ચાલ એવા જંગલમાં જઈએ : કોર્બેટ પાર્ક ૨

કોર્બેટ નેશનલ પાર્કમાં એન્ટ્રી કરવા માટે અમે રાતવાસો કર્યો હતો નજીક આવેલા રામનગરની એક હોટેલમાં. રામનગરમાં ઠંડીનો ચમકારો જબરદસ્ત હતો. એક વાત સમજાઈ કે જંગલ વિસ્તાર રામનગર કસ્બા સાથે જ શરુ થઇ જાય છે. એટલે રામનગરની સીમમાં માંડ પાંચ છ કિલોમીટર દૂરી પર રિસોર્ટ્સનું જંગલ શરુ થઇ જાય છે. જે નેટ પર કોર્બેટ પાર્કની રિસોર્ટ લાગે પણ હકીકતે હોતી નથી, નામ ફેન્સી ,કોર્બેટ અને જંગલ સાથે જોડાયેલા હોય એટલે 500 કિલોમીટર દૂરથી બુકીંગ કરાવનાર બિચારા ટૂરિસ્ટ્સ માને કે આપણે તો જંગલમાં બુકીંગ કરાવ્યું છે. ત્યાં જઈને પરિસ્થિતિ સમજાય કે આ જંગલ નહીં બફર ઝોન કહેવાય એવા કસ્બામાં જ આ હોટેલ છે ,પણ કશું કરવાને લાચાર હોવાથી એક બે દિવસ 40 સિટર કેન્ટરમાં જઈને જંગલમાં આંટા ફેરા ને આશીર્વાદ કરી આવે, વાઘ તો શું હરણ કે શિયાળ જોવા મળે તો નસીબ. એ લોકો માને છે કે કોર્બેટમાં વાઘ જ નથી. 

અમે તૈયાર હતા સવારના નવ વાગે ,અમારે થોડી ફોર્માલિટી પતાવીને પાર્કમાં એન્ટ્રી કરવાની હતી. આ માટે મેનેજમેન્ટ અતિશય ચુસ્ત છે. આધાર કાર્ડ સાથે અન્ય પ્રુફ આપીને એન્ટ્રી મળે ને એક્ઝીટ માટે પણ ફોર્માલિટી પછી બહાર જવા મળે . એ પતાવીને અમે ખુલ્લી જીપમાં ગોઠવાયા. 

 અમે જયારે પાર્કમાં એન્ટ્રી કરી ત્યારે બપોરના બાર થવા આવ્યા હતા. 

રામનગરની ઠંડીને કારણે થયું હતું કે ન જાણે જંગલમાં શું હાલ થશે ? એક કારણ ઓપન જીપ પણ ખરી. ઠંડા પવનના સુસવાટા આંખ ને ગાલને સન્ન કરી નાખતા રહ્યા , પણ નહિવત સમયમાં એ પ્લેઝન્ટ લાગવા લાગ્યા.  બપોરે વાતાવરણ ખુશનુમા હતું. ટેમ્પરેચર હતું 15 ડિગ્રી. મુંબઈથી જતાં પૂર્વે વેધર ચેક કરેલી તો રાતનું તાપમાન હતું 4 ડિગ્રી ને દિવસનું 10 , એની સામે 15 ડિગ્રી ટેમ્પરેચર જાણીને મન પુલકિત થઇ ગયું. જિમ કોર્બેટ પાર્કમાં પ્રવેશવાના મુખ્ય ગેટ પાસે જ મ્યુઝિયમ છે. જેમાં સૌથી મોટું આકર્ષણ છે જંગલ એટ નાઈટ. દિવસે તો જંગલમાં ફરી શકાય પણ રાત્રે જંગલ કેવું હોય તેની કલ્પના જ કરવી રહી. એ તમને અહીં જોવા મળે. પણ, અમારે રોકાવાનું નહોતું કારણકે અમારે ઢીકાલા ગેસ્ટ હાઉસમાં ચેક ઈન કરીને બપોરની બે વાગ્યાની સફારી લેવાની હતી. જંગલના મુખ્ય ગેટથી ઢીકાલા પહોંચતા લગભગ કલાક, સવા કલાક થાય છે. અમારા માટે મિત્ર કૌશિક ઘેલાણીએ એક બે નહીં કુલ છ સફારી એડવાન્સ બુકીંગ કરાવી લીધી હતી. ત્રણ દિવસના સ્ટે માટે છ સફારી. સવાર સાંજ , સવારે 6.45 થી 9.45 અને બપોરે 2.00 થી 6.00 . 

એક સફારી માટે ભાવ છે રૂપિયા 5500. એટલે જો સફારીમાં કરકસર કરી તો વાઘ જોવાના ચાન્સ એટલા ઓછા. જો તમે લગભગ છ સફારી ,સારા ડ્રાઈવર અને ગાઈડ સાથે લો તો વાઘ જોવા ન મળે એ વાતમાં કોઈ માલ નથી. હા, પછી વાત નસીબ પર છે.


અન્યથા કોર્બેટ પાર્ક એટલો વિશાળ છે કે જો બફર ઝોન, ટુરિસ્ટ એરિયા ને કોર ઝોન સમેત ગણતરી થાય તો  વાઘની સંખ્યા છે 231 . આ સંખ્યા 2020માં ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે સંસદમાં આપેલી માહિતી  મુજબ છે. પણ, અમારા ડ્રાઈવર હારુનના કહેવા પ્રમાણે વાઘની સંખ્યા 250થી ઉપર છે . અમે જે ઝોનમા હતા તે ઢીકાલા ઝોનમાં નવથી વધુ વાઘ હતા જેમાં બે વાઘણ તો ફોટોગ્રાફર્સની માનીતી હતી. 

અમે અમારા ઉતારે પહોંચ્યા . ઢીકાલા સેલિબ્રીટીઓની માનીતી જગ્યા છે. એમાં ખાસ કરીને ઓલ્ડ ફોરેસ્ટ હાઉસ. જ્યાં પ્રિયંકા ગાંધી થી લઈને સૈફ કરીના ઉતરે છે . સૌથી વધુ તો વિઝીટ કરનાર છે દિલ્હીના વગદાર એવા અધિકારીઓ , ખાસ કરીને જજીઝ , હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના . એટલે ઓલ્ડ ફોરેસ્ટ હાઉસ કદી ખાલી હોતું જ નથી. અમને અકોમોડેશન મળ્યું હતું ન્યુ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ , એટલે કે ન્યૂ એફ આર એચ માં. સામાન્યરીતે સરકારી રેસ્ટ હાઉસમાં સુવિધા વિષે ઝાઝું વિચારવાનું ન હોય પણ અમારા  આશ્ચર્ય વચ્ચે  એકદમ સુઘડ રૂમ હતો. બેડ લિનન કોઈ હોટેલમાં હોય એટલા ચોખ્ખા ને નવા. એ બધું જોવાનો સમય નહોતો. ઝટપટ ચેક ઈન કરી લીધું , નીચે આવ્યા . ડાઇનિંગ લોજ સરસ છે. વિશાળ ને સુઘડ. સવારે નાશ્તામાં ખાધેલા આલૂ પરાઠા પચી ગયા હતા. ભૂખ તો કકડીને લાગી હતી પણ હાથ પર સમય જ નહોતો. બહાર અમારી રાહ જોઈ રહ્યો હતો અમારો ડ્રાઈવર હારુન અને ગાઈડ વિજય. 

ઢીકાલા FRH (ફોરેસ્ટ રેસ્ટ હાઉસ) માં  એક સગવડ કેન્ટીનની પણ છે. ક્વિક બાઈટ કે ફક્ત ચા પીવી હોય તો કેન્ટીનમાં વ્યવસ્થા છે. ઠંડી તો હતી જ એટલે અમે મેગી નુડલ્સ ને ચા સાથે લંચ કરી લીધું. હવે ભાગવાનું હતું. જંગલમાં કોઈ પણ પ્રકારની ખાદ્યસામગ્રી લઇ જવા પર નિષેધ છે. મોટાભાગના લોકો એ નિયમ માને છે. છતાં ચાનો ફ્લાસ્ક લગભગ તમામ જીપમાં  જોવા મળે. અફાટ  જંગલની વચ્ચોવચ્ચ દૂર હરિયાળા ડૂંગર પર છવાયેલ  ઘટ્ટ વનરાજી અને બીજી તરફ વહી જતી રામગંગા નદીને જોતાં જોતાં ગરમ ગરમ મસાલા ચાયની ચુસકીનો આનંદ અવર્ણનીય છે. અમે એમાં થોડી વધુ છૂટ લીધી ને સાથે મુંબઈથી લઇ ગયેલા થેપલા ને પાપડી ગાંઠિયાનું પેકેટ પણ સાથે લઇ લીધું હતું. 

ને પહેલી જંગલ સવારી શરૂ થઇ અમારી.

ક્રમશ :

Comments

Popular posts from this blog

યે વાદીયાં બુલા રહી હૈ હમેં

ઝીલ કે ઉસ પાર..

ચલ કહીં દૂર નિકલ જાયેં...