યે વાદીયાં બુલા રહી હૈ હમેં


गर फिरदौस बर रुए ज़मीं अस्त, हमीं अस्तो, हमीं अस्तो, हमीं अस्त...

પૃથ્વી પર અગર જો કોઈ સ્વર્ગ હોય તો તે કશ્મીર, કશ્મીર અને કશ્મીર. મુઘલ બાદશાહ જહાંગીર પોતાના ન્યાય માટે પંકાયો એના કરતાં વધુ બદનામ થયો ઈશ્કે મિજાજી માટે. ના, માત્ર નૂરજહાં તરફની આસક્તિ નહીં, શરાબ અને કશ્મીરના સૌંદર્યનો નશો એટલો ભારે હતો કે એ રાજકાજ સંભાળવા ને બદલે કાશ્મીરમાં જ પડ્યો પાથર્યો રહેતો હતો. એટલે હિન્દુસ્તાન પર બાદશાહ જહાંગીર ની નહીં, નૂરજહાં હકૂમત ચાલતી હતી. કાશ્મીર એવો પ્રદેશ જે પોતાના સૌંદર્ય ને કારણે હમેશા ચર્ચામાં રહ્યો 
એટલે જ તો સદીઓથી ભારતનો સરતાજ કહેવાય  છે. 

એવા સ્વર્ગની સૌથી પહેલી મુલાકાત 1975 માં. નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એક જિજ્ઞાસુ વિદ્યાર્થીનીનું અવલોકન શું હોય શકે? 
ત્યારે સૌથી વધુ મનભાવન લાગ્યા હતા ફૂલના સામ્રાજ્ય. 
તે સમયે કાશ્મીર સળગ્યું નહોતું. શાંતિમય વાતાવરણ, બોબી ફિલ્મમાં આવેલો એક બંગલો જોવામાં રસ વધુ હતો. બીજું હતું આકર્ષણ શિકારામાં સેર કરવાનું. 
બસ, નાનાં મનની નાની નાની ઈચ્છાઓ. એ પૂરી થઈ ગઈ અને થોડાં જ વર્ષોમાં જન્નત કાશ્મીર જહન્નમ બની ગયું. 
એ પછી સમય આવ્યો ફરી કાશ્મીરની મુલાકાતનો. 
સમય હતો મિલીટન્સીનો. ત્રાસવાદ, હત્યા જ્યાં ત્યાં બોમ્બ બ્લાસ્ટ અને 96ની ચૂંટણી. 
હવે આ મુલાકાત એક પ્રકારની હતી. જેને ન તો ફૂલ જોવામાં રસ કે સમય હતા ન પહેલગામની વાદીમાં નઝારા જોવામાં. 
ત્યારે તો કાશ્મીર ખીણમાં રહેલ લશ્કરની જુદી જુદી રેજિમેન્ટ સાથે તેમના કેમ્પમાં, લાઇન ઓફ કંટ્રોલ પર રહેલા બંકરમાં દિવસ રાત ગુજાર્યા હતા. 
પછી આવ્યો ત્રીજો ફેઝ. પત્રકારત્વથી નિવૃતિ ને અલગારી રખડપટ્ટી. 
માત્ર ને માત્ર નિજાનંદ માટે થઈ વધુ એક મુલાકાત. 
અને ત્યારે જોયું કાશ્મીરનું ખરું રૂપ. આતંકના દિવસોમાં ભૂખરા આકાશ, પહાડ અને હિમાચ્છાદિત પ્રદેશ શાંતિમય હોય ત્યારે સોનેરી સૂર્યપ્રકાશમાં કેવો હોય તે જોઈને કોઈક નશો ચડ્યો હોય તેવું પ્રતીત થયેલું.
અને તે જઇ વખતે વિચારેલું કે બની શકે તો દર વર્ષે કશ્મીર આવવું જોઈએ. 

 જોકે મનનું ધાર્યું હમેશાં ક્યાં બને છે? એવું  વિચારેલું. પણ, સાચા દિલથી ઈચ્છા કરી હોય તો કુદરત સંજોગો ઉભા કરી આપે એમાં કોઈ બેમત નથી. 

ફરી એક વાર માત્રને માત્ર ટ્યુલિપ ગાર્ડન વિઝિટ કરવા કાશ્મીર પ્રવાસ ગોઠવાયો હતો. માર્ચ મહિનો હતો, મોટાભાગની જગ્યાઓ પર તો હિમનું સામ્રાજ્ય અણનમ હતું. એટલે મનમાં જે નવું ઉમેરણ થયું હતું તે ગુરેઝ વેલી જવું શકય નહોતું. 

માર્ચની ટ્રીપ એક ટુરિસ્ટ ટ્રીપ હતી. શ્રીનગર, ગુલમર્ગ પહેલગામ. જે પહેલાં ત્રણવાર જોયા હતા પણ વધુમાં હતું દૂધપથરી ને ટ્યુલિપ ગાર્ડન. માત્રને માત્ર આ ગાર્ડન જોવા amsterdem સુધી ન જવું હોય તો શ્રીનગર સુધી તો જવું જ જોઈએ. 
માર્ચમાં  કાશ્મીરની ટ્રીપ કરી એ પહેલાં સપ્ટેમ્બરમાં ફરી એક વાર કાશ્મીરની ટ્રીપ કરવાનું નક્કી થઈ ગયું હતું. 
કારણ એટલું કે કાશ્મીર દરેક ઋતુમાં નવો અસબાબ ધરીને બેસે છે. જાણે અબુ જાની ને સંદીપ ખોસલા જાજરમાન માનુની માટે નવા ensemble બનાવી ને રાખે તેમ. 
માર્ચમાં હિમાચ્છાદિત શુભ્ર ધવલ, ઓગસ્ટ સપ્ટેમ્બર હરી હરી ચૂનરી ને રંગબેરંગી આભૂષણ ને નવેમ્બરમાં કેસરિયા... 
એવા રંગભર્યા દેશમાં કોણ ન જવા ઈચ્છે? 

મહેશભાઈ શાહ એ માટેનું આયોજન કરી રહ્યા હતા. જેવી ખબર પડી કે મનોમન નક્કી કરી લીધું કે આપણે તો જવું જ છે. 
એમાં ખાસ કારણ એ હતું કે મહેશ ભાઈ સાથે વાતચીત કરતા ખબર પડી કે આ ટ્રીપમાં તો ગુરેઝ વેલી પણ શામેલ છે પછી શું? 
ડર માત્ર એક વાતનો હતો કે ટ્રીપ 17 દિવસની હતી. 

17 દિવસ? 
જે વ્યક્તિ એક અઠવાડિયામાં હોમસિક થઈ જાય તે 17 દિવસ કઈ રીતે ટકે? 
તે છતાં મહેશભાઈ એ તૈયાર કરેલી itinanary એટલી તો interesting હતી કે બસ, નક્કી કરી લીધું, યા હોમ કરીને પડવું છે.. ફતેહ છે આગે.. 
અને હા, એ ફતેહ કથાનો આગલો મણકો.. વધુ આવતે અંકે.. 


Comments

  1. આભાર પિંકીબેન, કાશ્મીરનો ઋતુ ઋતુનો અસબાબ એમ ને એમ અમારે ઘર આંગણે પહોચાડવા બદલ. Enjoyed.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...