કલ આજ ઔર કલ



આજકાલ ક્યાંય તમે  જોયું કે પ્રેમપત્ર લખાતાં હોય?
 ના, ઈમેલ કે ટેક્સ્ટ મેસેજ નહીં. 

ચીમનલાલ કે સત્યમ કલેક્શનમાંથી ખરીદેલી સ્ટેશનરી પછી રાતના દસના ટકોરા શું થાય  ઘરમાં સોપો પડી જાય ત્યારે રેશમી અંધારા ને ઝાંખા પ્રકાશમાં એ પાનાં પર  મરોડદાર અક્ષરે થતી શરૂઆત. 
પહેલી પાંચ સાત મિનિટ તો નવું સંબોધન શું કરવું એ વિચારવામાં વીતી જાય. 
પત્ર લખાઈ રહે ત્યારે મધરાત વીતી ગઈ હોય. બીજે દિવસે એના પર ચાર્લી કે કોઈ એવું સેન્ટ છાંટી કે પછી પરબીડિયામાં ચોરીછૂપીથી એક તજ બે ત્રણ એલચી મૂકીને ટપાલ પેટીમાં નાખવાની મજા. પછી પૂરા ચાર દિવસ ભૂલી જવાનું. પાંચમા દિવસથી જવાબી પત્રની ઈંતેજારી શરૂ. 
આ જમાનો યાદ છે? 
તમામ હમઉમ્ર દોસ્તો ન જ ભૂલ્યા હોય.. 

મારું હંમેશા માનવું રહ્યુ કે દુનિયામાં જેટલો બદલાવ આપણી પેઢીએ જોયો છે, તે ન તો  પહેલાં કોઈ પેઢીએ જોયો છે અને ન જ આ પછી પેઢી જોશે. આ છેલ્લી પેઢી છીએ જેણે કટી પતંગમાં વિધવા સ્વરૂપ માધવી (આશા પારેખ) સાથે આંસુ વહાવ્યા હશે.. જે રાજેશ ખન્ના કે ઋષિ કપૂરના દીવાનગીભર્યાં પ્રેમમાં ન હોય. છોકરાઓ થોડાં ડાહ્યા. તેમણે ખબર કે મુમતાઝ કે ઝીનત સાથે નહીં,બલ્કે  એનો વહેમ હોય એવી છોકરીથી ચલાવી લેવાનું. હિન્દી નવલકથા ને ભૃકુટિ વાંકી કરીને જોતી મમ્મીથી છુપાવી રાત્રે ચાદરમાં છુપાવીને રાખી છે. બેરંગ પત્રોથી લઈ લાઇવ ચેટિંગ સુધી જોયું છે અને ઘણાં અસંભવ લાગી રહેલા કામોને શક્ય બનતા જોયા છે.

આપણે તે છેલ્લી પેઢી છીએ જેના ઘરમાં ટીવી નહોતા ત્યારે ઘરે બેસીને ગુલશન નંદા, રાનુ , રાજહંસ  લિજ્જતથી વાંચી ને ચર્ચા પણ કરી છે, અને હા, એ પણ ભણવાના પુસ્તકો વચ્ચે છુપાવીને. ત્યારે આવી પોકેટ બુક વાંચવી જેવો તેવો ગુનો નહોતો. પૃથ્વી વલ્લભથી લઈને સરસ્વતીચંદ્ર , ભારેલો અગ્નિ , દિવ્યચક્ષુ , ઝેર તો પીધાં જાણી જાણી યાદ રહી ગયેલી કૃતિઓ પૈકીની એક. એક લેખક હતા પ્રાણ પરદેશી જે ચોક્કસ ઉપનામ હોવું જોઈએ. એ નવલકથા દૂર ગગનના તારા વાંચતી વખતે રડવાનું રોકી નહોતું શકાયું. જે અનુભવ ફરી એક વાર વર્ષો પછી થયો ધ થોર્ન બર્ડs(by McCullough) વાંચતા , એ પછી આંખોના કૂવા સુકાઈ ગયા. 

હા, એ આપણે જ જેણે બાળપણમાં બીજા મિત્રો  પરંપરાગત રમત, ગિલી-ડંડા, લંગડી ટાંગ, આઈસ પાઈસ, છુપા-છુપ, ખો-ખો  જેવી રમતો રમવા ન જવા દેવામાં આવે તો ઓટલે બેસીને ગર્લ્સ ગેંગ સાથે પાણીપુરી ખાઈને gossip નામનો શબ્દ ખબર નહોતો પણ કરીને મજા લૂંટી છે.

 ત્યારે યાદ છે આપણા ચહેરા? સૌથી મહત્વનું ફીચર એવી તેલવાળા વાળની બે ચોટલીઓ. સ્કૂલ સવારના સાડાસાતે શરુ થઇ બપોરના એક વાગ્યે છુટ્ટી થતી ત્યારે પણ વાળ તો સવારે બનાવ્યા હોય તેવા જ વ્યવસ્થિત. હા, યુનિફોર્મ થોડો ચોળાયો હોય અને આંગળીના ટેરવાં શાહીવાળી ઈન્ડીપેન ગળવાથી રંગાયા હોય. કેનવાસના શૂઝ પીટીના દિવસે જો ચોખ્ખા ન હોય તો ઉપર ભીનો ચોક ઘસીને એને વધુ કદરૂપા તો આપણે સૌએ બનાવ્યા હશે. 

 આપણે તે છેલ્લી પેઢીના લોકો છીએ જેણે ઘરમાં એસી, વોશિંગ મશીન ક્યારેય જોયા જ નહોતા. અને હા, કલર ટીવી તો શું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પણ એક જોણું હતા. આપણાં માટે હતી લાઈબ્રેરી પછી સ્કૂલની હોય કે પબ્લિક. પુસ્તક ખરીદી શક્ય નહોતી. મેગેઝિન પર જીવ આવી જતો. સાપ્તાહિક મેગેઝિન, રવિવારના દૈનિક વાંચવા માટે ભાઈ બહેનોમાં થતી  તકરાર. 
                                                            images : AI


ચાંદની રાત્રે અગાશીમાં કે રૂમની ગેલેરીની પાળ પર આપણા સદાના સાથી એવા ફિલિપ્સ કમાન્ડર રેડીઓના સહચર્યમાં  પડતી મધરાત .પથ્થર બોલ ઉઠે ,હવામહેલ , છાયા ગીત,બ બેલા કે ફૂલ થી લઈને મધરાત સુધી ચાલતી ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ. શિરમોર એવી દર બુધવારે રાતે આઠથી નવ આવતી બિનાકા ગીતમાલા .

 જિંદગીમાં તે વખતે અધૂરપ જ અધૂરપ હતી. કાયમ ઓછા પડતા પોકેટ મની. મનમાં વસી જતો કોઈ ડ્રેસ કે પર્સ, મોપેડ પર કોલેજ જવાની ઈચ્છા. દર શુક્રવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પિક્ચર જોવાની તાલાવેલી. એવું નહોતું કે તમામ ઈચ્છાઓ અધૂરી રહી જતી છતાં થોડી ઘણી  રહી જાય તો એ અધૂરપ ખટકતી નહોતી. 

આજે પાંચ દાયકા પૂર્વે એક નજર નાખતા લાગે છે ક્યા કુલ થે  હમ ...


ટિપ્પણીઓ

  1. અમને એમ હતુ કે અધુરપ અમને જ હતી પણ બધે સરખુ જ હશે એવુ લાગે છે ,બીજુ કે લવિંગ અને તજ નાખવા પાછળ નો હેતુ શુ?

    જવાબ આપોકાઢી નાખો
  2. સહમત!પણ મજ્જાની લાઈફ હતી,મારા બાળકો પાસે છે એનાથી અડધાય વિકલ્પો નહોતા છતાય મસ્ત સભર જિંદગી હતી!

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અંગકોરવાટના મંદિરો મહાકાય શ્રી યંત્ર હતા ?

રાણીની વાવ