ચાલ એવા જંગલમાં જઈએ : કોર્બેટ નેશનલ પાર્ક 3

સામાન્યરીતે જંગલ સફારી માટે વધુ ઉચિત મનાતો હોય તે સમય ઉનાળો  છે. કારણ છે ગરમી. ભારતભરના  અભ્યારણોમાં વાઘ , સિંહ કે પછી કોઈપણ પશુ પંખી જીવ જંતુની ગતિવિધિ વધી જાય છે. તરસ તો સહુને લાગે. એટલે ઉનાળાના સમયમાં પાણીના સ્ત્રોત જેવાકે તળાવ, નદી પાસે આ પ્રાણીઓની અવરજવર વધી જાય છે. અમે જે સીઝનમાં હતા એ તો હતો શિયાળો ને પાછી ઠંડી કહે મારું કામ. 

અમે  પહોંચ્યા એવા જ સફારી માટે નીકળવાનું હતું. ઢીકાલામાં સવાર અને બપોર એટલે કે દિવસના બે વાર સફારી માટે ફાળવાયા છે. એ સિવાય કોઈપણ વ્યક્તિ  લોજનો ગેટ  ક્રોસ કરી ન શકે. એ પ્રતિબંધનું કારણ અમને બીજા દિવસે સમજાયું. અમે અમારા મિત્રની સલાહ માનીને ત્રણ દિવસમાં છ સફારી બુક કરી હતી. બપોરની સફારી હતી 1.45 થી 5.45 સુધી. ભૂખ તો કકડીને લાગી હતી પણ હાથ પાર સમય નહોતો કે લંચ કરી શકાય. એટલે કેન્ટીનમાં જઈને મેગી ને ચાથી કામ ચલાવી ઝટપટ ખુલ્લી જીપમાં ગોઠવાઈ ગયા. 

અમારી સાથે હતા ડ્રાઈવર હારુન અને ગાઈડ વિજય. હારુન જંગલનો આબાદ જાણકાર હતો. ગાઈડનું કામ હતું બાઇનોક્યુલરથી નજર રાખવાનું, કોલ જાણવાનું. જંગલનો કોલ પણ જોવા સાંભળવા જેવો છે. જે ટાઇગરની હિલચાલ સૂચવે છે. જ્યાં જુઓ ત્યાં હરણાં શાંતિથી ચરી રહ્યા હતા.એમને ફરી રહેલી જીપ અને તેમાં રહેલાં માણસોનો ખોફ લાગતો હોય એવું લાગ્યું નહીં. પણ આ જ હરણ જયારે ચરતાં ચરતાં અચાનક થંભી જાય ,તેમની પૂંછ  અને કાન ટટ્ટાર થઇ જાય એનો અર્થ કે એ કોઈક સંકેત પામી ગયા છે. એ સંકેત કે વાઘ નજીકમાં છે. બાકી હોય તેમ વાનરો પણ પોતાના અન્ય મિત્રોને સાંકેતિક ભાષામાં ચેતવવાનું ચાલુ કરે. 

ઢીકાલામાં વાનરોનો પાર નથી. પણ હવે એ બધા શહેરી થઇ ગયા હોય તેમ જંગલમાં ઓછું ને ગેસ્ટ હાઉસની આસપાસ વધુ રહે છે.તમારા હાથમાં કે જીપમાં જો કોઈ ખાદ્ય પદાર્થ ,ફળ હોય તો ખલાસ. તમને ખ્યાલ આવે એ પહેલ એ આંચકી જાય. હરણ પણ ગેસ્ટ હાઉસની આસપાસ ચરતાં  ફરતાં રહે, એટલે વાઘ ઘણીવાર ગેસ્ટ હાઉસના કમ્પાઉન્ડની બહાર સુધી પહોંચી જાય છે. હવે સમજાયું કે રેસ્ટ હાઉસની બાઉન્ડરી કેમ નિયત કરી છે.  હતા ત્યારે જ ઘણાં લોકોએ વાઘના દર્શન કરી લીધા હતા. બિલકુલ ગેટ પાસે જ. જે અમારા રૂમની બારીમાંથી દેખાતો હતો. એટલે જો ખબર પડી હોત તો રૂમમાંથી એ અલભ્ય સીન જોવા મળી શકતે, પણ ન થયું. રેસ્ટ હાઉસની આજુબાજુ હરણાંના ઝુંડ ઘણાં જોયા એટલે સમજાયું કે વાઘ શા માટે માનવવસ્તી પાસે ડોકાયો હશે. 

 જો કે વાઘને શિકાર  માટે મોટાં એટલે કે સાંબર જેવા પ્રાણી વધુ પસંદ આવે પણ ન મળે તો હરણ પણ ચાલે. કોર્બેટમાં હરણની પણ ત્રણ ચાર પ્રજાતિ જોવા મળે. એક તો ચિતલ એટલે કે આપણે જે હરણ કહીએ એ , બીજા સાબા એટલે કે હોગ ડિયર , સાંબર જે કદમાં ખાસ્સું મોટું હોય અને કક્કર એટલે બાર્ક ડિયર , જે હોય તો નાનું પણ કૂતરાની જેમ ભસે એવું પેટમાંથી કે આખા વનમાં સહુ કોઈ પ્રાણીને સમજાય કે વાઘ નજીક છે. 

અમારી જીપ કલાક સુધી જંગલને ચીરતી કલાક સુધી ઘૂમતી રહી અને અચાનક સહુ સાબદા થઇ ગયા. ચારે દિશામાંથી જીપ એક દિશામાં ભાગવા માંડી . અમારા ગેસ્ટ હાઉસની પાછળ જ  બધી જીપ જઈને થોભતી હતી. માથા ઊંચું ઘાસ સુકાઈ ચૂક્યું હતું એટલે તેમાં જરા સરખી થતી હલચલ ને અવાજ પામીને વાનર અને બાર્ક ડિયરે ગોકીરો મચાવેલો. ત્યાં જતાંવેંત ખ્યાલ આવ્યો કે 'કિલ' થયું છે. જંગલની ભાષામાં શિકારને કિલ કહેવાય છે. અમે પહોંચ્યા ત્યારે વાઘણે શિકાર કરી નાખ્યો હતો પણ બેઠી હતી શિકાર પાસે ઘાસમાં. જે સીન જોવો ખરેખર લ્હાવો છે એમ જાણવા મળ્યું. હવે બીજા બે દિવસ વાઘદર્શનના ચાન્સ વધી જતા હતા. કારણકે આ વાઘણ કે ગ્રાસલેન્ડવાલીના નામે ઓળખાતી હતી તેને ત્રણ બચ્ચાં હતા. ક્યાં તો એ શિકારને તાણીને બીજે સ્થળે લઇ જાય કે પછી એ ને એના બચ્ચા અહીં બેસીને જ ઉજાણી કરે. 

આ થયો પહેલો બનાવ. જ્યાં શિકાર થાય ત્યાં શિયાળથી લઇ ગીધ ને જંગલી બિલાડાં ,વરુના આંટાફેરા વધી જાય . એટલે દર્શન થયા આ બધાના . કોર્બેટમાં હાથીની વસ્તી પણ મોટા પ્રમાણમાં છે. એ ખ્યાલ આવે દૂર ફરતાં ઝુંડ  પરથી. માનવ વસ્તીથી દૂર રહેનાર હાથીને રોહિણીના  ભાવે છે. જ્યાં જુઓ ત્યાં એ ડાળીઓ તૂટેલી જોવા મળે જેના પરથી ખ્યાલ આવે કે  હાથી પસાર થયો હશે. કોર્બેટ પાર્ક સૌથી વધુ રોહિણી અને સાલ સાગના વૃક્ષોથી આચ્છાદિત છે. રોહિણીની ઓળખ ન થઇ હોય તો આપું, રોહિણી એટલે એ વૃક્ષ જેના બીજમાંથી સિંદૂર બને છે. હનુમાનજી થાય તે સિંદૂર. એ હાથીભાઈઓને બહુ ભાવે. વનરાજીનો વૈભવ આંજી દેવા પૂરતો છે પણ મોટાભાગના લોકો વાઘ વાઘ કરીને આ સુંદરતા જોવાનું ચુકી જાય છે. 

કોર્બેટ, એમાં ઢીકાલા માત્ર પ્રાણીઓ માટે જ નહીં બર્ડ વૉચિંગ માટે પણ ઉત્તમ પર્યાય છે. કોર્બેટ પાર્ક પક્ષીપ્રેમી માટે સ્વર્ગ છે. અમે ઘણાં પક્ષીઓ જોયા જેમાં ઘણાં નામ સાંભળ્યાં પણ નહોતા. પણ, દેખાવ એટલા અદભૂત કે એમના નામ શોધવા એક રસપ્રદ રમત બની રહી. 

કોર્બેટમાં ડાર્ટર , પાંચ છ પ્રકારના ઇગલ , ગીધ , ઘુવડ ,લાલ ઘુવડ, ગ્રીન હેરો જેને હરા બગલા કહે છે તે, બગલા ,લક્કડખોદ (વુડપેકર) , પોપટ ,ડ્રોન્ગો (અંગારક) ,ગ્રીન પીજન (હરિયલ) ,મોર જોઈને મન ખુશ થઇ ગયું. 

અહીં ખાસ આભાર તો હયાત નથી એ મિત્ર ભટોળ ભાઈનો. થોડાં વર્ષ પૂર્વે પાલનપુર ગઈ હતી ત્યારે ત્યાં આવેલ જેસોર સ્લોથ બેર સેન્કચ્યુરીની મુલાકાતે અમને લઇ ગયા હતા. ત્યાં ફોરેસ્ટ લોજમાં ડિનર કર્યું હતું. એ હોલમાં પક્ષીઓના અંગ્રેજી નામની સામે ગુજરાતી નામ લખેલા હતા. એનો ફોટો ક્લાઉડમાં સચવાયો હતો. એ જોઈને જેટલા ગુજરાતી નામ મળ્યા તે આજે કામ લાગ્યા છે.

કોર્બેટ નેશનલ પાર્કનો વિસ્તાર અતિ વિશાળ છે. પણ અમારી પરમિટ માત્ર ઢીકાલા ક્ષેત્ર પૂરતી જ સીમિત હતી. કોર્બેટમાં આ પરમિટનું ચક્કર ભારે છે. એક ઝોનની પરમિટ હોય તો બીજા ઝોનમાં ન જઈ શકાય,  પરંતુ જાણવા મળ્યું એ પ્રમાણે ઢીકાલા સૌથી સુંદર ઝોન છે. એનું કારણ એ કે પહેલા તો એ એકમાત્ર જંગલમાં કહી શકાય એવો ઝોન છે. બીજું કે જંગલના હાર્દમાં હોવાથી તથા ડુંગર ,નદી ને સરોવર વચ્ચે આ જંગલનું સામ્રાજ્ય એટલે વણબોટ્યું છે કારણકે એમાં કોઈ માનવ અવરજવરને અવકાશ નથી. કોઈ પણ ટુરિસ્ટ જીપમાંથી નીચે પગ ન મૂકી શકે. ત્યાં કોઈ માનવવસ્તી નથી. જયારે બીજા ઝોન બફર ઝોન છે. જ્યાં સ્થાનિક વસ્તીને નિવાસ માટેની પરવાનગી છે. 

આ વિસ્તારમાં તમામ પ્રકારના હરણાં ચરતાં રહે છે. લંગુર એમના દોસ્ત. બાર્કિંગ ડિયર પણ ભસે એટલે સાવધ થઇ જાય. 

હવે અમારે પહોંચવાનું હતું સામે કિનારે. રામગંગા નદી સામાન્ય રીતે બે કાંઠે વહેતી હોય તેવું ચોમાસા સિવાય બનતું નથી. નવેમ્બર મહિનામાં પાર્ક ખુલે ત્યારે પણ નદીમાં પાણી ઓછું થઇ ગયું હોય. પણ, આ વર્ષે થયેલી વર્ષાએ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ઢીકાલાનો 30ટકાથી વધુ ભાગ પાણી હેઠળ  હતો. કદાચ એ પણ કારણ હતું વાઘની અવરજવર વધુ હોવાનું. અન્યથા વાઘને ભ્રમણ કરવા કોઈ સીમિત રેખા  નથી. અમે જયારે પાર્કની મુલાકાત લીધી ત્યારે રામગંગા નદી બે કાંઠે અડીને વહેતી હતી . હા, પાણી ઓછું હતું એટલે પથ્થર દેખાઈ રહ્યા હતા તેની પર જીપ દ્વારા  અમારે સામે કિનારે જવાનું હતું. ત્યાં એક પટ પર તો લાકડાનો કામચલાઉ પુલ બનાવાયેલો હતો. આ પુલ દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જાય છે. એટલે વરસાદ ને નદીના વહેણ કેવા જોરદાર હશે માત્ર અનુમાન કરવાનું રહે. વરસાદની ઋતુ દરમિયાન કોર્બેટ પાર્ક બંધ કરી દેવામાં આવે છે. એટલે કે જૂન મહિનાથી આ પાર્કમાં ગણ્યાગાંઠ્યા  વન અધિકારી ,કર્મચારી સિવાય કોઈ પ્રવેશ કરી શકતું નથી. પાર્ક ખુલે નવેમ્બરમાં . ત્યારથી જુમલો થાય વનપ્રેમી અને ફોટોગ્રાફર્સનો. 

અમે ગ્રાસલેન્ડમાંથી પહોંચ્યા રામગંગા નદીના બીજે કિનારે. એ અનુભવ જ આલ્હાદક હતો. સ્વચ્છ ભૂરાં આકાશના પ્રતિબિંબથી અને સૂર્યના પ્રકાશમાં નદી આકાશી સોનેરી રંગની લગતી હતી. વળી કેસરી રંગ ગહેરાતો જતો હતો. અમે નદી ક્રોસ કરીને સામે પાર પહોંચ્યા ,જ્યાં હાથીનું ઝુંડ મળ્યું. સાંબર , ચિતલ તો આખા વનમાં ફરતાં મળતા હોવાથી હવે નવાઈ નહોતી રહી. નાનાં શિયાળ પણ દોડાદોડી કરીને ઝાડીમાં સરકી જતા હતા. જ્યાં શિકારની મબલક તક હોય ત્યાં વાઘની વસ્તી ન હોય એવું બને ?

માત્ર વાઘથી જ નહીં આ ગભરુ પ્રાણીઓએ તો જંગલમાં સ્થળ જળ બધે સાચવવાનું. વિશાળ રામગંગા નદીના કિનારે અમે સન બાસ્કીંગ કરી રહેલા ઘડિયાલ જોયા. મગરમચ્છ તો છે પણ  ન મળ્યો. પણ, આ ઘડિયાલ એટલે કે એલિગેટર ,લાંબા મોઢાવાળા મગરની વસ્તી પણ સારી. 

આપણે ત્યાં જોઈ તે હતી ગ્રાસલેન્ડવાળી , અહીં રહે છે પારવાલી ... અમારા ગાઈડે જણાવ્યું. સામાન્યરીતે કોઈપણ અભ્યારણ્યમાં વાઘ કે વાઘણ હોય તેના નામ અચૂક હોય છે. જેમ કે રણથંભોરની પ્રખ્યાત એવી મછલી. એ એટલી બધી ફ્રેન્ડલી હતી કે કદાચ સો ફોટોગ્રાફ્સમાંથી 80 તો એના જ હશે. જોકે રણથંભોરના ઘણાં બધા વાઘ લોકોમાં જાણીતા છે. જેમ કે ઉસ્તાદ,માલા ,સિતારા,સુલતાન, જાલિમ એવી જ રીતે તાડોબાના  માયા ,સોનમ ને અમિતાભ ફેમસ છે. કોર્બેટની ફેમસ છે ગ્રાસલેન્ડવાલી  ને પારવાળી . નદીને પર રહેતી હોવાથી પારવાળી . જોવાની ખૂબી એ છે કે નામ રાખવામાં કોર્બેટ પાર્કના અધિકારીઓ ભારે નિષ્ક્રિય લાગ્યા. ગ્રાસલેન્ડવાળીને એક ચાર વર્ષની દીકરી પણ છે. એને ફક્ત બેટી કહીને લોકો સંબોધે છે. એનું નામ હજી રાખ્યું નથી. વળી ત્રણ મેલ કબ , એ પણ બે અઢી વર્ષના થવા આવ્યા તેમના પણ નામ હજી રાખ્યા  નથી. સામે પારવાળી ને એક નહીં ત્રણ ફિમેલ કબ હતા. હવે ત્રણે વાઘણ જુવાન થઇ ગઈ હશે. એવું અમારા ડ્રાઈવરે જણાવ્યું. આ વર્ષે નવેમ્બરથી પાર્ક ખુલ્યો છે ત્યારથી પારવાલી ગાયબ છે. 

જયારે આ જાણ્યું એટલે પહેલો પ્રશ્ન થયો કે રણથંભોરની જેમ અહીં પણ પોંચિંગ ચાલતું હશે ? પણ, એવી શક્યતાઓ ડ્રાઈવરથી લઈને ગાઈડ અને ક્વોરા પણ નકારે છે. હકીકતે વાઘનો અંજામ માત્ર શિકારી નહીં પણ વાઘ પણ હોય છે. આ પ્રાણીમાં ટેરિટોરીઅલ ઇન્સ્ટિંક્ટ એટલી બધી જાલિમ હોય છે કે અન્ય કોઈ લાગણીને સ્થાન નથી. લોકોનું માનવું છે કે પારવાળીને એની કોઈ દીકરીએ જ મારી નાખી. ગ્રાસલેન્ડવાલીના બચ્ચાં મોટાં થાય એટલી ,એકાદ વર્ષની વાર બાકી ત્યાં પણ આવા  જ પ્રોપર્ટીના ઝગડા થવાના .

અમને કુતુહલ હતું કે વાઘનો તો પોતાનો ધર્મ બજાવે છે પણ આ ક્બનો પિતા કોણ હશે ને ક્યાં હશે ? અમારા આશ્ચ્રર્ય વચ્ચે જાણવા મળ્યું કે એ તો કોર જંગલનો વાસી છે. ન તો કોઈએ એને જોયો છે ન એને વિષે કોઈ જાણ છે. એનું નામ મસ્તફકીર સિવાય કઈ હોય જ ન શકે. પણ, એને કોઈ જુએ તો નામ આપે ને. 


અમારા ત્રણ દિવસ ક્યાં પુરા થયા ખબર જ ન પડી. ત્રણ દિવસમાં થયેલી જંગલયાત્રા એ મહાન ફિલોસોફી શીખવી મોમેન્ટ ટુ મોમેન્ટ જીવવાની. અલબત્ત , આ પહેલાં ઘણી જંગલ સફારી કરી છે પણ  વખતે આ બોધ થયો એ કદાચ ઉંમરની અસર હોય કે પછી જોયેલું 'કિલ' . અમારા ડ્રાઈવરે આ જંગલ ફિલોસોફી એક બે વાક્યમાં સમજાવી દીધી. હરણનું ટોળું હંમેશ સાથે રહે ખરું. પણ, સર્વાઇવલ ઓફ ફિટેસ્ટના ન્યાયે ક્યારેક તો શિકાર થઇ જાય તો લાઈફ  મસ્ટ ગો ઓન. કોઈ શોક નહીં.. એક નવી સવાર. જંગલના દરેક જીવ પોતપોતાની ફિલસુફી સાથે જીવે છે. વાઘની ફિલસુફી પાછી જુદી. એ ભૂખ્યો ન હોય તો શિકાર ન કરે. એકવાર શિકાર કર્યા પછી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એ ઝાઝી મહેનત ન કરે. માણસજાતની જેમ નહીં કે ભરો ભરો ભરો કાલ કોને દીઠી છે ! જંગલમાં રહેવાથી પ્રકૃત્તિની ફિલસુફી સાથે સહમત થઇ જવાય . એટલું જ નહીં ક્ષણિક વૈરાગ્ય પણ આવી જાય. કદાચ વાનપ્રસ્થાશ્રમ પ્રથા એ માટે જ હશે ?

પણ, આ મનોસ્થિતિ લાંબી ન ટકે. જંગલની બહાર આવીને સીધા દિલ્હી પહોંચવાનું હતું. રામનગરમાં ટેક્સી અમારા માટે આવી ગઈ હતી. જેવા જંગલની બહાર નીકળ્યા એટલે ખ્યાલ આવ્યો કે આજે તો ઉત્તરાખંડમાં ઈલેક્શન છે. ઉત્તર પ્રદેશમાં બીજા ફેઝનું મતદાન હતું. ટેક્સીવાળો ઉત્તર પ્રદેશનો હતો. એટલે \. જંગલ ધુમ્મસની માફક ઓગળી ગયું અને શરુ થઇ ગઈ ...ફિર વોહી રફ્તાર....

સમાપ્ત 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen