પર્બત કે ઉસ પાર... ઉગતાં સૂર્યના પ્રદેશમાં..




પર્બંતો કે પેડો પર, શામ કા બસેરા હૈ
સુરમઈ ઉજાલા હૈ 
ચંપઈ અંધેરા હૈ ...

અચાનક તમારા મનમાં સાહિર લુધિયાનવી સાહેબનું, ખૈયામ સાહેબે સ્વરબધ્ધ કરેલું સદાબહાર ગીત રમવા માંડે તો સમજો કે  તમે આવી ચૂક્યા છો હિમાલયના અંકમાં .આજુબાજુ છવાયેલી ભૂખરી સુરમઈ સાંજ અને ઈલકટ્રીક વાયોલટ ઉજાસ . ક્યા બાત !!!



  અરુણાચલ પ્રદેશ , એટલે જ્યાં અરુણનો ઉદય થાય તે , સહુપ્રથમ સૂર્યનારાયણ અહીં દર્શન આપે છે. મ્યાનમાર ચીન સીમાને લાગીને છે ડોંગ વેલી . ભારતમાં સહુ પ્રથમ સૂર્યોદય અહીં થાય છે. જે જોવા માટે ખાસ તો વિદેશી સહેલાણીઓ ત્રણ વાગ્યે પહાડી પર પહોંચવાના અભિયાન આદરી દે. અમારે તો ત્યાં જવાનું નહોતું. અમારી મંઝિલ હતી તવાંગ. પણ, ત્યાં પહોંચવા માટે પહેલા જવું પડે દિરાંગ . રસ્તો લાંબો પણ હતો અને પહાડી હોવાને નાતે થોડો કપરો.  (આઝાદીના વર્ષો સુધી નોર્થ ઈસ્ટના રાજ્યો પોતાને સેકન્ડક્લાસ સિટીઝન સમજતાં હતા. કારણ ? થયેલી ઉપેક્ષા. આ રાજ્યોનું પ્રવેશદ્વાર છે ગુવાહાટી પણ પછી જે વિકાસ થવો જોઈએ થયો નહીં. આપણાં અરુણાચલ પ્રદેશ પર ચીન જે દાવો કરે છે તેના મૂળમાં આ જ જડ છે હિમાલયન blunder પૈકીનું એક. આઝાદી સમયે બ્રિટિશ ઈન્ડિયાનું ભાગ હતું એ તિબેટ demarcation કરવાનું આપણને ઉચિત ન સમજાયું .. )




કપરો રસ્તો અમને તો સારો નહીં બલ્કે રોમેન્ટિક લાગ્યો. કારણ ? કારણ હવામાન, ચારે બાજુ ઘટ્ટ હરિયાળી ને વાદળ સંતાકૂકડી રમે. ઇન્ડિયન આર્મી અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન રાતદિન  કાર્યરત હોય છે એટલે રસ્તાઓ પહાડમાં હોવા છત્તાં મુંબઈના રસ્તાને સારા કહેવડાવે તેવા. દર વર્ષે હિમવર્ષા થાય એટલે રસ્તા બિસમાર થાય છત્તાં એને દુરસ્ત રાખવા માટે BRO ખૂબ મહેનત લે છે. એમાં વધુ એક સારી વાત હતી કે અમારા ટ્રાવેલ એજન્ટ એવા  વિનાયક ટ્રાવેલ્સના  નીરવભાઈએ વ્યવસ્થા સારી કરી હતી. એક બસ કે નાની મેટાડોરને બદલે અમને ચાર વ્યકતિ દીઠ એક એસયુવી ફાળવી દીધી હતી. પહાડી વિસ્તારોમાં ખાસ કરીને લેહ લદ્દાખ હોય કે નોર્થ ઈસ્ટ ,વેહિકલ ઇમેક્યુલેટ કન્ડિશનમાં હોય તેવી તકેદારી સારા ટુર ઓપરેટર રાખતાં હોય છે. અમારા ટ્રાવેલ એજન્ટને એ પૈકીના એક કહી શકાય. 

  
દિરાંગ પહોંચવા અમારે ગુવાહાટીથી કાપવાનું હતું અંતર લગભગ 350 કિલોમીટરનું. કારણ એ છે કે ઉત્તરપૂર્વના રાજ્ય ખરેખર દુર્ગમ ભૌગોલિક પ્રદેશ છે. ટુરીસ્ટને  જવું હોય તો બે વિકલ્પ છે એક અમારી જેમ મુંબઈ ગુવાહાટી ફ્લાય કરીને 350 કિલોમીટર બાય રોડ કે પછી બીજો વિકલ્પ છે ટ્રેનથી પહોંચવાનો. આસામના તેઝપુરથી અંતર છે 150 કિલોમીટર , પણ તેઝપુર જવા માટે ગુવાહાટીથી લગભગ 250 કિલોમીટર તો બાય રોડ જવું પડે એટલે એકમાત્ર પર્યાય છે ગુવાહાટી ટુ તવાંગ વાયા  દિરાંગ એટલે સૌથી સરળ માર્ગ છે બાય કાર , 350 કિલોમીટર જવાનો. દિરાંગ અમારું ડેસ્ટિનેશન નહોતું. ખરેખર તો તવાંગ  જવા માટે અમારે  રસ્તામાં પસાર કરવાના હતા બે પાસ. બોમડીલા ને સેલા. 

બોમડિલા ખરેખર તો બોમડી લા એટલે પાસ . એ પહોંચતા પહેલા આવી ભૂતાન બોર્ડર. આમ તો ભૂતાન ઇન્ડિયાના ચાર રાજ્ય સાથે બોર્ડર ધરાવે છે. આસામ , અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને બંગાળ પણ અમે જે બોર્ડર પર હતા એ હતી અરુણાચલ પ્રદેશ સાથેની બોર્ડર. 

ઇન્ડિયાને ભૂતાન સાથે સંબંધો સારા છે એટલે અમે ત્યાં ન જોઈ કોઈ ચોકી ન સૈનિકો, એ જ રીતે સામે પણ એવી કોઈ ગોઠવણ જણાઈ નહીં. ફક્ત ફોર્માલિટી માટે બે ચાર જવાનો ઉભા હતા. 
અમે ભૂતાન બોર્ડર પર ફોટોસેશનનો  કાર્યક્રમ પતાવ્યો પછી થોડું આગળ જવાનું વિચાર્યું. બે રાષ્ટ્ર વચ્ચે જે થોડો નો મેન્સ લેન્ડ હોય ત્યાં પ્રવેશવાની છૂટ હતી. ત્યાં જઈને થોડી વધુ હિંમત કરીને ભૂતાનીઝ સૈનિકને પૂછ્યું કે હજુ થોડું વધુ આગળ જવા મળે કે ?
ખબર હતી  કે જવાબ ના મળવાનો છે પણ, અમારા આશ્ચર્ય વચ્ચે એને તો હા પાડી પણ પાસપોર્ટની  કોપી કે  વોટર્સ કાર્ડ માંગ્યા. જે તો અમારી પાસે નહોતા.  અમારી પાસે આધાર કાર્ડ  હતા પણ તે અહીં કામ ન લાગ્યા.  

આખા દિવસમાં મુસાફરીના કલાક હતા સાત, જે આઇટેનરીમાં લખેલા. ઉત્તર પૂર્વના આ પ્રદેશમાં સૂર્યાસ્ત સાંજે પાંચ વાગ્યે થાય એટલે એ ગણતરી રાખીને અને વહેલી સવારે પ્રવાસ શરુ કર્યો હતો. હકીકતે સાત કલાક કહેવાય પણ, એ પ્રવાસ નવ કલાક જેટલો સમય લઇ લે. 

ઉત્તર પૂર્વના આ પ્રદેશમાં એક મુશ્કેલી ખાવાપીવા માટે થઇ શકે. 
જેને સ્થાનિક ખાણીપીણીનો વાંધો ન હોય  તેઓ ઠેકઠેકાણે મળતાં મોમોઝ , રાઈસ પ્લેટ , કરી , થુપકા , માલા રોટી જેવી બે ચાર વાનગી ખાઈ શકે. નોન વેજિટેરિયન હોય તો બીજી બે પાંચ વધુ પણ મૉટેભાગે એ ટેસ્ટ આપણે કેળવ્યો નથી. યાકના દૂધમાં  કે પછી આથો ચઢવેલા કઠોળ કે શાક બધાને ભાવે એ શક્ય નથી. 

જો એકલા જવાનું પ્લાન કરતાં  હો તો ટિપિકલ ગુજરાતી આદતો તમને બચાવશે . શાશ્વતા થેપલાં ,  ગોળપાપડી , ચવાણાં  સાથે લીધા હોય તો ઠીક નહીંતર લાંઘણ ખેંચવી પડે એવું બને. 
અમે આ વાતમાં લકી હતા એવું કહેવામાં વાંધો નહીં. અમે અરુણાચલના રસ્તા પર ગરમાગરમ ગુજરાતી જમણની ની મોજ માણી હતી. અમારા ટુર ઓપેરટરે બ્રેકફાસ્ટ, લંચ ને ડીનરનો પ્રબંધ એવો જબરદસ્ત કર્યો હતો કે ડર એવો લાગ્યો કે મુંબઈ જઈને સૂપ ને સેલડના ડાયટ પર પર ઉતરી જવું પડશે. રોજ સવાર સાંજ મીઠાઈ ને ફરસાણ ખાવામાં મોમોઝ અને થુપકા ખાવાનું ચૂકાઈ ગયું. 

આ બોમડી લા (પાસ)નું મહત્વ છે કનેક્શન માટે. એક તરફ એ દિરાંગ વેલીને જોડે છે  એટલું જ નહીં એક નાનું સુંદર ગામ છે. ત્યાં જોવાલાયક સ્થળમાં એક મોનેસ્ટ્રી છે.  લગભગ 8000 ફૂટની ઊંચાઈએ પહોંચતા સુધીમાં તમને હાઈ અલ્ટીટ્યૂડ સિકનેસનો હળવો પરિચય મળવા લાગે. બોમડિલામાં ઘણાં ટુરિસ્ટ રોકાણ કરે છે. એ પશ્મિમી કમાંગ પ્રદેશનું વડુંમથક છે. જે છે પહાડ વચ્ચે ને એ ભૌગોલિક રચનાનો ઉપયોગ સુપેરે કરી જાણે છે. બે પહાડથી વચ્ચેથી રસ્તો ચાલી જતો હોય અને તમે પહાડ પર થતી ખેતી જોઈ શકો. માત્ર ચાના બગીચા નહીં, જે હિસાબે કોબી અને ટામેટાં ઉગેલા દેખાય એ રીતે તો લાગે કે સમગ્ર ઇન્ડિયાને કોબી ને ટામેટા અરુણાચલ પૂરું પાડતું હશે. જો કે એ અંદાજ સૌ ખોટો પણ નહીં. ખેતીવાડીની આ ઉપજ દિલ્હી સુધી પહોંચે છે. રોજેરોજ . ટ્રકબંધ શાકભાજી દિલ્હી અને વચ્ચે આવતી મોટી મંડીમાં પહોંચાડાય છે. બોમડિલા અન્ય એક પાક માટે જાણીતું છે તે છે કીવી. ઓર્ચર્ડ પણ ઘણાં છે. અહીં આવેલા આ તળાવોને ભરેલા રાખનાર છે નુરનંગ નદી જે તવાંગ નદીની એક શાખા છે. આ પાણીની પ્રસાદીથી સ્થાનિકો મોટાપાયે ખેતી ને પશુપાલન કરી શકે છે. 
જ્યાં જુઓ ત્યાં કોબી મકાઈ અને ટામેટા સિવાય કોઈ ચીજ ઉગતી દેખા ન દે. આ પ્રોડક્ટ દિલ્હી સુધી વેચાય છે . 


અમારે અહીં રોકાણ કરવાનું નહોતું બલ્કે બોમડિલામાં જોવાલાયક જગ્યાને પાછાં ફરતાં ન્યાય આપવાનો હતો.  
વચ્ચે આવતો હતો એક અન્ય પાસ સેલા , સ્થાનિકો એનો ઉચ્ચાર સીલા પણ કરે છે. ગુવાહાટીથી લગભગ 340 કિલોમીટર દૂર અને તવાંગ પહોંચવામાં 80 કિલોમીટર બાકી રહે ત્યારે આ પાસના દર્શન થાય. 13,400 ફીટની ઊંચાઈ પર આવેલા પાસ પર અમે પહોંચ્યા ત્યારે જેકેટ ,  મંકી કેપ ને ગ્લવ્સ તો પહેર્યાં હતા છતાં કારનું ડોર ખોલતાં એક સુસવાટો ચહેરાને ચમચમાવી ગયો. સેલા પાસ વ્યૂહાત્મક રીતે અતિ મહત્વનો છે. તવાંગને ઇન્ડિયા સાથે જોડતી આ કડી પાર ભારતીય ફૌજ અહર્નિશ તહેનાત હોય સ્વાભાવિક છે. 1962માં થયેલા હિમાલયન બ્લન્ડર પછી સેલા પાસ કે ચીની સીમાને લાગીને છે તે બૂમલા પાસ ને રેઢાં મુકવાની ,શત્રુઓને મિત્ર આંકવાની ભૂલ કોઈ સરકાર દોહરાવી ન શકે. અમે રાત્રે દિરાંગ પહોંચ્યા ત્યારે ધારી રાખ્યું હતું કે હોટેલ સારી નહિ હોય . આમ પણ નોર્થ ઈસ્ટ પ્રદેશ અવિકસિત , ઉપેક્ષિત રહ્યો હોવાથી તમામ શક્યતા હોવા છતાં જોઈએ તેવું ટુરિઝમ વિકસી શક્યું નથી. હિમાચલ કે કદાચ તેથી વધુ સુંદર આ પ્રદેશ હવે હળવેકથી આળસ મરડી રહ્યો છે એવું લાગે. 

આસામ , અરુણાચલ પ્રદેશ, મેઘાલય તો હવે ટુરિઝમ વિકસાવવાના મૂડમાં લાગે છે પણ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ ને  ત્રિપુરા હજી ભારે પાછળ છે. ત્યાં ઘણી જગ્યાએ ટુ સ્ટાર હોટેલ કે લોજ સુધ્ધાં ન મળે. હોમ સ્ટે કરવાની તૈયારી હોય તો જ ફરી શકાય. 
અમારી ધારણાથી વિરુદ્ધ અમારી હોટેલ મંડલા તો સરસ હતી. આ બાજુ કોઈ હોટેલમાં બે ત્રણથી વધુ ફ્લોર ન હોય ને હોય તો લિફ્ટ તો ન જ હોય. અમારા આશ્ચર્ય વચ્ચે હોટેલમાં લિફ્ટ પણ હતી. સરસ ડાઇનિંગ હોલ પણ હતો અને સૌથી સારી વાત હતી , બાથરૂમમાં પ્રોપર ગીઝર જેથી ગરમ પાણી બરાબર આવતું હતું. 
અમારે એક રાત જ કાઢવાની હતી બીજે દિવસે વહેલી સવારે શરુ કરવાની હતી યાત્રા તવાંગ માટે. 


રાત્રે પહેલીવાર અનુભવાયું કે માથું ભારે થઇ રહ્યું છે . ખ્યાલ તો આવ્યો કે આ હાઈ ઓલ્ટીટ્યુડની અસર છે પણ ગણકારવા જેવું લાગ્યું 

વહેલી સવારે અમારે શરુ કરવાની હતી યાત્રા તવાંગ તરફ. તવાંગ જવા માટે એક મહત્વની કડી છે સેલા પાસ. એવી કી પોઝિશન પર છે કે ગમે તેવી હિમવર્ષા હોય એને ઠપ્પ થઇ જવાનું પાલવે નહીં.  




સેલા પાસ પર 24*7 , 365 દિવસ BRO તથા આર્મી તહેનાત હોય છે. કારણ કે આ પાસ એકમાત્ર કડી છે જે અરુણાચલને ઇન્ડિયા સાથે જોડી રાખે છે. 




સેલા પાસ મોટેભાગે હિમાચ્છાદિત હોય છે. અમે ગયા ત્યારે પીગળેલાં હિમથી બનેલા સરોવર નજરે ચઢતા હતા. માનવામાં ન આવે કે સેલા પાસે બે ચાર પાંચ નહીં 101 સરોવર આવેલા છે. જે તમામ તો નહીં પણ ઘણાં નજરે ચઢ્યા. શિયાળામાં આ વિસ્તાર બરફથી ઢંકાઈ જાય અને રસ્તો પણ બંધ થઇ જાય પણ એવું ક્યારેય બનતું નથી. કારણ છે BRO ( border road organisation) જેના જવાનો દિનરાત મશીનની જેમ કાર્યરત રહીને રસ્તો ખુલ્લો રાખે છે. માત્ર ટુરિસ્ટ સુવિધા માટે નહીં પણ અહીંથી આગળ તવાંગમાં પડત ભારતની સીમા પર પહેરો ભરતાં લશ્કરને, જવાનો ને જરૂરી માલસામાન પહોંચાડવા સૌથી વધુ જરૂરી છે. 


ખેતીવાડીથી સમૃદ્ધ એવી વાદીઓ તો નજરે ચઢી પણ યાક નામનું પ્રાણી જે તિબેટ ,નેપાળ , અરુણાચલની ઓળખ છે તે જોયું નહીં. એ વિષે જાણવા મળ્યું કે યાક પહાડના ઉપરી ભાગમાં રહેતાં લોકો વધુ પાળે છે , એ તેમની કામધેનુ છે. 

સાંજના છ થવા આવ્યા હતા, આકાશમાં મનોહર રંગની રંગોળી જામી હતી પણ અમારે હવે વધુ સમય બગાડ્યા વિના હોટેલ પહોંચવાનું હતું. 
દિરાંગમાં  આકર્ષણ જોવા મસ્ટ કહી શકાય પણ એ મુલાકાત અમારે તવાંગથી પાછા ફરતી વખતે લેવાની હતી.  
તો કાફલો નિકળ્યો તવાંગ માટે... 

ક્રમશઃ 




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen