દિલ ઢૂંઢતા હૈ ફિર વહી...
ભારતમાં પણ આવી કોઈ જગ્યા છે , જુઓ તો જ માની શકો. |
શ્રીનગરથી અમારે જવાનું હતું યુસમર્ગ. ખરેખર તો મારા માટે આ નામ જ ભારે વિસ્મયકારી હતું. આ પૂર્વે કોઈ પણ કાશ્મીર પ્રવાસ સમયે ક્યાંય કોઈ પાસે સાંભળ્યું કે જાણ્યું નહોતું.
જયારે આઇટેનરીમાં યુસમર્ગનું નામ જોયું એટલે ગૂગલ પર શોધ કરી. તેમાં પણ ખાસ જોઈએ તેવી માહિતી તો ન મળી. ખૂબ રમણીય જગ્યા છે, માત્ર નિસર્ગપ્રેમી વિદેશીઓ જ આવે છે તેવા સંદર્ભ જાણ્યા એટલે લાગ્યું કે ખાસ સુવિધા નક્કી નહીં હોય અન્યથા દેસીઓ તૂટી પડે. શ્રીનગરથી યૂઝમર્ગ જવાનું હતું. રસ્તો ખાસ લાંબો નથી, પણ વચ્ચે એક સુંદર ધોધ જોવાનો હતો. નામ અહરબલ ફોલ. કાશ્મીરીમાં અહરનો અર્થ થાય છે ઝરણું કે જેને ચશ્મા કહે છે અને બલ એટલે મુખ. ઝરણનું મૂળ , મુખ તે અહરબલ ધોધ. શ્રીનગરથી છે તો માત્ર 75 કિલોમીટરના અંતરે પણ મુંબઈમાં 75 કિલોમીટર અને કાશ્મીરના પહાડી રસ્તા પર ટેમ્પો ટ્રાવેલરમાં કિલોમીટર જુદી જ ગણતરી થાય. તેમાં પણ ત્યાં પહોંચાડતો રસ્તો પુલવામા ગામમાંથી પસાર થતો હતો. હા, એ જ પુલવામા જેના પર થયેલા એટેકથી એક એક હિન્દુસ્તાની હલબલી ગયા હતા. વચ્ચે પુલવામા ગામમાંથી પસાર થવાનું આવ્યું. કોઈ પણ ગામ જેવું ગામ ,એ જ સાંકડા રસ્તા, ભીડભાડવાળી બજારો. ખુલ્લી દુકાનો. પુલવામા પહોંચતા કલાક દોઢ કલાક થયેલો અને હજી તો ત્યાંથી ફરી કલાક એકની જર્ની કરીને અમારે અહરબલ ફોલ પર પહોંચવાનું હતું. ગૂગલ સર્ચમાં જાણવા મળ્યું હતું તે પ્રમાણે આ કાશ્મીરનો નાયગ્રા ફોલ લેખાય છે. એટલે થયું નાયેગ્રા પર હોય છે તેવું માનવ મહેરામણ અને ગતિવિધિઓ હશે. પણ, નવાઈની વાત એ હતી કે એક પણ ટુરિસ્ટ બસ કે કાર પાર્ક થયેલા જોવા મળ્યા નહીં.બપોર થવા આવી હતી વાતાવરણ ખુશનુમા હતું. ઉપરથી જ ધોધ નજરે ચઢતો હતો.
મહેશભાઈએ સહુને સાથે ટ્રેકિંગ સ્ટિક રાખવી એવી સૂચના તો આપી જ દીધી હતી. ટેમ્પરેચર તો હશે 27 ડિગ્રી પણ જેમ જેમ પગથિયાં ઉતરવા માંડ્યા ગરમી વધતી ગઈ.
![]() |
અમારાથી ઉંમરમાં મોટા મિત્રોની ફિટનેસ અમને ક્ષોભમાં મૂકતી રહેતી.. |
એવું લાગ્યું કે ટુરિસ્ટ પ્રમાણમાં ઓછા આવતા હશે, કારણ કે ધોધના છેડે સુધી જવું વયસ્ક વ્યક્તિઓ માટે થોડું પડકારરૂપ ખરું,અમારા ગ્રુપમાં સિનિયર સિટીઝન હતા પણ જ્યાં ટ્રેકિંગ કે વોકિંગની વાત આવે સહુ પોતપોતાની કેપ , સનગ્લાસીસ ને ટ્રેકિંગ સ્ટીકને લઈને એવી તો દોટ મૂકે.. એ દ્રશ્ય ખરેખર જોવા જેવું હતું. અમને ક્ષોભ થઈ આવતો. ચ્યવનપ્રાશ એડની પેલી કેચ લાઇન યાદ આવી જતી : યે સાઠ સાલ કે બુઝુર્ગ યા સાઠ સાલ કે જવાન?
અગર કોઈને નીચે સુધી ન જવું હોય તો એ ઉપરથી નઝારો જોઈ શકે છે , પણ અમારા સહુ સાથીઓ એ તો ટપટપ ઉતરવું શરુ કરી દીધું હતું.
અહરબલ ધોધ, કાશ્મીરના નાયગ્રા તરીકે ઓળખવામાં આવે છે, તે કાશ્મીર વેલીના છુપાયેલા રત્નોમાંનું એક મનાય છે, કુલગામ જિલ્લાની દક્ષિણ પશ્ચિમે છે . વધુ વ્યાપારીકરણ થયેલા પર્યટન સ્થળોથી દૂર, અહરબલ એ એક એવી જગ્યા છે જ્યાં પ્રકૃતિનું સૌંદર્ય અસ્પૃશ્ય અને શુદ્ધ રહ્યું છે. ધોધ વેશાવ નદી, જે જેલમની એક ઉપનદી છે, તે જળપ્રપાત રૂપે 25 મીટર (82 ફૂટ) જેટલી ઊંચાઈ પરથી પથ્થરો પર ખાબકે છે. વનરાજીથી ઘેરાયેલા વાતાવરણમાં વચ્ચે પડતો જાજરમાન જળપ્રવાહ અદ્ભુત દ્રશ્ય સર્જે છે. કાશ્મીરના વધુ જાણીતા સ્થળો કરતાં, અહરબલ ઓછું ભીડભરેલું અને શાંતિપૂર્ણ હોવાથી પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે એક આદર્શ સ્થાન છે. અમે પહોંચ્યા ત્યારે દૂર જ્યાં વેન પાર્ક કરી ત્યાં સુધી ધોધનો પહાડી અવાજ અમારા કાને પડી રહ્યો હતો.
ગીચ જંગલો વૃક્ષોથી ઘેરાયેલું, અહરબલ હાઇકિંગ અને ટ્રેકિંગ પ્રેમીઓ માટે એક સુંદર ડેસ્ટિનેશન છે. નજીકનાં મેદાન અને માર્ગો ખીણના વધુ આશ્ચર્યજનક દ્રશ્યો તરફ દોરી જાય છે.
![]() |
અહરબલ ધોધ : હજી સુધી ટુરિસ્ટની નજરમાં આવ્યો નથી એટલે જ સુંદર રહી શક્યો છે. |
ઇતિહાસમાં અહરબલ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, ફક્ત તેની પ્રાકૃતિક સુંદરતા માટે નહીં પરંતુ સુફી પરંપરાઓ સાથેના સંબંધ માટે પણ. એમ માનવામાં આવે છે કે આ વિસ્તાર સુફી સંતોને પસંદ હતો.
દરેક ઋતુમાં, અહરબલ જુદા સ્વરૂપે નજરે આવે છે. જેમ કે શિયાળામાં હિમાચ્છાદિત, ઉનાળામાં વનરાજીથી મઢાયેલું અને શરદઋતુ દરમિયાન રંગીન પાંખોથી ઢંકાય છે. આ સ્થાન ખાસ્સું ગોપિત છે પણ સ્થાનિક કાશ્મીરીઓમાં માનીતું છે.
મુખ્ય આકર્ષણ છે નીચે આવેલા કુંડ.એમ મનાય છે કે આ કુંડમાં સ્નાન કરવું પવિત્ર છે. અલબત્ત, આ વાયકા સ્થાનિકોમાં છે. અમે ગયા ત્યારે કુંડ સુધી જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં સલામતી માટે ફેન્સીંગ પણ મજબૂત કરાયું છે. ત્યાં મુકાયેલી સૂચનાથી સમજાયું કે હવે આ ધોધ આત્મહત્યા પોઇન્ટમાં તબદીલ થઇ ગયો હતો તેથી સુરક્ષા માટે આ ફેન્સીંગ કરી દેવામાં આવ્યું હતું.
નીચે ઉતરીને ચઢવા માટે કોઈ સમસ્યા નથી. સિમેન્ટ કોન્ક્રીટના પગથિયાં સરસ છે. સાથે રેલિંગ પણ છે જેથી ટ્રેકિંગ સ્ટિક ન હોય તો સમસ્યા ન થાય. છતાં થકવી દેનારી કસરત તો ખરી જ.
વનરાજીથી ઘેરાયેલા આસપાસના વાતાવરણ વચ્ચે પડતી આ વહેતી જળરાશિનો ધસમસતો પ્રવાહ અને તે જે સાઉન્ડ સર્જે તે દ્રશ્ય અદ્ભુત છે. કાશ્મીરના વધુ જાણીતા સ્થળો કરતાં, અહરબલ ઓછું ભીડભરેલું છે કદાચ તેથી શાંતિપૂર્ણ અનુભવ આપે છે. ખરેખર તો પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે એક આદર્શ સ્થાન છે.
ધોધ ઉપરાંત, મોટાભાગના લોકો આજુબાજુ લોલાબ વેલી સુધી ટ્રેકિંગ કરવા પહોંચે છે. ગામ ખૂબ જ નાનું છે. ગામની વસ્તી સંપૂર્ણપણે મુસ્લિમ છે છતાં ત્યાં એક શિવમંદિર કુંગવતન છે એ જાણીને આશ્ચર્ય તો જરૂર થયું, હાઇકીંગ અને રૉક ક્લાઈમ્બિંગના રસિયાઓમાં પ્રિય છે. એક વાત એ પણ ખરી કે આ ધોધ પર જવાનો માર્ગ જે જૂનો મુગલ રોડ કહેતા હતા તે શોપિયાં થઈને જાય છે.
પહેલા કાશ્મીર આવવા માટે શોપિયાં મૂળ મથક હતું. તેથી માત્ર વેપાર ઉદ્યોગ નહીં તમામ પ્રકારના ભોગ વિલાસ ઉદ્યોગ માટે પણ પંકાયેલું હતું. હવે એક ધૂળિયું , સૂનું ગામ થઈને રહી ગયું છે.
પાઈન , દેવદાર વૃક્ષોથી ઘેરાયેલું, અહરબલ પાસેનું જંગલ હાઇકિંગ અને ટ્રેકિંગ પ્રેમીઓ માટે એક સુપર ડેસ્ટિનેશન છે.
બપોરનો ધોમધખતો તાપ હોવા છતાં ગણતરીના સમયમાં સહુ પરત ફર્યા. ગામ ધોધ પાસે નથી પણ ત્યાં થોડી છૂટીછવાઈ ખાણીપીણી વેચતી દુકાનો છે. તે સિવાય કશું નથી. જે જોઈને લાગે કે આ ઑફ સીઝન હોવી જોઈએ. એવી હોટેલમાં અમારી સાથે આવેલા મહારાજોએ વેજિટેરિયન લંચ બનાવી લીધું હતું . જે ખાઈને અમે આગળ વધ્યા.
બે અઢી કલાકે યુસમર્ગ પહોંચ્યા પરંતુ, બદલાઈ ગયેલો પવન, વૃક્ષો અને હવામાં તરતો પમરાટ કહી દેતો હતો કે જગ્યા બેશુમાર ખૂબસૂરત હોવાની. ફક્ત મનમાં હળવી ફડક હતી કે અમારો ઉતારો જમ્મુકાશ્મીરના સરકારી ટુરિસ્ટ બંગલોમાં હતો, હોટેલમાં નહીં. સામાન્યરીતે સરકારી ગેસ્ટ હાઉસ વિષે કલ્પના શું હોય શકે ?
![]() |
JKTDC નું ગેસ્ટ હાઉસ : 'સરકારી' વાળી માન્યતા બદલવી પડી. |
પણ , JKTDC નો ડાક બંગલો જોઈને જ અમારે અમારી માન્યતા બદલવી પડી. બહારથી તો ઇમ્પ્રેસીવ ખરો જ પણ અંદરથી એટલો જ સુઘડ, આરામદાયક. ખુલ્લા મેદાનમાં વચ્ચેવચ એવું આ સરકારી રેસ્ટ હાઉસ, જેના પર સરકારી હોવાની કોઈ છાપ નહીં. સ્ટાફ એટલો જ વિનયી અને કોઓપરેટીવ . Unlike Babushahi. લાઉન્જના સોફાથી લઈને ડાઇનિંગ રૂમ , રૂમ , બિછાના , બાથરૂમ બધું વ્યવસ્થિત. આ રીતે પર્યટન ઉદ્યોગ કામ કરે તો ભારત ટ્રાવેલ ટુરિઝમમાં અવ્વલ ક્રમે પહોંચી શકે.
અમે પહોંચ્યા ત્યારે સાંજ થવા આવી હતી. વાતાવરણમાં હળવી ચીલ હતી. જેવા સહુ ઠરીઠામ થયા કે થોડા મિત્રો લોન્ગ વૉક લેવા જતા રહ્યા. થોડાને ગરમ ગરમ પાણીએ નાહીને સુસ્તી ઉડાવવી હતી એ રૂમ ભેગા થયા. ગેસ્ટ હાઉસ લાઉન્જની બહાર સુંદર વરંડા હતો . બેસવાની પણ વ્યવસ્થા હતી. અમે ચા મંગાવી ને સાથે બેઠેલા મેનેજર સાહેબને પણ ઓફર કરી. વિવેક કરવા એમણે કપ તો હાથમાં લીધો પણ એક જ ઘૂંટમાં મોઢું કટાણું થઇ ગયું , જેની અમને ખાતરી હતી.
"આપ ગુજરાતી લોગ ઇતના ચીની કયું લેતે હૈ ?" તેનો પ્રશ્ર કદાચ તમામ ગુજરાતીઓની ચા ચાખ્યા પછી હશે એવું લાગ્યું .
ગૂગલ પર તો જાણ્યું જ હતું પણ વાતચીતમાં એમણે પણ ઉલ્લેખ કર્યો કે યુસમર્ગનું નામ જિસસ ક્રાઈસ્ટ પરથી પડ્યું છે. મર્ગ એટલે મેડોઝ , ઘાસનું મેદાન .એમ મનાય છે કે જિસસ જયારે કાશ્મીર આવ્યા ત્યારે અહીં મુકામ કરીને રહ્યા હતા તેથી નામ પડ્યું યુસમર્ગ .
ઘણાંને એવો વિચાર આવે કે જિસસ વળી ક્યારે કાશ્મીર આવેલા ?
એક માન્યતા એવી છે કે તેમને જયારે વધસ્થંભ પર ચઢવી દેવાયા ત્યારે રાતોરાત તેમનું બોડી અદ્રશ્ય થઇ ગયું હતું. હજી એવું માનનારો વર્ગ છે કે ઈસુના શિષ્યોએ તેમને વધસ્થંભ પરથી ઉતારી છુપાવી દીધા હતા, થોડી સારસંભાળ પછી ઈસુ પ્રવાસ કરવા જેટલી શક્તિ ભેગી કરી શક્યા ત્યારે તેમને યેરૂસલેમથી બહાર કાઢવાનું કામ મેરી મેગ્દલીન નામની એક શિષ્યા અને બીજા શિષ્યોએ કર્યું હતું.
વિશ્વભરમાં એક થિયરી એવી પણ પ્રવર્તે છે કે ઈસુ ક્રુસીફિકેશનથી જીવતા બચી ગયા હોય શકે અને ત્યારબાદ કશ્મીર ગયા, જ્યાં તેમણે જીવનના બાકી દિવસો પસાર કર્યા. આ વિચાર મુખ્યત્વે ધાર્મિક ગ્રંથોના વિકલ્પાત્મક અર્થઘટનો, સ્થાનિક કશ્મીરી લોકકથાઓ અને કેટલીક વિવાદાસ્પદ ઐતિહાસિક નોંધોને આધારે છે.
જેમકે ઈસુનો ક્રુસીફિકેશનથી બચાવ અંગે કેટલાક સમર્થકો દલીલ કરે છે કે ઈસુ ક્રોસ પર મૃત્યુ પામે તે પૂર્વે તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ થિયરી કાશ્મીરના અહેમદિયા મુસ્લિમ હજી માને છે, તેઓ માને છે કે ઈસા એક નબી હતા, જેમણે ક્રૂસીફિકેશનથી બચીને હિજરત કરી લાંબું જીવન જીવી લીધું. તે દલીલ પ્રમાણે પૂર્વ તરફ ગયા, હત્યારાઓથી બચવા માટે. તેમનો પ્રવાસ રહ્યો પર્શિયા (આજનું ઈરાન) અને અફઘાનિસ્તાનમાંથી પસાર કરી કશ્મીર પહોંચ્યા જે ત્યારે આધ્યાત્મિક પરંપરાઓ માટે પ્રખ્યાત હતું.
શ્રીનગરમાં આવેલી આ દરગાહ એટલી વિવાદિત થઇ ગઈ કે હવે ટુરિસ્ટ માટે પ્રવેશ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. |
યુઝ અસફની કબર, આ થિયરી માટે શ્રીનગરમાં આવેલા રોઝાબલ શ્રાઇનની મુલાકાત લેવી રહી. લોકો માને છે કે તે યુઝ અસફની કબર છે, જે નામ ઈસુનું એક બીજું નામ હોવાનું મનાય છે. કહેવામાં આવે છે કે કબર યહૂદી દફનવિધિની રીતો સાથે મેળ ખાય છે, અને કેટલાક દાવો કરે છે કે તે શ્રાઇનમાં એવા પગના નિશાન છે, જે ક્રૂસીફિક્સનના ઘાવ સાથે મળે છે. કેટલીક કશ્મીરી લોકકથાઓમાં એવો ઉલ્લેખ છે કે પશ્ચિમમાંથી એક પવિત્ર પુરુષ કશ્મીર આવ્યા હતા, જેઓએ ઈસુના ઉપદેશ જેવો સંદેશ આપ્યો હતો. એવું કહેવાય છે કે તેઓ આ પ્રદેશમાં રહેતા હતા અને સ્થાનિકોને અનુયાયીઓ બનાવી પોતાની સાથે જોડ્યા હતા.
ટૂંકમાં આ આખી વાત માત્ર રહસ્યમયી જ નહીં દિલચશ્પ છે. તેની પર ઘણી હિસ્ટોરિકલ ફિકશન લખાઈ છે. રસ ધરાવનારને નામાંકિત લેખક અશ્વિન સાંધીની રોઝાબેલ લાઈન વાંચવાનો અનુરોધ છે. આ પુસ્તક આવ્યા પછી હવે મઝારમાં નોન મુસ્લિમ, ટુરિસ્ટ ને પ્રવેશ આપવો બંધ કર્યો છે.
આ વિષે મેનેજર કદાચ વધુ જાણતો ન પણ હોય અને જાણતો હોય ને એક ચુસ્ત મુસ્લિમ તરીકે માનતો ન હોય તેથી અમારી ઉત્સુકતા પર ઠંડુ પાણી રેડી દીધું હતું.
પણ પ્રશ્ન તો ઉભો જ રહે છે કે જો ઈસુ અહીં આવ્યા જ ન હોય તો એના નામનું ગામ કેમ વસે ?
અમારી કુતુહલતાનો મોક્ષ થાય એવું કોઈ કારણ તો જડ્યું નહીં, એટલે જ્યાં સુધી નેટ કનેક્શન મળ્યું (ઈલેક્ટ્રીસિટી) ત્યાં સુધી ફોનમાં શાહમૃગની જેમ માથું નાખીને બેસી રહ્યા.
સમસ્યા જે હતી એ ઇલેક્ટ્રિકસિટીની. વીજળી દિવસના અમુક કલાક સુધી જ આવે. ત્યારે સમજાયું જિંદગીમાં બે ચીજ વિના કેટલું સોરાવું પડે. એક ઈન્ટરનેટ અને બીજું હેર ડ્રાયર .
ઠંડી શરુ થઇ હતી. વહેલાસર ડિનર પતાવીને ઊંઘ ભેગા થવાનું હતું. બીજા દિવસે અમારે જવું હતું જંગલ કે ઉસ પાર .
JKTDC ના કોટેજ પર સવારે ઘોડાં હાજર થઇ ગયા હતા. જેને ટ્રેકિંગ કરવું હોય તે ટ્રેક કરે જે નબળા હોય તે ઘોડા પર આવે.અમારી મંઝિલ હતી નીલ નાગ , એટલે કે નીલ લેક , નીલ એટલે ભૂરું નાગ એટલે લેક. પૂરા ચાર કિલોમીટરનો રન તે પણ જંગલના ઉબડખાબડ રસ્તા , બે દિવસ પૂર્વે હળવો વરસાદ થઇ ચુક્યો હતો એટલે માટી ચીકણી ને લપસણી થઇ ચૂકી હતી. અમને હતું કે તમામ સાથીઓ ઘોડેસવારી કરશે પણ મારા આશ્ચર્ય વચ્ચે અમારા જેવા લોકો ઘોડે ચઢવાનું પસંદ કર્યું ને અમારાથી ઉંમરમાં દસ પંદર વર્ષ મોટા મિત્રો ટ્રેકિંગ માટે સજ્જ હતા. સાચું કહું તો શરમ આવી પણ પોતાની શક્તિ અને મર્યાદા બંને જાણી રાખવા સારા. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.
કોઈ રાહ જાયેં તો જાને બદલને કે લિયે રાહેં બહોત હૈ ~મહબૂબ ખિઝાં |
શરુ થઇ એક ભાવયાત્રા. જંગલ એટલે જંગલ , અમારું સ્વાગત કરવા લગભગ 30થી 40 ફૂટ ઊંચા પાઈન , દેવદાર, વિલો ઉભા હતા. એમાંથી ચળાઈને આવતા સૂર્યકિરણો જે આભા ઉત્પન્ન કરતા હતા તેને વર્ણવી ન શકાય. મન કોઈક એવી અકળ લાગણીથી ઉભરાતું હતું જે આંસુ બનીને સરી ગઈ . કોઈ ઉપદેશ નહીં , કોઈ બોધ નહીં, કોઈ વ્યાખ્યાન નહીં અને ક્ષણમાં અનુભૂતિ થઇ બ્રહ્માંડના એક પરમાણુ હોવાની.
ઘોડો તો પોતાની રીતે પોતાની ગતિએ ચાલતો હતો અને મન પોતાની અવસ્થામાં. પ્રકૃતિ જ એક સત્ય છે જે મનુષ્યને તે કોણ છે તેનું ભાન કરાવી શકે છે.
न किंचित शाश्वतम्.. કશેકથી મનમાં આવ્યું . ક્યાં સાંભળ્યું કે વાંચ્યું હતું , કયા સંદર્ભે એ યાદ નહોતું પણ આ સનાતન સત્ય સમજાયું તે ઘડીએ.
ઘણાં મિત્રો ઘોડેસવારી કરતા કરતા ગીતો ગાતા હતા. કોઈક ફોટોગ્રાફી કરતા હતા, પણ એક તેજ લિસોટાથી મન કોઈ જુદી દિશાએ ફંટાઈ ગયું હતું. એ અવસ્થા લાંબી ચાલતે જો ઘોડાનો પગ હળવો ન લપસતે.
ત્યારે ખ્યાલ આવ્યો કે રસ્તા જેવું કશું હતું જ નહીં. ક્યાંક ક્યાંક કેડીઓ જતી હતી , ક્યાંક ગુમાઈ જતી હતી ને વળી પાછી સામેથી મળી પણ જતી હતી. મને સ્કૂલમાં ભણતા હતા એ કવિતા યાદ આવી
ઘેનની પ્યાલી પાય છે કેડી
ક્યાંક મને લઇ જાય છે કેડી .
દિલ ઢૂંઢતા હૈ ફિર વહી , ફુર્સત કે રાતદિન ... |
આગળ ન કવિતાની પંક્તિ યાદ આવી ન કવિનું નામ. ચોથા પાંચમા ધોરણમાં ભણી હશે એટલું જ યાદ હતું.
વનની મુક્તમને વિહરતી વનરાજી, વાતાવરણની અદભૂત શાંતિ , ક્યાંક ક્યાંક પંખીના કોલ ને મનમાં ચાલતાં મંથન. ચાર કિલોમીટર ક્યારે કપાઈ ગયા ખ્યાલ પણ ન આવ્યો.
ને અચાનક જ સામે અફાટ નીલરંગી સરોવર પ્રગટ્યું. એવું લાગ્યું કે જાણે બાહુબલી ફિલ્મનો સેટ. પાણી એકદમ આકાશી ભૂરું એટલે તો તેનું નામ નીલ નાગ છે.
વનરાજીથી ઘેરાયેલી પહાડી પરથી અચાનક આ નીલરંગી સરોવર દેખા દે . એવું લાગે કે જાણે કોઈ જાદુઈ વાસ્તવિકતા . |
એપલ ઓર્ચડ જઈને ચોરીને ન ખાવ તો શું મજા ? |
નીલ નાગ પર આ નાનાં મકાનોમાં હોમ સ્ટે કરી શકાય છે. જો એકદમ બેઝિક સુવિધા સાથે ચાલતું હોય તો આથી ઉત્તમ કોઈ લોકેશન નથી.
અમે કાશ્મીરી સ્ટાઇલના હોમ મેડ પાઉં , કાવા ને સફરજન ને ન્યાય આપ્યો. એમને તો અમને બજારમાં મળતાં બિસ્કિટ પણ ઓફર કર્યા હતા પણ એમાં કોઈને રસ નહોતો. નાની ચાપાણી આપતી બે દુકાનો. સફરજનના બગીચાની વચ્ચે , 25 વ્યક્તિના ગ્રુપ માટે ફટાફટ કાવો આવ્યો. સાથે ઝાડ પરથી તોડીને લીધેલા સફરજન. જોકે માલિકે પોતે ઓફર કર્યા હતા.
કલાકભર નીલનાગના વ્યુ ને માણી , મન ભરાય ત્યાં સુધી કેમેરામાં મઢીને ફરી ગેસ્ટ હાઉસ તરફ પ્રયાણ કર્યું.
કારણ કે હવે જમીને તરત નીકળવાનું હતું. નેક્સ્ટ ડેસ્ટિનેશન હતું દૂધપથરી .
ક્રમશ:
ધન્ય....ચાલીસ વર્ષ પૂર્વે કાશ્મીર જવાનું બહુ બનતું હતું. તે પછી આતંકવાદ વિકર્યો તે બંધ..હવે તો સરકારી નહીં પણ પ્રવાસી તરીકે જવાનું થાય ત્યારે. હઝરત બાલ ગયો છું...દાલ લેઈકની મોજ લીધી છે...શંકરાચાર્ય હિલ....પટ્ણી ટોપ અને અન્ય સ્થળો ગયો છું. આ યુસમર્ગ નથી ગયો...તમને અભિનંદન
ReplyDeletethank you
Delete