આજની મન્નત ગઈકાલની વિલા વિયેના

જે લોકો ફિલ્મ ગોસીપના રસિયા છે એ લોકો તો જાણતાં જ હશે કે શાહરુખ ખાનને કોઈ એડ કેમ્પેન સાઈન કરાવવા એજન્સીઓ શું ટ્રીક કરે છે. જેમ કે એક નામાંકિત  ટીવી ને મોબાઈલ નેટવર્કની એડ મન્નત  બંગલામાં શૂટ થઇ છે. એડનું શુટિંગ જ શાહરુખના “મન્નત”માં હોય તો કિંગ ખાન ખુશ. કારણકે, શાહરુખના નિવેદન પ્રમાણે ઘરમાં જ શુટિંગ થતું હોય તો લોકેશન પર જવા આવવાનો સમય બચે. પત્ની ગૌરી અને બાળકો સાથે ટાઇમ મળે. અને હા,લોકેશનનું ભાડું તો વસૂલાય જ ને વળી જે વાત કિંગ ખાન ક્યારેય નથી બોલતો, પણ આ તમામનું આયોજન તેણે બંગલાનું ઇન્ટીરીયર કરાવતાં પ્લાન કરેલું. ઉપરના બે ફ્લોર અને ટેરેસ એડ શુટિંગ માટે છે. એમ તો SRKના જમ્બો સ્વિમિંગ પુલ પર પણ એડ શૂટ થઇ છે. શાહરુખે આ જગ્યા ખરીદી તો હતી ૨૦૦૧માં , પરંતુ તેને તૈયાર થતાં ૩ કે ૪ વર્ષ લાગેલા. ૬ લેવલમાં વહેંચાયેલી આ વિલામાં અત્યારે આ મન્નતમાં સ્વિમિંગ પુલથી લઇ શાહરુખની ઓફિસ, પર્સનલ જિમ , લાઈબ્રેરી ,બાળકો માટે ફળવાયેલો એક આખો માળ, અને બોક્સિંગ રિંગ પણ છે.




એ વાત જુદી છે કે વિશ્વભરમાં રહેલાં શાહરુખના ફેન્સ આ વિલાના પુલ થી લઇ ડાઈનીંગ હોલના પિક્ચર્સ જોઈ ચુક્યા છે પણ કદાચ તેમને ખબર નહીં હોય કે એ બંગલો જે હવે મન્નતના નામે ઓળખાય છે, એ હતી ગઈકાલની વિલા વિયેના.
સાલ હતી ૨૦૦૧. અખબારોમાં એક વર્ષો જૂનો બંગલો હોટ સ્ટોરી બની રહ્યો હતો. બાન્દ્રા બેન્ડ્સ્ટેન્ડને સામે આવેલી એક ભવ્ય , બંધ પડેલી વિલા સુપરસ્ટાર SRKએ ખરીદી લીધી હતી. બસ , થઇ રહ્યું. ખણખોદિયા પત્રકારો કામે લાગી ગયા . સોદો માત્ર ૪૫ દિવસમાં પાર પડ્યો હતો એરિયા હતો ટોટલ ૨૪૪૬ સ્કે.મીટર  અને કિંમત એ પ્રોપર્ટીની સરખામણીમાં ભારે ઓછી હતી. તે સમયે કિંમત ચૂકવાયેલી રૂ. ૧૩ કરોડ માત્ર. આ આંકડા અખબારી રીપોર્ટ પ્રમાણે છે. ખરીખોટી તો કોઈને ખબર નહોતી , પણ સુપર એક્સલુઝીવ  નામે જે કામગીરી પત્રકારોએ કરી તે પ્રમાણે જણાયું કે SRK દ્વારા ખરીદાયેલી આ હતી વિલા વિયેના, મૂળ હતી પારસી માલિક માણેકજી બાટલીવાળાની.
 જયાં ૧૯૧૫ માં વીજળી નહોતી પણ ટેનિસ કોર્ટ તો હતું.
માણેકજી બાટલીવાલા ફેમિલી મૂળ તો ક્યાંનું એ જાણવા નથી મળતું, એમનો કોઈ વેપાર ધંધો હતો? હતો તો શું હતો એ વાત પણ જાણવા મળતું નથી .
ખબર માત્ર એટલી જ છે કે ગિરગામમાં રહેતાં બાટલીવાલા ફેમિલી ૧૯૧૫માં વિલા વિયેનાનું નિર્માણ કરી રહેવા આવેલું. તે સમયે વિલામાં વીજળી નહોતી પણ ટેનિસ કોર્ટ , સર્વન્ટ ક્વાટર્સ હતા. બાટલીવાળાને સંતાનમાં ત્રણ દીકરીઓ હતી. માણેકજી બાટલીવાળાને કદાચ સપને કલ્પના નહીં હોય કે આ વિલા તેમને નહીં સદે. આ દમામદાર વિલાના મૂળ માલિક માણેકજી બાટલીવાળા કંગાળ હાલતમાં દોખમાનશીન થયેલા. માણેકજી બાટલીવાલાના દોહિત્ર મુંબઈના નામાંકિત આર્ટ કલેકટર , કેમોલ્ડ આર્ટ ગેલેરીવાળા કેકુ ગાંધીએ પોતે જ એક મુલાકાતમાં કહી હતી.

માણેકજી બાટલીવાળાનો ધંધો ધીરધારનો પણ હતો એવું ઘણાં માને છે. જેને કોઈ અધિકૃત પુષ્ટિ મળી નહોતી. પણ એ જ કારણ તેમની પડતીનું લેખાતું રહ્યું હતું. ધીરેલાં નાણાં નિયત સમયે આવ્યાં નહીં અને માણેકજી પોતે જ ખસ્તાહાલ થઇ ગયા. બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ , સામે ઘૂઘવતો અરબી સમુદ્ર , તે જમાનાની પણ પ્રાઈમ પ્રોપર્ટી લેખાતી લોકેશન પર આવેલી આ વિલામાં માણેકજી એ ભાડે આપવી પડી હતી. બીજાં માળે આવેલો એક રૂમ તેઓ વાપરતાં . માત્ર આ વિલા વિયેના જ નહીં માણેકજીએ લગભગ બધી પ્રોપર્ટીઓ વેચી નાખવી પડેલી કે પછી ભાડે આપવી પડી હતી. માણેકજીના બિઝનેસ પાર્ટનર હતાં બેન બનેવી. એટલે બેન ખુરશેદબાઈ સંજાણા , એમને ભાગે વિલા વિયેના આવી. ખુરશેદબાઇને  પોતાનું કોઈ સંતાન નહોતું એટલે એ પ્રોપર્ટી ટ્રસ્ટને ગઈ ને પછી ટ્રસ્ટે શાહરુખને વેચી.

જયારે આ સોદો થયેલો પ્રોપર્ટી માર્કેટનાં પંડિતોએ ભારે અવળવાણીઓ કાઢી હતી પણ એવું કૈં થયું નહીં ને શાહરુખનો સિતારો થોડી અપ્સ એન્ડ ડાઉન પછી પણ ચમકતો તો રહ્યો જ છે , ત્યારે કોઈકે કહેલી વાત યાદ આવે છે, કે મુંબઈનો પૈસો માત્ર ત્રણ  પેઢી જ ટકે છે. એ પૈસા કે એ નામ શોહરત ચોથી પેઢી ભોગવી શકતી નથી.
માણેકજી સાથે આવું નસીબનું રુઠવું ને SRK સાથે નસીબનું ચાલવું એ પણ કર્મની થિયરીનો એક ભાગ હતો ? એ તો ભગવાન જાણે !!
Image of Shah Rukh Khan’s Living Room is taken from Architectural Digest India’s Facebook page.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen