કિસ્સાગોઈ : ફોર મિલિયન
વાત છે એક પત્રકારની. એક કેમિસ્ટ કમ કમ્પાઉન્ડરની , એક મિકેનિકની.
નામ એનું વિલિયમ સિડની પોર્ટર . સાધારણ માણસ. જિંદગી ચલાવવા ઘણાં ઓડ જોબ કરી ચૂક્યો હતો તેમાં એકવાર માથે આળ આવ્યું ચોરીનું. વિલિયમ થયો જેલ ભેગો. હવે થઇ સમસ્યા. ઘરમાં પત્ની અને બે નાના બાળકો . તેમને માટે આજીવિકા માટે કોઈ સાધન નહીં . હવે શું કરવું ?
વિલિયમને વિચાર આવ્યો ટૂંકી વાર્તાઓ લખવાનો. જેલમાં બેઠાં બેઠાં જે અર્થોપાર્જન થાય તે , જો કોઈ છાપા મેગેઝીન છાપે તો એમાંથી મળનાર પુરસ્કારથી ઘર તો ચાલે. આઈડિયા કામ કરી ગયો. વિલિયમ પાસે એક હુન્નર હતો કોઈ પણ ઘટનાને રમૂજી રંગે રંગવાનો. પોતાની સાથે ,આજુબાજુ બનેલી ઘટના પર જ વાર્તાઓ લખવા માંડી, પ્રતિભાવ એવો મળ્યો કે એક અખબારના એડિટરે હાસ્યકથા કોલમ ચલાવવાનું પ્રોમિસ આપ્યું. એ કોલમ એવી તો હિટ થઇ ગઈ કે વિલિયમ પોર્ટર રાતોરાત પંકાઈ ગયો.
એ કથા લાંબી ન ચાલી ,અને વ્યરંગકથા લેખક , હ્યુમરિસ્ટ એવા વિલિયમ પોર્ટરે હાથ અજમાવ્યો સંવેદનશીલ લેખન પર .
જે માટે દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી , સંવેદનશીલ ટૂંકી વાર્તા માટે પ્રખ્યાત થયા તે આપણા આ લેખક વિલિયમે નવું એક પેન નેમ રાખ્યું , જે તેને ફળ્યું એમ કહી શકાય. નામ હતું : ઓ હેન્રી.
તેમની મોટાભાગની વાર્તાઓ સહુએ નાનપણમાં અભ્યાસ દરમ્યાન પાઠયપુસ્તકોમાં કે શોખથી વાંચી જ હશે. જેમ કે ધ ગિફ્ટ ઓફ ધ મેગી. ધ લાસ્ટ લીફ.. પણ તેમની રમૂજી વ્યંગકથા ખાસ પ્રસિદ્ધિ ન પામી કારણ કે એ વાર્તા તેમના મૂળ નામે લખાયેલી હતી. કિતાબ કથામાં વ્યંગ અને હાસ્ય કથા વાંચી ને જવાનું હતું. તે પૈકી મારી પસંદગીની બે ત્રણ વાર્તાઓ.. જેના વિષે ન તો ક્યારેય જાણ્યું હતું કે સાંભળ્યું હતું.
એ પૈકીની બે વાર્તાઓ છે પહેલી છે વ્હરલગીગ ઓફ ધ લાઈફ.
વાત છે સમયગાળા 1900ની. પતિપત્ની છે. જેમ દરેક પતિપત્નીમાં હોય છે તેમ રોજના કંકાસ કલેશથી પાકી ગયા છે. બંનેને લાગે છે કે હવે અંતિમ ઉપાય બચ્યો છે છૂટાછેડા. બંને ઝગડતા પડતા જજના ઘરે આવે છે. જ્જને કહે છે કે અમને છૂટાછેડા આપી દો .જજ કહે એમ છૂટાછેડા ન મળે.. ડોલર પાંચ લાગે. પતિપત્ની ગરીબ છે , પાસે વધુ પૈસા નથી. ગમે તેમ જોગ કરીને પાંચ ડોલર આપે છે. જજ ફારગતી કરાવે છે. હવે આજથી તમે બંને છુટ્ટા છો. કોઈએ કોઈની વાતમાં માથું મારવું નહીં.
બંનેને હાશકારો થાય છે. ખુશ થઈને બહાર નીકળે છે. સાંજ પડી ચૂકી છે.
પતિથી રહેવાતું નથી. એ પત્નીને પૂછે છે, તું ક્યાં જઈશ ? કેવી રીતે જઈશ ?
પત્ની કહે છે, મૂકોને એ લપ . હવે માત્રે શું કરવું તેની ચિંતા તારે શું કામ કરવી જોઈએ?
પણ પતિનું દિલ માનતું નથી. એ જુએ છે કે કકળાટિયણ ખરી પણ પત્ની તો હતી જ ને. ને વળી એની પાસે કોઈ પૈસા નથી. નથી કોઈ સાધન. એ જશે ક્યાં ?
ફરી પૂછે છે. એટલે ઉત્તરમાં પત્ની કહે છે કે હું મારા ભાઈને ત્યાં જાઉં એમ થાય છે. જે પેલી પહાડી પાછળ ગામમાં રહે છે ને ...તેને ત્યાં.
પતિને ચિંતા થાય છે. અરે, બાઈના જૂતાં તો ફાટેલા છે. આવી ઠંડીમાં આટલું લાબું અંતર ચાલીને એ જશે કઈ રીતે?
એટલે એ કહે છે કે ચાલ હું તને ગાડામાં બેસાડીને મૂકી જાઉં. પત્ની એમ કોઈ મચક આપે તેમ નથી. એ કહે છે રહેવા દે ને હવે શાની આવી ખોટી ચિંતા બતાવે છે. એના કરતાં સીધા ઘરભેગા થાવ. મેં ટેબલ પર અને શિકામાં ભોજન બનવી રાખીને મૂક્યું છે. બે દિવસ તો ચાલી જશે પછી તમે તમારું ફોડી લેજો.
આ વાતો દરમ્યાન પતિપત્નીને ખ્યાલ આવે છે કે બંને વચ્ચે પ્રેમ નથી એવું નથી પણ આ રોજના કજિયા ને કંકાસથી વાત પૂળો મૂકવા પર પહોંચી છે.
થોડીવારમાં વાદવિવાદમાં એટલું તો સમજાય છે કે ભેગાં તો નહોતું રહેવાતું પણ છૂટાં તો હરગીઝ નહીં રહેવાય. પણ હવે શું થાય ? ડિવોર્સ તો થઇ ચૂક્યા છે. બંનેને થાય છે કે ફરી આપણે જજ સાહેબ પાસે જઈએ અને કહીએ કે લગ્ન તોડ્યા પણ હવે જોડી પણ આપો. પતિપત્ની ત્યાં જાય છે ,જ્જને વાત કરે છે કે અમે ડિવોર્સ લીધા પણ સાથે જ રહેવા માંગીએ છીએ. ડિવોર્સ ફોક કરો.
જજ કહે એવું ન થાય. ડિવોર્સ એટલે ડિવોર્સ, તમે બંને છુટ્ટા. હવે જો સાથે રહેવું હોય તો લગ્ન કરવા પડે. એને માટે લાગશે ડોલર પાંચ.
પતિ પત્ની મૂંઝાય છે. જે કોઈ બચત હતી તે તો ડિવોર્સ માટે ખર્ચી નાખી હવે લગ્ન કરવા બીજા પાંચ ડોલર કાઢવા કઈ રીતે? નિરાશ થઈને બહાર નીકળી જાય છે.
કામથી પરવારી જજ બહાર નીકળે છે ત્યાં એક વ્યક્તિ બહાર તેને ધરી લે છે. ગભરાઈ ગયેલો જજ કહે છે ભાઈ જે જોઈતું તે લે મને જવા દે. સામે પિસ્તોલનું નાળચું ધરી ઉભેલો શખ્સ કહે છે પાંચ ડોલર ...જજ ધ્રૂજતાં હાથે પેલા કપલે આપેલી પાંચ ડોલરની પતાકડી સામે ધરી દે છે. એમ નહીં આ બંદૂકના નાળચામાં મૂકી દે. બંદૂકધારી આદેશ આપે છે. જજ પાસે કોઈ છૂટકો નથી. એ નોટને ગોળ ફિંડલું વાળીને બંદૂકના નાળચામાં મૂકી દે છે.
બીજા દિવસે ડિવોર્સી કપલ પાછું આવે છે. લગ્ન કરવા માટે.
પાંચ ડોલર લાગે એમ જ લગ્ન ન થાય. જજ ખોંખારીને કહે છે. પતિ તરત જ પાંચ ડોલરની નોટ કાઢીને જ્જની સામે ધરે છે. જજ નોટ જુએ છે , આકાર પરથી ખ્યાલ આવી જાય છે કે આ એ જ પાંચ ડોલર છે જે રાત્રે પોતે નાળચામાં ભરાવીને મૂક્યા હતા.
વાર્તા અહીં પૂરી થાય છે એક રમૂજી છતાં ગહન સંદેશ સાથે. વાર્તાના શીર્ષકને યથાર્થ કરીને. જીવનના વમળ..
બીજી એક વાર્તા પણ એવી જ છે. જોકે અત્યારના સમયે પ્રિડિક્ટેબલ લાગે. પણ આજથી સો વર્ષ પૂર્વે જયારે ન તો પુસ્તકોની રેલ આવતી ન સોશિયલ મીડિયા ન વૉટ્સએપ્ એ સમયમાં કેવીક થ્રિલિંગ હશે એ કલ્પી લેવાનું રહે.
ઓ હેન્રીએ પોતે કમ્પાઉન્ડર તરીકે પણ કામ કર્યું હતું. કેમિસ્ટની દુકાનમાં પણ કામ કર્યું હતું. વાર્તાનો હીરો આઈકી શોઈન્સ્ટીન પણ કેમિસ્ટ શોપમાં કામ કરે છે. પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે. જેના ઘરમાં રહે છે તે ઘરમાં મકાનમાલિકની દીકરી રોઝી એને બહુ ગમે છે પણ કહેવાની હિંમત નથી. હિંમત ભેગી કરે એ પહેલા આઈકીનો મિત્ર ચંક કહે છે કે એ અને રોઝી પ્રેમમાં છે .આઈકી પાસે એવું કોઈ સોલ્યુશન લવ ફિલ્ટર જોઈએ છે જેથી તે રોઝીને એકદમ ઈમ્પ્રેસ કરી શકે. આઈકી ઈચ્છે છે કે એ રોઝીને તેના માબાપને ચેતવે પણ હવે મોડું થઇ ગયું છે. રોઝી તો ચંક ને ચાહવા લાગી છે. હવે સમસ્યા છે. રોઝી બીકણ છોકરી છે. ચંક સાથે ભાગીને લગ્ન કરવા તૈયાર થાય પણ છેલ્લી ઘડીએ ફસકી જાય.એ માટે કોઈને કોઈ સંજોગ ઉભા થઇ જાય છે. છેલ્લે એક જ રામબાણ ઈલાજ છે કે એવું લવ ફિલ્ટર રોઝીને પીવડાવવું કે જેથી તેનામાં હિંમત આવી જાય અને ભાગવા તૈયાર થઇ જાય .
મોઢાનો મોળો એવો આપણો આઈકી એમાં પણ ના પાડી શકતો નથી. પણ , એના મનમાં કોઈક પ્લાન છે . એ લવ ફિલ્ટર બનાવીને આપી દે છે. ચંક તે લઈને થઈને ચાલતી પકડે છે. આઈકી મનમાં રાહતનો શ્વાસ લે છે.
બીજા દિવસની સવારે આઈકી દોસ્તની રાહ જોતો બેઠો છે. ચંક આવીને કેવો કકળાટ કરશે ,રોઝીએ ફરી શું કર્યું ,પ્લાન કઈ રીતે ફ્લોપ થઇ ગયો તે માંડીને વાત કરશે .
પણ આ શું ? મિત્ર તો ખુશખુશાલ ચહેરે આવે છે. આભાર માનવા માટે.
સમજાતું નથી કે વાત શું છે.
ચંક વાતનો ફોડ પાડે છે. આઈકી એ જે લવ ફિલ્ટર આપેલું તે રોઝીને પીવડાવવાનું જ હતું ને ચંકનું મન ફરી જાય છે. આ રોઝી જેવી ભોળી નિર્દોષ કન્યાની સાથે આવી છેતરપિંડી કરવાની ? એ વિચાર બદલી નાખે છે અને કોઈક રીતે એ રોઝીના પિતાના ડ્રિન્કમાં આ ફિલ્ટર ભેળવી દે છે. રોઝી ફાઈનલી ઘર છોડવા તૈયાર થઇ જાય છે.
ખરેખર આ જમાનમાં આપણને એટલી ફિલ્મી ટોપ્સી ટર્વી સ્ટોરી જોવાની આદત છે કે આ સ્ટોરીનો અંત પહેલો ફકરો વાંચવા સાથે અંદાજી લેવાય. પણ આજથી સો સવાસો વર્ષ લખાયેલી વાર્તાનો ચાર્મ એ જમાનામાં આગવો હશે.
ઓ હેન્રીએ રમૂજી વાર્તાઓ લખવાનું છોડીને સંવેદનશીલ વાર્તાઓ લખવાનું કેમ શરુ કર્યું તેનો ચિતાર કન્ફેશન ઓફ હ્યુમરિસ્ટમાં મળે છે. એક વર્ગ માને છે કે આ તેમની પોતાની વાત છે. એ કોઈ મોટી બાયોગ્રાફી નથી. નાની વાર્તા છે, ઓ હેન્રીએ આ પોતાની વાત છે એવું ક્યાંય ઉલ્લેખ્યું નથી.
એમાં વાત એ છે કે દુનિયાને હસાવતાં એન્ટરટેઈનર પોતે કેટલા એકલતાથી પીડાતા હોય છે. કારણ એટલું જ કે સામાન્ય લોકને એક ડર પરેશાન કરે છે કે આ હ્યુમરિસ્ટ અમારી પણ કોઈ ચોક્કસ આદત, શૈલી કે કશુંક પણ અવલોકન કરીને હાસ્યાસ્પદ બનાવી દેશે.
ઓ હેન્રી પંકાયા પોતાની હૃદયસ્પર્શી વાર્તાઓથી કદાચ તેથી તેમની રમૂજી વાર્તાઓ ખાસ લોકપ્રિય ન થઇ હોય તેમ બને. સૌથી વધુ લોકપ્રિય તેવા કહાનીસંગ્રહ ફોર મિલિઅન્સમાં ઘણી વાર્તાઓ છે જેને ધ ગિફ્ટ ઓફ ધ મેગી કે ધ લાસ્ટ લીફ જેવી સફળતા નથી મળી.
ક્યારેક એ વિષે વાતો કોફીના એક કપ સાથે...
Comments
Post a Comment