ચલ કહીં દૂર નિકલ જાયેં...
યુઝમર્ગ જેવા સ્વર્ગમાંથી નીકળીને અમારે જવાનું હતું દૂધપથરી, એકથી બીજા સ્વર્ગમાં. શ્રીનગરથી ખાસ દૂર નથી, સવારે જઈને સાંજે પાછા ફરી શકાય એવા અંતરે. 40 કિલોમીટર દૂર. મોટાભાગે લોકો એ જ વિકલ્પ લે છે. આમ તો શ્રીનગરની આસપાસ જે નાનાં સુંદર ડેસ્ટિનેશન છે તે ભૂલ્યા ન ભુલાય પણ કુદરત ના વૈભવ ને મઢવાની વાત છોડી selfie કે રીલભૂખ્યાં ટુરિસ્ટ ને ત્યાં જલસો પડી જાય .
દૂધપથરીના પણ રંગરૂપ અનેક. ગયા માર્ચ મહિનામાં જયારે મુલાકાત લીધી હતી ત્યારે ફર કોટ પહેરીને મહાલતી કોઈ લલના જેવું રૂપ હતું. ગ્રીષ્મની શરૂઆત અને હિમ પીગળવાની શરૂઆત થઇ ચૂકી હતી તેથી ઠેકઠેકાણે કીચડ પણ હતો. ફિલ્મોમાં સ્નોમાં રોમેન્ટિક સીન્સ એક વાત છે ને હિમમાં એક કલાકથી વધુ ટકી શકવું બીજી વાત છે. એક ચોક્કસ પોઇન્ટથી નદી સુધી જતાં ઘૂંટણભેર સ્નોમાં પગ ખૂંપી જવાથી મજા સજા જેવી લાગી હતી.
ને એ જ વેલી સપ્ટેમ્બર મહિનામાં ગ્રીન કાર્પેટ પાથરીને અછોવાનાં કરતી હોય તેમ સાદ દેતી હતી.
કોઈ કહી ગયું છે ને બદલતે લોગ બદલતે રિશ્તે ઔર બદલાતા મૌસમ
ચાહે દિખાઈ ન દે પર મહસૂસ તો હોતે હૈ ..
અહીં તો ખેલ જુદો હતો. આ કુદરત હતી માણસ નહીં જે એવા ખેલ કરે. એ તો પોતાને જે કરવું હોય તે મુક્ત મને કરે....
કાશ્મીર વેલી પથરીઓનો પ્રદેશ છે. દૂધપથરી, બૂટપથરી , મુજપથરી, પંચનપથરી... અન્ય અજાણી ઘણી પથરી છે પણ આટલી તો જાણીતી છે. પથરી એટલે ખીણ , વેલી. પછી આગળ જે નામ હોય તે ત્યાંની વિશેષતા દર્શાવે છે. જેમ કે દૂધપથરી નામ પડ્યું છે તેના દૂધ જેવા પાણીને કારણે. નદીને ગાઈડ તો દૂધપથરી જ કહે છે પણ એ છે શાલીગંગા. અશ્તર નામની હિમશિલામાંથી બે નદી વહે છે એક શાલીગંગા અને બીજી દૂધગંગા . બંનેના પાણી પથ્થરો સાથે અથડાઈને દૂધ જેવો રંગ ધારણ કરે છે એટલે આ પ્રદેશને દૂધપથરી લેખાય છે. બીજી એક દંતકથા એવી પણ છે કે એક સંત અહીંથી પસાર થઇ રહ્યા હતા અને તેમને ક્યાંય પાણી ન મળ્યું. તેમને પોતાના હાથમાં રહેલી લાકડીથી જમીન પર પ્રહાર કર્યા , જે ઝરણ ફૂટી આવ્યું તે પાણી નહીં દૂધ હતું. તેથી આ ખીણનું નામ પડ્યું દૂધપથરી . અલબત્ત, પહેલી વાત લોજીકલ છે.
હિમાચ્છાદિત પર્વતો અને લીલાછમ ઘાસના મેદાનોથી ઘેરાયેલું, દૂધપથરી આકર્ષક પેનોરમા છે જે મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દે.
જો કોઈ સરખામણી કરવી કહે તો ચોક્કસપણે વાસંતી વૈભવ જીતે.
અમે સાંજે દૂધપથરી પહોંચ્યા. લગભગ 9000 ફૂટની ઊંચાઈએ આવેલા સ્થળની ભવ્યતા અંદાજી લેવાની હોય. સાંજે જે નિહાળવાનો અવકાશ નહોતો.
![]() |
4 કી.મી લાંબી વેલીને ફરીને જોવી હોય તો બે જ વિકલ્પ છે એક ATV બાઈક કે પછી ઘોડો. પગપાળા ચાલીને ફરવાના શોખીનોએ વધુ દિવસ રહેવું પડે. |
અમને સવારનો ઇંતેજાર હતો. કારણ કે અમે પૂરી 25 બાઈક હાયર કરી હતી. જવાનું હતું પાંચ પોઇન્ટ પર. જે વેલીના થોડાં થોડા અંતરે હતા. આ વેલીમાં જો પાંચ પોઇન્ટ કવર કરવા હોય તો તમારે સ્થાનિક એજન્સી પાસે ATV બાઈક હાયર કરવા પડે. ATV બાઈક એટલે ઓલ ટેરેન વેહિકલ જેના લો પ્રેશર કે નોન ન્યૂમેટિક ટાયર હોય છે. અતિશય રફ ,ખડકાળ જમીન પર આ ફોર વ્હીલર વાહન સિવાય કોઈ વાહન ચાલી શકે નહીં. ક્યાં ઘોડો લો અથવા આ બાઈક. ઓપેરટર ત્યાંના ઉત્સાહી નવયુવાનો હોય છે.
અમે બધાં ગોઠવાયા તેવી રેસ ચાલુ થઇ ગઈ. અમે એ વાતથી અજાણ હતા કે આ બાઈકરોમાં એકબીજાને પછાડવાની રેસ ચાલતી હોય છે. ખડકાળ ,ખાડાટેકરા , ધૂળિયા રસ્તા પર જે રેસ જામી ત્યારે બાઇકરની પાછળ હોવા છતાં ઘડીભર તો લાગ્યું કે આપણે કોઈ કાઉબોય મૂવીના સ્ટાર છીએ.
બાઈકિંગ કરો ત્યારે ઘડીભર ઉભા રહીને શાલીનતાથી સાથી બનેલી શાલીગંગાને મનમાં ભરી લેવી રહી. |
સૌથી પહેલો પોઇન્ટ જેને બાઇક ડ્રાઈવર સ્વિત્ઝર્લેન્ડ કહેતા હતા. ત્યાં ઢોળાવ પર ચઢી ફોટોસેશન શરુ થઇ ગયું. ઉપરથી નજરે પડે વિશાળ ચરાઈ લેન્ડ. જ્યાં સેંકડોની સંખ્યામાં ઘેટાંબકરાં ચરી રહ્યા હતા. એક પછી બીજું ત્રીજું , સાચું પૂછો તો એવા કોઈ પોઇન્ટ નથી પણ 4 કિલોમીટરની આ રાઈડ વેલ્યુ ફોર મની તો ખરી. એક પોઇન્ટ એવો આવ્યો જ્યાં શાલીગંગા નદીના કાંઠે પડેલા મોટાં દગડ , લાકડાના પૂલ પરથી થઈને વહેણ સુધી પહોંચી શકાય.કાંઠે બેસીને આ વૈભવ નિહાળવો પણ લિજ્જત આપી ગયું. સાથ થયો કાવાનો.
આખી ખીણમાં વસંત જામી હતી. ઉનાળા દરમિયાન આખી ઘાટી હરિયાળી અને રંગબેરંગી જંગલી ફૂલોથી છલકાઈ જાય છે. બેકગ્રાઉન્ડમાં શાલીગંગા નદી પોતાની મસ્તીમાં દોડતી હોય , વિશાળ પાઈન અને દેવદાર વૃક્ષોના સામ્રાજ્ય વચ્ચે રંગબેરંગી ટેપેસ્ટ્રી એવો માહોલ રચે કે કોઈપણ પ્રકૃત્તિપ્રેમી મદહોશ થઇ જાય.
દૂધપથરીની એક અન્ય વિશેષતા ત્યાં વિચરતાં ગુર્જર બકરવાલ કોમની જીવનશૈલીને જોવાની છે, જેઓ તેમના પશુગણને ગરમીના સમયમાં એટલે કે વસંતના સમયમાં એપ્રિલથી સપ્ટેમ્બર ચારથી પાંચ મહિના માટે ચરવા માટે અહીં લાવે છે. પોતાનું ઉનાળુ નિવાસસ્થાન એટલે તેમના પરંપરાગત માટીના મકાનો, જેને 'કોઠા' તરીકે ઓળખવામાં આવે છે, તે ઉભા કરે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થાય એટલે પોતાનો સરંજામ સંકેલવાની શરૂઆત કરે અને નીચેની જગ્યાઓ પર ઉતરાણ શરુ કરે. આ કોમને સ્થળાંતર કરતી જોવી એ પણ એક લ્હાવો છે. દૂધપથરીમાં પશુપાલન ઉપરાંત હવે એક નવો વ્યવસાય તેમને મળ્યો છે એ છે રસ્તા પર નાનકડાં ધાબા જેવી વ્યવસ્થા કરી ને ટુરિસ્ટ ને પોતાની રસોઈ જમાડવાનો. મકાઈની રોટી, ભાજીનું શાક મોટાભાગે સરસોં દા સાગ જેવું કંઈક. સાથે શલગમ ને ગાજર અચાર. આ રસોઈમાં પાણીની કમાલ હોય, બનાવનારના હાથના હુન્નર કે પછી નવો સ્વાદ પણ જે લિજ્જત આ ખાણાંમાં હોય છે તે કોઈ ફાઈવ સ્ટાર હોટલ ન આપી શકે. અમે ગયા માર્ચમાં એવા એક ધાબા પર બેઠક જમાવી લંચ કર્યું હતું તે યાદ તાજી થઈ. આ વખતે એવો અવકાશ નહોતો અન્યથા આ પણ એક યાદગીરી બની રહેત.
ફરી કોઈવાર જવાનું થાય તો આ દેસી મકાઈની રોટી ,તેની સાથે માખણ, ભાજીનું આદુ લસણવાળું તીખું તીખું શાક અને મૂળા ગાજરનું અથાણું ખાવાનું ન ચૂકાય , સાથે ડિઝર્ટમાં જે નારિયેળીનું એક ઝાડ નથી ઉગતું તેવા પ્રદેશમાં કોપરા ચોકલેટ ની બરફી ખવડાવશે.આવતી હશે મુંબઈથી પણ કહેછે કાશ્મીરી કોપરા. |
સાહસિકો માટે તો દૂધપથરી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ઓફર કરે છે, જેમાં ટ્રેકિંગ, કેમ્પિંગ અને માછીમારીનો સમાવેશ થાય છે. જેમને ટ્રેકિંગમાં રસ હોય તે લોકો દૂધ પથરી આવીને શાલીગંગાના
ઉદ્ગમસ્થાન અશ્તર સુધી જઈ શકે છે.
વિદેશીઓ હાઇકીંગ ટ્રેકિંગ ને કેમ્પીંગ કરે સાથે સાથે શાલીગંગા નદીમાં ફિશિંગ કરે છે.
બીજે દિવસે સવારે અમે ગયા દૂધપથરીના એવા મેદાનમાં જેને લગભગ મોટાભાગની હિન્દી ફિલ્મોએ કાશ્મીરની બોલબાલા હતી ત્યારે કચકડે મઢ્યું છે.
એનો એક ઉત્તમ દાખલો જોવો હોય તો રિશી નીતુની રફુચક્કર ફિલ્મનું હિટ ગીત તુમ કો મેરે દિલ ને ... જોઈ લેવું જોઈએ. અમારા ફોનના કેમેરાની શું હેસિયત કે તે આ મેદાનની સુંદરતાને ન્યાય આપે?
અમારી પાસે હાથ પર ગણીને એક કલાક હતો આ મેદાનની બ્યુટી માણવા માટે.
ગ્રુપના સહુ પોતપોતાની રીતે નીકળી પડ્યા. કોઈક નાના ગ્રુપમાં કોઈક એકલા. કોઈકે ગીતો ગાઈને રીલ બનાવ્યા, કોઈએ ફોટોગ્રાફી કરી ને કોઈએ ઘોડેસવારી.
એક કલાક કુદરતની સાનિધ્યમાં માત્રને માત્ર તમે પોતાની સાથે વિતાવો ત્યારે બ્રહ્મ સત્ય જગત મિથ્યા ની પ્રતીતિ થાય.
એક કલાકમાં જે અનુભૂતિ થઇ તે તો શબ્દમાં ઉતારવી અશક્ય છે. પણ, ત્યારે ખબર નહોતી કે આ ટ્રીપમાં આવી ઘણી તક મળવાની હતી, જાત સાથે સંવાદ કરવાની.
હવે સમય હતો દૂધપથરીથી વિદાય લેવાનો. જવાનું હતું ગુલમર્ગ પણ વચ્ચે એક જોવાલાયક સ્થળ હતું તોસા મૈદાન.
તોસામૈદાનનું નામ પણ મોટાભાગના લોકોએ સાંભળ્યું નથી હોતું. અમારા વડીલ મિત્ર મહેશભાઈએ આ ટ્રિપની તૈયારી કરવા માટે કેટલો સમય કાઢ્યો હશે તે તો અમે આવા સ્થળની મુલાકાત લીધી ત્યારે સમજાયું. એક તો દુર્લભ કહી શકાય તેવા સ્થળ શોધવા, ત્યાં જવા માટે યોગ્ય બંદોબસ્ત કરવો અને સૌથી મહત્વની વાત તે માટે જરૂરી પરમિટ. તે પછી પોલીસ વિભાગમાંથી હોય કે આર્મી પાસે પત્રવ્યવહાર કરીને કઢાવવાની હોય. જે માટે સૌના આધાર કાર્ડ જમા કરાવવાથી માંડીને જે વિધિઓ કરવાની હોય તે, પછી આવે ત્યાં 25 વ્યક્તિ પ્લસ સાથે આવનાર કેટરીંગ સ્ટાફ માટે વ્યવસ્થા જોવાની હોય.
મહેશભાઈએ એવી તો આઇટેનરી સેટ કરી હતી કે પ્રવાસે જતા પૂર્વે જ હોમવર્ક કરી લેવું જરૂરી લાગ્યું. છતાં જોઈએ તેવી માહિતી મળી શકી નહીં. ચર્ચગેટ સ્ટેશનમાં દેશી અને ખાસ કરીને વિદેશી પ્રવાસીઓની સહાયતા માટે ખાસ વ્યવસ્થા થઇ છે. ત્યાં ઈન્વાયરી કરી તો જવાબ ઠંડો મળ્યો હતો . હવે તો હરિ ઈચ્છા . બધું સારું જ થશે તેવું માની લીધું. અમે દૂધપથરી છોડીને ગુલમર્ગ જઈ રહ્યા હતા પણ વચ્ચે તોસા મૈદાન જોવાનું હતું. પીર પંજાલ રેન્જમાં જ આવેલું એક સુંદર ઘાસનું મેદાન છે.ઘાસનું મેદાન એટલે જેવું તેવું નહીં. પૂરા 65 ચોરસ વિસ્તરેલું આ મેદાન માત્ર કલ્પી તો જુઓ. નામ જ જોઈને ખ્યાલ આવે તોસ મૈદાન નું સાચું નામ તુ શાહ મેદાન એટલે ધ કિંગ ઓફ ધ મેડોઝ.
એક સીધી સમજ લેવી હોય તો આમચી મુંબઇનો વિસ્તાર છે 603.4 ચોરસ .કિલોમીટર . આ મેદાનનો વિસ્તાર 65 ચોરસ કિલોમીટર. એટલે કે આપણાં મુંબઈથી 1/10 ભાગ. સમજી લો કે ચર્ચગેટ 65 કિલોમિટર , લંબાઈ અને પહોળાઈ માં પથરાયેલું એક ઘાસનું મેદાન. ન તો એક પણ મકાન ઊભું હોય, ન રસ્તા હોય, ન વીજળી હોય, ટ્રાફિક કે શોરબકોર ની કલ્પના પણ નહીં. બલ્કે પહાડનું પોતાનું સંગીત, ઘાસની મર્મર, પવનની સરસરાહટ, વચ્ચે ક્યાંક વહેતા ઝરણનો રવ. જ્યાં જુઓ ત્યાં હરિયાળું ઘાસ જેમાં વિના કોઈ ઉપદ્રવે ઘેટાંબકરાં નીચું જઈને ચારો ચરે રાખતા હોય. વચ્ચે વચ્ચે એમના કોલ કે ગળામાં બાંધેલા ઘંટડીના રવ સિવાય કોઈ અવાજ નહી.
કલ્પના કરી શકો છો?
જો કલ્પના આટલી રમ્ય હોય તો વાસ્તવિક જગ્યા શું હોય એ વિચાર જ રોમાંચિત કરી નાખવા પૂરતો નથી?
10395 ફૂટની ઊંચાઈએ આવેલા આ મેદાન વિષે ખાસ કોઈ માહિતી નહોતી તેનું કારણ છે. 1964માં ભારતીય સેનાને આર્ટિલરી ફાયરિંગ રેન્જ તરીકે લીઝ પર અપાયું હતું . લીઝના વર્ષ પૂરા 50.
2014માં લીઝ પૂરી થઇ ત્યારે તેને રિન્યૂ કરવાની મથામણ ચાલતી હતી. ત્યારે સ્થાનિકો રોષે ભરાયા,
જો કે આ વિરોધ જાયસ પણ ખરો. કાશ્મીરમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ ઊંચું છે. લોકોની વાત એવી હતી કે શ્રીનગરની આસપાસના આ વિસ્તારો પર્યટન ઉદ્યોગ તરીકે વિકસાવાય તો રોજગારીની તક ઉભી થઇ શકે. આ માટે ઘણા વિરોધ પ્રદર્શન થયા. એ વાતમાં વિચારણા કરવી જરૂરી લાગી. નિર્ણય લેવાયો કે લીઝ રીન્યુ ન કરવી.
2014માં આ નિર્ણય લેવાય ચુક્યો હતો છતાં 2016 સુધી આ મેદાન ખુલ્લું ન મૂકી શકાયું. તેના કારણમાં હતા લશ્કરે બનાવેલ બંકરો અને અન્ય નિર્માણ , તેને ડિમોલીશ કરીને મેદાનને પોતાના નૈસર્ગિક વાતાવરણમાં સ્થાપવું જરૂરી હતું. એટલું જ નહીં મિલિટરી ડ્રીલ સમયે દાગવામાં આવેલા શેલ અને અન્ય ચીજો જીવંત હોવાથી ચારવાહ લોકો માટે ક્યારેક મોતનું કારણ બનતી. તોસા મેદાન ને સ્થાનિક લોકો ડેડ મેડો પણ કહેતા. તેથી પ્રવેશ વર્જ્ય રખાયો હતો. 2014થી લગભગ બે વર્ષ સુધી સતત આ કોમ્બિંગ ચાલ્યું. મકાનો, બંકરો તોડીને મેદાન જેવું હતું તેમ કર્યું. ન ફૂટેલા દારૂગોળા ડિફ્યુઝ કરાયા. પૂરી રીતે સલામત કરીને સરકારે આ મેદાન સહેલાણી , સ્થાનિકો માટે ખુલ્લું મૂક્યું.
કિલોમીટર ટુ કિલોમિટર તે તેના વિશાળ વિસ્તરણ લીલા ઘાસના મેદાનો માટે જાણીતું છે, આજુબાજુ વિશાળ વૃક્ષો છે. આ મેદાન છેલ્લા 50 વર્ષમાં દ્રષ્ટિથી ઓઝલ થયું હોય પણ ઇતિહાસમાં નામના પામી ચૂક્યું છે.
કાશ્મીરમાં પ્રવેશવા માટે મુઘલો દ્વારા ઉપયોગમાં લેવાતા માર્ગ તરીકે ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ હતું. જો કે એ વાત નજીકના ઈતિહાસની હોવાથી વિદિત છે. પરંતુ કાશ્મીરની ઐતિહાસિક ઘટના, રાજતરંગિણીમાં ઉલ્લેખ છે તે પ્રમાણે કેટલાંય યુદ્ધનું સાક્ષી આ મેદાન રહ્યું છે. .
રસપ્રદ વાત એ છે કે જે યુધ્ધ મેદાન હતું, જ્યાં ઘૂસણખોર આક્રમણકારી મહંમદ ગઝનીએ આ માર્ગે કાશ્મીર રાજવી પર જંગનું એલાન કર્યું હતું. ગઝનીએ જ નહીં., પંજાબના મહાન રાજા રણજીત સિંઘ ને પણ કાશ્મીર પોતાની રિયાસતમાં ભેળવવું હતું ત્યારે તેમણે પણ આ જ મેદાનને માર્ગે ચઢાઈ કરી હતી.
આ મેદાનની મુલાકાતે અમને દિગ્મૂઢ બનાવી દીધા હતા.
અહીં પહોંચવાનો રસ્તો અતિશય ખરાબ, થોડે અંશે જોખમી પણ ખરો. આર્મીની ગતિવિધિઓ હજી ચાલુ છે તેથી કાચો રસ્તો છે. સ્થાનિકોનું કહેવું હતું કે કદાચ સરકાર પાકા રસ્તા બનાવી આપશે. આશાવાદ વ્યક્ત કર્યો સારો છે. અમે ત્યાં પહોંચ્યા ત્યારે લગભગ વીસ પચ્ચીસ કોઠાં જોવા મળ્યા. આ લોકો ન તો પોતાને ગુર્જર માને છે કે બકરવાલ.
અમારા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું અમે તો મવેશી. એટલે એ પણ એ પશુપાલન પર નભનાર પ્રજા. સિમ્પલ લિવિંગ અને સિમ્પલ થિંકિંગ.
તેમની સાથે ઘણી વાતચીત થઈ. વાતનું હાર્દ એ જ. બેરોજગારી, સરકારી ઉપેક્ષા, પછી એ કોઈપણ સરકાર હોય. પોતાની અપેક્ષાનું કોઈ મૂલ્ય નથી તેવું આ લોકોને લાગે છે. એક પાકો રસ્તો કે પાણી માટે સાત દાયકાથી રાહ જોતી પ્રજાની આંખમાં અંધકાર સિવાય કશું નથી. મોદી સરકારે પાકો રસ્તો બનાવવાની વાત તો કરી. એટલું જ આશ્વાસન પણ થયું કશું નથી. હા, અમે જ્યારે ઉપર ચઢી રહ્યા હતા ત્યારે લશ્કર દ્વારા રસ્તા નિર્માણ પ્રક્રિયા ચાલુ હોય તેમ દેખાયું.
અમે જે મવેશી સાથે વાત કરી રહ્યા હતા તેને હમણાં નવો વ્યવસાય શરૂ કર્યો હતો. એક તો નાનો ટેન્ટ જેમાં ટ્રાવેલર આરામ કરી શકે. ચાહે તો જમી શકે અને રાત્રે રોકાણ પણ કરી શકે. થોડે દૂર મોબાઈલ ટોયલેટ ઉભા કર્યા છે. વિદેશીઓ રાત્રિ રોકાણ આ ટેન્ટમાં કરે. તેમના દ્વારા બનાવવામાં આવેલા મકાઈ રોટી ભાજી મુરઘી જમે. તે લોકો માટે આ ન ભુલાય એવો અનુભવ હોય. ઇંડિયન લોકો ટેન્ટમાં આવીને બેસવાની બદલે બહાર લટકે. ચા કોફી ઓર્ડર કરે. લટકતાં lays chips પેકેટ ખરીદે ત્યાં ખાય, ચા પીએ ને કચરો કચરાપેટી સુધી નાખવાની તસ્દી લીધા વિના પૈસા ચૂકવી ને જતાં રહે.
આ બધી વાતચીત પછી હું ને અમારા ટીમ મેમ્બર ભોળા ભાઈ જલ્દી જલ્દી ગ્રુપ પાસે પહોંચ્યા.
સૌ ધ્યાનમગ્ન થઇને બેઠા હતા. પાછળથી ખબર પડી કે ત્યાં પણ ફોટો સેશન જ ચાલતું હતું પણ મહેશભાઈએ એ બંધ કરીને પ્રકૃતિનો સાદ સાંભળવાનો અનુરોધ કર્યો હતો. જો એ ન કહ્યું હોત તો ફોટો સેશન જ ચાલતું હોત.
અમે પણ એ ધ્યાન યજ્ઞમાં જોડાઈ ગયા.
એક લાંબી શિલા પર ક્ષિતિજ તરફ ચહેરો રાખીને બેઠેલા સૌ કોઈ એ કંઈક અનુભવ કર્યો હતો. જે કોઈ લખવાની, બોલવાની કે શેર કરવાની વાત નથી પણ એ અનુભવ કરવો હોય તો વિપશ્યના કે પછી યૌગિક સાધના કરવા પડે.
,
पृथ्वी संतराणात् संतु नः पुण्य पुण्येन वातः અર્થ : પૃથ્વી સારા કાર્યથી સુરક્ષિત રહે અને આપણાં સારા કર્મો શુદ્ધ જળથી સુરક્ષિત રહે. |
પોતાની જાતને સાથેના સંવાદ પછી હવે જવાનું હતું. સૂર્ય ઢળે તે પૂર્વે ઉતરાણ કરવું જરૂરી હતું. પણ, મારું મન રહી રહીને જતું હતું કોઠામાં. એકવાર તો અંદર જઈને જોવા હતા. એવો એક ભાઈ મળ્યો જે પોતાના ઘરે લઈ ગયો.
નાનકડું ત્રણ રૂમનું ઘર હતું. આગલા એક રૂમમાં કોઈ સૂતું હતું. કદાચ કોઈ બુઝુર્ગ કે ભાઈ, અડીને કિચન હતું. આખા કોઠામાં સૌથી મોટી જગ્યા આ જ હતી.
ઘરની મુખ્ય મહિલાએ હસીને આવકાર આપ્યો. બેસવા કહ્યું ને ચા પાણી પણ પૂછ્યા. સ્પર્શી ગઈ આ વાત. જેમના ઘરમાં રોજ લાવીને રોજ ખાતાં હોય તે વ્યક્તિ પોતાના રેશનમાં તમને ચા પીવડાવે?
ચા તો નહોતી પીવી પણ વાતો તો જરૂર કરવી હતી. ઓરડો ભારે અંધારિયો હતો. બહારની ઠંડક અંદર જરાય પ્રવેશી શકતી નહોતી. કારણ હતું માટીના થર. લાકડાના ઘર ઉભા કરીને તેને માટીથી એવા જડબેસલાક બંધ પાળ્યો લીંપવામાં આવે કે બહાર ગમે એટલી ઠંડી હોય ઇન્સ્યુલેશન જબરદસ્ત. બહાર વીજળીના તારનું કામ ચાલુ હતું તેમ જાણ્યું. થોડા સમયમાં વીજળી આવી જશે તેવી સંભાવના છે એવું પણ તેમની પાસેથી જ જાણ્યું.
ઘરની માલિકણ હતી આધેડ વયની સ્ત્રી કદાચ 40 કે 45 ની હશે. વારંવાર પોતાના દૂધ જેવા ચમકીલા દાંત બતાવીને હસતી રહેતી. એનો અસબાબ કદાચ ગામમાં સૌથી અનોખો હતો (ગામમાં સૌથી વધુ વગદાર હશે એવું લાગ્યું) અસબાબમાં બીજા હતા એના પૌત્ર પૌત્રી, જે બહાર રમી રહ્યા હતા. દીકરા વહુ હશે પણ દેખાયા નહીં. અને લેટેસ્ટ અસબાબ... એણે જ ઈશારો કર્યો, ગેસ સ્ટવ ને કૂકર. મોદીની ગેસ યોજનાથી આ સ્ત્રીઓ કેવી ખુશ છે તે મળીને જાણો તો ખબર પડે બાકી બધું ડિબેટમાં વહી જાય.
અમે ત્યાં હતા ત્યારે વિધાનસભાની ચૂંટણી માથે હતી. દરેક પક્ષ પોતપોતાની સ્ટાઇલ થી અભિયાન ચલાવી રહ્યા હતા. આ બાનુ ને અમે પૂછયું કે વોટ કોને આપવાનો છો?
પહેલા થોડી શરમાઈ, ચૂપ રહી. લાગ્યું કે ઝાઝી રાજકીય સમજ નહીં હોય. પણ એની પાણીદાર આંખોથી પતિને કશુંક પૂછી રહી હતી.
લાગ્યું કે મંજૂરી મળી છે એટલે તેને ગેસ તરફ ઈશારો કર્યો.
![]() |
ઔર જીને કો ક્યા ચાહિયે ? ન તો જંગલમાં ઝાડ કાપવા જવાનું , ન પેટાવવાની જફા. આ તો બટન દબાવ્યું કે પાંચ મિનિટમાં ખોરાક તૈયાર. તિલસ્મ જેવું લાગે ને એક સંતોષભર્યું સ્મિત. |
ઓહો, રોજ ધુમાડે આંખ બાળવામાંથી બચાવનાર ને વોટ? એટલે BJP? અમારા પ્રશ્નના ઉત્તરમાં માથું ધુણાવી ના પાડી...
તો???
એને ફરી ઇશારાથી સમજાવ્યું, કૂકર.
કોઇ નવી ઉભરતી પાર્ટીનું નિશાન. પતિ નેશનલ કોન્ફરન્સ તરફી લાગ્યો પણ બાઈ માનતી હતી જેને ગેસ આપી ને મારું કામ આસાન કર્યું તેને વોટ આપીશ એટલે ભાજપ ને મત આપવાનું નક્કી કર્યું હતું પણ ત્યાં આ કૂકર આવી ગયું. કોઈક સ્થાનિક પાર્ટી દ્વારા ભેટ..
થોડા દિવસ પહેલાં કૂકર આવ્યું. તો શું થાય ? હવે વોટ કૂકર ને.
આ કારણ હતું તેના મલકાટનું. હવે પસંદગી કૂકર પર હતી. જે કામ કરવામાં દિવસ આખો જતો હતો. આંખો બળતી હતી, ખાંસી આવ્યા કરતી હતી હવે એમનું કઈ નહીં. ગેસ અને કૂકર બંને જાદુઈ લાકડી જેવા આવી ગયા હતા. પણ રાંધવામાં કલાકો નું કામ મિનિટમાં એટલે વોટ કૂકર ને...
હું તો સ્તબ્ધ રહી ગઈ. કેટલી ખુશ, કેટલી સંતુષ્ટ.
ને આપણે??
જિંદગીમાં ઉપલબ્ધિની ખુશી ચંદ પળ પણ કેમ નથી ટકતી?
તેમના ઘરની બહાર જ ઉભા રહીને ફોટોગ્રાફ લીધા ત્યારે ઘરવાળો બોલ્યો કે બહેના, મેરા નંબર લિખ લો, પિક્ચર હમ કો ભેજના જરૂર. મેં હા પાડી નંબર પણ લીધો..થોડી ક્ષણ પછી બોલ્યો, આપ તો મેરી બહેન જૈસી હો મુઝે તો કુછ દેના ચાહિયે પર.. મને થયું કે એને કહું કે તમારા જેવો સંતોષ મારો સાથી બને તેવી દુઆ આપો તો ઘણું.
મને હજી યાદ રહી ગઈ છે પેલી ઘરવાળી. તેનું સંતોષી સ્મિત.. કાશ, એવી ઉપલબ્ધિ સહુને પ્રાપ્ત થાય.
इत्ती सी हंसी इत्ती सी हंसी इत्ता सा टुकड़ा चाँद का ख्वाबों के तिनकों से चल बनाएं आशियाँ
ક્રમશ:
Comments
Post a Comment