એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ

વર્સેટાઈલ કવિ,ગીતકાર, ફિલ્મમેકર ની 82મી બર્થડે . જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા , ટીવી , એન્ટરટેઇનમેન્ટ સ્લોટ્સ ને પેજીસ પર છવાયેલા રહ્યા સંપૂર્ણ સિંહ કાલરા  . 

અલબત્ત જૂના જોગીઓ એમને એ નામથી પરિચિત હોય તો ખબર નહીં પણ નવી પેઢીને  જાણકારી આપી રેડીઓ જોકીઓએ  . ગુલઝાર એટલે ગુલઝાર, ખરેખર તો  એમના નામની આગળ ન  શ્રી લાગે ન પાછળ જી લાગે  . એ
 બધા  તકલ્લુફની મોહતાજી એમને નથી ભોગવવી પડતી  . 

एक ख़ामोशी है, सुनती है, कहा करती है
न ये बुझती है, न रुकती है, न ठहरी है कहीं
नूर की बूँद है सदियों से बहा करती है
सिर्फ एहसास है दूर से महसूस करो 

प्यार को प्यार ही रहने दो कोई नाम न दो ...

આ લખનાર કવિ લગ્નજીવનમાં બંધાય તે પણ એક જાજરમાન , પ્રતિભાવાન તે સમયે ટોચ પર હોય તેવી અભિનેત્રી સાથે એ પ્રેમને શું નામ અપાય ?
સામાન્ય પ્રણયકથાઓમાં વાત હોય ધામધૂમથી લગ્ન કર્યા ને ખાધું પીધું ને રાજ કર્યું પણ આ કહાનીકારો ભૂલી જાય છે એક વાત કે બંને પક્ષે જો વિચક્ષણ પ્રતિભા હોય તો  ખાધું પીધું ને રાજ કર્યું ન થાય , તારાજ કર્યું  એવી સ્ટોરી બને જે રાખી ગુલઝારના જીવનમાં બની.


 રાખી ને ગુલઝાર પરણ્યા ત્યારે 1973 દરમિયાન ઘણી બધી સેલિબ શાદીઓ થઇ હતી , રાજેશ ડિમ્પલ સૌથી પહેલા , પછી અમિતાભ ને જયા ને એ જ સમયે રાખી ને ગુલઝારના પણ.
બંને કારકિર્દીની ટોચ પર , બધું હતું ને એવું તો શું થઇ ગયું કે બોસ્કી (મેઘના)ના જન્મ પછી બધું છિન્ન થઇ ગયું ?
કાલે દિવસભર ચાલતા રહેલા એકથી એક સુંદર ગીત સાંભળતા આ વિચાર આવ્યો ને તે સાથે વીતેલા સમયના ખૂબ જાણીતા ફિલ્મ પત્રકારે એક વાતનું  સ્મરણ થયું  .

 આજે જે ચાલે છે તે PR ક્લાસવાળા ફિલ્મી  જર્નાલિસ્ટની જમાતથી જોજનો દૂર , જેને એક સાહજિકતાથી વાત કરી હતી. એવું તો શું બને કે બે અદભુત વ્યક્તિઓ , એકમેકને ફ્રેન્ડ , ફિલોસોફર ને ગાઈડ માનીને સાથે ચાલવાનું નક્કી કરે ને એન્ટ્રી સાથે જ એક્ઝીટ થઇ જાય ?

પત્રકારમિત્રના કહેવા પ્રમાણે રાખીએ પોતે ફિલ્મમાં કામ નહીં કરે એવી ગુલઝારની ઈચ્છાને માં આપી ને  ક્ષેત્રસંન્યાસ લેવાનું નક્કી કર્યું હતું અને ફિલ્મો સાઈન કરવી બંધ કરી હતી પણ એક બનાવે બંનેની મેરિડ લાઈફ પર પાણી ફેરવી દીધું  . રાખી પોતાના પૂર્વ લગ્નજીવનમાં દાઝી હતી એટલે ચોક્કસપણે ઇચ્છતી હોય કે એ ભૂલો ફરી ન દોહરાવાય અને ગુલઝાર પણ એક ટોચની મુસ્લિમ , પરિણીત અભિનત્રીના પ્રેમમાં હતા અને ભારે કશમકશમાંથી પસાર થયેલા એટલે બંને પોતપોતાની રીતે સજાગ પણ હશે. 
લગ્નજીવન શરુ તો થયું પરીકથાની જેમ  , ગુલઝારની રચના એ સંવેદહનશીલતાનો પરિચય આપવા પૂરતી છે. 

રાખી ફુરસદમાં હતી. નવી ફિલ્મો ગુલઝારની મંજૂરી વિના સ્વીકારવાની નહોતી, આ નિર્ણય ખુદ રાખીએ કરેલો.એ વખતે આંધીનું શૂટિંગ કાશ્મીરમાં ચાલતું હતું  . જેના ગીતો આજે પણ અવિસ્મરણીય છે. 
રાખી ને ગુલઝાર કાશ્મીર ગયા ત્યાં સંજીવ કુમાર ને સુચિત્રા સેન પહોંચી ગયા હતા.
 ગુલઝારની આ ફિલ્મના ડિરેક્ટર , ગીતકાર, સ્ક્રીન પ્લે રાઇટર એ પોતે હતા, બધા મોરચે એક ને માત્ર એક.
કાશ્મીર પહોંચ્યા ત્યાં સુધી વાત ઠીક હતી પણ એક રાતે ગરબડ થઇ ગઈ.
સંજીવ કુમાર વધુ પી ગયા ને રાજાપાઠમાં આવી ગયા. સુચિત્રા સેને ઉઠીને ચાલતી પકડી  . સંજીવ કુમારે સુચિત્રા સેનનો હાથ ઝાલી લીધો ને ન જવા માટે અનુરોધ કર્યો  . બંને વચ્ચે રીતસરની એવી ખેંચતાણ થઇ કે ગુલઝારે વચ્ચે પડવું પડ્યું  .
ત્યાં સુધી રાખી ચૂપચાપ તમાશો જોતી રહી.આખરે સંજીવ કુમારને યેનકેનરીતે સમજાવી ગુલઝાર સુચિત્રા સેનને તેમના રૂમ સુધી મૂકી આવ્યા  . જે આખો  બનાવ બન્યો હતો તે માટે સુચિત્રા સેનને સમજાવટ માટે થોડીવાર રોકાયા હતા. પણ, નીચે આવ્યા ત્યાં સુધીમાં રાખીના મગજ પર બેંગાલ ટાઇગ્રેસ સવાર થઇ ચૂકી હતી. હાજર રહેલા લોકોની હાજરીમાં જ એને ગુલઝારને પૂછ્યું કે સુચિત્રા સેનને તમારે રૂમ સુધી મુકવા જવાની જરૂર શું હતી ? પતિપત્નીના બેડરૂમમાં થતી વાત ને તમાશો  તમામ લોકોની સામે જ થઇ ગયો.
રાખીને સમજાવવા વાળવાનો પ્રયાસ ગુલઝારે કરી જોયો હતો પણ વાત વણસી ગઈ.

કહી સાંભળેલી વાત પ્રમાણે ગુલઝારના માથા પર પંજાબ સિંહ ને રાખીને માથા પર બેંગાલ વાઘણ સવાર થયેલા હતા. પરિણામ એ આવ્યું કે બીજા દિવસે યુનિટે જોયું કે પતિપત્ની વચ્ચે શું થયું હશે એની ગવાહી રાખીનો ચહેરો આપતો હતો.

એ વખતે યશ ચોપરા કાશ્મીરમાં હતા, લોકેશન ફાઇનલ કરવા આવ્યા હતા. ફિલ્મ હતી  કભી કભી. જેને માટે રાખીનો અપ્રોચ કર્યો હતો ને રાખીએ ના પાડી હતી. રાખીએ  સૌથી  પહેલું કામ કર્યું યશ ચોપરાને સંપર્ક કરવાનું , કભી કભી સાઈન કરી લીધી. ગુલઝારને પૂછયા વિના  . જે અપમાન હડહડતું લાગ્યું હતું ગુલઝારને , સામે જવાબ રૂપે ગુલઝારે મૌસમ માટે રાખીને લેવાની બદલે શર્મિલા ટાગોરને લીધી  .

મેઘના માટે થઈને પતિપત્નીએ કાયદેસર છૂટાછેડાં ન લીધા પણ ફરી ક્યારેય ભેગા ન થયા.
ન તો કોઈ  જાહેર નિવેદનો થયા ન થઇ ન કોઈ મિત્રો  દ્વારા અપ્રત્યક્ષ વાતચીત. રાખીએ તો એવું ભેદી મૌન સાધી લીધું કે એ વિષે ક્યારેય કોઈ વાત ન થઇ. 

ગુલઝારે પણ એવો જ કોઈ અભિગમ અપનાવ્યો હતો પણ એકવાર ક્યાંક રાખી વિષે  ' The longest short story of my life ' ઉલ્લેખીને લખ્યું હતું : 

शहर की बिजली गई बंद कमरे में बहोत देर तलक कुछ भी दिखाई न दिया 
तुम गयी थी जिस दिन उस रोज़ भी ऐसा ही हुआ था 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen