સફર હવાઈ કિલ્લા થી ગોબીના રણની

કરીબ કરીબ સિંગલ : સફર હવાઈ કિલ્લા થી  ગોબીના રણની


સામાન્યરીતે ફિલ્મ વિષે  ત્યારે લખાય જયારે એ આવવાની હોય , ફિલ્મ આવી ગઈ હોય , વર્ષ વીતી ગયું હોય , ભુલાઈ પણ ચૂકી હોય ત્યારે એ વિષે લખવું નરી મૂર્ખતા જ કહેવાય.
પણ , કરીબ કરીબ સિંગલ વિષે એવું કહેવું જરા અયોગ્ય તો ખરું. આવી ફિલ્મો જોઈએ ત્યારે લાગે કે ઓત્તારીની, આ તો તેરી મેરી કહાની હૈ જેવી વાત છે છતાં એ ફિલ્મો સુપર ફ્લોપ થાય. કારણ ? કારણ તેરી મેરી કહાની વાળો ક્લાસ કેટલો ?

અલબત્ત આ ફિલ્મ ફ્લોપ હતી કે હિટ મને નથી ખબર પણ, એના વિષે ગુબ્બારા નહોતા ચગ્યા એટલે ધારી લીધું કે નહીં ચાલી હોય.
હવે સારી ફિલ્મો ભલે બોક્સ ઓફિસની દ્રષ્ટિએ સફળ ન હોય પણ એ એના ચાહકો પાસે પહોંચી જાય છે ખરી થેન્ક્સ ટુ નેટફ્લિક્સ એન્ડ એમેઝોન પ્રાઈમ .

 એક બોઝિલ સાંજ હતી , મૂડ બેરંગ હતો. મિત્રો સાથે વાત કરવા માટે બિલકુલ અયોગ્ય સમય. થયું કે એક ફિલ્મ જોઈ નાખવી, બોલીવુડ ફિલ્મોની એક વાત માનવી પડે , એ મૂડની મરમ્મ્ત તો બેશક  કરી આપે.

નેટફ્લિક્સ પર ન્યુ અરાઈવલમાં ઈરફાન સાથે એક ફ્રેશ ચહેરો જોયો. સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ પાર્વતી અને ઈરફાનની માંદગી પછી એની કિંમત બેશક વધુ અંકાવા લાગી છે. આ ફિલ્મ તો એની માંદગી પહેલાની હશે.
જોડી સરસ હતી ને પ્રોમો પરથી એટલું તો લાગતું હતું કે જરા હટકે તો જરૂર હશે.
સીધી સાદી લવસ્ટોરી જેમાં લવ શરુ થાય એ પહેલા સ્ટોરી પૂરી થઇ જાય.
એ જ તો મજા હતી ફિલ્મની.

આપણી હિરોઈન છે 35 વર્ષની જયા શ્રીધરન,બાય પ્રોફેશન ઇન્શોરન્સ પોલિસી વેચે છે. નાની ઉંમરે પતિ ગુમાવ્યો છે. કામ એ જ એની જિંદગી છે. એ જ ઘીસીપીટી લાઈફ , કામ , ઘર, કૂકિંગ ને રીડિંગ , લાઈફનું પરિઘ સીમિત છે,મિત્રોની ટકોરથી પ્રેરાઈને એક ડેટિંગ સાઈટ પર પોતાને રજીસ્ટર કરે છે અને શરુ થાય છે લાઈફનું નવું પ્રકરણ  .

મોટાભાગના ઈફ્રેન્ડ્સ આ ફિલ્મ જોઈ જ ચુક્યા હશે એટલે ફિલ્મની સ્ટોરી વિષે લખવામાં મજા નથી. જેને ફિલ્મ ન જોઈ હોય એમને માટે પણ રસભંગ કરવામાં મજા નથી.
વાત તો છે આ ફિલ્મમાં રહેલી બારીકીઓની, જે મોટાભાગના અધૂરપમાં જીવતા લોકોને સ્પર્શી જાય એવી નાની નાની વાતો  છે.
ફિલ્મ શરુ થઇ ને અડધા કલાકમાં જ મેં મારી મિત્રને ફોન કર્યો , અરે યાર, આ ફિલ્મ તો 2017ની છે આપણને તો ખબર જ નહીં , સામેથી ઉત્તર મળ્યો , મને તો ખબર છે. મેં તો જોઈ છે. વિથ સમવન સ્પેશિયલ  .....

હૈંઈઈઈઈ  ....
તે આપણે જ રહી ગયા ? એવો ભાવ હાવી થઇ જાય એ પહેલા ફિલ્મ આગળ ચલાવી.

ઈરફાન છે મસ્તમૌલા વિયોગીની ભૂમિકામાં , પણ બધાને પોતાનું નામ યોગી કહે છે.  એક નંબરનો narcissist. એ  હું હું હું નું નગારું જ વગાડતો રહે છે. ત્રણ ગર્લફ્રેન્ડ એને છોડીને સેટલ થઇ ગઈ છે. યોગી બચારો સમજે છે કે એ બચારીઓ એના વિરહમાં તડપતી હશે.
બાકી હોય તે આ નવી ફ્રેન્ડને પણ ત્રણની મુલાકાત કરાવવા લઇ જાય છે. ત્રણે ત્રણ માનુનીઓ તો એમની લાઈફમાં મસ્ત છે. બચારા યોગી મહારાજ માટે નષ્ટઃ મોહા જેવી પરિસ્થિતિ થાય છે ત્યાં વળી
હું હું હું ના નગારામાં છેદ ત્યારે પડે છે જયારે આપણી જયા  કહે છે કે એ પણ એના એક્સ બોયફ્રેન્ડને મળવા જ આવી છે ,યોગીની  ગર્લ ફ્રેન્ડ્સને મળવા નહીં  .

પછી શું ?
પછી ફિલ્મ જોવાની  .
આ ફિલ્મ પર પીસ  લખવાનું મન એટલે થયું કે હળવીફૂલ ફિલ્મ ઇન્ડિયન પુરુષની મેન્ટાલીટી સાથે સ્ત્રીઓના મનમાં ધરબાયેલા રાઝ પર સારો પ્રકાશ નાખે છે.
અતીતની પરછાઈ  સાથે જીવવાની કલા ભારતીય સ્ત્રીને કદાચ ગળથૂથીમાંથી મળતી હશે બાકી આટલી ભણેલી ગણેલી સ્ત્રીઓ અતીતમાં રાચી શકે ?

અલબત્ત, જેમ ફિલ્મ વાસ્તવિકતાથી જોજનો દૂર હોય એવું જ અહીં પણ છે.
દુનિયામાં બધી જયાઓને મિસ્ટર વિયોગી જેવા મુરતિયા મળી જાય ખરા? ને વિયોગી જેવાઓને આવી જયાઓ ?

બસ, આ એક જ તેજલિસોટો આપણને હવાઈ કિલ્લામાંથી સીધા ગોબીના રણમાં મૂકી દે છે.


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આવરણ: ખુલ્લી આંખે અંધારપટ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse