દૂર ગગન કી છાંવ મેં..

 તમે મેઘાલય જાવ અને વર્લ્ડ ફેમસ લિવિંગ રૂટ બ્રિજ ન જુઓ તો શું ફાયદો ?


નોંધ : આ લેખને અંતે 2014 માં કરેલા એક અનોખા અનુભવનો પીસ શેર કર્યો છે. એ છે ખરો લાઈવ રૂટ બ્રિજ. જ્યાં જવું ખરેખર ખાવાનો ખેલ નથી, અમને જો જાણ હોત તો જવાની હિંમત ન કરતે , એ શું વાત છે જણાવી હોય તો વાંચવાનો ચૂકશો નહીં. 
સૂચના પૂરી :) 

લિવિંગ રૂટ બ્રિજ ? એ શું છે એવો પ્રશ્ન ખરેખર તો  ન થવો જોઈએ, કારણ કે એ વિશ્વભરમાં અનોખી એવી ભારતની વિશેષતા છે. માત્રને માત્ર ભારતમાં , મેઘાલયમાં છે જેને જોવા વિશ્વમાંથી સહેલાણીઓ આવે છે.જોવાની વાત એ છે કે  તે છત્તાં સરેરાશ ભારતીય એ વિશે અજાણ છે. ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કે ભારતીય પ્રવાસન ખાતું આ અજાયબીનો  ક્યાંય ઉલ્લેખ કરતું નથી. એ છે મેઘાલયમાં, સોહરામાં. આ સોહરા એ મૂળ ચેરાપુંજી. 

આ શું ગરબડ થઈ રહી છે એમ ન પૂછશો. હકીકત એ છે કે સોહરા નામ જ ઓરિજિનલ છે. બ્રિટિશરોને બોલતાં ફાવતું નહીં એટલે સોહરાનું અપભ્રંશ થઈને નામ પડ્યું ચેરા. એમાં પુંજી ઉમેરાયું એટલે કે કેપિટલ. સોહરાનો અર્થ રાજધાની જ થાય. સ્થાનિક ખાસી અને ગોરા કોમ માટે આ રાજધાની હતી. 

છેલ્લાં દસ વર્ષથી ચેરાપૂંજીનું નામ બદલીને સોહરા કરી નાખવામાં આવ્યું છે. (જેમ Bombayનું મુંબઈ થયું તેમ). 

તમે શિલૉંગની મુલાકાત લો ત્યારે મેઘાલય જેને માટે પંકાય છે તે બે ચાર લોકેશનની મુલાકાત લેવી જ રહી. અન્યથા તમે મેઘાલય આવ્યા તેવી પ્રતીતિ ન થાય. તેમાં એક તો આ સોહરા  પછી છે એશિયાનું ક્લીનેસ્ટ વિલેજ એવું ગામ ઉચ્ચાર માલિઓન્ગ  (Mawlynnong ) બીજું છે એક સેક્રેડ ફોરેસ્ટ (માફન્ગ)  જે આ ગામની નજીકમાં છે અને સૌથી મહત્વનો છે એક બ્રિજ. હા, આ રૂટ બ્રિજ એટલે વર્ષો જૂનાં વૃક્ષોના મહાકાય મૂળિયાં ખાસ તો રબરના ઝાડના, નદી કે વહેળા પર બ્રિજની જેમ પથરાઈને લોકો માટે સેતુ બની જાય તે .

આસામ પછી વાત  મેઘાલયની. 

અમે જયારે કાઝીરંગા (આસામ)થી શિલોંગ (મેઘાલય) જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે એક લેક આવતું હતું ઉનીયામ લેક. ત્યાંથી પસાર થનારને બે ઘડી હેરતમાં નાખી દે એવું સુંદર તળાવ. ખબર ન હોય તો માની ન શકાય  કે માનવસર્જિત છે. 1960માં હાઈડ્રોઈલેકટ્રીકસિટી ઉત્પન્ન કરવાના આશયથી અસ્તિત્વમાં આવ્યું, જે હવે એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે. શિલોંગથી માત્ર 17 કિલોમીટર દૂર છે.  ગુવાહાટીથી માત્ર બે કલાકને અંતરે હોવાથી તેનો  ઉપયોગ મોટાભાગે ત્યાંના રહીશો મિની વેકેશન દરમિયાન કરે છે. ગુવાહાટીથી શિલોંગ જતાં એ રસ્તામાં આવતું હોવાથી અમે ત્યાં બોટિંગ માટેની તક ઝડપી લીધી. 

સરોવર રમણીય પરંતુ સુવિધાને નામે ખાસ વિકસિત નથી. બોટીંગ થાય છે પરંતુ સહેલાણીઓના પ્રમાણમાં સંખ્યા પૂરતી નથી. 


અલબત્ત , લેન્ડસ્કેપ અફલાતૂન ખરો  પણ બોટિંગ માટે સગવડ એવી નથી. સહેલાણી ઘણાં હોય તેની સામે બોટની સંખ્યા ઓછી છે. એક બોટમાં દસ વ્યક્તિ બેસે અને  ચક્કર મારે ,જેની મર્યાદા 10 મિનિટની. ટિકિટ રૂપિયા 100. અમે ગયા ત્યારે બપોરના ચાર થયેલા એટલે સૂર્ય ઢળવાની તૈયારીમાં હતો. દસ મિનિટ તો દસ મિનિટ પણ સવારી આલ્હાદક હતી. ત્યાં આજુબાજુમાં ઘણી હોટેલ અને રિસોર્ટ્સ છે. જ્યાં રોકાણ કરો તો તમે કાયાકિંગ , વૉટર સ્કૂટર , વોટર સાઈકલિંગ કરી શકો. સારી હોટલ પ્રમાણમાં ઘણી મોંઘી છે ને નબળી હોટેલમાં રહેવાનો કોઈ અર્થ નથી. ત્યાં સ્વિમિંગ પ્રતિબંધિત છે. કારણ સમજાયું નહોતું પણ એ કદાચ સેફટી માટે હશે. 

બોટીંગની મજેદાર સવારી પછી શિલૉંગ જતો રસ્તો જંગલમાંથી પસાર થાય છે, ખૂબ સુંદર છે. એક જમાનામાં  શિલોંગ  સ્લીપી ટાઉન લેવાતું હતું. પરંતુ, એની ગણના હવે ભારતના ઉભરી રહેલા ટાયર ટુ સિટીમાં થવા લાગી હોય તેવો ટ્રાફિક રહે છે. ભારતના અન્ય શહેરો જેવો જ કે તેથી પણ ખરાબ કહી શકાય તેવો ટ્રાફિક, મોલ અને દુકાનો હવે આ શહેરની નવી ઓળખ બની રહ્યા છે. સિટીમાં પ્રવેશવા પર બે કલાક એવા ટ્રાફિકજામમાં ફસાયા  કે ઘડીભર મુંબઈ યાદ આવી ગયું. 

શિલૉંગમાં અમારો સ્ટે હતો ત્રણ દિવસનો. અહીંથી અમારે ઘણી જગ્યાઓ કવર કરવાની હતી. 

મુંબઈથી આ પ્રવાસ શરુ કર્યો એ પૂર્વે સૌથી મોટી સમસ્યા હતી સાથે કપડાં શું લેવા ?

પેકિંગ કરવા પૂર્વે વેધર ચાર્ટ જોયો હતો ત્યારે આસામની વેધર હતી મુંબઈ જેવી. અરુણાચલની વેધર વિન્ટર  જેવી ને મેઘાલયમાં સંભવિત વરસાદ બતાડે. એટલે ત્રણ વેધરના વસ્ત્રો સાથે લીધા હતા. શિલૉંગમાં ટેમ્પરેચર 15 ડિગ્રી હશે એવું વેધર ચાર્ટ બતાવતો હતો. મુંબઈવાળા 27 ને 30 ડિગ્રીથી ટેવાયેલા હોય,15 ડિગ્રીમાં લાઈટ જેકેટ પહેરીને ફરે. પણ, યાહૂ વેધરને ખોટી પાડી મેઘાલયએ . 

જો તમને યાદ હોય તો આપણે સ્કૂલમાં ભણ્યા હતા, ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં વરસે ? 

ચેરાપુંજી ....વિદ્યાર્થી કન્યાકુમારીનો હોય કે કાશ્મીરનો કે સુરત ગુજરાતનો એને ખબર હોય કે સૌથી વધુ વરસાદ વરસે ચેરાપુંજીમાં , એટલું જ નહીં મેઘાલય એટલે ભારતનું છાપરું . 

વિદ્યાર્થીજીવનના પચાસ વર્ષે પણ આપણે એમ જ માનતા હોઈએ કે ચેરાપુંજી કેવું લીલુંછમ હશે. ત્યાં તો બાહુબલી મૂવીમાં હતા તેવા અલૌકિક ધોધ પડતા હશે ને ,ચારેબાજુ વનરાજી , રંગબેરંગી ફૂલ , પતંગિયા, કલરવ કરતાં પક્ષીઓ એવું બધું હશે. 

મુંબઈગરા જેઓ છાશવારે લોનાવલા માથેરાન ઉપડી જતા હોય તેમને પ્રભાવિત કરવામાં આ ધોધ નિષ્ફ્ળ સાબિત થાય છે. 


 સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે જે ભણ્યા તે ચેરાપૂંજીનું તો નામ સુધ્ધાં બદલાય ચૂક્યું છે. અને તેની સાથે દ્રઢ થયેલી માન્યતા પણ હવા હવા થઈ ગઈ છે. જેમ કે સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં વર્ષે એ વાત ઇતિહાસ થઇ ગઈ છે પણ ઝૂલતાં પાટિયા હજી દાવો કરે રાખે છે. પ્રશ્ન એ છે કે આ વાતની નોંધ સ્કૂલમાં ચાલતાં પાઠ્યપુસ્તક સુધી પહોંચી નથી. એક જમાનામાં અહીં 11,777 mm વરસાદ નોંધાયો હતો પણ આ વિગતો ઈતિહાસ થઈ ગઈ છે. 
ચેરાપુંજીમાં આ બધું તો નથી જ પણ વરવી વાસ્તવિકતા એ છે કે સૌથી વધુ વરસાદ પણ હવે ચેરાપુંજીમાં વરસતો નથી. હા, ત્યાં આજે પણ કટાયેલા સાઈન બોર્ડ ઝૂલે છે કે સૌથી વધુ વરસાદ અહીં થાય છે.  તો હવે ક્યાં વરસે છે ? એ ખબર નહોતી પણ અમે જયારે ચેરાપુંજીમાં હતા ત્યારે મુંબઈમાં ગાજવીજ સાથેના વરસાદના ન્યુઝ મળતાં રહ્યા હતા. 
અમે ત્યાં હતા ત્યારે પહોંચવાનો રસ્તો લીલીછમ હતો પણ સોહરામાં સુકાયેલું ઘાસ ચારે બાજુ પથરાયેલું હતું. ત્યાં સેવન સિસ્ટર્સ ધોધ જોવાનો હતો .ગરમી કહે મારું કામ. અમે તો 15 ડિગ્રી સમજીને એવા વસ્ત્રોમાં હતા. સૌથી મહત્વની વાત તો એ છે કે જે સેવન સિસ્ટર્સ ફોલ અમે જોવા ગયા એ જોઈને ભારે નિરાશા ઉપજી. તેનું કારણ એક કારણ એ પણ ખરું  કે અમે જાજરમાન જંગ ફોલ અરુણાચલમાં જોઈ લીધો હતો (જેની વાત અરુણાચલના લેખમાં છે ) ને બીજું કારણ એ કે વર્ષ દરમિયાન લોનાવલા અને ગોવા જવાના રસ્તે કોંકણપટ્ટામાં ફરનારા મુંબઈગરાને એમાં હરગીઝ રસ ન પડે. સૌથી હતાશ કરવા જેવી વાત હતી  તમામ જગ્યાએ દેખા દેતું સૂકું ખડ. પૃચ્છા કરવા પર જાણવા મળ્યું કે આ પથરાળ પ્રદેશ છે , હરિયાળી માત્રને માત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી વરસાદ વરસતો હોય. ચેરાપુંજી એક જમાનામાં અંગ્રેજોની માનીતી જગ્યા પૈકી એક રહ્યું હોય તેવી પ્રતીતિ આજુબાજુ દેખા દેતાં મકાનોને જોઈને થઇ. જેની સંખ્યા ખાસ વધુ નથી. મોટાભાગના કોટેજ બંધ પડ્યા છે કે પછી તેનો ઉપયોગ સરકારી કચેરી માટે થાય છે. ટૂંકમાં ચેરાપુંજીએ અમને થોડાં હતાશ કરી દીધા એવું કહેવામાં વાંધો નહીં. પણ,અમારે હજી  એશિયાનું ક્લીનેસ્ટ એવું ગામ માલિઓન્ગ જોવાનું હતું, ને સાથે પેલો બ્રિજ પણ. 
દરેક ખાસી ગામ સુઘડ અને સ્વચ્છ હોય છે. 

મજાની વાત એ હતી કે મારી અગાઉની ટ્રીપમાં આ ગામ પણ જોયેલું પણ તેમાં અંદર સુધી સેર કરવાનો મોકો સમયના અભાવે મળ્યો નહોતો. આ વખતે મનભરીને જોવા મળશે એ વાતનો રોમાંચ હતો. 

થોડાં વર્ષો પૂર્વે ગામમાં માત્ર અસંખ્ય વિવિધતાવાળાં ફૂલ અને વૃક્ષ જોયા હતા એમાં નવા આકર્ષણો ઉમેરાયા છે. 

અમે એશિયાના ક્લીનનેસ્ટ મનાતાં ગામે પહોંચ્યા . માત્ર થોડા વર્ષમાં મને આ ગામ બદલાઈ ચૂક્યું હોય એમ લાગ્યું. કોઈક સ્વપ્નપ્રદેશ હોય એવું નાનકડું રળિયામણું ગામ માત્ર થોડાં ઘરનું બનેલું છે. મેઘાલયની ખાસી પ્રજાનું આ ગામ છે. જેને એ લોકો એવું ચોખ્ખુંચણાક રાખે છે જેની નોંધ ઇન્ટરનેશનલ મેગેઝિન લેવી પડે. સવાર પડે ગામના લોકો પોતપોતાના વારા બાંધ્યા હોય તે પ્રમાણે રસ્તા વાળી નાખે. પાણી છાંટી રસ્તા ચમકાવી નાખે. ઠેકઠેકાણે રહેલી કળાત્મક કચરાટોપલી સાફ કરી નાખે. માત્ર સંજવારીને નહીં પણ ઘટાદાર વૃક્ષો , રંગબેરંગી ફૂલના છોડ અને મુકાયેલી બેઠક  ગામને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરે છે. સહેલાણી આવકાર્ય ખરાં પણ ગામ જોવા માટે ટિકિટ ખરીદવી જરૂરી છે. જે નાણાં ગામના સંવર્ધન માટે વપરાય છે. સૌથી મહત્વની વાત છે ખાસી કોમના પરંપરાગત ઘર. બામ્બુ ને તાડના પાનમાંથી બનેલી ઝૂંપડી જેવા ઘર વિદેશીઓને આકર્ષે છે. એટલે હવે ત્યાં હોમ સ્ટે આપવાનું શરુ કર્યું છે. ન ગમવા જેવી વાત એ છે કે નવા સમયનો પવન સ્પર્શી ગયો હોય તેમ હવે આ ઓથેન્ટિક ગામમાં નવી શૈલીના મકાનો બનવાનું શરુ થઇ ગયું છે. 

સુંદર બેઠક , ગામનો ચોતરો ગણો તો એ ,જ્યાં ગામલોકો ઓછા ને સહેલાણી વધુ બેસે છે. કલાત્મક કચરાટોપલી, મેડ ઈન માલિઓન્ગ .

આ ગામના લોકો ભાગ્યે જ નજરે ચઢે છે. બે ચાર ગલીઓ , એક ચર્ચ , એક ચોતરા જેવી બેઠક , ટુરિસ્ટ માટે ચોખ્ખું શૌચાલય અને  નાનું માનવસર્જિત તળાવ અને ટ્રી હાઉસ, ગામ પૂરું. આ ગામની મુખ્ય આવક ટુરિસ્ટ પાસે લેવાતી ફી છે. અલબત્ત, એ સારો વિચાર છે પણ જે પ્રકારના ખાસ કરીને ભારતીય  ટુરિસ્ટ આવે છે તે લોકોને જોઈને માથું પકડી લેવું પડે. વિદેશી સહેલાણીઓ નાણાં ચૂકવીને હોમ સ્ટે કરે છે, ગામના નિયમો પાળે છે, હળીમળીને રહે છે, તેમનું ભોજન જમે છે. તે સામે ભારતના સહેલાણીઓ પોતાની કારમાંથી ઉતરીને સિગરેટના ઠૂંઠા પગ નીચે કચડતા જાય છે. કદાચ ભારતીય મેન્ટાલીટી એ છે કે તમારું ગામ જોવાના પૈસા ચાર્જ કરો છો  તો લો આ કચરો કર્યો. ઉઠાવો હવે.ખરેખર તો ગામમાં સ્મોકિંગ પ્રતિબંધિત છે , સિગરેટ લઈને પ્રવેશવાની છૂટ નથી એટલે ભારતીય સહેલાણીઓ કાર પાર્કમાં છેલ્લા કાશ મારીને ઠૂંઠા ફેંકે છે. આમ તો આવી હરકત માટે દંડ નિયત કરાયેલો છે પણ, ઉઘરાવતો હોય તેવું લાગ્યું નહીં.

સુંદર ગામનું સો વર્ષથી જૂનું ચર્ચ ,જે હવે ડેસ્ટિનેશન વેડિંગ માટે જાણીતું થતું જાય છે. 

આમ તો ભાગ્યે જ કોઈ ગામલોકો નજરે પડે. નજરે પડે ને તમે ફોટો ક્લિક કરવા જાઓ તો ઉઠીને જતા રહે પણ કોઈ એકાદ થોડું બોલે એમ પણ બને. સૌથી નવાઈની વાત એ છે કે તમામ જગ્યાએ આ લોકો ફ્લુઅન્ટ હિન્દી બોલે છે. એક જગ્યાએ ટોઇલેટની દેખભાળ કરનાર કિશોરે  થોડી ઘણી વાત કરી એ પરથી જણાયું કે તેમને માન ગોરા લોકો શા  માટે છે. ખાસી પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે. મિશનરીઓએ તેમને ઘણી મદદ કરી એવું એ લોકો માને છે. નાના ગામમાં મોટું સુંદર ચર્ચ પણ છે. વસતી વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળે છે. એમનું પહેલું એન્કાઉન્ટર જ અંગ્રેજો સાથે થયું હતું. ત્યારે બ્રિટિશ ઈન્ડિયા હતું. અંગ્રેજોએ ત્યાંની પ્રજાને જંગલમાંથી કાઢી શિક્ષિત અને જાગૃત કરી તેવું લોકો માને છે. બિલકુલ સ્પષ્ટપણે તો નહીં પણ એક ગોપિત સંજ્ઞા એ લાગે કે આ પ્રજાને ભારતીય હોવાની લાગણી પ્રમાણમાં ઓછી છે. તેનું કારણ સ્પષ્ટ છે. આઝાદી પછી સતત થયેલી ઉપેક્ષા આ વર્તન માટે જવાબદાર છે. 
ગામના પરંપરાગત , રળિયામણાં ઘર. 


આ ગામ 2003થી લાઇમલાઇટમાં આવ્યું સ્વચ્છ ગામ તરીકે. પણ, એ વર્ષોથી સ્વચ્છતામાં અવ્વલ ક્રમાંકે છે એવું જાણ્યું. એ કઈ રીતે ? અમારા પ્રશ્નનો જવાબ એ કિશોર પાસે નહોતો. પણ, એને પોતાને જાણ હતી એ વાત કરી તે પરથી તારણ એવું કાઢી શકાય કે 130 વર્ષ પહેલા આ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો  ફાટી નીકળ્યો હતો. ત્યારે ખ્રિસ્તી મિશનરીઓએ આ પ્રજાની મદદ તો કરી પણ એમને સ્વચ્છતાના પાઠ એવા ભણાવી દીધા કે એ અત્યારે પણ અકબંધ છે. માત્ર આ ગામમાં નહીં મેઘાલયના ઘણાં ગામ અને શિલોંગના પણ ચોક્કસ વિસ્તારોમાં સફાઈની આ મિસાલ આંખે ઉડીને વળગે એવી છે. અલબત્ત, હવે બહારથી આવતા લોકોને કારણે શિલોંગ દુષિત થઇ રહ્યું છે એવો મત ઘણાં સ્થાનિકોનો છે. 

મેઘાલયના લિવિંગ રૂટ બ્રિજની મુલાકાત ન લો તો આખી ટ્રીપનો મુદ્દો જ ખલાસ થઇ જાય. 

મેલીનોન્ગ ગામથી આ બ્રિજ ઝાઝો દૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે ત્યાં સુધી પહોંચવાનો રસ્તો થોડો વિકટ ખરો પણ ખાસ તકલીફદાયક નથી. દસ મિનિટમાં તમે રૂટ બ્રિજની સામે. કદાચ આ જ વાત છે કે રૂટ બ્રીજનું મહત્વ ન સમજાય. અમે અગાઉની ટ્રીપમાં જે ભૂલ કે પછી સાહસ કર્યું હતું તે કારણે રૂટ બ્રીજનું મહત્વ અલગ હતું. એ તો આખી અલગ જ પરાક્રમગાથા લેખી શકાય. આ લેખ પછી એ જૂનો લેખ ફરી પોસ્ટ કર્યો છે જેને રસ હોય વાંચી શકે છે. એ જગ્યાએ જઈને સમજાય કે ઈકોલોજી શું ચીજ છે. 

                                                          Google ઇમેજ 




આ વનમાંથી એક સૂકું પાંદડું કે પથ્થર પણ બહાર લઇ જવો વર્જિત છે. એમ કરનારને દંડિત કરવામાં આવે છે .માન્યતા એવી છે કે એવું કરનારે કોઈક શ્રાપનો ભોગ બનવું પડ્યું હોય તેવા દાખલા પણ બન્યા છે. 

મેઘાલયની મૂળ ખાસી કોમ હજી પણ આ જંગલોમાં રહે છે. એ કોમ સાથે રહેવું ,એમની સાથે સંવાદ કરવો ભલે એ થોડાં કલાકો માટે એક લ્હાવો છે. એક એવું પરિમાણ જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અગાઉની ટ્રીપમાં અમારો ડ્રાઈવર ખાસી કોમનો હતો. એટલે એની પાસેથી ઘણી બધી વાતો જાણવા મળી હતી. જે પ્રમાણે ખાસી કોમના લોકો હજી એવું માને છે કે એમના  ભગવાને  (એ નામ અત્યારે યાદ નથી) કુલ 16 જાતિઓને ધરતી પર મોકલી હતી, એમાંથી 9 જાતિઓ સ્વર્ગ જવા કામિયાબ થઇ ગઈ પણ બાકીની 7 જાતિ ધરતી પર કોઈક કારણસર  અટકી ગઈ. એ લોકોને એવો નિર્દેશ મળ્યો છે કે જંગલમાં એક ચોક્કસ પ્રકારના ઝાડ થાય છે એમના સહારે તેઓ ઉદ્ધાર પામી શકશે. જેનું કારણ છે એક સેક્રેડ ફોરેસ્ટના ઉદ્દભવનું. નામ છે મૌફંગ .એ જંગલની વિશેષતા એ છે કે ત્યાં ઉગતી એક પણ વનસ્પતિ કે સુકાયેલું પાંદડું કે પથ્થર સુધ્ધાં કોઈ બહાર લઈ જઈ શકે નહીં. જો એવું કોઈ કરે તો એની પર દેવતાનો શ્રાપ ઉતરે તેવી લોકવાયકાઓ આજે પણ પ્રચલિત છે. એમ કહેવાય છે કે આ વનમાં જે વન્યજીવ રહે છે તે આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળતાં નથી. જેમ કે 35થી વધુ જાતના તો દેડકાં મળે છે જેમાં પીળાં સોનેરી રંગના દેડકા અત્યંત ઝેરી હોય છે . વરસાદ પછી એ દેખા દે અને આખું વર્ષ ગાયબ. એવું વૃક્ષોનું છે. રુદ્રાક્ષના સેંકડો વૃક્ષ છે જેના પર રુદ્રાક્ષના ફળ આવે ,પાકે ને ખરી પડે પણ આ જંગલના નિયમ પ્રમાણે એક બીજ, પથ્થર કે પાંદડું બહાર જઈ શકે નહીં. 

ખાસી કોમ ખડતલ ,લડાકુ કોમ છે. આજે પણ પોતાના રીતિ રિવાજો અને સંસ્કૃતિમાં માને છે. મોટાભાગના લોકો લગભગ 100 વર્ષથી ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરી ચુક્યા છે પરંતુ પોતાનો મૂળ ધર્મ અને રીતિ રિવાજો તો પાળે જ છે. 

આ ટ્રીપમાં તો અમારી આઇટેનરીમાં તેનો સમાવેશ નહોતો પરંતુ ગયા વખતે આ જંગલમાં લટાર મારવાનો મોકો મળ્યો હતો. અમારા ડ્રાઈવરના કહેવા પ્રમાણે કોરોનાકાળમાં આ વન જાહેર જનતા અને સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યું હતું ,તે કદાચ હાજી ખુલ્લું મુકાયું નથી. કારણ છે ત્યાંની પ્રજાનો વિરોધ. એમનું કહેવું છે કે સહેલાણી ખાસ કરીને ટ્રેકિંગ માટે આવતાં લોકો કચરો કરી જાય છે. આ જંગલમાંથી એક ચીજ બહાર ન લઇ જઈ શકાય તેવી વાયકાને લીધે લોકો પ્લાસ્ટિક બોટલ ને વેફરના ખાલી પેકેટ જેવા કચરા પાછળ મૂકીને જાય છે. આપણે જાણીયે છીએ કે પ્લાસ્ટિકને ખતમ થવામાં 300 વર્ષ લાગે છે તો એવા સંજોગોમાં આ જંગલની હાલત શું થાય ?

મેઘાલયની બે વિશેષતાઓ તો જોઈ માણી લીધી. હજી સૌથી રસપ્રદ વાત બાકી હતી , તે હતી દાવકી નદી ને તેમાં નૌકાવિહાર. 


ભારત બાંગ્લાદેશની બોર્ડર પર વાઘા બોર્ડર જેવી કોઈ વાત નથી. શાંત ,ચહલપહલ વિનાની આ સીમા પર સહેલાણી બાંગ્લાદેશના ફળ ખાઈ ફોટોસેશન કરીને પાછા ફરે. 


જો તમે મેઘાલયના પિક્ચર્સ , જાહેરખબર જોયા હોય તો એમાં આ નદી ચોક્કસ જોઈ હશે. લીલાકાચ જેવા  નિર્મળ પાણી , જેમાં નીચેના પથ્થર સુદ્ધાં નજરે ચઢે એવી બાંગ્લાદેશ ને ભારતની બોર્ડર પર વહેતી નદી દાવકી. ખરેખર તો નદીનું નામ છે ઉનગોટ પણ ઓળખાય છે દાવકીના નામે ,  દાવકી નામનું ગામ છે જ્યાં આ નદી વહે છે. વેસ્ટ ન્તિઆ હિલ્સ તરીકે ઓળખાતો આ પ્રદેશ ભારત બાંગ્લાદેશની બોર્ડર છે. દાવકી ભારતની બાજુએ ને તાંબિલ બાંગ્લાદેશ બાજુએ . એક ફ્રેન્ડલી ચેકપોસ્ટ પણ છે. જીવનમાં સૌ પ્રથમવાર એવી ચેકપોસ્ટ જોઈ જ્યાં ન કોઈ ગાર્ડ હતા ન સિપાઈ. ભારત તરફ BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન) ના જવાન હતા. આસામ રેજિમેન્ટના જવાનો પણ ડયુટી પર જણાયા પણ બાંગ્લા દેશ બાજુથી કોઈ ચહલપહલ વર્તાતી નહોતી. ત્યાંથી આવેલા ફળના ખૂમચાવાળા બાંગ્લાદેશીઓ કમરખ, બોર, જામફળ વેચી રહ્યા હતા. વર્ષો પછી એ એક પ્રકારની ટ્રીટ જ લાગી. ભારત તરફથી બાંગ્લા દેશમાં જવા પથ્થર ભરેલી ટ્રક કોઈક પરમીટ માટે થોભી હતી. અમને જણાવવામાં આવ્યું કે રોજની લગભગ 500 ટ્ર્ક પથ્થરો ભરીને બાંગ્લાદેશ નિર્યાત થાય છે. આખો વિસ્તાર એકદમ પ્રીમિટિવ સ્ટેટમાં છે. 

એશિયાની સ્વચ્છ નદીઓમાં સૌ પ્રથમ ક્રમાંકે છે નદી દાવકી ,જેનું મૂળ નામ છે ઊંગોટ ,પણ એ નામે એની પહેચાન નથી. એ દાવકી ગામને અડીને વહે છે એટલે લોકો એને કહે છે દાવકી. એક છેડો ભારતમાં અને એક છેડો બાંગ્લાદેશમાં . 

અમે ગયા ત્યારે યાહૂ વેધરે વર્તારો 15 ડિગ્રીનો આપેલો પણ તાપમાન હતું 27 ડિગ્રી ને ફીલ લાઈક ગરમી 32 ડિગ્રી દર્શાવતું હતું. ભરતડકામાં લુફ્ત ઉઠાવવા સિવાય છૂટકો નહોતો. દાવકી નદીમાં પાણી નિર્મળ છે , ને કિનારા પાસે છીછરા પણ  થોડે આગળ જતાં નદી ઊંડી થઇ જાય છે. નાની કનુ જેવી નૌકામાં ત્રણ પ્રવાસીથી વધુ બેસી ન શકાય. કુલ પાંચ વ્યક્તિ બેસી શકે જેમાં બે તો નાવિક હોય છે. મોટાભાગની નૌકાના નાવિક હતા બાર પંદર વર્ષના કિશોર. ભણવાની ઉંમરમાં આ કામ કરવું પડે એનો અર્થ એ પણ થયો કે રોજગારની સ્થિતિ કંગાળ હોવાની. 

સૂર્ય માથે હતો ને ગરમીથી પરેશાન મન , પણ કિનારો શું છૂટ્યો આખો માહોલ બદલાઈ ગયો. કાચ જેવા પાણી અને સામે રહેલા હર્યાભર્યા જંગલ જેવી વનરાજી , હળવો  પવન પણ અનુભવાયો. નીચે રહેલા પાણીની કરામત હોય કે જે પણ હોય તે ગરમી ,ત્રસ્તતા બધું વિસરાઈ ગયું. પછી તો દોર શરુ થઇ ગયો ગીતોનો. બે ત્રણ ગીતના મુખડાં ગાયા અને ફોટોસેશન કર્યું ત્યાં તો રાઈડ પૂરી . કહેવાય છે ને રંગના ચટકા હોય કૂંડા નહીં. 

ક્રમશ:


2014 માં લખેલો લેખ : 

વિશ્વમાં અજોડ એક માત્ર એવો લિવિંગ રુટ બ્રિજ




 પાંચસો વર્ષ પુરાણો માનતો આ બ્રિજ માત્ર અને માત્ર ઝાડની ડાળીઓ, મૂળ, થડ , ઝાંખરા ને વડવાઈથી આપમેળે બન્યો છે. મુખ્યત્વે બે જાતિના વૃક્ષોથી એક વડ ને બીજાં રબર ટ્રીઝ ,બાકી મોટી શિલાઓએ પણ આધાર બનવામાં ભૂમિકા ભજવી છે.
 લગભગ 50 મીટર લાંબો , ને દોઢ ફૂટ પહોળો બ્રિજ લગભગ 500 માણસનું વજન ઝીલી શકે એટલો મજબૂત છે. જો કે આ વાત ત્યાંના લોકો કહે છે , એ વાતનું કોઈ પ્રમાણ નથી.


આ ફેસબુક પણ અજબ રમકડું છે.  યાદ રાખેલી કે કદીય ન યાદ રાખવી હોય એવી , યાદગાર પ્રસંગો, દોસ્તો દુશ્મનોને યાદ કરાવ્યા જ કરે. એ પણ વિના ભૂલે, દર વર્ષે, વર્ષોવર્ષ .

રોજ જ એ થાય છે પણ દર વખતે હાંસિયામાં 

શિલોન્ગ કે ચેરાપુંજી બાજુ જવાનું થાય તો એક નહીં જોવાલાયક સ્થળોનું તો લાબું લિસ્ટ મળશે. એમાં પણ ખાણીપીણી કે પછી આખા એશિયામાં પંકાયેલું  ચોખ્ખાચણાક નાનું અમસ્તું શહેર માવલિનોગ હોય કે પછી ગૌહાટી સિટીની અડોઅડ આવેલું એક એવું જંગલ જ્યાં એક પત્તુ હાલતું નથી , ન ટુરિસ્ટ યાદગીરી  સાથે પાંદડું લઇ જાય ન
સ્થાનિકો। એની પણ વાત કોઈકવાર કરશું પણ હમણાં મૂળ વાત પર.


 થોડા સમય પહેલા મળવા જેવા માણસમાં અલગારી મસ્તમૌલા પ્રવાસી એવા કોલકોત્તા નિવાસી સુનિલ મહેતાની વાત કરી હતી ત્યારે અમે આ જંગલનો , આ બ્રિજનો ઉલ્લેખ કર્યો હતો.શિલૉંગથી  ચેરાપુંજી જતી વખતે ડાબી બાજુએ અદભુત વેલી વ્યુ છે, મોટાભાગના ટૂરિસ્ટ્સ ત્યાં થોડીવાર રોકાય છે અને કુદરતી સૌંદર્યની મજા લૂંટે છે. હવે વાત સાહસિકોની, એક વાત ખેદ  સાથે કહેવી  પડે કે નીચે થોડે દૂર વિશ્વની અજાયબી રાહ જોઈ રહી હોય ત્યાં કોઈ ઈંડિયન ટુરિસ્ટને  જવામાં રસ ભાગ્યે જ  હોય છે પણ હોય  તો તે છે વેસ્ટર્નર્સ એટલે કે ગોરી ચામડીવાળા પ્રવાસીઓ। એને માટે એ લોકો ખાસ પૂર્વ ભારતના પ્રવાસે આવે છે એમ કહીએ તો પણ ચાલે।અમે ત્યાં એક સાઈનબોર્ડ વાંચ્યું . ત્યાં પણ એવી માહિતી નથી કે રૂટ બ્રિજ એક નથી બે છે.એક જ લેખાય છે. પહેલો બ્રિજ પ્રમાણમાં નાનો  છે બીજો જબરદસ્ત મોટો અને એટલો જ જૂનો  .

કહેવાય માત્ર 3500 પગથિયાં પણ ઉતરીને ફરી ચઢી જુઓ ત્યારે સમજ પડે.
સાઈનબોર્ડ પાર લખાયેલી માહિતી પ્રમાણે લગભગ 3000 પગથિયાં ઉતરવાના હતા. લગભગ 3.5 કિલોમીટર જેટલું ઉતરાણ અને એ ફરી ચઢાણ  .
અલબત્ત, બોર્ડ જોઈને થયું કે થોડું ટફ તો હશે, પણ અમારા  ડ્રાઈવર કમ ગાઈડના મોઢા પર તો એવી ગભરામણ તરવરી , એને વિશ્વાસ નહોતો થતો કે ત્રણ લેડીઝ આમ વિના કોઈ તૈયારી નીચે ઉતરવાની હઠ કરશે  .
અમારી પાસે ન તો વોટર બોટલ હતી ન એક બિસ્કિટનું પેકેટ  . સામાન્યરીતે ટ્રેકિંગ કરતા જે મસ્ટ કહેવાય એવી એક ચીજ પાસે નહીં  . અરે , પ્રોપર વૉકિંગ શૂઝ પણ નહીં  . છતાં માત્ર સાડા ત્રણ
કિલોમીટરના અંતર પર અમે મુશ્તાક હતા.

અમે ઉતરવા માંડ્યું ત્યારે હવામાં ચીલ ઠંડક હતી. થયું કે એકાદ વિન્ડશીટર સાથે રાખ્યું હોતે તો સારું થાત. આગલી રાતે પુષ્કળ વરસાદ થયો હશે જેને કારણે પગથિયાં માટીને કારણે લપસણા થઇ ગયા હતા. હવામાં એક ચીલ હતી. જેમ જેમ ઉતરતા ગયા ચીલ વધશે એવું અનુમાન તો સાચું હતું પણ એક સરખા ચાલવાને કારણે શરીરમાં હીટર ચાલુ થઇ ગયું હતું  . 

માહિતી 3000 થી 3500 પગથિયાંની છે. પણ સરાસર જૂઠી વાત છે.

  અમે ગયા ત્યારે અમને માત્ર ખબર હતી એની અજોડતાની  . પણ ત્યાં સુધી પહોંચવું કેમ એ વિષે ગૂગલ કર્યું ત્યારે મળેલા પરિણામ બહુ ઉત્સાહજનક નહોતા. મળેલી માહિતી પ્રમાણે શિલોન્ગથી ચેરાપુંજી જતાં  રસ્તામાં આવતી ખાસી હિલ્સ વટાવતાં જ દુનિયાથી સેંકડો વર્ષ પુરાણી સંસ્કૃતિ જાળવીને બેઠેલા ગામ ફૂટી નીકળ્યા  .લિવિંગ બ્રિજ જવા માટે મુખ્ય ગામ લેખાતા તૈનરૉન્ગ ગમે તો આવવું જ પડે. ખરેખર તો અન્ય ઘણી જગ્યાએ આ પ્રકારના પુલ છે એવું જાણવા મળ્યું પણ સૌથી મોટો અને પુરાણો હોવાનું માં આ ડબલ ડેકરને નામે છે. એટલે ટુરિસ્ટનો ધસારો પણ અહીં જ રહે છે.

એકવાર ત્યાં પહોંચ્યા પછી ઝાઝો વિચાર કરવાને બદલે અમે તો ઉતરતાં જ રહ્યા , આરો કે ઓવારો નહીં , જ્યાં જુઓ ત્યાં ઘનઘોર જંગલ , સૂર્યપ્રકાશને આવવામાં પણ તકલીફ પડે એવા પેચ પણ જોયા. ખરેખર તો ઘનઘોરનો સાચો અર્થ મેઘાલયના જંગલો જુઓ નહીં ત્યાં સુધી સમજાય નહીં .
ખાસી પ્રજા જેટલી સુંદર છે એટલી જ ખડતલ અને મહેનતુ , ભૌગોલિક પરિસ્થતિ જવાબદાર હશે.

 ગુગલ પર પણ આ માહિતી છે , પણ માની લેવી મુર્ખામીભર્યું પગલું છે જે અમે ભર્યું. અમે જે અનુભવ્યું એ માહિતી હજી પણ મળતી નથી. સામાન્યરીતે વિદેશીઓને તેમના ટુર ઓપરેટર્સ આપી દે છે. 
રોજ ઘણાં વિદેશી ટુરિસ્ટ આવતા હોવા છતાં આ વિષે બહુ ઓછી  માહિતી છે. સૌથી મોટી ચૂક તો છે કે આ બ્રિજ સુધી પહોંચવાનો ટ્રેક એટલો દુર્ગમ છે કે કોઈ કાચી પોચી હેલ્થ ધરાવનાર તો જવાનું વિચારી ન શકે. છતાં, ઘણાં આંધળુકિયા કરી બેસે છે. વિના કોઈ સજ્જતા આ ટ્રેક કરવો બ્લડ પ્રેશર અને હાર્ટ પ્રોબ્લેમ ધરાવનાર માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

લગભગ પાંચસો વર્ષ પુરાણો માનતો આ બ્રિજ માત્ર અને માત્ર ઝાડની ડાળીઓ, મૂળ, થડ , ઝાંખરા ને વડવાઈથી આપમેળે બન્યો છે. મુખ્યત્વે બે જાતિના વૃક્ષોથી એક વડ ને બીજાં રબર ટ્રીઝ ,બાકી મોટી શિલાઓએ પણ આધાર બનવામાં ભૂમિકા ભજવી છે.હા, શક્ય છે વડવાઈઓ વાળવામાં કદાચ સ્થાનિક લોકોએ ભાગ ભજવ્યો હોય. આ સ્થાનિક લોકો એટલે મેઘાલયની એક જંગલપ્રેમી જાતિ ખાસી  .
 લગભગ 50 મીટર લાંબો , ને દોઢ ફૂટ પહોળો બ્રિજ લગભગ 500 માણસનું વજન ઝીલી શકે એટલો મજબૂત છે. જો કે આ વાત ત્યાંના લોકો કહે છે , એ વાતનું કોઈ પ્રમાણ નથી.

લિવિંગ રૂટ બ્રિજ એક પાસે છે , બીજો તેનાથી પણ દૂર. જોવાલાયક બ્રિજ એ જ છે. ડબલ ડેકર બ્રિજ. 
ટ્રેક લગભગ પાંચથી સાત કલાકનો છે. અલબત્ત, પહેલવાન જેવા લોકો માટે  . સામાન્ય તબિયત ધરાવનારે 7+ કલાક ગણવા  . બીજી મુખ્ય વાત નોર્થ ઈસ્ટ રાજ્યોમાં સાંજે ચાર વાગે દિવસ ઢળી જાય છે. એટલે ટ્રેક માટેનો સમય એ જ રીતે શિડ્યુલ કરવો જરૂરી છે. 

જો કે હવે જ્યાં બ્રિજ છે ત્યાં આદિવાસીઓ હોમસ્ટે આપતા થયા છે. પણ, એમની પહેલી પસંદગી વિદેશી હોય છે. ત્યાંના એક સ્થાનિકે કારણ જણાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો  . એમના કહેવા પ્રમાણે વિદેશીઓ ક્યારેય તેમના આવાસ જોઈને નાકનું ટીચકું ચઢાવતા નથી. ક્યારેય સ્પેશિયલ ફૂડની માંગ ન કરે. જે માંગો એ રકમ ચૂકવે, જે ખાવાનું આપો પ્રેમથી ખાય ને એમની સ્લીપિંગ બેગ ખોલીને પોઢી જાય , ને ઇન્ડિયન ટુરિસ્ટ ?
એ લોકોને એક એક વાતમાં વાંધો પડે. ખાવું , રહેવું  બધામાં ચીકાશ જ ચીકાશ  . અને સૌથી મોટું કારણ વિદેશીઓની ચોખ્ખાઈ , પોતાના ઘરની જેમ રહે. ક્યાંય ગંદકી ન કરે. ને ઇન્ડિયન ? પોતાના રોકાણની નિશાની તરીકે પ્લાસ્ટિકના રેપર્સ ,ખાલી બોટલ્સ બધું એમ જ છોડી દે. 

ખાસી કોમ સ્વચ્છતાની જબરી આગ્રહી છે. જે ગામમાં વીજળી ન હોય ત્યાં કચરાનું નામોનિશાન ન દેખાય  .
બસ, એ જ કારણે સ્થાનિક લોકોને ભારતીય ગમતા નથી.

રોકાણ તો કોઈ ઈરાદો હતો પણ નહીં એટલે અમે લંગડાતા પગે જેમતેમ કાર સુધી પહોંચ્યા તો ખરા. પણ, ત્યાં પહોંચતા સાથે જ પાણી લઇ લીધું અજાણ્યા ટ્રેક પર આમ ધસી ન જવું, કારણ કે શરીર તો એનો ધર્મ કરે જ ને , દિલનું તો કામ જ છે ન માનવાનું !! 



દિલ ચાહતા હૈ :
હમને ફૂલોં સે  ફેર લી નજર 
તુમ સે અચ્છે દિખાઈ દેતે થે 





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen