લૂક લંડન , ટોક ટોકિયો
પહેલગામ અટેક પછી જો સૌથી વ્યસ્ત કોઈ થઇ ગયું હોય તો તે છે નવરીબજાર . પ્રધાનમંત્રીએ શું કરવું , ગૃહમંત્રીએ શું કરવું. આ ચૂક કેમ થઇ ? કોનાથી થઇ ? એ માટે કઈ એજન્સી જવાબદાર છે , તેની ખેર ન રહેવી જોઈએ. જેટલા મોઢા એટલી વાતો હોય સ્વાભાવિક છે. ઘટના પણ એવી હતી કે અબાલવૃદ્ધ કોઈનું પણ લોહી ઉકળી જાય. પણ, જેટલો વધુ આક્રોશ એટલી વધુ ભાવાત્મકતા. જરૂરી તો એ છે કે આવા સમયે સાનભાન ઠેકાણે રાખવા જરૂરી હોય છે. એમાં વાંક કોઈનો નથી. અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ કહે કે ભારત પાકિસ્તાન વચ્ચે આ વિવાદ 1500 વર્ષથી ચાલે છે. તેથી એમાં અમે વચ્ચે પાડવા નથી માંગતા. મિસ્ટર પ્રેસિડન્ટ ને એમ હશે કે આ પણ યેરૂસલેમ જેવો મામલો હશે , હિસ્ટ્રી માટે સાહેબ પોડકાસ્ટ પરથી જ્ઞાન લઇ લેતા હોવા જોઈએ. પ્રેસિડન્ટ કક્ષાના માણસ આવા બફાટ કરે તો સામાન્ય નાગરિક તો બેફામ બફાટ કરવાનો અધિકાર અબાધિત જ કહેવાય ને. કાલે સોશિયલ મીડિયા પર એવી રણભેરી વાગતી હતી કે સિંધુ સંધિને તોડી નાખીને પાણી પુરવઠો સમૂળગો બંધ કરી દેવાશે. જેથી પાકિસ્તાનના પંજાબના ખેતરોનો પાક ઉભો ઉભો સળગી જશે ,લોકોને પાણીનું ટીપું નહીં મળે...