મન્નુ ભંડારીનું ભાવજગત




આ વખતે કિતાબઃકથાનો વિષય હતો  હિન્દી સાહિત્ય અને યોગાનુયોગે બેઠકને દિવસે હતો હિન્દી દિન. 

હિન્દી સાહિત્ય વિષે શું વાંચવું અને શું ન વાંચવું એ મોટી દ્વિધા હતી. કોલેજકાળમાં જોયેલા રજનીગંધા થોડા સમય પૂર્વે ફરી જોઈ હતી એટલે મન પર તાજી હતી. મનુજીની મૂળ નવલિકા પર આધારિત ફિલ્મની વાત પછી પણ સૌથી વધુ ભાવાત્મક લેખાતી નવલકથા આપ કા બંટી વિષે ખાસ જાણ નહોતી . શરૂઆત જેની પરથી રજનીગંધા બની તે કહાની ' યે હી સચ હૈ ' થી કરી. એ પછી સાવ ઓછી જાણીતી એવી ત્રિશંકુ પણ એક એવી કહાની છે જે લેખિકાની આપકહાણી ન લાગતે  લાગે જો એમની કથક ડાન્સર દીકરી  રચના યાદવનો ઇન્ટરવ્યુ ન વાંચ્યો હોત.  
અલબત્ત આ બેઉ નવલિકા હતી એટલે એક નવલકથા વાંચવી તો બનતી હતી. મન્નુ ભંડારીની સૌથી ચર્ચિત નવલકથા છે આપ કા બંટી . એટલે સૌપ્રથમ વાત એની કરવી રહી. 

કથાની નાયિકા શકુન પતિ અજયથી અલગ રહે છે પોતાના આઠ વર્ષના દીકરા બંટીની સાથે. શકુન જેટલી ચીવટ પોતાના કામમાં વર્તે છે એટલી જ જવાબદારીથી બંટીને ઉછેરે છે. એટલે બંટીને માટે મા એવી વ્યક્તિ છે જેને કોઈ સાથે શેર કરી શકાય નહીં. અજય કોલકોત્તામાં રહે છે. સેપરેશન છે પણ કાયદેસરના ડિવોર્સ હજી બાકી છે. વારે તહેવારે અજય પોતાના બંટીને મળવા આવે છે ત્યારે સાથે રમકડાં લઈને આવે છે , એટલું જ નહીં વેકેશનમાં કોલકોતા આવે ત્યારે એને વિક્ટોરિયા મેમોરિયલથી લઈને હાવડા બતાવવાનું સ્વપ્નું બતાવ્યા કરે છે. બંટીને મમ્મી જેટલી વ્હાલી છે એટલા જ પપ્પા ગમે છે પણ  એક પ્રશ્ન થયા કરે છે કે અન્ય મિત્રોના માબાપ સાથે રહે છે તેમ એના મમ્મી પપ્પા સાથે કેમ નથી રહેતા? 

એક દિવસે એને ખબર પડે છે કે માબાપ ડિવોર્સ લેવાના છે , કહેનાર છે બંટીનો હમઉમ્ર મિત્ર ટીટુ . બંટીને ડિવોર્સ શબ્દ પણ ખબર નથી. ટીટુ એને સમજાવે છે કે મમ્મી પપ્પાની લડાઈ એ ડિવોર્સ . કદાચ ..

અહીં વાત એક બાળકના ભાવાત્મક વિશ્વની છે. 
લગભગ 50 વર્ષ પહેલા લખાયેલી કહાનીની ધાર તે સમયે જે તીક્ષ્ણતા ધરાવતી હતી તે આજે સાંપ્રત એટલે નથી કારણકે આજે ડિવોર્સ સાહજિક થઇ ગયા છે. આજે બાળકો પણ એને સ્વીકારી શકે છે. પણ પાંચ દાયકા પૂર્વે વાત આટલી સુગમ નહોતી. 

બંટીનો  પિતા અજય મીરા સાથે પ્રેમ સંબંધમાં છે. મીરા પ્રેગ્નેન્ટ છે એટલે હવે તેની સાથે કાયદેસર લગ્ન કરી શકે તે માટે એ વહેલી તકે ડિવોર્સ મેળવવા ઈચ્છે છે. શકુન અને અજયના મિત્ર એવા વકીલ સલાહ આપે છે કે શકુને પણ હવે પોતાના વિષે વિચારી લેવું જોઈએ કારણકે બાળક હંમેશ કોઈ ફાધર ફિગર ઝંખે છે અને બીજું કે કાલે બંટી મોટો થઈ જશે તો શકુનના જીવનમાં રહી જશે માત્ર એકલતા. 

અજય સાથે થયેલા વિચ્છેદથી શકુન વિચારવા માંડે છે ડોક્ટર જોશી વિષે. બંટી માંદો હતો ત્યારે મળવાનું થયેલું અને વિધુર ડોકટરે વાતવાતમાં ઈન્ટરેસ્ટેડ પાર્ટી હોવાનું જણાવ્યું હતું પણ વાત પર ત્યાં જ પૂર્ણવિરામ મુકાઈ ગયેલું. શકુન એ વિષે ગંભીરતાથી વિચારે છે અને નિર્ણય લઇ લે છે ડોક્ટર સાથે લગ્ન કરવાનો. ડોક્ટરને બે બાળકો છે .દીકરી બંટીથી વર્ષ મોટી છે ને દીકરો નાનો. બંનેએ શકુનને મા તરીકે સ્વીકારી લીધી છે પણ બંટી ડોક્ટરને પિતા તરીકે સ્વીકારવા તૈયાર નથી. 

કોઈપણ સાથે માને શેર કરવી એ બાળમન માટે મોટો આઘાત છે. અને  શરુ થાય છે બાળકના મનની વ્યથા કથા. બંટીને ખબર છે કે મમ્મી જેટલો પ્રેમ એને કોઈ કરતું નથી છતાં મમ્મીએ કરેલ લગ્નથી એ ઘવાયો છે. એને થાય છે કે મમ્મી પાસે રહેવા કરતા પિતા પાસે જતો રહે તો જ બહેતર રહેશે . એટલે પિતાને કાગળ લખ્યા કરે છે. એક દિવસ આ પત્રો શકુનના હાથે ચઢે છે અને એ દિલ પર પથ્થર મૂકીને બંટીને એના પપ્પા પાસે મોકલવાનો નિર્ણય લે છે. 

બંટી ખુશ છે. હવે એ પપ્પા જોડે રહેશે. કલકત્તા જશે , ત્યાં  બધે ફરશે. પપ્પા સાથે રાતદિવસ રહેશે. પપ્પા સાથે કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન પર એટલી ભીડ છે કે બંટીને લાગે છે કે પપ્પાનો હાથ છૂટી જશે ને પોતે ગુમાઈ જશે. ઘરે આવીને તો બંટીનો સ્વપ્નભંગ થાય છે. અહીં પપ્પાની પત્ની છે એની ગોદમાં નાનું બાળક છે. પપ્પા હવે મમ્મીની જેમ કહે છે કે આ આંટીને  મમ્મી કહેવાનું છે અને પેલું નાનું બાબલુ એનો નાનો ભાઈ છે. 

બાળકની માનસિકતા એવી ઘડાઈ છે જેને જિંદગીમાં કશું શેર કર્યું નથી , એ અને એનો અસબાબ , એની મમ્મી , એનો બગીચો , એની કેરટેકર ફુફી , એની સ્કુલ એના મિત્રો બધું ક્યાંક છૂટી ગયું છે અને એ રહી ગયો છે. 
બાકી હોય તેમ થોડા જ દિવસમાં પિતા નિર્ણય લે છે બંટીને હોસ્ટેલમાં મુકવાનો. ટ્રેનમાં હોસ્ટેલ જતી વખતે ટ્રેનમાં સામે બેઠેલા સાધુને જોતા બંટીને લાગે છે કે સાધુના ચહેરામાં પપ્પા, ડો.જોશી મમ્મી બધા ઓગળી રહ્યા છે. 

એક બાળકની મનોસ્થિતિ, વેદના  લેખિકાએ એટલી ધારદાર બતાવી છે કે વાચકને સ્પર્શ્યા વિના ન રહે. સ્વપ્નસૃષ્ટિમાં રાચતા બાળકના મનમાં પરિસ્થિતિઓ જે ઉથલપાથલ સર્જે છે એનું બારીક નિરૂપણ લેખિકાએ કર્યું છે. 
આ નવલકથા પરથી ફિલ્મ બની હતી સમય કી ધારા . શબાના આઝમી , શત્રુઘ્ન સિંહા ને વિનોદ મહેરાને લઈને. જેમાં કહાનીની ધાર કાઢવા અંત બદલવાની લિબર્ટી ફિલ્મમેકરે લીધી મન્નુ ભંડારી એમને કોર્ટમાં ઘસડી ગયા હતા. 

મન્નુ  ભંડારીની બીજી એક માર્મિક નવલિકા છે યે હી સચ હૈ. .કહાનીની નાયિકા છે દીપા. દીપાની જિંદગીમાં બે વ્યક્તિ આવ્યા છે , એક નિશિથ ને એક છે સંજય. દીપા સત્તર અઢાર વર્ષની હોય છે ત્યારે એને પ્રેમ થાય છે નિશિથ સાથે. એ સમયે લાગે છે બસ , નિશિથ જ એનું વિશ્વ છે. નિશિથના મનની સ્થિતિ દીપા જેવી નથી. નિશિથ પાસે પ્રેમનો પ્રત્યુત્તર મોળો છે એટલે દીપા જાય છે કાનપુર. ત્યાં રિસર્ચ કરવી છે. મૂળ તો હેતુ છે કે યાદ મિટાવી દેવી. મન કામમાં પરોવી દેવું. ત્યાં મળે છે સંજય . સંજય થોડો મનમોજી આનંદી માણસ છે. નિશિથ જેવો શુષ્ક નથી. એ વારે તહેવારે રજનીગંધાના ફૂલો લઈને મળવા આવે છે. સંજય સાથે મળીને લાગે છે કે હસબન્ડ મટીરીયલ છે. એટલે કે નિશિથ પ્રેમી તરીકે ઠીક પણ જિંદગી તો જવાબદાર વ્યક્તિ સાથે જ ગુજરી શકાય.  હવે એકવાર સંજોગો ઉભા થાય છે કે દીપને જવું પડે છે કોલકોત્તા. મનમાં થાય છે નિશિથ ન મળે. મનની અંદર કશુંક છુપાઈને બેઠેલું કહે છે કાશ, નિશિથ મળી જાય... મન કહે છે મળે , મન કહે છે ન મળે. આ દ્વંદ્વ ચાલે છે ને યોગાનુયોગ નિશિથ મળી જાય છે. એટલું જ નહીં એ દીપાને નોકરી મળી જાય તેવા પ્રયત્ન કરવાનો કોલ આપે છે. દીપાને થાય છે કે એનો અર્થ સીધો છે કે નિશિથ હજી પોતાને ચાહે છે. નિશિથ કરે છે કોઈક ગિલ્ટમાંથી મુક્ત થવા. નાયિકાના મનમાં તો ઉથલપાથલ મચી છે. 
નિશિથને હવે સંજયની વાત કરી દેવી જોઈએ. આજે કહી જ દેવું કોઈએ હું સંજય સિરિયસ રિલેશનશિપમાં છીએ. પણ, છેલ્લે સુધી કહી શકતી નથી. મનમાં શું છે એનો ફોડ પડતો નથી. ટેક્સીમાં એકવાર સાથે જાય છે ત્યારે પણ આશા  થાય છે કે નિશિથ કહી દે કે એ હજી દીપાને ચાહે છે. કારણ ? કારણ એ જ કે પ્રેમ જિંદગીમાં એક જ વાર થાય છે , બાકી બધી તો છલના હોય ને. નિશિથ બસ એકવાર કહી દે.... એક વાર .... પણ નિશિથ તો બોલતો જ નથી. કારણ જે પણ હોય ... સ્ટેશન પર વાટ પણ જુએ છે. નિશિથ આવે પણ છે. હાથ પર હાથ મૂકીને વિદાય આપે છે. દીપાને થાય છે આ ...જ ..... આ ...જ ... એ ભલે કહી ન શકતો હોય નિશિથ મને જ ચાહે છે. 

કાનપુર આવીને દીપાને ચેન નથી. સારી વાત એ છે કે સંજય કામને કારણે બહારગામ ગયો છે.  એ પહેલું કામ પત્ર લખવાનું કરે છે. પણ હવે સંજયને કેમ કરીને કહેવું કે એ નિશિથને ચાહે છે ? સંજયને કહ્યં સમજાવું પડશે કે પ્રથમ પ્રેમ કઈ રીતે વિસરાવવો ? સ્ત્રીના મનની વાત પુરુષ ક્યારેય નહીં સમજી શકે. 

પત્રના ઉત્તરમાં વ્યાકુળ દીપાને પત્ર અને સંજય એક જ દિવસે મળે છે. નસીબદાર ખરી કે પત્ર પહેલા મળે છે. દીપા ધ્રૂજતાં હાથે પત્ર વાંચે છે. એ સમય વૉટ્સએપ કે ઇમેઇલનો નહોતો. નહીંતર આ કહાની આટલી રોચક ન બનતે. થરથરતાં હાથમાં ધરાયેલા પત્રમાં નિશિથ લખે છે કે નોકરી મળી તેના અભિનંદન. જ્યાં રહો ત્યાં ખુશ રહો કામિયાબ રહો એવી બધી ડાહી ડાહી વાત લખી છે પણ પ્રેમનો એકરાર નથી. દીપાનું હૃદય તૂટી જાય છે. નીશિથના પત્રનો અર્થ એવો છે કે નોકરી લગાવી આપી એટલે એનો અર્થ એમ નથી કે હું પ્રેમમાં છું.

ને બસ સંજય આવે છે. એ તો કલકત્તા  મુકવા ગયેલો પછી આજે આવ્યો છે . એને ખબર નથી કે દીપા મનોમન શું ભાવજગતની યાત્રાઓ કરી આવી છે. જેવો સંજય આવે છે દીપા વળગી પડે છે. આ જ સાચો પ્રેમ છે. નિશિથ જોડે તો એક છલના હતી. સંજય જ પોતાને માટે છે અને એ સંજય માટે. 

વાર્તા આટલી જ છે. પણ એક સ્ત્રી થઈને મન્નુ  ભંડારીએ સ્ત્રીસહજ છલના પરથી પરદો ઉઠાવ્યો છે. સામાન્યરીતે પુરુષોને જ ભ્રમરવૃત્તિના મનાય છે. સદીઓથી સ્ત્રી એટલે નિર્મળ , નિર્દોષ , પવિત્રતાની પૂતળી , શોષણગ્રસ્ત અબળા એવું બધું મનાતું આવ્યું છે. સ્ત્રીઓ પણ પુરુષો જેટલી જ ગણતરીબાજ અને તકસાધુ હોય છે એવું કહેવામાં લેખિકા જરાયે સંકોચ અનુભવતા નથી. ભારતીય સમાજમાં એવા આદર્શોના માપદંડ સર્જવામાં આવ્યા છે કે સ્ત્રીઓ ખોટી ન હોય તેવી એક ભ્રમણા ઉભી થઇ છે .જેને પચાસ વર્ષ પહેલા કહેવાની હિંમતનું શું કહેવું ?


હિંમતની વાત નીકળી છે તો લેખિકાની ત્રીજી કહાની ત્રિશંકુની વાત તો કરવી જ પડે. 

ત્રિશંકુમાં નેરેટર છે એક યુવાન છોકરી. નામ છે એનું તનુ . માબાપ અતિ શિક્ષિત અને આધુનિક છે . આધુનિકનો અર્થ કાંટા ચમચીથી ભોજન કરવું કે વાળ કાપવવા કે ફેશન કરવી એમ નથી, ઘરમાં સ્ત્રી સ્વતંત્રતાની , અધિકારોની , લગ્ન વિના સેક્સની બધી વાતો થાય છે. આ દંપતીના મિત્રો પણ એવા જ ખુલ્લા વિચારોવાળા છે. જયારે પણ મહેફિલ જામે ત્યારે એવી આક્રમકઃ દલીલો થાય છે કે લાગે બેચાર જોડાઓના ડિવોર્સ થાય જ સમજો પણ કશું થતું નથી.
હવે આવા ક્રાંતિવાદી કુટુંબની સામે રહેવા આવે છે બે ચાર વિદ્યાર્થીઓ. આમ તો દર વર્ષે આવતા હતા પણ તનુનું ધ્યાન આ વખતે ગયું છે કારણ કે એ આ જ વર્ષે કિશોરાવસ્થાથી યુવનાવસ્થમાં પ્રવેશી રહી છે. એને લાગે છે કે પેલા છોકરાઓની દ્રષ્ટિ તનુના ઘર પર કે પછી તનુ પર હોય છે. અસહજતા અનુભવતી છોકરી જયારે માને આ વાત કરે છે ફોરવર્ડ વિચારની મા એ છોકરાઓને ઘરે જમવા આમંત્રણ આપે છે. દુનિયા ક્યાંથી ક્યાં નીકળી ગઈ છે તેનું ભાષણ , સ્ત્રી પુરુષ સરખા હોવાની ચર્ચા, પુરુષ સમોવડી હોવાની વાતો ચાલતી રહે છે. તનુની માતા પોતે કેવી રીતે પિતા સામે માથું ઊંચકીને મેદાને પડી ને પિતા સાથે લગ્ન કર્યા એ વાત પણ તેમનો માનીતો વિષય છે. 
તનુ પહેલા સંકોચ અનુભવતી રહે છે પછી એ પણ માતાના પ્રોત્સાહનથી છોકરાઓ સાથે દોસ્તી કેળવી રહી છે. જેમાં એક છોકરો થોડો વધુ ગમે છે. એ વારે વારે ઘરે આવે છે. સાથે અભ્યાસ કરે છે. એક દિવસ વાત ફિલ્મ જોવા પર આવે છે ને ઉત્સાહી ક્રાંતિકારી મન દિલને આંચકો લાગે છે. આવું ચાલે ? આખો દિવસ આ છોકરા સાથેની ઉઠબેસ ? પડોશની સ્ત્રીઓ શું વાત કરે છે સાંભળ્યું છે ?

તનુને સમજાતું નથી કે માને થાય છે શું ?
એક તરફ ક્રાંતિકારી મોડર્ન હોવાનો પરિવેશ , નાનાજી સાથે તે માટે આદરેલી જંગ અને હવે  આવી દકિયાનૂસી વાતો ? 
હકીકતમાં માની હાલત ત્રિશંકુ જેવી છે એક તરફ આધુનિકતા ખેંચે છે ને બીજી બાજુ રૂઢિવાદી માનસિકતા. 

સ્ત્રીની મનોભાવનાનું સુંદર નિરૂપણ . આ વાર્તા વાંચ્યા પછી લેખિકાની કથક ડાન્સર એવી દીકરી રચના યાદવનો ઇન્ટરવ્યૂ વાંચવાથી સમજાય કે શક્ય છે કે લેખિકાએ પોતાના મનની અભિવ્યક્તિ આ કથામાં રજુ કરી હોઈ શકે. 
સરળ અભિવ્યક્તિ, મજબૂત પાત્રાલેખન અને સામાજિક પરિવેશ સમજવા માટે પણ આ વાર્તાઓ જલસો પડાવી જાય છે. 

ટિપ્પણીઓ

  1. તમારી કલમે, મનુ ભંડારી ને વાંચવાં નો કે જાણવા નો સરસ અનુભવ થયો. 'છલના' શબ્દ ને પક્ષપાત વગરનો ઠેરવ્યા બદલ આનંદ થયો. સરસ નવલિકા નો સ.સરસ નવલિકા

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen