સોચો કી ઝીલોં કા શહર હો...
સોચો કી ઝીલો કા શહર હો ... લહેરોં પે અપના એક ઘર હો ...
શ્રીનગરમાં દલ લેક પરથી વહીને આવતી ઠંડી હવાની લહેરખી ચહેરા પર શું અડે , દિલ બાગ બાગ થઇ જાય.
સામાન્યરીતે લોકો શ્રીનગરથી પહેલગામ જાય, અમારો રૂટ જુદો જ હતો. અલગારીની રખડપટ્ટી જેવો.
પહેલગામ પછીનું અમારું ડેસ્ટિનેશન હતું શ્રીનગર .
શ્રીનગર જમ્મુ કાશ્મીરનું સમર કેપિટલ છે. શ્રીનગરનું નામ જ તેના અર્થને ફલિત કરે છે. સંસ્કૃત નામનો અર્થ થાય છે સમૃદ્ધિનું શહેર.
છેલ્લાં થોડા વર્ષોમાં ને ખાસ કરીને 370 કલમ નિર્મૂલન પછી શહેર એટલું બદલાયું છે કે ત્યાંના રહેવાસીઓ હેરાન પરેશાન છે.
એક તરફ છે સૌંદર્યનો નઝારો ને બીજી બાજુ છે આડેધડ થઇ રહેલું વિસ્તરીકરણ. વર્ષો સુધી ટુરિસ્ટની દ્રષ્ટિથી ઓઝલ રહેલું કાશ્મીર હવે સહુને વિઝીટ કરવા જેવું લાગે છે. જેથી દર વર્ષે લાખો ટુરિસ્ટ આવે છે. ટ્રાફિક, પ્રદૂષણ, શોરબકોરનો પાર નથી. ઉપરાંત જે રીતે વનરાજીનું આડેધડ નિકંદન કાઢીને નવા હોટેલ અને મકાનોનું નિર્માણ ચાલી રહ્યું છે તેનાથી સામાન્ય નાગરિક નહીં ટુરિસ્ટ પણ પરેશાન થઇ જાય છે.
અમે હોટેલની બદલે એક વિલામાં ઉતરવાનું નક્કી કર્યું હતું. દાલ (સાચો ઉચ્ચાર છે દલ) લેકથી થોડે અંતરે આવેલી આ વિલા એક ગેટેડ સોસાયટીનો ભાગ હતી. એટલે કે પ્રાઇવેટ રેસિડન્સ વિસ્તારમાં થતી કમર્શિયલ પ્રવૃત્તિ. અમારો કે અમારા જેવા ગેસ્ટનો આરામદાયક સ્ટે અન્ય રહેવાસી માટે થોડો ઉપદ્રવ તો કરતો હશે એવું અનુમાન ખોટું પણ નહોતું,
![]() |
હવે શ્રીનગરમાં એર બી એન્ડ બી જેમ વિલા હાયર કરી શકાય છે. |
એવા શ્રીનગર વિશે શું કહેવું, શું લખવું? એક આખી પેઢી કાશ્મીરના રોમેન્ટિક સીન્સ જોઈને પ્રૌઢ થઈ ગઈ છે.
સરેરાશ ભારતીય, ખાસ કરીને ગુજરાતી શ્રીનગર એકવાર તો મુલાકાત લઇ આવ્યો હોય એ વાત નિર્વિવાદ છે. અન્યથા કાશ્મીરમાં શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળીના પાટિયા ઝૂલતા કેમ જોવા મળે ? શ્રીનગર એટલું બદલાયું નથી પણ હા, દર થોડાં વર્ષે નવા આકર્ષણ જરૂર ઉમેરાય છે. જેમ કે ટ્યુલિપ ગાર્ડન કે પછી નવા હુક્કા બાર કે સ્વેન્કી હોટલ, રેસ્ટોરન્ટ પણ પ્રમાણ ઓછું છે.
શ્રીનગરમાં સાઈટસીઇંગ માટે ગણીને થોડી જગ્યાઓ 60 વર્ષ પૂર્વે હતી અને આજે પણ એ જ છે, કોઈ પરિવર્તન નથી. શંકરાચાર્ય મંદિર, કાશ્મીરના ઉદ્યાનો, લાલ ચોક જ્યાં એક જમાનામાં પગ મૂકવો બંકાનું કામ હતું ત્યાં આંટાફેરા ને શોપિંગ અને સૌથી મહત્વનું જો કંઈ હોય તો તે છે શિકારાની સેર , દલ લેકની વચ્ચે આવેલા એક નાના ટાપુ ચાર ચિનારની મુલાકાત ને હવે ચાહો તો જેટ સ્કી જેવી પ્રવૃત્તિ. એટલે કે શિકારાની સેર ટોપ વિકલ્પ છે.
શ્રીનગર પહોંચ્યા ત્યારે સાંજ ઢળવાની તૈયારી હતી. સાંજ અને દલ લેકનો નઝારો અપ્રતિમ હોય છે. સૌથી પહેલું કામ અને શિકારાની સેર કરી લેવાનું કર્યું. ગમે એટલીવાર શ્રીનગર આવો, પણ જો શિકારા રાઈડ ન કરી તો ચાલે?
ગુજરાતીમાં એક શબ્દ છે સંધ્યા ખીલી. કેસરિયા રંગની સાંજ ન જાણે કેટલા રંગે રંગાયેલી હતી. હળવા કેસરી રંગથી લઈને શ્યામ ગુલાબી, પારજાંબલી ને નીલ રંગી આકાશ સાથે તેનું પાણીમાં ઝીલાતું પ્રતિબિંબ. જાણે કોઈ ચિત્રકારનો માસ્ટરપીસ. અને એ નીલરંગી પાણી પર સરી જતાં શિકારા.
શ્રીનગરની ઓળખ માત્રને માત્ર શિકારાથી છે?
પ્રશ્ન એ છે કે શિકારાની શરૂઆત થઇ ક્યારે હશે? જે કાશ્મીરની આગવી ઓળખ બની ગયા?
જ્યારે જ્યારે હું કાશ્મીર ગઈ ત્યારે મારા મનમાં આ પ્રશ્ન હંમેશ ઉઠયો છે.
એ પ્રશ્નનો જવાબ મળે તે અચરજ પમાડે તેવો છે.
શ્રીનગરનો ઇતિહાસ તપાસીએ તો આ નગર વસાવ્યું હતું સમ્રાટ અશોકે એવો ઉલ્લેખ મળે છે જે તથ્યસંગત વાત લાગતી નથી. કલ્હણની રાજતરંગિણીમાં એક ઉલ્લેખ મળે છે વકાટક વંશનો. મૂળ દક્ષિણનો રાજવંશ હતો. પ્રવર્સેન બીજાને છઠ્ઠી સદી CE આસપાસ આધુનિક શ્રીનગરની સ્થાપનાનો શ્રેય આપવામાં આવે છે. અલબત્ત કેટલાક વિદ્વાનો તેને ક્રૂરતા માટે મશહૂર એવા આક્રમણકારી મિહિરકુલનો વંશજ લેખે છે. તેને જેલમ નદીના જમણા કિનારે હરિ પરબત ટેકરીની તળેટીમાં નવી રાજધાની બનાવી.
કાશ્મીરમાં સૌથી શક્તિશાળી શાસક કર્કોટ વંશ રહ્યો છે પરંતુ, એ પૂર્વે કાશ્મીર પર રાજ હતું ગોનંદ વંશનું. એ કેટલા વર્ષ , સદીથી હતું એ વિષે કોઈ સ્પષ્ટતા નથી. ગોનંદ વંશના સેનાપતિ હતા કર્કોટ વંશજો. ગોનંદવંશના છેલ્લા રાજવી જેનું નામ બાલાદિત્ય મળે છે તેને સંતતિમાં એક માત્ર પુત્રી હતી અનંગલેખા, જે કર્કોટ વંશમાં પરણાવી અને કાળક્રમે રાજ હાથમાં આવ્યું કર્કોટ ડાયનેસ્ટીના હાથમાં.
અન્ય એક થિયરી છે કે કાશ્મીર પર હુણ લોકોનું શાસન હતું જેમને હરાવી નાગલોકના વંશજ કર્કોટ ગાદીએ આવ્યા. કર્કોટ વંશમાં ત્રીજી પેઢીએ થયેલા લાલિત્યવિક્રમાદિત્યએ તો દુનિયામાં કાશ્મીરને પંકાવી દીધું.સાતમીથી નવમી સદી સુધી કાશ્મીર પર શાસન કર્યું હતું, તેણે શ્રીનગરના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતું. તેમણે માર્તન્ડ સૂર્ય મંદિર સહિત અનેક મંદિરો બાંધ્યા અને કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું. તેમના નિધન પછી ધીરે ધીરે હિન્દૂ રાજાઓનો યુગ અસ્ત થયો અને આવ્યું ઇસ્લામિક શાસન.
ચૌદમી સદીમાં, આ પ્રદેશ ઇસ્લામિક શાસન હેઠળ આવ્યો. પછી આવ્યું મુગલ સામ્રાજ્ય, અકબરના શાસન હેઠળ, શ્રીનગરની સાંસ્કૃતિક વારસો વધુ સમૃદ્ધ બન્યો એમ મનાય છે. તેમણે શાલિમાર અને નિશાત ગાર્ડન સહિત અનેક બગીચાઓ નિર્માણ કરાવ્યા અને ફારસી કલા અને સ્થાપત્યને પ્રોત્સાહન આપ્યું. એ પછી આવ્યું બ્રિટિશ વસાહતી શાસન. 19મી સદીની શરૂઆતમાં, કાશ્મીર બ્રિટિશ વસાહતી શાસન હેઠળ આવ્યું. બ્રિટિશે આ પ્રદેશમાં આધુનિક માળખા અને શિક્ષણનો પરિચય કરાવ્યો.
પરંતુ શિકારાનું શું ? એ ક્યાંથી આવ્યા?
![]() |
છેલ્લા ચાર દાયકામાં લગભગ 2000 જેટલી હાઉસબોટ હતી જેની સંખ્યા અત્યારે 700 કે તેથી ઓછી છે. |
એ પ્રશ્ન ઘણાને થતો તો હશે જ . એક સંદર્ભ કહે છે કે શિકારા કાશ્મીરની ઓરીજીનલ ઓળખ છે . 13મી સદીથી આ દૌર ચાલે છે. ક્રોનિકલમાં એક ઉલ્લેખ મળે છે તે પ્રમાણે પંડિત નારાયણદાસ નામના હિન્દૂ પંડિત વેપારીએ તેમની દુકાન કોઈ કારણસર આગમાં ભસ્મીભૂત થઇ ગઈ ત્યારે હિંમત ન હારતા નાવમાં દુકાનદારી શરુ કરી હતી. તે સમયે લોકો એક જગ્યાથી બીજી જગ્યા પહોંચવા શિકારાનો ઉપયોગ કરતા હતા, અને ગરીબ લોકો જે જમીન ખરીદવા અસમર્થ હોય તે લોકો નાવમાં જ નિવાસ કરતા , જેનો ઉલ્લેખ દુર્પદ ડૂંગા તરીકે મળે છે. છતાં એક ઐતિહાસિક રેકોર્ડ કહે છે કે હાઉસબોટનો અભિગમ બ્રિટિશ રાજમાં આવ્યો. તે વખતે પણ એક કાયદો અમલી હતો જ્યાં સ્થાનિકો સિવાય કોઈ જમીન ખરીદી ન શકે. અંગ્રેજોએ તોડ કાઢ્યો હાઉસબોટમાં, પંડિત નારાયણદાસે પોતાની દુકાન વેચી એક અંગ્રેજ ઓફિસરને. ત્યાંથી સિલસિલો શરુ થયો હાઉસબોટનો.
એ માટે કાશ્મીરને પોતાની ભૂમિ સમજનાર એક અંગ્રેજ ઓફિસર દ્વારા ખરીદવામાં આવી હતી પણ અંગત ઉપયોગ માટે. આર ફોસ્ટર નામના એક બ્રિટિશ સાહસિકે થોડા ફેરફાર કરીને બ્રિટિશ અફસરોને આકર્ષવાનો વિચાર આવ્યો. ખરેખર તો તેને હોટેલ બનાવવી હતી પણ જમીન ખરીદી ન શકાય તે વાતમાં છટકબારી શોધવાના પર્યાયરૂપે આ હાઉસબોટનો આવિષ્કાર થયો. દલ લેકના પશ્ચિમી ભાગમાં કલેરમાઉન્ટ નામની હાઉસબોટ સૌ પહેલી હતી. એવું મનાય છે કે 1883થી 1888માં આ ટ્રેન્ડ વ્યાપક બન્યો પછી તો જુવાળ ફાટી નીકળ્યો અને એ હદ સુધી કે દલ લેક પ્રદૂષણથી ઉભરાઈ ગયું.
કાંપથી ,પ્રદૂષણથી ઉભરાતા દાલ લેકમાં નવી હાઉસબોટ માટે મનાઈનો હુકમ 1988માં ફારૂક અબ્દુલ્લા સરકારે જ પસાર કર્યો હતો. આમ પણ છેલ્લાં બે અઢી દાયકાથી ચાલતા ત્રાસવાદે ટુરિઝમ ઉદ્યોગ તો પતાવી દીધો હતો ને વિના કોઈ આવક હાઉસબોટનીમરામત કરીને તેને ટીપટોપ રાખવી ગરીબ માલિકને ક્યાંથી પોષાય ? એક અહેવાલ પ્રમાણે છેલ્લા ચાર દાયકામાં લગભગ 2000 જેટલી હાઉસબોટ હતી જેની સંખ્યા અત્યારે 700 કે તેથી ઓછી છે.
હાઉસબોટ પછી શ્રીનગરની બીજી ઓળખ છે બાગથી.
શાલીમાર ,નિશાત, ચશ્મેશાહી ,નસીમ , જવાહરલાલ નહેરુ બોટોનિકલ ગાર્ડન, ઇન્દિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડન ,પરી મહાલ , વેરીનાગ અચબલ બાગ. આ તો ફક્ત જાણીતાં નામ છે. નહીં જાણીતા કે ઓછા જાણીતા બાગ પણ છે.
ટ્યૂલિપ ગાર્ડન, વર્ષમાં માત્ર એક મહિના માટે ખીલે છે. જેને ખીલતા જોવા ભારતભરમાંથી લાખો ટૂરિસ્ટ્સ ઉતરી આવે છે.
![]() |
તમામ ઉદ્યાનો પર પર્શિયન છાપ છે. |
એક સમય એવો હતો કે દુનિયાદારીની સમજ મર્યાદિત હતી. સ્કૂલની ટ્રીપ સમયે જયારે માયસોરનો વૃંદાવન ગાર્ડન જોયો ત્યારે લાગેલું કે દુનિયામાં આથી વધુ સારો કોઈ ગાર્ડન હોય જ ન શકે. પછી જયારે કાશ્મીરના શાલીમાર ,ચશ્મેશાહી, નિશાત, (ત્યારે તો ટ્યૂલિપ ગાર્ડન જન્મેલો પણ નહીં) જોયા ત્યારે ફરી ઓહોહોહો થઇ ગયું હતું.
ઉંમરની સાથે વિશ્વ પરિભ્રમણ વધ્યું ત્યારે આમ્સ્ટર્ડેમના ટ્યુલિપ ગાર્ડન કે પછી સિંગાપોરના બટરફ્લાય પાર્ક કે પછી વેનકુવરના બુચર્ટ ગાર્ડનની મુલાકાત પછી એક વાત નક્કી લાગી કે કોઈપણ મનમોહક ચીજ પર આમ પૂર્ણવિરામ મૂકવા નહીં. એના પછીના અપગ્રેડસ આવે જ રાખે.
તે છતાં કાશ્મીરી ગાર્ડનની નોંધ એટલે લેવી પડે કે તે સમયના ટાંચા સાધનમાં આ ઉપલબ્ધિ નાનીસૂની તો ન જ લેખાય.
એ જુદી વાત છે કે આપણે જેટલું મુગલ બગીચા ને ગાલીચા વિષે જાણીયે છીએ તેવી સિદ્ધિઓ ભારતીય રાજઘરાણાંઓ , તેમની પરાક્રમ,સ્થાપત્યકલા, ધાતુવિજ્ઞાન ,આયુર્વેદ કે શલ્યવિદ્યાઓ અન્ય ડાયનેસ્ટીની સંદર્ભે ભારે અજ્ઞાની છીએ. એક અભણ શિક્ષણમંત્રી આપણને એવા મળ્યા કે જેને પરિણામે સામાન્ય ભારતીય ભારતમાં વિકસેલી કળા,કારીગીરી , હુન્નર ,સંગીત તમામનો યશ મુગલોને જ અપાતો રહ્યો.
વાંક ક્યારેય શાળાનું વિધિવત શિક્ષણ ન લેનાર ટર્કીના મદ્રેસામાં (તે પણ પિતા દ્વારા ચાલનાર)માં ભણનાર એવા ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના આઝાદનો શું કાઢવો ? આવા અભણ શિક્ષણમંત્રી મળ્યા તે ભારતનું દુર્ભાગ્ય .આપણને ઇતિહાસ માત્ર મુગલ અને અંગ્રેજ વિષે ભણાવતો રહ્યો છે પણ આંખો ખોલીને ખરો ઇતિહાસ જાણવાની ઈચ્છા લોકો પોતે ન કરે અને મહાન ધરોહર વિષે ન જાણે તો વાંક કોનો છે ?
ઇસ્લામના આગમન પહેલાં, કાશ્મીર મુખ્યત્વે હિન્દુ પ્રદેશ હતો, આ સમય દરમિયાન પણ આનંદ ઉદ્યાનો કન્સેપ્ટ અજાણ્યો હરગીઝ ન હતો . પ્રાચીન ભારતમાં તેને વાટિકા નામે લેખાતા (વૃક્ષવાળા આનંદ ઉદ્યાનો)ના ખ્યાલથી પ્રભાવિત થઈને, આ પ્રકારના વિવિધ ઉદ્યાનો મોટે ભાગે બગીચાઓના રૂપમાં ખીણમાં બનાવવામાં આવ્યા હતા. આ બગીચાઓ વિવિધ ફૂલો, જડીબુટ્ટીઓ અને સુગંધી પાનના છોડથી સજ્જ હતા. ઘણાં પ્રાચીન પૌરાણિક કથાઓ અને નાટકો આ વાટિકાઓમાં બનતી ઘટનાઓની આસપાસ ફરે છે.
હિન્દુ કાશ્મીરમાં આવા સૌથી પ્રારંભિક બગીચાઓમાંથી એક હતો બાગ-એ-તુત અથવા શહતૂત (મલબરી ગાર્ડન) હતો. આ મૂળભૂત રીતે વર્તમાન મૈસુમા વિસ્તારની નજીક સ્થિત મલબરી વૃક્ષનું જંગલ જેવું ઉધાન હતું અને તેને માયા સ્વામી નામના હિન્દુ સંત દ્વારા નિર્માણ કરાયું હતું .હતું. પાછળથી પુરોગામી મુસ્લિમ શાસકો દ્વારા જાળવણી કરવામાં આવી હતી અને તે 19મી સદીના અંત સુધી અસ્તિત્વમાં હતો , જોકે ખૂબ જ બદલાયેલા સ્વરૂપમાં હોવાનું કહેવાય છે.
ઇસ્લામનો વિધિવત પ્રવેશ 14મી સદીમાં કાશ્મીરમાં થયો એમ લેખાય છે., જેણે પ્રદેશમાં શાહમીરી સલ્તનતની સ્થાપના કરી. આ આક્રમણકારીઓ પર્શિયા અથવા ભારે પર્શિયન પ્રભાવવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા. સ્વાભાવિક છે તેમની છાપ ભાષા, વસ્ત્ર, રિવાજો સાથે પાડવી શરુ થાય. પર્શિયા સાથે સંકળાયેલી ઘણી પ્રકારની કળા અને હસ્તકલા પણ પ્રદેશમાં ફરી વધી. જેમકે પોટરી ,કાર્પેટ વીવિંગ ,ચિત્રકલા,ખાણીપીણી ,તેમાંથી એક બાગબાની એટલે કે બગીચાની કળા પણ હતી.
![]() | ||
|
ઐતિહાસિક સંદર્ભોમાંથી એવું લાગે છે કે આ બગીચાઓ માં એક ચોક્કસ પ્રકારની પર્શિયન શૈલી ઝીલાઈ છે. જેમાં પાણીની સેન્ટ્રલ ચેનલની આસપાસ ગોઠવાયેલા ટેરેસ હોય છે વિપુલ પ્રમાણમાં ઉગેલા વિવિધ છોડ,વૃક્ષ સાથે તેમને જોડવામાં આવતા હશે . જ્યારે કાશ્મીર 16મી સદીમાં મુગલોના હાથમાં આવ્યું ત્યારે, પર્શિયન સંસ્કૃતિ સાથે સંકલિત આ બગીચાઓ પહેલાથી જ કાશ્મીરમાં સ્થાપિત થઈ ગયા હતા. બાદમાં જે કંઈ કર્યું હશે તે આગળથી ચાલી આવતી પેટર્નને મોડીફાય કરી અને આમ મુગલ તેમને નવી ઊંચાઈ પર લઈ ગયા.
મુગલોએ 14મી સદીમાં કાશ્મીરમાં પગ મૂક્યો તે પહેલાં, તે પ્રાચીન હિન્દુ રાજાઓથી શાહમીરી અને ચાક જેવા મુસ્લિમ શાસક વંશો કાશ્મીરને નિવાસસ્થાન બનાવી ચુક્યા હતા જો કે, કાશ્મીર હંમેશા મુગલ બાદશાહો માટે એક આકર્ષક સ્થળ રહ્યું છે. આ સ્થળની અપાર સુંદરતા તેમજ તેને પોતાના મનપસંદ શોખ એટલે કે બગીચાઓ બનાવવા માટે શોષણ કરવાની સંભાવના તેમને આકર્ષિત કરતા હશે એવું ન માનવાને કોઈ કારણ નથી.
બાબરના જીવનકાળ દરમિયાન પણ મુગલોએ કાશ્મીરને હસ્તગત કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમાયુના શાસન દરમિયાન, આ સ્થળ દસ વર્ષ સુધી તેમના કાકા મીરઝા મુહમ્મદ હૈદર દુઘલાત દ્વારા બાદશાહના નામે શાસિત હતું. 1585 AD માં, અકબરે ચાક શાસક યુસુફ શાહ ( હબ્બા ખાતુન ફેમ )સામે યુદ્ધ કર્યું, હારી ગયો. તેમ છતાં, કાશ્મીર પર સંધિ થઈ. એક વર્ષની અંદર તે તૂટી ગઈ અને અકબરે કાશ્મીરમાં બીજી સેના મોકલી. એક કઠિન યુદ્ધ પછી, અકબર વિજયી થયો. આ સમયથી, કાશ્મીર મુઘલો દ્વારા તેમના ગવર્નરો દ્વારા તેમના પ્રાંત તરીકે શાસિત હતું.
એક ઐતિહાસિક સંદર્ભ બાદશાહ અકબરે કાશ્મીરની ત્રણ ક્રમિક મુલાકાત લીધી હતી અને દરેક સાથે આ સ્થળ પ્રત્યેનો તેમનો પ્રેમ વધતો ગયો અને તેથી કાશ્મીર ક્રમિક બાદશાહો: અકબર પછી જહાંગીર , એ પછી શાહજહાં અને દારા શિકોહ તથા ઔરંગઝેબ માટે સમર રિસોર્ટ હતું .
જહાંગીર માટે, કાશ્મીર એવું સ્વર્ગ હતું જેનો નશો એને આગ્રામાં (તે વખતની મુગલ રાજધાની)માં એને ઠરવા નહોતો દેતો. જહાંગીર બીજા મુસ્લિમ રાજવીની સરખામણીમાં હિન્દૂ પરત્વે થોડો ઓછો ક્રૂર હતો છે તેનું કારણ છે તેની ત્રણ આસક્તિ , એક તો નૂરજહાં , જે નૂરજહાંને પામવા તેના પહેલા પતિ અલી ફૂલીની હત્યા કરાવીને પ્રાપ્ત કરી હતી, આ ઉલ્લેખ ઇતિહાસમાં દર્જ છે. બીજું શરાબ અને અફીણ, એના નશા વિના ચાલતું નહીં અને ત્રીજું કાશ્મીર. જ્યાં એ પડ્યો પાથર્યો રહેતો. આગ્રાની ગરમી સહન થતી નહીં એટલે બાદશાહની ગેરહાજરીમાં વહીવટદાર હતી નૂરજહાં .
લગભગ દોઢ સદી સુધી ગરમી પડે કે આ બાદશાહો દિલ્હી અને આગ્રા શ્રીનગર આવતા રહેતા. ત્યારે જે મુગલ રોડ કહેવાતો હતો તે પીર પંજાલ પાર કરીને પોતાના ભવ્ય રાજ રસાલા સાથે, અંગરક્ષક દરબારીઓના કાફલા સાથે. એવું કહેવાય છે કે જહાંગીરે કાશ્મીરની ખીણમાં ચૌદ ઉનાળા વિતાવ્યા હતા , વસંતઋતુમાં બકાઈન (lilac) અને પરિતારીકા (iris)ના ખીલવા સાથે આવીને ધામા નાખતા અને પાનખરનો પ્રારંભ થાયને વાદીમાં કેસરના ફૂલો ખીલવા લાગે ત્યારે જહાંગીર આગરા તરફ પ્રસ્થાન કરતા. જહાંગીરનું મૃત્યુ પણ કાશ્મીરમાં, આજના પૂંચ નજીકના એક નાનકડા ગામ બહરામ-ગલાહમાં થયું હતું.
પોતાના પ્રિય અને મનપસંદ સ્થળે મરણ આવે તેથી રૂડું શું ?
કાશ્મીરના પ્રખ્યાત મુગલ ગાર્ડનની ભવ્યતા મુખ્યત્વે અમર કાશ્મીર પ્રેમી બાદશાહ જહાંગીર અને તેમના પુત્ર શાહજહાંને આભારી છે.જગ્યાના કાળજીપૂર્વક પસંદગી અને તેને પરંપરાગત સ્વર્ગીય બગીચાઓની જરૂરિયાતોને અનુરૂપ બનાવવનાર જહાંગીર હતો. એમ મનાય છે ત્યારે પણ અહીં બગીચા જ હતા, તેમને મૂળ સ્થાનેથી ખસેડવામાં આવ્યા નથી. પાણીના સંસાધનોની વિપુલતાને તેમની મહત્તમ સંભાવના માટે તેને ત્યાં જ સ્થિત રાખ્યા. પસંદ કરેલી સાઇટ હંમેશા પર્વતની તળેટીમાં રહેતી . જ્યાં નદીઓ અથવા વસંતના સ્વરૂપમાં જમા થતું પાણી મૂળ સ્ત્રોત હતા.. આ સુવિધાના પરિણામે છેવટે ટેરેસ્ડ ગાર્ડન લેઆઉટમાં પરિણમ્યું. પર્વતીય ભૂપ્રદેશ દ્વારા આપવામાં આવેલા પડકારોથી પાછા પડ્યા વિના, મુગલ એન્જિનિયરિંગ કૌશલ્ય અને સૌંદર્યશાસ્ત્રએ પ્રબળ કુદરતી લેન્ડસ્કેપ અને ઉપલબ્ધ પાણીના સંસાધનોનો ઉપયોગ કરી શ્રેષ્ઠ પરિણામ લાવી શક્યા .
અત્યારે પણ સમગ્ર વેલીમાં સામાન્ય રીતે પાર્કની જગ્યા ખૂબીપૂર્વક શોધી હોય તેવી પ્રતીતિ થાય. પહાડીની ઉંચાઈ પર, પહાડનો બેકડ્રોપ હોય કે પછી તળાવની મધ્યમાં , કે પછી વચ્ચેથી નદી કે ઝરણ વહેતું હોય જેના કારણે આ તમામ ઉદ્યાનો વિશિષ્ટ સુંદરતા પામે છે. જ્યાં જળસ્તોત્ર ન હોય ત્યાં ખૂબીપૂર્વક ફુવારાનો ઉપયોગ કરાયો છે. કાશ્મીરી વૃક્ષો તેમાં અનુસંધાન પૂર્ણ કરે છે.
![]() |
એક રિપોર્ટ પ્રમાણે ચિનારનું વિશાળ વૃક્ષ રોજ 285 થી 600 લીટર ઓક્સિજન આપે છે. |
ખાસ કરીને ચિનારના વૃક્ષ , દેવદાર કે પાઈન . કાશ્મીરી બગીચાઓમાં જાજરમાન ચિનારની હાજરી આખા પાર્કને જીવંતતા બક્ષે છે.
અમારા ગાઈડે એક બાઓબાબ (રૂખડા ) જેવું વૃક્ષ બતાવીને જણાવ્યું કે આ કદનું ચિનારનું ઝાડ દિવસમાં લગભગ 1000 ટન ઓક્સિજન કાઢે છે. અલબત્ત, આ કહેલી સાંભળેલી વાત હોવાથી આ દાવામાં કેટલી બુનિયાદી છે એ વિષે સંશય છે. પણ એક રિપોર્ટ પ્રમાણે એક મોટું ચિનાર વૃક્ષ રોજ લગભગ 285 લીટર ઓક્સીજન આપે છે.
શાલીમાર બાગ અને તેની સાંસ્કૃતિક પરંપરાની પ્રારંભિક ઉત્પત્તિ 6ઠ્ઠી સદી સુધી પાછળ જાય છે. એવું માનવામાં આવે છે કે શાલીમારમાં 6ઠ્ઠી સદીના અંતમાં હુણ રાજવી પ્રવરસેન દ્વિતીય (જેને શ્રીનગર વસાવ્યું, નામ હતું પ્રવરપૂર) બગીચાવાળો મહેલ બનાવ્યો હતો , જ્યારે બગીચો એક પવિત્ર સ્થળ મનાતો હતો. આ સ્થળેનું નામ હતું શાલીમાર. શાલીમાર નામ જાળવી રખાયું છે જ્યારે મહેલ અદૃશ્ય થઈ ગયો છે . આ વાત રાજતરંગિણી નોંધે છે. મિત્રો આઈસ્ક્રીમ પરના ટોપિંગ્સ જેવા હોય છે. જેમના માત્ર હોવાથી જિંદગી જીવવા જેવી લાગે છે.
કહેવાય છે કે 16મી સદીમાં મુસ્લિમ રાજા, ઝૈન-ઉલ-આબિદીને શાલીમાર માટે નહેર અને બંધ નિર્માણ કરાવ્યા હતા. નામ રાખ્યું હતું ફરહ બખ્શ, એટલે આનંદદાયક, શાલીમાર બાગનો નીચલો બગીચો, સમ્રાટ જહાંગીર દ્વારા 1620ની આસપાસ બનાવવામાં આવ્યો હતો. બાદમાં શાહજહાં બનનારા પ્રિન્સ ખુર્રમ દ્વારા નિર્માણની દેખરેખ કરવામાં આવ્યું હતું.
![]() |
જ્યોતિષશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવનાર દારા શિકોહે પરી મહેલનું નિર્માણ લાઈબ્રેરી અને ખગોળશાસ્ત્રની બારીકી સમજવા કર્યું હતું એમ મનાય છે. |
બહુ ઓછા ટુરિસ્ટ મુલાકાત લે છે એ છે પરી મહેલ . એ મુગલમાં સૌથી ઉદારમતવાદી વિદ્વાન એવા દારા શિકોહ દ્વારા નિર્માણ પામ્યો હતો. શાહજહાંને સૌથી વધુ પ્રિય એવો પહેલો પુત્ર જેને દારા શિકોહ માત્ર ઉદારમતવાદી જ નહોતો, એ હિન્દૂ સાધુસંત સાથે બેસતો ,મુસ્લિમ વિદ્વાનો સાથે પણ ચર્ચા કરતો , સાહિત્યમાં ઊંડી દિલચશ્પી સાથે જ્યોતિષવિદ્યાનો જાણકાર હતો. પરી મહેલ તેને એ જ ઉદ્દેશથી બનાવેલો. જો દારા શિકોહ હિન્દુસ્તાનની ગાદીએ બેઠો હોત તો આજે ભારતનો ચહેરો જુદો હોતે. પણ , સગાં ભાઈ ઔરંગઝેબે શું હાલ કર્યા હતા ઇતિહાસ ગવાહ છે ,કદાચ એટલે પણ પરી મહેલ ખાસ જાણીતો નથી. અમે જ્યારે મુલાકાત લીધી હતી ત્યારે ગાઈડ સારો મળ્યો હતો. જો એ ન મળે અને ઈતિહાસના પાનાં ઉકેલવા ન મળે તો પરી મહેલ એક ખંડેરથી વિશેષ કશું ન લાગે. 1983 માં UNESCO દ્વારા એને ઓળખ મળી પછી વિદેશી સહેલાણીઓ ને વધુ રસ પડે છે. ભારતીય ટુરિસ્ટ માટે શિકારાની સેર, કાશ્મીરી ડ્રેસમાં ફોટા (અલબત્ત હવે તેનું પ્રમાણ ખૂબ ઓછું છે) નથ્થુમાં ચાટની જ્યાફત અને કેસર, અખરોટ ખરીદી સુધી સીમિત હોય છે. હા, એમાં એક મસ્ટ વાત , શંકરાચાર્યજી મંદિરની મુલાકાત.
શ્રીનગર આવતા દરેક આસ્થાળુ આ મંદિર મુલાકાતે તો જાય જ તે છે , ભગવાન શિવને સમર્પિત, કાશ્મીરનું સૌથી જૂનું મંદિર અને લોકપ્રિય તીર્થ કેન્દ્ર છે.
એક વાયકા પ્રમાણે મંદિરનું નિર્માણ ઈ.સ પૂર્વે 200 માં મૌર્ય રાજકુમાર જાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે રાજતરંગિણીમાં ઉલ્લેખ છે ઈ.સ પૂર્વે 371નો . રાજા ગોપાદિત્ય નામના રાજવીએ જયેષ્ઠરુદ્ર શિવ માટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારથી, લગભગ તમામ રાજવંશના રાજાઓએ મંદિરનું પુનર્નિર્માણ કર્યું છે કારણ કે તે આક્રમણકારો દ્વારા ઘણી વખત નાશ પામ્યું હતું. શાસકો અને આ મંદિરના પુનઃનિર્માણમાં યોગદાન આપનારા વિવિધ શીખ શાસકોનો પણ સમાવેશ થાય છે.
આ મંદિર શ્રીનગરમાં ગોપદ્રિ ટેકરી પર 1000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. એક મત એવો પણ છે કે, એક સમયે આ બૌદ્ધ મંદિર હતું. નામ હતું પાસબિહાર (વિહાર). પ્રાચીન સમયમાં ઈસુ ખ્રિસ્તે આ મંદિરની મુલાકાત લીધી હોવાની માન્યતાને કારણે મંદિર ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે. વધુમાં, આદિ શંકરાચાર્યએ આ ટેકરી પર આધ્યાત્મિક ગ્રંથ સૌંદર્યલહિરીની રચના કરી હતી.
આ મંદિરનું સ્થાપત્ય મહત્વ પણ છે, કારણ કે તે કાશ્મીરી શિખર શૈલીના સ્થાપત્યનું પ્રતિનિધિત્વ કરે છે. તે 20 ફૂટ ઊંચા અષ્ટકોણ ખડકના આધાર અને અષ્ટકોણ સ્તંભો સાથે આકારમાં ચોરસ છે. આ મંદિરનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે, અને ભક્તો મહાશિવરાત્રી જેવા તહેવારો અહીં ખૂબ જ આનંદ અને ભક્તિ સાથે ઉજવે છે.
જ્યારે શંકરાચાર્યજી અહીં હતા ત્યારે તેમના એક શિષ્યોએ કહ્યું કે ગુરુજી આપણે તો સમુદ્રથી ખૂબ દૂર આવી ગયા છીએ ત્યારે શંકરાચાર્યજી એ કહ્યું કે માત્ર દૂર નહીં આપણે સાગર હેઠળ આવી ગયા છીએ. એટલે કે દરિયાથી અધિક એવી અતળ માનસિકતા ધરાવતા લોકો વચ્ચે આવી ચૂક્યા છે.
આજે પણ શ્રીનગરના વિસ્તારોમાં ફરતાં ફરતાં તમને એ લોકોના વ્યાકુળ મનના સંવેદન પકડી શકાય.
એ વિશે ચર્ચા પછી ક્યારેક..
શ્રીનગરની વાત કરતા હોઈએ તો માત્ર સાઈટ સીઇંગથી ન પતાવી દેવાય. શોપિંગના રસિયા માટે પણ છે. અલબત્ત, હવે ઓનલાઈન શોપિંગથી દુનિયા એટલી નાની થઇ ગઈ છે કે કાશ્મીરી કેસરથી લઇ બદામ અખરોટ તમને એક ક્લિક પર મળી જાય. પણ, મોટાભાગના લોકો ખરીદે છે ગુચી નામની એક ચીજ . જે રૂપિયા 35થી 40,000 પ્રતિ કિલો મળે છે. એક જાતના બિલાડીના ટોપ જેવી આ વનસ્પતિ જંગલમાં ખૂબ ઊંચાઈએ ઉગે જેને શોધવા માટે થતી મહેનતના આ પૈસા છે. મધ, કાર્પેટ, સિલ્વર અને સ્ટોનના ઘરેણાં, કાશ્મીરથી ખરીદી ને વહેંચવાની શાલ..
કાશ્મીર આવ્યા હૈ તો ખરીદી કિએ બીના છૂટકા હૈ ?
શોપિંગ માટે બે ચાર કલાક નહીં આખેઆખો દિવસ ફાળવવો પડે તે છે શ્રીનગર.
તેથી શોપિંગનો ભવ્ય કાર્યક્રમ અમે છેલ્લે દિવસે રાખ્યો. હાજી તો સફર અડધી પણ થઇ નહોતી. તો આ ભાર ક્યાં વેંઢારવો ?
હવે અમારે શ્રીનગરથી જવાનું હતું એક એવો ધોધ જોવા જે શો મેન રાજ કપૂરની નજરથી બચી કેમ શક્યો એ પ્રશ્ન છે.
ક્રમશઃ
સુંદર લેખ ઐતહાસિક ભરપૂર માહિતી સાથે પ્રવાસ વર્ણન કાકા કાલેલકર નો હિમાલય નો પ્રવાસ પુસ્તક ની યાદ કરાવે છે. અભિનંદન
ReplyDelete