અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?

અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?




 યાદ છે વર્ષો પૂર્વે આવેલી એન્જેલિના  જોલીની ફિલ્મ ટુમ્બ રેઇડર ? એન્જેલિના જોલી જે પોતાના ગુમાયેલા પિતાની શોધમાં જાપાન પાસે આવેલા એક રહસ્યમય ટાપુ પર પહોંચી જાય છે. આ ટાપુએ ભલભલાને મોહિત કરી નાખ્યા હતા ત્યારે નામ ઉજાગર થયું અંગકોર વાટનું . અલબત્ત , હિસ્ટ્રી ને આર્કિયોલોજીના ચાહકો માટે આ નામ ક્યારેય અજાણ્યું નહોતું પણ એને એક નવી ઊંચાઈ મળી આ ફિલ્મથી  . દર વર્ષે પચાસ લાખથી વધુ ટુરિસ્ટ અહીં આવે છે. 
ફિલ્મમાં જોઈને અચંબિત થઈ બેસી રહેવા જેવું આ ટેમ્પલ કોમ્પ્લેક્સ નથી. પૈસા ને સમય બંનેની સુવિધા હોય તો એક અઠવાડિયું પણ ઓછું પડે એવું રહસ્યમય છે આ સ્થાપત્ય  .
કંબોડિયા જેને માટે પ્રસિદ્ધ છે તે અંગકોર વાટ મંદિરમાં મંદિર તો 100થી વધુ છે  મુખ્ય ત્રણ મંદિર છે વિષ્ણુ , બ્રહ્મા સરસ્વતી ને શિવના  . સૌથી મોટું પ્રભાવશાળી મંદિર  તો વિષ્ણુનું છે.  એ સિવાય તો ઘણા મંદિર છે , મંદિરની પરિસરમાં થયેલા કોતરણીકામમાં હનુમાન , કુબેર, રામાયણ, મહાભારતના પ્રસંગોથી લઈને સમુદ્રમંથન અને રાજવી સૂર્યવર્મનની પ્રતિમા પણ છે. 
એક આખેઆખું ટેમ્પલ કોમ્પ્લેક્સ જે 11મી સદીમાં ત્યાં રાજ કરતા ખામેર રાજવીએ નિર્માણ કરાવ્યું, 20*20  એકર એટલે કે 400  એકર  પરિઘમાં પથરાયેલું આ કોમ્પ્લેક્સ અને ત્યાં આવેલા મંદિરો સરખી રીતે જોવા હોય તો ઓછામાં ઓછો  એકથી બે અઠવાડિયાનો સમય જોઈએ અને અમારી પાસે હતો સમય છ કલાકનો .
1100 થી 1140 CEમાં નિર્માણ થયેલા આ મંદિરો માત્ર 38 વર્ષમાં નિર્માણ થઇ ગયા હોય એ વાત જ હેરત પમાડે એવી છે. અનેકવિધ કદના , શૈલીના મંદિરો આમ આટલા સમયગાળામાં નિર્માણ કરવા સામાન્ય માનવીઓ માટે ઇમ્પોસિબલ કામ છે. એટલે એનો અર્થ એ પણ થયો કે શક્ય છે રાજવી સૂર્યવર્મન પાસે કોઈ દૈવી શક્તિ હોય શકે  ( અંગકોર વાટ પર લખાયેલા પુસ્તકોમાં ઘણાં પશ્ચિમી લેખકોએ સૂર્યવર્મન દ્વિતીયનો ઉલ્લેખ ડેમી ગોડ  એટલે કે અર્ધ માનવ અર્ધ દેવ તરીકે કર્યો છે.  એટલે સ્વાભાવિક છે એની શક્તિ પણ દેવતા જેવી હોય શકે . અલબત્ત આ થોડું અતાર્કિક લાગે તો વધુ તાર્કિક મત છે કે આ મંદિર સંકુલ બાંધવા સૂર્યવર્મને  તરીકે દક્ષિણ ભારતીય ચૌલા રાજવીઓની મદદ લીધી હોય , આ ઉલ્લેખ ક્યાંક ક્યાંક આવે પણ છે. એ સમયે બૌદ્ધ ખ્રિસ્તી મુસ્લિમ ધર્મ નહોતા એટલે કંબોડીયા સુધી  હિન્દૂ ધર્મ કઈ રીતે પહોંચ્યો એવું આશ્ચર્ય ન થવું જોઈએ. આ ઉપરાંત 1114માં સૂર્યવર્મન દક્ષિણ ભારતમાં પ્રવર્તતા ચૌલા રાજવીના મહેમાન તરીકે લાંબો  સમય રહ્યા હોવાનો ઉલ્લેખ પણ મળે છે. સૂર્યવર્મન પોતાને દેવતા લેખાવતો હોય તે અલગ વાત છે જે સામાન્ય રાજવીઓ કરતા પણ આખરે તો માણસ જ હતો , અહંકાર, ઈર્ષા , સત્તાની લાલસા બધું જ હતું  . કંબોડિયાના આ યશોધરાપૂર (ત્યારે અંગકોર વાટ એ નામે લેખાતું હતું )ના નિર્માણ પૂર્વે સિંહાસન  પર બેસવા રાજવી જે પોતાના કાકા હતા તેની હત્યા કરીને ગાદીએ બેઠો હતો. અલબત્ત આ થિયરીમાં ઘણાં મતમતાંતર છે. એ જે હોય તે પણ એ વાત નક્કી છે કે અંગકોર વાટના ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવનાર આ સૂર્યવર્મન  દ્વિતીય જ હતા.


આ છે સૂર્યવર્મન દ્વિતીય , અંગકોરવાટના નિર્માતા 
જયવર્ધન પંચમ , જેને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો 



એક સમયે આ મંદિર કમ વસેલું નગર જેમાં એક લાખ જેટલા રાજવી ને ભદ્ર કહી શકાય એવા પરિવાર વસતા હતા એ અચાનક જ સ્મૃતિ પરથી ગાયબ થઇ ગયું  . લગભગ 700 વર્ષે એના સગડ મળ્યા એક ફ્રેન્ચ મિશનરીના  નૅચરલિસ્ટને ,હેન્રી મહોત, ઈ.સ 1860માં જયારે આ મંદિરો મળ્યા ત્યારે એને જંગલ ગલી ગયું હતું  . આજે પણ એને ઘણા ટ્રી ટેમ્પલ તરીકે લેખે છે. એ વિષે તેમને ઊંડાણથી અભ્યાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ સ્થાપત્ય આજના નાગરિક એવા કંબોડીયાની પ્રજા દ્વારા આ મંદિરો બંધાયા નથી. એનું પગેરું દબાવતાં સૂર્યવર્મન દ્વિતીયનો ઇતિહાસ મળ્યો છે. 
અંગકોર વાટ પ્રસિદ્ધ તો હતું જ એ વાતની ના નહીં  પરંતુ એને એક રાતમાં દુનિયાભરમાં સામાન્ય માનવી સુધી પહોંચાડી દીધું એન્જેલિના જોલીની લારા ક્રોફ્ટ  ટુમ્બ રેઇડર ફિલ્મે  . દસેક વર્ષ પહેલા આવેલી આ ફિલ્મે એવો તો જાદુ કર્યો કે વર્ષે આવનાર ટુરિસ્ટની સંખ્યા હજારોમાંથી લાખોમાં પહોંચી ગઈ. આજે માત્ર એક દિવસની ટિકિટની કિંમત છે  US$ 38 એટલે કે  લગભગ 2500 રૂપિયા.
અમે જયારે અંગકોર વાટની મુલાકાત લીધીય ત્યારે આકસ્મિક રીતે મુલાકાત થઇ ત્યાં કન્ઝર્વેશન માટે ભારત સરકાર દ્વારા કાર્યરત એવા આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના  ભૂતપૂર્વ પદાધિકારી શ્રી સુદ સાથે  . અંગકોર વાટ દુનિયાભરમાં અજોડ છે એ તો સહુને ખબર છે પણ UNESCO  સહિત વિશ્વના ઘણાં દેશો એના સંવર્ધન માટે યથાયોગ્ય યોગદાન આપે છે.
ઈંડિયન ગવર્મેન્ટ અત્યાર સુધી લગભગ 40 કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે. 

ઇન્ડિયાએ એ માટે એક આખી ટીમ નિયુક્ત કરી છે. શ્રી અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારથી આ લોકો ત્યાં કામ કરી રહ્યા છે. જે કામ 2025 સુધી પૂરું થાય એવી સંભાવના છે પણ એ વાત વધુ પડતી એટલે લાગે છે કે આ સ્થાપત્યને ફરીથી અડીખમ બનાવવાનું કામ ભગીરથ છે. એનું કારણ છે. સદીઓ સુધી જે મંદિરો જંગલ ને જંગલ મંદિર સાથે એકરસ થઇ ગયા એને ફરીથી બેઠા કરવા , વૃક્ષને અલગ કરીને શક્ય જ નથી.
 અંગકોરવાટ હવે ટ્રી ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે કારણ કે હવે અહીં બ્રહ્મા વિષ્ણુ મહેશ નહિ બલ્કે માત્ર ને માત્ર વનદેવતા રહે છે. 
એટલે ઘણા  અંગકોરવાટને ટ્રી ટેમ્પલ તરીકે લેખે છે. સેંકડો વર્ષ જૂના ઝાડ જે રીતે છાતી કાઢીને ઉભા છે એ જોવું એક લ્હાવો છે. એ ઝાડને ટેકે સ્થાપત્ય છે કે સ્થાપત્યના ટેકે ઝાડ ઉભું છે એ નક્કી જ ન કરી શકાય  . રેશમી રૂના જંગલ , રૂખડો (બાઓબાબ) ઉપરાંત ઘણાં લીલાછમ રહેતા વૃક્ષો છે. આખા વિસ્તારને અંગકોર વાટ નેશનલ પાર્ક જાહેર કરાયો છે. મંદિર સુધી જવા એક ખાઈ પસાર કરવી પડે છે. અલબત્ત કોમ્પ્લેક્સની ચારે બાજુ ખાઈ છે. જે સામાન્યપણે કિલ્લાની ચારે તરફ હોય છે. ખાઈને પાર કરવા સલામતી ધોરણે   કેનેડાના સહયોગથી  ફ્લોટિંગ બ્રિજ બનાવાયો છે , જેને પાર કરીને કોમ્પ્લેક્સ સુધી પહોંચી શકાય છે એ પછી લગભગ 20 મિનિટ સુધી ચાલ્યા પછી મંદિરના પ્રવેશ દ્વાર પર પહોંચી શકાય  .

આ છે એરિયલ વ્યુ , જયારે આ અસ્તિત્વમાં હશે ત્યારે એની ભવ્યતા માત્ર કલ્પવાની  વાત છે. 


પ્રવેશદ્વારથી ત્રીજા સ્તરે મુખ્ય ગર્ભગૃહ છે. જ્યાં સુધી પહોંચવાના ચારે દિશાના પગથિયાં જિર્ણ થઇ ચૂક્યા છે. એટલે unesco અને કંબોડીયા સરકાર સાથે મળી પ્રવાસીઓને સુવિધા રહે એવા લાકડાના પગથિયાં બનાવી મુખ્ય છે. ધારો કે પથ્થરના મૂળ પગથિયાંને પણ સમારકામ કરીને મુકાય તો વધુ ઓથેન્ટિક તો જરૂર લાગે પણ વિઝિટર્સ માટે ચઢવું દુઃસ્વપ્ન બની રહે. પગથિયાં વચ્ચે ગેપ લગભગ પોણા ફૂટનો છે. જે આજના યુગમાં ચઢવા અશક્ય છે. એ પગથિયાં કાયા ધોરણે નિર્માણ  કરાયા હશે એવો વિચાર આવે તો પહેલો વિચાર આવે એ સમયના લોકોની ફિઝિકલ સ્ટ્ર્કચરનો  . પગથિયાંના બંધારણ જોયા પછી લાગે કે આ લોકોના કદકાઠી અતિશય ઊંચા અને સ્નાયુબદ્ધ હોવા જોઈએ  . આ વિચાર આવ્યો અને થોડી જ વારમાં એની સાબિતી મળતી હોય તેમ રાજા સૂર્યવર્મનની પ્રતિમા દેખાઈ  .


આ રાજવીને આખા આ કૉમ્લેક્સની ડિઝાઇનનો  એ પગથિયાં કાયા ધોરણે નિર્માણ  કરાયા હશે એવો વિચાર આવે તો પહેલો વિચાર આવે એ સમયના લોકોની ફિઝિકલ સ્ટ્ર્કચરનો  . પગથિયાંના બંધારણ જોયા પછી લાગે કે આ લોકોના કદકાઠી અતિશય ઊંચા અને સ્નાયુબદ્ધ હોવા જોઈએ  . 




રાજા સૂર્યવર્મનને આ શૈલીનું મંદિર બનાવવાનો આઈડિયા કઈ રીતે આવ્યો એ વાતનો ફોડ ક્યાંય પડતો નથી. ત્રણ સ્તરનો પિરામિડ નીચે વહેતુ પાણી , 60 મિટરની ઊંચાઈના નવ ટાવર  . એ કોઈક મંત્રની આકૃત્તિ જેવા વધુ લાગે છે. જાવાનીઝ (જાવા ટાપુ) કિંવદંતીઓ પ્રમાણે આ  મેરુ (સુમેરુ) પર્વતની જેવું નિર્માણ હતું , હોમ ઓફ ગોડ્ઝ. વિષ્ણુધામ , એ મેરુ પર્વત  જે હિન્દૂ , જૈન, બૌદ્ધ , ચાઈનીઝ , નેપાળી , ભૂતાનીઝ સંસ્કૃતિમાં ઉલ્લેખાયો છે.

ટેમ્પલ કોમ્પ્લેક્સનો આખો નકશો જોવાથી એ કોઈક યંત્ર (શ્રી યંત્ર ?) પર નિર્મિત હોય એવું લાગે છે.

એ હોમ ઓફ ગોડનો રખેવાળ હતો સૂર્યવર્મન  . આ બધી કિંવદંતીઓ છે પણ કોઈ વાતની પાછળ કોઈક ને કોઈક કારણ તો જરૂર છુપાયું હોય છે. સૌથી અજાયબીવળી વાત એ હતી કે ત્યાં અમુક પ્રાણીઓના શિલ્પ છે , જે લખો વર્ષ પૂર્વે નામશેષ થયેલા ડાયનોસોરને  મળતાં  આવે છે.  તો એનો અર્થ એમ કે તે સમયે આ પ્રાણીઓ અસ્તિત્વમાં હશે ?
અને હા, સૂર્યવર્મનની પ્રતિમા પણ છે. જે રાજવી ઓછો ને મલ્લ જેવો વધુ લાગે છે. આજનું થાઈલેન્ડ , વિયેતનામ જીતી લેનાર સૂર્યવર્મન હતો. હિન્દૂ રાજવીની પ્રતિમાથી દૂર રાજા જયવર્મન (પંચમ) ની પણ એક પ્રતિમા છે. જે સૂર્યવર્મનથી બિલકુલ વિપરીત લાગે છે. જો ગાઈડે નીચે થયેલો ઉલ્લેખ ન દેખાડ્યો હોત તો એક બૌદ્ધ ભિક્ષુક માની લીધો હોત. જેના ધર્મ પરિવર્તનથી હિન્દૂ મંદિરોમાં બુદ્ધ ધર્મ પ્રવેશી ગયો.
જોવાની ખૂબી એ છે કે મંદિરના સ્થાપત્યમાં રહેલી અમુક શૈલી , ખાસ કરીને કોતરણીની હિન્દૂ શૈલીને , દક્ષિણ ભારતીય શૈલીને મળતી આવે છે પરંતુ સ્થાપત્ય શૈલી માકુપિકુના પિરામિડને મળતી આવે છે. ઇજિપ્તના પિરામિડનો આકાર પણ લગભગ એવો જ છે. ત્રણ સ્તરમાં મંદિર ભારતમાં જવલ્લે જ જોવા મળે છે.
સ્થાપત્ય શૈલી માકુપિકુના પિરામિડને મળતી આવે છે
એક એવું સંકુલ જ્યાં એક લાખથી વધુ લોકો વસતા હતા, સુંદર સ્થાપત્ય , સિંચાઈ અને જળ નિયમન વિતરણની વ્યવસ્થા સહિતનું  આ નગર નગર અચાનક શાપિત કેમ બની ગયું હશે એ પ્રશ્નનો ઉત્તર દરેક વ્યક્તિ પોતપોતાની સમજ પ્રમાણે કરે છે.
વિજયપતાકા લહેરાવતું આ ટેમ્પલ સીટી નાશ પામ્યું એનું મુખ્ય કારણ હતું નદીનું વહેણ બદલવું  . એક સમયે જે હર્યોભર્યો પ્રદેશ હતો તે સૂકો બંજર થઇ ગયો એટલે ન ચાહવા છતાં પાટનગર યશોધરપુરમથી હાલ જ્યાં છે ત્યાં (Phonm Penh )લઇ જવાયું  . બ્રહ્મા વિષ્ણુ મહેશ  ઘર ખાલી કરી ગયા. એનું સ્થાન વનદેવતાએ લઇ લીધું   અને બની ગયું ટ્રી ટેમ્પલ  .
જે જગ્યાને જાણવા  એક અઠવાડિયું વિતાવવું પડે ત્યાં  માંડ બે પાંચ કલાક વિતાવવાથી એને શું ન્યાય આપી શકાય ? આ તો ટ્રેલર છે , પિક્ચર તો બાકી છે દોસ્તો  . 
બાય ધ વે પહેલીવાર જિંદગીમાં ટાઈમ મશીન મળી જાય એવી ઈચ્છા થઇ આવી. કાશ , કોઈ ટાઈમ મશીન બનાવે તો 11મી સદીમાં જઈને સૂર્યવર્મનની આ ટેમ્પલ સિટી જોયા વિના મરવું નથી.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen