફૂલને કહે ગંધીગન, અફીણના છોડ પર આવતાં ફૂલ ગુલ એ લાલ. કમળ એટલે પામ્પોશ, મોગરા એટલે ચાનીની ,ડેઈઝી એટલે સોનઝલ ,કેસરનું નામ મોગરા કે કાચા અને જેને જોવા માટે ભારતભરમાંથી ટુરિસ્ટ માર્ચ મહિનામાં કાશ્મીરની ફ્લાઇટ પકડે છે તે ટ્યૂલિપ ને કહે છે લાલ.
19મી સદીમાં, બ્રિટિશ સિવિલ સર્વન્ટ ઓફિસરોએ ત્યારની રાજધાની કોલકોત્તાના ઉનાળાથી બચવા માટે ગુલમર્ગનો આશરો લેવાનું કરવાનું શરૂ કર્યું. શિકાર અને ગોલ્ફિંગ તેમના મનપસંદ ખેલ હતા. જેને કારણે ગુલમર્ગમાં ત્રણ ગોલ્ફ કોર્સની સ્થાપના કરવામાં આવી હતી જેમાં એક તો માત્ર ને માત્ર મહિલાઓ માટે હતો.
એક ગોલ્ફ કોર્સ 2,650 મીટર (8,690 ફૂટ) ની ઊંચાઈ પર સ્થિત છે જે આજે પણ વિશ્વનો સૌથીવધુ ઊંચાઈએ આવેલો ગોલ્ફ કોર્સ છે. 1927માં, અંગ્રેજોએ ગુલમર્ગમાં સ્કી ક્લબની સ્થાપના કરી અને બે વાર્ષિક સ્કી ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું, એક ક્રિસમસ અને ઈસ્ટર દરમિયાન.
ભારતમાં બ્રિટિશ શાસનના અંત પછી, ગુલમર્ગ કાશ્મીર અને જમ્મુના સ્વતંત્ર ડોગરા રજવાડાનો એક ભાગ બની ગયું. પાકિસ્તાને ઓપરેશન ગુલમર્ગ નામ હેઠળ આક્રમણ કરવાની યોજના બનાવી હતી. પાકિસ્તાની સૈનિકો દ્વારા સશસ્ત્ર અને સમર્થિત પઠાણ કબાલી આક્રમણકારી મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા માર્ગોમાંથી એક હાજી પીર પાસ અને ગુલમર્ગ રાજ્યની રાજધાની શ્રીનગર તરફ જતો હતો. ગુલમર્ગ આક્રમણકારી સૈન્યના હાથમાં આવી ગયું, પરંતુ 1લી શીખ રેજિમેન્ટની આગેવાની હેઠળની ભારતીય સેનાએ શ્રીનગરની બહારના વિસ્તારનો સફળતાપૂર્વક બચાવ કર્યો, ત્યારબાદ, ભારતીય વળતા હુમલાઓએ કબાલીઓને પાછળ ધકેલી દીધા - ગુલમર્ગ સહિત ઘણાં વિસ્તારો ફરી કબજે કરવામાં આવ્યા. 1948માં ભારતીય સેનાએ ગુલમર્ગમાં સ્કી સ્કૂલની સ્થાપના કરી જે પાછળથી હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ બની. 1 જાન્યુઆરી 1949ના રોજ, યુએનની દેખરેખ હેઠળ યુદ્ધનો અંત આવ્યો અને એક યુદ્ધવિરામ રેખા (CFL), જેને 1972ના શિમલા કરાર દ્વારા નિયંત્રણ રેખા (LOC)નું નામ આપવામાં આવ્યું હતું, ગુલમર્ગ નજીક સ્થાપવામાં આવ્યું હતું.આ તો થઇ ઇતિહાસની વાત. પણ ગુલમર્ગ છે જ એટલું સુંદર કે એની પર કોઈની પણ નજર બગડે.
હિમાલયની પીર પંજાલ શ્રેણીમાં કપ આકારની ખીણમાં વસેલું આ નગર 2,650 મીટર (8,694 ફૂટ) ની ઊંચાઈએ છે.
ગુલમર્ગના કુદરતી ઘાસના મેદાનો, જે શિયાળામાં બરફથી ઢંકાયેલા હોય છે, તે વસંત અને ઉનાળા દરમિયાન જંગલી ફૂલોથી ઉભરાઈ જાય છે.ઘાસના મેદાનો , પાર્ક અને નાના સરોવરોનો આ પ્રદેશ પાઈન અને ફિરનાં જંગલોથી ઘેરાયેલા છે. સહેલાણીઓ માટે એ સાક્ષાત સ્વર્ગની અનુભૂતિ તો કરાવે પણ રમતવીર રસિયા એટલે કે ગોલ્ફના ,સ્કિઇંગના ખેલાડી માટે એ દર શિયાળામાં આકર્ષણનું કેન્દ્ર હોય છે.
વર્ષોથી રમાતી વિન્ટર સ્પેશિયલ સ્કીઇંગ અને અન્ય શિયાળુ રમતો 4,267 મીટર (13,999 ફૂટ)ની ઉંચાઈએ અફરવત શિખરની ઢોળાવ પર કરવામાં આવે છે. અફરવત શિખર પરથી નંગા પરબતનો નઝારો જોવા મળે. જે શિખર પર પહોંચવા માટે ગોન્ડોલા રાઈડ એટલે કે કેબલ કારથી જવું પડે.
આમ પણ પહેલીવાર જનારા ટુરિસ્ટ માટે એક જોણું છે ગોન્ડોલા રાઈડ. વિશ્વની સૌથી વધુ ઊંચાઈ પર આવેલા ગોન્ડોલા નેટવર્કમાં આજે પણ મોખરે છે. ગુલમર્ગ ગોંડોલા 3,979 મીટર સુધી પહોંચે છે. જે બે વિભાગમાં છે. રોપવે ગુલમર્ગ અને નજીકના અફરવત પીક (4,200 મીટર (13,800 ફૂટ) વચ્ચે પ્રતિ કલાક લગભગ 600 લોકોને લઈ જાય છે.
પ્રથમ તબક્કો ગુલમર્ગથી 2,600 મીટર (8,500 ફૂટ) પર કોંગદૂરી સુધી 3,080 મીટર (10,100 ફૂટ) પર અને બીજો તબક્કો જેમાં 36 કેબિન અને 18 ટાવર છે, તે મુસાફરોને અફરવત શિખર 4,200 મીટર (13,800 ફૂટ) પર 3,950 મીટર (12,960 ફૂટ)ની ઊંચાઈ પર લઈ જાય છે. આ ગોન્ડોલા બનાવવા પાછળનો હેતુ સ્કિઇંગના ખેલને પ્રોત્સાહન આપી ટુરિઝમ વધારવાનો તો હતો જ પણ સાથે લશ્કરી હિલચાલ વધારવાનો પણ ખરો.
થોડા વર્ષ પૂર્વે આ ગોન્ડોલા રાઈડ યોગ્ય મેઇન્ટેનન્સના અભાવને કારણે તૂટી પડી હતી તેથી મનમાં ફડક ઘર કરી ગઈ હતી. આ વખતે નક્કી કર્યું હતું કે ડર કે આગે જીત હૈ સમજીને રાઈડ લેવી જ, અને લીધી. આ વખતે જોયું કે ખરેખર પગલાં લેવાયા છે. દર છ મહિને એક અઠવાડિયું રાઈડ બંધ રાખીને મેઇન્ટેનન્સ હાથ ધરાય છે.
મહત્વની વાત એ હતી કે અમે ગુલમર્ગ નહીં તંગમર્ગમાં હોટેલ લીધી હતી. ગુલમર્ગની ખૈબર જ્યારથી થઇ છે ત્યારથી ગુલમર્ગની લગભગ તમામ હોટેલ લક્ઝરી હોટેલમાં ગણના પામવા દોટ મૂકી છે. બુટિક હોટેલનો રાફડો ફાટ્યો છે. અને લોકોએ પોતાના ખાનગી નિવાસસ્થાનોને હોટેલમાં પરિવર્તિત કરવા મંડ્યા છે. જેથી ત્યાં હવે નિયમનો સખ્ત કરવામાં આવ્યા છે. ગુલમર્ગમાં સસ્તી હોટેલોની સામે તંગમર્ગમાં સારી હોટેલોનો વિકલ્પ છે. જો તમને નામનો ભેદ ખબર ન હોય તો કોઈ ફર્ક ન પડે. નામના પૈસા છે. હા, એક વાત છે કે ગુલમર્ગ આવવા માટે તંગમર્ગથી 15 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે. ટૂંકમાં કહેવું હોય તો તંગમર્ગ એટલે ગુલમર્ગનું ઉપનગર , જે મુંબઈગરા માટે નવાઈની વાત નથી.
સવારની ગોન્ડોલા રાઈડ માટે વહેલા હોટેલ છોડવી પડે.
ગુલમર્ગ ગોંડોલા રાઈડ માટે મુખ્યત્વે ત્રણ ટાઈમ સ્લોટ ઉપલબ્ધ છે. પહેલો સ્લોટ સવારે 9 થી 11 સુધીનો છે, સ્લોટ 2 એ 11:15 થી 01:15 અને સ્લોટ ત્રીજો એ 01:30 થી 03:30 સુધીનો છે. તમે અનુકૂળ લાગે તે બુક કરી શકો, પણ શક્ય તેટલી વહેલી તકે જવાનો પ્રયાસ કરવો રહ્યો.તો ઉપર ફરવા માટે પૂરતો સમય હાથ પર રહે. . ઉપરાંત, ગોંડોલા રાઈડ ગુલમર્ગની કિંમત દરેક સ્લોટ માટે સમાન છે.
અમે લગભગ સાડા આઠ વાગ્યે ત્યાં પહોંચી ગયા હતા. તેનો ફાયદો એ થયો કે સહેલાણીઓનો ધસારો શરુ થયો નહોતો.
ગુલમર્ગ - કોંગદોરી/ કુંગદૂર
સપ્ટેમ્બર આમ તો ઑફ સિઝન લેખાય છે. સમર વેકેશન પતી ગયું હોય અને પાનખરની શરૂઆત. હકીકત એ છે કે કાશ્મીરની ત્રણેય ઋતુ આલ્હાદાયક હોય છે. વિન્ટર સ્પોર્ટ્સના રસિયાઓ શિયાળો પસંદ કરે, સામાન્ય ટુરિસ્ટ મોટેભાગે સમર વેકેશન હોવાથી એપ્રિલ મે પસંદ કરે. શ્રીનગરમાં ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેનારા માર્ચમાં જ જાય કારણકે ટ્યૂલિપ માત્ર એક મહિનો જ ખીલે છે. છેલ્લે રહી પાનખર. ચિનારના પાંદડા રંગ બદલે અને આખું કાશ્મીર કેસરી કથ્થઈ રંગે રંગાયેલું હોય એ પણ જોવું એક લ્હાવો છે.
અમે સેપ્ટેમ્બરમાં ગયા હોવાથી કોંગડોરીમાં બરફ નહોતો. પરંતુ અમે દૂરથીહિમાચ્છાદિત પર્વતો જોઈ શકતા હતા. કેટલાક ટટ્ટુ માલિકોએ અમારો સંપર્ક કર્યો અને પૂછ્યું કે અમારી પાસે બીજા તબક્કાની ટિકિટ છે કે કેમ. નહિંતર, જ્યાં સુધી અમને બરફ ન મળે ત્યાં સુધી તેઓ અમને પહાડી ઢોળાવ પર પોની રાઇડની ઑફર કરતા હતા.
![]() |
ઓલ સેટ ટુ ગો : સૌથી પહેલી કેબલ કાર રાઈડ લેવાને કારણે વધુ સમય ઉપર મળી શકે. |
ગુલમર્ગ - કોંગદોરી/ કુંગદૂર
અમે કેબલ કારનો આગળનો સેટ જોઈ શકીએ છીએ જે ઉપરથી અફરવત શિખર પર રાઉન્ડ ટ્રીપ કરે છે. મોટાભાગના સહેલાણીઓ તરત બીજા ફેઝ પર જવાને બદલે થોડીવાર ફર્સ્ટ ફેઝ પરની કેફે માં બેસે છે તેનું કારણ હાઈ અલ્ટીટ્યૂડ જોડે શરીર એડજસ્ટ થાય તે છે. અમારો વિચાર હતો કે પહેલા ફેઝ પર થોડી તફરી કરવી. પણ, મહેશભાઈએ બીજો વિકલ્પ સૂચવ્યો. એમના માટે પ્રમાણે વેધર ચાર્ટ ગમે તે કહે પણ પહેલાં અફરાવત પહોંચી જવું બહેતર છે કારણકે જો હવામાન બદલાય તો રાઈડ બંધ થઇ જાય એવી પણ શક્યતા ખરી.
જયારે આ વાત થઇ ત્યારે સૂર્યનારાયણ પૂર્ણ સ્વરૂપે તપતાં હતા. વાતાવરણ ખુશનુમા હતું.
અમે બ્રેક લેવાને બદલે સેકન્ડ ફેઝ રાઈડ લીધી.
કોંગદોરી/કુંગદૂરથી અફરવત સુધીની ગોંડોલા સવારી:
ગોંડોલાની અફરવત શિખર સુધીની ચઢાણ કોંગડોરી કરતાં ઘણી ઊંચી હતી , ગોન્ડોલા રાઇડનો માઇનસ પોઇન્ટ એટલો જ કે એ બંધ કેબિન હોવાથી બહારના નઝારાનાં દ્રશ્યના ફોટોગ્રાફ્સ મર્યાદિતપણે લઇ શકાય.
એક કેબિનકારમાં છ વ્યક્તિઓ બેસી શકે અને એ રોકાય તે પૂર્વે એન્ટ્રી એક્ઝિટ કરવી રહે છે. પહેલા ફેઝની રાઈડ માત્ર 9 મિનિટની છે. તમે સેટલ થાવ અને હજી બહાર નઝારો માનવાનું શરુ કરો, પિક્ચર્સ લો ત્યાં તો એક્ઝીટ ટાઈમ આવી જાય.
![]() |
ટ્રેકિંગ ગ્રુપ્સ આવતા રહે છે જે મોટાભાગે સ્થાનિક વિદ્યાર્થીઓના હોય છે |
અમે ઝડપથી કેબલ કાર સ્ટેશનની બહાર આવ્યા. બહાર, આખું આજુબાજુ અદભૂત હતું. રસ્તો ખાસ્સો ઉબડખાબડ હતો. અચાનક જ હવામાન ફરી ગયું હોય તેમ લાગ્યું. ઠંડી ખૂબ હતી. સહુ કોઈ વ્યવસ્થિત તીયરી સાથે આવ્યા હતા , જેકેટ્, હેન્ડ ગ્લવ્ઝ , મન્કી કેપ ને સાથે ટ્રેકિંગ સ્ટિક પણ. એ કેવી રીતે ભૂલાય ? ઉપર, વાદળી આકાશ, દુધિયા સફેદ વાદળો અને સૂર્યદેવ હતા પણ પોતાના સોનેરી સ્વાંગમાં નહીં શ્વેત રોશની પહેરીને આવ્યા હોય તેમ, આ કમાલ ઊંચાઈની હતી.
અમે ચાલવાનું શરુ કર્યું. અફરાવત પીક પર ટ્રેકિંગ માટે ઘણાં ગ્રુપ આવ્યા હતા. જે સ્થાનિક વિદ્યાર્થીઓ જ હતા. ત્યાં સ્કૂલ કોલેજમાં ભણતા યુવાન છોકરાઓ વારંવાર ટ્રેકિંગ માટે આવતા રહે છે. શિયાળામાં જ્યાં સ્લેજ અને સ્કીંઇંગ થાય છે ત્યાં ઉનાળામાં ટ્રેકિંગ થાય છે.
ટ્રેકિંગ માટે લગભગ આખો દિવસ જોઈએ ,ઘણા કેમ્પીંગ કરે છે પણ તે માટે પરમિશન જરૂરી છે. ઇન્ડિયન આર્મીનું એક મથક ત્યાં છે. ટ્રેકિંગ કરીને વધુ આગળ જાવ તો લાઈન ઓફ કંટ્રોલના વિસ્તાર સુધી પહોંચી શકાય, અલબત્ત, ત્યાં ચોક્કસ અંતરની દૂરી રાખવી જરૂરી છે.
જો દિવસ બિલકુલ ક્લીઅર હોય તો નંગા પરબત અહીંથી દેખાય છે. અલબત્ત, અમે પહોંચ્યા ત્યારે હવામાન ભારે વાદળિયું થવા લાગ્યું હતું.
![]() |
સ્વયં સે પહેલે સેના આ ફિલોસોફીમાં માનનાર જવાનોનો બીજો motto છે ઇત્તેહાદ ,ઈતમાદ ઔર કુરબાની. |
અફરાવત પીક પર ઇન્ડિયન આર્મીના મથક પર તો જવાની પરમિશન નથી પણ ત્યાં મુકાયેલા એક પોઇન્ટ પર અમે ફોટોગ્રાફ્સ લીધા ,એટલું જ નહીં દેશભક્તિના ગીતો ગયા અને લશ્કરના જવાનોને માટે નારાબાજી કરી , અલબત્ત, એ સાંભળવા કોઈ જવાન તો નહોતો પણ અમારી સાથે એકઠા થયા અન્ય ટુરિસ્ટ જે જૂદા જૂદા રાજ્યથી આવ્યા હતા.
![]() |
અહીંથી LOC નજીક હોવાથી ઇન્ડિયન આર્મીનું મથક ધમધમતું રહે છે , |
![]() |
ઇમેજ : ગૂગલ |
ગુલમર્ગ હવે એક એવું ડેસ્ટિનેશન છે જેના વિષે સહુ કોઈ જાણે છે. એક સિમલા મસૂરી કે એ પૈકી એક હિલ સ્ટેશન. જ્યાં જુઓ ત્યાં ભીડભાડ. એ ક્યાં સુધી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ખબર નથી પણ
ગુલમર્ગથી વિશેષ તેની આસપાસના કેટલાક વધુ સ્થાનિક આકર્ષણો છે, જેની અમે મુલાકાત અમે બે વર્ષ પૂર્વેની કાશ્મીર ટ્રીપમાં લઇ ચુક્યા હતા .
પહેલીવાર આવનાર ટુરિસ્ટ ગુલમર્ગ અને તેની આસપાસના કેટલાક સ્થળો છે, જે સ્થાનિક કાર અથવા ટટ્ટુ/ઘોડો ભાડે રાખીને જાય છે. જેમાં છે મહારાજા હરિ સિંહ પેલેસ, સ્ટ્રોબેરી વેલી,સેન્ટ મેરી ચર્ચ ,ખીલનમર્ગ .
એમાંથી એક શ્રેષ્ઠ છે બુટપથરી . આ સ્થળ ગુલમર્ગથી લગભગ 12 કિમી દૂર છે. ત્યાં જવા માટે લશ્કરી કર્મચારીઓ પાસેથી વધારાની પરવાનગી લેવાની જરૂર છે અને ફક્ત કાર દ્વારા જ મુસાફરી કરી શકાય છે. બે વર્ષ પૂર્વે અમે આ રળિયામણી જગ્યાની મુલાકાત લીધી હતી તેની પરનો લેખ આર્કાઈવમાં પર વાંચી શકાશે.
https://pinkidalal.blogspot.com/2021/09/blog-post_14.html
અમે અમારી તંગમર્ગ ની હોટેલ પર પાછા ફર્યા. હાઈ અલ્ટીટ્યૂડને કારણે માથું ભારે લાગી રહ્યું હતું. આરામ સિવાય કોઈ બીજો વિકલ્પ જચ્યો નહીં. હવે તો તંગમર્ગમાં પણ શોપિંગ માટે ઘણી જગ્યાઓ છે.
અમારા ગ્રુપની બહેનો એ બરાબર ન્યાય આપ્યો. અમે અમારી જાતને શાબાશી આપી કે અમે આ વળગણથી પર રહી શક્યા.
સાંજનો સમય હોટેલમાં આવેલા નાનકડાં બગીચામાં વિતાવ્યો.
વાત એવી હતી કે હવે અમારે કુપવાડા ,હાન્દ્વારના એવા આંતરિક ભાગમાં જવાનું હતું જ્યાં ટુરિસ્ટ પ્રમાણમાં ઓછા કે નહિવત આવે છે. તેથી હોટેલ પણ ઓછી છે. એવું નથી કે હોટેલો નથી પણ તે વખતે વિધાનસભા ચૂંટણીને કારણે રાજકીય પક્ષોએ લોલાબ વેલીની મોટાભાગની હોટેલ પૂરેપૂરી બુક કરી દીધી હતી. કુપવાડા આમ પણ સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે. ચૂંટણીની ગરમાગરમી સ્વાભાવિકપણે હોય. એટલે અમે બુકિંગ કર્યું હતું નૌગામના રેશવરી ગેસ્ટ હાઉસનું. ત્યાંથી અમારે જે બંગુસ વેલી જવું હતું પાસે હતી.આ ગેસ્ટ હાઉસ સરકારી છે.
અહીંથી જવા પૂર્વે ગૂગલ પર ચેક કર્યું તો રીવ્યુ જોઈને હળવો ગભરાટ થઇ ગયો હતો. એ પ્રમાણે તો આ ગેસ્ટ હાઉસમાં ન વીજળીની સવિધા છે ન પાણી , અને માત્ર બે કોટેજ છે અમે હતા કુલ 25 અને જગદીશભાઈનો કિચન સ્ટાફ અલગ.
મહેશભાઈએ વારંવાર સૂચના આપી કે હવે ત્રણ દિવસ મીરાંભજન આત્મસાત કરી રાખવું રહેશે. ગમે તેમ કરીને 25 વ્યક્તિઓએ જે કોઈ રૂમ ફાળવવામાં આવે ચાર કે છ પણ સાથે રહેવાનું રહેશે. થોડી નહીં ઘણી અગવડ પડી શકે છે.
કોઈ દિન ઢોલિયા કોઈ દિન તલાઈ
કોઈ દિન ભુઇ પર લોટના જી ..
કરના ફકીરી ફિર ક્યા દિલગીરી
સદા મગન મેં રહેના જી ..
આ સૂચનાથી સહુ કોઈ મનોમન સજ્જ હતા...
કહેવાય છે ને લાઈફ ઇઝ નોટ અ બેડ ઓફ રોઝીસ પણ એ સાથે એ પણ સત્ય છે કે લાઈફ ઇઝ ફુલ ઓફ સરપ્રાઇઝીસ ..
અમે માનસિકરીતે તૈયાર હતા રેશ્વરી માટે, હવે જવાનું હતું રેશવારી ....
ક્રમશ:
ઝીણવટ ભરી માહિતી અને પ્રકૃતિ નું વર્ણન મજા આવી ગઈ ધન્યવાદ 👌🌺❤️
ReplyDelete