લૂક લંડન , ટોક ટોકિયો

 પહેલગામ અટેક પછી જો સૌથી વ્યસ્ત કોઈ થઇ ગયું હોય તો તે છે નવરીબજાર . પ્રધાનમંત્રીએ શું કરવું , ગૃહમંત્રીએ શું કરવું. આ ચૂક કેમ થઇ ? કોનાથી થઇ ? એ માટે કઈ એજન્સી જવાબદાર છે , તેની ખેર ન રહેવી જોઈએ. જેટલા મોઢા એટલી વાતો હોય સ્વાભાવિક છે. ઘટના પણ એવી હતી કે અબાલવૃદ્ધ કોઈનું પણ લોહી ઉકળી જાય. પણ, જેટલો વધુ આક્રોશ એટલી વધુ ભાવાત્મકતા. જરૂરી તો એ છે કે આવા સમયે સાનભાન ઠેકાણે રાખવા જરૂરી હોય છે. 

 એમાં વાંક કોઈનો નથી. અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ કહે કે ભારત પાકિસ્તાન વચ્ચે આ વિવાદ 1500 વર્ષથી ચાલે છે. તેથી એમાં અમે વચ્ચે પાડવા નથી માંગતા. મિસ્ટર પ્રેસિડન્ટ ને એમ હશે કે આ પણ યેરૂસલેમ જેવો મામલો હશે , હિસ્ટ્રી માટે સાહેબ પોડકાસ્ટ પરથી જ્ઞાન લઇ લેતા હોવા જોઈએ. પ્રેસિડન્ટ કક્ષાના માણસ આવા બફાટ કરે તો સામાન્ય નાગરિક તો બેફામ બફાટ કરવાનો અધિકાર અબાધિત જ કહેવાય ને.  

કાલે સોશિયલ મીડિયા પર એવી રણભેરી વાગતી હતી કે સિંધુ સંધિને તોડી નાખીને પાણી પુરવઠો સમૂળગો  બંધ કરી દેવાશે. જેથી  પાકિસ્તાનના પંજાબના ખેતરોનો પાક ઉભો ઉભો સળગી જશે ,લોકોને પાણીનું ટીપું નહીં મળે. એ જોઈને સામે પક્ષે હુમલો ચાલુ થયો ,  શાહબાઝ શરીફ તો બોલે પણ જે  મિમ અને મિમિક્રી  માટે પાકિસ્તાનમાં ફેમસ છે તે બિલાવલ ભુટ્ટો પણ ડીમડીમમાં જોડાયો. હિન્દુસ્તાન પાણી બંધ કરીને જુએ તો ખરું. એ એક્ટ ઓફ વોર લેખાશે. લોહીની નદીઓ વહેશે. એવી જંગ ખેલાશે કે દુનિયા યાદ રાખશે. 

પછી સોશિયલ મીડિયા પર ચાલુ થઇ પોસ્ટ્સ કયા દેશ પાસે કેટલાં હથિયાર છે? કોની શું શક્તિ છે? કોના આયુધ જૂનાં  બોદાં સડિયલ  છે ? કોની પાસે ન્યુક વેપન્સ વધુ છે? 

જો આખી આ ઘટમાળ ગંભીરતા પૂર્વક વાંચો તો આવી પરિસ્થિતિમાં જરા રમૂજ તો થાય. 

ઘણાં અર્થશાસ્ત્રીની જેમ વાત કરવા લાગ્યા. કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગ જ ઠપ્પ થઇ જાય તો આ લોકો સીધા થઇ જાય. બહુ ફાટ્યા છે ..હિમાચલ અને ઉત્તરાખંડ ટુરિઝમની એડ સોશિયલ મીડિયા પર વારંવાર દેખાવાની શરુ થઇ ગઈ. 

યુદ્ધ , પાણી રોક ને પછી એ જ વાતની કાઉન્ટર દલીલો , પાણી રોકી શકાય એમ છે કે  ? સરકાર ફીફાં ખાંડે છે. એમાં ખાસ કરીને મોદી શાહ પરત્વેનો દ્રેષ ઉભરાઈને રેલાવા લાગ્યો. કોઈ પ્રત્યે રાગ રાખવો કે દ્રેષ એ સહુની પોતાની વ્યક્તિગત  ચોઈસ છે. પણ , તે માટે થઈને મુસ્લિમો સામે,કાશ્મીરીઓ સામે રોષ બતાડવાથી શું સિદ્ધ કરવાનું છે?

મૂળ વાત તપાસીએ તો આખી વાતના છેડાં  ત્યાં જ મળે છે. 370 ઉઠાવ્યા પછી કાશ્મીર ટુરિઝમના આંકડા જોઈ લેજો. અને આ વર્ષે એ આંકડા લગભગ બેવડાઈ જવાના હતા. 

વર્ષવાર જોઈએ તો 2019 (370 રદ્દ થયું એ વર્ષે):

લોકોમાં ગભરાટ અને  અનિશ્ચિતતા હતી જેને કારણે પ્રવાસીઓ ઘટી ગયા હતા. છતાં લગભગ 16 લાખ પ્રવાસીઓ આવ્યા.

2020:

કોરોનાના કારણે આખા ભારત બંધ જેવી સ્થિતિ હતી , સ્વાભાવિક છે કાશ્મીર પર પણ  અસર પડે. 

પ્રવાસી સંખ્યા ઘટીને 4 લાખ જેટલી રહી.

2021:

સ્થિતિ થોડી સુધરી, અને લગભગ 11 લાખ પ્રવાસીઓ આવ્યા. હવે કાશ્મીર સલામત છે. જવાય તેવી વાત પ્રસરવા લાગી. 

2022:

રેકોર્ડ તોડ વર્ષ — કાશ્મીરે લગભગ 1.88 કરોડ પ્રવાસીઓનું સ્વાગત કર્યું. ટુરીસ્ટના આંકડા માટે ઐતિહાસિક વર્ષ. 

2023:લગભગ 2.10 કરોડ પ્રવાસીઓ આવ્યા, વધુ એક નવો રેકોર્ડ.

2024 (આખરી સત્તાવાર અહેવાલ મુજબ):

2024માં 2.3 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યાં , જેમાંથી મોટી સંખ્યા યાત્રાધામો (જેમ કે અમરનાથ યાત્રા) અને હિલ સ્ટેશન્સ પર ગઈ.

અને આજે 2025માં આ રેકોર્ડ પણ તૂટવાનો હોય તેમ એકેએક હોટેલો અને રિસોર્ટ ફૂલ હતા. 370 ઉઠયા પછી અત્યારે 4000 જેટલી નાનીમોટી હોટેલો છે. જેમાં ફાઈવસ્ટાર ,હોમ સ્ટેનો  સમાવેશ નથી. 

આ શું બતાડે છે? 

હકીકતે આ જ કારણસર સહુપ્રથમવાર ટુરિસ્ટ અને ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાન,પીઓકે માં ચાલતા ટેરર કેમ્પ પર તાલ મારવાની નોબત 370ના કારણે આવી છે. આ વાત ત્યાંના રહીશો જ કરે છે. મોટાભાગના સ્થાનિક લોકોએ બેન્ક લોન પર ટેક્સીઓ ખરીદી છે. પોતાના ઘરને હોમ સ્ટેમાં તબદીલ કર્યા છે. એક સમયે લશ્કર પર પથ્થર ફેંકવાના રૂપિયા 500 મળતાં  હતા. અને છૂટક નાની મોટી ઘટનાને અંજામ માટે મહિને પાંચ થી વીસ હજાર રૂપિયા મળતાં હતા, હવે પોતાનો રોજગાર વિકસાવી ચૂકેલા સ્થાનિકો મહિને ચાલીસ થી પચાસ હજાર રૂપિયા કમાઈ લે છે. એ પછી ટેક્સી ઓપેરટર હોય, હોમ સ્ટે વાળા હોય. અરે ,ઘોડાવાળાઓ રોજના 800થી 1000 લેખે કમાતા થઇ ગયા છે. તો પાક ફોજની  મજૂરીએ  કોણ જાય ?

આ સૌથી મોટું કારણ છે આ હુમલા પાછળનું. 

પાકિસ્તાન ઈચ્છે છે કે ફરી ભારતીય  પ્રવાસીઓ કાશ્મીર તરફથી મોઢું ફેરવી લે,ફરી ત્યાંની પ્રજાને ભૂખમરા ને લાચારીના દિવસો જોવા પડે એટલે મસીહાની જેમ ખેરાતના ટુકડા ફેંકવા જઈને ફરી ત્રાસવાદ જે મરણતોલ થઇ ગયો છે તેને પુનર્જીવિત કરે. કાલે સોશિયલ મીડિયા પાર કાશ્મીરનો બોયકોટ કરવો રહ્યો તેવી સલાહનો મારો પણ ચાલતો જોયો. આમ કરીને તો આપણે પાકિસ્તાનને જ જે જોઈએ છે તે સિલ્વર પ્લેટર પર ધરી રહ્યા છીએ. 

હવે વાત મોદી શાહે શું કરવું તેની શિખામણના દોરની. 

ઇન્ડિયા એટલે લોકતાંત્રિક દેશ છે કે એક ટેક્સી ડ્રાઈવર કે પછી પાનનો ગલ્લો ચલાવતો માણસ પણ આરબીઆઇના ગવર્નર કે વડાપ્રધાનને શિખામણ આપી શકે એટલો કાબેલ પોતાને માને છે. એમાં કોઈ વાંધો પણ ન હોવો જોઈએ. જેને જે માનવું હોય તે માની શકે છે પણ કાલે આ ગરમ વાતાવરણ (સોશિયલ મીડિયા) જોઈને થોડા સમય પૂર્વે જોયેલી એક ફિલ્મ યાદ આવી. ચેક કર્યું તો નેટફ્લિક્સ પર અત્યારે પણ છે. ફરી જોઈ. 

ફિલ્મ છે ઓપરેશન મિન્સમીટ, સત્યઘટના પાર આધારિત આખી ફિલ્મ છે. વિવેચકોએ પણ માનવું પડેલું કે સત્યઘટના સાથે બિલકુલ વફાદાર રહીને પ્લોટ છે. ઘટના બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની , 1943 ની છે . જેમાં વાત છે કુનેહનીતિની.  બ્રિટિશ યોજનાની. 

ઓપરેશન મિન્સમીટ બીજા  વિશ્વયુદ્ધ દરમિયાન થયેલી એક સાચી ઘટનાવાળી બ્રિટિશ યોજના હતી.

એમાં વાત છે હિટલરને ભેરવવાની . રસભંગ કરવાનો હેતુ નથી તેથી ટૂંકમાં કહેવું હોય તો જર્મનીએ ગ્રીસ અને સિસિલી પાર કબ્જો કરી લીધો હતો. અલાઇડ ફોર્સે ગમે તે રીતે હિટલરને ભ્રમમાં રાખી ને જીત હાંસલ કરવાની હતી. જર્મનીને ખોટી માહિતી આપવી જેથી તેઓ માને કે એલાઇડ ફોર્સિસ સિસિલી નહીં, પરંતુ ગ્રીસ અને સાર્ડિનિયા પર હુમલો કરશે. 

ટૂંકમાં કહેવું હોય તો ત્યારે બ્રિટનના વડાપ્રધાન હતા વિન્સ્ટન ચર્ચિલ. લાસ્ટ મેન સ્ટેન્ડિંગ સૂત્ર આત્મસાત કરનાર ,એની કુનેહનીતિ વિષે ભાગ્યે જ કોઈ અજાણ હોય. 

આ ફિલ્મ એક એવા જ ઓપેરશન પર છે જેને કારણે અલાઇડ ફોર્સ જીતી શક્યું. કુનેહનીતિ હતી લૂકિંગ એટ  લન્ડન એન્ડ ટોકિંગ ટૂ  ટોક્યો. સામેના દુશ્મનને ભ્રમમાં રાખીને દાવ ખેલવો એ જ સાચી કુનેહનીતિ. ઓપરેશન મિન્સમિટને સેકન્ડ વર્લ્ડ વોર  દરમિયાનની સૌથી સફળ છેતરપિંડી યોજનાઓમાંથી એક માનવામાં આવે છે.

એમાં સૌથી રસપ્રદ એ પણ છે કે આ ઓપેરશનમાં જ આપણને મળ્યા જેમ્સબોન્ડના સર્જક ઇઆન ફ્લેમિંગ.  

ફ્લેમિંગ પોતે WWII દરમિયાન બ્રિટિશ નેવી માટે ગુપ્તચર તરીકે કામગીરી કરતા હતા, ત્યાંથી જ  તેમને સ્પાય-થ્રિલર લેખન માટે પ્રેરણા મળી. ઓપેરશન મિન્સમીટ જેવી ઘણી પ્તચર ઘટનામાં ફ્લેમિંગનું પણ નાનકડું સંકળાયેલું યોગદાન હતું! જે કેરેક્ટર ફિલ્મમાં છે .

ફિલ્મની વાત અહીં ગૌણ છે. કહેવાનો મતલબ એટલો જ કે સમય વેઇટ એન્ડ વૉચનો પણ હોય . ભારતના કર્તાધર્તા, સેના,ગુપ્તચરો, વિદેશનીતિ તમામ પાસાઓનો ખ્યાલ રાખીને કોઈ નક્કર સાહસી પગલાં લેવાના હોય ત્યારે આપણે પાનના ગલ્લાવાળા કે ટેક્સી ડ્રાઈવર જેવી વાત કરીએ તો સારું લાગે ? 



Comments

Popular posts from this blog

Tracing Myths & Mountains

Dzuleke: Into the Mist and Beyond

Hornbill, Hills and Hard Truths from Nagaland