જ્યોતિ કલશ છલકે..
![]() |
1200 વર્ષ પૂર્વેની ધરોહરની સાબિતી છે માર્તન્ડ સૂર્ય મંદિર |
રળિયામણું દક્સમ સવારે છોડવાનું કારણ હતું. જવું હતું બીજા એક સ્થળે, સિંથન ટોપ. એ પણ માર્ગન ટોપ જેમ જ, જે કિશ્તવર થઈ અને ભારત પાકિસ્તાન સીમા પર આવેલા સંખ્યાબંધ ગામને અનંતનાગ જિલ્લા સાથે જોડે છે.
ઊંચાઈ માર્ગન જેટલી નથી પણ તો ય 12000 ફિટ ખરી.
ત્યાં સુધી પહોંચવા માટે સહેલાણીઓ એ અગાઉથી પરમિશન લેવી જરૂરી છે.
સામાન્યરીતે આ વિસ્તારોમાં સહેલાણીઓની એન્ટ્રી પ્રતિબંધિત છે, જવું હોય તો અગાઉથી પરમિશન લેવી જરૂરી છે. અમારી પાસે જરૂરી પરમિશન હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા વાનને રોકવામાં આવી. એક ડીએસપી કક્ષાના ઓફિસરની મધ્યસ્થીથી કાફલો આગળ વધ્યો.
સિંથન ટોપ પરથી દૂર સુધી વિસ્તરેલી ખીણ, સર્પાકાર રસ્તા જોઈને ધરાયા નહોતાં ત્યાં તો હળવા છાંટા વરસ્યા. વેધર ચાર્ટે આગાહી તો કરી હતી. સૌ સજ્જ પણ હતા. હજુ કોઈ વિન્ડચીટર બહાર કાઢે એ પહેલાં વાદળ હટી ગયા અને ફરી સોનેરી સૂર્યપ્રકાશવાળો દિવસ ખુલી ગયો. એક નાની ટપરી જે ખુલવાની તૈયારીમાં હતી ત્યાં કાવાનો પ્રોગ્રામ થઈ ગયો.
કાશ્મીરમાં હો ને કાવો ન પીઓ તે તો બહુ નબળી વાત.
દૂધ વિનાની ચા, ઉપરથી સાકર ને બદામનો ભૂકો અને કેસર, ત્યાંનું ખાસ પીણું છે. ખાસ કરીને કાશ્મીરી કાવા ને કાંગરી એકબીજાના પર્યાય છે.
આપણે સ્કૂલમાં એ વિશે ભણી ચૂક્યા છીએ કે કાશ્મીરમાં એવી ઠંડી હોય કે ત્યાંના લોકો છાતી સરસી કાંગરી એટલે કે નાની સગડી રાખે અને તેમાં કાવો ઊકળતો રહે, જે પીવાથી કાતિલ ઠંડી સામે રક્ષણ મળે.
જો કે હવે કાવો રહ્યો છે પણ કાંગરી અદ્રશ્ય થઈ ગઈ છે. તેનું કારણ એ છે કે આમ છાતીએ કાંગરી બાંધી રાખવાથી સ્કીન કેન્સર થતું હતું. હવેની કાશ્મીરી યુવાપેઢી વૂલનના પેહેરન પહેરવાને બદલે ચાઈનાથી કે પછી વિદેશીઓ વેચી જાય તેવા વિદેશી જેકેટ પહેરે છે, હવે કાંગરી જેવો શબ્દ નવી પેઢી જાણતી નથી.
કાવા અને ફોટો શૂટને ન્યાય આપી અમે ફરી હોટલ આવ્યા, લંચ પછી અમારે જવાનું હતું પહેલગામ, પણ તે પૂર્વે જોવાનું હતું માર્તંડ સૂર્ય મંદિર.
આ મંદિર માટે એટલું તો સાંભળ્યું હતું કે જેને જોવાની અભિલાષા વર્ષોથી દિલમાં હતી.
આંધી ને હૈદર ફિલ્મમાં આ મંદિર ને તમે જોયું જરૂર હશે પણ તેનું ઐતિહાસિક બેકગ્રાઉન્ડ એટલું તો ભવ્ય છે કે એને જોવાની મહેચ્છા જાગ્યા વિના ન રહે.
ગયા સપ્ટેમ્બરમાં જ્યારે કાશ્મીર આવી ત્યારે આઈટેનરીમાં આ મંદિર જોવા જવાનો પ્લાન હતો. પણ, અમારા ડ્રાઇવરની ગેરસમજ કહો કે કે બદમાશી તે અમે પહોંચ્યા અનંતનાગના નવા થયેલા સૂર્ય મંદિર પર. જેને ન તો ઈતિહાસ સાથે કોઈ લેવાદેવા છે ન તો સ્થાપત્ય સાથે. નવું એક મંદિર આસ્થાળુ ટુરિસ્ટ માટે ઊભું કરાયું છે.
મૂળ જે માર્તંડ મંદિર છે તે ગામથી પાંચ કિલોમીટર વધુ દૂર છે.
કાશ્મીર ફરવા આવતા ઘણાં સહેલાણીઓને આ ભવ્ય ખંડેર મંદિર જોવા જેવું નથી લાગતું. થોડા ને કુતૂહલ હોય કે આંધી ને હૈદર ફિલ્મ અહીં શૂટિંગ થયેલું એટલી જ જાણકારી તેમને હોય છે .
માર્તંડ સૂર્ય મંદિર શું છે ? માર્તંડ સૂર્ય મંદિર, જે બૌદ્ધ સાધુઓમાં પાંડૌ લાઈદાન તરીકે પણ ઓળખાય છે, હિંદુ ધર્મના મુખ્ય સૂર્ય દેવતા સૂર્યને સમર્પિત એક હિંદુ મંદિર છે અને જે નિર્માણ પામ્યું 8મી સદી. આ વિશે વિસ્તૃત માહિતી જે નવું મંદિર બંધાયું છે ત્યાં મળતી પુસ્તિકાઓમાં છે. જેનો ઉલ્લેખ કલ્હણ દ્વારા લખાયેલ રાજતરંગીની પુસ્તકમાં પણ છે. કાશ્મીરની મૂળ ભાષા કહી શકાય તેવી શારદા લિપિમાં લખાયેલી માહિતી હવે હિન્દી અને અંગ્રેજી પુસ્તિકામાં પ્રાપ્ય છે.
આ મંદિરનું નિર્માણ કર્કોટા રાજવંશના ત્રીજા શાસક લલિતાદિત્ય મુકતાપીડે કરાવ્યું હતું. આજે તે ભગ્ન અવસ્થામાં છે પરંતુ ASI એ તેની માવજત અને સાચવણી સુપેરે કરી છે. અન્ય મુસ્લિમ શાસકો જેવા જ ધર્માંધ મુસ્લિમ શાસક સિકંદર શાહ મિરીના આદેશ પર પંદરમી સદીમાં તે નષ્ટ કરવામાં આવ્યું હતું. તેનો ઉલ્લેખ શેતાન કી ગુફા નામથી મુસ્લિમ ગ્રંથોમાં છે. ખંડેરો અને સંબંધિત પુરાતત્વીય શોધ પરથી એવું ચોક્કસ કહી શકાય કે આ કાશ્મીરી સ્થાપત્યકળાનો એક શ્રેષ્ઠ નમૂનો હશે, આ મંદિર કેન્દ્રીય સંરક્ષિત સ્મારકોની યાદીમાં કર્તંડા (સૂર્ય મંદિર) તરીકે નોંધાયેલું છે. એવું મનાય છે કે પુરાતન સૂર્યમંદિરોમાં જેવા કે મોઢેરા અને કોણાર્કની સરખામણીમાં માર્તન્ડ મંદિર વધુ જૂનું છે. હકીકત એ છે કે આટલા ભવ્ય ઇતિહાસને થોડા વર્ષ પૂર્વે કોઈ જાણતું પણ નહોતું.
ઈતિહાસકારોની વાત અલગ છે પણ આપણે સામાન્ય લોકો, જાણતા સુધ્ધાં નહોતા તે નામને અચાનક ઉજાગર કર્યું કાશ્મીર ફાઇલ્સ નામની ફિલ્મે. આ રાજવી લલિતાદિત્ય મુક્તાપીડ હતા કોણ ?
જેમને ભારતવર્ષના સિકંદર લેખવામાં આવે છે તેનું કલ્પનાચિત્ર |
જેનો ઉલ્લેખ ભારતવર્ષના સિકંદર તરીકે થાય છે તે લલિતાદિત્યનો જન્મ ઈ.સ 699 , કાશ્મીરના દુર્લભક-પ્રતાપદિત્યના ત્રીજા પુત્ર તરીકે થયો હતો. આ વંશ હતો કાશ્મીરનો નાગવંશી કર્કોટા કાયસ્થ, આમ તો રાજવંશ ન કહી શકાય કારણ કે કર્કોટા કાયસ્થ કુટુંબ મુખ્યત્વે દાયકાઓથી કાશ્મીરના રાજાઓને સૈન્ય સેવા આપતા હતા. તે લોકો યુદ્ધના મેદાનમાં પોતાના ઉલ્લેખનીય સાહસ માટે જાણીતા હતા. કાશ્મીરના રાજાઓએ તેમના મહાન યોગદાન માટે તેમને સખસેનની ઉપાધિ આપી હતી.
લલિતાદિત્યનું જન્મ નામ મુક્તાપીડ હતું અને તેમના મોટા ભાઈ ચંદ્રપીડ અને તારાપીડ હતા. મુક્તાપીડે ઈ.સ 724 કાશ્મીર રાજ્ય પર કબજો જમાવ્યો. આ જ તે સમય હતો જ્યારે ભારતમાં પશ્ચિમી આક્રમણ શરૂ થયા હતા અને અરબી લૂંટારુઓએ હાલ પાકિસ્તાન છે તે સ્વાત, મુલતાન, પેશાવર અને સિંધ રાજ્ય પર કબજો કર્યો હતો. આરબ શાસક મોહમ્મદ બિન કાસિમ પહેલાથી જ કાશ્મીર અને મધ્ય ભારત પર કબજો કરવાની ધમકી આપી રહ્યો હતો.
એ ઉપરાંત લદ્દાખના દર્દા, કંભોજ અને ભુટ્ટો સામે યુદ્ધ કર્યું, જે પ્રદેશ ત્યારે તિબેટી શાસન હેઠળ હતા. લલિતાદિત્યે જાતે સૈન્યનું નેતૃત્વ કરીને યુદ્ધમાં તમામ રાજાઓને હરાવ્યા અને લદ્દાખના વિસ્તારો પર નિયંત્રણ સ્થાપિત કર્યું. લલિતાદિત્ય અને પંજાબના યશોવર્મન વચ્ચેના ગઠબંધને આરબોને કાશ્મીરમાં પ્રવેશ કરવા પર રોક્યા. પછી તેમણે કાબુલના માર્ગે તુર્કસ્તાન (આજનું ટર્કી) પર આક્રમણ કર્યું. લલિતાદિત્યા એ પોતાનું સામ્રાજ્ય મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટ, દક્ષિણ ભાગમાં પલ્લવ અને કલિંગથી શરૂ કરીને ભારતના પશ્ચિમ અને દક્ષિણના ઘણા સ્થળો પર કબજો કરીને વિકસાવ્યું હતું. એટલું જ નહીં તેમણે ચીનીઓને હરાવીને મધ્ય ચીન સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તૃત કર્યું, જેના પછી તેમની તુલના એલેક્ઝાન્ડર ધ ગ્રેટ (સિકંદર) સાથે કરવામાં આવી.
લલિતાદિત્યએ તેમના લશ્કરી અભિયાનો દ્વારા બંગાળ,બિહાર,ઓરિસ્સા સુધી અને ગુજરાત,માળવા અને મેવાડ સુધી કૂચ કરી જીત હાંસલ કરી હતી. સામ્રાજ્ય અફઘાનિસ્તાનથી ચીન સુધી વિસ્તરેલું હતું, |
કાશ્મીર સામ્રાજ્યને પ્રચુર ધન પ્રાપ્ત થયું અને લલિતાદિત્યએ આ ધનનો ઉપયોગ કાશ્મીરમાં વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધવામાં કર્યો, મંદિરોનું નિર્માણ શરૂ થયું અને લલિતાદિત્યના શાસન હેઠળ કાશ્મીરમાં વ્યાપક વિકાસ થયો. એવું લેખાય છે કે લલિતાદિત્ય ઉદાર રાજા હતા, જેમણે હિન્દુ પરંપરાને જીવંત રાખવા ભારે પરિશ્રમ કર્યો હતો, પરંતુ તે તમામ ધર્મોનો આદર કરતા હતા. એમ કહેવામાં આવે છે કે તેઓ ખૂબ દયાળુ શાસક હતા, જે લોકોનો અવાજ સાંભળતા હતા. શારદા લિપિમાં લખાયેલા શિલાલેખ આજે પણ મળી આવે છે.
અનંતનાગ જિલ્લામાં આવેલું આ સૂર્ય મંદિર હવે સહેલાણીઓમાં ભારે પ્રિય થઇ ચૂક્યું છે. એક ઊંચાઈ પર બનેલા મંદિરમાં જવા માટે થોડા પગથિયાં ચઢવા પડે. ઉપરથી આસપાસનો નઝારો નજરે ચઢે. જયારે આ નિર્માણ થયું ત્યારે આવો જ કોઈ ઉદ્દેશ રાજાના મનમાં રહ્યો હોવો જોઈએ. સ્થાપત્યકલાના અભિકોણથી જોઈએ તો 1200 વર્ષની ધરોહર, 32000 સ્કે ફૂટમાં પથરાયેલું 200 ફુટ લાબું, 142 ફુટ પહોળા આ મંદિરમાં પેરી સ્ટાઇલનો ઉપયોગ થયો છે. એટલે કે વચ્ચે મૂળ મંદિર અને આજુબાજુ તેને ફરતા નાના મંદિર અને સ્તંભ. એટલું જ નહીં તેમાં કોઈ એક ચોક્કસ શૈલી ન હોય ને બહુવિધ શૈલી જેવી કે નાગરા , બેઝેન્ટાઇન , સિરિયન ,ગ્રીક રોમન , ગુપ્ત ,બૌદ્ધ ગાંધાર, ચાઈનીઝ શૈલીનો ઉપયોગ થયો છે.
મંદિરનું આંગણ 84 નાના મંદિરોથી ઘેરાયેલું હશે તેવું અવશેષ દર્શાવે છે તેમ ASI ની પુરાતત્વવાદીઓની ટીમનું માનવું છે. જેના ભગ્ન અવશેષ સાબિતી આપે છે. દીવાલો ગ્રે લાઇમ સ્ટોનની બની છે લગભગ તમામ અન્ય દેવીદેવતાઓની પ્રતિમા કોતરણી છે. જેમાં બહુધા મૂર્તિઓ ખંડિત હોવાથી ઓળખવી મુશ્કેલ છે પણ વિષ્ણુ, ગંગા અને જમુના મૂર્તિઓ ઓળખ પામી ચૂકી છે. પ્રવેશદ્વારની દિશા પૂર્વની નહીં બલ્કે પશ્ચિમની છે.
પ્રવેશતાની સાથે જ એક મોટો હોજ જેવું સ્ટ્રક્ચર ધ્યાન ખેંચે. એ પાછળનું લોજીક કે મહિમા ક્યાંય દર્શાવાયા નથી. કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં જ્યાં લગભગ દસ મહિના ઠંડી રહેતી હોય ત્યાં સ્નાનનું મહત્વ તો ન જ હોય તેથી આ અચરજ જગાવે છે.
કલ્હણ દ્વારા રાજતરંગિણી ગ્રંથ લખાયો 11મી સદીમાં અને રાજવી લાલિત્યદિત્યનો સમય હતો 8મી સદી . એટલે કે ત્રણસો વર્ષ પછી લખાયેલા ઇતિહાસમાં ન જાણે કેટલી કડીઓ ગુમાઈ ગઈ હશે છતાં એક ભવ્ય ચિત્રણ તો મળે છે. જેનો અભ્યાસ કરનાર હતા ઇતિહાસકાર એમ. એ. સ્ટેન, જેઓએ અંગ્રેજી અનુવાદ કરીને આપણને ઉપલબ્ધ કરાવ્યો (એમેઝોન પર મળશે ) , એ લખે છે કે મહાભારતના સમયથી પ્રારંભ થયેલો કાશ્મીરની તવારીખ રાજતરંગિણીના આઠ વોલ્યૂમ આપે છે જેમાં સમ્રાટ આશિક, શિવ ઉપાસક જાલૌક, મેઘવાહન, દુર્લભ વર્ધન, ચંદ્રપીડ, લલિતાદિત્ય, અવંતિ વર્મન, શંકર વર્મન, સંગ્રામ રાજ, ત્રિલોચન પાલ, જયસિંહ, રાણી દીદ્દા અને કોતરસી વગેરે જેવા સેંકડો રાજાઓ અને સમ્રાટો રહ્યા છે, જેમણે પોતપોતાની રીતે કાશ્મીરને ઘડવામાં યોગદાન આપ્યું છે.
કાશ્મીરની મહાન સાંસ્કૃતિક અને માનવતાવાદી સિદ્ધિઓને અકબંધ રાખે છે.આ તમામમાં એક નામ ભારે ચમકે છે તે છે આઠમી સદીના સૌથી શક્તિશાળી ભારતીય સમ્રાટ લલિતાદિત્ય મુક્તપીડનું. જેમના સમયે હાલના મધ્ય એશિયા સહિત સમગ્ર ભારતમાં કાશ્મીર અને કાશ્મીરીયતની આ.
કલ્હણ લખે છે કે એકવાર લલિતાદિત્ય જ્યારે પોતાની સેના સાથે પંજાબ તરફ કૂચ કરી ત્યારે પંજાબના લોકોએ તેમનું સ્વાગત કર્યું. પંજાબના શાસક યશોવર્મનને પદભ્રષ્ટ કરવામાં આવ્યો અને સંધિ કરી પંજાબને કાશ્મીર રાજ્યની સીમાઓમાં ભેળવી દેવામાં આવ્યું. લલિતાદિત્યએ તેમના લશ્કરી અભિયાનો દ્વારા બંગાળ, બિહાર, ઓરિસ્સા સુધી તેમના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. આ લશ્કરી કૂચ ગુજરાત, માલવા અને મેવાડ સુધી સફળતાપૂર્વક ચાલુ રહી.લલિતાદિત્યના આ સફળ યુદ્ધ અભિયાનોને કારણે કાશ્મીર ભૂમિના શૂરવીર સપૂતોનું નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયું. મોટા મોટા સામ્રાજ્યો કાશ્મીરી રાજવી સામે ઝૂકી ગયા.
દૂર દક્ષિણ પર વિજય મેળવ્યા પછી, સમ્રાટ લલિતાદિત્યની ઈચ્છા વધુ ઊંચા શિખરો સર કરવાની હતી.
ઈતિહાસકાર આર સી મજુમદારના શબ્દોમાં જાણીએ તો , 'દક્ષિણમાં આ મહત્વપૂર્ણ વિજય પછી, લલિતાદિત્યએ કાશ્મીરની ઉત્તરીય સરહદો પર સ્થિત વિસ્તારો તરફ ધ્યાન આપ્યું. તે સમયે તેમનું સામ્રાજ્ય કારાકોરમ પર્વતમાળા સુધી વિસ્તરેલું હતું, જે ભારતથી ચીન તરફના માર્ગોને નિયંત્રિત કરતું હતું. ઉલ્લેખનીય છે કે આઠમી સદીની શરૂઆતમાં આરબ આક્રમણ કાબુલ ખીણને પડકારી રહ્યું હતું. દરમિયાન, મુસ્લિમ આક્રમણકારી સિંધ દ્વારા ઉત્તર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સમય એવો હતો કે કે કાબુલ અને ગાંધારના શાહી સામ્રાજ્યો આ આક્રમણોમાં વ્યસ્ત હતા. લલિતાદિત્ય માટે ઉત્તરમાં પોતાનો પગ જમાવવાની આ સુંદર તક હતી. તેની વિજયી સેના સાથે તે દર્દ દેશ (દર્દીસ્તાન, હાલ અફઘાનિસ્તાન, પાકિસ્તાન ને થોડો લદ્દાખનો વિસ્તાર) થી તુર્કીસ્તાન (ટર્કી) તરફ કૂચ કરી. એક તરફ અફઘાનિસ્તાન બીજી તરફ એશિયાઈ દેશો. લલિતાદિત્યની આગેકૂચ ચાલુ રહેતે જો નિયતિ ચાહતે !!
ઈ.સ 760 માં અચાનક તેમનું નિધન થયું . આ વિષે કોઈ વધુ માહિતી મળતી નથી પણ ક્યાંક એવો ઉલ્લેખ મળે છે તે પ્રમાણે લાલિત્યદિત્યના માથે સૌથી મોટું કોઈ ઝનૂન સવાર હોય તો તે હતું રાજ્યની સીમા વધારવાનું. તે માટે થઈને ચઢાઈ કરી હતી ઉત્તરના પ્રદેશ પર. જેનો ઉલ્લેખ અરણ્યક તરીકે મળે છે. તે પણ કાતિલ શિયાળામાં . આજના અફઘાનિસ્તાનની પણ ઉપર ઉત્તર વિસ્તાર લેખાય છે તે . સમકાલીન સંદર્ભમાં તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકીસ્તાન પ્રદેશ, જ્યાં કાતિલ ઠંડીમાં એક મિલિટરી એક્સરસાઇઝમાં હિમપ્રપાતને કારણે એમનું મોત થયું , બીજી એક શક્યતા એવી પણ ઉલ્લેખવામાં આવી છે કે આ આક્રમણ સમયે તે પોતાની સેનાથી છૂટા પડી ગયા હતા અને શત્રુના હાથમાં ન આવવાની નેમને કારણે આત્મહત્યા કરી અને એક વધુ થિયરી જે એલેઝાન્ડર માટે કહેવાય છે તે, થાકી ગયેલા સૈન્યના વડાંઓએ તેમની હત્યા કરી. તે સાથે અચાનક જ લલિતાદિત્ય યુગનો અંત થયો .
આજે 1200 વર્ષ પછી સૂર્યપૂજક રાજવીની યાદ આ ભવ્ય મંદિર આપે છે.
અમે પહોંચ્યા ત્યારે બપોરનો સમય હતો . સૂર્યનારાયણ આકરા તાપે તપી રહ્યા હતા.
અચાનક એવો અહેસાસ થયો કે આપણે ટાઈમ મશીનમાં બેસીને પહોંચી ગયા છીએ એ યુગમાં 1200 વર્ષ પૂર્વે જ્યાં આ મંદિર ભવ્યતાથી શોભે છે. સૂર્યોદય થવાની ઘડીઓ ગણાય છે. શીતળ વાતાવરણમાં ફૂલોનો પમરાટ અને સંગીતનો હળવો રવ છે. આજુબાજુની દહેરીઓ , કલાત્મક સ્તંભ,અદ્ભુત કારીગીરીવાળી મૂર્તિઓ આપણને આવકાર આપી રહી છે.
અને રાજવી લાલિત્યદિત્ય મંદિરમાં પધરામણી થઇ રહી છે , પૂજા અર્ચન માટે આવી રહ્યા છે.
ને અચાનક આપણે વર્તમાન પરિસ્થિતિમાં આવી જઈએ છીએ.
...
ગરમી સખત છે. ફોટો સેશન થઇ ચૂક્યું છે. મિત્રોએ આંધી ફિલ્મના ગીતો લીધા ગાઈ છે ને હવે સમય છે આગળ પ્રયાણ કરવાનો.
હવે જવાનું છે પહેલગામ.
ક્રમશ:
કાશ્મીર ના ઈતિહાસ નું વર્ણન અને પ્રવાસ વર્ણન નું અદભૂત સંગમ. ધન્યવાદ 👌🌺🙏
ReplyDelete🙏
Delete